Search This Blog

27/06/2018

સાપ નીકળ્યો


'એ એએએ... સાપ નીકળ્યો... સાપ નીકળ્યો... ઓ મ્મા રે..! મારો... કોઈ મારો...' આખી સોસાયટીમાં

''સુઉં વાત કરો છો... ઈ તો હવારના ઘરમાં જ છે... બા'ર નીકર્યા જ નથી'' મારી પત્ની મારૂં સમજીને ખુલાસો કરવા ગઈ. પહેલા તો કોઈએ એનું માન્યું નહિ કે, 'ભાભી જુઠ્ઠું બોલે છે... એમનો ગોરધન ચોક્કસ બહાર નીકળ્યો હશે...  એ વિના આટલી હોહા...!'

ગામડાં તો ઠીક, હવે શહેરની બહાર ફાર્મ-હાઉસીસ લઈને રહેનારાઓ માટે સાપ નીકળવો મોટી વાત નથી. લગભગ રોજ નીકળતા હોય ને એમની મેળે જતા રહે.

મારતું કોઈ નથી. પણ શહેરમાં ક્યાંક સાપ નીકળે, એ લોકોના ટોળા ભેગા કરવાની મોટી ઘટના છે. આમે ય, ફિલ્મો સિવાય રૂબરૂ તો સાપ ભાગ્યે જ જોયો હોય. જેણે જોયો હોય, એ ઑથોરિટીથી વાત કરે.

''અરે... આઠ-નવ ફૂટ લાંબો હતો... મેં સગ્ગી આંખે જોયો...!'' બીજો એનો રંગ પૂછે, ''બ્લૅક હતો? બ્લૅક હોય તો એ સાપ ના હોય, કોબ્રા એટલે કે નાગ હોય!'' ત્રીજો વળી ત્રીજી જ વાત લાવે, ''એને મોંઢા કેટલા હતા? પૂંછડી ઉપર ખંજરી જેવું કાંઈ વાગતું હતું?''

''મને તો આમાં મોદીનો હાથ લાગે છે... ભાજપના રાજમાં સાપ ના નીકળે તો શું હજાર-હજારની નૉટો નીકળે?''

''
'ઈ હવે જરા છાનું રહે... તારા ફ્લૅટમાંથી રાહુલ જેટલું બચોળીયું ય નીકળતું નથી... છાનું રહે...!''

''
અલ્યા મારી રાયફલ લાય તો...!'' બધામાં એક કાઠીયાવાડી બાપૂ ય હતા.

એ વાઇફ સિવાય કોઈની ય ઉપર ગુસ્સે થાય, ત્યારે રાયફલ કાઢવાની લુખ્ખી આપે. કારગિલ વખતે ય સોસાયટીની બહાર ઊભા ઊભા રાડું પાડતા હતા, ''કોઈ મારી રાયફલ લાવો.... પાકલાઓના (પાકિસ્તાનીઓના) ઢીંઢા ભાંગી નાંખુ...!'' કોઈકે વળી એમને શાંત પાડયા કે, ઘરમાં રાયફલ તો ઠીક, દૂધી છોલવાની છરી ય નથી, ત્યારે એ શાંત પડયા ને એમાં આખું પાકિસ્તાન બચી ગયું.

અમારા દસ-બાર બંગલાની સોસાયટીમાં ૩-૪ તો ફ્લૅટ્સ છે. સાપ એક બંગલાના કમ્પાઉન્ડના ખૂણામાં દેખાયો હતો. દેખાવમાં એ બંગલાના બધા મૅમ્બરો બિલકુલ માણસ જેવા દેખાય છે, પણ સાપ નીકળ્યો, એમાં બધા મદારી જેવા બની ગયા.

મદારી પણ માણસ હોય, પણ આ લોકોના લક્ષણો ય મદારી જેવા થવા માંડયા. ઘરમાં મદારીઓવાળી ડૂગડૂગી તો હોય નહિ, એટલે ઘરના વડીલ વેલણથી થાળી વગાડવા માંડયા. કાકીને પરણે ૫૦-પૂરા થયા આવ્યા હતા, એટલે લાઇફમાં આવા તો હજારો સાપો જોઈ લીધા હોય. એ ડર્યા નહિ અને ઉપરથી કાકા ઉપર ખીજાયા, ''આમ શું ઊભા ઊભા થાળા વગાડો છો... જાઓ ને કાળોતરાને પકડી લો...'' ઘરનો યુવાન પુત્ર તદ્દન પતલો અને ઊભો હોય તો સાપના આકારના લાગે, પણ હિંમતવાળો બહુ! એણે કમ્પાઉન્ડના ઝાંપે આવીને બૂમો પાડવા માંડી, ''એ સાપ નીકળ્યો છે... બધા જલ્દી આવો... કોઈ પકડી લો...!''

''
કોઈના ઘેર બિન છે? બિન વગાડો તો ભલભલો સાપ બહાર આવે ને ડોલે ય ખરો...''

''
અરે ભ', તારા માટે સાપનો ટોપલો મંગાઉં? ફૂટપાથો ઉપર ફરીફરીને ખેલ બતાવવા છે? અહીં કોઈને બારણું ખખડાવતા ય આવડતું નથી ને તારે બિન વગડાવવું છે? ... સીધો 'સુંદરવન' ફોન કરો. એ લોકો પકડી જશે.''

ગભરાયેલા બધા હતા. કહેવા કોઈ માંગતું નહોતું. કોક ચપ્પુ લઈ આવ્યું તો કોઈ ધારીયું! આ જમાનામાં ચપ્પા ને ધારીયો તો ક્યાંથી કાઢવા, પણ બે-ત્રણ શસ્ત્રો મહત્ત્વના હતા. અમારી સામેવાળા બા'મણ ભ'ઈ બૉક્સિંગ-ગ્લૉવ્ઝ પહેરીને, ''ક્યાં છે...? ક્યાં છે..?'' કરતા બન્ને પગે ઠેકડા મારતા આવ્યા, તો એમના ધર્મમાં હિંસાનો બાધ હોવાથી શાહ સાહેબ ફક્ત નવકાર મંત્ર બોલતા બોલતા આવ્યા. ત્રિવેદી-અન્કલ પાસે શસ્ત્રોનો એવો કોઈ જથ્થો નહિ, એટલે એ સાયકલની જૂની ટયુબ હવામાં ઘુમાવતા આવ્યા.

પબ્લિક ભેગું થતું જતું હતું. ઠક્કર સાહેબ એમના ઘરના માળીયામાંથી તાબડતોબ શોધીને 'સાપ પકડવાની સરળ પધ્ધતિઓ' નામની કાચા પૂંઠાની ચોપડી લઈ આવ્યા.

વાય.વાય. યાજ્ઞિકે સહેજ ચીડાઈને કહ્યું, 'મેં તો સોસાયટીની કારોબારીમાં પ્રસ્તાવ મૂક્યો જ હતો કે, 'સૉસાયટીમાં કૉમન-ખર્ચે ત્રણ-ચાર નોળીયા પાળો... સાપ-નોળીયાને બાપના માર્યા વેર હોય... નોળીયો ભલભલા સાપને પકડી પાડે, પણ મારૂં કોઈ સાંભળે તો ને?'

''યૅક્ઝૅક્ટ કિદર છીપા હૈ?'' નાયરે પૂછ્યું. આર.કે. પટેલે પોતાના ખિસ્સા ફંફોસતા કહ્યું, ''જો ભ', મારી ઉપર ડાઉટ નહિ લાવવાનો... જોઈ લો ખિસ્સા!'' (આર.કે. એટલે 'રાજ કપુર' જેવું કોઈ જાણિતું નામ નહિ... આર.કે. એટલે રૂઘનાથભ'ઈ ખોડાભ'ઈ!) દુનિયાભરના 'રમેશ પટેલો' આવા છસ્સો વર્ષ પુરાણા નામના બદલે 'આર.પી.', 'આર.એલ.' કે 'આર.જી' નામોથી ઓળખાવવાનું પસંદ કરે છે... આ તો એક વાત થાય છે!) આખી સોસાયટીની ભેગી થયેલી સ્ત્રીઓ સાપ પકડવાને બદલે લવારા બહુ કરતી હતી.

''આ સાપ લોકો રહેતા ક્યાં હશે?'' એક મહિલા જેવી દેખાતી મહિલાએ પૂછ્યું. જવાબમાં ભીડમાંથી કોક બોલ્યું ય ખરૂં, 'આપણી પાસે સાપનું બિઝનેસ-કાર્ડ નથી... સૉરી!' બીજીએ બધાને બીવડાવતા કહ્યું, 'અલી, આમાં તો બહુ ધ્યાન રાખવું પડે... મોટા ભાગે તો આવા સાપો શાકસબ્જીની થેલીઓમાંથી નીકળતા હોય... થેલી દૂરથી જ ખાલી કરવી!' એ બધીઓ પાછી પોતપોતાના ભાગે આવેલા ગોરધનોની કોણી ખેંચીને છપછપ અવાજે કહે ય ખરી, ''જો, તમે બહુ ડાહ્યા થવા ના જતા... મૂવો પકડાવાનો હશે તો પકડાશે... તમને તો પાછો સાપ પકડવાની પ્રૅક્ટિસ બી નથી..!''

એ બંગલાના જે ખૂણામાં સાપ છુપાયો હોવાની દહેશત હતી, ત્યાં બધા વાંકા વળી વળીને જોતા હતા. કેટલાક દૂર ઊભા ઊભા સાપ સાંભળે નહિ, એમ એને બીવડાવવા 'છુછ... છુછ' કરતા હતા. એવામાં પાણીની ટાંકી પાછળ સાપની પૂંછડી દેખાઈ. 'એ રહ્યો... એ રહ્યો... મારો સાલાને..!' કોણ બોલ્યું એ ખબર નથી, પણ કોક બોલ્યું ખરૂં. સ્ત્રીઓમાં ચીસાચીસ થઈ. બાળકો એમ કાંઈ ઘેર જાય? પણ એમના પપ્પાઓ (ભાગે પડતા આવેલા પપ્પાઓ) ધીમે રહીને એક પછી એક રવાના થવા માંડયા.

બંગલાવાળા ડોહાએ ખીજાઇને બધાને ખખડાવવા માંડયા, 'એરે ભાગો છો શું? જુઓ... પેલો બહાર નીકળ્યો છે... ઓહ... કોઈ પકડો એને... જલ્દી... જલ્દી!'

રસ્તા ઉપર કોઈ લારીવાળો જતો હતો, એને વહાલથી બોલાવીને 'રીલાયન્સ'માં ઑર્ડર મૂકતા હોય એમ શાહભાઇએ ઓફર મૂકી, ''ઓ ભ'ઈ... આ જરા સાપ પકડીને બહાર ફેંકી દે ને... પાંચ રૂપીયા આપીશ...' આવી તોતિંગ ઑફર સાંભળવા પણ લારીવાળો ન રોકાયો. શાહે સોસાયટીના સેક્રેટરી ત્રિવેદીને પૂછી જોયું, ''...ખર્ચો સોસાયટીમાં નાંખવાનો હોય તો પેલાને પચ્ચી રૂપિયામાં પટાવી દઉં...''

''બોલો... પચાસ મને આપશો, તો હું પકડી લઉં?'' ત્રિવેદીએ ઉદાર પ્રસ્તાવ મૂક્યો આટલામાં તો મારામારી થઈ જાત... ન થઈ!

સદરહૂ સાપ ગભરાઈને ટાંકી પાસે પડયો રહ્યો હતો. એમાં પહેલી વાર ગભરાયા વગર મારી વાઇફે ઝાંપા પાસે જઈને સાપ સાથેની દસ-પંદર સૅલ્ફીઓ ખેંચી નાંખી. બીજી બધીઓ ય જોડાઈ, 'એ આપણે સાપ સાથે ગ્રૂપ ફોટો લઈએ... 'ફેસબૂક'માં આજે જ મુકી દઈશું...' અલબત્ત, સૅલ્ફી લેવામાં સાપ પાછળ હોય ને બેનનું મોઢું આગળ હોય, એટલે ગભરામણના માર્યા સ્માઈલ કોઈ આપી ન શક્યું.

સાપને તો ઝૂ વાળા લઈ ગયા... પણ શાહ સાહેબને નાનકડો આઘાત ચોક્કસ લાગ્યો કે, 'આમ મફતમાં એ લોકો સાપ લઇ જાય, એને બદલે આપણને વ્યાજબી ભાવ ના આલવો જોઈએ?'

સિક્સર
આખી દુનિયામાં ઇંગ્લિશ બોલતો સૌથી મોટો દેશ અમેરિકા છે... ચોંકતા નહિ, બીજા નંબરે ભારત છે... પણ ભારતમાં ગુજરાતનો નંબર કયો આવે, એ તમારે હસ્યા વિના ધારી લેવાનું!

1 comment:

મનહર શુકલ said...

એક મહિલા જેવી દેખાતી મહિલાએ પૂછયું ----આ વાકય અદભૂત છે. રમેશ પટેલની કોમેન્ટ ગમી.