Search This Blog

08/08/2018

ઍનકાઉન્ટર : 05-08-2018


* લવ, વૉર અને હવે પોલિટિક્સમાં જીતવા માટે ગમે તે કરી શકાય ?
-
આ ત્રણેમાં હૃદયની જરૂરત પ્રેમમાં જ પડે છે.
(
જીતેન્દ્રકેલા, મોરબી)

* તમને એક ખૂન માફ મળે, તો કોનું કરો ?
-
હું આત્મહત્યા તો નહિ જ કરૂં.
(
જયેશ અંતાણી ભાવનગર)

* આપણે ૨૧-મી સદીમાં ક્યારે જવાનું છે ?
-
બોલો ને.. આજકાલ તો મારી પાસે ટાઈમ જ ટાઈમ છે.
(
જગજીવન મેતલીયા, ભાવનગર) અને (ચેતન પટેલ, નાસિક)

* તમને કેવા કાવ્યો ગમે ?
-
આવા... યુવા કવિ ભાવેશ ભટ્ટ લખે છે એવા...
'
જેમાં આખું પુરાણ છે મિત્રો, એ નિસાસાની જાણ છે મિત્રો ?
મંચ પરથી નીચે ઉતરવું તો, ખૂબ કપરૂં ચઢાણ છે, મિત્રો.'
(
અજય જોશી, નાસિક-મહારાષ્ટ્ર)

* 'મેરા દેશ બદલ રહા હૈ' દાવા સાથે તમે કેટલા સહમત છો ?
-
પછી એમ ન કહેશો કે, 'મેરા દાવા ભી બદલ રહા હૈ...'
(
ભાણા કેશવાલા, વડોદરા)

* જીંદગી ગોટાળે ન ચઢે, એને માટે શું તકેદારી રાખવી જોઇએ ?
- '
કોની ગોટાળે ચઢાવવાની છે', એની ઉપર બધો આધાર છે.
(
રેશ્મા ચૌહાણ, જેતપુર)

* તમે રાજકારણમાં કેમ નથી જતા ?
-
એટલું બધું ખરાબ લખું છું હું...?
(
ગોપાલ વાળાગર, સુરત)

* પ્લાસ્ટિકની કોથળીઓ ઉપર પ્રતિબંધ ચાલુ રહેશે કે ભૂલાઈ જશે ?
-
આપણી ગાયમાતાને બચાવવાનો આ એક જ ઉપાય છે.
(
કિર્તી ચૌહાણ, અમદાવાદ)

* ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો ઠીક, હવે શું ફિલ્મોના નામો પણ 'ઓક્સિજન' પર આવી ગયા  છે શું ?
-
અમારી નવી ફિલ્મની રાહ જુઓ, 'કાર્બન ડાયોકસાઇડ'
(
રહીમ મલકાણી, ભાવનગર)

* આજકાલ સંગીતની ઘોર ખોદાઈ ગઇ હોય, એવું નથી લાગતું ?
-
નથી લાગતું.
(
રાજેન્દ્ર સોની, રાજકોટ)

* બિલાડી વાઘની માસી હોવા છતાં કૂતરાઓ તેની ઉપર કેમ હૂમલો કરે છે ?
-
યૂ મીન... કાશ્મિર ?
(
માધવ જે. ધ્રૂવ, જામનગર)

* રાહુલ ગાંધી આટલા હોશિયાર છે... તો સાયન્ટિસ્ટ કેમ ન બન્યા ? (બટાકામાંથી સોનું...!)
-
એ સોનામાંથી બટાકા બનાવી શકે, એવા હોશિયાર છે...!
(
કવન ગોહિલ,આણંદ)

* તમને તમારી કઇ કોલમ વધુ સારી લાગે છે ?
-
અફ કોર્સ, 'બુધવારની બપોરે' ?
(
અમિત પંલ, કલોલ)

* 'વોટ્સએપ' પર સવાલો ક્યારથી પૂછી શકાશે ?
-
જવાબે ય 'વોટ્સએપ'માં જોઇતા હશે ત્યારે !
(
ગૌતમ ઓઝા, રાજકોટ)

* કેજરીવાલ સુધર્યા હોય એવું લાગે છે ?
-
એ સુધરે કે વધુ બગડે... કોણ પૂછે છે ?
(
સતીષ ઠકરાર, લંડન-યુકે)

* આમિરખાનની નવી હેરસ્ટાઇલ કેવી લાગી ?
-
ના. મારે તો લખવાનો ધંધો છે !
(
વિપુલ ચપલા, વડોદરા)

* તમને આંદામાન-નિકોબારના ગવર્નર બનાવવામાં આવે તો જાઓ ખરા ?
-
ના. 'ગુજરાત સમાચાર' ત્યાં ય મળે છે.
(
ફિરોઝ હાફેઝી, નવસારી)

* સ્ત્રી અને પુરૂષ વચ્ચે કાયમી દોસ્તી સંભવિત છે ?
-
કાયમી દોસ્તી બનાવીને કામ શું છે ?
(
હર્ષ લિંબાચીયા, બોટાદ)

* સ્ત્રીને હવે શક્તિમાન કહેવાય છે... સાચું ?
-
આપણે ક્યાં પંજા લડાવવા છે ?
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* પુરસ્કાર અને ઇનામ વચ્ચે શું તફાવત ?
-
ઈનામો ખરીદી શકાતા નથી.
(
રાજેન્દ્ર મનજી પઢારીયા, ડોમ્બિવલી)

* જે બ્રાહ્મણ સાથે, બ્રાહ્મણ એની સાથે...રીયલી ?
-
બ્રાહ્મણને બદલે 'ભારતીય' લખ્યું હોત તો ?
(
તૃપ્તિ ઠાકર, વડોદરા)

* તમારી 'ફિલ્મ ઇન્ડિયા' કોલમમાં ફિલ્મ 'એક રૂકા હુઆ ફૈંસલા' વિશે વાંચ્યું. ઇંગ્લિશ ફિલ્મ 'ટ્વેલ્વ એન્ગ્રીમેન' ઉપરથી બેઠી નકલ કરવામાં આવી છે...
-
હવે 'થર્ટીન' ગણજો.
(
રૂપલ હિતેશ સોની, સુરત)

* જીંદગીનો ખરો અર્થ શું છે ?
-
હોસ્પિટલોમાં સુતેલા બધાઓને એની ખબર છે.
(
વિમલેશ જાની, ડાભલા-વિજાપુર)

* એક માણસની લાગણી બીજો માણસ કેમ સમજતો નથી ?
-
ઈશ્વર તમારૂં દુ:ખ દૂર કરે.
(
નિર્મલ દાતણીયા, ખંભાત)

* 'કોકા કોલા' બનાવનારો પહેલા શિકંજી વેચતો હતો... તમે પહેલા શું કરતા હતા ?
- '
કોકા કોલા' વેચતો હતો.
(
પાર્થ પટેલ, સુરત)

* રોજબરોજ વધી રહેલા માર્ગ-અકસ્માતો માટે જવાબદાર કોણ ?
માર્ગ વાપરનારાઓ
(
ધર્મેન્દ્ર પટેલ, ગાંધીનગર)

No comments: