Search This Blog

25/08/2018

'છોટી બહેન'('૫૯)


ફિલ્મ   :  'છોટી બહેન'('૫૯)
નિર્માતા- દિગ્દર્શક    :   પ્રસાદ પ્રોડક્શન્સ (મદ્રાસ)
સંગીતકાર  :   શંકર- જયકિશન
ગીતકારો   :   શૈલેન્દ્ર- હસરત
રનિંગ ટાઈમ : ૧૫- રીલ્સ
થીયેટર   :    લાઇટહાઉસ (અમદાવાદ)
કલાકારો  :  નંદા, બલરાજ સાહની, રહેમાન, મેહમુદ, શુભા ખોટે, ધૂમલ, રાધાકિશન, શ્યામા, સુદેશ કુમાર, વીણા, બદ્રીપ્રસાદ, હરિ શિવદાસાણી, ત્રિદીપ કુમાર, કઠાના, શીલા વાઝ, રવિકાંત, કુંવર કેશવ (કેશવ રાણા), જીવનકલા અને કંચનમાલા

ગીતો
         ભૈયા મેરે, રાખી કે બંધન કો નિભાના...    લતા મંગેશકર
         ઓ કલી અનાર કી નાઇતના સતાઓ...   આશા- મન્ના ડે
         બડી દૂર સે આઈ હૂં, મૈં તેરા દિલ બહેલાને...      લતા મંગેશકર
         મૈં રંગીલા પ્યાર કા રાહી, દૂર મેરી મંઝિલ...        લતા- સુબિર સેન
         બાગોં મેં બહારોં મે ઇઠલાતા ગાતા આયા કોઈ...           લતા- કોરસ
         મૈં રીક્ષાવાલા, હૈ ચાર કે બરાબર...            મુહમ્મદ રફી
         યે કૈસા ન્યાય તેરા દીપક તલે અંધેરા...  લતા મંગેશકર
         જાઉં કહાં બતા અય દિલ, દુનિયા બડી હૈ સંગદિલ..      મુકેશ
ગીત નં ૧ અને ૭ શૈલેન્દ્રના, બાકીના હસરત જયપુરીના.

પોકો મૂકી મૂકીને રડવું હોય તો હિંદીમાં બનેલી મદ્રાસની કોઈ પણ ફિલ્મ જોવી. સિનેમાના એવરેજ ૭૦૦-પ્રેક્ષકોની આંખોમાં ચારે ચાર શોમાં મરચાની ભૂકી નાંખીને રડાવવાનું મદ્રાસી નિર્માતાઓને મોંઘુ પડે, એટલે સામાજીક ફિલ્મોમાં મારીમચડીને કરૂણા લાવીને તમને ધરાર રોવડાવે. તદ્દન અવાસ્તવિક લાગે, એવી કરૂણ ઘટનાઓ ઉમેરી ઉમેરીને પ્રેક્ષકોને અધમૂવા કરી નાંખે.

ફિલ્મ 'ભાભી'ના રીવ્યૂ વખતે તમને ચેતવણી આપી દીધી હતી કે, મદ્રાસની ફિલ્મોમાં આવી રોક્કળ તો રહેવાની. આમાં તો કોમેડીના ત્રણ ગજરાજો મેહમુદ, ધૂમલ અને ધી ગ્રેટ રાધાકિશન હોવા છતાં એકાદ અપવાદને બાદ કરતા મોંઢું ય મલકાય નહિ, એવી ફાલતુ કોમેડી હતી. ફિલ્મની કહેવાતી વાર્તા, ઇન્દર રાજ આનંદે (લેખક-દિગ્દર્શક, એકટર ટીનુ આનંદના ફાધરે) લખી હતી.

આ રાધાકિશનના નામની આગળ ખાસ વિશેષણ 'ઘી ગ્રેટ' લખ્યું છે, પણ આજના મોટા ભાગના વાચકોએ તો એનું નામ પણ નહિ સાંભળ્યું હોય. કોમિક-વિલન તરીકે એવા જ એકટર યાકુબ કરતા ય રાધાકિશન પ્રેક્ષકોનો વધુ લાડકો. નાકમાંથી 'રામરામરામ' બોલવાની એની મેનરિઝમ્સ પૂરા દેશમાં મિમિક્રી- આર્ટિસ્ટો માટે બ્રેડ-બટર હતી. ખાસ કરીને મારવાડી કંજૂસ શેઠના કિરદારમાં તો રાધાકિશન જ હોય ! મેહમુદ તો ચાલુ ફિલ્મે પણ એની મિમિક્રી કરતો. (આ ફિલ્મના એક દ્રષ્યમાં મેહમુદે રાધાકિશન જેવું મોઢું અને અવાજ કાઢીને પ્રેક્ષકોને હસાવ્યા છે.) વર્ષો પહેલા, આ જ કોલમમાં એક કરૂણ- રમુજ બની ગયેલી.

મોટા ભાગે આર્થિક તંગીથી કંટાળીને રાધાકિશને મુંબઈમાં પોતાના ફલેટના ૧૪-મા માળેથી રસ્તા ઉપર કૂદીને આત્મહત્યા કરી હતી. સામાન્ય રીતે, જે તે લેખ વાચકને ગમ્યો/ન ગમ્યો, એવું મોટા ભાગે કોઈ ન કહે, પણ લેખમાં જો એકાદી ભૂલ તેમને પકડાઈ કે તરત જ ટપાલ લખીને લેખકનું 'નમ્રતાપૂર્વક' ધ્યાન દોરે. 'સાહેબ, રાધાકિશને ૧૪-મા નહિ, ૧૩-મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.. !' દેવ આનંદનો લાડકો અદાકાર હોવાથી શરૂઆતની ઘણી ફિલ્મોમાં રાધા હતો, ખાસ કરીને ફિલ્મ 'એક કે બાદ એક'માં એની ખલનાયકી પ્રેક્ષકોમાં રાડ નંખાવી દેતી હતી.

અલબત્ત, અદાકારી અને દેખાવમાં મને રહેમાન ખૂબ પ્રભાવશાળી લાગતો હતો... એટલે સુધી કે, રાજકુમાર જેવા બાદશાહ સામે ફિલ્મ વક્તમાં ચિનોય સેઠનો રોલ કેવળ રહેમાનને જ શોભે. નવાઈ લાગી શકે એમ છે, પણ ફિલ્મનગરીમાં બે કલાકારો એવા હતા. જેમણે પૂરી કરિયરમાં એકાદ- બે નાના અપવાદોને બાદ કરતા ગરીબોના રોલ જ ન કર્યા, જેમ કે મીના કુમારી- અશોક કુમાર સાથેની ફિલ્મ 'આરતી'માં પ્રદીપ કુમાર અને રાજ કપૂરની ફિલ્મ 'ફિર સુબહ હોગી'માં રહેમાન. બાકી આ બન્નેએ શહેનશાહો કે ઉદ્યોગપતિ કે બોસના કિરદારો વધુ કર્યા છે. રહેમાન દેખાવડો ખૂબ હતો. પહોળા ખભા, દાણાદાર અવાજ, સાવ વિચિત્ર અને ભરપુર તેલ નાંખેલી લાંબા વાળ સાથેની હેરસ્ટાઈલ અને આપણા બધાથી ઊંધા આકારે અર્ધગોળાકાર ફરે, એવી આંખોની ભ્રમરો આ પશ્તુન પઠાણ પાસે હતી.

આ બધામાં અભિનય લાજવાબ ! એ યાદ તો રહી જશે, ગુરૂદત્તની ફિલ્મો ને ખાસ તો 'સાહિબ, બીબી ઔર ગુલામ'ના એના અનોખા કિરદાર અને લીલા નાયડુ- સુનિલ દત્તની ફિલ્મ 'યે રાસ્તેં હૈ પ્યાર કે'માં એની ખલનાયકી માટે. એ લાહૌરનો પઠાણ હતો. ગ્રેજ્યુએટ થયેલા આ 'સઈદ રહેમાન ખાન'નું સાસરૂં અમદાવાદના દરિયાપુરમાં હતું. કહે છે કે, પાછલી અવસ્થાની બિમારી અને બેહદ શરાબને કારણે બહુ દયાજનક અવસ્થામાં એનું મૃત્યુ થયું... એટલે સુધી કે, એની છેલ્લી બિમારીના ઇલાજ માટે એની પ્રેમાળ પત્ની પાસે ફૂટી કોડી પણ નહોતી. એક મજાની નવાઈ લાગી શકે છે કે  ૪૦- ના દશકમાં ફિલ્મોમાં કોઈ કામ મેળવવા નવા નવા આવ્યા ત્યારે પૂણેંના ખોબા જેવડા એક મકાનમાં દેવ આનંદ, ગુરૂદત્ત અને રહેમાન સાથે રહેતા હતા. દેવ અને રહેમાનને જીવનભર ખાસ કાંઈ બન્યું નહિ, પણ ગુરૂદત્ત અને રહેમાન આજીવન દોસ્તો રહ્યા.

ફિલ્મ 'છોટી બહેન'નો ટ્રેડિશનલ હીરો તો બલરાજ સાહની કહેવાય. ચહેરો સુંદર અને પ્રભાવશાળી, પણ હીરો માટે ન ચાલે એટલું મોટું કપાળ... ખાસ તો કાયમી ઘરડો લાગે એવો ચેહરો. આ ફિલ્મ 'છોટી બહેન'ની છોટી એટલે નંદા અને એના ત્રણ ભાઈઓ એટલે બલરાજ અને રહેમાન. મેહમુદ કઝિન એટલે કે નાલાયક રાધાકિશનનો હોનહાર સુપુત્ર, જે નંદાને સગી બહેનની જેમ રાખે છે. મેહમુદ હસાવી શકે, એવા નથી તો એને કોઈ સંવાદો અપાયા, નથી સીચ્યુએશન અપાઈ.

ધૂમલને પરાણે ઉભો રાખ્યો છે. અલબત્ત, શુભા ખોટે સાથેની આ ત્રિપુટીની શરૂઆત આ ફિલ્મથી થઈ હતી. સારો લેખક અને દિગ્દર્શક મળી જાય તો આ ત્રણે પ્રેક્ષકોને હસાવી હસાવીને પિદુડી કાઢી નાંખે, એની મોટી સાબિતી આશા પારેખ- જોય મુકર્જીવાળી ફિલ્મો 'ઝીદ્દી' અને 'લવ ઇન ટોક્યો.'નો ડાઉટ એમની બધી કોમેડી સ્થૂળ હતી. પણ ખડખડાટ હસવું તો સ્થૂળ કોમિકમાં જ વધુ આવે !

શ્યામાં ખૂબસુરત કરતા સેકસી દેખાવની વધુ હતી. હર્યુંભર્યું શરીર એની મોટી એસેટ હતી. બુધ્ધિમાં બેવકૂફ નીકળી, એટલે બધા એનો લાભ લઈને છુ થઈ ગયા. એ વાત જુદી હતી કે, શ્યામા સામે ચાલીને લાભ લેવા પણ દેતી હતી.

એ જમાનામાં મોટા ભાગની ફિલ્મોમાં જયારે કોઈ સુશીલ, હેન્ડસમ, જરા સ્ત્રૈણ્ય લાગે અને બારમાસી રોતડ લાગે એવા સાઈડીની જરૂર પડતી, ત્યારે મદ્રાસ બાજુના એક સામાન્ય એક્ટર સુદેશ કુમારને લેતા. એનું મોટામાં મોટું પ્રદાન ગણવું હોય તો એ કે, સુરીલા સંગીતકાર સરદાર મલિકે (અનુ મલિકના ફાધર) મૂકેશ પાસે આજીવન અમર રહે, એવા બે ગીતો ગવડાવ્યા, 'સારંગા તેરી યાદ મૈં, નૈન હુએ બેચૈન...' અને હાં દીવાના હૂં મૈ, ગમ કા મારા હુઆ, એક ફસાના હૂં મૈં.. (૧૯૬૦- માં બનેલી ફિલ્મ 'સારંગા') સુદેશ કુમાર ઉપર ફિલ્માયા હતા. છોટી બહેનમાં એ નંદાનો ડોક્ટર પ્રેમી બને છે. 

સમય સમયના ખેલ છે. એક જમાનામાં પોતાના ધાગધાગ રૂપથી ભારત- પાકિસ્તાનના પ્રેક્ષકોને જંગલી બનાવી મૂકતી હીરોઈન વીણા આ ફિલ્મમાં બલરાજ સાહનીની પ્રેમીકા બને છે. ફિલ્મ 'હૂમાયું' અને 'નજમાજેવી ફિલ્મોમાં દાદામોની અશોક કુમારની આ હીરોઈન રૂપના એના ઠસ્સા અને ક્રોધ સાથેના દમામદાર ચેહરાને કારણે વધુ ફેમસ હતી. એ.આર.કારદારની ફિલ્મ 'દાસ્તાન'ના પહેલા જ દ્રષ્યમાં વૃધ્ધ અને ખખડી ગયેલો રાજ કપૂર આ વીણાની લાશ જોઈને ઘણા દર્દ સાથે પરિચય પણ કેવા શબ્દોમાં આપે છે, 'રસ્સી જલ ગઈ, પર બલ નહિ ગયા... વો હી અકડી હુએ ગરદન, વો હી તની હુઈ ભવેં, વો હી રૌફ, વો હી ગુસ્સા... મરને કે બાદ ભી દિખાઈ દેતા હૈ... આ વીણાને ફિલ્મ 'પાકીઝા'માં મીના કુમારીની બહેન નવાબજાનના ઠસ્સાદાર રોલમાં તમે જોઈ છે. મૂળ એ બલુચિસ્તાનના કવેટા (પાકિસ્તાની ઉચ્ચાર, 'કોયટા')માં તાજૌર સુલતાના નામે જન્મેલી વીણા ફિલ્મ 'દાસ્તાન'માં રાજ કપૂરના ભાઈ બનતા પાકિસ્તાની કલાકાર ઊંચા અને પડછંદ અલ નાસિર સાથે પરણી હતી.

આ દસકાના આવતા દસકા સુધી જમાનો શંકર- જયકિશનના પૂરબહાર સંગીતનો હતો. માત્ર એ જમાના પુરતો નહિ, આજે પણ આ બન્ને સંગીતકારોનો હજી સુધી કોઈ સાની થયો નથી. કોને ક્યારે અને કેવું કામ અપાય, એ આ બન્નેને વધુ ખબર હતી, નહિ તો જુઓ...૧૯૫૯ ની આગળ પાછળના આ એ વર્ષો હતા, જયાં રાજ કપુરે મુકેશની એક નાનકડી ભૂલ માટે હાંકી કાઢ્યો હતો અને મૂકેશ માટે બાળકોની સ્કૂલની ફી ભરવાના વાંધા આવી ગયા હતા. ( એ કિસ્સો આ કોલમમાં અગાઉ લખાઇ ચૂક્યો છે) પણ શંકર- જયકિશનને જરૂર પડે, ત્યારે કોઈની શેહશરમ રાખ્યા વિના મન્ના ડે કે મૂકેશને લેતા.

ફિલ્મમાં રહેમાનને કંઠે ગવાયેલું મૂકેશનું 'સદાઅંદર' 'ગીત જાઉં કહાં બતા અય દિલ, દુનિયા બડી હૈ સંગદિલ..' મન્ના ડે પાસે ફક્ત એક જ ગીત 'કલી અનાર કી ન ઇતના સતાઓ' અને ઇવન મુહમ્મદ રફીનું ય એક ગીત, 'મૈં રીક્ષાવાલા , હે ચાર કે બરાબર..'જેમાં રિધમના મદમસ્ત ઠેકા માટે આસિસ્ટન્ટ સંગીતકાર દત્તારામને વહાલથી યાદ કરવા પડે. લતા મંગેશકર તો એસ.જે.માટે 'ઘરનું માણસ' કહેવાય, એટલે લતા પાસે ગવડાવવામાં આ બન્ને ભાઈઓને જાણે કોઈ પ્રયત્ન જ કરવો પડતો નહોતો.

એમ ને એમ જ અદ્ભુત ધૂનો બને જતી હતી. જયકિશન ઉપર તો મીઠું મીઠું ખીજાવાનો લતાને હક્ક પણ હતો ને 'લયબધ્ધ ફરિયાદો કરતી કે, આ બન્ને એની પાસે હાઈ-પિચના ગીતો જ વધુ ગવડાવે છે. પણ ભાઈ, આ તો લતા મંગેશકર છે. ફિલ્મ' જંગલીના 'એહસાન તેરા હોગા મુઝ પર...' ગીતમાં જે તીવ્ર સ્વરોમાં મુહમ્મદ રફીએ ગાયું છે, એની એક નોટ પણ બદલ્યા વગર લતાએ. 'તુમને મુઝકો હંસના સીખાયા..' ગાયું છે. પણ લતા કે એસ.જેના ડાયહાર્ડ ચાહકોના ધ્યાન બહાર ગયો હોય એવો એક આલાપ, ફિલ્મ 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ' ના 'આ અબ લૌટ ચલે.' ગીતમાં લતાએ જે ઊંચા સ્વરોમાં દીર્ઘ આલાપો ગાયા છે, એવો જ એક મધુરો આલાપ આ ફિલ્મના 'યે કૈસા ન્યાય તેરા, દીપક તલે અંધેરા..' ગીતના અંતે લતાબાઈએ ગાયો છે... પ્રણામ સિવાય બીજું કાંઈ ન સૂઝે !

આ બન્ને ભાઈઓએ આપણને મસ્તમજાના આશ્ચર્યમાં નાંખી દીધા હતા. ફિલ્મ 'કઠપૂતલી'ના 'મંઝિલ વો હી હૈ પ્યાર કી, રાહી બદલ ગયે.' જેવા પિયાનો આચ્છાદિત ગીત વખતે તો માની બધા ગયા હતા કે આ કંઠ તો હેમંત કુમારનો છે. એ તો આનંદથી ચોંકી જવાયેલું કે, એ હેમંત દા નહિ, સુબિર સેન નામના બેંગોલી ગાયકનો અવાજ હતો. એ જ સુબિર સેનનો ફરી ઉપયોગ આ ફિલ્મ 'છોટી બહેન'ના યુગલ ગીત 'મૈં રંગીલા પ્યાર કા રાહી, દૂર મેરી મંઝિલ...'( લતા સાથે) માં કર્યો છે.

બહુ બહાર નહિ આવેલી વિવાદાસ્પદ વાત એ પણ છે કે, શંકર-જયકિશનના કાયમી ગીતકારો શૈલેન્દ્ર અને હસરત જયપુરી વચ્ચે એ જમાનામાં કેવા મીઠા-કડવા સંબંધો હતા, એ અધિકૃતતાથી તો કોઈ કહી શકે એમ નથી, પણ એ બન્નેના ગયા પછી એમના દીકરાઓ વગર તલવારે-એટલે કે વગર મ્હોં-માથાએ યુધ્ધે ચઢી ચૂક્યા છે કે, 'ફલાણું ગીત મારા ફાધરે લખ્યું હતું. તારા ફાધરે નહિ !'' આ વાત જુદી છે કે, શંકર-જયકિશને દાયકાઓ સુધી પ્રોફેશનલી ખૂબ ગુપ્તતા જાળવી હોવા છતાં છેવટે એ વાત તો જાહેર થઈ ચૂકી હતી કે, શંકર-જયકિશનના ગીતો પૈકી જે શૈલેન્દ્રએ લખ્યા હોય તેનું સ્વરાંકન શંકરે કર્યું હતું ને હસરતના બધા ગીતો જયકિશનની કમાલ હતી. (બે-ચાર નાનકડા અપવાદો સિવાય !) આ ઝગડાવાળી વાત સાચી હોય તો બન્નેને અડબંગો કહેવા પડે કે, સંગીતના ચાહકોને આજે ય પડી નથી કે, ક્યું ગીત શંકરે બનાવ્યું હતું ને ક્યું જયકિશને ! એમને તો 'શંકર-જયકિશન' નામની સ્વરોની મહાસત્તા પુરતો જ રસ હતો અને છે. બન્ને ગીતકારો વચ્ચે એક ફર્ક તો સામાન્ય સાહિત્ય સમજનારો વાચક કે દર્શકે ય જાણે છે કે, હસરત જયપુરી ગીતકાર હતો, જ્યારે શૈલેન્દ્ર કવિ પણ હતો.

...ને આપણે એ જાણવા છતાં, બન્નેના ગીતો માટે આપણામાં કોઈ ભેદભાવ નથી તો એ બન્ને વચ્ચે શું કામ હોય ?

No comments: