Search This Blog

26/08/2018

ઍનકાઉન્ટર : 26-08-2018


* પાપ આસ્તિકો વધારે કરે છે કે નાસ્તિકો?
- પૂણ્ય પણ એ બન્ને જ કરે છે.
(જીજ્ઞોશ ચૌહાણ, સુરત)

* મુંબઇમાં ખૂબ વરસાદ છે... તમારા શહેરમાં જોઈતો હોય તો અહીં લેવા આવવું પડે!
- અમદાવાદીઓને હવે પલળવાની બીક રહી નથી.
(જીજ્ઞાસા માંકડ, મુંબઈ)

* ફાવે ત્યાં પાનની પિચકારી મારનારાઓ માટે શું સજા સૂચવો છો?
- એ વખતે સ્થળ પર પાંચ-સાત જણા ઉપસ્થિત હોય તો 'આપણે શું?'ને બદલે પેલાને પકડીને એ પિચકારી એની પાસે ચટાવવી જોઈએ.
(મનિષ નિ. વર્મા, ગોધરા)

* 'ઍનકાઉન્ટર' નામ કેવી રીતે સૂઝ્યું?
- ગુજરાતી ભાષામાં પોતાનું સરનામું ય લખી-વાંચી ન શકતા મહાત્માઓને જોઈને!
(દેવલ ભદ્રેશ્વરા, વલસાડ)

* પ્રજાને પૂણ્ય કમાવાનો શ્રેષ્ઠ રસ્તો કયો?
- દેશભક્તિ.
(દીપક એ. પંડયા, બિલિમોરા)

* કેવળ અંધશ્રધ્ધાને કારણે દિલ્હીમાં ૧૧-જણા લટકી ગયા..!
- 'લટકી જવું' દિલ્હી માટે કોઈ નવી વાત નથી... ચૂંટણીઓ આવવા દો!
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

* તમે કરેલી ભૂલનો પસ્તાવો થાય તો પોતાને કઈ સજા આપો?
- જવાબો આપવાની.
(જયેશ અંતાણી, ભાવનગર)

* અવારનવાર સમાચારોમાં ચમકતી 'અઘોષિત કટોકટી' અંગે તમારો શું અભિપ્રાય છે?
- એ અંગે મારો અભિપ્રાય 'અઘોષિત' છે.
(રાકેશ ડી. દેસાઈ, વડોદરા)

* ઘરગથ્થુ નૂસખાઓમાં તમને વિશ્વાસ ખરો?
- હા. છીંક ખાતી વખતે હથેળી મોંઢા પાસે રાખું છું.
(હરેશ પ્રજાપતિ, કલોલ)

* પ્રેમ એટલે શું?
- એ સવાલ પૂછવો ન પડે, એ તબક્કો.
(ડૉ. હિરેન કારેલીયા, અમરેલી)

* તમને સાહિત્યની અકાદમીના પ્રમુખ બનાવાય તો કેવું ફીલ કરો?
- મને 'ભારત રત્ન' પણ મળે, એ પછીના દિવસથી હું વધારે સારૂ લખતો થઈ જઈશ, એવું ન બને.
(નિલેશ પ્રેસવાળા, ભરૂચ)

*
વિશ્વાસઘાતથી મોટું કોઈ બીજું પાપ ખરૂ?
- અંધવિશ્વાસઘાત.
(શશિકાંત પટેલ, જૂનાગઢ)

* ભારતમાં રામરાજ્ય ક્યારે પ્રસ્થાપિત થશે?
- હમણાં મારી તબિયત ક્યાં સારી રહે છે!
(જીગર જૈન, ગાંધીનગર)

* વાંધાવચકા પડાવનાર સગાઓથી બચવા શું કરવું?
- એમને ટ્રાફિક-પોલીસ ગણવા... નજર ન પડે, એમ વાહન કાઢી લેવું.
(જીતેન્દ્ર પંચોલી, અમદાવાદ)

* લગ્નપ્રસંગે જમી લીધા પછી લોકો ટીકા કેમ કરે છે?
- લગ્નપ્રસંગે જમણવાર રાખવાનો ખર્ચો શું કામ કરવો જોઈએ?
(વિપુલ ઉકાભાઈ વળુકર, ગીરસોમનાથ)

* આવા જ જડબેસલાખ જવાબો તમારા પત્નીને આપી શકો છો?
- કોઈની પણ પત્નીને આપી શકું.
(ધાર્મિક કોઇસા, સુરત)

* તમે ઍક્ટિંગ ઉપરે ય હાથ અજમાવી જોયો હતો?
- દરેક પરણેલો પુરૂષ પરફૅક્ટ ઍક્ટર હોય છે. નવું શીખવાની જરૂરત હોતી નથી.
(ડૉ. મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)

* લાગણીના સંબંધ એટલે કેવા સંબંધ?
- બિલ ચૂકવવાની રાહ જોવી ન પડે એવા.        
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)

* અફવાઓથી બચવા શું કરવું જોઈએ?
- પહેલા તો 'વૉટ્સએપ'માંથી બહાર નીકળી જાઓ, પછી વાત!
(વિશાલ ભીમાણી, ઓખા)

* સરકાર યોજનાઓ તો બનાવે છે, પણ એ કેટલી લાગુ પડી છે કે નહિ, તે કેમ જોતી નથી?
- તમે કેટલી યોજનાઓ જોઈ?
(હર્ષદ ચામડીયા, નડિયાદ)

* ભૂલમાં તમારાથી કોઈ વખત સીધો જવાબ અપાઈ ગયો હોય, એવું યાદ ખરૂ?
- સવાલ પૂછવા માટે સરનામું કે ફોન નંબર પણ લખવો પડે, એવું ભૂલમાં ય વિચારેલું ખરૂ?
(અલીઅબ્બાસ મર્ચન્ટ, કેશોદ)

* ખારૂ હોવા છતાં નામ 'મીઠું' કેમ?
- વાંધો ક્યાં આવ્યો?
(પરેશ સુદાણી, જંબુસર)

* શું ઈ.સ. ૨૦૧૯-ની ચૂંટણીઓમાં કૉંગ્રેસ જીતશે ખરી?
- પ્રચંડ વાવાઝોડાં સામે રેતીના ઢગલા ઉપર લાકડાના અધકચરા ખપાટીયાઓથી ઊભા કરેલા ઝૂંપડાને ટકવાનું છે... ટકી પણ જાય તો એનો મકાન-માલિક કોણ? એ મૂંઝવણ તો અત્યારથી છે!
(ભાવના પટેલ, રાજકોટ)

* જેટલો જમાઈ એના સાસુ-સસરાનો આદર કરે છે, એટલો પત્ની એના સાસુ-સસરાનો આદર કેમ ન કરે?
- યૂ મીન... છએ જણાએ ભેગા રહેવાનું છે?
(કિરીટ ગોસાંઈ, ખેરવા-મહેસાણા)

* મોંઢે બુકાની બાંધીને સ્કૂટર ચલાવતી યુવતીઓ માટે શું માનો છો?
- આવી યુવતીઓ માટે મને આદર છે.... કોઈ પાછળ તો ન પડે!
(નૈષધ  અંતાણી, ભૂજ)

* સંત અને બાવા વચ્ચે શું તફાવત છે?
- બન્ને એમના ક્ષેત્રમા આદરપાત્ર હોઈ શકે... સ્ત્રીઓ એમને બગાડે નહી ત્યા સુધી.
(ઉમેશ નાવડીયા, જાળીલા-બોટાદ)

No comments: