Search This Blog

22/08/2018

બસ કરો, બચ્ચન.


રોજ વહેલી પરોઢે કેડ ઉપર સૂંડલો ભરાવીને કાગળના ડૂચા વીણનારી બાઈ, હાથમાં જે આવે એ ડૂચા ઉપાડીને ટોપલામાં નાંખતી જાય એમ, આજકાલ આપણા બચ્ચનબાબુ ટીવી પર જે મળે એ એડ.ભેગી કરવા માંડયા છે. શંકા પડે કે, કાલ ઉઠીને પૈસા મળે તો અમિતાભ બચ્ચન રસ્તા ઉપરથી કાગળના ડૂચા વીણવાની ય એડ. કરે.

આવા ડૂચામાં તો ગઈ કાલે રાત્રે કોઈએ ફેંકી દીધેલી એંઠી ભેળનુ પડીકું ય હોય ને કચરાવાળો રદ્દી કાગળ પણ હોય ! 'તમે લઈ ગયા ને અમે રહી ગયા' જેવી નૌબત બચ્ચનબાબુની આવી ગઈ હોય એમ સાપને નોળીયા મળી રહે છે. કમબખ્તી એ છે કે, લેવલ પ્રમાણે બચ્ચનની સરખામણી જંગલના શેર (સિંહ-વાઘ) સાથે થવી જોઈએ, એને બદલે એ પોતે જ ઉંદર- બિલ્લીના લેવલે આવી ગયો છે.

કોઈ જાજરમાન જોધપુરી શૂટ કે હિંદી ફિલ્મોની ભાષામાં 'પચાસ લાખ ના હીરા'ની એડ. ફિલ્મ કરતા હોય ત્યાં સુધી સહન થઈ જાય એવું છે કે, ''ઇ... આ માણસની પર્સનાલિટી એવી શાહી છે કે, આવો શૂટ અને આવો ડાયમન્ડ એને જ શોભે.

પણ માણસ બદલાયો છે. પૈસા મળે છે ને, એટલે બજારમાં મળતા તદ્દન ફાલતુ માલસામાનની જાહેર ખબરે ય આ માણસ છોડતો નથી. હાલમાં ભૂખે મરવાના દિવસો ચાલી રહ્યા હોય તો સમજીએ કે, 'બેગર્સ આર નો ચૂઝર્સ', (ગુજરાતી અનુવાદ : ભિખારીઓને ભીખનો માલસામાન પસંદ કરવાનો હક્ક નથી.) એનો ટેસ્ટ જોઈને લાગે છે કે, બચ્ચન પાસે તમે ખિસ્સાં કાપવાની બ્લેડની જાહેરાત કરાવો તો ય ના નહિ પાડે. ઘરમાં ચાર જણા છે અને ચારે ય તગડું કમાય છે.

પત્ની જયા બચ્ચનની સંપત્તિ તો એના ગોરધન અમિતાભ કરતા ય અનેકગણી વધારે છે. પુત્ર અભિષેક અને વહુ ઐશ્વર્યાની એક દિવસની કમાણી આપણા જેવા કરોડોની વર્ષની કમાણી ય નથી હોતી. જે લેવલની જાહેરાતોમાં બચ્ચન મોડેલિંગ કરે છે. એ જોતા તો આખું કુટુંબ અનાજના દાણે દાણે ભૂખે મરતું હશે, એવું લાગે. યસ.

એક જાહેર ખબરમાં ચમકવાના હાલમાં એ જે કાંઈ પૈસા લેતો હશે, એનાથી ચાર ગણા કોઈ સન્માનભરી પ્રોડક્ટ માટે કરે તો કાંઈ ખોટું નથી. એની જ અદભુત ફિલ્મ 'શરાબી'નો એક સંવાદ એના (એ વખતના) વ્યકિતત્વને ઉજાગર કરે છે. અબજોપતિ બાપના દીકરામાથી સડક પર આવી ગયેલા અમિતાભને ઉદ્યોગપતિ (સત્યેન કપ્પૂ) પોતાની સાથે જોડાવવા ઓફર કરે છે, ત્યારે સદીઓ સુધી યાદ રહી જાય એવો સંવાદ બચ્ચન બોલે છે, 'ગોવર્ધન સેઠ.. મૈં ભી બિઝનેસમેન કા બેટા હૂં... અભી અભી સમંદર છોડકે આયા હૂં... ઔર સમંદર મેં તૈરનેવાલે કૂઓં ઔર તાલાબોં મેં ડૂબકીયાં નહિ લગાયા કરતે.

જે બચ્ચનને આપણે 'ચીની કમ' કે 'સરકાર'ના સમન્દરમાં તરતો જોયો છે, એને ભોજપુરી ફિલ્મના ખાબોચીયામાં સાઈડ-એક્ટર તરીકે જોવા પડે, એ એનાથી સહન થતું હશે, આપણાથી ન થાય !

અર્થાત, અમિતાભ બચ્ચન એક એવું વ્યકિતત્વ છે કે, દાંતના ચોકઠાંની જાહેર ખબરમાં ન શોભે. લખનૌના નવાબની પર્સનાલિટીમાં જોવો ગમે... ગરબડ એ વાતની ચાલે છે કે, એના ઉપર આપણો આદર એના કયા વ્યકિતત્વથી વધે ? 'ગલે કી ખરાશ મીટાને કે લિયે' કોઈ પ્રોડક્ટની જા.ખ.માં એને કોગળા કરતો કે ઊલ ઉતારતો જોવાથી કે દુનિયાની સૌથી મોંઘી કાર 'બુગાટી'ની જાહેર ખબરમાં ? આપણા બચ્ચનબાબુ પાસે હજી સુધી કોઈ જુલાબની ગોળી બનાવનારી કંપની ગઈ લાગતી નથી... 'એંએંએ... રાત કો એક ગોલી ખાઈયે ઔર સુબહા અપને આપ ઉઠ જાઈએ..' હા-પેટ સાફ કરવાના ચૂરણની જા.ખ.માં એ આવે છે.

ખલનાયક એકટર પ્રાણે એમના જમાનાના એકટરોની સરસ વાત કરી હતી કે, એમના વખતની ફિલ્મોમાં હીરો-હીરોઈનો જ નહિ, સાઈડ-એક્ટરો પણ જાહેરમાં ભાગ્યે દેખાતા. એમની એક એક તેહઝીબ જળવાતી. હવેના ફિલ્મસ્ટાર્સ ચોપાટી ઉપર ભેળપુરી ખાતા કે પાનના ગલ્લે ઉભેલા જોવા મળે.

ફાલતુ ટીવી-શોમાં એ લોકો એટલી બધી વખતે હાહાહિહિહૂહૂ કરતા જોવા મળે છે કે, એમના ચાહકોને એમને જોવાની તલબ ન રહી. રાજ કપૂર, દિલીપ કુમાર કે દેવ આનંદ મુંબઈમાં ય જાહેરમાં જવલ્લે દેખાતા.

ટીવી તો હતા નહિ, પણ મેગેઝિનોની જાહેરખબરોમાં એ ત્રણે કદી નથી આવ્યા. અશોક કુમાર સિગારેટની કે કિશોર કુમાર 'બ્રિલ્ક્રીમ'ની જા.ખ.મા એકાદ વખત ચમક્યો હતો. માત્ર હીરોઈનો તરસતી રહેતી કે નહાવાના એક સાબુની જા.ખ.માં ક્યારે એમનો ચાન્સ લાગે ! ને તો ય, એમની એક ગરિમા જળવાતી.

એ જ નંદાઓ, સાધનાઓ કે વૈજ્યંતિમાલાઓ અગાશીના દોરડા ઉપર કોઈ વોશિંગ પાવડરથી ધોયેલા લેંઘા-ઝભ્ભા સૂકવતી હોય, એ ક્યાંથી સહન થાય !

ઘણા બધાનો રોષ-ગુસ્સો અમે વર્ષોથી વહોરી રહ્યા છીએ, ખુલ્લેઆમ એવો મત પ્રગટ કરવા માટે કે, હિંદી ફિલ્મોમાં આજ સુધી અમિતાભ બચ્ચનથી વધારે સારો 'અભિનેતાકોઈ આવ્યો નથી. અમારા સૌથી વધુ લાડકવાયા એક્ટર તો દાદામોની-અશોક કુમાર છે, પણ એમના કરતા ય અમિતાભ બચ્ચન એક 'એક્ટર'ની હૈસિયતથી માઈલો આગળ છે.

રાજ, દિલીપ કે દેવ પણ નહિ. નમ્રતા કે દંભથી ખુદ અમિતાભે ય કોઈ બીજા એકટરને પોતાનાથી વધુ ઉમદા ગણાવતો હોય તો એની સાથે ય સહમત થવું અમારા માટે જરૂરી નથી. પેલા લોકોના જમાનામાં ફિલ્મો એવી બનતી હતી કે, પ્રેમલા-પ્રેમલીથી આગળ ભાગ્યે જ કોઈ અભિનય કરવાનો આવતો, જ્યારે બચ્ચનબાબુએ હિંદી ફિલ્મોમાં માની ન શકાય એટલા વિવિધ કિરદારો તગડી સંખ્યામાં કર્યા છે. 

એના હાઈટ-બોડી, ઘટ્ટ છતાં મીઠા લાગે એવા રોકડા રૂપિયા જેવો અવાજ, તદ્દન અલગ હેરસ્ટાઈલ અને ફિલ્મે ફિલ્મે એકબીજાથી ભિન્ન કિરદારો કરવામાં બચ્ચનનો કોઈ સાની નથી.

ફિલ્મ 'આનંદ' અને 'ઝંજીર' થી શરૂ કરીને 'ચીની કમ' કે 'વઝીર' જેવા રોલ બીજા ક્યા એકટરોએ કર્યા છે ? લતા મંગેશકરના આવ્યા પછી સંગીતકાર અનિલ બિશ્વાસે કહ્યું હતું કે, 'હવે અમારી તર્જોને ન્યાય આપી શકે એવો એક કંઠ મળી ગયો.' એજ થીયરી બચ્ચન માટે ય લાગુ પડી શકે. એકટરો તો પહેલા ય હતા, પણ ફિલ્મો માટે જે તે કેરેક્ટર વાસ્તવિક બનાવી શકે, એ તો એક માત્ર બચ્ચન જ આવ્યો, તે પછી ખાસ એને માટે રોલ લખાતા થયા. તે પણ કોઈ બે- ચાર ફિલ્મોના કિરદારો માટે નહિ, 'સરકાર', 'દીવાર, 'અગ્નિપથ'પિન્ક' કે 'ત્રિશૂલ' જેવા રોલ બીજા કયા હીરોને સેટ થાત ?


'આ લેવલ'નો અમિતાભ પેટ સાફ કરવાના ચૂરણની પડીકીઓ વેચવાનું મોડેલિંગ કરે ? કબુલ કે, આમાં અનૈતિક કાંઈ નથી. પૈસા મળતા હોય તો અજય દેવગન પણ 'દાને દાને મેં હૈ કેન્સર કા દમ' ની એડ. કરે, આપણે ક્રિકેટ જોવાનું પર્મેનેન્ટલી બંધ કરીએ ત્યાં સુધી શુધ્ધ પાણી પીવડાવવા માટે હેમા માલિની ક્રિકેટ મેચમાં વચ્ચે પચાસ વખત આવીને, સબ સે શુધ્ધ પાણીના કોગળા કરે છે. 'મરીશું ત્યાં સુધી આ 'સબ સે શુધ્ધ પાની' તો નહિ જ પીએ, એવો ત્રાસ આપે છે. ઇંગ્લેન્ડમાં હેમા માલિનીવાળું 'સબ સે શુદ્ધ પાની' પીવાને કારણે તો આપણે હાર્યા, એવું ઘણા ક્રિકેટ- ફેન્સ માને છે... એ લોકો હેમામાં ધ્યાન રાખે કે 'સબ સે શુધ્ધ પાની'માં !

અમિતાભના સ્વર્ગસ્થ પિતા શ્રી.હરિવંશરાય 'બચ્ચન' કવિ હતા. 'મધુશાલા' વિષયે એમનો કાવ્યસંગ્રહ જગપ્રસિધ્ધ છે. એમણે જો કે, કવિતાઓ કે મધ અથવા શરાબના પ્રચાર માટે મોડેલિંગ કર્યું નહોતું. ગુજરાતનો ઇતિહાસ બતાવે છે કે, આજ સુધી એકે ય કવિ-લેખક પાસે કોઈ બુધ્ધિમાન કંપનીએ મોડેલિંગ કરાવ્યું નથી, ખાદીના લેંઘા-ઝભ્ભાનું કે બોલપેનનું ય નહિ ! આ અછત જીંદગીભરની રહી ગઈ હોવાને કારણે અનેક કવિ-લેખકોના ફોટા એમના પોતાના ગાલ ઉપર ફાઉન્ટન-પેન અડાડીને પડાવેલા તમે જોયા હશે.

એમાં ય પાછા જોતા હોય, વિચારમગ્ન દશામાં છત ઉપર ! ખાદીગ્રામોદ્યોગવાળાઓને ય પોતાનો માલ વેચવો હોય છે, એટલે કોઈ કવિ- લેખકોને રેમ્પ-વોક કરાવ્યું નથી કે સિલ્કના ઝભલાં પહેરાવીને મોડેલિંગ કરાવ્યું નથી, ત્યારે આટલો ય માલ વેચાય છે.

પણ જે ને તે પ્રોડક્ટ માટે મોડેલિંગ કરતો હોવાથી સરખો ભાવ કરાવીને ગુજરાતી કવિ- લેખકોએ બચ્ચનનો કોન્ટેક્ટ કરવો જોઈએ. વ્યાજબી ભાવે કરી આપતો હોય તો બચ્ચનના કંઠે ગુજરાતી કવિઓએ પોતાની રચનાઓ ટીવી પર ગાવા બચ્ચનબાબુનો સંપર્ક કરવો જોઈએ. જે દંતમંજન માટે જાહેર ખબર કરતો હોય તે કાવ્યમંજન માટે શું નહિ કરે ? એને તો પૈસા સાથે મતલબ છે ને !

અલબત્ત, બચ્ચનને વિષય-વૈવિધ્યનો વાંધો ન હોવાથી ખાસ તો અમદાવાદ શહેરમાં ગેરકાયદે લારીગલ્લાની તોડફોડ કે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા, સમયસર ટેક્સ ભરવા કે પાણીનો બગાડ ન કરવાની ટીવી પર જાહેરખબરો આપી શકાય... અને અપીલ અમિતાભ નામનો બચ્ચન કરતો હોય તો પાનની પિચકારી મારનારો અડધી પિચકારી પાછી ખેંચી લેશે, એની તો ગેરન્ટી !

સિક્સર
ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટ હાર્યા, એમાં અડધા ભારતને ક્રિકેટ આવડી ગયું.. કોને કાઢવા જેવો છે ને ઇન્ડિયાએ હવે ક્રિકેટને બદલે તીનપત્તી રમવા જેવી છે, એ બધી સલાહો વગર માંગે મળશે !
- ને તો ય, આજે ટેસ્ટ- ક્રિકેટ અને વન-ડેમાં આપણે વર્લ્ડ- નંબર વન છીએ..!

No comments: