Search This Blog

19/08/2018

ઍનકાઉન્ટર : 19-08-2018


* ક્યારેય સંસદ કે ધારાસભ્યોને ત્યાં ઈન્કમટૅક્સની રેડ પડી હોવાનું સાંભળ્યું નથી !
- સહઅસ્તિત્વનો સવાલ છે.
(ધવલ જે. સોની, ગોધરા)

* બટાકા છોલી નાંખ્યા પછી એમાંથી સોનું નીકળશે, એવું રાહુલ ગાંધી કહેતા હતા... એ મશિન આવી ગયું ?
એ બટાકા કોને માને છે, એ જોયા પછી ખબર પડે.
(રઘુવીર પઢિયાર, મેહસાણા)

* આત્મહત્યા કરવા કરતા સરહદ પર જઇને દેશ માટે મરી ફીટવું જોઇએ... સાચું ?
જાઓ ત્યારે કહેતા જજો.
(જતિન દેસાઇ, વલસાડ)

* એ સમજાતું નથી કે, ૨૦૧૯-ની ચુંટણી પછી કોંગ્રેસવાળા ક્યાં જશે ?
- ગઠબંધનવાળા બધા અત્યારથી લડવા માડયા છે... જોવાનો મજો પડે છે !
(રાજન ચૌધરી, સુરત) અને (નૅવિલ ભરોદિયા, પોરબંદર)

* જીન્સ, શૉર્ટ્સ કે કૅપ્રી પહેરતી આજની મમ્મીઓ સંતાનોને પહેલાની સીધીસાદી મમ્મીઓ જેવા સંસ્કાર આપી શકે ?
- એમનો પપ્પો પહેલાની મમ્મીનું વધારે ધ્યાન રાખે છે કે આજનીનું...એ જોવું પડે.
(ડૉ. શૈલજા એ. ઠક્કર, અમદાવાદ)

* ખારી સિંગનું હવે બહુ મહત્વ કેમ રહ્યું નથી ?
- એનો સ્વભાવ ! સિનેમામાં બેઠા પછી બધા ભાંડા ફોડવા માંડે છે.
(જગદિશ કપૂરીયા, વટવા)

* 'યોગ' માટે મન શાંત જોઇએ ને મન માટે આર્થિક સ્થિરતા...! મેળ ના પડે...!!
-આવું હોય ત્યારે લગ્ન તાબડતોબ કરી લેવા જોઇએ.  
(ચિરાગ સુવેરા, મેઘરજ)

* બ્રહ્માંડના બીજા ગ્રહોવાળા આપણા વિશે જાણતા હશે ?
- જાણતા હોય તો ય શું તોડીને ભડાકા કરી લીધા ?
(જગજીવન મેતલીયા, ભાવનગર)

* આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દુનિયા આખીએ ભાગ લીધો... રાહુલે કેમ નહિ ?
- લીધો હતો...! એ દિવસે એમણે 'જીવબાળાસન' નામના યોગ ચાલુ રાખ્યા હતા.
(રજનીકાંત ભૂંડીયા, દ્વારકા)

* ભારતીય લશ્કર માટે બુલેટપ્રૂફ જૅકેટ્સ પૂરતા પ્રમાણમાં છે ?
હતા... પણ મોટા ભાગના જૅકેટો નેતાઓ વાપરે છે.
(મહેશ આર. રાવલ, અમદાવાદ)

* ડાયરામાં કાંસીજોડાં લોકસંગીતનો અપૂર્વ તાલ છે ને ?
- નાનકડાં મંજીરાનું મહત્વ સહેજે ઓછું નથી
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

*
સ્ત્રીસશક્તિકરણના પ્રમાણમાં પુરૂષશક્તિકરણ વધી રહ્યું હોય, એમ નથી લાગતું ?
જાહેરમાં કોઇ પરણેલો પુરૂષ આનો જવાબ આપી ન શકે.
(આંગી દોશી, વડોદરા)

* 'ઊલટા ચશ્મા'માં ટપુના જન્મ પહેલા દયા જેઠાલાલને શું કહીને બોલાવતી હતી ?
- ભારતીય સંસ્કૃતિને જે શોભે એવા સંબોધનથી.
(જીગર જૈન, ગાંધીનગર)

* ઇ.સ. ૨૦૧૯-ની ચૂંટણીમાં ભાજપને કોણ જીતાડશે ? મોદી કે રાહુલ...?
સરખામણી કરવી યોગ્ય નથી. રાહુલજીનું મોદી કરતા તો લાખગણું ઊંચું નામ છે... હારવા અને હરાવવા માટે !
(ઍલ.ડી. ભરવાડ, રાધનપુર)

* શાકાહાર અને માંસાહાર... કયું વધુ યોગ્ય ?
- ભારત સિવાયની મોટા ભાગની દુનિયા માંસાહારી છે ને એ બધા તંદુરસ્ત છે. હું પોતે સ્ટ્રિક્ટ-શાકાહારી છું, પણ તેથી માંસાહારનું મહત્વ ઓછું સમજતો નથી.
(વિપીન એચ. મેહતા, રાજકોટ)

* અમદાવાદમાં પહેલો વરસાદ થતા જ બાળકો અને રોડ-કૉન્ટ્રાકટરોમાં આનંદની લાગણી...!
- હા, પણ પહેલો પડે પછી વાત !
(ભૌમિક શાહ, વલસાડ)
* 'બાહુબલિ-૩'માં હીરો તમને લે, તો હીરોઇન માટે કોનું નામ સૂચવશો ?
-મારા માપમાં હીરોઇન તમન્ના નહિ, માહિષ્મતિની રાજરાણી શિવગામી (રમ્યા ક્રિષ્નન) આવે... ચલાવી લઇશું એ તો !
(હિતેશ ઓઝા, રાજકોટ)

* રાહુલ ગાંધીને લાયકાત કરતા વધુ મહત્વ મળી રહ્યું હોય એવું નથી લાગતું ?
- ના. ગમે તેમ તો ય એ પરાજીત સેનાનો પતિ છે.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* આરક્ષણ અંગે શું માનો છો ?
- હવે બ્રાહ્મણો અને વૈષ્ણવો બાકી રહ્યા...
(પાર્થ દેસાઇ, જૂનાગઢ)

* સાઠે બુધ્ધિ નાઠે... તમને તો ૬૭-થયા. કેમનું છે ?
- હા. હજી બાળોતીયાં ભીના કરી નાંખતા બાળકોના જવાબ આપું છું.
(કંદર્પ દેવાશ્રયી, દુબાઇ-યુએઇ)
* મારા પત્ની જામનગરના છે. ક્યારેય સખણા રહેતા નથી. મારે શું કરવું ?
- હાઆ...શ ! મારા જામનગર માટે મારૂં માન વધ્યું.
(આર.જી. ચૌહાણ, ભૂજ)

* તમારૂં મનપસંદ પર્યટન સ્થળ કયું ?
- કોઈ લઈ જતુ હોય તો સ્વર્ગ - નર્ક સિવાયનું બધું
(દિલીપ ડાભી, ભાભર)

* પૅટ્રોલના ભાવ ક્યારે ઘટશે ?
- યુ.એ.ઇ. સિવાય બધે વધશે.
(રવિ સુહંદા, જામનગર)

* જેલમાં શું હોય ?
કયારેક કેદીઓ હોય પણ ખરા    
(કલ્પેશ તળપદા, વણથલી)

No comments: