Search This Blog

31/08/2018

'ભાભી' ('૫૭)

ફિલ્મ  :  'ભાભી' ('૫૭)
નિર્માતા  : એવીએમ-મદ્રાસ
દિગ્દર્શક  :  કૃષ્ણન પંજુ
સંગીતકાર  :   ચિત્રગુપ્ત
ગીતકાર  : રાજીન્દર ક્રિષ્ણ
રનિંગ ટાઈમ : ૧૯-રીલ્સ
કલાકારો : બલરાજ સાહની, નંદા, શ્યામા, પંઢરીબાઈ, જગદીપ, જવાહર કૌલ, બિપીન ગુપ્ત, રાજા ગોસાવી, શિવરાજ, કૃષ્ણકાંત, સી.એસ.દૂબેદુર્ગા ખોટે, મનોરમા, ઇંદરા બિલ્લી, ડેઝી ઇરાની, અનવર હુસેન, આગા, ઓમપ્રકાશ, મનોરમા, રવિકાંત અને ભગવાન.

ગીતો
૧.   ટાઈ લગા કે માના બન ગયે જનાબ હીરો...       લતા મંગેશકર
૨.  ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...          લતા-રફી
૩.  છુપાકર મેરી આંખો મેં, વો પૂછે કૌન હૈ જી...      લતા-રફી
૪.  કારે કારે બદરા, જા રે જારે બાદરા...          લતા મંગેશકર
૫.  જવાન હો યા બુઢીયા, યા નન્હી સી હો... મુહમ્મદ રફી
૬.  ચલ ઊડ જા રે પંછી કે અબ યે દેશ હુઆ...        મુહમ્મદ રફી
૭.   જા રે જાદુગર, દેખી તેરી જાદુગરી...          લતા મંગેશકર
૮.   હૈ બહોત દિનોં કી બાત, થા એક મજનુ...            રફી-મન્ના ડે-બલબીર

મરચાની ભૂકી મોંઘી પડે, એટલે મદ્રાસના ફિલ્મ નિર્માતાઓ પ્રેક્ષકોને રડાવવા વાર્તાઓ એવી કરૂણ બનાવતા કે, એનો ખાસ કોઈ ખર્ચો નહિ અને ફેમિલી-ડ્રામા હોય એટલે ભારતભરના દર્શકો ભરઆંસુડે સિનેમામાં રડતા હોય.

એમાં ય, સ્ત્રીઓએ તો મદ્રાસી નિર્માતાઓનું શું બગાડયું હશે કે, દરેક ફેમિલી-ડ્રામામાં વૅમ્પ એટલે કે ખલનાયિકાઓ પાછી સ્ત્રીઓ જ હોય ! એમને કારણે ભર્યાભાદરા આખા કુટુંબનું ખેદાનમેદાન નીકળી જાય, ઘરના પુરૂષોનું કાંઈ ઊપજે નહિ પણ ફિલ્મના અંત સુધીમાં તો સ્ત્રીને પાછી 'દેવી' સાબિત કરવાની હોય, એટલે બધાના રૂમાલો ભીના કરીને રોવડાવ્યા પછી ફિલ્મનો સુખદ અંત પણ સ્ત્રીઓ જ લાવે !

તારી ભલી થાય ચમની... ત્રણ કલાક સુધી રોવડાવી રોવડાવીને ફોદાં કાઢી નાંખ્યા. અત્યારે ચેન્નઇ કહેવાય છે, પણ ત્યારે મદ્રાસ કહેવાતું અને ગૅરન્ટી સાથે ત્યાંની ફિલ્મો સુપરહિટ જતી. વાર્તાની ફોર્મ્યુલા નક્કી હોય કે, આનંદકિલ્લોલ કરતા એક વિરાટ કુટુંબમાં બે-ત્રણ ભાઈઓ હોય, એમની વાઇફોમાં એક સારી હોય ને બાકીની ઝગડા કરાવનારી હોય.

ભાઈઓમાં ફૂટફાટ પડે, ભર્યુંભાદરૂં કુટુંબ વેરવિખેર થઇ જાય, બધા એકબીજાના દુશ્મન બની જાય અને પરિવારનો મોભી અને એની વાઇફ સજ્જન હોય, એ પણ ફૂટપાથ પર આવી જાય... છેવટે ફિલ્મ તો પૂરી કરવી પડે, એટલે દુષ્ટ ભાભીઓને પ્રભુ વિના કારણે સદબુધ્ધિ આપે, એમના ગોરધનોમાં ય ફિલ્મ છુટતા પહેલા સદબુધ્ધિ આવી જાય ને પ્રેક્ષકો ઊલ્લુ બનીને ખુશ થતા થતા ઘેર જાય !

એવીએમ-મદ્રાસની આ ફિલ્મ હતી. બલરાજ સાહનીના ત્રણ ભાઈઓ, જવાહર કૌલ, રાજા ગોસાવી અને જગદીપ એમની પત્નીઓ અનુક્રમે પંઢરીબાઈ, શ્યામા, મંગલા અને છેલ્લે બાળવિધવા ભત્રીજી નંદા સાથે વિશાળ પરિવારમાં રહે છે. ફિલ્મના વાર્તા લેખક બતાવી શક્તા નથી કે, મંગલા અને શ્યામ જેવી વહુઓને કઇ વાતનું દુ:ખ હતું કે, પરિવારમાં ઝઘડા કરી-કરાવીને છુટો પાડી નાંખે છે. કેમ, 'એ તો આપણે સમજી લઇશું'ના ધોરણે બસ... પરિવારમાં આ બન્ને વહુઓ કોઈ કારણ વિના ઝગડા કરે છે અને ખાનદાન તહસનહસ કરી નાંખે છે. ફિલ્મ પૂરી થતા સુધીમાં અથવા આ ફિલ્મને આજે ૬૧ વર્ષો પછી ય ખબર પડતી નથી કે, કઇ કમાણી ઉપર આ ખલનાયિકાઓને સદબુધ્ધિ પાછી આવી જાય છે ને ફિલ્મનો સુખાંત આવે છે !

આવી જ 'ભાભી' નામની એક ફિલ્મ ૧૯૩૮માં ય આવી હતી, જેના હીરો હતા પી.જયરાજ અને હીરોઇન હતી રેણુકાદેવી અને માયાદેવી. ૧૯૯૧-માં ગોવિંદા, જૂહી ચાવલા અને ભાનુપ્રિયાને લઇને એક ત્રીજી 'ભાભી' બની હતી. એ ત્રણેમાંથી ચાલી એક જ, આપણાવાળી 'ભાભી' એટલે કે, આજની ફિલ્મ 'ભાભી', જેની સફળતાનું એક માત્ર કારણ હતું સંગીતકાર ચિત્રગુપ્તનું બેમિસાલ સંગીત.

ચિત્રગુપ્તના કોઈ પણ વખાણ કરીએ તે પહેલા નેઆ સંગીતની રેલમછેલ જાણી લઇએ. હિંદી ફિલ્મસંગીતમાં એમના જેવા અને જેટલા મધુરા યુગલ ગીતો અન્ય કોઈ સંગીતકારે બનાવ્યા હોય, તો ઈશ્વર એનું ય ભલું કરે, પણ તમને કેવળ યાદ અપાવવા પૂરતી યાદી ચિત્રગુપ્તના યુગલ ગીતોની આપી છે :

આજા રે મેરે પ્યાર કે રાહી, રાહ નિહારૂં બડી દેર સે... મચલતી, હુઇ હવા મેં છમ છમ... અદા સે ઝૂમતેહુએ, દિલોં કો ચુમતે હુએ, યે કૌન મુસ્કુરા દિયા... દો દિલ ધડક રહે હૈં ઔર આવાઝ એક હૈ... છુપાકર મેરી આંખો મેં, વો પૂછે કૌન હૈજી હમ...લાગી છુટે ના, અબ તો સનમ... તેરી દુનિયા સે દુર, ચલે હો કે મજબુર... કોઈ બતા દે દિલ હૈ જહાં, ક્યું હોતા હૈ દર્દ વહાં... ચંદા સે હોગા વોપ્યારા, ફૂલોં સે હોગા વો ન્યારા... અરમા થા હમેં જીનકા વો પ્યાર કે દિન આયે... દગાબાજ હો, બાંકેપિયા કહો હાં... બાટ તકત થકથક ગયે નૈના...

મુકેશના ચાહક હો તો બતાવો આવા સુરીલા ગીતો કઇ ફિલ્મોના છે, જેમાં સંગીત ચિત્રગુપ્તનું જ હતું ! મુફ્ત હુએ બદનામ, કિસી કે હાય દિલ કો ચુરા કે... એક રાત મેં દો દો ચાંદ ખીલે... યે પર્બતોં કે દાયરે, યે શામ કા ધૂંઆ... અને લતા મંગેશકરના સોલો...? હાય રે તેરે ચંચલ, નૈનવા, કુછ બાત કરેં રૂક જાયે... જય જય હે જગદંબે માતા... મુસ્કુરાઓ કે જી નહિ લગતા... સજના કાહે ભૂલ ગયે દિન પ્યાર કે... રંગ દિલ કી ધડકન ભી લાતી તો હોગી... દીવાને હમ, દીવાને તુમ, કિસે હૈ ગમ, ક્યા કહે યે જમાના... ખુદા કરે ઓ જાનેમન, કે તૂ કલી ગુલાબ કી...

અને જાણકારો તો એટલે સુધી કહે છે કે, મુહમ્મદ રફી પાસેથી ક્વૉલિટીનું કાં ચિત્રગુપ્તે લીધું છે, એ બીજાઓને લેવાનું બાકી રહી ગયું હતું... મુઝે અપની શરણ મેં લે લો રામ... ચલ ઊડ જા રે પંછી... સૂર બદલે કૈસે કૈસે દેખો, કિસ્મત કી શેહનાઈ... અગર દિલ કિસી સે લગાયા ન હોતા... ચાંદ જાને કહાં ખો ગયા... તેરી દુનિયા સે દૂર, ચલે હો કે મજબુર... મૈં કૌન હૂં, મૈં કહાં હૂં, મુઝે યે હોશ નહિ... ખુશ રહો અહલે-ચમન, હમ તો ચમન છોડ ચલે... બહાર નઝર કરૂં, અપના પ્યાર નઝર કરૂં... કહીં સે મૌત કો લાઓ, કે ગમ કી રાહ કટે... મુઝે દર્દે દિલ કા પતા ન થા... જાગ દિલે દીવાના, રૂત જાગી, વસલે યાર કી... અભી ન ફેરો નજર, આપ કો સંવાર તોલેં...અબ કે બહાર આઈ હૈ, તુમ્હારે નામ સે... ઇતની નાજુક ન બનો...'

મુહમ્મદ રફી ચિત્રગુપ્તના ખાસ મિત્ર જ નહિ, પડોસીઓ પણ ખરા અને બન્નેને ઉતરાયણ હોય કે ન હોય, પતંગ ચઢાવવાનો પાગલ શોખ. રીહર્સલ-રેકોર્ડિંગ ન હોય, ત્યારે આજુબાજુમાં આવેલા બન્નેના ધાબાં ઉપર જઇને પતંગ ચઢાવે, એક બીજા સાથે પેચ લે અને બન્નેને નાના બાળકોની જેમ દોરીના લચ્છા કે પિલ્લુ વાળવાનો શોખ. પતંગ સહેજ પણ ફાટયો હોય તો ગુંદરપટ્ટી મારીને સાંધવનો ય ખરો... વિધિની કેવી વિચિત્રતા કે, પતંગના આટલા શોખિન ચિત્રગુપ્તનું અવસાન પણ ઉત્તરાયણ એટલે કે ૧૪મી જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ થયું. 

આપણે વટમારવા જેવી વાત એ છે કે, આપણા પ્રણામયોગ્ય ગુજરાતી સંગીતકાર દિલીપ ધોળકીયા ('તારી આંખનો અફિણી'...) ચિત્રગુપ્તના કાયમી આસિસ્ટન્ટ હતા. એ પહેલા ચિત્રગુપ્તના ય ગુરૂબંધુ શ્રીનાથ ત્રિપાઠીના ય દિલીપભાઈ આસિસ્ટન્ટ રહી ચૂકેલા. રમુજની વાત એ છે કે, એમની અટકના અંગ્રેજી સ્પેલિંગને લીધે કોઈ એમનું સાચું નામ ઉચ્ચારી શક્તું નહોતું...'ધોળકીયા'ને અંગ્રેજી સ્પેલિંગ મુજબ 'ઢોલકીયા' કહેવાતું, એમાં કેટલાક એમને બજાણીયા-ફજાણીયા હશે, એમ માનતા. એટલે ક્યાંક એ 'ડી.દિલીપ' નામ લખાવે. ક્યાંક ખાલી દિલીપ ને આ ફિલ્મના ટાઈટલ્સ મુજબ તો 'દિલીપ કુમાર' લખાવી દીધું હતું.

થોડું જરા વધારે પડતું લાગે, પણ આ ફિલ્મ 'ભાભી'માં ભાભીનો મેઇનરોલ નથી તો નંદાએ કર્યો, નથી શ્યામાએ. એ સાઉથની પંઢરીબાઈ નામની એક્ટ્રેસે કર્યો હતો. શ્યામા અત્યંત ખૂબસુરત અને એકટ્રેસ તરીકે પણ સેક્સી લાગે એવી હરીભરી અને ગ્લેમરસ હતી. કમનસીબે, એ લાઈફમાં ક્યારેય સિરીયસ ન થઇ અને ફિલ્મોને રમતા રમતા કામ કરવાનું સાધન સમજી બેઠી, એમાં મુખ્ય હીરોઇનને બદલે જ્હોની વોકરની હીરોઇન અને પછી તો સાવ સાઇડી એકટ્રેસ તરીકે ય કામ લઇ લેતી. દેવ આનંદની એ વખતની લગભગ બધી ફિલ્મોના પારસી કેમેરામેન ફલી મિસ્ત્રી સાથે એ પરણી હતી. લાહૌર-પાકિસ્તાનમાં જન્મેલી આ ખુર્શિદ અખ્તરના પુત્રો ફરોખ અને રોહિન તથા શીરિન નામની પુત્રી હતી.

નંદા જેવી પવિત્ર લાગે એવી ખૂબસુરતી ઍટલીસ્ટ, આ લખનારે બીજી તો જોઈ નથી. ફિલ્મી દુનિયામાં આખી જીંદગી કાઢી નાંખવા છતાં કેરેકટર પૂર્ણપણે પવિત્ર રાખ્યું હતું. 'અમર, અકબર, ઍન્થની'વાળા સ્વ. મનમોહન દેસાઈ સાથે તો એની સગાઈ થઇ ચૂકી હતી. કમનસીબે મનમોહને આત્મહત્યા કરતા નંદા પત્ની બની જ ન શકી. કોમેડિયન મેહમુદને ખૂબ ચાહતી. બન્ને વચ્ચે ભાઈ-બેન જેવો પ્રેમ ફિલ્મ 'છોટી બહેન'થી શરૂ થયો તે અંત સુધી. મેહમુદે પોતાની બાયોગ્રાફી છપાવતા પહેલાં શરત મૂકી તી કે, એના મૃત્યુ પછી જ એ છપાય... અજાણતામાં કોઇના ઘર ભાંગે નહિ એ માટે. 

એ બાયોગ્રાફીની પ્રસ્તાવના 'નંદિની વિનાયક કર્ણાટકી'એ લખી હતી... એ નંદિની એ જ નંદા. એ પોતાને નંદા કહેવડાવવા કરતા 'નંદિની કર્ણાટકી' કહેવડાવવું વધુ પસંદ કરતી. આજની ફિલ્મ 'ભાભી'નું મૂલ્ક મશહૂર ગીત 'ચલી ચલી રે પતંગ મેરી ચલી રે' એની અને કોમેડિયન જગદીપ ઉપર ફિલ્માયું હતું. સૈયદ ઇસ્તિયાક એહમદ જાફરીએ (જન્મ તા. ૨૯ માર્ચ, ૧૯૩૯) નાનપણથી જ ફિલ્મો માટે પોતાનું નામ 'જગદીપ' રાખ્યું હતું. આખી જીંદગી ધસરડો કરવા છતાં એનું નામ ફિલ્મ 'શોલે'ના સુરમા ભોપાલીથી થયું.બોલીવૂડના ડાન્સર-એકટર જાવેદ જાફરી (અને ટીવી પ્રોડયુસર) નાવેદ જાફરીના આ પિતાને બીજી વારના લગ્ન 'નાઝિમા' સાથે કર્યા પછી 'મુસ્કાન જાફરી' નામની દીકરી પણ છે.

જગદીપના ભાગમાં મુહમ્મદ રફીનું મધુર સોલો 'પાસ બૈઠો તબિયત બહેલ જાયેગી, મૌત ભી આ ગઇ હો તો ટલ જાયેગી...' ફિલ્મ 'પુનર્મિલન'નું ગાવા મળ્યું હતું. 'ચલી ચલી રે પતંગ...'પણ પરદા ઉપર નંદાની સાથે એણે ગાયું હતું.

વાત ફિલ્મોની છે ને એ ય મદ્રાસ બાજુની જે ફિલ્મો છેલ્લે દસ-પંદર વર્ષોમાં ઉતરવા માંડી છે, એમાં મૂળ વાત પરિવાર સાથે લઇ ન જવાય એની નથી... એકલા જાઓ તો ય જુગુપ્સા પ્રેરે એ લેવલની ફિલ્મોે બની રહી છે. એટલે એમાં ભરપુર સૅક્સના ઉછાળા મારતી ફિલ્મો આવી. સૅક્સ એટલે ને ધ્યાનમા રાખીને પરિવાર સાથે બેસીને જોવાય એવી નહિ. તમે ઘૃણાથી ભરાઈ જાઓ એવા છીછરા સેક્સને ચમકાવતી ફિલ્મો ત્યાં બને છે, કોક તો શૂટિંગમાં એવું ય જોઈ આવ્યો હતું કે, શૂટિંગના લોકેશન પર હીરો ન આવે ત્યારે તેને હીરો કે પ્રોડયુસરના ખોળામાં બેસવું પડે.

જબરદસ્તી સહેજ પણ નહિ. ત્યાંની  પ્રણાલિકા એ પડી ગઇ છે કે, હીરોઇને હીરોને તાબે થવું જ પડે. આપણા જમાનાની હિંદી ફિલ્મમાં વાત આટલે સુધી પહોંચી નહોતી. સંસ્કાર જેવું કંઇ રાખવામાં આવ્યું હતું. 'મેરે પ્યાર ગંગા મૈયાકી તરહ પવિત્ર હૈ' એ મંદિરમાં પ્રભુના દર્શને આવેલી હીરોઇન ડૂંટી નીચેની સાડી અને છાતી પર 'સબ સલામત હૈ'ના ફક્ત પાટીયા જ લગાવાના બાકી રહે  એ સમજ મુજબ તો જૂની તો જૂની આપણી હિંદી ફિલ્મો બેશ્ક નડે એવી નહોતી.

No comments: