Search This Blog

09/08/2018

પાણીપુરી... ગઈ ?


હું સમજણો થયો ત્યારથી આજ દિન સુધી વરસાદ વિનાની આવી કોરીધાકોડ સીઝન કદી જોઈ નથ. ('હું સમજણો થયો', એ મારી અંગત માન્યતા છે !) આખું ચોમાસું ગયું અને એક બાળોતિયું ભીનું થાય એટલા નાનકડા એક ઝાપટાને બાદ કરતા પૂરા ચોમાસામાં વરસાદ જ નહિ ?

અને એ ય, પૂરું ભારત વરસાદથી ઝાકમઝોળ છે, ત્યારે ? મુંબઈમાં વરસાદ તો જાણે બાપાનો માલ હોય, એટલું (અને બહુ વધારે પડતું) દર ચોમાસે પડે રાખે છે. આપણે ત્યાં 'વરસાદ આયો ?'

પૂછીએ છીએ ને મુંબઈમાં 'વરસાદ ગયો કે નહિ ?' પૂછાય છે. રામ જાણે, અમદાવાદમાં કયા પાપીઓ રહે છે કે, પૂરા શહેરમાં નામ પૂરતો ય વરસાદ નહિ, કોઈને રીબાવી રીબાવીને મારવો હોય તો ગિફ્ટમાં એને છત્રી કે રેઇનકોટ આપો. આખો શિયાળો ગયો, કોઈએ સ્વેટર પહેરેલું જોયું ?

શિયાળા કે ચોમાસાને અમદાવાદ સાથે લેવા-દેવા જ નથી. અમેરિકા ઇંગ્લૅન્ડથી ભાઈ-ભાભી આપણા માટે ક્યારેય છત્રી કે રેઇકોટ લેતા આવે છે ? સાલું, અમદાવાદના તો ઘણા બાથરૂમોમાં ય પાણી આવતું નથી, ત્યાં વરસાદનું તો ક્યાંથી આવે ? એક ગુજરાતી રૂઢિપ્રયોગ સદીઓથી બંધ થઈ ગયો છે કે, 'ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું.' પણ આ સીઝનમાં તો આવા આપઘાત કરનારાઓને ય કોઈ ચાન્સ નહિ !
છેલ્લા બે-ચાર વર્ષોમાં જન્મેલા બાળકો મોટા થાય ત્યારે વર્ષો પહેલા શહેરના કોઈ વરસાદનો ફોટો બતાવીને સમજાવવું પડશે કે, 'જો બેટા... આને વરસાદ કહેવાય !'

આવી અછતને કારણે જ અમદાવાદમાં કવિ-શાયરો પાકતા નથી. જેટલા છે, એમાંના એકે અમદાવાદના વરસાદ વિશે કાંઈ લખ્યું નથી. હા, શાયર બન્યા એટલે વરસાદ વિશે લખવું તો પડે, કાળઝાળ ઉનાળાના બફારા વિશે કોઈએ લખ્યું હોવાનું જાણમાં નથી. અલબત્ત, વાચકો કવિઓને સમજી શક્યા નથી. આ લોકો વાસ્તવવાદી હોવાથી વગર વરસાદે બી ટીપાં ય ન લખે. કાગળ ભીંજાવા જેટલો તો મેહૂલો પડવો જોઈએ ને ?

વરસાદ ફેઇલ જવાથી મોટો ફાયદો ખાણીપીણીની લારીવાળાઓને થયો હતો કે, ગ્રાહકો હવે હવાઈ ગયેલી મસાલા પુરી કે ભીનાં ઢોંસાની બૂમો નહિ મારે. ખાનાર ય ખુશ હતા કે, અમદાવાદમાં બધુ મળે, હવાઈ ગયેલું કશું ન મળે !

''ભૈયાજી... યે પાણી-પુરી તો હવાઈ ગયેલી હૈ... દૂસરી દો, ના...'' એવી ફરિયાદ હવે કોઈ કરતું નથી. એક તો વરસાદ નહિ, ને બીજું પાણીપુરીના ખુમચાઓ સરકારે બંધ કરાવી દીધા.

હવાઈ ગયેલી તો હવાઈ ગયેલી, પાણીપુરી માટે આપણને પૂરું માન... ક્યારેય ફરિયાદ નહિ કરવાની. પણ ભૈયાઓ એવી પાણીપુરી આવતા ચોમાસા સુધી રાખી ન મૂકે, એ માટે સરકારે એની બધી લારીઓ પર છાપા માર્યા. ભ'ઇ બટાકા સડેલા હતા કે પાણી ગટરવાળું હતું, એની ગુજરાતીઓને ફિકર નહોતી 'દસની ચાર'ના ભાવે પચ્ચાસ ઠોકી જઈએ ત્યારે મન કાંઈ હળવું થાય. 'ત્યાંથી' આવેલા બ્રધર અને ભાભીની અમદાવાદની પાણી-પુરી ખાવાની રાહ જોતા આવ્યા હોય, પણ એમના દેશમાં ચોખ્ખાઈ બહુ, એટલે મિનરલ-વૉટરની બૉટલથી પહેલા હાથ ધોઈ લે, પછી પહેલી પકોડી મ્હોમાં મૂકે. એ વાત જુદી છે કે, કેટલાક ભૈયાઓ તો નવરા ઊભા હોય ત્યારે ગમે ત્યાં હાથ ઘસીને એ હાથે પાણીપુરી ખવડાવે ને ગ્રાહિકાઓને એની કદી પરવાહ કે વેદના ન હોય.

રામ જાણે, દારૂની માફક પાણી-પુરી ઉપરે ય સરકાર શું ખફા થઈ ગઈ કે, ગુજરાતણોને ભૂખી રહેવાના, કારમા, દહાડા આવ્યા. અમદાવાદનું આખું લૉ-ગાર્ડન સાફ થઈ ગયું. જ્યાં પાણી-પુરી જેવી અનેક ખાણી-પીણીઓ મળતી હતી...સાલું, હવે આ બધું ઘેર જઈને ખાવાના દહાડા આવ્યા ને ?

બીજું બધું તો આવડે, પણ પકોડી ઘેર બનાવતા ન ફાવે. સું કિયો છો ? વણી વણીને અધમૂવા થઈ જઈએ, તો ય એમના જેવી તો ન ફૂલે. એ બધું તો ઠીક પણ ૪૦- ૫૦ પકોડીઓ ખાઈ લીધા પછી ફ્રીમાં મસાલા-પુરી ઘેર તો કોણ આપવાનું હતું ?

સદીઓ પહેલા પડી ગયેલા વરસાદની માફક બાળકો મોટા થશે ત્યારે પપ્પાઓ એ સ્મારકો પણ બતાવશે કે, 'જો બેટા.. હાલમાં જ્યાં પબ્લિક ટોયલેટ દેખાય છે... ત્યાં પહેલા ચમન પાણીપુરીવાળો ઊભો રહેતો હતો. તારા મમ્મી-ડેડી, દાદા- દાદી... બધા ચમનની પાણી-પુરીઓ ખાઈ ખાઈને મોટા થયા છે..
ના, ચમન મરી નથી ગયો. એક ગોઝારી સાંજે અમદાવાદના મ્યુનિસિપાલિટીના સાહેબોએ ચમનને રંગે-હાથ...રંગે-બટાકા કે રંગે-ગટર પકડયો, ત્યારે ખબર પડી કે ગુજરાતના મોટા ભાગના પકોડીવાળાઓ સડેલા બટાકા ચણા કે કોથમીરમાંથી મસાલા બનાવીને ખવડાવતા હતા.

ગુજરાતણો શાક-સબ્જી લેવા જાય ત્યારે એક એક બટાકું જોઈ જોઈને પાછું કાઢે કે, એકે ય સડેલું આવી ન જાય. ઘેર આર.ઓ.નું જ પાણી પીએ, પણ પકોડીવાળા જીવાતવાળું પાણી બનાવે તો એમાં ફક્ત સ્વાદ જ જોવાનો. કહે છે કે, જે સ્થળે ભૈયો ઊભો હોય, ત્યાંથી એના માટલામાં બીજું પાણી ભરવા માટે ક્યાંથી લાવે છે એ જરા નજર દોડાવી જુઓ તો ચોંકી જવાય. પાંચકૂવા પાસે એક પકોડીવાળો રીતસર જાહેર- મુતરડીમાંથી પાણી ભરી લાવી માટલામાં નવું પાણી બનાવતો ઝડપાયો હતો.

મસાલેદાર પાણી તો દસ-પંદર ઘરાકો પછી ખૂટી જાય ત્યારે નવું પાણી લાવવું તો પડે ને ? એ પાણી ક્યાંથી લાવો છો, એ સવાલ ભૈયાને કોઈ પૂછતું નથી. થૅન્ક ગોડ કે, સૉશિયલ મીડિયા ઉપર અમદાવાદના પાણી-પુરીવાળાઓના રહેઠાણો ઉપર જઈને વીડિયો ઉતારી ત્યારે ખબર પડી કે ખદબદતી જીવાતો, માખીઓ અને કાદવ- કીચડવાળા વાસણોમાં એ લોકો પકોડીનો લોટ ગુંદે ને એની પકોડી બનાવે. હાથમાં પ્લાસ્ટિકના મોજા પહેરીને પકોડી ખવડાવતો ભૈયો ચોક્ખો લાગે પણ મસાલો ગુંદતી વખતે એણે હાથ ધોયા છે, એની ક્યાંથી ખબર પડે ?'

મામલો ફક્ત પાણી-પુરી પૂરતો મર્યાદિત નથી રહેતો.... લારી-ગલ્લા ઉપર મળતી તમામ વાનગીઓ તો ઠીક, ખુદ એ લારી-ગલ્લા પણ કેટલા ચોખ્ખા છે, એ જાણવા જઈએ તો સાલું ત્યાંથી કંઈ ખવાય નહિ ! આપણે તો 'દેખવું ય નહિ ને દાઝવું ય નહિ'વાળી સ્ટાઇલને કારણે ચોખ્ખાઈ- ફોખ્ખાઈમાં ના પડીએ. યસ, મોઘુ, પણ સ્ટાર હોટેલોના કિચનમાં લશ્કરી ચોખ્ખાઈને કારણે ભાવ ભલે વધારે આપવો પડે, પણ સફેદ બટલર કૅપ પહેર્યા પછી મહારાજના માથાનો વાળ આવવાની તો ફિકર નહિ ! દુનિયાભરની સમૃદ્ધ હોટેલોમાં કૂક (રસોઈયા)ને માથે કેપ (ટોપી) પહેરવી ફરજિયાત છે અને તે પણ વ્હાઇટ જ. વ્હાઇટ એટલા માટે કે, નાનકડો ડાઘો ય પકડાઈ જાય.

આના ઉપરથી એક કામ થઈ શકે. ખાણીપીણીના બધા લારી-ગલ્લાવાળાઓ માટે ગુજરાતભરમાં ફરજિયાત એક સફેદ યુનિફોર્મ બનાવી દેવાય. માથે હોટલના કૂક જેવી સફેદ ટોપી તો જોઈશે જ ! આ બધા માટે ચોખ્ખુ પાણી ફરજિયાત બનાવવા, ખાણીપીણીમાં એમણે પાણી ક્યાંથી લીધું વાપર્યું છે, એનુ બોર્ડ ગ્રાહક વાંચી શકે, એ પહેલી શરત. તમામ ખાણીપીણીવાળાઓએ ગ્રાહકોએ વાપરી લીધેલી ડિશ એકની એક ડોલમાં બોળીને 'સાફ' કરીને નવા ગ્રાહકોને આપે છે, એ શું કામ ચલાવી લેવાય ? હૉસ્પિટલો કે દવાખાનાઓ બાયો-વેસ્ટ (દવાવાળો કચરો) જે તે ડૉક્ટરો કે હોસ્પિટલોની જવાબદારી છે, તો એ જ કાયદો લારીગલ્લાવાળાઓને કેમ લાગુ ન પડે ? બધું એંઠુજુંઠું ક્યાં નાખે છે ને કેવો ગંદવાડ ઊભો થાય છે, એ પણ મ્યુનિ.વાળાઓ કેમ ન જુએ ? બહુ સ્વાભાવિક છે કે, લારીનો તમામ માલ તો વેચાઈ જવાનો નથી, તો વધેલો માલ એ ઘેર લઈ જઈને બીજે દિવસે પાછો લાવવાનો છે, જેની ગ્રાહકને ક્યારેય ખબર પડવાની નથી. યસ. આ કાયદો ફરજિયાત બનાવી શકાય કે, રાત્રે ઘેર પાછા જતા તમામ લારી-ગલ્લા કે દુકાનોવાળાએ વધેલો પૂરો માલ નાશ કરવો પડશે. બધી સાવચેતી રાખવાની અપેક્ષા ગ્રાહકો પાસેથી ન રખાય.. સુંઉ કિયો છો ?

હવે ચિંતા એક જ પીણાની રહે છે..પાણી-પુરીની માફક સરકારે છાનો માનો મળતો'તો એ શરાબ પણ બંધ કરાવી દીધો... હવે જમાનો 'શિકંજી' વેચનારાઓની લારીઓનો આવવો જોઈએ.

 
સિક્સર
- અરે પટેલ સાહેબ... અત્યારે અહીં નડિયાદ હાઇ-વે ઉપર ક્યાંથી ?
- અરે ભ', મારે તો અમદાવાદના સી.જી. રોડ ઉપર ગાડી પાર્ક કરવી હતી... પોલીસવાળા, 'અહીં નહિ.. આગળ જાઓ' કહી કહીને મને અહીં સુધી લાંબો કરી દીધો છે...વડોદરા સુધીમાં કદાચ પાર્કિંગ મળી જાય ને ?

No comments: