Search This Blog

03/08/2018

'કસમે વાદે'('૭૮)

ફિલ્મ : 'કસમે વાદે'('૭૮)
નિર્માતા-દિગ્દર્શક  : રમેશ બહેલ
સંગીતકાર   : રાહુલદેવ બર્મન
ગીતકાર  : ગુલશન બાવરા
રનિંગ ટાઈમ   : ૧૬-રીલ્સ - ૧૫૫-મિનિટ્સ
થીયેટર  : દીપાલી (અમદાવાદ)
કલાકારો : અમિતાભ બચ્ચન, રાખી ગુલઝાર, રણધિર કપૂર, નીતુ સિંઘ, વિજ્યેન્દ્ર ઘાટગે, ભગવાન, આઝાદ, મુસ્તાક મર્ચન્ટ, નીતિન સેઠી, શરદ સક્સેના, શિવરાજ, કૅટી મિરઝા અને 
મેહમાન કલાકારો : રેખા અને અમજદ ખાન.

ગીતો
૧. કસમે વાદે નિભાયેંગે હમમિલતે રહેંગે જનમોજનમ...લતા-કિશોર
૨.કલ ક્યા હોગા કિસકો પતા, અભી જીંદગી કા...આરડી બર્મન-સાથી
૩.મિલે જો કડી કડી, એક જંઝીર બને... આશા-કિશોર-રફી
૪.આતી રહેંગી બહારેં, જાતી રહેંગી બહારેં... આશા-કિશોર-અમિત
૫.ગુમસુમ ક્યું હૈ સનમ, અબ જરા માન જા...આશા ભોંસલે
૬.પ્યાર કે રંગ સે તૂ દિલ કો સજાયે રખના...આશા-આનંદકુમાર સી.

ફિલ્મના નામો ગમે તે હોય, એને વાર્તા સાથે ભાગ્યે જ કોઈ મતલબ હોય! આ ફિલ્મનું નામ 'કસમે વાદે' છે, પણ પૂરી ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી આખી ફિલ્મમાં નથી કોઈ કસમ ખાતું, નથી વાયદા તોડતું. ફિલ્મના ચારે ય (અમિતાભનો ડબલ રૉલ ગણીએ તો પાંચે ય) પાત્રો કોઈ સાચીજૂઠી કસમો ખાતા નથી કે વાયદાઓ આપતા નથી. બસ. ફિલ્મનું નામ કોઈ બી આપવાનું હતું, તે આપી દીધું... સૂઝ્યાં નહિ હોય, નહિ તો 'જૂઠેવાદે', 'સચ્ચી કસમે' કે 'ભાઈ કા બદલા' જેવા નામો ય આપ્યા હોત તો ફિલ્મની વાર્તા એની એ જ રહેવાની હતી. જોવાની કૉમેડી એ છે કે, '૭૮-માં ફિલ્મ રીલિઝ થઈ ત્યારે પોસ્ટરોમાં અમિતાભનો બંદૂકના ભડાકા કરતો 'ભાઈ' જેવો ફોટો મૂકાયો હતો. વાતમાં ગરમી લાવવા માટે બાજુમાં રાખી કે રણધિર કપૂર નહિ, અમજદ ખાન અને રેખાના ફોટા મૂક્યા હતા, જે બન્ને કેવળ મેહમાન કલાકારો હતા.

એમ તો, હિંદી ફિલ્મની વાર્તાઓની પ્રણાલિ મુજબનો સાચો હીરો તો રણધિર કપૂર છે. એ પોતાના આદર્શ મોટા ભાઈનો પૂરો લિહાઝ પણ રાખે છે અને બીજા અજાણ્યા મોટા ભાઈને ભાભી સાથે પરણાવવા સ્વર્ગસ્થ મોટા ભાઈના ઉસુલોનો પણ જીવના જોખમે સાચવતો રહે છે. આટલે સુધીની વાર્તામાં અન્ય સ્વીકૃત ઘટનાઓ ઉમેરીને કોઈ પારિવારિક સંસ્કારી ફિલ્મ બની શકી હોત, પણ મેં કીધું તેમ... અમિતાભના માર્કેટનો ય ખ્યાલ રાખવાનો હોવાથી મહીં લેવાદેવા વગરની મારામારીઓ ને બૉમ્બધડાકાઓ ઘુસાડીને મનમોહન દેસાઈ-છાપની ફિલ્મ બનાવી દીધી.

રાખી એના જમાનામાં ય કોઈ અદ્ભુત ઍક્ટ્રેસ કે રૂપસુંદરી નહોતી. હિંદુસ્તાની પ્રજા ભૂરી આંખો જુએ એટલે અમથી ય ઈમ્પ્રેસ થઈ જાય, પણ એવી આંખો ઉપર આખી ફિલ્મ ન ચાલે. ફિલ્મમાં એને રોવા કકળવાથી ઉપરાંતની ઍક્ટિંગ કરવાની આવી નથી, એટલું પ્રેક્ષકોને બોનસ. નીતુ સિંઘ (રણબીર કપૂરની મૉમ) પાસે એ જમાનામાં તદ્દન ફાલતુ રોલ આવતા અને એવા કર્યા વિના એનો છુટકો ય નહતો. અંગત જીવનમાં એના જેઠજી રણધીર કપૂર સાથે એને હીરોઈન બનાવવામાં આવી છે, એટલે ફિલ્મ બહારની મર્યાદાઓ પણ જાળવીને દિગ્દર્શકે બન્ને વચ્ચે કોઈ પ્રણયદ્રયો લીધા નથી.

હા, એ વખતે પૂરબહારમાં ચાલતી રેખા-અમિતાભની પ્રેમકહાણીને કૅશ કરી લેવા નિર્માતાએ અહીં રેખાને બોલાવીને એક મુજરો કરાવ્યો છે. હજી એમ કહી શકાય કે, રેખાની બરોબરીની ભાગ્યે જ કોઈ હીરોઈન એ સમયે ઉપસ્થિત હતી. આજે માધુરી દીક્ષિત કે દીપિકા પદુકોણ સારી ડાન્સરો છે. ભણસાલીની 'ગૂઝારિશ' જુઓ તો ઐશ્વર્યા રાય પણ એ જ કક્ષાની ઉચ્ચ ડાન્સર લાગે.

કપૂર-ખાનદાનના બધા હીરાઓ પાસે ડાન્સ માટે કુદરતી પ્રતિભાવ અને શરીરો હતા, એટલે એ લોકો ફિલ્મોમાં ગમે તે ડાન્સમાં શોભી ઉઠતા. તાજ્જુબીની ઘટના એ છે કે, પૃથ્વીરાજ કપૂરથી શરૂ થયેલો અભિનયનો ગ્રેટ સિલસીલો હેરતભર્યો હતો. રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરે ઍક્ટર તરીકે પોતપોતાના નામો એમની મર્યાદાઓમાં રોશન કર્યા. એ વારસો ફક્ત બે જણા જાળવી શક્યા, રિશી કપૂર અને એનો દીકરો રણવીર કપૂર. બાકી રિશીનો મોટો ભાઈ આ રણધીર કે નાનો ભાઈ રાજીવ કપુર સ્ટાર્સ તરીકે જ નહિ, ઍક્ટરો તરીકે ય ઘણા નબળા પૂરવાર થયા. બન્ને બહેનોમાં કરીનાએ તો થોડી પણ અર્થપૂર્ણ ઍક્ટિંગ બે-ત્રણ ફિલ્મોમાં કરી બતાવી છે. મોટી કરિશ્મા તો એમાં ય ફેઇલ ગઈ..!

આ ફિલ્મમાં અમિતાભ અને રણધીર સગા ભાઈઓનો રોલ કરે છે, પણ એક જમાનામાં બન્ને સગા વેવાઈ બનવાના હતા. અભિસ્હેક બચ્ચન અને કરિશ્મા કપૂરના તો લગ્ન થવાના હતા... ન થયા, એનું કારણ 'પ્રતિક્ષા' કે 'જલસા'ની બહાર આવ્યું નથી ને આપણે જાણવું ય નથી. ડબ્બુ તરીકે ઓળખાતા રણધીર કપૂર કે સૌથી નાના ચિમ્પુ એટલે કે, રાજીવ કપૂર પાસે ઍક્ટિંગ નહોતી, પણ રિશી દેખાવથી માંડીને અભિનય અને ફિલ્મોની સફળતા, બધામાં ઊંચો પુરવાર થયો. હમણાં આવી ગયેલી ફિલ્મ '૧૦૨-નૉટ આઉટ'માં અભિનયમાં એ બેશક બચ્ચનને પાછળ રાખી દે છે.

અમિતાભ બચ્ચને ખાડીયાની ભાષામાં કહીએ તો વધુ પડતી ઓવર-ઍક્ટિંગ કરી છે, જ્યારે આટલા મોટા ગ્રેટ ઍક્ટર સામે પોતાનું કશું ઉપજવાનું છે, એવું કદાચ સમજીને રિશી કપૂરે પૂરી મૅચ્યોરિટીથી યથાર્થ અભિનય કર્યો છે. 'કસમે વાદે'ને સામાન્ય ફિલ્મ બનાવી નાખવા માટે ફિલ્મ સાથે સંકળાયેલા સહુએ યથાશક્તિ ફાળો આપ્યો હતો. અમિતાભને પણ જે બીજી ફિલ્મોમાં કરતો હતો, એવો ચીલાચાલુ કિરદાર જ નિભાવવાનો હતો. એ તો અમિતાભનો જબરદસ્ત જુવાળ હતો, એટલે આવી ફિલ્મો ચાલી જાય. 'ચાલી જાય' એવું એટલે કીધું કે, ફિલ્મ 'કસમે વાદે'ની કથાવસ્તુ સુંદર હતી અને એક સુંદર ફિલ્મ બની શકી હોત, પણ અમિતાભ બચ્ચનનો 'અમર, અકબર, ઍન્થની' બ્રાન્ડનો તગડો જમાનો ચાલતો હતો ને એ વખતના પ્રેક્ષકો કોઈ ફિલ્મમાં બચ્ચન ભલે ને ફિલ્મી માર ખાય, એ જોવાતું નથી.

'
ડોન', 'ત્રિશૂલ' અને 'મુકદ્દર કા સિકંદર' આ જ વર્ષે ('૭૮માં) રીલિઝ થઈ હતી અને ભારત પાગલ હતું એની પાછળ. રાજેશ ખન્નાએ ભારતના પુરૂષોમાં પહેલી વાર માથાની વચ્ચે પાંથી પાડવાની શરૂઆત કરી (એ જમાના પહેલા આવી હૅરસ્ટાઇલ 'સ્ત્રૈણ્ય' ગણાતી!) એ પછી જમાનો બચ્ચનનો આવ્યો. એણે બન્ને કાન ઢંકાય, એવા જથ્થાબંધ વાળ ઊગાડયા ને ભ'ઇ... આખું ઈન્ડિયા પાગલ! આવા વાળ રાખીને પોતાને બચ્ચન સમજનારાઓનો જથ્થો ઓછો નહતો. સાવ ખેંપટ જેવું શરીર હોવા છતાં બચ્ચનની પર્સનાલિટી એવી વિરાટ હતી કે, એકલે હાથે પચાસ ગુંડાઓને ફટકારે તો પ્રેક્ષકો માની ય જતા, 'દે...દે... હજી બે-ચાર દે સાલાને...' એવો પાનો સિનેમામાં બેઠા બેઠા આ લોકો ચઢાવતા. લોકોને મર્દ અમિતાભ જોવો ગમતો હતો...

...
ને એમાં જ, આ ફિલ્મ 'કસમે વાદે' આડે રસ્તે ચઢી ગઈ. બચ્ચનને ફાઇટ તો આપવી પડે, પહેલા રોલમાં તો એ સૌમ્ય અને વિવેકી પ્રોફેસર છે, જે પોતાના ભાઇને મારામારી વિનાના સીધા રસ્તે જીવવાની સલાહો તો આપે છે, પણ બચ્ચન પોતે ય માર ખાધે રાખે છે. ફિર ક્યા..? ડબલ રોલ હતો એટલે બીજામાં એને 'અમર, અકબર, ઍન્થની'વાળો બચ્ચન બનાવાયો. ફિલ્મ ચાલી નહિ... પ્રેક્ષકોને બચ્ચનબાબુના આવા કિરદારોનો ઑવરડૉઝ લાગવા માંડયો હશે...! સરવાળો એટલો કે, બચ્ચનની આવી ઘણી ફિલ્મો ફ્લૉપ ગઈ... એ પોતે સહેજે ય ફ્લૉપ ન નિવડયો.

વાર્તા મુજબ તો ફિલ્મ સારી બની શકી હોત. પ્રો. અમિત એના નાના ભાઇ રાજુ (ડબ્બુ) અને પ્રેમિકા રાખી ગુલઝાર સાથે ખુશીનું જીવન જીવે છે. ડબ્બુ કૉલેજનો તોફાની સ્ટુડેન્ટ છે. રખડપટ્ટી સિવાય બીજી કોઈ લાયકાત નહિ, જે બચ્ચનથી સહન થતું નથી, પણ ભાઈ માટેના પ્રેમને કારણે એ બોલી ય શકતો નથી. એનું ભણવાનું પૂરૂં ન થાય ત્યાં સુધી એ રાખી સાથે લગ્ન નહિ કરે, એવી ફિલ્મી પ્રતિજ્ઞાા લીધી છે. દરમ્યાનમાં ફિલ્મના ટ્રસ્ટી શેઠ ગોપાલદાસ (નીતિન સેઠી)નો ઉચ્છૃંગલ પુત્ર વિજ્યેન્દ્ર ઘાટગે ડબ્બુનો દુશ્મન છે.

બન્ને વચ્ચે કૉલેજની રાબેતા મુજબની મારામારીઓ પૈકી છેલ્લી વખતે ડબ્બુને બચાવવા જતા બચ્ચનના પેટમાં વિજ્યેન્દ્રનું ચાકુ ઘુસી જાય છે ને એ ગૂજરી જાય છે. એના ગૂજરી ગયા પછી ડબ્બુ અને રાખી એ જ ઘરમાં દિયેર-ભાભીના સંબંધે રહે છે, પણ દરમ્યાનમાં એક નવો બચ્ચન બહાર પડે છે, જે મોટા બચ્ચન કરતાં લક્ષણોથી બિલકુલ વિપરીત છે. એ ગુંડો છે.

મોટા સાથે પરફૅક્ટ મળતા આવતા ચેહરા છતાં ડબ્બુ કે રાખીને એવો કોઈ ભ્રમ રહેતો નથી કે, 'ક્યાંક આપણાવાળો બચ્ચન તો પાછો નહિ આવ્યો હોય ને?' ડબ્બુ નીતુ સિંઘના ગૅરેજમાં ભાગીદાર બને છે અને ત્યાં બચ્ચન ભાગ-૨ (શંકર) તોડફોડ કરવા આવે છે. ડબ્બુ અનેક પ્રયત્નો પછી શંકરને સુધારે તો છે, પણ રાખી (ભલે ચેહરો અસલી બચ્ચનને મળતો આવતો હોય પણ) ને સ્વીકારવા તૈયાર નથી. વાર્તા લેખકે ફિલ્મ પૂરી તો કરવી પડે, એટલે રાખીની સાન ઠેકાણે લાવવા શંકર પાસે ઉમદા કામો કરાવે છે અને છેવટે પ્રેક્ષકો છુટે છે.

સચિનદેવ બર્મન જેવા લૅજન્ડના પુત્ર હોવાનું રાહુલદેવ બર્મને સાબિત તો કરવા માંડયું હતું. 'તીસરી મંઝિલ'થી એ હિંદી ફિલ્મસંગીતનો ટ્રૅન્ડ-સૅટર સંગીતકાર બનવા માંડયો હતો. જે કોઈ ફિલ્મમાં એને ભારતીય સંગીત આપવાનું આવ્યું હતું, ત્યાં એના પિતાને ય ઇર્ષા થાય, એટલું ઝળક્યો હતો. વૅસ્ટર્ન છાંટના સંગીતવાળી અનેક ફિલ્મોમાં ય પંચમે (આર.ડી.એ.) કૌવત બતાવ્યું હતું.

ખાસ કરીને, રિધમ-સૅક્શનમાં એણે પોતાના અનેક ઠેકાઓથી ફક્ત શોખિનોને જ નહિ, સંગીત વિષારદોને ય પ્રસન્ન કર્યા હતા. કમનસીબે, બીજા સંગીતકારો તો પોતાનો સર્જનાત્મક માલ ખલાસ થવા આવે પછી બીજાના સંગીતમાંથી ઉઠાંતરીઓ કરવા માંડે, પંચમે એવી રાહ જોઈ નહિ અને પ્રાંભની એના દોસ્તે મેહમુદની જ ફિલ્મ 'ભૂત બંગલા'થી ઈંગ્લિશ ધૂનોની ઉઠાંતરીઓનો સિલસીલો શરૂ કરી દીધો હતો. આવું કરવામાં એને જે જોઈતું હતું, એ નામ અને દામ તો જંગીસ્વરૂપે મળવા માંડયા અને એક વર્ષમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલની જેમ ૨૦-૨૦ ફિલ્મો હાથ પર લીધી, એમાં વખત એવો આવ્યો કે એકેય ફિલ્મના સંગીતમાં કશો ભલીવાર નહિ. એટલે સુધી કે, નિર્માતા સામે ચાલીને કહે કે, સંગીત આર.ડી. બર્મનનું હોય તો મારે ફિલ્મ બનાવવી જ નથી.

આર.ડી.એ ઉઠાવેલી વિદેશી તર્જો માટે 'યૂ-ટયુબ' પર હવે તો એક અલગ ક્લિપ મળે છે. 'કલ ક્યા હોગા કિસકો પતા, અભી જીંદગી કા...' ગીતની ધૂન પંચમે પૂરી બેશર્મીથી નીગ્રો ગાયક આફ્રિક સિમોનના 'હાફાનાના'માંથી ડીટ્ટો ઉઠાવ્યું છે. આપણે હિંદી ફિલ્મોના સંગીતકારોને હીરો-હીરોઇનો કરતા ય વધુ આદર આપ્યો છે. કમનસીબે, જરાક અમથું કોઈ ગીત ગમવા જાય, ત્યાં ખબર પડે કે, આ ધૂન તો ભ'ઈએ બેઠ્ઠી ઉઠાવેલી છે.

ભારતભરના લગ્નપ્રસંગોની સંગીતપાર્ટીમાં છેલ્લે બધાને ઊભા કરીને નચાવતું મધુરૂં ગીત 'જબ કોઈ બાત બિગડ જાયે, જબ કોઈ મુશ્કિલ પડ જાયે...' જેવી અત્યંત મધુરી ધૂન બનાવવા બદલ સંગીતકાર રાજેશ રોશનને ઊંચા આસમાને ચઢાવીએ, ત્યાં ખબર પડે કે ઈવન જસ્ટિન ટીમ્બરલેકે પણ ગાયેલી વિશ્વપ્રસિધ્ધ રચના "If you missed the train I am on, you'll know that I am gone...માં  (૫૦૦-Miles)કોઈ ફેરફાર કર્યા વિના સીધી ઉઠાવેલી છે. કમનસીબે, ચોરીઓ કરવામાં આપણા જમાનાનો ય એકે સંગીતકાર બાકી નહોતો, એટલે આર.ડી. બર્મનને માફ જ કરી દેવો પડે.

બસ. ફિલ્મનું ઉત્તમ ગીત ટાઇટલ-સૉન્ગ છે, 'કસમે વાદે નિભાયેંગે હમ...' જેમાં પંચમના જીગરી દોસ્ત પંડિત શિવકુમાર શર્માનું સંતુર અને પંડિત હરિપ્રસાદ ચૌરસીયાની બાંસુરીના ટુકડા કાનમોહક છે.

No comments: