Search This Blog

22/09/2018

'૩૬-ઘન્ટે' ('૭૪)


ફિલ્મ : '૩૬-ઘન્ટે' ('૭૪)
નિર્માતા : બી. આર. ચોપરા ફિલ્મ્સ
દિગ્દર્શક : રાજતિલક
સંગીત : સપન ચક્રવર્તી
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ : ૧૫- રીલ્સ : ૧૪૧ મિનિટ્સ
થીયેટર : (અમદાવાદ)
કલાકારો : રાજકુમાર, માલા સિન્હા, સુનિલ દત્ત, પરવીન બાબી, વિજય અરોરા, રણજીત, રમેશ દેવ, ડેની ડેન્ઝોગ્પા, સુરેન્દ્ર, જગદીશ રાજ, ઇફ્તેખાર, ઉર્મિલા ભટ્ટ, જાનકી દાસ, માસ્ટર અલંકાર, માસ્ટર શૈલેષ અને મદનપુરી (મહેમાન કલાકારો) સોનિયા સાહની આશુ, દેવેન વર્મા

ગીતો
૧. તીન લોક પર રાજ તિહારા….  આશા- મહેન્દ્ર
૨. જાને આજ ક્યા હુઆ, ઐસા કભી….  આશા- કિશોર
૩. ચૂપ હો આજ, કહો ક્યા હૈ બાત….  કિશોર કુમાર
૪. યહાં બંધુ આતે કો હૈ જાના, કોઈ હો….મુકેશ

આટલી સુંદર ફિલ્મ અમદાવાદ તો ક્યાં, આખા ય ભારતમાં ચાલી કેમ નહિ, એનું આશ્ચર્ય નહિ, આઘાત લાગે ! એક થ્રિલર તરીકે ય ફિલ્મ '૩૬- ઘન્ટે'ને મૂલવવા જાઓ, તો પળેપળ વાર્તા છે ફિલ્મમાં, ઘટના છે, આઘાતો છે અને આ બધાથી ઉપર... રાજકુમાર અને માલા સિન્હાનો લાઇફ ટાઇમ (વન ઓફ ધ) બેસ્ટ અભિનય છે. 

 '
જાની' રાજકુમાર શા માટે રાજ- દિલીપ- દેવ કરતાં ય વધુ ચાહકો ઉઘરાવી શક્યો હતો, એ જોવા માટે ફિલ્મ 'વક્ત', 'હમરાઝ' કે આ '૩૬ ઘન્ટે' ફિલ્મ જોવી પડે. માલા સિન્હા પણ કોઈ નૂતન, નરગીસ કે મીનાકુમારીઓથી એક દોરોય કમ અભિનેત્રી નહોતી, એ વાતમાં શંકા પડતી હોય તો ય '૩૬ ઘન્ટે' જોવી પડે.

'જાની'ની વાત તો પછી કરીએ છીએ, પણ માલા સિન્હાને એક એક્ટ્રેસ તરીકે મૂલવવા માટે એની ઘણી બધી ફિલ્મો જોવી પડે અને એ મેં જોઈ છે. આ નેપાળી ક્રિશ્ચિયન છોકરી ફિલ્મોમાં તો ગાયિકા બનવા આવી હતી, પણ બની ગઈ હીરોઇન. રૂપ તો શું ધાંયધાંય હતું ને સંસ્કારી પણ ખરી જ. આપણી બાજુના બંગલામાં રહેતી હોય એવી લાગે.            

એ સમયની થોડી ઘણી એક્ટ્રેસો જેવી માલા સિન્હા લફરેબાજ નહોતી. પ્રદીપ કુમાર પરિણીત હોવા છતાં માલા એના પ્રેમમાં હતી ને એ કુંવારી હતી ને પ્રદીપે લગ્ન કરવાનુ વચન આપ્યું હતું, છતાં ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણની ભાગીદારમાં આપણા પ્રદીપભ'ઇ ય મધુબાલા સાથે દુકાન ભાડે ચલાવતા હતા, એની માલાને ખબર પડી ગઈ અને કલકત્તા પ્રદીપના ઘેર જઈને એની પત્ની અને પરિવારની હાજરીમાં થપ્પડો મારી આવી હતી.  

અહીં કેવો વિચિત્ર યોગાનુયોગ આ ફિલ્મમાં થયો છે કે, માલા સિન્હાએ સમગ્ર કારકિર્દીમાં ક્યારે પણ એવાં કપડા નથી પહેર્યા, જે એની ગરીબી સમજીને સ્નેહાળ પ્રેક્ષકો એટલા કપડાને માફ કરીને બાકીનું બધું જોવા જાય ! ત્યારે આ ફિલ્મમાં પરવિન બાબી હોય કે એક દ્રષ્ય માટે આવેલી હીરોઇન આશુ (એ વખતે નામ લલિતા દેસાઈ હતું.) હોય (જે ફિલ્મ 'સુશીલા'ની હીરોઇન હતી, 'બેમુરવ્વત બેવફા, બેગાના-એ-દિલ આપ હૈ...' અને રફી- તલતનું 'ગમ કી અંધેરી રાત મેં, દિલ કો ન બેકરાર કર, સુબહા જરૂર આયેગી...') અને ખાસમખાસ તો સોનિયા સાહનીએ માત્ર બ્રા અને નીકર પહેરીને આ ફિલ્મમાં ઉઘાડેછોગ દ્રષ્યો આપ્યા છે.     

છેક સુધીના ઉઘાડા પગ બાબતમાં પરવિન કે અર્જુન હિંગોરાનીની ફિલ્મમાં આશુએ કોઈ કમાલ બાકી નહોતી રાખી, ત્યારે માલા સિન્હાએ ભારતીય તેહઝીબને ક્યારેય ઓળંગી નથી. આપણી નંદા, નૂતન અને વહિદા આ કેટેગરીમાં આવે. અહીં તો માલાએ ફિલ્મ 'ગુમરાહ'ને મળતો આવતો રોલ અને એનાથી ય બે દોરા વધુ સારો અભિનય આપ્યો છે.       

બાજુમાં રાજકુમાર અને સુનિલ દત્ત હોવા છતાં ! આખી ફિલ્મમાં માલાને વિવિધ પ્રકારના હાવભાવો પરફેક્શનથી લાવવાની છૂટ મળી અને એણે બખૂબી નિભાવી લીધી. ટેન્શનમાં મોઢું હસતું રાખવું, લાચારીથી પરાણે બે શબ્દો બોલવા, ગુસ્સો કરવો, કાંઈ ન કરી શકવાની હાલતમાં રોવું અને એ બધાથી ઉપર, આખી ફિલ્મમાં એક જ સાડી અને હેરસ્ટાઇલ છતાં અપ્રતિમ સુંદર લાગવું, માલા સિન્હાને સાહજીક હતું.    

બી. આર. ચોપરા એ જમાનામાં સૌથી ટોચના અને અર્થપૂર્ણ ફિલ્મો બનાવનારા નિર્દેશક હતા ને એમની પ્રારંભની બે- ત્રણ ફિલ્મોમાં માલા સિન્હા સમજો ને, પરમેનન્ટ થઈ ગઈ હતી. 'ધૂલ કા ફૂલ', 'ધર્મપુત્ર', 'ગુમરાહ'... એટલે છેલ્લે '૩૬ ઘન્ટે'માં ઘણા વર્ષોના ગેપ બાદ માલા ચોપરા- કેમ્પમાં પાછી વળી, અલબત્ત, '૩૬ ઘન્ટે'ને તમે ચોપરાની ફિલ્મ ગણવી હોય તો ગણી શકો, કારણ કે પ્રસ્તુતિ એમની હતી. મૂળ તો એમના જમાઈબાબુ રાજતિલકને તક આપવા આ ફિલ્મ ઉતારાઈ હતી. નો ડાઉટ, એણે સરસ દિગ્દર્શન કર્યું હતું, પણ માલ બધો ચોરેલો હતો.

ઇ.સ. ૧૯૫૫માં હૉલીવૂડના ગ્રેટ એક્ટર હમ્ફી બોગાર્ટને લઈને બનાવાયેલી ફિલ્મ 'ધી ડેસ્પરેટ અવર્સ'ની '૩૬ ઘન્ટે' બેઠી ઉઠાંતરી છે. ફ્રેઇમ- ટુ- ફ્રેઇમ કહીએ તો ય ખોટું નથી. ખૂબી એ વાતની ખરી કે, કેમ જાણે હજી હૉલીવૂડવાળા રહી ગયા હોય એમ ૧૯૯૦માં ત્યાં ફરી 'ડેસ્પરેટ અવર્સ' નામની ફિલ્મ બનાવાઈ... ફરક એટલો કે ફિલ્મના નામમાંથી આ વખતે 'ધી' ઉડાડી દેવામાં આવ્યો હતો.      

ઇંગ્લિશ કેવી ફની લેંગ્વેજ છે ? ફિલ્મના નામમાંથી ફક્ત 'ધી' ઉડાડી દેવાથી આખો અર્થ કેવો બદલાઈ જાય ? 'ધી' લગાવો તો ફિલ્મની કોઈ ચોક્કસ ઘટના કે પૂરી વાર્તાના કેટલાક પાત્રોના સંપૂર્ણ હતાશાનો સમય (જેમ કે, આમાં ૩૬ કલાકો)ની વાત થઈ કહેવાય, પણ 'ધી' ન લગાડો તો કોઈ ચોક્કસ ઘટના કે વાર્તાને લાગુ ન પડે.

આખી જીંદગી ય કોઈ વ્યક્તિના સંદર્ભમાં 'ડેસ્પરેટ અવર્સ' કહી શકો, ગરીબો કે લોઅર-મીડલ ક્લાસ જીંદગીભર આવા 'ડેસ્પરેટ અવર્સ'માં જીવતો હોય છે. પણ આગળ 'ધી' લાગી જવાથી આ ફિલ્મના સંદર્ભમાં રાજકુમારના પરિવારે સંપૂર્ણ લાચારી અને યાતનાઓ વચ્ચે ગુજારેલા '' ૩૬ કલાકોની વાત આવે છે !

કયા હતા એ ૩૬- કલાકો ?

રાજકુમાર ('ધી મોડર્ન ટાઇમ્સ' અખબારનો તંત્રી અશોક રાય) તેની પત્ની માલા સિન્હા (દીપા રાય) બહેન નયના (પરવિન બાબી) અને દીકરો માસ્ટર અલંકાર સાથે મોટા બંગલામાં રહે છે. પરવિનની વિજય (વિજય અરોરા) સાથે સગાઈ થવાની હોય છે. દરમ્યાન બૅન્ક લૂંટીને ભાગવા જતા ત્રણ બદમાશો (સુનિલ દત્ત, ડેની ડેન્ગઝોંગ્પા અને રણજીત) જેલમાંથી ભાગીને અજાણતામાં રાજકુમારના ઘરમાં આવી જાય છે.         

બેન્કમાંથી લૂંટેલી કરોડો રૂપિયાની કેશ એમની સાથીદાર સોનિયા સાહનીને આપી હોવાથી, એ આવે પછી રાજકુમારનું ઘર છોડવાનો એમનો પ્લાન હોય છ, પણ મુંબઈની પોલીસ સોનિયાની પાછળ પડી હોવાથી ને એક દિવસ વધુ રોકાઈ જવું પડે છે. આ ત્રણ રિવોલ્વરની અણી ઉપર રાજકુમારના પરિવારને બાનમાં રાખે છે. હાલતની મજબુરી સમજીને રાજકુમાર કે અન્ય કોઈ પ્રતિકાર કરી શકતું નથી અને બહાર કોઈને જાણ કરી શકાતી નથી.      

લાચારી એટલે સુધીની કે, (હિંદી ફિલ્મોની ભાષામાં) આ ત્રણ 'છટે હુએ બદમાશો'ને ભરોસે રાજકુમારને નૉર્મલ બનીને ઑફિસે પણ જવું પડે છે ને પરવિન બાબી તેના પ્રેમીને મળવા જવા છતાં, બદમાશો એમના જ ઘરમાં સંતાયા હોવાની જાણ પોલીસને પણ કરી શકતી નથી. એ દરમ્યાન ઘેર 'કોકા કોલા'ના કાર્ટનની ડિલીવરી આપવા આવેલા કોમેડિયન દેવેન વર્મા બદમાશોએ ગેરેજમાં સંતાડેલી કાર જોઈ જાય છે, જેને પોલીસ શોધ કરી રહી હતી.       

ડૅની દેવેનનું ખૂન કરી નાખે છે... એ પછી ફિલ્મના અંત સુધીમાં શું શું બને છે, તે કહેવાની જરૂર નથી. હવે ગૂજરી ગયા પછીના રાજકુમારને એની ફિલ્મોના માધ્યમથી જોઈએ ત્યારે ક્યારેક તો રોવું આવી જાય કે, આટલી ડૅશિંગ પર્સનાલિટીવાળો સ્ટાયલિશ રાજકુમાર ખરેખર 'ગયો ?' એ આખા ગામથી અલગ હતો, ફિલ્મોમાં કે ફિલ્મોની બહાર. કાશ્મિરનો આ બ્રાહ્મણ કુલભૂષણ પંડિત રાજકુમાર થઈને ફિલ્મોમાં આવ્યો અને મહારાજાની જેમ રહ્યો.         

એની હરએક હરકત અન્યથી અલગ. મફલરને એણે ફેશન બનાવી. એની ચાલ આજ સુધી એક મિસાલ છે. મુંબઈમાં નવું નવું 'દૂરદર્શન' ('બ્લેક એન્ડ વ્હાઇટ' જ તો !) શરૂ થયું ત્યારે ફિલ્મ અભિનેત્રી તબસ્સુમ ફિલ્મ કલાકારોને ટી.વી. પર બોલાવી ઇન્ટરવ્યૂઝ કરતી હતી. બાકી બધાને તો સીધો ઇન્ટરવ્યૂ શરૂ થઈ જાય. પણ રાજકુમારની ચાલ ખાસ દેખાડવા તબસ્સુમે એને દૂરથી ચાલતો આવતો દર્શાવ્યો કે, 'રાજકુમાર સા'બ કી તો ચાલ ભી સભી સે નિરાલી હૈ...' એ માથે વિગ પહેરતો પણ એ વિગ છે એવી બહુ ઓછાને આજ સુધી ખબર પડી છે.  

 
સફેદ નહિ, ઑફ-વ્હાઇટ પેન્ટની નીચે સફેદ શૂઝ એણે પહેર્યા તો જીતેન્દ્રથી લઈને વિશ્વજીત બધા લાગી ગયા. સંવાદો બોલવાની એની છટામાં એની સ્ટાઇલ ઉપરાંત અદાયગી મશહૂર બની. 'વક્ત', 'હમરાઝ', 'ઊંચે લોગ' કે 'નીલકમલ' જેવી ફિલ્મો બેશક રાજકુમારના સંવાદોને કારણે વધુ ચાલી. ચોપરાના કાયમી સંવાદ-લેખક અખ્તર-ઉલ-ઇમાન (વિલન અમજદખાનના સસરા) એ કીધા મુજબ, એમણે લખેલા સંવાદો રાજકુમારથી અસરકારક અન્ય કોઈ બોલી શક્યું નથી.

નવાઈ એટલે લાગે કે, ફિલ્મ 'વક્ત'નો જાણીતો ડાયલોગ, 'યે બચ્ચો કે ખેલને કી ચીઝ નહિ, હાથ લગ જાતા હૈ તો ખૂન નીકલ આતા હૈ' અહીં થોડા ફેરફાર સાથે અખ્તરે બીજી વાર લખ્યો છે. (પોતાના જ માલની ચોરી... ?) માલા સિન્હાના હાથમાંથી રીવોલ્વર ઝૂંટવી લઈને સુનિલ દત્ત કહે છે, 'યે ઔરતો કે હાથમેં અચ્છી નહિ લગતી.. મર્દો કે કામ આતી હૈ,'તો આવો જ સંવાદ રાજકુમાર પાસે ફિલ્મ 'ઊંચે લોગ'માં બોલાવવામાં આવ્યો છે, 'પિસ્તોલ હાથ મેં લે લેના આસાન હૈ, લેકીન ચલાના આસાન નહિ.'

પણ અહીં અખ્તર-ઉલ-ઈમાનની કમાલો બે-ચાર વખત ઝળકી છે. મારા જેવા રાજકુમારના ડાય-હાર્ડ ફેન્સને ખબર છે, કે ગુંડા- મવાલીઓ સામે કે અબજોપતિ માફિયા ડોન સામે ઊભા હોય તો, 'જાની'ની પર્સનાલિટી જ કાફી હતી, પણ અહીં લાઇફમાં પહેલીવાર એ મજબૂર દશામાં આખી ફિલ્મમાં રહ્યો છે. ઘરમાં છુપાયેલા ત્રણ બદમાશો સામે એ કાંઈ કરી શકતો નથી, એ એની લાચારીનો અભિનય પણ ચહેરાના હાવભાવ સાથે જોવા ગમે છે.   

એક તબક્કે તો ઘરમાં ડેનીને મારી લીધા પછી રાજકુમારનો દીકરો ખુશી સાથે આશ્ચર્યચક્તિ થઈને બોલી ઉઠે છે, 'ડેડી... આપને ઉસકો મારા...!' ત્યારે પણ આ હતાશ ડેડી કહે છે, 'હાં બેટે.. માલુમ નહિ મુઝ મેં કહાં સે ઇતની તાકત આ ગઈ !' પરંતુ સુનિલ દત્ત સામે બધા જંગ હારી ચૂકેલા 'જાની' છેવટે ઠંડે કલેજે કહી દે છે, 'હિમ્મત...કાશ એક વકત ઐસા ભી આયે, જબ હમતુમ કહી મિલે ઔર તુમ્હારે હાથ મેં રિવોલ્વર ન હો ઔર મેરે સર પે બોજ ન હો... હિસાબ હોગા તુમ્હારા...!' ઑબ્વિયસલી ફિલ્મના અંતે એવો 'વક્ત' રાજકુમાર પાસે આવી જાય છે, ત્યારે તરફડતા સુનિલ દત્ત પોતાને ગોળી મારી દેવાની વિનંતી રાજને કરે છે, ત્યારે જાની કહે છે કે, 'હમને જીંદગી કા ૩૬ ઘંટા ઇન્તેઝાર કિયા... તુમ મૌત કા ભી ઇન્તેઝાર નહિ કર સકતે ?'

ફિલ્મોના ટાઇટલ્સ વાંચો એમાં 'સ્ટીલ ફોટોગ્રાફી' કોણે કરી છે, એનું નામે ય આવે. મતલબ આપણી જેમ ફોટા પાડતો સામાન્ય ફોટોગ્રાફર. એન વિડિયો કે મૂવી ઉતારવાની હોતી નથી. કામ એનું એટલું કે, શૂટિંગ ચાલતું હોય ત્યારે દરેક દ્રષ્યના (ખાસ કરીને છેલ્લા દ્રષ્યના) એ ફોટા પાડી લે, જેથી એ જ દ્રષ્યનો બીજો શોટ બીજે દિવસે કે મહિના પછી લેવાનો હોય, ત્યારે ફોટામાં નોંધાયેલું મળે કે, છેલ્લા દ્રષ્યમાં જે તે કલાકારે કયા કપડા, ઘરેણાં પહેર્યા હતા, ફર્નિચર કેવું અને ક્યાં ગોઠવાયેલું હતું, એની કન્ટિન્યૂઇટી મળે. અહીં એ ભાઈ માર ખાઈ ગયા છે, એટલે છેલ્લા દ્રષ્યમાં સુનિલ દત્ત પોલીસની ગોળીઓથી વીંધાઈ જાય છે, ત્યારે એણે પહેરેલી જર્સી ગોળીઓથી ચારણી થઈ જાય છે, પણ પછીના તરતના બીજા દ્રષ્યમાં એ જ જર્સી ઉપર માત્ર બે કાણાં દેખાય છે.

આ દશક '૭૦નો હતો અને સુનિલ દત્તના વળતા પાણી હતા. બોચી સુધીના લાંબા વાળ રાખતો અને લગભગ બધી ફિલ્મોમાં એ વિલન જેવા રોલ સ્વીકારી લેતો (beggars have no choice) આ ફિલ્મમાં પણ તે વિલન બન્યો છે, પણ રાજકુમાર હીરો હોવા છતાં વાર્તા મુજબ, એની પાસે હીરોગીરી કરાવવામાં આવી નથી. આવી ઘટના આપણા ઘરમાં ય બની શકે ને આપણે ય રાજકુમારના સ્થાને હોઈ શકીએ.

ત્રણ મોટા વાઘો ય રાજકુમારની અભિનય ક્ષમતા અને પ્રેક્ષકોના એની પાછળના પાગલપનથી ડરતા હતા, એટલે એના જમાનામાં મળવી જોઈએ, એટલી ફિલ્મો મળી નહિ. એ કેવળ આંખો ફેરવી કે ગળામાં થૂંક ગળી જઈને ય સંવાદનું કામ કરી શકતો. પછી તો, કમનસીબે એને ય ખબર પડવા માંડી કે, લોકો એના ડાયલોગ્સ ઉપર આફ્રીન છે, એટલે ખાસ સંવાદોને ધ્યાનમાં રાખીને એના રોલ ઘડવામાં આવ્યા.            

સંવાદો ઉપર કમાણી કરી લેવાની બેવકૂફી ખુદ ચોપરાએ જ રાજકુમારને ફિલ્મ 'કર્મયોગી'માં ડબલ રોલ આપીને એના પતનની શરૂઆત કરાવી. છેલ્લે છેલ્લે તો તદ્દન ફાલતુ ફિલ્મોમાં અર્થ વગરના એના લાઉડ સંવાદોએ જ એને સસ્તો કરી નાખ્યો. 'ચૌધરી, તુમ જૈસે બહોત ઝમીનદાર યહાં મેરે પાસ હર સુબહા અપના સર ઝૂકાને આતે હૈ...?!'

ફિલ્મની હીરોઇન પરવિન બાબીને ખાસ કોઈ કામ તો ઠીક છે, પૂરી ફિલ્મમાં એ ટોટલ ત્રણ- ચાર મિનિટ માટે ય નથી આવતી... ગીતોને બાદ કરતાં ! (આટલી સુંદર ફિલ્મ ફ્લોપ જવાનું એક કારણ, અર્થ વગરના ભંગાર ગીતો, સંગીતકાર સપન ચક્રવર્તીએ બનાવ્યા અને દિગ્દર્શકે લીધા ય ખરા. એક સમયે અમદાવાદના રૂપાલી સિનેમાની બાજુમાં આવેલી 'બાંકુરા' હોટલમાં રોજ કૉફી પીવા આવતી પરવિન બાબી એક કારણે આજ સધી યાદ રહી ગઈ છે. સાધનાની ફ્રિન્જ હૅર-કટની જેમ છૂટા વાળ રાખવાની ફેશન પરવિને શરૂ કરાવી હતી.

થીયેટરવાળી મૂળ ફિલ્મમાં આવતો હોય તો યાદ નથી, બાકી, '૩૬ ઘન્ટે'ની ડીવીડી-માં મદનપુરી ક્યાંય દેખાતો નથી- ટાઇટલ્સમાં નામ તો છે.

No comments: