Search This Blog

17/09/2018

એનકાઉન્ટર : 16-09-2018


* આપને કોઈ સવાલો જ ન પૂછે તો સમયનો ઉપયોગ કેવી રીતે કરો ?
સવાલો ઊભા કરીને.
(વસંત આઈ. સોની, અમદાવાદ)

* ત્યાગ અને વૈરાગ્ય વિશે તમારો જાતનુભવ શું છે ?
બન્ને બાકી છે.
(કાનલ-પ્રિશા સોની, અમદાવાદ)

* મોદી અને રાહુલ એકબીજા ઉપર આક્ષેપો કરે જાય છે. આમાં પ્રજાનાં કામો ક્યારે થાય ?
એ લોકોને કામ કરવા સિવાયનાં ય બીજા કામો હોય છે.
(યુનુસ ટી. મર્ચન્ટ, મુંબઈ)

* લોકશાહીને સફળ બનાવવા દરેક નાગરિકે શું વિચારવું જોઈએ ?
બેશક, હું ને તમે જે વિચારી રહ્યા છીએ તે બરોબર છે.
(રસિકલાલ વ્યાસ, ભાવનગર)

* સરકારી એરલાઇન્સ નફો કરતી થાય, એને માટે કોઈ રસ્તો ?
વિમાનો રન-વે ઉપર ચલાવવાં જોઈએ... રસ્તા ઉપર નહિ !
(ખુશ્બૂ માલવ સારૂ, રાજકોટ)

* છોકરીને રસ્તો બતાવવા જતાં છોકરો ભૂલો પડે તો શું કરવું ?
-  'ગૂગલ મેપ' બતાવી દેવાનો.
(પી.એમ. પરમાર, ગાંધીનગર)

* તબાહ થઈ ગયેલા ૪ કરોડ એકર જંગલોની હરિયાળી પાછી લાવવા દેશના છ-હજાર નાગરિકોએ એક જ વર્ષમાં ૫૦-કરોડ છોડ વાવી દીધા... આપણે ત્યાં આવું ક્યારે ?
૪-કરોડ એકરનાં જંગલો તબાહ થઈ જાય, પછી વાત !
(અઝમત સૈયદ, પાલનપુર)

* ભારતમાં 'બ્લેક-ડે' ઉજવાયો, તો 'વ્હાઈટ-ડે' ક્યારે ?
રોજેરોજ એકનો એક દિવસ શું ઊજવવાનો ?
(જે.એમ. સોની, અમદાવાદ)

*
મારો પુત્ર ખૂબ જુઠ્ઠું બોલે છે. મોટો થઈને શું એક દિવસ પ્રાઇમ મિનિસ્ટર બની શકશે ?
એ જે બને એ... ! છેવટે તો સંસ્કાર તમારા જ કામમાં આવવાના છે ને !
(ઓમકાર ડી. ત્રિપાઠી, અમદાવાદ)

* સવાલ પૂછનાર વાચક વૃદ્ધ છે કે યુવાન, તેની તમને ખબર કેવી રીતે પડી જાય છે ?
યુવાનો આવો સવાલ ન પૂછે.
(ભરત અંજારીયા, રાજકોટ)

*  ૧૯૪૨-માં બનેલી 'જવાબ' જેવી ફિલ્મો 'ફિલ્મ ઇન્ડિયા'માં છાપીને તમે અમારા જેવા, એ સમયની ફિલ્મોના ચાહકોને ખૂબ ખુશ કર્યા છે..
પ્રભુ તમને તંદુરસ્તી બક્ષે.
(ભૂપેન્દ્ર એમ. જોશી, અમદાવાદ)

* લતા મંગેશકરે પોતે પસંદ કરેલા એના ૧૦-સર્વોત્તમ ગીતો કયાં ?
પોતાની પસંદગી વખતોવખત એ પોતે બદલતી રહે છે. એ જરૂરી નથી કેએની પસંદગીનાં શ્રેષ્ઠ ગીતો આપણને ય શ્રેષ્ઠ લાગે.
(દામજી બી, પરમાર, જૂનાગઢ)

* હાસ્યલેખકો હડતાલ પર જાય ખરા ?
-   એટલી સંખ્યામાં હાસ્યલેખકો હોવા તો જોઈએ !
(અલકા મુકેશ ચંદારાણા, મીઠાપુર)

* રાજકીય પક્ષો જાહેરમાં 'ગુરુપૂર્ણિમા' ઊજવી શકે છે, તો 'શ્રાધ્ધ' કેમ નહિ ?
એ તો રોજેરોજ ઊજવતા હોય ને ?
(સંધ્યા પુરોહિત, અમદાવાદ)

* ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ વિશે બે શબ્દો... !
હારે કે જીતે... આપણને એને માટે હરહંમેશ ગર્વ રહેવું જોઈએ.
(કાજલ સે. શાહ, વડોદરા)

* સ્વ. અટલ બિહારી બાજપાઈ માટે તમે શું માનો છો ?
સાચા અર્થમાં પ્રણામ કરવા જોઈએ, એવા એક તો એ વડાપ્રધાન હતા.
(અનિરુદ્ધ પી. રાવલ, કડી)

* તમને યુવાકવિઓ પ્રત્યે વિશેષ આદર હોય એમ લાગે છે... તમે સ્વયં કવિતા કેમ નથી લખતા ?
યુવાકવિઓને મારા માટે પણ આદર રહે માટે.
(જહાનવી યોગેશ ભટ્ટ, સુરત)

* ધર્મો વિશે તમને ખાસ કાંઈ આદર હોય એવું લાગતું નથી... !
આપણે ત્યાં મોટા ભાગની એવી પ્રજા છે, જેને દેશ કરતાં પોતાના ધર્મ વિશે વધુ ગર્વ છે... આવા ધર્મોનો આદર કરીને શું કરવાનું ?
(પરેશ સયાજીરાવ માને, વડોદરા)

* 'એનકાઉન્ટર'માં કેવા વાચકોને તમે નાપસંદ કરો છો ?
નાપસંદ તો કોઈ ન હોય, છતાં જસ્ટ... પોસ્ટ-કાર્ડ પર સવાલ પૂછનારા વધુ શિક્ષિત લાગે છે કે, સાથે સરનામું ને ફોન નંબરો તો લખે છે.
(રાવજી કે. ત્રિવેદી, સુરત)

* જાણમાં આવે છે, એવા લગભગ તમામ કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત ફરજિયાત થઈ ગયું...
- ... અને એ પૂરું થઈ ગયા પછી, 'ભારત માતા કી જય' પણ સ્વયંભૂ બોલાય છે.
(દીપક વી. પટેલ, રાજકોટ)

* તમને કોઈ સ્ત્રી પ્રપોઝ કરે તો શું રીસ્પોન્સ આપો ?
બહુ મોડી પડી, બેન !
(કૌશલ એસ. જાની, વડોદરા)

* અમદાવાદમાં 'મેટ્રો'નું કામ ક્યારે પૂરું થશે ?
- એની ઉપર ચલાવવાની ટ્રેનો મળશે ત્યારે.
(રઘુવીર કાયસ્થ, અમદાવાદ)

* અમદાવાદના બન્ને કમિશ્નરોએ ધડબડાટી બોલાવી દીધી... જવાબમાં પ્રજાએ શું કરવું જોઈએ ?
કાયદાનું પાલન... કરવું અને કરાવવું જોઈએ.
(ધારિણી કે. જાની, અમદાવાદ)

* શહેરોમાં હવે જાહેરમાં સિગારેટ પીનારાઓ દેખાતા નથી... પાન-મસાલા ખાનારાઓ ય ન દેખાય, એવી કોઈ ફોર્મ્યૂલા નથી ?
- ખાય મ ખાય એનો પ્રોબ્લેમ છે પણ ખાઈને પિચકારીઓ મારનારાઓને પ્રજાએ જાહેરમાં લબડધક્કે લેવા જોઈએ.
(સંયમ જાની, અમદાવાદ)

No comments: