Search This Blog

03/09/2018

ઍનકાઉન્ટર : 03-09-2018


* સ્વ. અટલજીની અસ્થિયાત્રા દરમ્યાન કેટલાક ભાજપી નેતાઓ હસતા હતા!
- મીડિયા પોતાના અર્થઘટન મુજબ સમાચારો પેશ કરી શકે છે. માણસ હસતો હોય એટલે શોક ન હોય ને ગંભીર મોંઢુ લઈને બેઠો હોય, એટ- લે શોકમાં હમણાં એને હાર્ટ-એટેક આવી જશે, એવું તો ન હોય ને?
(કુણાલ સોની, અમદાવાદ)

* લગ્ન કરવા જરૂરી છે?
- હા. આપણા દેશમાં સ્ત્રીના પુરૂષ સાથે લગ્ન માન્ય છે... પુરૂષના સ્ત્રી સાથે કરવા માટે એના ફાધરની મંજૂરી જોઈએ!
(હર્ષ રાજપૂત, વિસાવદર)

* અમેરિકામાં વૃધ્ધો માટે ફ્રી-મેડિકલ સેવાઓ છે... આપણે ત્યાં ક્યારે?
- આપણે ત્યાં વૃધ્ધ થવા સુધીની સેવાઓ ઉપલબ્ધ થાય તો ઘણું છે.
(સંકેત વ્યાસ, રાલીસણા-મેહસાણા)

* ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણીઓમાં ભાજપનું ભવિષ્ય શું છે?
- કૉંગ્રેસ હોય કે ભાજપ કે ફાસફૂસીયાઓ... બધા ભાજપ નહિ, મોદીના ભવિષ્ય ઉપર ટાંપીને બેઠા છે.
(ધવલ જે. સોની, ગોધરા)

* તમને મોદી અને રાહુલ, બન્ને બોલાવે તો કોની પાસે જાઓ?
- મોદી પાસે..! રાહુલ પાસે જઉં તો પહેલા માયાવતી પાસે મોકલે, પછી મમતા પાસે, પછી લાલુ પાસે... છેલ્લે છેલ્લે તો ઈમરાન ખાન પા-- સે ય મોકલે... ભારતભ્રમણનો મને શોખ નથી.
(લાલજીભાઈ ભરવાડ, રાધનપુર)

* વેધશાળાઓ કઇ ટૅકનોલોજીથી આગાહીઓ કરે છે?
- ફૂટપાથ-ટૅકનોલોજીથી.
(જગજીવન મેતાલીયા, ભાવનગર)

* ભાજપવાળા પાસે કૉંગ્રેસી ધારાસભ્યોને ખરીદવાના પૈસા ક્યાંથી આવે છે?
- જ્યાંથી કૉંગ્રેસવાળા લઈ આવે છે...
(દીપક આશરા, ગાંધીનગર)

* તમારો અમેરિકાનો અનુભવ કેવો રહ્યો?
- એ લોકોને મારો ય સારો રહ્યો.
(રાજમુહમ્મદ ઉવેશ, ભરૂચ)

* સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ કેમ ઉકેલાતો નથી.
- તમારો ઉકેલાઈ ગયો... મારો જરા વાર લાગશે.
(રોહિત બી. જોશી, અમદાવાદ)

* લગ્નની કંકોત્રી કુળદેવીને કેમ લખાય છે? મૃત્યુ પછી કાળોતરી કેમ લખાતી નથી?
- બીજું કોઈ નહિ તો એ તો લગ્નમાં આવે... બીજાવાળીમાં કૂળદેવી આપણને બોલાવી ન લે માટે.
(ધિમંત ભાવસાર, બડોલી-ઈડર)

* મૃત્યુ નિશ્ચિત હોવા છતાં દીર્ઘાયુ માટે દુવા માંગવી જરૂરી છે?
- મારૂં તો નિશ્ચિત નથી, છતાં તમારા દીર્ઘાયુ માટે દુઆ માંગુ છું.
(રહીમ મલકાણી, ભાવનગર)

* તમારા હિસાબે ઑફિસમાં કેટલા કલાક કામ કરવું જોઈએ?
- કામ કરવાના કલાકો મુજબ પગાર મળતો હોય તો 'આઠ કલાક'.
(મધુલતા માંકડ, મુંબઈ)

* તમારે કોઈ બૅન્કમાં ઓળખાણ છે? મારે લોન લેવી છે. પાસપોર્ટ તૈયાર છે.
- ઊફ્ફ... બધું તૈયાર છે... ફક્ત રાહુલજી સાથે ઓળખાણ નથી, નહિ તો એમના એક ફોન પર લોન મળી જાત!
(દેવાંગ આર. શાહ, ગોધરા)

* બધી નગરપાલિકાઓનો વહિવટ સીધો કલૅક્ટરોને જ સોંપાય તો?
- અમદાવાદમાં લારીગલ્લા અને ટ્રાફિકની સમસ્યાઓ દૂર થઈ રહી છે, એવું બધા કલૅક્ટરો કે કમિશ્નરો કરાવી શકતા હોય તો તમારી વાત વિચારવા જેવી છે.
(વિનેશ ચૌહાણ, ગાંધીનગર)

* શું 'નેનો' કાર પણ બંધ થવાની છે?
- હમણાંથી 'ટાટા' મળ્યા નથી... મલે તો પૂછી જોઉં.
(નિલેશ વાળા, સરખડી-ગીરસોમનાથ)

* આપણા દેશના લોકો ન કરવાના કામો પહેલા કેમ કરે છે?
- ફફડાટ..! કરવાના કામો પછી ન થયા તો?
(દીર્ઘ સોની, ઈડર)

* મોદીજી ૩૭૦-ની કલમ દૂર કરવાનું ભૂલી ગયા છે કે શું?
- એનો આધાર એ કલમ એમને કેટલા વૉટ અપાવી શકે છે, એની ગણત્રી ઉપર છે.
(પ્રકાશ ધરોડીયા, વાંકાનેર)

* કાશ્મિરના જવાનો સાથે આવો દુર્વ્યવહાર ક્યાં સુધી ચાલશે?
- આખા બગસરા ઉપર માન થઈ ગયું... કે તમને આપણા જવાનોની આટલી ફિકર છે.
(સમિર સોની, બગસરા)

* 'પહેલું સુખ તે જાતે નર્યા, તો બીજું સુખ એ...?'
- 'આપણા વાંકે બીજા તર્યા...'
(હરેશ બી. લાલવાણી, વણાકબોરી)

* ઇન્સ્ટાગ્રામ પર તમારા નામે જવાબો અપાય છે...
- 'ઍન્કાઉન્ટર' સિવાય અન્ય કોઈ માધ્યમથી હું વાચકો સાથે જોડાયેલો નથી.
(કુલદીપસિંહ જાડેજા, આણંદ)

* ન્યાય અને સમાધાન વચ્ચે શું ફરક?
- ન્યાય મેળવવા આખું મકાન વેચવું પડે છે....સમાધાનમાં કદાચ કમ્પાઉન્ડ બચી જાય છે.
(આદિલ શકીલએહમદ અજમેરી, આણંદ)

* નારાજ ધારાસભ્યો રાજી જ થઈ જવાના હોય તો નારાજ થતા શું કામ હશે?
- નારાજ થઈને રાજી થવાની મજૂરી ઘણી મોટી મળી છે.
(હર્ષ એસ. હાથી, ગોંડલ)

* 'જયહિંદ' બોલવાથી ગર્વ અનુભવાય છે...
- હા. કાશ્મિરના માજી મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લાએ સ્વ. અટલજીની શોકસભામાં બુલંદ અવાજે 'ભારત માતા કી જય' અને 'જયહિંદ'ના નારા લગાવ્યા, એનો ખામીયાજો કાશ્મિર જઈને ભોગવવો પડયો. ત્યાંના ભારતવિરોધી કાશ્મિરીઓએ એમને ધૂત્કાર્યા, પથ્થરો માર્યા, પણ 'જયહિંદ'ની શક્તિ જુઓ... એમણે એ બધાની વચ્ચે કહી દીધું, 'મને 'ભારત માતા કી જય' બોલતા કોઈ રોકી નહિ શકે.'
(ડૉ.ભાલચંદ્ર હાથી, ગાંધીનગર)

No comments: