Search This Blog

12/09/2018

હવે સ્વૅટરો કાઢતા નહિ


હેલા તો ગુજરાતમાં કાકાઓ ય એવા થતા હતા કે, કોટ-ધોતીયા સાથે છત્રી હોય જ... વરસાદ હોય કે ન હોય ! છત્રી એમના આધાર-કાર્ડ જેવું કામ કરતી. છત્રી વગરના કાકા 'મરીઝ'ના શે'ર વગરના મુશાયરા જેવા લાગે. 

હવે પહેલા જેવા વરસાદો ય નથી પડતા અને પહેલા જેવા કાકાઓ ય નથી થતા. પૂરા ભારતમાં વરસાદની રેલમછેલ હોય અને અમદાવાદમાં પહેરેલા જ નહિ, સૂકવેલા લેંઘા ભીના થાય, એટલો ય વરસાદ નથી પડતો.

ઋતુઓને ગુજરાત સાથે ખાનદાની વેર થઇ ગયું છે, પરંપરાઓથી ચાલ્યું આવે. કેવળ વરસાદ નહિ, ગુજરાતમાં ઠંડી પડતી ક્યારે જોઈ ? કરફ્યૂમાં ધાંયધાંય કરતી ગોળીઓ છૂટે, એવી ગરમી છોડવામાં ઋતુઓને ગુજરાત સાથે ઘરના સંબંધ યાદ નથી આવતા... સાલો, જેટલો પરસેવો પડે છે, એટલો ય વરસાદ નથી પડતો. આપણે અન્નકૂટ ધરાવ્યો હોય ને પ્રસાદમાં ૧૨૦-નો મસાલો મળે, એવો મામલો થયો.

આખું ચોમાસું પૂરૂ થયું ને ગુજરાતમાં કોઇને છત્રી કે રૅઇનકોટ કાઢવાનો અવસર મળ્યો નહિ. ફડક એટલો પેસી ગયો છે કે, બાથરૂમમાં શૉવર લેવા જઇએ તો એમાંથી ટીપાં પડશે કે નહિ, એની ચિંતા રહે છે. જો કે, ગુજરાતણો એમને એમ ચીજો વેડફી ન નાંખે. ઘરમાં વર્ષોથી એમના ગોરધનની માફક વપરાયા વગરના પચ્ચા રૅઇન કોટો પડયા હોય, એ બધાને ફાડી ફાડીને ડાયનિંગ-ટૅબલના કવર બનાવવામાં વાપરી નાંખે. છત્રીના કાપડની તો મૉર્નિંગ-વૉક માટેની ચડ્ડીઓ સરસ બને. એમાં એટલું જ કાપડ જોઇએ.

લગ્નપ્રસંગ તાંબાની ટબૂડીમાં વચલી બે આંગળીઓ ડૂબાડીને શુક્લજી આપણા માથા ઉપર જળના દોઢ-બે ટીપાં છંટકારે, એટલી માત્રાનો વરસાદ આખા ચોમાસામાં પડતો હોય, ત્યાં એ વખતે તો રૅઇનકોટ પહેરીને ન ઊભા રહેવાય ને ? અણવર (બેસ્ટમૅન)ને ય બાજુમાં ઊભા રહેવાનો ચાન્સ ન અપાય... કન્યાવાળા, આપણા કરતા અણવરની ડ્રેસ-સૅન્સ સારી સમજે કે, એણે કમ-સે-કમ રૅઇનકોટ તો સારા દરજી પાસે સિવડાવ્યો છે ! ગુજરાતમાં વરસાદે આ વખતે બધાની ફિલ્મ ઉતારી દીધી. 

છત્રીઓ ને રૅઇનકોટો સ્ટોર-રૂમોમાં પડયા રહ્યા. આપણે ત્યાં તો ઠેઠ જૂનથી જોઇ જોઇને જીવો બળે કે, આપણા ગુજરાતીઓના ઘરોમાં મેહમાનો આવે ત્યારે છત્રા કે રૅઇનકોટ પહેરીને બેસાતું નથી કે, ''ઇ... જાપાનથી જરીવાલા અમારા માટે રંગીન છત્રી અને નવી મર્સીડીઝ-કલરનો રૅઇનકોટ લેતો આવ્યો હતો, એ વાતને છ વર્ષ થઇ ગયા. 'જલ્દી પહેરૂ... ક્યારે પહેરૂ...?' એવા સોટા તનબદનમાં ચઢ્યા હોય, પણ રૅઇનકોટો વરસાદ સિવાય પહેરી શકાતા નથી.'

પણ ગુજરાતનું ચોમાસું એકલું શું કામ બદનામ થાય ? શિયાળાની ટાઢો (કાઠીયાવાડી ઉચ્ચાર, 'ટાયઢું') કઇ વળી વરસી પડી ? આપણા સ્વૅટરો કબાટમાં વગર મફતની જગ્યા રોકે છે, એ કાઢવાનો કોઈ શિયાળો યાદ છે ? જૂની પ્રિયતમ્મા જેવા એ સ્વેટરો ઘરમાં પડયા પડયા ય મીઠો ભૂતકાળ બની ગયા. બ્રધરે ડયૂટી ભરીને કેવું રંગીન સ્વૅટર મોકલાવ્યું હતું, એ વર્ષોથી વપરાયું જ નહિ, એમાં હવે એનો ઉપયોગ પગલૂછણીયા તરીકે થાય છે.

મને યાદ છે, ઇંગ્લૅન્ડથી મારા સાળાઓએ ગિફ્ટમાં મોકલાવેલું સ્વેટર પહેરવા ગાડી લઇને અમારે ખાસ માઉન્ટ આબું જવું પડતું. આપણા ગુજરાતમાં તો વરસાદની જેમ ઠંડી ય કદી પડે નહિ. ભલે ગમે તેટલું મોઘું હોય, પરસેવા કાઢતી ગરમી અને બફારામાં અમદાવાદમાં માણસ સ્વૅટર ક્યાંથી પહેરે ? માઉન્ટ આબુમાં મસ્તમજાની ઠંડી ય પડે અને ઝરમરઝરમર વરસાદે પડે. ત્યાં રૅઇનકોટ કે સ્વૅટર પહેરાય. ત્યાં સીઝનમાં ધ્રાસકાની જેમ વરસાદ પડતો હોય છે. અમદાવાદના સીજીરોડ ઉપર આઠ-દસ હજારનું સ્વૅટર પહેરીને નીકળો તો ભિખારીઓની વસ્તીમાં તાંબા-પિત્તળનો રથ નીકળ્યો હોય, એવું લાગે.

આજ સુધીની હિંદી ફિલ્મોમાં શશી કપૂર જેવા સોહામણા સ્વૅટરો કોઇએ પહેર્યા હોવાનું યાદ નથી. ટી-શર્ટ (જરસી) પણ એક માત્ર એણે શરૂ કરી, નહિ તો ત્યાં સુધી ટી-શર્ટો બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મોના ગુંડામવાલીઓ જ પહેરતા હતા. એક માત્ર શશીબાબાએ શરૂઆત કરી અને બીજા કોઈ હીરોએ હિમ્મત પણ ન કરી. 

સુનિલ દત્ત પણ સ્વૅટરો સુંદર પહેરતો. ફિલ્મ 'હમરાઝ'માં 'જાની' રાજકુમારના સ્વૅટરોએ ય ઘણા બધાને મોહી લીધા એટલે ટાઈમ બગાડયા વિના એવું એકાદું સ્વૅટર સસ્તામાં મળી જતું હોય તો પાનકોર નાકા લેવા નીકળ્યા. બધાએ સલાહ આપી કે, શર્ટની માફક સ્વૅટર સિવડાવવાના ન હોય... તૈયાર જ મળે. પુરૂષો સાથે આ અન્યાય ક્યાં સુધી ચાલુ રહેશે કે, એને પહેરવાના સ્વૅટર, બનિયન કે મફલરો સિવડાવી શકાતા નથી, જે તૈયાર હોય એ જ મળે. 

એ વાત જુદી છે કે, મફલર અમને લોકોને સુતરાઉ જ પોસતા. પણ રાજકુમારની માફક છાતી ઉપર મફલરની આંટી મારીને ખભાની પાછળ એક છેડો લટકાવી દેવામાં અમેલોકો રાજકુમાર જેવા તો નહિ, પગરીક્ષાવાળા જેવા વધુ લાગતા. સ્વૅટરો સુતરાઉ હોય-એટલું જ અમને પોસાતું. છતાં અમેબધા મફલરીયાઓ અમદાવાદની કૃષ્ણ ટોકીઝ પર રોજ એક આંટો મારવા જતા, જ્યાં રાજકુમારની ફિલ્મ 'હમરાઝ' ચાલતી. યસ. એક ખભો પણ થોડો વાંકો રાખવાનો. એમાં એક જણ શોધી લાવ્યો કે, 'નીલે ગગન કે તલે, ધરતી કા પ્યાર પલે...' ગીતમાં રાજકુમાર ૧૭-વખત સ્વૅટરો બદલે છે. પાછો એની માહિતી સુધારનારો હોયકે, સ્વૅટરો ૧૭-નહિ, ૧૩ - જ હતા, બાકીનામાં બ્લેઝર્સ હતા. એની ય પાછી શરતો લાગે.

એ તો જો કે, ફિલ્મ ઉતરી ગયા પછી અમને બધાને ભાન થયું કે, સ્વૅટર કે મફલરો પહેરવાથી રાજકુમાર નથી બનાતું.સ્વૅટરો પહેરવા માટે માઉન્ટ આબુ જવાનું, પોસાતું કારણ કે, કાશ્મિર કોઈ જવા દેતું નથી અને ઊટી-ફૂટી પોસાય નહિ. આબુ કિફાયત ભાવે પડે. ત્યાંનું હવામાન સ્કૂલે મૂકેલા બાળક જેવું સોહામણું હોય છે. 

ત્યાં ઠંડીમાં તડકો મીઠાઈ પર લાગેલ ચાંદીના વરખ જેવો હોય. ઠંડી હવાના ઝકોરા વચ્ચે પર્વતો તડકો ઓઢીને બેઠા હોય. રાત્રે એ જ પર્વતોની ઘાટીના નાનકડાં મકાનોમાં બળતા ફાનસો જોઇને ફિલ્મ 'પાકીઝા'નું ગીત યાદ આવી જાય, 'જુગનૂ હૈ યા ઝમીં પર, ઉતરે હુએ હૈં તારે...'

શિયાળો આવી રહ્યો છે. કબાટમાંથી સ્વૅટરો કાઢવાની મૌસમ શરૂ થઇ જશે... પણ આ તો ગુજરાત છે. સ્વૅટર પહેર્યા પછી એસીમાં જતા રહેવું પડે. છત્રી તો માળીયામાંથી કાઢવાની નૌબત આવી નથી. અલબત્ત, જીવ ન બળે, એની એક ફોર્મ્યુલા છે.

પરમેશ્વરને પ્રાર્થના કરો કે, ગુજરાત પાસેથી વરસાદ તો છીનવી લીધો... હવે હે દયાળુ.. આ શિયાળામાં સ્વૅટર પહેરી શકાય એટલી ટાઢ તો આપજે વહાલા... સ્વ. ફાધરની છત્રી અને લંડનથી ભાઈએ મોકલેલું સ્વૅટરે ય કાણાવાળું થઇ ગયું... એ બન્ને કોઇને ગિફ્ટમાં તો આપી શકાય !

સિક્સર
હજી ગરમી કેટલી પડે છે...! આજકાલ તો બરફે ય ગરમ આવવા માંડયો છે.

No comments: