Search This Blog

08/09/2018

'આરઝૂ' ('૬૫)


ફિલ્મ  :  'આરઝૂ' ('૬૫)
નિર્માતા-દિગ્દર્શક  :  રામાનંદ સાગર
સંગીત :  શંકર-જયકિશન
ગીતકાર  :  હસરત જયપુરી
રનિંગ ટાઈમ :  ૧૯-રીલ્સ : ૧૭૭-મિનીટ્સ
થીયેટર            :  રીલિફ (અમદાવાદ)
કલાકારો : સાધના, રાજેન્દ્ર કુમાર, ફીરોઝ ખાન, મેહમુદ, નાઝિમા, અચલા સચદેવ, મલ્લિકા, ડેઝી ઈરાની, નઝીર હુસેન, ધૂમલ, નાના પળશીકર, હરિ શિવદાસાણી, બ્રહ્મ ભારદ્વાજ, રૂબી પૉલ, નર્મદા શંકર, કેશવ રાણા, ખૈરાતી, પારો, શ્રીરામ શર્મા.

ગીતો
૧. અય નર્ગીસ-એ-મસ્તાના, બસ ઈતની શિકાયત હૈ... મુહમ્મદ રફી
૨. અય ફૂલોં કી રાની બહારોં કી મલિકા... મુહમ્મદ રફી
૩. છલકે તેરી આંખોં સે, શરાબ... મુહમ્મદ રફી
૪. અજી હમસે બચકર કહાં જાઇયેગા, જહાં જાઇયેગા...મુહમ્મદ રફી
૫. અજી રૂઠકર અબ કહાં જાઇયેગા, જહાં જાઇયેગા...લતા મંગેશકર
૬. બેદર્દી બાલમા તુઝકો મેરા મન...લતા મંગેશકર
૭. જબ ઈશ્ક કહીં હો જાતા હૈ...આશા ભોંસલે-મુબારક બેગમ, સાથી

૧૯૬૦-ના દાયકામાં જેણે ધગધગતી જુવાની જોઈ હશે, એમને યાદ હશે કે, એ જમાનામાં ફિલ્મ જોવા જવું, એક ઉત્સવ હતો. ફિલ્મ ગમે છે કે નહિ, એ તો પછીની વાત હતી... ટિકીટ આવી ગઈ, એ ગોળધાણા વહેંચવા જેવો ઉલ્લાસમય ઉત્સવ હતો. નવી ફિલ્મો તો શુક્રવારે રીલિઝ થાય પણ આગલા સોમવારથી ઍડવાન્સ-બુકિંગ શરૂ થઈ જાય ને આપણે એવા કોઈ બાર-લાખ બાવી-હજાર નહોતા, તે માણસ મોકલીને ટિકીટો મંગાવી લઈએ. 

જાતે લાંબી લાઈનોમાં ઊભા રહેવાનું હજી યાદ હશે. શૉ વખતે કોઈ 'હાઉસફૂલ' ફિલ્મ માટે જઈએ ત્યારે ટિકીટ તો મળી ન હોય, એટલે ખૂબ દયાપાત્ર ચેહરે સિનેમાના કમ્પાઉન્ડમાં ઊભેલાઓને રીક્વૅસ્ટ નહિ, 'આજીજી સ્વરૂપે' પૂછી જોતા, 'ઍક્સ્ટ્રા છે, સર?' પેલો જાણે ઇંગ્લેન્ડની મહારાણીને પરણી આવ્યો હોય, એવા શહેનશાહી અંદાજથી ના ન પાડતો... સાલો આડું જોઈ જતો. નવી ફિલ્મ આવવાની હોય, એટલે ઝણઝણાટ બહુ રહેતો. શહેરો નાના અને થીયેટરો ઘણા એટલે રીલિઝ થતી દરેક ફિલ્મ લગભગ જોઈ તો હોય.

એમાં ય, અમદાવાદની રીલિફ ટૉકીઝમાં આવેલી ફિલ્મ 'આરઝૂ'એ તરખાટ મચાવ્યો હતો. ૨૫-વીક્સ તો તદ્દન સરળતાથી એ ફિલ્મ ચાલી ગયેલી, પણ અન્ય ફિલ્મોની સરખામણીમાં 'આરઝૂ' માટેના વલખાંના ત્રણ મોટા કારણો (૨) સાધના-રાજેન્દ્ર કુમાર બધાને ખૂબ ગમે, (૨) શંકર-જયકિશનની ફિલ્મ હોય એટલે ફિલ્મ આવતા પહેલા રેડિયો સીલોન અને વિવિધ ભારતી પર એકાદ વર્ષ પહેલા એના ગીતોની જમાવટ હોય અને બૈ ગૉડ... 'આરઝુ'ના ગીતોએ તો ફિલ્મ આવવાના વર્ષ-બે વર્ષ પહેલાથી ધૂમ મચાવી મુકી હતી. 

ફિલ્મફૅર, સ્ટાર ઍન્ડ સ્ટાઇલ, માધુરી, પિક્ચરપોસ્ટ, સ્ક્રીન, જી અને ચિત્રલોક જેવા લોકપ્રિય ફિલ્મી મૅગેઝિનોમાં જે તે ફિલ્મના શૂટિંગના અહેવાલો તો છેલ્લા આઠ-દસ મહિનાઓથી છપાતા હોય, એટલે ફિલ્મ સિનેમામાં 'પડે' એટલે ભીડની ધૂમધામો જ હોય! અને (૩) હજી દિવસો એ ચાલતા હતા કે, પૂરા ઇન્ડિયામાં રંગીન ફિલ્મો તો માંડ આવતી ને 'આરઝૂ' તો એવી રંગીન હતી કે, ગુજરાતમાં બેઠા કાશ્મિરના બર્ફીલા પહાડોની લીલોતરી અને ઢાળવાળા મેદાનો ટિકીટના આ જ ભાવમાં જોવા મળવાના હતા... વચમાં ક્યાંક સાધના ઊભી હોય એ નફામાં!

ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રામાનંદ સાગરે (ટીવી-સીરિયલ 'રામાયણ') પ્રેક્ષકોને સિનેમા સુધી ખેંચી લાવવા માટે એકે ય આકર્ષણ બાકી રાખ્યું નહોતું. સાધના-રાજેન્દ્ર ઉપરાંત ડૅશિંગલી હૅન્ડસમ અને મર્દ હીરો ફીરોઝ ખાન હતો. મેહમુદ તો કોનો લાડકો નહોતો? વળી એ વખતની એની મોટા ભાગની ફિલ્મોમાં ધૂમલ તો હોય જ, જે આ ફિલ્મની જેમ પ્રેક્ષકોને હસાવી હસાવીને ડૂચા કાઢી નાંખતો. હસવાની સાથે ગરમ લ્હાય પણ થઈ જવાય એવો બારમાસી રોતડ ચરીત્ર અભિનેતા નઝીર હુસેન પણ ખરો. અલબત્ત, એક ઍક્ટર તરીકે એ સારો હતો, પણ અત્યંત કદરૂપા ચેહરા ઉપરાંત, વચમાંથી તૂટેલા દાંત બહુ ગંદા ને એમાં ય મોંઢા બારે માસ રડેલા રાખવાના, એટલે નઝીર હુસેન કદી લોકપ્રિય ન થયો. 

જે મુમતાઝ સાથે કોઈ પણ ભોગે પરણવા બેબાકળી થતી હતી, એ મુમતાઝની સગી બહેન મલ્લિકા આ ફિલ્મમાં મેહમુદની પ્રેમિકા બને છે. મલ્લિકા દ્વારા સિંઘના સ્વર્ગસ્થ નાના ભાઈ રણધાવાને પરણી છે. (ફિલ્મી પત્રકારો ખોટો ઉચ્ચાર લખે છે. એ 'રંધાવા' નહિ, 'રણ ધાવા' હતો. પંજાબની શૌર્યગાથાઓમાં યુધ્ધના લલકાર સાથે વીર પંજાબીઓ રણભૂમિમાં દોડી જતા, એ શબ્દાર્થ મુજબ 'રણધાવા' થાય!) એવા જ બીજા રોતડ, મરવા પડેલા ભિખારી કે પેટમાં ખાડા પડી ગયેલા અશક્ત અને કાળા ડામર જેવા ખેડૂતના કિરદારમાં સાર્થક નિવડે, એવા નાના પળશીકરને કાંઈ નહિ ને આ ફિલ્મમાં 'સર્જન' બનાવ્યો છે, જે રાજેન્દ્રના પગનું ઑપરેશન કરે છે. 

હિંદી ફિલ્મોના કેટલાક કેરેક્ટરો તમારા મનમાં જ ઉતરે નહિ. ફિલ્મ 'શોલે'માં ભારત ભૂષણ અને પ્રદીપ કુમારની જોડી કલ્પી જુઓ. મનમોહનકૃષ્ણ કે ઈવન આપણા દાદામોની જુવાન હતા ત્યારે ય જુવાન લાગતા નહોતા... એમાં ય, અહીં નાનાને બહુ મોટો સર્જન બનાવ્યો છે... ચિંતા આપણને કહે કે, ચાલુ ઓપરેશન દર્દીને ઉઠાડીને કાકલૂદીભર્યા કંઠે માંગી ન બેસે, 'બાબા... એક રોટી કા ટુકડા દેદો, બાબા...'

યસ. પણ ફિલ્મનો હીરો રાજેન્દ્ર કુમાર ચોક્કસ સન્માન્નીય ડૉક્ટર લાગતો. એની સૌમ્ય પર્સનાલિટી અને ગરીબડા ચેહરાને કારણે ફિલ્મ 'દિલ એક મંદિર' હોય કે 'આરઝૂ'... એ ચોક્કસપણે ડૉક્ટર લાગતો.

રાજેન્દ્ર ડૉક્ટરી ભણીને વૅકેશન કાશ્મિર માણવા એકલો જાય છે, કારણ કે એના સગા ભાઈથી ય વધુ વહાલા પડોસી દોસ્ત ફીરોઝ ખાનને છેલ્લી ઘડીએ પ્રવાસ કેન્સલ કરવો પડે છે. ત્યાં ફરવા આવેલી સાધના સાથે એ પ્રેમમાં પડે છે ને ટચુકડા અકસ્માતે સાધના બોલી ઉઠે છે, 'અપંગોની જીંદગી તે કાંઈ જીંદગી છે... એનાથી તો મરી જવું બેહતર...' એ પછી રાજેન્દ્રને મોટો કાર-ઍક્સિડૅન્ટ થાય છે ને એક પગ કપાવવો પડે છે. 

બસ, હવે સાધનાને ભુલી જવી બેહતર. એ ભૂલી જાય છે, પણ પેલી એને યાદ કરી કરીને અધમૂઇ બની જાય છે. રાજેન્દ્રનો સગાભાઈ જેવો પડોસી દોસ્ત પણ આમાંનું કશું જાણતો નથી અને એને માટે સાધનાનું માંગુ આવે છે. આ બાજુ, રાજેન્દ્રને શોધવા સાધના આકાશ-પાતાળ એક કરી નાંખે છે. છેવટે ગળે કે મનમાં ન ઉતરે એવી બેવકૂફીભરી નાટયાત્મક ઘટનાઓ પછી પ્રેમીપંખીડાઓ ભેગા થાય છે.

ફિલ્મમાં આંખોને ઠંડક આપે એવી બે જ ચીજો છે, એક સાધનાની આંખો અને બીજું, ફિલ્મની મનોરમ્ય ફોટોગ્રાફી, જે ફિલ્મ 'ઍરાઉન્ડ ધ વર્લ્ડ'ના કૅમેરામૅન જી.સિંઘે કરી છે. સિંઘની એ વખતે એક સિધ્ધિ ગણાઈ હતી કે, ૩૫ એમ.એમ.ના કૅમેરાથી ૭૦ એમ.એમ.ની ભારતની સર્વપ્રથમ ફિલ્મ બનાવી હતી. 'આરઝૂ'માં પણ સિંઘસાહેબનો કૅમેરા નયનરમ્ય રંગો લઈને ફર્યો છે. ગુલમર્ગ-કાશ્મિરના દ્રર્ષ્યો તો તમારામાંથી જઈ આવ્યું હશે, એનાથી 'માય ગૉઑઑઑઑ...ડ' નીકળી જશે.

જમાનો રાજેન્દ્રકુમારનો ચાલતો હતો, તો સાધના સહેજે ય પાછળ નહોતી. એની એક પછી એક બધી ફિલ્મો સુપરહિટ જવા માંડી હતી. એક તબક્કે ફિલ્મનગરીની તમામ હીરોઇનોમાં સૌથી વધુ પૈસા સાધનાને મળતા હતા. સાધનાના કાશ્મિરવાળા અન્કલ બનતા (આન્ટી પરવિન પૉલ છે, જે 'રૂબી પૉલ' તરીકે પણ ઓળખાતી, પણ મોટી ઓળખાણ એ છે કે, એ ખૂંખાર ખલનાયક કે.એન. સિંઘની પત્ની હતી.) હરિ શિવદાસાણી સાધનાના રીયલ-લાઇફમાં ય સગા કાકા થતા હતા-બબિતાના પિતા અને રણધીર કપૂરના સસુરજી) ફિલ્મોનું આ આશ્ચર્ય તો રહેવાનું કે, એ લોકો બધા કેવા પ્રોફેશનલ હોય છે! સાધના-બબિતા વચ્ચે જીવનભર બોલવા વ્યવહાર નહોતો પણ અહીં 'હરિ અન્કલ'ને સાચા અન્કલ લાગે, એવો અભિનય કરવાનો.

રાજેન્દ્રકુમારની અટક 'તુલી' છે. (જન્મ તા. ૨૦ જુલાઈ, ૧૯૨૯ : મૃત્યુ તા. ૧૨ જુલાઈ, ૧૯૯૯) સ્કીન-કલરમાં મારા-તમારાથી સહેજ પણ ઉજળો નહિ, પણ ચેહરો સુંદર અને શરીર બિલકુલ પ્રમાણબધ્ધ જાળવી રાખ્યું હતું. કપડાં એને શોભતા હતા અને પરદા ઉપર એક 'પરફૅક્ટ જૅન્ટલમેન' હીરો લાગી શકતો. એની ૧૫-૧૭ ફિલ્મો સિલ્વર જ્યુબિલી હિટ થયા પછી એ 'જ્યુબિલી-સ્ટાર' તરીકે ઓળખાવા માંડયો. 

પુરી ફિલ્મનગરી ઉપર એકહથ્થુ શાસન રાજેન્દ્ર કુમારનું ચાલતું હતું, રાજ-દિલીપ કે દેવ આનંદ... એ ત્રણેમાંથી એકે ય નું નહિ. ખાસ કરીને '૬૦-ના દશકમાં. એ કહે એ જ કાયદો, એ હા પાડે એ જ હીરોઇન કે સંગીતકાર અને ઍક્ટર તરીકે તો ઘણો નબળો હોવા છતાં એ જમાનામાં એની એક સાથે કોઈ ૧૫-૧૬ ફિલ્મો સિલ્વર-જ્યુબિલી હિટ ગઈ હોવાથી એની દાદાગીરી માન્ય પણ રાખવી પડતી. નિર્માતાનું એક પાઇનું ય ઉપજે નહિ, રાજેન્દ્ર કહે એ જ સંગીતકારો લેવાના. આઘાત લાગી શકે, પણ રાજેન્દ્ર કુમાર માટે શંકર-જયકિશને તમામ ફિલ્મો સુપરડૂપર સંગીત આપ્યું હોવા છતાં એની હઠ પ્રમાણે સંગીતકાર નૌશાદને જ લેવાના. અલબત્ત, નૌશાદ વર્ષે એક જ ફિલ્મ કરતા હોવાથી ફિલ્મ 'મેરે મેહબૂબ'માં નૌશાદ લેવાયા.

રાજેન્દ્રની જીદ પાછળ એક હાસ્યાસ્પદ કારણ હતું રાજેન્દ્રના મનમાં રાજ-નરગીસ-દિલીપના ફિલ્મ 'અંદાઝ'માં મૂકેશે ગાયેલા છ ગીતો સીમેન્ટની જેમ એટલા ચોંટી ગયેલા કે, નૌશાદની રીતસર પાછળ પડી ગયો કે, મારે માટે ય પિયાનો પર મૂકેશે પ્લેબૅક આપેલા ચાર ગીતો બનાવો જ. (૧. ઝુમઝુમ કે નાચો આજ ૨. તુ કહે અગર જીવનભર, મૈં ગીત સુનાતા જાઉં ૩. હમ આજ કહીં દિલ ખો બૈઠે અને ૪. તૂટે ના દિલ તૂટે ના, સાથ હમારા છુટે ના..! આ ચાર ગીતો ફિલ્મમાં લેવાયા હતા, પરંતુ રૅકોર્ડિંગ થઈને તૈયાર પડેલા હોવા છતાં મૂકેશના બીજા બે ગીતો ૧. ક્યું ફેરી નઝર, આઓ ના અને ૨. સુનાઉં ક્યાં મૈં ગમ અપના ઝૂબાં પર લા નહિ સકતા... ફિલ્મની લંબાઈ વધી ન જાય માટે કાપી નાંખવામાં આવ્યા હતા.) કહે છે કે, એકવાર તાજમહલ બની ગયા પછી બીજો એનાથી વધુ સુંદર કે એના જેવો બનાવવો તો એના સર્જક માટે ય શક્ય હોતું નથી. 

આમિર ખાનની ફિલ્મ 'દિલ ચાહતા હૈ'માં કોઈ એક સંવાદ બોલે છે, 'પરફૅક્શન કો ઈમ્પ્રૂવ કરના નામુમકીન હૈ...', એમ રાજેન્દ્રની હઠ છતાં મૅક્સિમમ નૌશાદ પિયાનો લઈ આવ્યા અને ફિલ્મ 'મેરે મેહબૂબ'માં મુહમ્મદ રફી પાસે બે-ત્રણ ગીતો ગવડાવ્યા પણ ખરા... ખાસ કાંઇ મોટું કામ ન થયું, છતાં રાજેન્દ્રએ હઠ ચાલુ રાખી અને છેક ફિલ્મ 'સાથી'માં મૂકેશ પાસે પ્લેબૅક લેવડાવ્યું, પણ પિયાનો સાથેના મૂકેશની 'અંદાઝ'વાળી લઝ્ઝત તો એમાં ય ન આવી.

છેલ્લે છેલ્લે તો પોતે નિર્માણ કરેલી 'ગંવાર', 'ટાંગેવાલા' ઉપરાંત 'પાલકી'માં નૌશાદ ઝળહળતું સંગીત ન આપી શક્યા, એટલે ફિલ્મ 'અંદાઝ'વાળા મૂકેશનો હઠાગ્રહ પડતો મૂકવો પડયો. કમનસીબે છેલ્લે છેલ્લે એને જીવલેણ કેન્સર થયું. કારણ તો ખબર નથી, પણ આવો ભયાનક રોગ થવા છતાં એ જીદ પર આવી ગયો કે, 'એમને એમ મરી જઇશ, પણ ડૉક્ટરની દવા નહિ કરૂં કે હૉસ્પિટલમાં નહિ જાઉં..' કહે છે કે, કૅન્સર જેવો રોગ થવા છતાં એણે મૅડિકલ-સારવાર લીધી જ નહિ!

અભિનય તો બળાત્કાર પીડિતાનો કરી કરીને બટકી પણ ખૂબસુરત-લાંબા વાળવાળી નઝિમા આજે તો 'સ્વર્ગસ્થ' છે, પણ બધી દિશાઓથી હીરોઇન મટીરીયલ હોવા છતાં નાઝિમાને કદાચ એની હાઇટ નડી ગઈ અને સૌમ્ય ચેહરાને કારણે દરેક ફિલ્મમાં એને હીરોની નાની બહેનના જ રોલ મળતા. 

શક્તિ કપૂર અને રણજીત જેમ બળાત્કારો (ફિલ્મોમાં) કરવા માટે કુવિખ્યાત હતા એમ પોતાના ઉપર (ફિલ્મોમાં) બળાત્કારો કરાવી કરાવીને અધમૂઇ થઈ ગયેલી નાઝિમાએ મજાકમાં એક વખત કહ્યું પણ હતું, ''હું હીરોઇન ન બની શકી. હીરોની બહેન હોઉં અને મારી ઉપર વિલન બળાત્કાર કરે, એટલા પૂરતું મારું કામ. એક નિર્માતાને તો મેં મજાકમાં એમ પણ પૂછી જોયું હતું કે, 'આ વખતે મારા ઉપર કોણ બળાત્કાર કરવાનું છે?' કમનસીબે, આવી સુંદર અને નમણી નાઝિમાને ઘણી નાની ઉંમરે કેન્સર ભરખી ગયું. 

કૅન્સર તો આ ફિલ્મની હીરોઇન સાધનાને ય કેવી વિકૃતિથી નડી ગયું કે, જેની સુંદર આંખો ઉપર ઘણા ફિલ્મી ગીતો બન્યા છે, એને છેલ્લે છેલ્લે આંખોનું જ કૅન્સર થયું. સાધના અત્યંત ચરીત્રશીલ અભિનેત્રી હતી. નૂતન, નંદા કે માલા સિન્હાની જેમ જીવનભર સ્લૅટ કોરી. કોઇ ડાઘ નહિ. એક માત્ર કૌટુંબિક દોસ્તી રાજેન્દ્ર કુમાર સાથે હતી. આપણે શનિ-રવિમાં એકબીજાને ઘેર ડિનર પર જઈએ છીએ, એવી દોસ્તી.

એવું જ બદનસીબે મૃત્યુ ચરીત્ર અભિનેત્રી અચલા સચદેવને આવ્યું. એ સમયની એક સુલોચના લાતકરને બાદ કરતા આ ઉંમરે પણ જોવી ખૂબ ગમે એવી અચલાના મૃત્યુ સમયે ફૂટી કોડી ય રહી નહોતી.

નહિ તો રાજેન્દ્ર કુમાર કરતા ય વધુ ડૅશિંગલી હૅન્ડસમ હીરો ફીરોઝ ખાન હતો, જેના કમનસીબ કે બેવકૂફીઓના કારણે દરેક ફિલ્મમાં એ સાઈડ-હીરો, વિલન કે હોમી વાડીયાની સ્ટંટ-ફિલ્મો પૂરતો જ સિલકમાં રહ્યો. રોકડું હીરો-મટીરિયલ ફીરોઝ હતો, પણ બદ્દતમીઝ સ્વભાવ અને પોતાનો માલ વેચતા ન આવડયો, એના કારણે એ ફેંકાઇ ગયો.

પણ કાનની સાથે હૈયાને પણ મૌજ કરાવી દે એવું તો આ ફિલ્મનું સંગીત છે. આમ જુઓ તો શંકર-જયકિશનની આટલી હિટ જોડી હોવા છતાં બન્ને વચ્ચે સુપીરિયારિટીના ઝગડા છાના નહોતા રહ્યા. આ એ તબક્કો હતો, જ્યાં બન્ને ગ્રેટ સંગીતકારો (જોડીનું નામ યથાવત રાખીને) અલગ અલગ સંગીતકારો બની ગયા હતા. શંકરે 'સૂરજ' નામથી અલગ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. (ફિલ્મ : 'સ્ટ્રીટ સિંગર') અને જયકિશને આજની આ ફિલ્મ 'આરઝૂ'માં શંકર વગર સંગીત આપ્યું હતું. અર્થાત્, 'આરઝૂ' એક માત્ર ફિલ્મ હતી જેનું સંગીત એકલા જયકિશનનું હતું. યસ. શંકર-જયકિશનની-બન્નેની એક માત્ર નબળાઈ કવ્વાલી હતી. 

બધા પ્રકારના સંગીતમાં માસ્ટરી, કવ્વાલીમાં રસ જ નહિ. પણ આ ફિલ્મમાં 'જબ ઇશ્ક કહીં હો જાતા હૈ, તબ ઐસી હાલત હોતી હૈ...' કવ્વાલી બનાવવી જ પડે એમ હતી. જયકિશને નછૂટકે શંકરનું નામ સજૅસ્ટ કર્યું. શંકરે પણ દાવ જોઈને સોગઠી મારતા એક કવ્વાલી કમ્પોઝ કરવાનો ચાર્જ આખી ફિલ્મના સંગીત જેટલો માંગ્યો અને નિર્માતા રામાનંદ સાગરે એ આપવો પણ પડયો... અલબત્ત, રીઝલ્ટ બહાર પડી ગયા પછી ખ્યાલ આવ્યો કે, કવ્વાલીમાં આ બન્નેનું કામ નહિ!

પણ જયકિશને સલામો ભરવી પડે, 'આરઝૂ'ના તમામ ગીતોની મધુરતા માટે, ખાસ કરીને બીજા બે કટ્ટર હરિફો લતા મંગેશકર અને મુહમ્મદ રફી-બન્ને માટે એકબીજાથી વધુ મીઠા લાગે, એવા ગીતો બનાવવા માટે. લગભગ બધા ગીતોમાં બન્ને લેજન્ડ્સ પાસે જયકિશને હાઇ-પિચમાં ગવડાવ્યું છે. ઘણાને યાદ હશે કે, રફીનું 'અજી હમ સે બચકર કહાં જાઇયેગા...' શરૂઆતના આઠ-દસ વર્ષ સુધી રેડિયો પર સાંભળવા મળતું નહોતું. ફિલ્મમાં તો હતું જ, પણ લતાનું 'અજી રૂઠકર અબ કહાં જાઇયેગા...' ખૂબ હિટ થયા પછી વિવિધ ભારતીએ રફીનો પાર્ટ પણ મૂકવા માંડયો.એ જમાનામાં આપણને ખૂબ ગમેલી પણ આજે જુઓ તો સહેજ પણ ન ગમે એવી ફિલ્મ 'આરઝૂ' હતી.

No comments: