Search This Blog

24/09/2018

ઍનકાઉન્ટર : 23-09-2018


* તમે સોશિયલ મીડિયાથી નારાજ કેમ છો ?
૧૨ થી ૧૫ વર્ષનાં બાળકો ય એ જોઇ રહ્યાં છે, જે એમણે ન જોવું જોઇએ. સૅન્સરશીપ વગરનું કોઇ પણ માધ્યમ નુકસાનકર્તા છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* હજી વરસાદ પડે, એવું લાગે છે ?
આખા ભારતમાં લીલોછમ્મ વરસાદ પડયો....ગુજરાતમાં ચાંદલા જેટલું ટીપું ય નહિ.
(ધવલ જે. સોની, ગોધરા)

* માની લો કે, ગઠબંધન સરકાર આવે, તો વડાપ્રધાન કોણ બનશે ?
પણ માની શું કામ લઉં ?
(દિલીપ ડાભી, દેવકાપડી-ભાભર)

* પ્રેમ શું છે ?
તગારું.
(કલ્પેશ જાડા, પિપળીયા-બોટાદ)

* છોકરીઓની હૅરસ્ટાઇલ વિશે શું માનો છો...?
બસ. માથામાં તેલો ઝીંકતી ન હોય, એ બધી સારી જ લાગે.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* ઍન્જીનીયરોની બેકારી કેમ વધી રહી છે ?
- હું સમજીને જ ઍન્જીનીયર ન થયો.
(વિપુલ વડુકર, સોનારીયા-વેરાવળ)

* હવે પૂરા ફૅમિલી સાથે આત્મહત્યાઓ થવા માંડી છે...
આમાં પડોસીઓને આમંત્રણો ન મોકલાવાય.
(નિલેશ પ્રેસવાળા, ભરૂચ)

* ભારતમાંથી કૉંગ્રેસ નાબૂદ થશે તો બાકી કોણ રહેશે ?
સફળ લોકશાહી માટે વિરોધપક્ષ મજબૂત હોવો જરૂરી છે.
(અશોક જોશી, સિરવાડા)

* શુભપ્રસંગે પેંડા જ કેમ વહેંચાય છે ? અન્ય કોઇ મીઠાઇ કેમ નહિ ?
પબ્લિક વધારે હોય તો નાનીનાની 'પેંડીઓ' વહેંચી શકાય... વીંટીની સાઇઝની જલેબી કે ઘારી જોઇ ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* 'ફિલ્મ ઇન્ડિયા'માં ફિલ્મ 'આલાપ' વિશે આપનો લેખ ગમ્યો. વાંચીને તમારાં બા ખિજાય તો પંખો ચાલુ કરી દેજો...!
ઘરમાં વાઇફ તગડી છે, પછી બા ની મજાલ છે કે ખિજાય ?
(સ્મિતા પંચાલ, સુરત)

* લોકસભામાં મતદાન વખતે ગેરહાજર રહેનારાઓ માટે પીળા બટનની સગવડ હતી...
હવે મેઘધનુષી બટન જોઇએ.
(રમેશ રાઠવા, વડોદરા)

* તમારા જીવનમાં ગર્લ-ફ્રૅન્ડ કેટલી આવી ?
હાલમાં ૫-પ્લસનું બુકિંગ ચાલુ છે.
(હર્ષ તળપદા, નડિયાદ)

* સત્તા આગળ શાણપણ કેમ નકામું ?
એક વાર ટ્રાફિક પોલીસનું પાટલૂન ખેંચી જોજો.
(હિતેન્દ્ર દેસાઇ, તલીયારા-નવસારી)

* 'ઍનકાઉન્ટર' એટલે શું ?
હવે તમારે જાણીને શું કામ છે ?
(જીયા સંજય અંધારીયા, ભાવનગર)

* તમારી ગમતી હીરોઇન વિશે ખબર છે, પણ ગમતો હીરો કોણ ?
એવા સબ્જૅક્ટમાં આપણે પડતા જ નથી.
(અ.રહેમાન બોગલ, ગોધરા)

* રાજકારણમાં આજકાલ કયા પક્ષની બોલબાલા છે ?
એકે ય નહિ.
(વીણા ભોગાયતા, ભરૂચ)

* ફિલ્મોમાં હીરોઇનો પલંગ પર ઊંઘી સૂઇને જ કેમ ડૂસકાં ભરતી હશે ?
છત પર ગરોળી હોય તો ?
(સુધીર એમ. જાની, ભાવનગર)

* બધાં જ વ્રતો બહેનોએ જ કેમ કરવાનાં હોય છે ?
એમની રસોઇની તો એમને જ ખબર હોય ને ?
(અશ્વિન મકવાણા, તલપડ-આણંદ)

* ન્યાય અને સમાધાન વચ્ચે કેટલું અંતર ?
અજમેરથી આણંદ જેટલું.
(આદિલ શકીલએહમદ અજમેરી, આણંદ)

* દારૂબંધીની જેમ પ્લાસ્ટિકબંધી સફળ થશે ?
દારૂબંધી થઇ...?
(મનોજ પ્રિયદર્શી, ભરૂચ)

* બાબાભ'ઇએ પાર્લામૅન્ટમાં આંખ મારી...સુઉં કિયો છો ??
માંકડને આંખો આવી, એવી ગુજરાતીમાં કહેવત જેવું કાંઇક છે...
(રજનીશ વરીયા, સુરત) અને (બિરેન નથવાણી, ઊપલેટા)

* જમ્યા પછી ભૂખ નથી લાગતી. શું કરવું ?
તમારું પેટ સાયકલના કોઇ ટાયર-પંકચરવાળાને બતાવી જુઓ. કદાચ દાંતનો દુઃખાવો મટી જાય.
(લલિત ગોટી, સુરત)

* રાહુલ ગાંધીની લોકસભાની સ્પીચ વિશે શું કહો છો ?
સુધરી છે... હમણાં હમણાંથી એ ઓછું ખરાબ બોલે છે.
(ભાવિક એ. શાહ, ગોધરા)

* 'જીઍસટી'થી તમને ફાયદો થયો ?
આખા દેશમાં બધાને એકસરખો ટૅક્સ ભરવાનો....એ ફાયદો જ છે ને ?
(ડૉ. મયંક કે. છાયા, અમદાવાદ

No comments: