Search This Blog

19/09/2018

વાચકો લખે છે . .


'બકવાસ'ના વાચકોના પ્રતિભાવો :

ક્રિકેટ-સ્પૅશિયલ : વિરાટ કોહલીની બેટિંગ જેવો ભારતન ઇંગ્લેન્ડ પ્રવાસનો લેખ ઉત્તમ રહ્યો. જાણે અમે ઇંગ્લેન્ડ ગયા હોઈએ, એવી શૈલી લેખકની હતી. આર.અશ્વિનની જીવન ઝરમર પહેલીવાર વાચવા મળી, પણ 'જીવન-ઝરમર' શબ્દો કોઈ 'સદગત' માટે વપરાય. અમારી માહિતી મુજબ, અશ્વિન હજી સદગત થયો નથી.

'બકવાસ'માં ઈશાંતશર્માના ફોટા જોયા પછી ખ્યાલ આવ્યો કે માથે અંબોડા જેવી હૅર-સ્ટાઇલ રાખવાથી બોલિંગ વધુ ફાસ્ટ થઇ શકે છે, એ અમે 'બકવાસ'માં પહેલીવાર વાંચ્યું. ક્રિકેટની સાથે સાથે કબડ્ડી વિશે લખ્યું હોત તો વધુ મઝા આવત.
(જયનેન જહા, જયેશ જરીવાલા, ડૉન બ્રેડમેન, ઉષ્મા સ્વરાજ)

કેળાની છાલ : લેખ સચોટ રહ્યો, એમાં ય કેળાની છાલના સત્તર પ્રકાર હોય છે,એ પહેલી વાર જાણવા મળ્યું. ફાધરનો પગ કેળાની આઠ નંબરવાળી છાલ ઉપર પડતા તેઓ લપસી પડયા હતા, તે યાદ આવ્યું. લેખ એટલો તો વાસ્તવિક હતો કે, 'બકવાસ'ના અંક ઉપર પગ પડતા જ ફાધર ફરી લપસી પડયાહતા. મુખપૃષ્ઠ ઉપર કેળાની છાલની તિરંગી તસ્વીર મનમોહક હતી, પણ સપ્તરંગી હોત તો વધુ સુંદર લાગત.

દાલ-તડકામાં એટલે કે વઘારમાં કેળાની છાલનો પણ ઉપયોગ થાય છે, એ આપના અભ્યાસપૂર્ણ લેખમાં કેમ ન જણાવ્યું ?
(કૃણાલ પ્રકાશ સોની, સમીર પૂજારા, સોનિયા ગાંધી, અકબરઅલી ઉસ્માનઅલી)

હિંદી ફિલ્મોનું પતન : શીર્ષક સુંદર રહ્યું. 'બકવાસ' દ્વારા પહેલીવાર જાણવા મળ્યું કે હિંદી ફિલ્મો ય બકવાસ હોય છે. નસીરૂદ્દીન શાહની તસ્વીરમાં પ્રિન્ટિંગ-મિસ્ટેક છે. હસતી વખતે એના બે દાંત નહિ, ત્રણ દાંત બહાર દેખાય છે.

આવો મુદ્રણદોષ 'બકવાસ'માં ન ચાલે... લેખ ત્રણ કલાકની હિંદી ફિલ્મ જેવો જ બૉરિંગ હતો... લતા મંગેશકરની કામવાળી બાઈનો ઇન્ટરવ્યૂ વાંચીને અમારી કામવાળી સાથે વાત કરતા હોઈએ, એવું લાગ્યું. ભવિષ્યમાં વધુને વધુ કામવાળી બાઈઓના ઇન્ટરવ્યૂઓ છાપશો તો રાજસ્થાન બાજુના ગુજરાતની વાચકોને ગમશે.
(ગુરૂચરણસિંહ છાબડા, જયેશ શાહ, ડૉ. યોગેશ શાહ, પંકજ જે. દવે)

સેઠ ધનીરામ ખૂન કૅસ : વાહ, લેખ એટલો તો વાસ્તવિક હતો જાણે ધનીરામનું ખૂન અમે જ કર્યું હોય ! ભાઈશ્રી 'કલમતોડ'ને અભિનંદન...સેઠના ખૂનીનો ચા પીતો ફોટો સુંદર રહ્યો.. સેઠ ધનીરામનું ખૂન તેમની પત્નીએ જ કરાવ્યું હતું, એ વાંચ્યા પછી મારા પતિ મારા હાથે બનાવેલી ચા ય પીતા નથી. મહેરબાની કરીને આવા લેખો હવે ન છાપશો... ખૂની કાલીયાના ભત્રીજાનું નામ ખોટું છપાયું છે, 'ભાણજી' નહિ, 'ભાલજી' હોવું જોઇએ. આગામી અંકમાં ખુલાસો છાપશો. હજી દેશમાં જેટલા બળાત્કારો થાય છે, એટલા ખૂનો નથી થતા, એ માહિતી રસપ્રદ રહી.
(જયા બચ્ચન, મધુરીબેન શાહ, 'પવિત્ર પાપી', નયનસુખ પટેલ)

કાઠીયાવાડી હીંચકા : 'બકવાસ'માં પ્રૂફરીડિંગનું ધ્યાન અપાતું નથી, તે દુ:ખદ છે. હીંચકાનો 'હીં' દીર્ઘ-ઈ આવે,તમે હ્રસ્વ-ઇ લખ્યું છે, તે ખોટું છે... હીંચકા વિશે દુનિયાભરનો સૌ પ્રથમ લેખ હીંચકે ઝૂલતા ઝૂલતા જ વાંચી ગયા. પછી તો ચક્કરે ય ખૂબ ચઢ્યા. હજી આંખો પટપટ થાય છે. દરેક નાગરને ઘેર હીંચકો હોય છે, એમ તમે લખ્યું છે, પણ એ જ હીંચકે કોણ બેઠું હોય છે ને કોણ ઝૂલાવતું હોય છે, એ લખ્યું હોત, તો વધુ વાસ્તવિક લાગત... લેખકે પ્રસ્તુત લેખ હીચકે બેઠા બેઠા લખ્યો લાગે છે. અક્ષરો વાંકાચૂકા છપાયા છે.

જાપાનમાં ડબલ-ડૅકર હીંચકા થાય છે, એ માહિતી 'બકવાસ'માં વાંચીને જાપાન જવાનું મન થયું. અભિનંદન.
(દિલીપ રાવલ, શૈલેષ ગઢીયા, પ્રદીપ ઠાકોર, ક્ષમા શાહ)

આવ રે વરસાદ : ભલે આખા ગુજરાતમાં વરસાદ નથી પડયો છતાં લેખ એટલો બધો વાસ્તવિક હતો કે, ફેરીયો 'બકવાસ' પણ પલળેલું નાંખી ગયો.

અમે ય ઘરમાં છત્રી ખોલીને બેઠા પછી જ વાંચ્યો. વરસાદની મૌસમમાં પ્રેમ અથવા પ્રેમો કરવાની લઝ્ઝત કોઈ ઓર જ હોય છે, તે તમે લખ્યું, પણ પરણેલા વાચકો માટે કેમ કાંઈ ન લખ્યું ? શું લેખક બીજવર છે ? લેખના એક માહિતીદોષ અંગે ધ્યાન દોરૂં છું, તો ક્ષમ્ય ગણશો. ચેરાપુંજીમાં ૪૦૦-ઇંચ વરસાદ પડે છે, એ તમે લખ્યું, પણ આટલો વરસાદ એક દિવસનો પડે છે કે આખી સીઝનનો, તે લખ્યું હોત તો વધુ માહિતી મળત. ગુજરાતમાં ટીપું ય પડતું નથી ને તમે આવી કાલ્પનિક ઋતુઓ વિશે લખો છો, એ શોભનીય નથી.
(ડૉ. અશ્વિન હી. પટેલ, મિરઝા ગાલીબ, તોડફોડ પટેલ, કૅટરિના કૈફ)

જાહેરખબરો : રંગીન જાહેરખબરોના ઉત્કૃષ્ઠ મુદ્રણ માટે 'બકવાસ'ને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ પુરસ્કાર મળ્યો, તે જાણી ગર્વ થયો. આ પુરસ્કાર કેટલામાં પડયો, એ જણાવ્યું હોત તો વધુ વાસ્તવિક લાગત. 'બકવાસ'માં જાહેરખબરોની સાથે સાથે ક્યારેય લેખ કે સમાચાર પણ છપાય, એવું ન કરશો. સમાચારો વાંચવા માટે તો છાપા છે. 

'સફેદીનો ચમકાર'ની રંગીન જાહેરખબરની સામે જ સુ શ્રી. માયાવતીજીનો ફોટો છાપ્યો છે, એ દર્શાવે છે કે, 'બકવાસ' રંગભેદમાં માનતું નથી.

અભિનંદન જાહેરખબરોમાં 'ગોલ્ડ-મૅડલ' જ્યોતિષી લખ્યું હોય છે, તો આવા ગૉલ્ડ-મૅડલો કોણ આપે છે અને ક્યાંથી મળ્યા છે, તે લખવું જોઇએ.
(વિભાવન મેહતા, અનુષ્કા કોહલી, જયરામ પટેલ)

મેહફીલે ગઝલ : આદાબ અર્ઝ હૈ... બહોત ખૂબ...ઇર્શાદ... ક્યા લેખ મારા હૈ ભાઈ ! જનાબ લેખકનું એ નિરીક્ષણ સાચું હતું કે, મુશાયરાઓમાં મોટા ભાગના શ્રોતાઓને પઇની ય સમજણ પડતી નથી, છતાં દાદ આપે કે હાથ હલાવે રાખે છે. અમને ય આ લેખમાં સમજ નથી પડી, છતાં લેખકને અમારી સલામ. ગઝલ ગાયકનું નામ ખોટું લખ્યું છે, 'જગતજીતસિંહ' નહિ, 'જગજીતસિંહ' જોઇએ. આ મહાન ગાયક હવે ચાયનીઝ ભાષામાં ગઝલો ગાવાનો છે, એમાં હકીકતદોષ છે. એ ભ'ઇ તો વર્ષો પહેલા ગૂજરી ગયા છે. લેખકશ્રીએ જીવનમરણની પૂરતી તપાસ કર્યા પછી લખવું જોઇએ. 'રાત ભી નીંદ ભી કહાની ભી...' ગઝલ દમયંતિ બરડાઈએ નહિ, ચિત્રાસિંઘે ગાઈ છે અને એ પ્રભાતીયું નહિ, પણ ગઝલ છે, એ ભૂલસુધાર આવતા અંકમાં કરી લેવા વિનંતી. ખુદા હાફીઝ.
(મેહમુદ અલી ઉસ્માન અલી, શકીરા ખાન, બોમનજી રૂસ્તમજી)

સિક્સર
અહીં ગાડી પાર્ક કરૂં ?
- હઓ... હવે ગમે ત્યાં કરો... એ બધો તો થોડા દિવસોનો નશો હતો.

1 comment:

Rakshit said...

હા હા હા ...
Razor Sharp.