Search This Blog

15/09/2013

ઍનકાઉન્ટર 15-09-2013

* શાહજહાંએ એની પત્ની મુમતાઝની યાદમાં તાજમહાલ બનાવ્યો. તમે શું વિચારો છો ?
- હું તો વિચારી શકું છું. આવું કંઈ બનાવવામાં પૈસા વેડફી ન નંખાય !
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* પાકિસ્તાનના હૂમલાને ક્લીન-ચીટ આપવામાં સંરક્ષણ મંત્રી ઍન્ટનીએ પાર્લામેન્ટમાં પાછું ફેરવી નાંખ્યું કે હૂમલો આતંકવાદીઓનો હતો.
- મેં ટીવી પર જોયું હતું. તમે વિચાર તો કરો, આટલા મોટા દેશનો સંરક્ષણ મંત્રી માત્ર ત્રણ જ લાઈન બોલવાની હતી, એ 'વાંચીને' બોલે છે. વડાપ્રધાન ૧૫ ઓગસ્ટનું 'ભાષણ વાંચીને' કરે છે. સોનિયા તો છીંકો ય વાંચી વાંચીને ખાય છે. સાલું, આખા કોંગી સર્ક્સમાં એક તો માનપાત્ર જોકર હોત...!
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* હવે લશ્કર-એ-તોઈબાના આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડા પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચશે....
- કોંગ્રેસ સરકારનું સૂત્ર છે, 'મેહમાં જો હમારા હોતા હૈ, વો ''દેશ સે'' પ્યારા હોતા હૈ..'
(રોહિત આઈ. દવે, હાલોલ)

* ડોલર સામે રૂપિયો સતત ગગડતો કેમ જાય છે ?
- રૂપિયો નહિ... દેશ કહો.
(હિતેશ દેસાઈ, તલીયારા-ગણદેવી)

* ડિમ્પલ કાપડીયા ફરી ફિલ્મોમાં આવી રહી છે. એની સામે તમે હીરો તરીકે આવો કે નહિ ?
- બેન. તું મારા અને ડિમ્પુ કરતા નાની છે. તારાથી ડિમ્પલ નહિ, 'ડિમ્પલબેન' બોલાવું જોઈએ.
(મેઘાવી હેમંત મેહતા, સુરત)

* આપના જેવા પ્રખર જ્ઞાની પુરૂષે રાજકારણમાં ઝંપલાવવાની જરૂરત છે. સુઉં કિયો છો ?
- મારા વ્યક્તિત્વની આટલી ગુપ્ત બાતમી તમારા સુધી કેવી રીતે પહોંચી ગઈ ?
(અરવિંદ પટેલ, જામનગર)

* મેહનત કરવા છતાં ફળ ન મળે તો શું કરવું ?
- ફ્રુટવાળાની દુકાને જવું.
(ડાહ્યાભાઈ ચૌધરી, બદપુરા-માણસા)

* આ કૉલમમાં તમે ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટને 'બાસ્ટર્ડ' કીધા છે. તે યોગ્ય છે ?
- આવો ઈલ્કાબ મેં એમને નહિ, મહેશ ભટ્ટે પોતાને આપ્યો છે. ફિલ્મ 'અર્થ' વખતે તેમણે ઉઘાડેછોગ ગૌરવપૂર્વક આ જાહેરાત કરી હતી.
(જગદીશ સચદે, મુંબઈ)

* ગલીના કૂતરાં અને રાજકારણીઓ વચ્ચે શું ફરક ?
- જવાબ તમે આપી દીધો છે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, આણંદ)

* પાકિસ્તાની વિદેશ મંત્રી હિના રબ્બાનીના રૂપથી અંજાઈને મારો એક દોસ્ત પાકિસ્તાની ટીવી જ જોયે રાખે છે.
- દોસ્તના નામે તમે પણ જલસા કરો છો !
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

* તમારા પ્રિય જામનગરમાં દિવાળી કરવા કેમ નથી આવતા ?
- પત્નીનું પણ પ્રિય જામનગર છે, એટલે.
(મહિન્તા મિલન ત્રિવેદી, જામનગર)

* જે પરિવારમાં સાસુ માં બનીને રહે તે પુત્રવધૂ દીકરી બનીને રહે, એ ઘર સુખી જ હોય. તમે શું માનો છો ?
- આ ફેરફાર પહેલા વિચારી લેવા જેવો હતો. હવે એકની એક સ્ત્રીને નવેસરથી માં કે દીકરી ન બનાવાય ! બા ખીજાય !
(ઉષા જગદીશ સોતા, મુંબઈ)

* ઘણા લોકો ખાવા માટે જ જીવતા હોય છે, એમનું શું કરવું ?
- રસોઈયો રાખી લેવો.
(મનિષા એન. ઠક્કર, મુંબઈ)

* બધા ગોરધનોને પારકા બૈરાં જ કેમ વધુ ગમે છે ?
- સહકારી બૅન્કોમાં વ્યાજ વધારે મળે !
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* શું વાઈફો બૉયફ્રેન્ડ્સ રાખી શકે ?
- હા, પણ એ પૂછવા નહિ આવે !
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* ગાંધીજીના ત્રણ પૈકીનો ક્યો વાંદરો તમને વધુ ગમે છે ?
- મારી પસંદગી માણસોમાં વધારે છે.
(કેશવ કક્કડ, અમદાવાદ)

* પિતાનું વચન નિભાવવા શ્રીરામ ૧૪ વર્ષના વનવાસમાં ગયા... આજે ઘરડાના ઘરમાં મોકલે છે, એવું કેમ ?
- બધા દીકરા રામ ને બધા પિતા દશરથ નથી હોતા.
(ભક્તિ એમ. કારીયા, મુંબઈ)

* તમારા સિવાય ગુજરાતના શ્રેષ્ઠ પાંચ હાસ્યલેખકો ક્યા ?
- પહેલા તો એ પૂછો કે શ્રેષ્ઠ કે ફાલતુ, આખા ગુજરાતમાં ટોટલ પાંચ હાસ્યલેખકો છે ખરા ?
(કિશોર સોમાણી, રાજકોટ)

* પુરાતનકાળથી સ્ત્રી સાથે લાલ રંગ વણાયેલો છે. લીલો કે પીળો કેમ નહિ ?
- તમને એક રંગવાળી મળી હશે.. બાકીના બધાને તો મેઘધનૂષ છે.
(ભરત ડી. સાંખલા, ડીસા)

 * 'પ્રેમીપંખીડાઓનો આપઘાત'. આમાં પંખીઓને કેમ બદનામ કરવામાં આવે છે ? કોઈ પંખી આપઘાત કરતું નથી.
- ઓકે. હવેથી 'પ્રેમીજનાવરોનો આપઘાત' એવું લખીશું.
(રમેશ બી. મેહતા, જૂના ડીસા)

* 'બા ખીજાય... બા ખીજાય' વાંચીને હવે અમારા બા ય ખીજાવા માંડયા છે...
- તમારા બાપુજીનું ય અમારા બાપુજી જેવું જ લાગે છે !
(શિવાની/હિમાની વોરા, જોરાવરનગર)

* 'ઍનકાઉન્ટર' પુસ્તકરૂપે પ્રગટ થાય ત્યારે વિમોચન કરવા કોને બોલાવશો ?
- ત્રણ પુસ્તકો તો પ્રગટ થઈ ચૂક્યા છે, પણ ચોથાનું વિમોચન કરવા નાના પાટેકરને બોલાવીશું. અબ તક છપ્પન !
(નીતિન ઉપાધ્યાય, જામનગર)

* અશોકજી, તમે લગ્ન પહેલા સુખી હતા કે પછી ?
- તમે 'કોના' લગ્ન.. નો ઘટસ્ફોટ કર્યો નથી.
 (ફખરી બારીયાવાલા, ગોધરા)

* આજના રાજકીય વાતાવરણમાં નરેન્દ્ર મોદીનો કરિશ્મા હવે ચાલી શકશે ખરો ?
- તમે દેશની હાલત વિશે જે કાંઈ જાણતા હો. મોદીને બાજુ પર રાખીને ફક્ત એક વ્યક્તિનું નામ આપો. જે વડાપ્રધાન બનવા માટે એમનાથી વધુ લાયક તમને લાગતા હોય !
(હસમુખ વૈદ્ય, નવસારી)

* હવે બત્રીસ લક્ષણા પુરૂષો થાય છે ખરા ?
- કેમ, મારામાં તમને ક્યું લક્ષણ ઓછું દેખાયું ?
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

13/09/2013

'પુષ્પક' ('૮૭)

ફિલ્મ : 'પુષ્પક' ('૮૭)
નિર્માતા-દિગ્દર્શક : સંગીતમ શ્રીનિવાસ રાવ
રનિંગ ટાઈમ : ૧૩૧ મિનિટ્સ : ૧૪ રીલ્સ
થીયેટર : નટરાજ (અમદાવાદ)
કલાકારો : કમલ હાસન, અમલા, ટીનુ આનંદ, સમીર ખખ્ખર, ફરિદા જલાલ, લોકનાથ, કે. એસ. રમેશ.


 

હું સાધારણ કક્ષાનો મૂરખ છું, એ હું જાણું છું, પણ બહુ ઊંચા લેવલનો મૂરખ છું, એવું તો મારી પત્ની એકલી જ જાણે છે. આપણે શું કે, ઘરની વાત ઘરમાં જ રહે તો સારું, એ ધોરણે બહાર આ માન્યતાની અમે ખબર પડવા દીધી નથી... પણ ડીવીડી-ની દુકાનવાળાને હમણાં બધી ખબર પડી ગઈ. મેં 'પુષ્પક'ની ડીવીડી માંગી, તો એણે કન્નડા ભાષાની 'પુષ્પક' આપી. મે કીધું, મારે હિંદી 'પુષ્પક' જોઈએ છે, એમાં તો એ હસી પડયો ને એના સ્ટાફને હસાવવા મારી ફિલમ ઉતારતા બોલ્યો, 'સાહેબ, 'પુષ્પક' સાયલન્ટ ફિલ્મ છે... કન્નડામાં જુઓ, તમિળમાં જુઓ કે ચાયનીઝમાં...! શું ફરક પડે છે?' વધારે પ્રદર્શન ન થાય એટલે હું બોલ્યો નહિ, નહિ તો હું કહેવાનો હતો, 'ભ'ઈ, ભાષાની ખબર હોય તો અમારે હિંદીમાં હસવાનું છે કે ગુજરાતીમાં, તેની ખબર પડે ને!'

પણ તમે મારા જેટલા સ્ટુપિડ ન હો તો... (...એટલું બધું તો કોઈ ના હોય ને!) આંખ મીંચીને 'પુષ્પક'ની ડીવીડી લઈ આવો જ. આખા ભારતમાં નહિ, આખા વિશ્વમાં આવી ફિલ્મ બની નથી, જે સાયલન્ટ હોવા છતાં 'સાયલન્ટ ફિલ્મ'ના બેનરમાં ન આવે. '૩૦ પહેલાની હિંદી કે ઈંગ્લિશ સાયલન્ટ ફિલ્મ મૂંગી હતી, પણ સંવાદો કાં તો અભિનયના માધ્યમથી બોલાતા ને કાં તો ઈંગ્લિશમાં સ્ક્રીન પર લખેલી સ્ટ્રીપ વાંચવી પડે. અર્થાત, અવ્યક્તપણે ય સંવાદોની જરૂર તો પડતી.

કમલા હસનની આ ફિલ્મ 'પુષ્પક' કદાચ એક માત્ર એવી ફિલ્મ છે જે, બહુ હળવી રીતે સાબિત કરી આપે છે કે,આ આખી ફિલ્મમાં એક અપવાદરૂપે ય એવું દ્રષ્ય આવતું નથી, જ્યાં મારી મચડીને અદાકારોને મૂંગા રાખવા પડયા હોય. લેખક-દિગ્દર્શક સંગીતમ શ્રીનિવાસ રાવ બહુ સાહજીકતાથી બે કલાકની ફિલ્મમાં સાબિત કરી શક્યા છે કે, મૌન રહીને પણ અનેક વાતો થઈ શકે છે... ઘણું બધું કહી શકાય છે. વર્ષો પહેલા અમદાવાદની 'મધુરમ ટોકીઝમાં મહાન કોમેડિયન મેલ બૂ્રક્સની ફિલ્મ 'સાયલન્ટ મૂવી' જોઈ હતી. બે મિનીટ પણ તમે હસ્યા વિનાના રહી ન શકો, એવી મજ્જાની એ ફિલ્મ હતી, છતાં એમાં ય સંવાદોને બદલે આંગિક અભિનય તો અનેક હતા. આ મેલ બ્રૂક્સની એવી જ જોવી ગમે એવી ધૂંઆધાર કોમેડી 'The blazing Saddles' પણ તમને ગમશે. બાય ધ વે, અમદાવાદના ઘીકાંટા પર સૌથી છેલ્લે આવેલી આ મધુરમ ટોકીઝ 'મીયાં-મહાદેવ'ની ટોકીઝ કહેવાતી. સાહિત્યના બન્ને શોખિન દોસ્તો શંભુ રાવલ અને મઝહર ફારૂકીની ભાગીદારીમાં ચાલતા આ થીયેટર દ્વારા અમદાવાદને એક પછી અનેક ઈંગ્લિશ ફિલ્મો આપી હતી. એક જમાનામાં તો એ પરિમલ ટોકીઝના નામે ઓળખાતી, પછી એનું નામ 'લિબર્ટી' થયું ને બંધ પડયા પછી નવા પરીવેશમાં એને 'મધુરમ' જેવું મધુરું નામ અપાયું. કમનસીબે, જે સિનેમા ઘરોમાં જઈ જઈને આપણે મોટા થયા છીએ, એ બધા આજે બંધ છે. 'ખંડહર બતા રહા હૈ, ઈમારત બુલંદ થી...'ના ધોરણે હવે રીલિફ રોડ પર ફક્ત અશોક અને રૂપમ ટોકીઝ જ ચાલી રહી છે.

એ ટૉકીઝો ની માફક સાયલન્ટ ફિલ્મો ય હવે તો બંધ થઈ ગઈ. 'પુષ્પક' ફિલ્મ હતી તો તમિલનાડુની, પણ ભાષાની ઝંઝટમાંથી મુક્ત હોવાને કારણે કોઈ ઉપગ્રહવાસી (ET) પણ જુએ, તો ય સમજ ના પડી કે મઝા ના આવી, એવું ન થાય! ફિલ્મોના મૂલ્યાંકન બાબતે આપણી આ કોલમમાં એક વાત બહુ રીપિટ થાય છે કે, ફિલ્મના દિગ્દર્શકને વાર્તા કહેતા સરસ આવડે છે કે નથી આવડતી. સાઉથના દિગ્દર્શક સંગીતમ શ્રીનિવાસ રાવે તો મસ્ત રીતે ફિલ્મના માધ્યમ દ્વારા 'પુષ્પક' કીધી છે.

કમલ હસન યુવાન, હેન્ડસમ, ગરીબ અને સ્માર્ટ છે. નોકરીની શોધમાં ઈધર-ઉધર ભટકે રાખે છે. એ દરમ્યાન ફાઈવસ્ટાર હોટેલના એક જાદુગર (કે. એસ. રમેશ)ની દીકરી અમલા સાથે સાંયોગિક પ્રેમ થઈ જાય છે. અલબત્ત, કરોડપતિઓ કેવું જીવન જીવતા હશે, એના કેવળ સપનાં જોવાને બદલે એ બેઈમાનીથી ટેમ્પરરી ધનિક બની જાય છે. સતત દારૂ પીધે રાખતા કરોડપતિ (સમીર ખખ્ખર)ને રસ્તે બેભાન અવસ્થામાં પોતાના ઘેર ઊચકી લાવી, એને ફરી બેભાન કરી દે છે અને હોટેલના રૂમની ચાવી, રોકડા લાખો રૂપિયા અને ઘડિયાળ લઈને કમલ હોટેલમાં ખખ્ખરના રૂમમાં (જે સ્વીટ કહેવાય... ઉચ્ચાર 'સૂટ' કરો તો ય તમે સાચા છો.) પહોંચી જઈને પહેલું કામ અધધધ અંજાઈ જવાનું કરે છે. ખખ્ખરને મુશ્કેટાટ બાંધી ઘરમાં પૂરી રાખીને આ નિશ્ચિત થઈ જાય છે.

પણ કમલને એ વાતની ખબર નથી કે, એનું ખૂન કરવા એક પ્રોફેશનલ કિલર (ટીનુ આનંદ) એ જ હોટેલમાં ઉતર્યો છે. ખખ્ખરની પત્ની સાથે ખખ્ખરનો જ ભાઈ પ્રેમમાં છે અને ખખ્ખરનું ખૂન કરવા ટીનુને મોટી રકમ આપીને રોક્યો છે. ખૂન કરવા ટીનુ કોઈ ટ્રેડિશનલ હથિયારો વાપરવાને બદલે પોતે બનાવેલું હથિયાર વાપરવા માંગે છે. ફ્રોઝન આઈસ (થીજેલા બરફ)ના બનેલાં ખંજર તરત ઓગળી જાય ને કોઈ નિશાની ન રહે. ખૂનો કરવા ઉપર ટીનુનો પાકો હાથ હજી બેઠો ન હોવાને કારણે કમલને ભોંકી દેવાના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે. આ બાજુ, એક સામાન્ય દૂધવાળામાંથી આટલી મોટી ફાઈવ-સ્ટાર હોટેલના માલિક બનેલા સેઠનો મહેનત કરીને માલદાર બનો-વાળો અભિગમ કમલને મોડે મોડે ય સમજાય છે, એટલે અપહૃત ખખ્ખરને છોડી મૂકે છે, પણ ચિઠ્ઠી લખીને એની વાઈફનો બધો ભાંડો ફોડી નાંખે છે. વાઈફ (રમ્યા)ને પણ છેલ્લે પોતાની ભૂલ સમજાતા... તેમ જ, આટલું મોટું નુકસાન ફક્ત શરાબને લીધે થતું રહ્યું છે, એ સ્વીકારીને ખખ્ખર શરાબને તિલાંજલિ આપી દે છે. દરેક પ્રેમીઓ મિલન પામી શકતા નથી, એ ઉક્તિ મુજબ, કમલ અને અમલાનું મિલન પણ થઈ શકતું નથી ને ફિલ્મ પૂરી થાય છે. ફરી કંગાળ બનેલો કમલ ફરી પાછો બેકારોની લાઈનમાં ઊભો રહી જાય છે.

ફિલ્મ કેવી મનોરમ્ય બની છે, એ તો જુઓ તો જ ખબર પડે. મૂંગી ફિલ્મ બનાવવાનો આવો પ્રયોગ વિશ્વમાં કદાચ પહેલી વાર થયો હોવા છતાં, પ્રયોગાત્મકતા આપણા માથે મારવામાં નથી આવી કે, પ્રયોગો એ લોકો કરે ને ભોગવીએ આપણે! ઓન ધ કોન્ટ્રારી, પહેલેથી કહી દીધું ન હોય કે આ સાયલન્ટ ફિલ્મ છે, તો આખી ફિલ્મ પૂરી થતા સુધીમાં યાદ પણ આવતું નથી કે, ફિલ્મમાં કોઈ બોલતું કેમ નથી? અરે, બોલવાની જરૂરત જ ઊભી થતી નથી.

અને એમાં ય, કમલ હસન જેવો મસ્ત હીરો હોય, એમાં જ વાતાવરણ ખુશનુમા થઈ જાય! તમે તો છેલ્લા દસેક વર્ષ પહેલાનો કમલ જોયો હોય... આ તો એની ધૂમધામ જુવાની વખતની ફિલ્મ છે, એટલે કેવો હેન્ડસમ લાગતો હશે! એક્ટર તરીકે સાઉથના કોઈ પણ હીરોનો ય એ સર્વોપરી છે. ધાર્યું હોય તે મબલખ કમાણી કરી શક્યો હોત, પણ ફિલ્મે ફિલ્મે કંઈક નવું કરી બતાવવાની એની તૈયારીને કારણે દર વખતે એક નવો કમલ હસન જોવા મળ્યો છે. યાદ છે ને, ફિલ્મ 'અપ્પુ રાજા'માં તો એ વ્હેંતીયો પણ બને છે? દર્શક માની ન શકે કે, પોણા છ ફૂટનો કમલ માત્ર અઢી ફૂટનો કેવી રીતે થઈ જાય?

સખત ઈમ્પ્રેસ થઈ જવાશે જો એના એ વ્હેતીયાપણાનો રાઝ તમને જણાવીશ તો! વ્હેંતીયો બનવા માટે શૂટિંગના મિનિમમ કલાક પહેલા કમલ હસનને પોતાના બન્ને પગ પાછળથી ઉપરની તરફ કસોકસ બાંધી દેવા પડતા. અર્થાત, ચાલવાનું ઢીંચણ પર ઢીંચણ ના શેઈપ ના શૂઝ પહેરવાને પાટલૂન એવું સિવડાવવાનું કે વાળેલા પગ ઢંકાઈ જાય. ઓહ... પગના પંજા ય સાવ ટટ્ટાર કરી દેવાના, એ કેટલું પીડાદાયક હશે? કમલે એ કરી બતાવ્યું. અફ કોર્સ, ફિલ્મમાં એ જેટલી વાર વ્હેંતીયો બને છે એ બધી વાર એને આ પગ વાળવા પડયા નથી. ઘણા દ્રષ્યો ફોટોગ્રાફીની કમાલ છે તો કેટલાકમાં એ જમીન પર ઊભો હોય ત્યાં ખાડો હોય. આજુબાજુનો ખાડો પૂરી દેવાય અને દર્શકોને ઢીંચણ સુધીના બૂટવાળો ભાગ જ દેખાય.

પણ કમલ હસને દરેક ફિલ્મમાં આવા પ્રયોગો કર્યા છે. આ 'હસન' નામથી એ મુસલમાન હશે, એવી ભ્રમણા ઊભી થાય. એક્ચ્યુઅલી, કમલ તો તમિલનાડૂના પરમાકુડી ગામનો શુદ્ધ બ્રાહ્મણ છે. એના સંસ્કૃતના વિદ્વાન એડવોકેટ પિતાના બાળપણના જીગરી મુસલમાન સ્વાતંત્ર્ય સેનાની દોસ્ત યાકુબ હસનની યાદ કાયમ રાખવા કમલની પાછળ હસન જોડી દેવાયું. જોકે, બીબીસી ઉપર કરણ થાપરને આપેલા ઈન્ટરવ્યુ મુજબ, કમલે ચોખવટ કરી છે કે, સંસ્કૃત 'હસન' એટલે 'હાસ્ય' અર્થ થાય છે. યાકુબ હસનવાળી સ્ટોરી મીડિયાએ ઉપજાવી કાઢેલી છે. નહિ તો કમલ હસનનું અસલી નામ તો 'પાર્થસારથી' છે.

કમલ હસનનું ફેમિલી ય બહુ ફેમસ છે. એનો મોટો ભાઈ ચારુ હસન એડવોકેટ અને ફિલ્મ સ્ટાર હતો. એની દીકરી સુહાસિની સાઉથની મોટી સ્ટાર ગણાય, જે અભિષેક બચ્ચનની ફિલ્મ 'ગુરુ' બનાવનાર દિગ્દર્શક મણીરત્નમની પત્ની થાય. કમલની દીકરી શ્રુતિ હસન તો અત્યારે ય હિંદી ફિલ્મોમાં સક્રીય છે, જે હિંદી ફિલ્મોની પૂર્વ હીરોઈન સારિકાની દીકરી થાય. કમલ હસનને સ્ત્રીઓ સહેજે માફક આવી નથી (અથવા તો, બહુ માફક આવી ગઈ છે!) એનો નિર્દેશ એ વાતથી મળે છે, કે એક જમાનાની સાઉથની અત્યંત સુંદર અને ભારોભાર સેક્સી દેખાવની હીરોઈન શ્રીવિદ્યા સાથે એને પતિપત્ની જેવા જ સંબંધો હતા. તૂટી ગયા પછી શ્રીવિદ્યા બ્રેસ્ટ કેન્સર થતા હજી હમણાં ૨૦૦૬માં એ ગૂજરી ગઈ, ત્યારે કમલ એની બાજુમાં હતો. એ પછી સ્વર્ગની અપ્સરા જેવું મોહક સૌંદર્ય ધરાવતી હીરોઈન વાણી ગણપતિ સાથે કમલના લગ્ન થયા. વાણી પછી સારિકા સાથે લિવ-ઈન રીલેશનશીપ રાખ્યા પછી ય લગ્ન તો કર્યા, પણ એ દરમ્યાન કમલનાથ બીજી હીરોઈન સિમરન બગ્ગા સાથે પ્રેમમાં જકડાયા. સિમરન કમલથી ૨૨ વર્ષ નાની છે. સિમરન કોઈ કારણ આપ્યા વગર એની ઉંમરના બીજા ધનવાન પ્રેમી સાથે ભાગી ગઈ, એટલે કમલ જાણે રાહ જોઈને બેઠો હોય, એમ બીજી જાજરમાન એક્ટ્રસ ગૌતમી તાડીમલ્લા સાથે ઢગલાબાજી શરૂ કરી, જે અત્યાર સુધી તો ચાલે છે. બન્ને લગ્ન કરવાના નથી. બન્ને હવે સચોટ માને છે કે, પ્રેમ કરવા માટે લગ્ન કરવાની જરૂરત નથી. આજ કાલ જેની ફેશન ચાલી છે, તે 'લિવ-ઈન-રીલેશનશીપ'થી બન્ને પતિ-પત્નીની જેમ રહે છે. કરોડપતિ બનતો સમીર ખખ્ખર આપણો ગુજરાતી છે. ખૂબ સારા આ કલાકારે સારા ય હિંદુસ્તાનમાં 'નૂક્કડ' બ્લેક-એન્ડ-વ્હાઈટ ટીવી સીરિયલના જમાનામાં 'ખોપડી'નો કિરદાર કરીને પ્રચંડ નામના મેળવી હતી. ડીટ્રોઈટ અમેરિકામાં મારા ભાઈ દેવાંશુ દવેને ત્યાં સમીર થોડો વખત રહેતો હતો. હાલમાં તે ઈન્ડિયા છે, પણ શું કરે છે, તેની માહિતી નથી.

ટીનુ આનંદ પ્રખ્યાત ફિલ્મ લેખક ઈન્દર રાજ આનંદનો પુત્ર થાય. રાજ કપૂરની ફિલ્મો આહ, આગ, અનાડી અને સંગમ તેમ જ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'શહેનશાહ' ઈન્દર રાજ આનંદે લખી હતી.

આ ફિલ્મમાં હ્યૂમર હળવી અને સાતત્યપૂર્ણ છે. એકે ય જગ્યા હાસ્ય વગરની નથી, પણ એકે ય જગ્યાએ હસાવવાનો પ્રયત્ન પણ નથી કર્યો. એ વાત જુદી છે છે કે, આવા સરસ દિગ્દર્શકે પ્રેક્ષકોને હસાવવા માટે વિકૃત હાસ્યનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. પબ્લિક ટોઈલેટ, બગલને સુગંધીદાર બનાવવાનો નુસ્ખો, ભરાવદાર છાતી ધરાવતી સફાઈ કામદાર છોકરીના સ્તનોનો ઉભાર જોવા પેંતરા કરતો ચાલીનો ડોસો, નાકના વાળ કાપવા, ટોઈલેટના સ્ટૂલનું પેકેટ બનાવીને કમલ બહાર નાંખવા જાય છે, એમાંથી ઊભું કરેલું હ્યૂમર બેહુદું લાગે છે. આ બધાને બદલે, અનેક પ્રસંગો ઊભા કરીને હાસ્ય નિપજાવી શકાયું હોત. જેમ કે, એક દ્રષ્યમાં કામવાળી કમલની ડિગ્રીના કોન્વોકેશન ફોટા ઉપર કમલની સ્લીપર મૂકી દે છે અથવા એક લોઅર મિડલ-કલાસનો માણસ કમલ સવારે જોર કરી કરીને ટૂથપેસ્ટમાંથી પેસ્ટ કાઢે છે. હસાવવા માટે પેલા બધા દ્રષ્યો વાપરવાની આવા કાબિલ દિગ્દર્શકને જરૂર પડવી ન જોઈએ. 'પુષ્પક'માં જે હોટેલમાં શૂટિંગ થયું છે, તે બેંગલોરની ફાઈવસ્ટાર 'હોટેલ વિન્ડસર મનોર' છે. નીટ એન્ડ ક્લીન ફોટોગ્રાફીને કારણે આખી ફિલ્મ ખૂબ ઉજળી લાગે છે. ફરીદા જલાલ અમલાની મમ્મીના રોલમાં છે. એક્ટીંગ બતાવવાનો મોકો તો હીરો-હીરોઈન સિવાય ભાગ્યે જ કોઈને મળ્યો છે. સાઉથની ફિલ્મો આમે ય આપણે જોઈ ન હોય, એટલે હોટેલનો માલીક બનતો આલોકનાથ કે અમલાનો જાદુગર પિતા બનતો કે. એસ. રમેશ ત્યાં કેટલા પોપ્યુલર છે, તેની આપણને ખબર ન હોય. ફક્ત રૂ. ૩૫ લાખમાં બનેલી આ ફિલ્મ આજે ય ભલે ને રીમેઈકમાં બનાવવી કેટલી અઘરી હશે, એનો અંદાજ એ વાત પરથી આવી શકે છે કે, રીમેઈક તો જાવા દિયો, બીજા કોઈએ હજી સુધી બીજી કોઈ સાયલન્ટ ફિલ્મ બનાવવાનો ય વિચાર કર્યો નથી. કહે છે ન કે, Master pieces are never made twice.

11/09/2013

વો સાલા જાડીયા...

ટ્રેનના કૂપેમાં અમે બે જ જણા. Coupe નો ઉચ્ચાર 'કૂપ' અને 'કૂપે' બન્ને થાય છે. (કૂપે એટલે ટ્રેનના ડબ્બામાં દરવાજાવાળું કમ્પાર્ટમૅન્ટ) ટ્રેનમાં મને મોડા પડવાની આદત નથી. મારૂં ચાલે તો, ટ્રેન પ્લૅટફૉર્મ પર મૂકાય એ પહેલા જ નહિ, કારખાનામાં એનો ડબ્બો બનતો હોય ત્યારથી પહોંચી જઉં... ટ્રેન ચૂકી જવાનો એટલો ડર લાગે છે.

૧૪-રાણીઓ ધરાવતો રાજવી રાણીગૃહની બહાર પલાંઠી વાળીને રાહ જોતો બેઠો હોય, એમ હું મારી સીટ અને સુવા-બુવાનું વ્યવસ્થિત ગોઠવીને, ધાર્મિક અંદાજમાં ગોઠવાઈ ગયો. (અશોકકુમાર, સિમિલી જરા ઢંગવાળી આપો. રાજવી પલાંઠા-બલાંઠા વાળીને ન બેસે... બ્રાહ્મણો બેસે અને.... બ્રાહ્મણ કોઇ 'દિ રાજવી હોય નહિ. ઠોકાઠોક બંધ કરો ! સૂચના પૂરી)


પણ તો ય.... ફલાઇટોમાં કે ટ્રેનોના ફર્સ્ટ-કલાસોમાં આપણી બેસવાની સ્ટાઇલ જરા પ્રભાવશાળી ખરી. કોક આવે તો લાગવું જોઇએ કે, ''છે કોઇ મોટો માણસ...!'' આમાં ખાસ કાંઇ કરવાનું હોતું નથી. અપ-ટુ-ડેટ કપડાં પહેરીને, એક ઢીંચણ ઉપર બીજો ઢીંચણ ચઢાવી, હાથમાં કોક ઇંગ્લિશ અને બીઝનૅસને લગતુ મૅગેઝીન રાખીને બેસવાનું. જેટલું આવડતું હોય એટલું ઇંગ્લિશમાં બોલવાનું. (એકલા એકલા નહિ... કોઇ આવે પછી !) કોક આવી પણ જાય તો એની સામે નહિ જોવાનું... મોંઢું જરા ભારમાં રાખવાનું, તો પર્સનાલિટી પડે. ઘણા લોકો આવા મોંઘા કૂપેમાં બેઠા પછી સાદી દીવાસળી વડે કાન ખંજવાળે અથવા મોટેમોટેથી બોલબોલ કરે છે. યૂ સી... ફલાઇટમાં કે ટ્રેનના કૂપેમાં બહુ સૉફ્ટ અવાજે બોલવાનું હોય છે. કાન-બાન તો ખોતરાય જ નહિ... આપણો કે બીજા કોઇનો ! ચાલુ ટ્રેન બીજાનો કાન ખોતરવા બેસો તો અન્ય મુસાફરોના ય ઑર્ડરો આવવા માંડે તો કમાણી ચોક્કસ થાય, પણ એ જરા સારૂં ન લાગે. અહીં 'ઍક્સક્યૂઝ મી' તો જરૂર ન હોય ત્યારે ય બોલતા રહેવાનું. ('સૉરી' અને 'થૅન્ક યૂ'ની જેમ 'ઍક્સક્યૂઝ મી'ની પાછળ ''હોં'' નહિ લગાવવાનું...બા ખીજાય.)

ઓકે. ફલાઇટ હોય કે ટ્રેન, બાજુમાં જે કોઇ આવે, વાતની શરૂઆત આપણે નહિ કરવાની. એક વાર હાળું મારાથી અમદાવાદ-મુંબઇની ફલાઇટમાં બાજુવાળાને પૂછાઇ ગયું'તું, ''મુંબઇ ઉતરવાનું....?'' પેલાએ ખીજાઇને મને કહ્યું, ''ના.. નીચે નડિયાદ દેખાય એટલે ભૂસકો મારવાનો છું...!'' આપણને એમ કે, એ બહાને સંબંધ-બંબંધ બંધાય. ! બંધાય તો કોક દહાડો ધંધામાં કામ આવે.

યાદ રાખો, દોસ્તો. એની સાથે એની વાઈફે ય સુંદર હોય, તો એકાદું લૅડીઝ-મૅગેઝીન સાથે રાખવું સારૂં. માંગ્યા વિના એનાથી, આપ્યા વિના આપણાથી અને જીવો બાળ્યા વિના એના ગોરધનથી રહેવાશે નહિ, એને આપણો સર્વપ્રથમ વિજય જાણવો. કોઇપણ સફળ ધંધા કે સંબંધમાં પ્રારંભિક મૂડીરોકાણ લાભદાયી મનાયું છે.

કપડાની થપ્પી વચ્ચેથી તાણીતુસીને માંડ ઝભ્ભો બહાર કાઢીએ, એમ આ જાડીયો દરવાજામાં શરીર ભરાવી ભરાવીને અંદર આવ્યો. આવું શરીર ઘસાવાને કારણે દરવાજા થોડા વીક પડી ગયા હતા. ખભે એણે બૅગ જેવું કંઇ લટકાવ્યું હતું, એટલે પરમેશ્વરે એને ત્રણ-ત્રણ છાતીઓ આપી હોય, એવું દેખાય. ખભે સસ્પૅન્ડર્સ પહેરેલા. (પહેરેલું પાટલૂન ઉતરી ન જાય, એ માટે '૩૦-'૪૦-ના દાયકાઓમાં, ખભાથી પાટલૂને પકડી રાખે, એવા પટ્ટા તમે ચાર્લી ચૅપલિન કે લૉરેલ-હાર્ડીની ફિલ્મોમાં જોયા હશે, એને 'સસ્પૅન્ડર્સ' કહેવાય ! એનું સ્થાન હવે કમરે બાંધવાના બૅલ્ટે લીધું છે.) ગોળ લીસ્સા ઘૂમ્મટ જેવા એના વિશાળકાય પેટ ઉપર હાથ પંપાળવાની મને લાલચ થઇ, પણ એમાં એ મને માલીશવાળો સમજી લે, તો આખા બૉડીની માલીશ આ ભાવમાં ન પોસાય. તડકામાં બહુ ગરમ થવાથી એના ગાલ પિગળી ગયા હશે, એટલે કાનની નીચે બન્ને ગાલ સૂકવવા મૂક્યા હોય, એવા લબડતા હતા. દાઢી નીચે સેક્યા પહેલાની ભાખરી ચોંટાડી હોય એવી એની ડબલ-ચીન ફૂલી ગઇ હતી. શિવજીના મંદિરની બહાર પોઠીયો મૂક્યો હોય, એમ જાડીયાનું નાક ઊપસી આવ્યું હતું. જાડીયાની ટોટલ સાઇઝ જોયા પછી મને લાગ્યું કે, કોઇ એકાદી ગુજરાતી સ્ત્રી પરણીને આને પહોંચી ન વળે...આના માટે ૮-૧૦ ફૂલ-સાઇઝના પંજાબી બૈરાં પરણે તો જ બધે પહોંચી વળે.

કૂપેમાં એ દાખલ થયો જ ઊંઘતો ઊંઘતો. જેટલું જોવાનું હોય, એટલું અધખુલા નયનોથી જોઇ લેતો હતો, એટલે મારા ખોળામાં ન બેઠો અને પોતાની સીટ ઉપર બેસીને પાછો હાલાં કરી ગયો. ઊંઘમાં એ મૃતદેહ સમો લાગતો હતો, પણ એ અત્યારે અક્ષરવાસી થઇ જાય તો હું નવાણીયો કૂટાઇ જઉં ને !

'આને આમ મરવા કે સુવા ન દેવાય' એ પ્રતિજ્ઞા લઇને મેં એને ઉઠાડયો, ''ઍક્સક્યૂઝ મી....'' મને આવી બધી વાતોમાં ખબર બહુ પડે કે, કોઇને ''એક્સક્યૂઝ મી'' કહી દીધા પછી એના ખભાને હલાવી જોવાનો હોય છે. જો એ ખતમ થઇ ગયો હશે તો ઢળી પડશે અને જીવિત હશે તો, ''હેહોહેહો'' કરતો ઝબકી જશે. બન્ને અવસ્થામાં ફક્ત બીજીવાળીમાં જ આપણે બીજી વાર ''એક્સક્યૂઝ મી'' બોલવાનું હોય છે.

એ ઊંઘમાં હતો એટલે ઝબકીને જાગ્યા પછી હું નહિ દેખાયો હોઉં, એટલે વાંકો વળીને પોતાની સીટ નીચે જોઇને બોલ્યો, ''યસ....!!!'' એટલું બોલીને, કોઇ હતું નહિ, એમ સમજીને બેઠા બેઠા જ પાછો સુઇ ગયો.

હું જાગતો બેઠો હોઉં ને સામેવાળો સુતો હોય, એ અવસ્થા મને માફક નથી આવતી. કહે છે કે, ઝેર પીધેલા માણસને ઊંઘવા ન દેવાય. એને જાગતો રાખવો પડે. આણે ઝેર તો નહિ પીધું હોય, પણ ઠેઠ મુંબઇ સુધી આ ઊંઘતો રહેશે તો હું ઝેર પી લઇશ, એવી શંકા મારા વડે કરાઇ. એકલો એકલો હું શું કામ બોર થઉ ?

ટ્રેન તો ક્યારની ઉપડી ગઇ હતી. તમારામાંથી જે કોઇ ટ્રેનમાં બેઠું હશે, એને ખબર હશે કે, ચાલ્યા પછી ટ્રેન હલહલ બહુ કરતી હોય. ટ્રેનો સ્થિતપ્રજ્ઞા નથી હોતી. એટલે આપણે પણ બેઠા બેઠા ડોલવાનું હોય છે. હું મને હલતો ન દેખાતો હોઉં કે, હલતી વખતે કેવો લાગું છું, પણ જાડીયો ઊંઘમાં ય ડાબે-જમણે હલહલ કરે જતો હતો. મેં એના જેવું હલી જોયું. બહુ સારો નહતો લાગતો, એટલે માંડી વાળ્યુ. પણ એને ઉઠાડવો જરૂરી હતો. આખા કૂપેમાં એકલો એકલો ટાઈમ કેવી રીતે કાઢવો ?

ફરીથી 'ઍક્સક્યૂઝ મી' વેડફી નાંખવાનો અર્થ નહતો. મૂડમાં હોઉં, ત્યારે હું ચ્યૂઇંગ-ગમ ચાવતો હોઉં છું. કંઇ પણ ચાવતી વખતે મને ફળદ્રુપ વિચારો બહુ આવે. મને થયું, એના નાકનું એક ફોયણું બંધ કરી દઉં, તો શ્વાસની તકલીફ ઊભી થવાના કારણોસર એ હડફ કરતો જાગી જશે. ઊંઘ્યા પછી ઉઠવાનો નહતો એટલે એનાથી ડરવાનો સવાલ નહતો. મારી ચ્યૂઇંગ-ગમ એના નાકના એક ફોયણાં પાસે ચોંટાડી દીધી. એક 'સુઉઉઉ...ટ' કરતો અવાજ સંભળાયો, અર્થાત્ કાચી સેકંડમાં એણે ચ્યૂઇંગ-ગમ નાકની મહીં ખેંચી લીધી હતી.

અંતીમ ઉપાય તરીકે,જાડીયાના માથા ઉપર કોઇ સામાન પછાડવો જોઇએ, એવો પ્લોટ કર્યો. સામાન પણ એનો હોવો જોઇએ. આપણો હોય તો ફુટી-બુટી જાય. એની બૅગમાં લૅપટૉપ હતું. એ જો પછડાય, તો થોડું ઘણું વાગે, ઢીમડું થાય અને મુબઇ પહોંચતા સુધી દર્દનો માર્યો જાડીયો કણસતો રહે. જોવાની મને મઝા આવે (મુસાફરીમાં કોઇને પીવાના કામમાં આવે, એ હેતુથી હું હંમેશા ટીંચર આયોડિનની શીશી સાથે રાખવાનો આગ્રહ રાખું છું. ભ'ઇ, આજે માણસ જ માણસના કામમાં નહિ આવે તો બીજું કોણ આવવાનું છે ? આ તો એક વાત થાય છે.)

એ સાલો ઘસઘસાટ ઊંઘતો હતો. ચુપકીથી એનું લૅપટૉપ ખેંચી લીધું. ઊભો થઇને જરા ઊંચાઇથી લૅપટૉપ એના માથે પછાડો, તો સરખું વાગે ય ખરૂં. ઊભા થઇને લૅપટૉપ નીચે એના માથાનું માપ લઇને પછાડવા ગયો, ત્યાં ટ્રેનમાં અચાનક આંચકો આવ્યો. બૅલેન્સ ગયું. હું પડયો. લૅપટૉપ મારા કપાળ ઉપર પછડાયું. ચીરો મોટો પડયો. લોહી દડદડદડ. દુઃખાવો ઠેઠ મુંબઇ સુધી. હું કણસતો પડયો રહ્યો.

જાડીયો હજી ઘોરતો હતો.

સિક્સર

- ચીન ૬૫૦-કી.મી. ભારતની અંદર ઘુસી આવ્યું છે. પાકિસ્તાન નિયમિત આપણા સૈનિકોને મારે છે. શ્રીલંકા અને બાંગલા દેશ મસ્તીથી અડપલાં કરે જાય છે. ભારત સરકારના પૅટનું પાણી ય હાલતું નથી.

- ચિંતા ન કરો. અમારો શામળીયો, મહાવીર સ્વામી, મહાદેવજી, રામચંદ્રજી, જલાબાપા કે ભગવાન સ્વામિનારાયણ બચાવી લેશે...આપણે લહેર કરો !

08/09/2013

ઍનકાઉન્ટર 08-09-2013

* સમ્રાટ અશોક તો મહાન હતો...તમે ?
- હું સમ્રાટનો ય બાપ છું. મારા પુત્રનું નામ 'સમ્રાટ' છે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આપણા દરેક ભગવાન પાસે એક પશુ-પક્ષી કેમ હોય છે ?
- અર્થ એવો થયો કે, આપણા તો પશુ-પક્ષીઓ પાસે ય એક એક ભગવાન હોય છે.
(મંજૂલા સદાભાઈ પરમાર, ગાંધીનગર)

* પુરૂષોની ભ્રમરવૃત્તિ કહેવાય તો સ્ત્રીઓની કઇ વૃત્તિ ?
- ફ્લિટવૃત્તિ... ઊડતા ભમરા ઉપર ફ્લિટ પંપ છાંટવાની વૃત્તિ.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* શું તમે એકે ય વખત પર્સનલી ભૂત જોયું છે ?
- અરીસો જોઇ લઉં છું.
(દીપા સોની, અમદાવાદ)

* ગૅસ કે ઍસિડીટી મટાડવાની જાહેરાતો કેટલી સાર્થક ?
- ગૅસ માટે અદાણીને પૂછો. બાકી મારા ઘરમાં મારા માટે જે ચા બને છે, તે 'ઍસિડીટી' કહેવાય છે. ઇંગ્લિશમાં મારૂં ટૂંકું નામ ACD છે... આથી મારી T 'ને' 'ઍસિડીટી' કહે છે.
(જીગ્નેશ પટેલ, કઠલાલ)

* આપણા દેશના ઢોંગી બાવાઓ હવે હદ વટાવવા માંડયા છે... એમને રોકી ન શકાય ?
- દરેક બાવો એક વિરાટ 'વૉટ બૅન્ક' છે. એમના ભક્તસમુદાયની સંખ્યા દરેક રાજકીય પક્ષને નાલાયક બનાવે છે.
(દિલીપ એ. ત્રિવેદી, અમદાવાદ)

* પ્રેમમાં નાસીપાસ થયેલાઓ માટે આપનો કોઇ સંદેશ ?
- આવાઓ મારી નજરમાંથી ઉતરી જાય છે, અરે, પ્રેમ રીક્ષા જેવો છે... એક જતી રહે તો પાછળ બીજી આવતી જ હોય !
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* ગુજરાતના શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે અમારે આપને 'બિરબલ ઍવોર્ડ' આપવો છે...
- એને બદલે રોકડાની વ્યવસ્થા કરો ને, ભ'ઇ !
(નવનીત વી. પરમાર, રાજકોટ)

* દેવ આનંદના પુસ્તકમાં મુહમ્મદ રફીનું નામ જ કેમ નહિ ?
- બંને વચ્ચે મનદુઃખ ચોક્કસ થયું હતું, પણ બંને પરફૅક્ટ જૅન્ટલમૅન હતા. એકબીજાને જલિલ કરવાને બદલે ચૂપ રહીને કેવી સજ્જનતા દાખવી !
(રમેશ મીશ્રીમલ જૈન, અમદાવાદ)

* આપણું મગજ લાખો મૅગાબાઈટ્સ મૅમરી સંગ્રહી શકે છે, પણ ખરે વખતે યાદશક્તિ ગૂમ કેમ થઈ જાય છે ?
- આમાં તમારે મને જે પચ્ચી લાખ આલવાના છે, એ ભૂલી ન જશો !
(વિનોદ એ. મોદી, અમદાવાદ)

* ગત ૨૧ ડીસેમ્બરે પૃથ્વીનો વિનાશ થવાનો હતો, તે ન થયો...હવે ?
- કૉંગ્રેસ સરકાર છે ને સામે માયકાંગલો ભાજપ છે, ત્યાં સુધી પૃથ્વીનું જાવા દિયો... આપણે ભારતના વિનાશની રાહ જોવાની !
(તેજસ હાલાણી, અમદાવાદ)

* ફિલ્મો કે ટીવીમાં વિલનો કે રાક્ષસો અટ્ટહાસ્ય જ કેમ કરતા હોય છે ?
- હીરોલોગ કરતા આ લોકો દાંત વધુ ચોખ્ખા રાખતા હોય છે.
(યોગેશ દવે, આદિપુર-કચ્છ)

* આપના એક 'ઍનકાઉન્ટર'ની બાજુમાં પેટના દુઃખાવાના ચૂરણની જાહેર ખબર પણ છપાઇ હતી. તેનું શું કારણ ?
- ઇન ફૅક્ટ, જાહેર ખબરોની બાજુમાં અમારા લેખો છપાય છે, માટે અમારી કૉલમો ચાલે છે !
(ડૉ. મનોજ વાસન, જૂનાગઢ)

* તમારા પત્ની તમારા માટે કદી ફિલ્મી ગીતો ગાય ખરા ?
- ચોક્કસ ગાય, પણ કાઠીયાવાડી ઉચ્ચારોમાં, દરેક શબ્દ ઉપર મીંડા મૂકીને, દરેક ફિલ્મી ગીત ત્રણ તાળીઓ પાડતા પાડતા માતાજીની આરતીના ઢાળમાં ગાય. પ્રોબ્લેમ ત્યાં થાય છે કે, દરેક ગીત પૂરૂં થયા પછી 'કેવું ગાયું ?'નો ઘણી શ્રધ્ધાથી મારે જવાબ આપવો પડે છે.
(તપસ્યા ધોળકીયા, અમદાવાદ)

* જયા બચ્ચન અને રેખા રાજ્યસભામાં, યૉર કૉમૅન્ટ, પ્લીઝ.
- પરમેશ્વરે અમિતાભ ઉપર ખાસ્સી દયા કરી કહેવાય....કેટલી શાંતિ એને ?
(ભરત જી. ભૂસડીયા, સુરેન્દ્રનગર)

* સીતા અને રામ, રાધા અને શ્યામ....તમારે કેમનું છે ?
- અમારે હવે બધું, 'જે સી ક્રસ્ણ.'
(મનુ પંડયા, મુંબઈ)

* કોઈ ગુજરી જાય ત્યારે એના, 'રામ રમી ગયા' બોલાય છે. મરવાને રામ સાથે શું સંબંધ ?
- હિંદુઓના કોઇપણ ભગવાન વિશે ગમે તે બોલો, કોઇ ચિંતા નહિ. કૃષ્ણ, મહાદેવ કે મહાવીરવાળો એટલું જ વિચારશે, 'આપણે કેટલા ટકા ?'
(નરેન્દ્રગીરી ગોસ્વામી, અમદાવાદ)

* એક આંખમાં દયા અને બીજી આંખમાં કરૂણા હોય તો શું સમજવું ?
- મોતીયો.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* સ્કૂલ-કૉલેજની પરીક્ષાઓ સાર્થક ખરી ?
- હવે નહિ. હવે તમારા પિતાશ્રી પાસેથી કેટલા ખંખેરી શકાય એમ છે, એના ઉપર સાર્થકતા નિર્ભર છે.
(મનાલી અશોક મેહતા, મોરબી)

* હિંદી ફિલ્મોમાં હવે છુટથી ગાળો બોલાવા માંડી છે. શું મનોરંજન પણ નિર્દોષ નથી રહ્યું ?
- બેશરમ આપણો યુવા વર્ગ કહેવાય... આવી ફિલ્મોનો વિરોધ કેમ નથી કરતો?
(મસઉદ લક્ષ્મીધર, મહુવા)

* ફાંસીની સજાના કેદીઓને ફાંસી માટેના વિલંબનો ખર્ચો સંસદમાં બેઠેલાઓ પાસેથી કેમ વસૂલવો ન જોઈએ ?
- તમે બહુ ગુસ્સામાં લાગો છો. એ લોકોને પણ ફાંસીવાળા કેદીઓ પાસેથી મોડું મરવાના હપ્તા વસૂલવા હોય ને ?
(કુસુમ/અશોક જમોડે, જૂનાગઢ)

* નમે તે સહુને ગમે કે નમો તો ગમે ?
- બંને અવસ્થા બધાને ગમે એ જરૂરી છે.
(ડૉ. મનહર વૈષ્ણવ, અમદાવાદ)

* ભારતીય પ્રજાનો મીજાજ, 'ટૂંકમાં પતાવો'નો રહ્યો છે. આમાં ભ્રષ્ટાચાર દૂર થવાના ચાન્સીઝ કેટલા ?
- આમાં 'ભ્રષ્ટાચાર' પણ ટૂંકમાં પતાવવાની વાત આવી ગઈ !
(સાધના પી. નાણાવટી, જામનગર)

* અશોક દવે, આપ લાખોપતિ છો કે કરોડોપતિ ?
- હકીપતિ.
(સદરૂદ્દીન ચારણીયા, રાજકોટ)

* માણસ, વાંદરા અને ગધેડાને સીંગડા કેમ નથી હોતા ?
- રખાવીને તમારે કામે ય શું છે ?
(ભારતી દેસાઈ, અમદાવાદ)

* પ્રેમિકા સ્વાર્થી અને મતલબી હોય છે. આપનો અનુભવ શું કહે છે ?
- આવી સ્ત્રી મારા સુધી પહોંચી પણ ન શકે !
(સાદીકઅલી માકડા, ગારીયાધાર)

06/09/2013

'ધૂલ કા ફૂલ' ('૫૯)

ફિલ્મ : 'ધૂલ કા ફૂલ' ('૫૯)
નિર્માતા : બી. આર. ચોપરા
દિગ્દર્શક : યશ ચોપરા
સંગીત : એન. દત્તા
ગીતો : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ, ૧૫૩ મિનિટ્સ
થીયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : અશોકકુમાર, માલાસિંહા, રાજેન્દ્રકુમાર, નંદા, મનમોહનકૃષ્ણ, રાધાકિશન, લીલા ચીટણીસ, જીવન, અમીરબાનુ, જગદિશરાજ, મેહમુદ, વિજયાલક્ષ્મી, ડેઝી ઈરાની, સુશીલકુમાર, રવિકાંત, ઉમા દત્ત, મોહન ચોટી.


ભારતીય ફિલ્મોના બી. આર. ચોપરા અને કેર ઓફ યશ ચોપરા એક એવા દિગ્દર્શકોના નામો છે, જેમણે સાતત્ય જાળવીને આટલા વર્ષો સુધી પોતાનું કે પોતાની ફિલ્મોનું સ્તર નીચે જવા દીધું નહોતું. પ્રયોગાત્મકથી માંડીને સમાજમાં બદલાવ સુધીની વાર્તાઓ વાપરીને જોખમ ઉઠાવવામાં એમણે કસર બાકી નહોતી રાખી. ફોર્મ્યુલા ફિલ્મોથી એ દૂર રહ્યા. વાર્તામાં તમે ચર્ચા કરી શકો, વિવાદો કરી શકો, એવી વ્યવસ્થા હોય. બસ, ફિલ્મ જોઈ આવ્યા ને ભૂલી ગયા, એવી ફિલ્મો યશની ન હોય. એમના હાથ નીચે બનેલી ફિલ્મોની યાદી જુઓ... અંજાઈ જવાય એવી કેટલી બધી ફિલ્મો આપી છે!

પણ 'ધર્મપુત્ર'ની જેમ ફરી એકવાર યશ ચોપરાએ બધી રીતનો દાટ વાળ્યો છે, તદ્ન ભંગાર ફિલ્મ 'ધૂલ કા ફૂલ' બનાવીને! ફિલ્મની વાર્તા પણ આ લોકોની આગલી ફિલ્મ 'ધર્મપુત્ર' જેવી જ ફાલતુ અને ઢંગધડા વગરની હતી. ફિલ્મના વાર્તાલેખક, પટકથા અને સંવાદો લખનાર પંડિત મુખરામ શર્માને એમના હરિફો 'પંડિત મુર્ખરામ શર્મા' કહેતા, એ બતાવે છે કે, પંડિતજી કરતા એમના હરિફોનું સાહિત્યિક ધોરણ ઘણું ઊંચું હશે! પહેલો જ સવાલ એ ઊભો થાય કે, ફિલ્મની વાર્તામાં હિંદુ-મુસલમાનના અટકચાળા ઉમેરવાની જરૂર જ ક્યાં હતી? વાર્તાને હિંદુ કે મુસલમાન હોવા સાથે કોઈ તાર્કિક સંબંધ દેખાતો નથી. એ વાત જુદી છે, મુસ્લિમ પ્રેક્ષકોને આકર્ષવાની ફેશન શરૂ થઈ હતી. બીજું, માલાસિન્હાને પ્રેગ્નન્ટ બનાવીને રાજેન્દ્રકુમાર પોતાના શહેર જતો રહે છે ને બીજા લગ્ન કરી લે છે, એની પાછળનું કોઈ કારણ પણ નથી. પિતા રાધાકિશનનો પુત્ર રાજેન્દ્રને બીજે પરણાવવાનો આગ્રહ પણ એટલો માઈલ્ડ હોય છે કે, પેલાએ શા માટે માલાને દગો કરીને નંદા સાથે લગ્ન કરવા પડે છે, એનો કોઈ જવાબ નથી. ન્યાયાધીશના સ્તરે પહોંચેલો રાજેન્દ્ર (પોતાના જ) પણ અજાણ્યા બાળકને 'નાજાયઝ ઔલાદ' અને સમાજનું પાપ કહીને ઘરમાંથી કાઢી મૂકે, એવું શિક્ષિત સમાજમાં તો બને નહિ. માલા સિન્હાને છોકરો આટલો મોટો થઈ જાય ત્યાં સુધી બેવફા રાજેન્દ્ર ઉપર બદલો લેવાનું કેમ સૂઝતું નથી અને જ્યારે બદલો લે છે, ત્યારે બદલાનું 'લોજીક' શું હોઈ શકે, એ પ્રેક્ષકો સમજી શકે એમ નથી. આવી અનેક બેવકૂફીઓ ફિલ્મમાં જોવા મળે છે.

બીજી નવાઈ એ પણ લાગે છે કે, ફિલ્મના અનેક જાણીતા પાત્રોને ફિલ્મના ટાઈટલ્સથી માંડીને પ્રચાર-પુસ્તિકામાં પણ સ્થાન નહોતું આપવામાં આવ્યું. મેહમુદ, રાધાકિશન, જીવન, વિજયાલક્ષ્મી, નાઝ કે નાના પળશીકરના ફિલ્મના ટાઈટલ્સમાં નામો નથી. રાધાકિશન તો આજે કોઈને યાદ ન હોય, પણ એ જમાનામાં બહુ મોટું નામ હતું. સંવાદો બોલવાની એની પદ્ધતિ અનોખી, આપણને ચીઢ ચઢાવે એવી છતાં એને સાંભળવો તો ગમે જ, એ પ્રકારની હતી. એક જમાનામાં નરગીસ સાથે પ્રેમ-પ્રકરણ ચાલુ રાખીને ફિલ્મ 'આહ'માં નરગીસની બહેન બનતી વિજ્યાલક્ષ્મી સાથે પણ સમાંતર લફરું કર્યા પછી, એક સિનેમાઘરમાં પકડાઈ ગયેલા પ્રેમીઓમાંથી નરગીસે વિજ્યાલક્ષ્મીને ચાલુ સિનેમાએ જ ફટકારી હતી. યાદ રહ્યું હોય તો વિજ્યાલક્ષ્મી સાથે રાજ કપૂરે ફિલ્મ 'બાવરે નૈન'માં 'ખયાલોં મેં કિસી કે ઈસ તરહે આયા નહિ કરતે...' ગીત ગાયું હતું. છેલ્લે છેલ્લે એ મીનાકુમારીની સખી કે બહેન તરીકે ફિલ્મ 'પાકિઝા'માં જોવા મળી હતી. (આ કિસ્સામાં, પ્રેમી રાજ કપૂરને શોધતી શોધતી નરગીસ આર. કે. સ્ટુડિયો પહોંચી, ત્યાં રાજ ન મળ્યો એટલે મુકેશને પૂછ્યું, મુકેશ બધું જાણતો હતો કે, રાજ-વિજ્યા ક્યા ગયા છે, પણ આવી વાત કોઈને કહેવાય તો નહિ ને? મુકેશ ચૂપ રહ્યો, એટલે નરગીસે મુકેશને ઇમોશનલ બ્લેકમેઈલ કરીને 'પોતાની બહેન' પાસે આવું કાંઈ ન છુપાવાય, એમ કહીને વાત કઢાવી લીધી હતી. બસ, ઘટનાસ્થળ અને આરોપીઓ અંગે જાણકારી મેળવી નરગીસ છાનીમાની બુરખો પહેરીને મુંબઈનો ફોકલેન્ડ રોડ પર આવેલ તાજ થીયેટરમાં ટેક્સી કરીને પહોંચી હતી.)

એ સમયની ફિલ્મોમાં એક વાતે આપણા સહુથી ચીઢાઈ બહુ જવાતું. સાલા એક્ટરો ૩૦-૩૫ વર્ષના થયા હોય તો ય કોલેજીયન બતાવાય. પાછું હસવું ય આવતું કે, આ બન્નેની ઉંમર કોલેજીયન તરીકે વધારે ન લાગે, એ માટે એમના કોલેજીયન દોસ્તો કે સખીઓને પણ એવી જ ઢાંઢી બતાવાતી. ફિલ્મો બ્લેક-એન્ડ-વ્હાઈટ બનતી, એટલે મેઈક-અપના થપેડા તો ભા'આય... ભા'આય... આપણાથી જોયા જોવાય નહિ. રાજેન્દ્ર તો આમે ય તમે ધારતો હો, એના કરતા ય વધુ શ્યામળો હતો, એટલે એના મોંઢે બહુ હેવી લપેડા કરવા પડતા. આ જ કારણથી ડોક્ટરના રોલ કરવા સિવાય ભાગ્યે જ કોઈ ફિલ્મમાં એણે અડધી બાંયના શર્ટ પહેર્યા છે. કારણ કે, એક્લું મોંઢું ધોળું ધોળું હોય એ તો ન ચાલે ને? હાથે ય ધોળા દૂધ જેવા બતાવવા પડે. એટલે હાથ ઉપરના લપેડાં ય દેખાઈ આવે.

અફકોર્સ, રાજેન્દ્ર હેન્ડસમ તો ખૂબ હતો. એને કપડાં ખૂબ શોભે, એવું પરફેક્ટ બોડી ઈશ્વરે આપ્યું હતું. પરફેક્ટ એટલે આજની સ્ટાઈલ પ્રમાણે 'સિક્સ-પેક' કે મસલ્સ ફાટુ-ફાટુ થાય એવું નહિ, કપડાં શોભે એવું. ફિલ્મોમાં ગીતો ગાતી વખતે હીરો માટે કોરિયોગ્રાફી જેવું તો કાંઈ હતું નહિ, એટલે હીરોલોગને પણ જેવો આવડે એવો ડાન્સ કરતા કરતા નાચવા-ગાવાનું, એમાં આ ભાઈ ભારે ભરાઈ પડતા. હોડીમાં બેઠેલું બાળક નદીમાં હાથ બોળીને બહાર કાઢે, એટલો જ ડાન્સ રાજેન્દ્રને આવડતો. ફરક એટલો કે, રાજેન્દ્ર તો ઝાડ ઉપર બેઠો હોય તોય ડાબો હાથ તો એ જ હલેસાં મારવાની ઢબે હલાવવાનો. માલા સિન્હાને ય એવું ક્યાં કશું આવડતું હતું. એની ય એક સ્ટાઈલ આપણને ગુસ્સો ચઢાવે એવી પર્મેનેન્ટ હતી. એક હાથની પહેલી આંગળી દાઢી ઉપર અડાડેલી રાખીને બીજો હાથ પેલા હાથની કોણીથી પકડી રાખીને કમર હલાવવાની, એટલે ભલભલો ડાન્સ પૂરો. પાછું, ફિલ્મોમાં હજી હેર-સ્ટાઈલો આવી નહોતી, એટલે હીરોઈનોના જે કાંઈ ગૂંચળાવાળા વાંકડીયા વાળ હોય, એના બે ચોટલાં લઈને આખી ફિલ્મમાં ફરે રાખવાનું, સાલું, આપણને એ વાળ સામે જોવું ય ન ગમે, ને પાછો, 'તેરી ઝૂલ્ફોં સે જુદાઈ તો નહિ માંગી થી...' જેવાં ગીતો ગાય... તારી ભલી થાય ચમના... તું એકલો બેઠો બેઠો પેલીના માથામાંથી ગૂંચો કાઢે રાખને... અમને શેનો કહી દેખાડી બતાડે છે?

ફિલ્મમાં નૃત્ય કરવા (બેબી) નાઝ આવે છે. જોવાની ખૂબી એ છે કે, જેને આપણે ફક્ત ગીતકાર તરીકે ઓળખીએ છીએ, તે પ્રેમ ધવન સંગીતકાર, ગાયક, દિગ્દર્શક અને આ ફિલ્મમાં તો નૃત્યનિર્દેષક પણ હતા.

યસ. માલા સિન્હા હજી આ ઉંમરે (૭૫ની થઈ) પણ ખૂબસૂરત લાગે છે. હમણાં દાદાસાહેબ ફાળકે એવોર્ડમાં એણે પ્રેસ-કોન્ફરન્સ પણ સંબોધી હતી. દુઃખ એ વાતનું થાય કે, પોતાના જમાનામાં પ્રેક્ષકોથી માંડીને હીરો, પ્રોડયુસર કે દિગ્દર્શકોને મન ફાવે તેમ આંગળીને ટેરવે નચાવતી આ હીરોઈનોને આજે કોઈ ઓળખતું પણ નથી. બહુ અપમાનિત લાગતું હશે ને? માટે જ કહે છે કે, જમાનો તમારો ચાલતો હોય ત્યારે ધરતી પર રહો... ધરતીનો તો ખસવાનો સ્વભાવ છે... તમે બર્દાશ્ત નહિ કરી શકો!

ફિલ્મની વાર્તા એ જમાનામાં નવી લાગી હશે, હવે એનું એવું મૂલ્ય ન રહે, કારણ કે 'ધૂલ કા ફૂલ' સફળ થઈ, એટલે એ પછીના ઘણા નિર્માતાઓ આ જ વાર્તામાં નાનામોટા ફેરફારો કરીને નવેસરથી પેશ કરી, એટલે આપણા મનમાંથી ય મૂળ વાર્તાનો ચાર્મ જતો રહે. અહીં પણ, એ જમાનામાં ટીપિકલ કહી શકાય એવી હીરો-હીરોઈન અચાનક મળી જાય, પ્રેમમાં પડે, બન્ને વચ્ચે શરીર-સંબંધ બંધાય ને હીરોને બહાર જવાનું આવે. આ બાજુ બાળક આવી જાય ને પેલો પાછો આવી બીજે લગ્ન કરી લે. લોકલાજથી ડરવા હીરોઈન બાળકને જંગલમાં મૂકી આવે ને મુસલમાન ચાચા (મનમોહનકૃષ્ણ) એને ઘેર લઈ આવે, ઉછેરે, સ્કૂલમાં મૂકે, જ્યાં અન્ય બાળકો 'તુમ્હારા બાપ કૌન હૈ?'ની થીયરી પર એની મજાકો ઉડાવે રાખે, એમાં એક છોકરો દોસ્ત બની જાય, જે હીરાનો જ પુત્ર હોય... વગેરે  વગેરે...

આટલે સુધી તો ચલો, બધું બરોબર હતું. પછી પંડીત મુખરામ શર્મા ભરાઈ પડયા છે. જુઓ, આખો દાખલો ગણાવી દઉં. રાજેન્દ્ર-માલા પ્રેમમાં, બન્ને વચ્ચે અનૈતિક સંબંધથી છોકરું આવે, રાજેન્દ્ર બીજે (નંદાને) પરણી જાય, પછી માલાના આપઘાત-બાપઘાતના પ્રયાસો, અશોકકુમાર માલાની જીંદગીમાં આવે. માલાનો ત્યજી દીધેલો છોકરો (ફિલ્મ 'દોસ્તી'માં અપંગ બનતો સુશીલ કુમાર) મનમોહનકૃષ્ણની ઝુંપડીમાં ઉછરે, આ બાજુ ડેઝી ઈરાની રાજેન્દ્ર-નંદાનો દીકરો બને. હવે સ્ટોરીનો એન્ડ કેવી રીતે લાવવો. ત્યજાયેલા પુત્રને મા-બાપ સાથ ભેગો તો કરવો પડે. ભેગો કરવા જાય તો નવા ફાધર અશોકકુમારનું શું? રાજેન્દ્ર-નંદા ઓલરેડી પરણીને મા-બાપ બની ચૂક્યા હોય છે, ભલે એક્સીડેન્ટમાં એમનો પુત્ર ગૂજરી જાય છે, પણ પેલા પુત્રનું શું કરવું? છેવટે કોઈ રસ્તો ન મળતા આ લોકો અશોકકુમારને બહુ જેન્ટલમેન બનાવી દે છે અને બાળકના પિતા બનવાની સંમતિ આપે છે.

લો કલ્લો બાત...! આમાં કોઈ ઢંગધડા લાગ્યા? ફિલ્મમાં એક તબક્કે પ્રેમમાં સેક્સનો લાભ ઉઠાવીને છુ થઈ જતા પુરુષો ઉપર વાર્તામાં કોઈ લપડાક-બપડાક હશે, એવી હવા ઊભી થાય છે, પણ ડાયરેક્ટર તો એમાં ય ભરાઈ ગયા છે. પ્રોબ્લેમ, એ લોકોએ જેમ તેમ કરીને વાર્તા પૂરી કરી એનો નથી, પ્રોબ્લેમ જેમ તેમ કરીને આપણે ફિલ્મ પૂરી કરવી પડે છે એનો છે... બોલો જય અંબે.

04/09/2013

....એ દિવસો તો ગયા !

પહેલા સાયકલનું સ્ટીયરીંગ બન્ને હાથે પકડી રાખવાનું. પછી ડાબી બાજુના પૅડલ ઉપર ડાબો પગ મૂકવાનો. (જમણો નહિ !) પછી બીજા પગે રોડ ઉપર બે ઝાટકા મારીને સાયકલને સ્પીડ આપવાની. ૩-૪ ફૂટ ચાલે, એટલે ઠેકડો મારીને સીટ ઉપર બેસી જવાનું. સાયકલ સ્પીડ પકડે માટે બન્ને પગે પૅડલો છેક સુધી મારતા રહેવાનું. બ્રેક અને ઘંટડી હાથમાં રાખવાની.

આટલા સાદા નિયમો મોંઢે જણાવીને વાઇફને સાયકલ ચલાવતા શીખવાડવાનું મેં અભિયાન શરૂ કર્યું. ગોરધન મટીને હું ચાણક્ય બની ગયો.

રીવૉલ્વર ફોડતા શીખનારને ગુરૂએ પહેલા એ સમજાવવું જોઇએ કે, ભડાકો કરતી વખતે રીવૉલ્વરનું નાળચું આપણા મોંઢા તરફ નહિ રાખવાનું, સામેની તરફ રાખવાનું, એમ હું એ કહેતા ભૂલી ગયો હતો કે, સાયકલ ઉપર ચઢતી વખતે બન્ને હાથે બ્રૅકો દબાવી નહિ રાખવાની. ગતિ અને અવરોધ સાથે ન જાય. બાકીનું શિક્ષણ એણે પૂરતું પચાવ્યું હતું, એ મુજબ સાયકલની ડાબી બાજુ ઉભા રહી, પૅડલ પર પગ રાખીને રોડ પર બે-ચાર ઝાટકા ચોક્કસ માર્યા, પણ બન્ને બ્રૅકો દબાવેલી રાખીને એ 'હેએહેએહેએ...' કરતી દોડી ને...ભાઇ, ખોટું શું કામ બોલું ? સીટ પર બેસવા ઠેકડો ય માર્યો કે, તરત જ વાઇફ સાયકલની આગળ ભમ્મ થઇ ગઇ. 'વૉય માં રે....' અને 'હું તો મરી ગઇ રે...' જેવા અવાજો તો દરેક સ્ત્રી વગર ઍક્સીડૅન્ટોએ પણ કાઢતી હોય છે. કોઇ પડે ત્યારે મને હસવું બહુ આવે, એ સારા સંસ્કાર ન કહેવાય, પણ આવેલું હસવું તો રાજા વિક્રમે ય રોકી શક્યા નહોતા. સમગ્ર ભૂખંડમાં કેવળ એક જ વ્યક્તિ છે જે કોઇ પડે કે પોતે પડે તો ય હસવું ન આવે, એ ડૉ. મનમોહનસિંઘ.

ધરતી ગગનને નિરખતી હોય...(ના, આ સિમિલી બરોબર નથી... એવું લખું કે, 'દેડકી મોંઢું ઊંચું કરીને લૂચ્ચા શિયાળભ'ઇ સામે જોતી હોય, એમ જમીનદોસ્ત થયેલી વાઇફે મારી સામે જોઇને મને ખખડાવ્યો , ''આમ દાંત સુઉં કાઢો છો...? (અમારા કાઠીયાવાડમાં 'દાંત કાઢવા' એટલે હસી પડવું) હું હેઠી પઇડી છું, તી મને બેઠી કરો.'' (સુધારેલી સિમિલી વાચકોને ગમી હોય તો મારા  વખાણ કરવા... : સુચના પૂરી)

પાણી ભરેલી કાળા રંગની મોટી ટાંકી કોઇ એક માનવી તો ક્યાંથી ઊચકી શકે ? આ લોકોમાં તો વાલ્વની સીસ્ટમ પણ ન હોય કે, પિન ખેંચી લો, એટલે હવા ખાલી થઇ જાય ને વજન હલકું થઇ જાય ! પણ દુ:ખમાં પડેલા નિરાધારોને મદદ કરવાનો આપણો પહેલેથી સ્વભાવ. એને બેઠી કરી. શરીરના કોઇ ભાગ ઉપર વાગ્યું નહતું.

પણ એમાં આપણાથી સાયકલ શીખવવાનું બંધ ન કરાય. 'કરતા જાળ કરોળીયો...'ની કવિતા જેમ, 'પડે એ ચઢે'. આપણે જ આમ હિમ્મત હારી જઇને શીખવવાનું બંધ કરીએ તો, બીજી વાર એને ભમ્મ થતી જોવાનો મોકો ન મળે અને આપણા બદલે હાળો કોક બીજો એને સાયકલ શીખવી જાય ! એમ કાંઇ કિંમતી ચીજો રેઢી મૂકાય છે, ભાઈ ? દોસ્તલોકો, એ ન ભૂલો કે, લગનના દિવસે જે રીતે એણે આપણને ભમ્મ કરી નાંખ્યા હતા, પછી વારે-તહેવારે આપણે જ ભમ્મ થવાનું આયું હોય...! એ એક વાર પડે, એમાં ઢીલા નહિ થઇ જવાનું.... બા ખીજાય !

એક વાત નહિ ભૂલો, યારો આપણી વાઇફો પોલાદની બનેલી હોય છે. પહાડ- પર્વતમાંથી કાંકરી ખરે, તો ય નુકસાન ખીણને (એટલે  કે આપણને) જ થાય છે. સાયકલ પરથી એ આવી ગુલાંટ ખાય, એમાં ઇમોશનલ બની જવાની સહેજે ય જરૂર નથી. એક વાર પડશે, તો શીખશે... (બીજી વાર પડવાનું !)

'અસોક...ઇ બાજુથી તો હું પઇડી... હવે આની કોરથી ઠેકડો મારીને બેશી જાઉં તો હાલે ?'

'ના ડાર્લિંગ ... દુનિયાભરની સાયકલોનો દસ્તુર છે કે, પહેલો પગ તો ડાબા પૅડલ ઉપર મૂકીને જ કૂદવાનું. અને કૂદ્યા પછી પેલી બાજુ ભૂસકો નહિ મારવાનો ! લૅન્ડીંગ સાયકલની સીટ ઉપર થવું જોઇએ.... આગળના ડંડા કે પાછળના કૅરિયર ઉપર નહી... સાયકલોમાં શોર્ટ-કટ્સ હોતા નથી.' એક સાયકલ-ગુરૂ તરીકે મારી આવડત ઉપર મને માન થતું હતું. ભૂતકાળમાં અનેક મહિલાઓને સાયકલ શીખવવાની પ્રૅક્ટીસ અત્યારે કામમાં આવી રહી હતી. જો કે, આજકાલ આવા ગુરૂઓ થાય છે ય ક્યાં ? આ તો એક વાત થાય છે.

વાચકોને મારી ક્રૂરતા ઉપર ગુસ્સો આવતો હશે કે, ૯૦ કીલોની ૬૦ વર્ષની વાઇફને સાયકલ શીખવવા માટે  આજુબાજુના જનસમુદાયનું કે હવામાનનું મેં કાંઇ ધ્યાન રાખ્યું નહી હોય, મને એવો ન સમજશો, ભાઇઓ. હું જાણતો હતો કે, એક વાર આ બેઠી અને મેં છૂટ્ટી મૂકી, એટલે વટેમાર્ગુઓ ભયના માર્યા રસ્તા પરની દુકાનોના ઓટલા, વીજળીના થાંભલા કે ઝાડ ઉપર ચઢી જઇ શકે, એ માટે કોરા મેદાનમાં સાયકલ શીખવવાનું નક્કી કર્યું હતું. મેદાનમાં ખાડા પડે તો મેદાનના બાપનું કાંઇ જવાનું નથી, પણ અમારા નારણપુરામાં ૨૦-૨૫ માસુમો ઊંધે કાંડ પડયા હોય, એ આપણાથી સહન ન થાય...! (સહન એટલા માટે ન થાય કે, નુકસાનીનું બહુ મોટું વળતર ચૂકવવાનું આવતું હોય છે...! સાયકલમાં થર્ડ-પાર્ટી વીમો હોતો નથી. આ તો એક વાત થાય છે.)

''અસોક, હવે મને ઈ કિયો કે, શાયકલના માથે બેઠા પછી બૅલેન્શ જાળવવા સુઉં કરવાનું ? આઇ મીન.... વચમાં કોક આવી જાય તો ઘંટડીયું મારવાની કે બ્રેકું દબાવવાની કે...કોકની ઉપરથી ઠેકાડી દેવાની ?''

આની તો જો કે, મને ય ખબર નહોતી કે પહેલા ઘંટડી મારવાની કે બ્રેક ! અમારા વખતમાં ઘોડાગાડીવાળાઓ આવા સંજોગોમાં 'ચલે ય સાયકલ....ચલો કાકા બાજુ પર....' એવી રાડું નાંખતા, પણ મેં લાઇફટાઇમમાં ઘોડાગાડી ચલાવી નથી ને એમાં બ્રેક ન હોય, એટલી ખબર, એટલે મેં સલાહ આપી, 'જો ડીયર, કોક સામું દેખાય તો, એના બે પગ યાદ રાખવાના. એને સાયકલ-સ્ટૅન્ડ સમજીને ગાડી એની વચ્ચે  પાર્ક કરી દેવાની... પણ આપણે હેઠા નહિ પડવાનું ! આમે ય, ૯૮-ટકા ઍક્સીડેન્ટોમાં સ્ત્રીઓ સ્માઈલ સાથે 'સૉરી, હોં... સૉરી, હોં...' બોલી જાય, એમાં ૯૮-ટકા પુરૂષો પલળી જાય છે ને લાલચુ સ્માઇલ સાથે ઇંગ્લિશમાં, 'નો પ્રોબ્લેમ...નો પ્રોબ્લેમ' એવું બે વાર બોલે છે, જાણે ગૂન્હો પોતે કર્યો હોય ! તારી ભલી થાય ચમના... આ પગે તઇણ ટાંકા આયા છે, ને તું 'નો પ્રોબ્લેમ કીધે રાખે છે....? ને એ ય બબ્બે વાર...? સીધી પોલીસ ફરિયાદ ન ઠોકી દઇએ કે અથડાવનારી 'અંદર' તો જાય....? તમને છોલાણું, એટલે અમને સજા ?

'અસોક....હવે હું હડેડાટ નીકળું છું...વાંહેથી મને હરખી ઝાલી રાખજો. અને ધીયાન રાખજો મને કાંય થાય નંઇ...!'

સાયકલના કૅરિયરને હળવી ધક્કી મારીને એને છોડી દીધી. એને આમ જતા જોવી ઘણી વસમી હતી. મને દીકરી વિદાયના દ્રષ્યો યાદ આવી ગયા. માં-બાપો દીકરીને આમ જ ધકેલી દેતા હશે ને ?

અફ કૉર્સ, આ તો સગ્ગી વાઇફ હતી, એટલે આપણી આંખોમાં આંસુ-ફાંસુ ન આવે. વાચકોએ અગાઉથી ધારી લીધું હશે કે, મારા છોડી દીધા પછી દસેક ફૂટ આગળ જઇને એ જમીનદોસ્ત થઇ હશે.... નહોતી થઇ. માણસ ધારે છે કંઇક, પણ ઇશ્વર કરે એમ જ થાય છે. God disposes what man proposes.

કાગળનું વિમાન ચક્કર મારીને મૂળ જગ્યાએ પાછું આવતું રહે, એમ એ તો એક નાનકડું ચક્કર મારીને પાછી આવી ગઇ, બોલો ! ''અરે.... તને તો સાયકલ આવડે છે. આઇ ડૉન્ટ બીલિવ, ડીયર !'' નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા પછી મેં કહ્યું.

'તંઇ.....તમે સુઉં માનતા'તા કે, આને કાંય આવડતું જ નંઇ હોય ? મારા નાથ, મેં તમને ઘરમાં હલાવવાની ઍક્શરસાઇઝની શાયકલ સીખવવાનું કીધ્ધુ'તું....ઇ શાયકલ પર ચકરડાં ફેરવીએ તો કેટલી કૅલરીયું વપરાય, ઇ જાણવા તો મરે...! સુઉં હઇમજ્યા ? અસ્સોકકુમાર, તમે ઈ ભૂલી ગીયાં કે, કૉલેજમાં હતી, તી વખતે હું મૉટર-શાયકલું ય હલાવતી...! આ તો કોકે વરી મને કીધું કે, બેન, જરા સરીર ઉતારો, શાયકલ હલાવો... અટલે મેં તમને કશરતું કરવાની શાયકલ સીખવવાનું કીધેલું... આ નંઇ !'

સિક્સર
- 'બા' જરાક અમથા માંદા પડયા, એમાં અડધી રાત્રે આખી કોંગ્રેસ હૉસ્પિટલમાં ખબર કાઢવા પહોંચી ગઇ !

- એ જવાનું ચૂકી જઇએ તો આપણે દાખલ થવાનું આવે !

01/09/2013

ઍનકાઉન્ટર - 01-09-2011

* પરમેશ્વર પાણી આકાશમાંથી અને અનાજ જમીનમાંથી મોકલી આપે છે, છતાં સરકાર એ બન્નેના પૈસા આપણી પાસેથી કેમ લૂંટે છે ?
- લૂંટે તો આપણને જ લૂંટે ને ! એ લોકો અંદરોઅંદર થોડી લૂંટફાટ મચાવે ?
(સપના સુરેશ ઠક્કર, મુંબઈ)

* પહેલા આખો દિવસ વાત કરવાનો ફોનમાં ચાર્જ એક રૂપિયો થતો, આજે એક ફોનનો એક રૂપીયો થાય છે. શું કરવું ?
- ફ્રીજમાં મોંઢું રાખીને વાત કરો તો રૂપિયો ય નહિ લાગે !
(કપિલ જે. સોતા, મુંબઈ)

* પ્રજા સુખી તો રાજા સુખી. કેટલું સાચું ?
- મને એ કહો કે, તમે મને પ્રજામાં ગણ્યો છે કે રાજામાં !
(શ્રેયા ઠક્કર, મુંબઈ)

* 'ટૉપલૅસ' અને 'હૉપલૅસ' વચ્ચે શો ફરક ?
- બન્ને 'શૅઇમલૅસ' છે.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* જીવનમાં બધું હોવા છતા બધે અંધારૂં જ લાગતું હોત, તો શું કરવું ?
- ટયુબલાઇટ ચાલુ કરવી.
(જીતેન્દ્ર કેલ્લા, મોરબી)

* 'ઍનકાઉન્ટર'માં આજ સુધી પૂછાયેલો સર્વોત્તમ સવાલ કયો ?
- ઢૂંઢતે રહ જાઓગે....!
(કેશવ કક્કડ, અમદાવાદ)

* 'ઍનકાઉન્ટર'માં સવાલો સાદા પોસ્ટકાર્ડ પર જ કેમ ? આંતરદેશીય પત્ર કે કવરમાં કેમ નહિ ?
- તમને મની ઑર્ડર સાથે મોકલવાની છુટ.
(બીપિન ગરાસીયા, નાર-પેટલાદ)

* જન્માષ્ટમીના પવિત્ર દિવસે લોકો જુગાર કેમ રમે છે ?
- જુગારે ય પવિત્ર જ છે ને, ભાઇ ! ન હોત તો પાંડવો શું કામ રમતા હોત ?
(ઓમકાર જોશી, ગોધરા)

* આપ અમિતાભ બચ્ચનથી અંજાઇ ગયા લાગો છો, નહિ તો સંજીવ કુમાર વધુ સારો ઍક્ટર હતો !
- ધીમેથી બોલો....કોઇ સાંભળી જશે તો આખા વલસાડ-બંધનું ઍલાન ઠોકશે!
(નીલકંઠ વજીફદાર, વલસાડ)

* શહેરમાં વાંદરા જોવા લોકો ટોળે કેમ વળી જાય છે ?
- 'ટોળે વળે છે કોઇની દીવાનગી ઉપર, દુનિયાના લોકો કેવા મિલનસાર હોય છે ?'
(પુલીન સી. શાહ, સુરેન્દ્રનગર)

* 'પ્રાણ જાય પર વચન ન જાય'... એવું પહેલાના વખતમાં હતું. આજે ?
- આજે ય એ જ છે...ફેરફાર પ્રાણ પૂરતો છે....બીજાના પ્રાણ જાય તો ભલે જાય, પણ એણે વચન ન તોડવું જોઇએ.
(મોના જે. સોતા, મુંબઈ)

* તમારા હસ્તે 'સહનશક્તિ'નો કોઇને ઍવૉર્ડ આપવો પડે એમ હોય તો કોને આપો ?
- 'ચૅન્નઈ એક્સપ્રૅસ' ફક્ત દસ મિનિટ સુધી પણ જોઇ શકનારાને !
(વિનુ ભટ્ટ, બાબરા-અમરેલી)

* કહેવાય છે કે, પડોસીને પ્રેમ કરો. આપની સલાહ ?
- મફતમાં જે થતું હોય એ કરી લેવું. કિંમત મોટી ચૂકવવાની ન આવે, એ જોવું.
(મફત પ્રજાપતિ, રાજકોટ)

* "An apple a day, keeps doctor away" કહેવતમાં ડૉક્ટરોને અન્યાય નથી ?
- કહેવત સાચી હોત તો, દુનિયાભરના ડૉક્ટરોની વાઇફો રોજ અથાણાંને બદલે ઍપલ ખાતી હતી !
(મહેશ માંકડ, અમદાવાદ)

* તમને વરસાદમાં ભીંજાવું ગમે ? ગમતું હોય તો બા ખીજાતા નથી ?
- બાના ખીજાવાનો આધાર હું કોની સાથે ભીંજાઇને આવ્યો છું, એના ઉપર છે. એકવાર વાઇફ સાથે ભીંજાઇને આવ્યો ત્યારે બહુ ખીજાણા હતા....!
(ડૉલી વ્યાસ, નડિયાદ)

* ''મૈં અન્ના હૂં''વાળી ટૉપીઓ ક્યાં અદ્રષ્ય થઇ ગઇ ?
- આખા ય ભારતમાં ફક્ત આ કૉલમમાં અન્ના અને કેજરીવાલ વિશે સહુને ચેતવ્યા હતા કે, આ બન્ને ફૂગ્ગાઓ છે....!
(રીતેશ જી. ત્રિવેદી, મોડાસા)

* કાચિંડો ચોમાસામાં રંગ બદલે અને માણસ...?
- કાચિંડો બેવકૂફ છે. માણસ પાસેથી કાંઇ શીખ્યો હોત તો કામ આપણું કરવાનું, રંગ બીજા પાસે બદલાવવાનો !
(કાયલ/પૂજા ભાટીયા, વીંછીયા-જસદણ)

* 'નસીબ આડે પાંદડું'.....પણ એ પાંદડું કેળનું હોય તો ?
- ભોગ તમારા !
(કિશોર વ્યાસ, ઘોઘા)

* ઘણી હૉટેલોમાં ડિનર વખતે ઝાંખો પ્રકાશ કેમ રખાય છે ?
- ખાવામાં કાંઇ પડયું-બડયું હોય તો ગ્રાહક ઊંચો થઇ ન જાય !
(મૌલિક ગઢીયા, રાજકોટ)

* 'વૅલૅન્ટાઇન ડે'ના રોજ પ્રેમિકાને ગુલાબનું ફૂલ જ કેમ અપાય છે...બીજું કાંઇ કેમ નહિ ?
- બાપાનો બગીચો હોય તો ફૂલના કુંડા ય મોકલાય !
(ચતુર પોસ્ટમૅન, અંકલેશ્વર)

* પુરૂષ કરતા સ્ત્રીઓ ચેહરા વધુ યાદ કેમ રાખી શકે છે ?
- પોતાના શિકારનો ચેહરો યાદ રાખવાની દરેક ગૂન્હેગારની જવાબદારી છે.
(ભરત ડી. સાંખલા, ડીસા)

* ભગવાન પ્રસન્ન ક્યારે થાય ?
- આપણે પ્રસન્ન હોઇએ ત્યારે.
(રમાકાંત વી. પટેલ, વડોદરા)

* મુંબઇની ટ્રેનોની હાડમારીનો કોઇ ઉપાય ?
- એકાદી ટ્રેન ખરીદી લો.
(અરવિંદ પી. પંડયા, ભાઇંદર)

* પરીક્ષામાં ઉચ્ચ ગુણો મેળવનારા સ્માર્ટ વિદ્યાર્થીઓ ડૉક્ટર-ઍન્જીનીયર બનવા માંગે છે, રાજકારણી કેમ નહિ ?
- એ લોકો એટલા સ્માર્ટ નથી હોતા !
(ભૂષણ ત્રિવેદી, વાંકાનેર)

* લગ્ન અને યુધ્ધ વચ્ચે શું ફરક ?
- એટલી ય ખબર ના પડતી હોય તો બન્ને માંડી વાળો, ભ'ઇ !
(ચિરાગ પંચાલ, મધવાસ-લુણાવાડા)

* તમને દગો કરી જનાર વ્યક્તિને તમે કઇ રીતે મૂલવો છો ?
- હું એનું મૂલ્યાંકન પણ કરૂં, એટલી મૂલ્યવાન એ રહી ન હોય !
(સ્વાતિ પટેલ, વડોદરા)



30/08/2013

'રતન' ('૪૪)

ફિલ્મ : 'રતન' ('૪૪)
નિર્માતા : જમુના પ્રોડક્શન્સ
નિર્દેશક : એમ. સાદિક
સંગીત : નૌશાદઅલી
ગીતો : પંડિત દીનાનાથ મધોક
રનિંગ ટાઈમ : ૧૮-રીલ્સ : ૧૧૮-મિનીટ્સ
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : સ્વર્ણલતા, કરણ દીવાન, મંજૂ, વાસ્તી, ગુલાબ, રાજકુમારી શુક્લા, પંડિત બદ્રીપ્રસાદ, અઝૂરી, ચંદાબાઈ.



ગીતો

૧. રૂમઝૂમ બરસે બાદરવા, મસ્ત ઘટાયેં છાયી... - જોહરા અંબાલેવાલી
૨. અખીયાં મિલા કે, જીયા ભરમા કે, ચલે નહિ જાના... - જોહરા અંબાલેવાલી
૩. પરદેસી બાલમ આ, બાદલ આયે, તેરે બીના કછુ... - જોહરા અંબાલેવાલી
૪. જબ તુમ હી ચલે પરદેસ, લગાકર ઠેસ ઓ પ્રીતમ... - કરણ દીવાન
૫. અંગડાઈ તેરી હૈ બહાના, સાફ કહે દો હમેં હૈ જાના જાના... - મંજૂ
૬. સાવન કે બાદલોં, ઉન સે યે જા કહો... - જોહરા-કરણ
૭. આઈ દીવાલી, આઈ દીવાલી, દીપક સંગ નાચે... - જોહરા અંબાલેવાલી
૮. જાનેવાલે બાલમવા, લૌટ કે આ લૌટ કે આ... - અમીરબાઈ-શામકુમાર
૯. મિલ કે બિછડ ગઇ અખીયાં, હાય રામા મિલ કે... - અમીરબાઈ કર્ણાટકી
૧૦. જૂઠે હૈં સબ સ્વપ્ન સુહાને મૂરખ મન સચ ન જાને... - મંજૂ

દાદા બર્મને એમના નોકરને પધ્ધતિસરનો ખખડાવી નાંખ્યો, ''સાલા નોકરી મારી કરે છે ને ગીતો નૌશાદના ગાય છે?'' એટલે એમાં એવું હશે કે, સચિનદેવ બર્મન કરતા એમના નોકરમાં સંગીતની સમજ વધુ હશે એટલે નૌશાદની ફિલ્મ 'રતન'ના ગીતો બર્મન દાદાના ઘરમાં ય ગુનગુનાવે રાખે. બર્મન દાદાના દરવાજે દૂધવાળી દૂધ દઈને જતી રહી હોય ત્યારે ય પેલો ગાતો હશે, 'ઓ જાનેવાલે બાલમવા, લૌટ કે આ લૌટ કે આ...' ડોહાનો પિત્તો તો ગયો, પણ લૉજીક ધીમે ધીમે સમજાવા માંડયું, 'સામાન્ય માણસ પણ ગુનગુનાવી શકે, એવા ગીતો બનાવો તો દેશ આખો ગાશે...' સંગીતના મામલે (આપણો તો આખો દેશ સામાન્ય હતો!) બંગાળી અસરમાં બર્મન દાદા ય સાયગલ-પંકજના પ્રવાહમાં તણાઈને શાત્રોક્ત ગીતો બનાવતા, જે દેખીતું છે, સામાન્ય માણસ ગુનગુનાવી ન શકે.

એ ગીતોએ ધૂમ કેવી મચાવી હશે, એનો અંદાજ આપણને અત્યારે નહિ આવે. નૌશાદે 'રતન'થી આ કરી બતાવ્યું કે પાનવાળો કે ટાયર-પંક્ચરવાળો ય ગીતો ગુનગુનાવી શકે. નૌશાદમીયાંએ લોકોને ગાતા કરી નાંખ્યા એક મસ્તીભર્યા ફેરફારને લઈને! (સૉરી, એક નહિ, બે ફેરફારો વાંચવું!) પહેલો એ કે, ૧૯૩૧-માં પહેલી બોલતી (ટૉકી) ફિલ્મ શરૂ તઈ, ત્યારથી ૧૯૪૪-માં આ ફિલ્મ 'રતન' આવી, ત્યાં સુધીની બધી ફિલ્મોના બધા ગીતો આમઆદમીના કાને પડતા નહોતા, પડતા એટલા સમજાતા નહોતા, સમજાય એટલા પોસાતા નહોતા... ગ્રામોફોનની એક રૅકર્ડ પાછળ રૂ. ૦.૪૦ પૈસાનો જંગી ખર્ચો કરવો પડતો. આ, ૪૦-પૈસાને 'જંગી ખર્ચો' ગણાવી અમે કોઈ મોટી હ્યૂમર નથી મારી... હકીકત એ હતી કે ૪૦-પૈસા સામાન્ય માણસ માટે મોટી રકમ ગણાતી.

બીજું કારણ એ કે, સાયગલ, કાનનદેવી, પંકજ મલિક કે કે.સી.ડે સિવાયના ગીતો ઘેર ઘેર નહોતા ગવાતા અને આ લોકોના ગીતો ય એક હદ સુધી જ લોકપ્રિય. સામાન્ય માણસ 'બાબુલ મોરા....' ગુનગુનાવી ય ન શકે, એવું અઘરૂં પડતું. નૌશાદે ફિલ્મ સંગીતની આ બધી જટિલતાઓ કાઢી નાંખી અને ગીતો ગાવામાં સરળ પડે એવા બનાવ્યા ને એનો સીધો ચમત્કાર એટલે ફિલ્મ 'રતન'ના ગીતો.

'રતન'માં નૌશાદે બીજી પણ વિરાટ ક્રાંતિ આણી. ત્યાં સુધીના તમામ ગીતોમાં મૅલડી મુખ્ય હતી, રીધમ નહિ. હવે યાદ કરો સાયગલ કે પંકજના ગીતો. એ લોકો ગાય એટલું જ મહત્વનું... એ સિવાય સ્થાયી અને અંતરા વચ્ચેનું ઈન્ટરલ્યૂડ મ્યુઝિક પણ જગ્યા ભરવા પૂરતું, પણ એમાં ય ઢોલક-તબલાંને કોઈ સ્થાન જ નહિ. રીધમનો ઠેકો સૂરને તાલ આપવા પૂરતો અછડતો વાગતો રહે, બાકી ગીતમાં તબલાં ય મટકી જેવા વાગે.

નૌશાદે 'રતન'થી આ ક્રાંતિ લાવી દીધી. દરેક ગીતમાં રીધમ-સૅક્શનનું ગીતના બોલ જેટલું જ મહત્ત્વ. એક નાનો દાખલો આપું તો, મંજુના ગીત, 'અંગડાઈ તેરી હૈ બહાના, સાફ કહે દો હમેં કે જાનાજાના'ના અંતરામાં, '...દિલ કી ધકધક...યે કહે રહી હૈ' વખતે હૃદયના ધબકારા જેવું ઢોલક વાગ્યું છે, તો મને યાદ છે, હું એટલો પીસ સાંભળવા ગીત વારંવાર વગાડતો. 'ઓ જાનેવાલે બાલમવા...'માં તો આખું ગીત ઢોલક-તબલાંથી ભરચક ભરીને નૌશાદે પ્રેક્ષકોને થીયેટરોમાં નચાવ્યા હતા. આ ગીત આજ સુધી લોકપ્રિય છે. કિશોર-મહેમુદની ફિલ્મ 'પડોસન'માં યાદ હોય તો ગુરૂ કિશોર કુમાર એના ચેલા સુનિલ દત્તને કહે છે, ''ભોલા, કોઈ ગીત સુનાઓ'' તો ભોલો 'ઓ જાનેવાલે બાલમવા...'ની એક ટુંક સંભળાવે છે.

આખી વાતનો સાફ મતલબ એ કે, હિંદી ફિલ્મોમાં પર્કશન્સ (રીધમ-સૅક્શન)નો વ્યવસ્થિત ઉપયોગ નૌશાદે કર્યો. ઓકે. ઉપરની વાતમાં રીધમ સમજવામાં તબલાંની સાથે ઢોલકનો પણ મેં ઉલ્લેખ કર્યો છે, એ કેવળ વાતમાં વજન મૂકવા માટે. વાસ્તવિકતામાં ફિલ્મોમાં ઢોલકનો પ્રારંભ નૌશાદે નહિ, એમના આસિસ્ટન્ટ સંગીતકાર ગુલામ મુહમ્મદે કર્યો હતો, જે મૂળભૂત રીતે તબલચી હતા (ઢોલકચી નહિ, તો ય!)

વર્ષો પહેલાં અમદાવાદની સન્માન્નીય ''ગ્રામોફોન ક્લબ''નો હું સ્થાપક-સૅક્રેટરી હતો, ત્યારે સ્ટેજ પરથી મેં નૌશાદ સાહેબનો ઈન્ટરવ્યૂ લીધો હતો.

નૌશાદે પોતે કીધેલી વાત છે. '૪૪-ની સાલમાં 'રતન' આવી, ત્યારે જ નૌશાદના લગ્નની બારાત નીકળી રહી હતી ને બૅન્ડવાજાઓ ''રતન''ના ગીતોની ધૂનો વગાડે જતા હતા. એમાંના કોઈને ખબર નહિ કે, ઘોડે ચઢેલ મૂરતીયો જ આ અપ્રતિમ ધૂનોનો સર્જક છે. પણ ઘોડા કરતા ય વધારે ફફડતા નૌશાદને એટલી ખબર કે, મારા પિતાને ખબર પડી જશે કે, આ ધૂનો કોઈ ફિલ્મ માટે મેં બનાવી છે, તો ચાલુ બારાતે ઘોડા ઉપરથી ઉઠાડી મૂકશે. પિતા તો એમને 'ભણીગણીને'' દરજી બનાવવા માંગતા હતા. (એ જમાનામાં પણ આજની જેમ દરજીકામ એ આજના ડૉક્ટરો, લેખકો કે ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ જેવું સન્માન્નીય કામ ગણાતું!)

રૂપિયાનું મૂલ્ય એ જમાનામાં શું હતું, તે જાણવાનો એક સીધો હિસાબ છે. આ આખી ફિલ્મ 'રતન' માત્ર રૂ. ૭,૫૦૦/- (યસ, સાડા સાત હજાર)માં બની હતી, એમાં તમામ કલાકારો, સંગીતકાર, ગીતકાર, ફિલ્મની પટ્ટી, કૅમેરા, શૂટિંગનો તમામ ખર્ચ... બધું આવી ગયું... એની સામે, આ ફિલ્મના ગીતોની જે રૅકર્ડસ વેચાઈ, તેની રૉયલ્ટીના જ રૂ. ત્રણ લાખ નૌશાદને મળ્યા... એમના વાલીદ સા'બ (ફાધર-એ-આઝમ)ને કેટલો આનંદ અને ફખ્ર થયો હશે. દીકરાને દરજી બનાવવો હતો... સાલો, આખી જીંદગી લેંઘા સિવી સિવીને ટેભાની માફક તણાઇ ગયો હોત તો ય તઇણ લાખ ભેગા કરી શક્યો ન હોત! ...સુઉં કિયો છો?)

પાકિસ્તાન સૅટ થઈ ગયેલી ફિલ્મ 'રતન'ની હીરોઇન સ્વર્ણલતાએ પાકિસ્તાન ટીવી પર આપેલા ઈન્ટરવ્યૂમાં બહુ સ્પષ્ટ કહી દીધું હતું કે, ''રતન''ના બધા જ ગીતોની ધૂન ગીતકાર પંડિત દીનાનાથ મધોકે બનાવી હતી.'' અંગત જીવનમાં ફિલ્મની હીરોઇન ફિલ્મની વાર્તાની જેમ જ, પોતાનાથી ૨૦-વર્ષ મોટા નઝીરને પરણી હતી.

સત્ય સુધી... હવે તો એ ફિલ્મ રજુ થયાના આજે ૭૦-વર્ષો પછી પહોંચી શકાવાનું નથી.

હવે, આ વાતમાં થોડું ય તથ્ય દેખાય તો સંગીતકાર નૌશાદના લલાટ ઉપર આ મોટ્ટું ધાબું આવી જાય. સ્વર્ણલતા મૂળ સીખ્ખ પરિવારની દીકરી હતી. એ પછી એ સમયના ઍક્ટર-ડાયરેક્ટર નઝીર મુહમ્મદને પરણીને પાકિસ્તાન ગઇ ને ત્યાં એણે ઈસ્લામ કબુલ કર્યો ને નામ રાખ્યું, 'સઇદા બાનુ'.

કૃષ્ણ ટૉકીઝમાં શ્રી. રાવલ સાહેબે '૩૭-ની સાલથી સેવાઓ આપી હતી. તેમના કહેવા મુજબ 'રતન' કૃષ્ણ સિનેમામાં ૩૭-સપ્તાહ ચાલ્યું હતું. અમદાવાદના કલાકાર રમેશ પટેલને પણ થીયેટરોમાં આવેલી ફિલ્મો વિશે સારી જાણકારી છે.ફિલ્મ 'રતન'ના ગીતોની સાથે સંવાદોની પણ એક અલગ રૅકોર્ડ 'સ્ટોરી સૅટ'ને નામ બહાર પડી હતી.

ફિલ્મ 'રતન'ના ગીતોની સાથે સંવાદોની પણ એક અલગ રેકોર્ડ 'સ્ટોરી સેટ' ને નામે બહાર પડી હતી.

નૌશાદ શબ્દના પણ જાણકાર હતા. પોતાની બે-ત્રણ ફિલ્મોની વાર્તા જ નહિ, મોટા ભાગના ગીતો પણ તેમણે લખ્યા હતા. ટૅકનિકલી ક્રેડિટ શકીલ બદાયૂનીને આપવી પડે, માટે મારા-તમારા સુધી વાત ન પહોંચી.

ફિલ્મ 'દિલ દિયા, દર્દ લિયા'ના લતાએ ગાયેલા 'ફિર તેરી કહાની યાદ આઈ...' મુખડું નૌશાદે લખ્યું હતું. અનેક ગીતો એમણે લખ્યા હતા, જે શકીલને નામે ચઢાવવા પડયા હતા. ફિલ્મ 'રતન'ની વાર્તા આજે ચીલાચાલુ લાગે કારણ કે દસ્તુર મુજબ, એક ફિલ્મ હિટ જાય, એટલે એમાંથી જેને જે ફાવે એ ઉઠાવતું જાય અને પોતાની ફિલ્મમાં પોતાના નામે નાંખતું જાય. આમ તો ટિપીકલ પ્રેમભંગની જ કહાની, પણ ફરક એટલો કે, નાનપણના પ્રેમીઓ કરણ દીવાન અને સ્વર્ણલતાના લગ્ન થઈ શકતા નથી ને ગામડાઓમાં બનતું, તેમ આ નાની હીરોઇનના લગ્ન મોટી ઉંમરના પુરૂષ) વાસ્તી સાથે થઈ જાય છે, એમાં વાસ્તી પોતે નાની વહુને સ્વીકારતો નથી, નૈતિક રીતે. એને ખબર નહોતી કે, એની ભાભીએ ઉંમરનો લિહાજ રાખ્યા વગર નાની છોકરીને મારી સાથે પરણાવી દીધી છે. ફિલ્મનું નામ અને કેન્દ્રસ્થાન પણ 'રતન' વાસ્તીને અપાયું છે. વાસ્તીને તમે નાસીર હૂસેનની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં જોયો હશે. મોટા ભાગે આશા પારેખનો બાપ બને ને ફિલ્મ પૂરી થયા સુધીમાં આશાને કૅન્સલ કરીને હીરોનો બાપ બની જાય. મૂળ નામ રિયાસતઅલી વાસ્તીના પિતા ન્યાયાધીશ હતા અને ૧૯૯૬-માં આ માણસ મરી ગયો, તે પહેલા મુંબઇના ચર્ચગેટ પાસે એ ભીખ માંગતી અવદશામાં ઘણાને જોવા મળ્યો હતો. 'ફિલ વો હી દિલ લાયા હૂં'માં એ શરૂઆતમાં આશા પારેખનો અને ફિલ્મ પૂરી થતા સુધીમાં જૉય મુકર્જીનો-બાપ બને છે.

ફિલ્મ 'રતન'નો હીરો અને પ્રોડયુસર (મોટા ભાઈ જેમિની દીવાનની આ ફિલ્મ હતી. એટલે બાય ડીફૉલ્ટ કરણ પણ નિર્માતા કહેવાય?) કરણ દીવાન ખૂબ હૅન્ડસમ હતો, પણ બાકીનું બધું સ્ત્રૈણ્ય હતું. અવાજ છોકરી જેવો, હલનચલનમાં ક્યાંય મર્દાનગી ન લાગે તેમ જ, 'રતન'માં એના કરતા હીરોઇન સ્વર્ણલતા વધારે 'મરદ' લાગતી હતી, પણ જે જમાનામાં મૅટ્રીક-પાસને ''બહુ મોટો ભણેશ્રી ના જોયો હોય તો...'' કહીને તાના મારતા, એ જમાનામાં કરણ દીવાન ગ્રૅજ્યુએટ થયો હતો. 'રતન'માં સાઈડ હીરોઇન બનતી નાની કિશોરી, જે ફિલ્મમાં વાસ્તીની બહેન બને છે તે મંજૂ આ જ ફિલ્મથી કરણ દીવાનના પ્રેમમાં પડી ગઇ અને બન્નેએ લગ્ન કરી લીધા, એ હિસાબે કોઈપણ હિંદી ફિલ્મમાં પતિ-પત્ની બન્ને ગાયક અને અભિનેતા/ત્રી હોય, તેવો આ પહેલો અને છેલ્લો કિસ્સો છે. સુરતના વિખ્યાત ફિલ્મઈતિહાસવિદ શ્રી હરિશ રઘુવંશીના પુસ્તક 'ઈન્હેં ના ભૂલાના' મુજબ આ બન્ને સાત સંતાનોના માત-પિતા હતા.

આવી જૂની ફિલ્મોના ટાઈટલ્સ વાચતા ક્યારેક અચરજ રહે કે, જે તે કલાકારના નામની સામે સૌજન્ય... ફલાણા-ઢીકણા સ્ટુડિયો' કેમ લખ્યું હોય છે? જેમ કે, આ આખી ફિલ્મમાં ઠેકઠેકાણે 'કર્ટસી: કારદાર સ્ટુડિયો-પરેલ' લખ્યું છે. મંજુને પણ રાજકમલ સ્ટુડિયોનું સૌજન્ય મનાયું છે અને તે એટલા માટે કે, એ જમાનામાં ઘણા કલાકારો પગારથી જે તે સ્ટુડિયો સાથે બંધાયેલા હતા અને બીજે કામ ન કરી શકે. સંબંધ ખાતર એકબીજા આવા કલાકારો સાટાપધ્ધતિમાં અપાય-લેવાય, ત્યારે આવું સૌજન્ય ફિલ્મના ટાઈટલ્સમાં લખવાનો રિવાજ હતો.

યસ. ફિલ્મ એ જમાનામાં ખૂબ ચાલી હતી. તેનો સહેજ પણ અર્થ એવો નથી કે, આજે આ ફિલ્મની સીડી મંગાવીને જુઓ તો ખુશમખુશ. અહીં એક દ્રષ્યમાં સ્વર્ણલતા આંખોને નેજવું બનાવીને પ્રિયતમના આવવાની રાહ તકે છે, પણ સૂરજ એની પાછળ હોય છે. ફિલ્મો સામાજીક વધુ બનતી એટલે એમાં મૅલોડ્રામા હોય જ. કૉમેડી કોઇને લખતા આવડતી નહોતી, એટલે એનું સ્તર હાસ્યાસ્પદ લાગે. કોરિયોગ્રાફર્સ નહોતા. ગીત દરમ્યાન હીરો-હીરોઇને આવડે એટલા જ હાથપગ હલાવીને ડાન્સ જેવું લાગે, એવું હલવાનું.

ફિલ્મ સારી હતી કે કેવળ સંગીતને કારણે સારી હતી, એની ચર્ચામાં પડવા જેવું નથી. આજે ૭૦-વર્ષ પછી ય આ ફિલ્મ માટે લખવું પડે છે ને...? આજની કોઇ ફિલ્મ માટે હવેના ૭૦-વર્ષ પછી કાંઇ લખાશે?

28/08/2013

હૉટૅલની અંદર

ઘર અને હોટેલની રસોઇ વચ્ચે ફક્ત વાળ જેટલો જ ફરક હોય છે. ઘરની દાળમાં વાઈફનો વાળ આવે ને હોટેલની દાળમાં ત્યાંના શૅફ (રસોઇયા) કાળુજી મનુજીનો વાળ આવે ! પૂછી શકાતું નથી ને પૂછીએ તો કોઇ સાચું કહેતું નથી કે, મોટા ભાગના લોકો હોટેલમાં લંચ-ડિનર માટે, ફક્ત ઘરની રસોઇથી 'બચવા' માટે જાય છે...જેટલું લાંબુ જીવવા મળ્યું એટલું હરિઓમ ! સુઉં કિયો છો ? ડૉક્ટરો તમને કોઇ રીઍક્શન નથી આવતું ને, એ જોવા માટે ઈન્જૅક્શન આપીને, અડધો કલાક બેસાડી રાખે છે, એમ હોટેલવાળા જમાડયા પછી બેસાડી રાખતા નથી, પણ ઘેર તો ફરજીયાત બેસી રહેવું પડે છે ને મોટા ભાગે રીઍક્શન્સ આવે છે. પબ્લિકનો માર ખાધા પછી ફૂટપાથ પર બેઠા બેઠા માંડ કળ વળી હોય, એવા ઢીલા થઇને સોફાના ખૂણામાં પડયા હો, ત્યાં પેલીનો પહેલો સવાલ આવે, ''આજ કેમ કાંય બોયલાં નંઇ કે ઢોકરાં કેવા થિયાં'તા....? તમને તો બાજુવારી કલ્પુડીના ઢોકરાં જ વધારે ભાવે છે ને મેં તો કેમ જાણે સાયકલના ટાયર-ટયુબમાંથી ઢોકરાં બનાઇવાં હોય, એવા મોંઢા કરીને બેઠા છો, તી !'

આપણામાં એવું તે કહેવાની કેટલી હિમ્મતો બચી હોય કે, સરખા મસાલા પડયા હોય તો દાંત વડે ખેંચી ખેંચીને સાયકલના ટયુબ-ટાયરે ખવાઇ જાય...પણ માંઇ, તારા ઢોકળાં....? સાલી ગાયોના પેટોમાં ય આફરાં ચઢાવે એવા હોય છે ! કોઇ પંખો ચાલુ કરો !

હોટેલમાં જમવા હરકોઇ મોટા ઉમંગો લઇને જાય છે. ભોળા ગોરધનો એવું માને છે કે, ''એને ય બિચારીને અઠવાડીયામાં એક દિવસ તો રસોઇમાંથી આરામનો મળવો જોઇએ ને !'' એટલે વાઇફો પણ ચટકમટક કરતી હોટેલમાં જવા ખુશમખુશ હોય છે...''

ચટક મટક...? માય ફૂટ !

સાલું કેવું લાગે ? હોટેલમાં જમવા જવાનું છે, એટલે લાઇફનો ઘણો મોટો પ્રસંગ ગણાય, એમ સમજીને વાઇફો ભારે સાડી કે મોંઘા ડ્રેસ પહેરીને મોટી ગાડીમાંથી બડી શાનથી ઉતરે...ને ઉતરીને સીધી લાઈનમાં ઊભી રહેવા જાય ! તારી ભલી થાય ચમની, આ પરિસ્થિતિમાં તો તું ગાભા ને ડૂચાં પહેરીને આવી હોત તો ય જમવાનો ચાર્જ આટલો જ આપવો પડત !....ઘરના ડ્રૅસિંગ-ટૅબલ સામે અઢી કલાક ખોટી વાંકી ચૂકી થતી'તી, ને ? અહીં આવ્યા પછી બીજીઓની જેમ જ બૌધ્ધ-ભિક્ષુણીઓની જેમ કેવી લાચારીથી ઊભી રહી ગઇ છે ?

વાઇફ લોકો ય પોતાની રસોઇથી તૌબા હોય છે ને વીકમાં એક વખત તો જમવાનું ''સારૂં'' મળવું જોઇએ ને, એ આશાએ લાઈનોમાં ઊભી રહે છે.

આહલાદક દ્રષ્યો હોટેલની અંદર જોવા મળે છે. કેદારનાથ-ઉત્તરાખંડની હોનારત પછી બચી ગયેલા યાત્રાળુઓને એક ચોગાનમાં જમવા બેસાડી દીધા હોય, એમ અહીં સહુ હળીમળીને જમવા બેસી ગયા હોય છે. થાળી ન પિરસાય ત્યાં સુધી, હોનારતવાળા અને આ લોકોના મોંઢાના હાવભાવો કે હાલતમાં કોઇ ફરક હોતો નથી.

આમ ધંધામાં કે ઑફિસમાં મોટા ફાંકા મારતો હોય, પણ હોટેલ કે કલબમાં ડિનર ''સર્વ' થવાની રાહ જોવામાં, બેઠો બેઠો ટૅબલ પરની ટુથપિક્સ તોડવા માંડયો હોય. એના મોંઢા સામે આપણાથી તો જોયું જોવાય નહિ. ભૂખ્યો ડાંહ થઇ ને ઘેરથી ફૅમિલી સાથે નીકળ્યો હોય, બહાર આટલી રાહો જોયા પછી અંદર માંડ નંબર આવ્યો હોય, એમાં ય ઑર્ડર લેવા કોઇ આવતું ન હોય, એટલે ભૂરાયો થવા માંડે. એ જાણે છે કે, હાથમાં પકડેલો ચમચો કે ફૉર્ક એનાથી વળવાનો નથી, તો ય મસળે રાખશે. બેબાકળો થઇને એ જ ચમચાનો ખૂણો કાનમાં નાંખીને ગોળગોળ ફેરવશે. ખંજવાળ-બંજવાળ જેવું કશું ના આવ્યું હોય, પણ પિરસાય નહિ ત્યાં સુધી કરવું શું, એ મૅનુમાં કાંઇ લખ્યું ન હોય, એટલે જેવો આવડે એવો ચમચો રમાડે રાખવાનો. કોઇ નહિ ને વૅઇટરો એના નાનપણના સાથી હોય, એમ ભૂખ્યાપેટે બધા વૅઇટરોને લેવા-દેવા વગરના સ્માઇલો આલવા માંડે છે.' ''અરે ઓ આસમાંવાલે બતા ઇસ મેં બુરા ક્યા હૈ, ખુશી કે ચાર ઝૌંકે ગર ઇધર સે ભી ગૂઝર જાયેં...'' એવું આવડો આ વૅઇટરો માટે ગાવા માંડે છે.

પેલા ય જાણતા હોય કે, ''ડોહો ભૂખાવડો થયો છે, એમાં અત્યારે આટલો વાંકો વળે છે....જમી લીધા પછી પાંચ રૂપિયા ય ટીપ આલવાનો નથી.''

આ બાજુ એનું અડધીયું ય જોવા જેવું હોય છે. જુવાન હોય તો, ''આવી હોટેલમાં તે અવાતું હશે ?'' એવો વચકો કાઢીને મોંઢું ચઢાઈને બેઠી હોય ને આપણી ઉંમરનું હોય તો બે વૃદ્ધ સાધુઓ ગીરનારની પરિક્રમા કરીને ગીરી-તળેટીમાં થાક્યાપાક્યા ભિક્ષાની અપેક્ષાએ આવતા-જતાની સામે જોતા બેઠા હોય, એવી આ ય બેઠી બેઠી આવતા-જતા વૅઇટરો સામે ''પાઈ-પૈસો નાંખતા જજો, માંઇ-બાપ'ની લાલચે બેઠી હોય. જે વૅઇટર પસાર થાય, એને પૂછી જુએ, ''હજી કૅટલી વાર છે ? ભાઇ, જલ્દી કરો.....અમારો તો વારો જ આવતો નથી...''

ભૂખ્યા પેટે આવા ઘાંઘા થવામાં તો મારી વાઇફથી, જમીને ઊભા થયેલા ગ્રાહકને પૂછાઇ ગયું હતું, ''ઓ ભા'આ...ય, અમે આંઇ હવાર-હવારના ગુડાણા છીએ...હવે અમારી થાળીયું લિ આવો હડી કાઢતા....! માણહ છીએ...ભૂયખું નો લાગી હોય...?''

પેલો જે કાંઇ સમજ્યો હોય પણ બોલ્યો એટલું કે, ''માજી છુટા નથી...આગળ જાઓ.'' એ મૅનેજર ઉપર ખીજાણો પણ ખરો કે, આ લોકો ઉપર સુધી આવી જાય છે ને તમે કાંઇ ધ્યાન રાખતા નથી...?

હોટેલમાં ગમ્મત કરાવે એવી એક વાત એ જોવા જેવી હોય છે કે, ઑર્ડર આપતા પહેલા મૅન્યુ વાંચતા આમ તો કોઇને આવડતું નથી, પણ નર્મદા કિનારે પંડાઓ પાસે પોતાની સાત પેઢીનો ઈતિહાસ વાંચવા બેઠો હોય, એમ આવડો આ મૅન્યુ વાંચવા ઉપર ચઢી જાય છે. સમજ કેટલી પડે છે, એ પછીનો પ્રશ્ન છે, પણ વાંચશે ખરો. સાલું, આપણે રહ્યા પુરી, શાક ને મગની દાળના માણસો, પણ અહીં આવીને ઑર્ડર મૅક્સિકનનો આલવા માંડે. એ તો વૅઇટર ધ્યાન દોરે ત્યારે ખબર પડે કે, આખો ઓર્ડર સમજીને ભ'ઇએ આઠે આઠ સૂપનો ઓર્ડર લખાવી દીધો છે. સાલું, આપણે જનમજાત ચાયનીઝ કે મૅક્સિકન રસોઇયા થોડા છીએ તે એ લોકોની બધી ડિશોની સમજ પડે !

કબુલ કરો તો ભાગ્યે જ કોઇને ઓર્ડર આપતા આવડે છે. લોકો ચાયનીઝના બહુ ફાંકા મારતા હોય છે. હકીકત એ છે કે, ઇન્ડિયામાં મળતી એકે ય ચાયનીઝ ડિશ ખુદ ચાયનામાં મળતી નથી. હું ચીનમાં ઘણું ફર્યો છું, પણ ત્યાંની એકે ય હોટેલ-રેસ્ટરાંમાં આપણા જેવા મંચૂરીયન-ફંચૂરીયનના કોઇએ નામે ય સાંભળ્યા નથી...ને અહીં આપણા દેસી બલૂનો ધાપા મારે કે, ''મને તો ચાયનીઝ સિવાય કાંઇ ફાવે જ નહિ !'' બૈરૂં કૂકરવાડાનું ઉઘરાઇ લાયો હોય ને હોટેલમાં ચાયનીઝ ને મૅક્સિનના લાળાં નાંખે ! તારી ભલી થાય ચમના, પહેલા મૅન્યુ વાંચતા શીખ. હજી તો સ્ટયૂઅર્ડને બોલાઇને પૂછે છે, ''આ કઇ આઈટમ છે ?'' ત્યારે પેલાએ કહેવું પડે છે, ''સા'બ...વો આઇટમ નહિ હૈ...વૅટ ટૅક્સ હૈ...!''

ઓકે. બધી ડિશો સર્વ થઇ ગયા પછીનો મામલો ય ગંભીર હોય છે. જમતા-જમતા બાજુવાળાએ શું મંગાવ્યું છે, એ જોવાનું કોઈ ચૂકતું નથી ને જોઇ લીધા પછી, ''આવું આપણે મંગાવ્યું હોત તો સારૂં હોત !'' એવો પેલા જૉકની જેમ જીવ બાળવાનો કે, તાજા લગ્ન પછી હનીમૂનમાં બાજુના સ્યૂટમાં ઉતરેલા કપલને જોઇને આ બન્નેને એ જ ફીલિંગ થાય છે કે, ''આવું આપણે લઇ આયા હોત તો વધુ સારૂં હોત !''

ગમે તેમ તો ય આપણી ક્લબો કે ડિનરોમાં દેસી બલૂનો પરાણે ય જોવા તો પડવાના જ. સાલાઓ પોતે જમી લે, એટલે લાઉડ-સ્પીકરમાં ખાવાના હોય એટલા મોટા મોટા ઓડકારો ખાતા ખાતા આપણી પાછળથી પસાર થાય. ચાલવાનું તો જાવા દિયો, હલી ન શકતા હોય, એટલું દાબ્યું હોય. કેટલાક દેસીઓ પોતે જમી લીધું છે, એટલું બતાવવા જડબાં ફાડીને મહીં આપણા દેખતા ટુથપિક્સ નાંખીને ગોળગોળ ફેરવે. છીઇઇઇ...પાછો એ જ ટૅબલ પર લૂછે, એટલે એની પછી આવીને એ ટેબલ પર બેસનારો તો મરે ને ? કોલસાની ખાણમાં મજૂર પાવડો નાંખતો હોય, એમ વરીયાળીનો આવડો મોટો મૂઠ્ઠો ભરે...રામ જાણે, ઘેર જઇને વરીયાળીનું શાક બનાવવાનો હોય !

પણ બસ...એક વાર જમાઇ ગયું, એટલે શહેનશાહ થઇ જવાનો ! હોટેલના દરવાજે ભટકાતો ભટકાતો જાય. 'અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા...'ના ધોરણે જતા જતા સાલો એક અવાજ એવો છોડતો જાય જેની બુલંદી અને અસરથી રિબાઇને હજી જમી રહેલાઓ હૉટેલનો નૅપકીન નાક ઉપર દાબી દે.

જયઅંબે.

સિક્સર

અમેરિકાથી સતિષ શાહે મોકલેલ એક સુંદર વન-લાઇનર આવી છે :
પુરૂષ અને સ્ત્રી વચ્ચે ફરક એટલો કે, સ્ત્રી પુરૂષ તેની તમામ જરૂરતો પૂરી કરે એવું ઇચ્છે છે, જ્યારે પુરૂષ બધી સ્ત્રીઓ ભેગી થઇને એની બસ...એક ઇચ્છા પૂરી કરે, એમ ઇચ્છે છે.

25/08/2013

ઍનકાઉન્ટર 25-08-2013

1 આપની આત્મકથા લખવાની ક્યારે શરૂ કરશો ?
- મને જુઠ્ઠું બોલવાની હૉબી નથી.
(અરવિંદ આર. પટેલ)

2 શું 'ઍનકાઉન્ટર'માં બુદ્ધિશાળી વાચકો પ્રશ્ન પૂછી શકે ?
- તમને છૂટ છે.
(રસેન્દુ પાઠક, વડોદરા)

3 રાજ ઠાકરે કહે છે, મુંબઈ અમારૂં છે. મોદી કહે છે, 'ગુજરાત અમારૂં છે.' તમે સુઉં કિયો છો ?
- એ બન્નેની વફાદારી પરફેક્ટ છે. જેનું ખાય છે, એનું ખોદતા નથી.
(તસ્નીમ હકીમુદ્દીન વ્હોરા, ઉમરેઠ)

4 ધર્મગુરૂઓ અને નેતાઓના પ્રવચનો વચ્ચે શો ફરક ?
- બન્ને આપણા દેશને માથે પડેલા છે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

5 રાજા દશરથે કાન પાસે થોડા સફેદ વાળ જોયા ને ગાદી છોડવાનો નિર્ણય લીધો. મનમોહનનું કેમનું છે ? એમનું તો બધું ધોળું છે.
- ડોહા ! રોજ બંડીના ખિસ્સા તપાસી લે છે. એમાં ય ધોઇ આવી ગયા નથી ને ?
(ઘનશ્યામ આચાર્ય, આંબરડી- જસદણ)

6 પાકિસ્તાને પાછા પાંચ જવાનોને મારી નાંખ્યા. સરકાર આટલી નમાલી ?
- નમાલી નથી. મોટા ભાગે તો ૮-૧૦ વર્ષમાં પાકિસ્તાનને કડક ચેતવણી આપવાની છે.
(ડી. એમ. ચીતલીયા, મુંબઈ)

7 આજના ભારતમાં પણ અમીચંદો અને મીર જાફર જેવા ગદ્દારોની કમી નથી, છતાં જનતાની આંખ ઉઘડતી કેમ નથી ?
- કોંગ્રેસ નામનો 'કન્ઝક્ટિવાઈટીસ' લાગ્યો છે.
(યુસુફ મનસુરી, મેહસાણા)

8 સંકટ સમયે 'ઓય માં' બોલાય જાય છે.. 'ઓ પિતાજી' કેમ નહિ ?
- સંકટ સમયે પિતાજી પણ આપણી માંને જ યાદ કરે છે !
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

9 ભારતમાં ક્રિકેટ પાછળ સમયની આટલી બર્બાદી કેમ ?
- કારણ કે, સમય કિંમતી છે.
(અજીત/અજય ટાકોર, પાલનપુર)

10 શું હાસ્યલેખકો સદા ય હસતા રહે છે ખરા ?
- યસ. આપણો એકએક હાસ્યલેખક ખૂબ હસમુખો છે. પોતે ય હસે છે ને બીજાઓને ય હસાવે છે.

11 મર્યા પછી જ માણસ ફૅમસ કેમ થાય છે ?
- આવી ઉતાવળ શું કામ કરો છો ?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

12 એકે ય રાજકારણીએ આપઘાત કર્યો હોવાનું જાણમાં નથી. સુઉં કિયો છો ?
- વાહ. ખેડબ્રહ્મામાં બેઠા બેઠા ય તમને કેવા આદર્શ વિચારો આવે છે ? ત્યાં જ માતાજીને પ્રાર્થના કરો કે, કોક રાજકારણીને સદબુદ્ધિ આપે.
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

13 જુઠને સફેદ જુઠ પણ કહેવાય છે, કાળું કેમ નહિ ?
- હવે તો માંગો એ રંગોમાં મળે છે, બૉસ... ખાલી કરવાનો ભાવ છે !
(ઓ. વી. સાગર, રાજકોટ)

14 ભારતમાં મંદિરો અને મસ્જીદોનો વહિવટ કરનારા બન્નેને પોતાની મિલ્કત સમજે છે ?
- છેલ્લે પ્રશ્નાર્થ કાઢી નાંખો, ભ'ઈ !
(ઈબ્રાહીમ દીવાન, મીયાંગામ-કરજણ)

15 પહેલાના જમાનામાં છોકરો છોકરીનો ફોટો જોઈને પણ લગ્ન માટે પસંદ કરી લેતો. આજ ?
- આજે એટલો બેવકૂફ નથી.
(મહેશ સી. શાહ, અમદાવાદ)

16 જો તમને વ્યંઢળોના સમાજમાં પ્રવચન આપવાનું આવે તો સંબોધનમાં શું કહો ?
- મારી સમજ મુજબ, સમાજનો આ પણ સન્માન્નીય વર્ગ છે.
(દિલીપ ધંધૂકીયા, અમદાવાદ)

17 પહેલાના જમાનામાં પત્ની શા માટે પતિનું નામ દઈને ન બોલાવતી ?
- એને એના કામમાં રસ હોય, નામમાં નહિ !
(જયેશ અંતાણી, ભાવનગર)

18 ફાંસી પહેલા અંતિમ ઈચ્છા કેમ પૂછાય છે ?
- બોલો. તમારી ઈચ્છા બોલો.
(દિનેશા મોદી, પાટણ)

19 ફિલ્મોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ રાજ કપૂર કે સત્યજીત રેની જેમ મૃત્યુ સમયે જ કેમ અપાય છે ?
- એટલે જ મને નથી મળતો.
(સાધના નાણાવટી, જામનગર)

20 તમારા પત્નીનું સાચું નામ તમે કેમ લખતા નથી ?
- તમારા વિનયની કદર કરૂં છું કે, એવું નથી પૂછ્યું કે, 'તમારી સાચી પત્નીનું ખોટું નામ કેમ લખતા નથી ?' જય હો.
(ડૉ. મીનાક્ષી નાણાવટી, જૂનાગઢ)

21 મારા સવાલમાં મારી અટક 'દેશપાડે'ને બદલે 'દેસાઈ' લખી છે.
- માણસોને ઉકલે એવા અક્ષરો કોઈ દેશપાડે પાસે કઢાવી સવાલ લખાવશો.
(અરવિંદ દેશપાંડે, વિજલપુર)

22 સાચા સંતપુરૂષની પરખ શું ?
- આ સવાલ સંતપુરૂષને જ પૂછાય. તમારામાં એ પરખ છે.
(સુમન વકુકૂળ, રાજકોટ)

23 પાનેતર લાલ રંગનું જ કેમ હોય છે ?
- પુરોહિત તમે છો ને પૂછો છો મને !
(સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

24 ડિમ્પલ કાપડીયા વિધવા થયા પછી આશ્વાસન માટે તમે એમને અમદાવાદ બોલાવ્યા હતા ?
- અમારામાં અમારે જવાનું હોય... ત્યાંથી ન બોલાવાય !
(અરૂણકુમાર વ્યાસ, અમદાવાદ)

25 રાજકારણીઓના સફેદ કપડાંનું રહસ્ય શું ?
- ઈન ઘેટ કેસ... તમને એમના કપડાં દેખાય છે ખરા...! ગૂડ.
(અશોક અરોરા, આણંદ)

26 મોટી ઉંમરનાં પુરૂષને મહિલા સાથે દોસ્તી હોય, છતાં એને 'બૉયફ્રેન્ડ' કેમ કહેવાય છે ?
- તમે.. આમ.. અમને બધાને.. લલચાવો નહિ...! કોઈ પંખો ચાલુ કરો.
(તુલસીભાઈ ભાટીયા, મુંબઈ)