Search This Blog

30/08/2013

'રતન' ('૪૪)

ફિલ્મ : 'રતન' ('૪૪)
નિર્માતા : જમુના પ્રોડક્શન્સ
નિર્દેશક : એમ. સાદિક
સંગીત : નૌશાદઅલી
ગીતો : પંડિત દીનાનાથ મધોક
રનિંગ ટાઈમ : ૧૮-રીલ્સ : ૧૧૮-મિનીટ્સ
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : સ્વર્ણલતા, કરણ દીવાન, મંજૂ, વાસ્તી, ગુલાબ, રાજકુમારી શુક્લા, પંડિત બદ્રીપ્રસાદ, અઝૂરી, ચંદાબાઈ.



ગીતો

૧. રૂમઝૂમ બરસે બાદરવા, મસ્ત ઘટાયેં છાયી... - જોહરા અંબાલેવાલી
૨. અખીયાં મિલા કે, જીયા ભરમા કે, ચલે નહિ જાના... - જોહરા અંબાલેવાલી
૩. પરદેસી બાલમ આ, બાદલ આયે, તેરે બીના કછુ... - જોહરા અંબાલેવાલી
૪. જબ તુમ હી ચલે પરદેસ, લગાકર ઠેસ ઓ પ્રીતમ... - કરણ દીવાન
૫. અંગડાઈ તેરી હૈ બહાના, સાફ કહે દો હમેં હૈ જાના જાના... - મંજૂ
૬. સાવન કે બાદલોં, ઉન સે યે જા કહો... - જોહરા-કરણ
૭. આઈ દીવાલી, આઈ દીવાલી, દીપક સંગ નાચે... - જોહરા અંબાલેવાલી
૮. જાનેવાલે બાલમવા, લૌટ કે આ લૌટ કે આ... - અમીરબાઈ-શામકુમાર
૯. મિલ કે બિછડ ગઇ અખીયાં, હાય રામા મિલ કે... - અમીરબાઈ કર્ણાટકી
૧૦. જૂઠે હૈં સબ સ્વપ્ન સુહાને મૂરખ મન સચ ન જાને... - મંજૂ

દાદા બર્મને એમના નોકરને પધ્ધતિસરનો ખખડાવી નાંખ્યો, ''સાલા નોકરી મારી કરે છે ને ગીતો નૌશાદના ગાય છે?'' એટલે એમાં એવું હશે કે, સચિનદેવ બર્મન કરતા એમના નોકરમાં સંગીતની સમજ વધુ હશે એટલે નૌશાદની ફિલ્મ 'રતન'ના ગીતો બર્મન દાદાના ઘરમાં ય ગુનગુનાવે રાખે. બર્મન દાદાના દરવાજે દૂધવાળી દૂધ દઈને જતી રહી હોય ત્યારે ય પેલો ગાતો હશે, 'ઓ જાનેવાલે બાલમવા, લૌટ કે આ લૌટ કે આ...' ડોહાનો પિત્તો તો ગયો, પણ લૉજીક ધીમે ધીમે સમજાવા માંડયું, 'સામાન્ય માણસ પણ ગુનગુનાવી શકે, એવા ગીતો બનાવો તો દેશ આખો ગાશે...' સંગીતના મામલે (આપણો તો આખો દેશ સામાન્ય હતો!) બંગાળી અસરમાં બર્મન દાદા ય સાયગલ-પંકજના પ્રવાહમાં તણાઈને શાત્રોક્ત ગીતો બનાવતા, જે દેખીતું છે, સામાન્ય માણસ ગુનગુનાવી ન શકે.

એ ગીતોએ ધૂમ કેવી મચાવી હશે, એનો અંદાજ આપણને અત્યારે નહિ આવે. નૌશાદે 'રતન'થી આ કરી બતાવ્યું કે પાનવાળો કે ટાયર-પંક્ચરવાળો ય ગીતો ગુનગુનાવી શકે. નૌશાદમીયાંએ લોકોને ગાતા કરી નાંખ્યા એક મસ્તીભર્યા ફેરફારને લઈને! (સૉરી, એક નહિ, બે ફેરફારો વાંચવું!) પહેલો એ કે, ૧૯૩૧-માં પહેલી બોલતી (ટૉકી) ફિલ્મ શરૂ તઈ, ત્યારથી ૧૯૪૪-માં આ ફિલ્મ 'રતન' આવી, ત્યાં સુધીની બધી ફિલ્મોના બધા ગીતો આમઆદમીના કાને પડતા નહોતા, પડતા એટલા સમજાતા નહોતા, સમજાય એટલા પોસાતા નહોતા... ગ્રામોફોનની એક રૅકર્ડ પાછળ રૂ. ૦.૪૦ પૈસાનો જંગી ખર્ચો કરવો પડતો. આ, ૪૦-પૈસાને 'જંગી ખર્ચો' ગણાવી અમે કોઈ મોટી હ્યૂમર નથી મારી... હકીકત એ હતી કે ૪૦-પૈસા સામાન્ય માણસ માટે મોટી રકમ ગણાતી.

બીજું કારણ એ કે, સાયગલ, કાનનદેવી, પંકજ મલિક કે કે.સી.ડે સિવાયના ગીતો ઘેર ઘેર નહોતા ગવાતા અને આ લોકોના ગીતો ય એક હદ સુધી જ લોકપ્રિય. સામાન્ય માણસ 'બાબુલ મોરા....' ગુનગુનાવી ય ન શકે, એવું અઘરૂં પડતું. નૌશાદે ફિલ્મ સંગીતની આ બધી જટિલતાઓ કાઢી નાંખી અને ગીતો ગાવામાં સરળ પડે એવા બનાવ્યા ને એનો સીધો ચમત્કાર એટલે ફિલ્મ 'રતન'ના ગીતો.

'રતન'માં નૌશાદે બીજી પણ વિરાટ ક્રાંતિ આણી. ત્યાં સુધીના તમામ ગીતોમાં મૅલડી મુખ્ય હતી, રીધમ નહિ. હવે યાદ કરો સાયગલ કે પંકજના ગીતો. એ લોકો ગાય એટલું જ મહત્વનું... એ સિવાય સ્થાયી અને અંતરા વચ્ચેનું ઈન્ટરલ્યૂડ મ્યુઝિક પણ જગ્યા ભરવા પૂરતું, પણ એમાં ય ઢોલક-તબલાંને કોઈ સ્થાન જ નહિ. રીધમનો ઠેકો સૂરને તાલ આપવા પૂરતો અછડતો વાગતો રહે, બાકી ગીતમાં તબલાં ય મટકી જેવા વાગે.

નૌશાદે 'રતન'થી આ ક્રાંતિ લાવી દીધી. દરેક ગીતમાં રીધમ-સૅક્શનનું ગીતના બોલ જેટલું જ મહત્ત્વ. એક નાનો દાખલો આપું તો, મંજુના ગીત, 'અંગડાઈ તેરી હૈ બહાના, સાફ કહે દો હમેં કે જાનાજાના'ના અંતરામાં, '...દિલ કી ધકધક...યે કહે રહી હૈ' વખતે હૃદયના ધબકારા જેવું ઢોલક વાગ્યું છે, તો મને યાદ છે, હું એટલો પીસ સાંભળવા ગીત વારંવાર વગાડતો. 'ઓ જાનેવાલે બાલમવા...'માં તો આખું ગીત ઢોલક-તબલાંથી ભરચક ભરીને નૌશાદે પ્રેક્ષકોને થીયેટરોમાં નચાવ્યા હતા. આ ગીત આજ સુધી લોકપ્રિય છે. કિશોર-મહેમુદની ફિલ્મ 'પડોસન'માં યાદ હોય તો ગુરૂ કિશોર કુમાર એના ચેલા સુનિલ દત્તને કહે છે, ''ભોલા, કોઈ ગીત સુનાઓ'' તો ભોલો 'ઓ જાનેવાલે બાલમવા...'ની એક ટુંક સંભળાવે છે.

આખી વાતનો સાફ મતલબ એ કે, હિંદી ફિલ્મોમાં પર્કશન્સ (રીધમ-સૅક્શન)નો વ્યવસ્થિત ઉપયોગ નૌશાદે કર્યો. ઓકે. ઉપરની વાતમાં રીધમ સમજવામાં તબલાંની સાથે ઢોલકનો પણ મેં ઉલ્લેખ કર્યો છે, એ કેવળ વાતમાં વજન મૂકવા માટે. વાસ્તવિકતામાં ફિલ્મોમાં ઢોલકનો પ્રારંભ નૌશાદે નહિ, એમના આસિસ્ટન્ટ સંગીતકાર ગુલામ મુહમ્મદે કર્યો હતો, જે મૂળભૂત રીતે તબલચી હતા (ઢોલકચી નહિ, તો ય!)

વર્ષો પહેલાં અમદાવાદની સન્માન્નીય ''ગ્રામોફોન ક્લબ''નો હું સ્થાપક-સૅક્રેટરી હતો, ત્યારે સ્ટેજ પરથી મેં નૌશાદ સાહેબનો ઈન્ટરવ્યૂ લીધો હતો.

નૌશાદે પોતે કીધેલી વાત છે. '૪૪-ની સાલમાં 'રતન' આવી, ત્યારે જ નૌશાદના લગ્નની બારાત નીકળી રહી હતી ને બૅન્ડવાજાઓ ''રતન''ના ગીતોની ધૂનો વગાડે જતા હતા. એમાંના કોઈને ખબર નહિ કે, ઘોડે ચઢેલ મૂરતીયો જ આ અપ્રતિમ ધૂનોનો સર્જક છે. પણ ઘોડા કરતા ય વધારે ફફડતા નૌશાદને એટલી ખબર કે, મારા પિતાને ખબર પડી જશે કે, આ ધૂનો કોઈ ફિલ્મ માટે મેં બનાવી છે, તો ચાલુ બારાતે ઘોડા ઉપરથી ઉઠાડી મૂકશે. પિતા તો એમને 'ભણીગણીને'' દરજી બનાવવા માંગતા હતા. (એ જમાનામાં પણ આજની જેમ દરજીકામ એ આજના ડૉક્ટરો, લેખકો કે ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ જેવું સન્માન્નીય કામ ગણાતું!)

રૂપિયાનું મૂલ્ય એ જમાનામાં શું હતું, તે જાણવાનો એક સીધો હિસાબ છે. આ આખી ફિલ્મ 'રતન' માત્ર રૂ. ૭,૫૦૦/- (યસ, સાડા સાત હજાર)માં બની હતી, એમાં તમામ કલાકારો, સંગીતકાર, ગીતકાર, ફિલ્મની પટ્ટી, કૅમેરા, શૂટિંગનો તમામ ખર્ચ... બધું આવી ગયું... એની સામે, આ ફિલ્મના ગીતોની જે રૅકર્ડસ વેચાઈ, તેની રૉયલ્ટીના જ રૂ. ત્રણ લાખ નૌશાદને મળ્યા... એમના વાલીદ સા'બ (ફાધર-એ-આઝમ)ને કેટલો આનંદ અને ફખ્ર થયો હશે. દીકરાને દરજી બનાવવો હતો... સાલો, આખી જીંદગી લેંઘા સિવી સિવીને ટેભાની માફક તણાઇ ગયો હોત તો ય તઇણ લાખ ભેગા કરી શક્યો ન હોત! ...સુઉં કિયો છો?)

પાકિસ્તાન સૅટ થઈ ગયેલી ફિલ્મ 'રતન'ની હીરોઇન સ્વર્ણલતાએ પાકિસ્તાન ટીવી પર આપેલા ઈન્ટરવ્યૂમાં બહુ સ્પષ્ટ કહી દીધું હતું કે, ''રતન''ના બધા જ ગીતોની ધૂન ગીતકાર પંડિત દીનાનાથ મધોકે બનાવી હતી.'' અંગત જીવનમાં ફિલ્મની હીરોઇન ફિલ્મની વાર્તાની જેમ જ, પોતાનાથી ૨૦-વર્ષ મોટા નઝીરને પરણી હતી.

સત્ય સુધી... હવે તો એ ફિલ્મ રજુ થયાના આજે ૭૦-વર્ષો પછી પહોંચી શકાવાનું નથી.

હવે, આ વાતમાં થોડું ય તથ્ય દેખાય તો સંગીતકાર નૌશાદના લલાટ ઉપર આ મોટ્ટું ધાબું આવી જાય. સ્વર્ણલતા મૂળ સીખ્ખ પરિવારની દીકરી હતી. એ પછી એ સમયના ઍક્ટર-ડાયરેક્ટર નઝીર મુહમ્મદને પરણીને પાકિસ્તાન ગઇ ને ત્યાં એણે ઈસ્લામ કબુલ કર્યો ને નામ રાખ્યું, 'સઇદા બાનુ'.

કૃષ્ણ ટૉકીઝમાં શ્રી. રાવલ સાહેબે '૩૭-ની સાલથી સેવાઓ આપી હતી. તેમના કહેવા મુજબ 'રતન' કૃષ્ણ સિનેમામાં ૩૭-સપ્તાહ ચાલ્યું હતું. અમદાવાદના કલાકાર રમેશ પટેલને પણ થીયેટરોમાં આવેલી ફિલ્મો વિશે સારી જાણકારી છે.ફિલ્મ 'રતન'ના ગીતોની સાથે સંવાદોની પણ એક અલગ રૅકોર્ડ 'સ્ટોરી સૅટ'ને નામ બહાર પડી હતી.

ફિલ્મ 'રતન'ના ગીતોની સાથે સંવાદોની પણ એક અલગ રેકોર્ડ 'સ્ટોરી સેટ' ને નામે બહાર પડી હતી.

નૌશાદ શબ્દના પણ જાણકાર હતા. પોતાની બે-ત્રણ ફિલ્મોની વાર્તા જ નહિ, મોટા ભાગના ગીતો પણ તેમણે લખ્યા હતા. ટૅકનિકલી ક્રેડિટ શકીલ બદાયૂનીને આપવી પડે, માટે મારા-તમારા સુધી વાત ન પહોંચી.

ફિલ્મ 'દિલ દિયા, દર્દ લિયા'ના લતાએ ગાયેલા 'ફિર તેરી કહાની યાદ આઈ...' મુખડું નૌશાદે લખ્યું હતું. અનેક ગીતો એમણે લખ્યા હતા, જે શકીલને નામે ચઢાવવા પડયા હતા. ફિલ્મ 'રતન'ની વાર્તા આજે ચીલાચાલુ લાગે કારણ કે દસ્તુર મુજબ, એક ફિલ્મ હિટ જાય, એટલે એમાંથી જેને જે ફાવે એ ઉઠાવતું જાય અને પોતાની ફિલ્મમાં પોતાના નામે નાંખતું જાય. આમ તો ટિપીકલ પ્રેમભંગની જ કહાની, પણ ફરક એટલો કે, નાનપણના પ્રેમીઓ કરણ દીવાન અને સ્વર્ણલતાના લગ્ન થઈ શકતા નથી ને ગામડાઓમાં બનતું, તેમ આ નાની હીરોઇનના લગ્ન મોટી ઉંમરના પુરૂષ) વાસ્તી સાથે થઈ જાય છે, એમાં વાસ્તી પોતે નાની વહુને સ્વીકારતો નથી, નૈતિક રીતે. એને ખબર નહોતી કે, એની ભાભીએ ઉંમરનો લિહાજ રાખ્યા વગર નાની છોકરીને મારી સાથે પરણાવી દીધી છે. ફિલ્મનું નામ અને કેન્દ્રસ્થાન પણ 'રતન' વાસ્તીને અપાયું છે. વાસ્તીને તમે નાસીર હૂસેનની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં જોયો હશે. મોટા ભાગે આશા પારેખનો બાપ બને ને ફિલ્મ પૂરી થયા સુધીમાં આશાને કૅન્સલ કરીને હીરોનો બાપ બની જાય. મૂળ નામ રિયાસતઅલી વાસ્તીના પિતા ન્યાયાધીશ હતા અને ૧૯૯૬-માં આ માણસ મરી ગયો, તે પહેલા મુંબઇના ચર્ચગેટ પાસે એ ભીખ માંગતી અવદશામાં ઘણાને જોવા મળ્યો હતો. 'ફિલ વો હી દિલ લાયા હૂં'માં એ શરૂઆતમાં આશા પારેખનો અને ફિલ્મ પૂરી થતા સુધીમાં જૉય મુકર્જીનો-બાપ બને છે.

ફિલ્મ 'રતન'નો હીરો અને પ્રોડયુસર (મોટા ભાઈ જેમિની દીવાનની આ ફિલ્મ હતી. એટલે બાય ડીફૉલ્ટ કરણ પણ નિર્માતા કહેવાય?) કરણ દીવાન ખૂબ હૅન્ડસમ હતો, પણ બાકીનું બધું સ્ત્રૈણ્ય હતું. અવાજ છોકરી જેવો, હલનચલનમાં ક્યાંય મર્દાનગી ન લાગે તેમ જ, 'રતન'માં એના કરતા હીરોઇન સ્વર્ણલતા વધારે 'મરદ' લાગતી હતી, પણ જે જમાનામાં મૅટ્રીક-પાસને ''બહુ મોટો ભણેશ્રી ના જોયો હોય તો...'' કહીને તાના મારતા, એ જમાનામાં કરણ દીવાન ગ્રૅજ્યુએટ થયો હતો. 'રતન'માં સાઈડ હીરોઇન બનતી નાની કિશોરી, જે ફિલ્મમાં વાસ્તીની બહેન બને છે તે મંજૂ આ જ ફિલ્મથી કરણ દીવાનના પ્રેમમાં પડી ગઇ અને બન્નેએ લગ્ન કરી લીધા, એ હિસાબે કોઈપણ હિંદી ફિલ્મમાં પતિ-પત્ની બન્ને ગાયક અને અભિનેતા/ત્રી હોય, તેવો આ પહેલો અને છેલ્લો કિસ્સો છે. સુરતના વિખ્યાત ફિલ્મઈતિહાસવિદ શ્રી હરિશ રઘુવંશીના પુસ્તક 'ઈન્હેં ના ભૂલાના' મુજબ આ બન્ને સાત સંતાનોના માત-પિતા હતા.

આવી જૂની ફિલ્મોના ટાઈટલ્સ વાચતા ક્યારેક અચરજ રહે કે, જે તે કલાકારના નામની સામે સૌજન્ય... ફલાણા-ઢીકણા સ્ટુડિયો' કેમ લખ્યું હોય છે? જેમ કે, આ આખી ફિલ્મમાં ઠેકઠેકાણે 'કર્ટસી: કારદાર સ્ટુડિયો-પરેલ' લખ્યું છે. મંજુને પણ રાજકમલ સ્ટુડિયોનું સૌજન્ય મનાયું છે અને તે એટલા માટે કે, એ જમાનામાં ઘણા કલાકારો પગારથી જે તે સ્ટુડિયો સાથે બંધાયેલા હતા અને બીજે કામ ન કરી શકે. સંબંધ ખાતર એકબીજા આવા કલાકારો સાટાપધ્ધતિમાં અપાય-લેવાય, ત્યારે આવું સૌજન્ય ફિલ્મના ટાઈટલ્સમાં લખવાનો રિવાજ હતો.

યસ. ફિલ્મ એ જમાનામાં ખૂબ ચાલી હતી. તેનો સહેજ પણ અર્થ એવો નથી કે, આજે આ ફિલ્મની સીડી મંગાવીને જુઓ તો ખુશમખુશ. અહીં એક દ્રષ્યમાં સ્વર્ણલતા આંખોને નેજવું બનાવીને પ્રિયતમના આવવાની રાહ તકે છે, પણ સૂરજ એની પાછળ હોય છે. ફિલ્મો સામાજીક વધુ બનતી એટલે એમાં મૅલોડ્રામા હોય જ. કૉમેડી કોઇને લખતા આવડતી નહોતી, એટલે એનું સ્તર હાસ્યાસ્પદ લાગે. કોરિયોગ્રાફર્સ નહોતા. ગીત દરમ્યાન હીરો-હીરોઇને આવડે એટલા જ હાથપગ હલાવીને ડાન્સ જેવું લાગે, એવું હલવાનું.

ફિલ્મ સારી હતી કે કેવળ સંગીતને કારણે સારી હતી, એની ચર્ચામાં પડવા જેવું નથી. આજે ૭૦-વર્ષ પછી ય આ ફિલ્મ માટે લખવું પડે છે ને...? આજની કોઇ ફિલ્મ માટે હવેના ૭૦-વર્ષ પછી કાંઇ લખાશે?

No comments: