Search This Blog

11/09/2013

વો સાલા જાડીયા...

ટ્રેનના કૂપેમાં અમે બે જ જણા. Coupe નો ઉચ્ચાર 'કૂપ' અને 'કૂપે' બન્ને થાય છે. (કૂપે એટલે ટ્રેનના ડબ્બામાં દરવાજાવાળું કમ્પાર્ટમૅન્ટ) ટ્રેનમાં મને મોડા પડવાની આદત નથી. મારૂં ચાલે તો, ટ્રેન પ્લૅટફૉર્મ પર મૂકાય એ પહેલા જ નહિ, કારખાનામાં એનો ડબ્બો બનતો હોય ત્યારથી પહોંચી જઉં... ટ્રેન ચૂકી જવાનો એટલો ડર લાગે છે.

૧૪-રાણીઓ ધરાવતો રાજવી રાણીગૃહની બહાર પલાંઠી વાળીને રાહ જોતો બેઠો હોય, એમ હું મારી સીટ અને સુવા-બુવાનું વ્યવસ્થિત ગોઠવીને, ધાર્મિક અંદાજમાં ગોઠવાઈ ગયો. (અશોકકુમાર, સિમિલી જરા ઢંગવાળી આપો. રાજવી પલાંઠા-બલાંઠા વાળીને ન બેસે... બ્રાહ્મણો બેસે અને.... બ્રાહ્મણ કોઇ 'દિ રાજવી હોય નહિ. ઠોકાઠોક બંધ કરો ! સૂચના પૂરી)


પણ તો ય.... ફલાઇટોમાં કે ટ્રેનોના ફર્સ્ટ-કલાસોમાં આપણી બેસવાની સ્ટાઇલ જરા પ્રભાવશાળી ખરી. કોક આવે તો લાગવું જોઇએ કે, ''છે કોઇ મોટો માણસ...!'' આમાં ખાસ કાંઇ કરવાનું હોતું નથી. અપ-ટુ-ડેટ કપડાં પહેરીને, એક ઢીંચણ ઉપર બીજો ઢીંચણ ચઢાવી, હાથમાં કોક ઇંગ્લિશ અને બીઝનૅસને લગતુ મૅગેઝીન રાખીને બેસવાનું. જેટલું આવડતું હોય એટલું ઇંગ્લિશમાં બોલવાનું. (એકલા એકલા નહિ... કોઇ આવે પછી !) કોક આવી પણ જાય તો એની સામે નહિ જોવાનું... મોંઢું જરા ભારમાં રાખવાનું, તો પર્સનાલિટી પડે. ઘણા લોકો આવા મોંઘા કૂપેમાં બેઠા પછી સાદી દીવાસળી વડે કાન ખંજવાળે અથવા મોટેમોટેથી બોલબોલ કરે છે. યૂ સી... ફલાઇટમાં કે ટ્રેનના કૂપેમાં બહુ સૉફ્ટ અવાજે બોલવાનું હોય છે. કાન-બાન તો ખોતરાય જ નહિ... આપણો કે બીજા કોઇનો ! ચાલુ ટ્રેન બીજાનો કાન ખોતરવા બેસો તો અન્ય મુસાફરોના ય ઑર્ડરો આવવા માંડે તો કમાણી ચોક્કસ થાય, પણ એ જરા સારૂં ન લાગે. અહીં 'ઍક્સક્યૂઝ મી' તો જરૂર ન હોય ત્યારે ય બોલતા રહેવાનું. ('સૉરી' અને 'થૅન્ક યૂ'ની જેમ 'ઍક્સક્યૂઝ મી'ની પાછળ ''હોં'' નહિ લગાવવાનું...બા ખીજાય.)

ઓકે. ફલાઇટ હોય કે ટ્રેન, બાજુમાં જે કોઇ આવે, વાતની શરૂઆત આપણે નહિ કરવાની. એક વાર હાળું મારાથી અમદાવાદ-મુંબઇની ફલાઇટમાં બાજુવાળાને પૂછાઇ ગયું'તું, ''મુંબઇ ઉતરવાનું....?'' પેલાએ ખીજાઇને મને કહ્યું, ''ના.. નીચે નડિયાદ દેખાય એટલે ભૂસકો મારવાનો છું...!'' આપણને એમ કે, એ બહાને સંબંધ-બંબંધ બંધાય. ! બંધાય તો કોક દહાડો ધંધામાં કામ આવે.

યાદ રાખો, દોસ્તો. એની સાથે એની વાઈફે ય સુંદર હોય, તો એકાદું લૅડીઝ-મૅગેઝીન સાથે રાખવું સારૂં. માંગ્યા વિના એનાથી, આપ્યા વિના આપણાથી અને જીવો બાળ્યા વિના એના ગોરધનથી રહેવાશે નહિ, એને આપણો સર્વપ્રથમ વિજય જાણવો. કોઇપણ સફળ ધંધા કે સંબંધમાં પ્રારંભિક મૂડીરોકાણ લાભદાયી મનાયું છે.

કપડાની થપ્પી વચ્ચેથી તાણીતુસીને માંડ ઝભ્ભો બહાર કાઢીએ, એમ આ જાડીયો દરવાજામાં શરીર ભરાવી ભરાવીને અંદર આવ્યો. આવું શરીર ઘસાવાને કારણે દરવાજા થોડા વીક પડી ગયા હતા. ખભે એણે બૅગ જેવું કંઇ લટકાવ્યું હતું, એટલે પરમેશ્વરે એને ત્રણ-ત્રણ છાતીઓ આપી હોય, એવું દેખાય. ખભે સસ્પૅન્ડર્સ પહેરેલા. (પહેરેલું પાટલૂન ઉતરી ન જાય, એ માટે '૩૦-'૪૦-ના દાયકાઓમાં, ખભાથી પાટલૂને પકડી રાખે, એવા પટ્ટા તમે ચાર્લી ચૅપલિન કે લૉરેલ-હાર્ડીની ફિલ્મોમાં જોયા હશે, એને 'સસ્પૅન્ડર્સ' કહેવાય ! એનું સ્થાન હવે કમરે બાંધવાના બૅલ્ટે લીધું છે.) ગોળ લીસ્સા ઘૂમ્મટ જેવા એના વિશાળકાય પેટ ઉપર હાથ પંપાળવાની મને લાલચ થઇ, પણ એમાં એ મને માલીશવાળો સમજી લે, તો આખા બૉડીની માલીશ આ ભાવમાં ન પોસાય. તડકામાં બહુ ગરમ થવાથી એના ગાલ પિગળી ગયા હશે, એટલે કાનની નીચે બન્ને ગાલ સૂકવવા મૂક્યા હોય, એવા લબડતા હતા. દાઢી નીચે સેક્યા પહેલાની ભાખરી ચોંટાડી હોય એવી એની ડબલ-ચીન ફૂલી ગઇ હતી. શિવજીના મંદિરની બહાર પોઠીયો મૂક્યો હોય, એમ જાડીયાનું નાક ઊપસી આવ્યું હતું. જાડીયાની ટોટલ સાઇઝ જોયા પછી મને લાગ્યું કે, કોઇ એકાદી ગુજરાતી સ્ત્રી પરણીને આને પહોંચી ન વળે...આના માટે ૮-૧૦ ફૂલ-સાઇઝના પંજાબી બૈરાં પરણે તો જ બધે પહોંચી વળે.

કૂપેમાં એ દાખલ થયો જ ઊંઘતો ઊંઘતો. જેટલું જોવાનું હોય, એટલું અધખુલા નયનોથી જોઇ લેતો હતો, એટલે મારા ખોળામાં ન બેઠો અને પોતાની સીટ ઉપર બેસીને પાછો હાલાં કરી ગયો. ઊંઘમાં એ મૃતદેહ સમો લાગતો હતો, પણ એ અત્યારે અક્ષરવાસી થઇ જાય તો હું નવાણીયો કૂટાઇ જઉં ને !

'આને આમ મરવા કે સુવા ન દેવાય' એ પ્રતિજ્ઞા લઇને મેં એને ઉઠાડયો, ''ઍક્સક્યૂઝ મી....'' મને આવી બધી વાતોમાં ખબર બહુ પડે કે, કોઇને ''એક્સક્યૂઝ મી'' કહી દીધા પછી એના ખભાને હલાવી જોવાનો હોય છે. જો એ ખતમ થઇ ગયો હશે તો ઢળી પડશે અને જીવિત હશે તો, ''હેહોહેહો'' કરતો ઝબકી જશે. બન્ને અવસ્થામાં ફક્ત બીજીવાળીમાં જ આપણે બીજી વાર ''એક્સક્યૂઝ મી'' બોલવાનું હોય છે.

એ ઊંઘમાં હતો એટલે ઝબકીને જાગ્યા પછી હું નહિ દેખાયો હોઉં, એટલે વાંકો વળીને પોતાની સીટ નીચે જોઇને બોલ્યો, ''યસ....!!!'' એટલું બોલીને, કોઇ હતું નહિ, એમ સમજીને બેઠા બેઠા જ પાછો સુઇ ગયો.

હું જાગતો બેઠો હોઉં ને સામેવાળો સુતો હોય, એ અવસ્થા મને માફક નથી આવતી. કહે છે કે, ઝેર પીધેલા માણસને ઊંઘવા ન દેવાય. એને જાગતો રાખવો પડે. આણે ઝેર તો નહિ પીધું હોય, પણ ઠેઠ મુંબઇ સુધી આ ઊંઘતો રહેશે તો હું ઝેર પી લઇશ, એવી શંકા મારા વડે કરાઇ. એકલો એકલો હું શું કામ બોર થઉ ?

ટ્રેન તો ક્યારની ઉપડી ગઇ હતી. તમારામાંથી જે કોઇ ટ્રેનમાં બેઠું હશે, એને ખબર હશે કે, ચાલ્યા પછી ટ્રેન હલહલ બહુ કરતી હોય. ટ્રેનો સ્થિતપ્રજ્ઞા નથી હોતી. એટલે આપણે પણ બેઠા બેઠા ડોલવાનું હોય છે. હું મને હલતો ન દેખાતો હોઉં કે, હલતી વખતે કેવો લાગું છું, પણ જાડીયો ઊંઘમાં ય ડાબે-જમણે હલહલ કરે જતો હતો. મેં એના જેવું હલી જોયું. બહુ સારો નહતો લાગતો, એટલે માંડી વાળ્યુ. પણ એને ઉઠાડવો જરૂરી હતો. આખા કૂપેમાં એકલો એકલો ટાઈમ કેવી રીતે કાઢવો ?

ફરીથી 'ઍક્સક્યૂઝ મી' વેડફી નાંખવાનો અર્થ નહતો. મૂડમાં હોઉં, ત્યારે હું ચ્યૂઇંગ-ગમ ચાવતો હોઉં છું. કંઇ પણ ચાવતી વખતે મને ફળદ્રુપ વિચારો બહુ આવે. મને થયું, એના નાકનું એક ફોયણું બંધ કરી દઉં, તો શ્વાસની તકલીફ ઊભી થવાના કારણોસર એ હડફ કરતો જાગી જશે. ઊંઘ્યા પછી ઉઠવાનો નહતો એટલે એનાથી ડરવાનો સવાલ નહતો. મારી ચ્યૂઇંગ-ગમ એના નાકના એક ફોયણાં પાસે ચોંટાડી દીધી. એક 'સુઉઉઉ...ટ' કરતો અવાજ સંભળાયો, અર્થાત્ કાચી સેકંડમાં એણે ચ્યૂઇંગ-ગમ નાકની મહીં ખેંચી લીધી હતી.

અંતીમ ઉપાય તરીકે,જાડીયાના માથા ઉપર કોઇ સામાન પછાડવો જોઇએ, એવો પ્લોટ કર્યો. સામાન પણ એનો હોવો જોઇએ. આપણો હોય તો ફુટી-બુટી જાય. એની બૅગમાં લૅપટૉપ હતું. એ જો પછડાય, તો થોડું ઘણું વાગે, ઢીમડું થાય અને મુબઇ પહોંચતા સુધી દર્દનો માર્યો જાડીયો કણસતો રહે. જોવાની મને મઝા આવે (મુસાફરીમાં કોઇને પીવાના કામમાં આવે, એ હેતુથી હું હંમેશા ટીંચર આયોડિનની શીશી સાથે રાખવાનો આગ્રહ રાખું છું. ભ'ઇ, આજે માણસ જ માણસના કામમાં નહિ આવે તો બીજું કોણ આવવાનું છે ? આ તો એક વાત થાય છે.)

એ સાલો ઘસઘસાટ ઊંઘતો હતો. ચુપકીથી એનું લૅપટૉપ ખેંચી લીધું. ઊભો થઇને જરા ઊંચાઇથી લૅપટૉપ એના માથે પછાડો, તો સરખું વાગે ય ખરૂં. ઊભા થઇને લૅપટૉપ નીચે એના માથાનું માપ લઇને પછાડવા ગયો, ત્યાં ટ્રેનમાં અચાનક આંચકો આવ્યો. બૅલેન્સ ગયું. હું પડયો. લૅપટૉપ મારા કપાળ ઉપર પછડાયું. ચીરો મોટો પડયો. લોહી દડદડદડ. દુઃખાવો ઠેઠ મુંબઇ સુધી. હું કણસતો પડયો રહ્યો.

જાડીયો હજી ઘોરતો હતો.

સિક્સર

- ચીન ૬૫૦-કી.મી. ભારતની અંદર ઘુસી આવ્યું છે. પાકિસ્તાન નિયમિત આપણા સૈનિકોને મારે છે. શ્રીલંકા અને બાંગલા દેશ મસ્તીથી અડપલાં કરે જાય છે. ભારત સરકારના પૅટનું પાણી ય હાલતું નથી.

- ચિંતા ન કરો. અમારો શામળીયો, મહાવીર સ્વામી, મહાદેવજી, રામચંદ્રજી, જલાબાપા કે ભગવાન સ્વામિનારાયણ બચાવી લેશે...આપણે લહેર કરો !

No comments: