Search This Blog

13/09/2013

'પુષ્પક' ('૮૭)

ફિલ્મ : 'પુષ્પક' ('૮૭)
નિર્માતા-દિગ્દર્શક : સંગીતમ શ્રીનિવાસ રાવ
રનિંગ ટાઈમ : ૧૩૧ મિનિટ્સ : ૧૪ રીલ્સ
થીયેટર : નટરાજ (અમદાવાદ)
કલાકારો : કમલ હાસન, અમલા, ટીનુ આનંદ, સમીર ખખ્ખર, ફરિદા જલાલ, લોકનાથ, કે. એસ. રમેશ.


 

હું સાધારણ કક્ષાનો મૂરખ છું, એ હું જાણું છું, પણ બહુ ઊંચા લેવલનો મૂરખ છું, એવું તો મારી પત્ની એકલી જ જાણે છે. આપણે શું કે, ઘરની વાત ઘરમાં જ રહે તો સારું, એ ધોરણે બહાર આ માન્યતાની અમે ખબર પડવા દીધી નથી... પણ ડીવીડી-ની દુકાનવાળાને હમણાં બધી ખબર પડી ગઈ. મેં 'પુષ્પક'ની ડીવીડી માંગી, તો એણે કન્નડા ભાષાની 'પુષ્પક' આપી. મે કીધું, મારે હિંદી 'પુષ્પક' જોઈએ છે, એમાં તો એ હસી પડયો ને એના સ્ટાફને હસાવવા મારી ફિલમ ઉતારતા બોલ્યો, 'સાહેબ, 'પુષ્પક' સાયલન્ટ ફિલ્મ છે... કન્નડામાં જુઓ, તમિળમાં જુઓ કે ચાયનીઝમાં...! શું ફરક પડે છે?' વધારે પ્રદર્શન ન થાય એટલે હું બોલ્યો નહિ, નહિ તો હું કહેવાનો હતો, 'ભ'ઈ, ભાષાની ખબર હોય તો અમારે હિંદીમાં હસવાનું છે કે ગુજરાતીમાં, તેની ખબર પડે ને!'

પણ તમે મારા જેટલા સ્ટુપિડ ન હો તો... (...એટલું બધું તો કોઈ ના હોય ને!) આંખ મીંચીને 'પુષ્પક'ની ડીવીડી લઈ આવો જ. આખા ભારતમાં નહિ, આખા વિશ્વમાં આવી ફિલ્મ બની નથી, જે સાયલન્ટ હોવા છતાં 'સાયલન્ટ ફિલ્મ'ના બેનરમાં ન આવે. '૩૦ પહેલાની હિંદી કે ઈંગ્લિશ સાયલન્ટ ફિલ્મ મૂંગી હતી, પણ સંવાદો કાં તો અભિનયના માધ્યમથી બોલાતા ને કાં તો ઈંગ્લિશમાં સ્ક્રીન પર લખેલી સ્ટ્રીપ વાંચવી પડે. અર્થાત, અવ્યક્તપણે ય સંવાદોની જરૂર તો પડતી.

કમલા હસનની આ ફિલ્મ 'પુષ્પક' કદાચ એક માત્ર એવી ફિલ્મ છે જે, બહુ હળવી રીતે સાબિત કરી આપે છે કે,આ આખી ફિલ્મમાં એક અપવાદરૂપે ય એવું દ્રષ્ય આવતું નથી, જ્યાં મારી મચડીને અદાકારોને મૂંગા રાખવા પડયા હોય. લેખક-દિગ્દર્શક સંગીતમ શ્રીનિવાસ રાવ બહુ સાહજીકતાથી બે કલાકની ફિલ્મમાં સાબિત કરી શક્યા છે કે, મૌન રહીને પણ અનેક વાતો થઈ શકે છે... ઘણું બધું કહી શકાય છે. વર્ષો પહેલા અમદાવાદની 'મધુરમ ટોકીઝમાં મહાન કોમેડિયન મેલ બૂ્રક્સની ફિલ્મ 'સાયલન્ટ મૂવી' જોઈ હતી. બે મિનીટ પણ તમે હસ્યા વિનાના રહી ન શકો, એવી મજ્જાની એ ફિલ્મ હતી, છતાં એમાં ય સંવાદોને બદલે આંગિક અભિનય તો અનેક હતા. આ મેલ બ્રૂક્સની એવી જ જોવી ગમે એવી ધૂંઆધાર કોમેડી 'The blazing Saddles' પણ તમને ગમશે. બાય ધ વે, અમદાવાદના ઘીકાંટા પર સૌથી છેલ્લે આવેલી આ મધુરમ ટોકીઝ 'મીયાં-મહાદેવ'ની ટોકીઝ કહેવાતી. સાહિત્યના બન્ને શોખિન દોસ્તો શંભુ રાવલ અને મઝહર ફારૂકીની ભાગીદારીમાં ચાલતા આ થીયેટર દ્વારા અમદાવાદને એક પછી અનેક ઈંગ્લિશ ફિલ્મો આપી હતી. એક જમાનામાં તો એ પરિમલ ટોકીઝના નામે ઓળખાતી, પછી એનું નામ 'લિબર્ટી' થયું ને બંધ પડયા પછી નવા પરીવેશમાં એને 'મધુરમ' જેવું મધુરું નામ અપાયું. કમનસીબે, જે સિનેમા ઘરોમાં જઈ જઈને આપણે મોટા થયા છીએ, એ બધા આજે બંધ છે. 'ખંડહર બતા રહા હૈ, ઈમારત બુલંદ થી...'ના ધોરણે હવે રીલિફ રોડ પર ફક્ત અશોક અને રૂપમ ટોકીઝ જ ચાલી રહી છે.

એ ટૉકીઝો ની માફક સાયલન્ટ ફિલ્મો ય હવે તો બંધ થઈ ગઈ. 'પુષ્પક' ફિલ્મ હતી તો તમિલનાડુની, પણ ભાષાની ઝંઝટમાંથી મુક્ત હોવાને કારણે કોઈ ઉપગ્રહવાસી (ET) પણ જુએ, તો ય સમજ ના પડી કે મઝા ના આવી, એવું ન થાય! ફિલ્મોના મૂલ્યાંકન બાબતે આપણી આ કોલમમાં એક વાત બહુ રીપિટ થાય છે કે, ફિલ્મના દિગ્દર્શકને વાર્તા કહેતા સરસ આવડે છે કે નથી આવડતી. સાઉથના દિગ્દર્શક સંગીતમ શ્રીનિવાસ રાવે તો મસ્ત રીતે ફિલ્મના માધ્યમ દ્વારા 'પુષ્પક' કીધી છે.

કમલ હસન યુવાન, હેન્ડસમ, ગરીબ અને સ્માર્ટ છે. નોકરીની શોધમાં ઈધર-ઉધર ભટકે રાખે છે. એ દરમ્યાન ફાઈવસ્ટાર હોટેલના એક જાદુગર (કે. એસ. રમેશ)ની દીકરી અમલા સાથે સાંયોગિક પ્રેમ થઈ જાય છે. અલબત્ત, કરોડપતિઓ કેવું જીવન જીવતા હશે, એના કેવળ સપનાં જોવાને બદલે એ બેઈમાનીથી ટેમ્પરરી ધનિક બની જાય છે. સતત દારૂ પીધે રાખતા કરોડપતિ (સમીર ખખ્ખર)ને રસ્તે બેભાન અવસ્થામાં પોતાના ઘેર ઊચકી લાવી, એને ફરી બેભાન કરી દે છે અને હોટેલના રૂમની ચાવી, રોકડા લાખો રૂપિયા અને ઘડિયાળ લઈને કમલ હોટેલમાં ખખ્ખરના રૂમમાં (જે સ્વીટ કહેવાય... ઉચ્ચાર 'સૂટ' કરો તો ય તમે સાચા છો.) પહોંચી જઈને પહેલું કામ અધધધ અંજાઈ જવાનું કરે છે. ખખ્ખરને મુશ્કેટાટ બાંધી ઘરમાં પૂરી રાખીને આ નિશ્ચિત થઈ જાય છે.

પણ કમલને એ વાતની ખબર નથી કે, એનું ખૂન કરવા એક પ્રોફેશનલ કિલર (ટીનુ આનંદ) એ જ હોટેલમાં ઉતર્યો છે. ખખ્ખરની પત્ની સાથે ખખ્ખરનો જ ભાઈ પ્રેમમાં છે અને ખખ્ખરનું ખૂન કરવા ટીનુને મોટી રકમ આપીને રોક્યો છે. ખૂન કરવા ટીનુ કોઈ ટ્રેડિશનલ હથિયારો વાપરવાને બદલે પોતે બનાવેલું હથિયાર વાપરવા માંગે છે. ફ્રોઝન આઈસ (થીજેલા બરફ)ના બનેલાં ખંજર તરત ઓગળી જાય ને કોઈ નિશાની ન રહે. ખૂનો કરવા ઉપર ટીનુનો પાકો હાથ હજી બેઠો ન હોવાને કારણે કમલને ભોંકી દેવાના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે. આ બાજુ, એક સામાન્ય દૂધવાળામાંથી આટલી મોટી ફાઈવ-સ્ટાર હોટેલના માલિક બનેલા સેઠનો મહેનત કરીને માલદાર બનો-વાળો અભિગમ કમલને મોડે મોડે ય સમજાય છે, એટલે અપહૃત ખખ્ખરને છોડી મૂકે છે, પણ ચિઠ્ઠી લખીને એની વાઈફનો બધો ભાંડો ફોડી નાંખે છે. વાઈફ (રમ્યા)ને પણ છેલ્લે પોતાની ભૂલ સમજાતા... તેમ જ, આટલું મોટું નુકસાન ફક્ત શરાબને લીધે થતું રહ્યું છે, એ સ્વીકારીને ખખ્ખર શરાબને તિલાંજલિ આપી દે છે. દરેક પ્રેમીઓ મિલન પામી શકતા નથી, એ ઉક્તિ મુજબ, કમલ અને અમલાનું મિલન પણ થઈ શકતું નથી ને ફિલ્મ પૂરી થાય છે. ફરી કંગાળ બનેલો કમલ ફરી પાછો બેકારોની લાઈનમાં ઊભો રહી જાય છે.

ફિલ્મ કેવી મનોરમ્ય બની છે, એ તો જુઓ તો જ ખબર પડે. મૂંગી ફિલ્મ બનાવવાનો આવો પ્રયોગ વિશ્વમાં કદાચ પહેલી વાર થયો હોવા છતાં, પ્રયોગાત્મકતા આપણા માથે મારવામાં નથી આવી કે, પ્રયોગો એ લોકો કરે ને ભોગવીએ આપણે! ઓન ધ કોન્ટ્રારી, પહેલેથી કહી દીધું ન હોય કે આ સાયલન્ટ ફિલ્મ છે, તો આખી ફિલ્મ પૂરી થતા સુધીમાં યાદ પણ આવતું નથી કે, ફિલ્મમાં કોઈ બોલતું કેમ નથી? અરે, બોલવાની જરૂરત જ ઊભી થતી નથી.

અને એમાં ય, કમલ હસન જેવો મસ્ત હીરો હોય, એમાં જ વાતાવરણ ખુશનુમા થઈ જાય! તમે તો છેલ્લા દસેક વર્ષ પહેલાનો કમલ જોયો હોય... આ તો એની ધૂમધામ જુવાની વખતની ફિલ્મ છે, એટલે કેવો હેન્ડસમ લાગતો હશે! એક્ટર તરીકે સાઉથના કોઈ પણ હીરોનો ય એ સર્વોપરી છે. ધાર્યું હોય તે મબલખ કમાણી કરી શક્યો હોત, પણ ફિલ્મે ફિલ્મે કંઈક નવું કરી બતાવવાની એની તૈયારીને કારણે દર વખતે એક નવો કમલ હસન જોવા મળ્યો છે. યાદ છે ને, ફિલ્મ 'અપ્પુ રાજા'માં તો એ વ્હેંતીયો પણ બને છે? દર્શક માની ન શકે કે, પોણા છ ફૂટનો કમલ માત્ર અઢી ફૂટનો કેવી રીતે થઈ જાય?

સખત ઈમ્પ્રેસ થઈ જવાશે જો એના એ વ્હેતીયાપણાનો રાઝ તમને જણાવીશ તો! વ્હેંતીયો બનવા માટે શૂટિંગના મિનિમમ કલાક પહેલા કમલ હસનને પોતાના બન્ને પગ પાછળથી ઉપરની તરફ કસોકસ બાંધી દેવા પડતા. અર્થાત, ચાલવાનું ઢીંચણ પર ઢીંચણ ના શેઈપ ના શૂઝ પહેરવાને પાટલૂન એવું સિવડાવવાનું કે વાળેલા પગ ઢંકાઈ જાય. ઓહ... પગના પંજા ય સાવ ટટ્ટાર કરી દેવાના, એ કેટલું પીડાદાયક હશે? કમલે એ કરી બતાવ્યું. અફ કોર્સ, ફિલ્મમાં એ જેટલી વાર વ્હેંતીયો બને છે એ બધી વાર એને આ પગ વાળવા પડયા નથી. ઘણા દ્રષ્યો ફોટોગ્રાફીની કમાલ છે તો કેટલાકમાં એ જમીન પર ઊભો હોય ત્યાં ખાડો હોય. આજુબાજુનો ખાડો પૂરી દેવાય અને દર્શકોને ઢીંચણ સુધીના બૂટવાળો ભાગ જ દેખાય.

પણ કમલ હસને દરેક ફિલ્મમાં આવા પ્રયોગો કર્યા છે. આ 'હસન' નામથી એ મુસલમાન હશે, એવી ભ્રમણા ઊભી થાય. એક્ચ્યુઅલી, કમલ તો તમિલનાડૂના પરમાકુડી ગામનો શુદ્ધ બ્રાહ્મણ છે. એના સંસ્કૃતના વિદ્વાન એડવોકેટ પિતાના બાળપણના જીગરી મુસલમાન સ્વાતંત્ર્ય સેનાની દોસ્ત યાકુબ હસનની યાદ કાયમ રાખવા કમલની પાછળ હસન જોડી દેવાયું. જોકે, બીબીસી ઉપર કરણ થાપરને આપેલા ઈન્ટરવ્યુ મુજબ, કમલે ચોખવટ કરી છે કે, સંસ્કૃત 'હસન' એટલે 'હાસ્ય' અર્થ થાય છે. યાકુબ હસનવાળી સ્ટોરી મીડિયાએ ઉપજાવી કાઢેલી છે. નહિ તો કમલ હસનનું અસલી નામ તો 'પાર્થસારથી' છે.

કમલ હસનનું ફેમિલી ય બહુ ફેમસ છે. એનો મોટો ભાઈ ચારુ હસન એડવોકેટ અને ફિલ્મ સ્ટાર હતો. એની દીકરી સુહાસિની સાઉથની મોટી સ્ટાર ગણાય, જે અભિષેક બચ્ચનની ફિલ્મ 'ગુરુ' બનાવનાર દિગ્દર્શક મણીરત્નમની પત્ની થાય. કમલની દીકરી શ્રુતિ હસન તો અત્યારે ય હિંદી ફિલ્મોમાં સક્રીય છે, જે હિંદી ફિલ્મોની પૂર્વ હીરોઈન સારિકાની દીકરી થાય. કમલ હસનને સ્ત્રીઓ સહેજે માફક આવી નથી (અથવા તો, બહુ માફક આવી ગઈ છે!) એનો નિર્દેશ એ વાતથી મળે છે, કે એક જમાનાની સાઉથની અત્યંત સુંદર અને ભારોભાર સેક્સી દેખાવની હીરોઈન શ્રીવિદ્યા સાથે એને પતિપત્ની જેવા જ સંબંધો હતા. તૂટી ગયા પછી શ્રીવિદ્યા બ્રેસ્ટ કેન્સર થતા હજી હમણાં ૨૦૦૬માં એ ગૂજરી ગઈ, ત્યારે કમલ એની બાજુમાં હતો. એ પછી સ્વર્ગની અપ્સરા જેવું મોહક સૌંદર્ય ધરાવતી હીરોઈન વાણી ગણપતિ સાથે કમલના લગ્ન થયા. વાણી પછી સારિકા સાથે લિવ-ઈન રીલેશનશીપ રાખ્યા પછી ય લગ્ન તો કર્યા, પણ એ દરમ્યાન કમલનાથ બીજી હીરોઈન સિમરન બગ્ગા સાથે પ્રેમમાં જકડાયા. સિમરન કમલથી ૨૨ વર્ષ નાની છે. સિમરન કોઈ કારણ આપ્યા વગર એની ઉંમરના બીજા ધનવાન પ્રેમી સાથે ભાગી ગઈ, એટલે કમલ જાણે રાહ જોઈને બેઠો હોય, એમ બીજી જાજરમાન એક્ટ્રસ ગૌતમી તાડીમલ્લા સાથે ઢગલાબાજી શરૂ કરી, જે અત્યાર સુધી તો ચાલે છે. બન્ને લગ્ન કરવાના નથી. બન્ને હવે સચોટ માને છે કે, પ્રેમ કરવા માટે લગ્ન કરવાની જરૂરત નથી. આજ કાલ જેની ફેશન ચાલી છે, તે 'લિવ-ઈન-રીલેશનશીપ'થી બન્ને પતિ-પત્નીની જેમ રહે છે. કરોડપતિ બનતો સમીર ખખ્ખર આપણો ગુજરાતી છે. ખૂબ સારા આ કલાકારે સારા ય હિંદુસ્તાનમાં 'નૂક્કડ' બ્લેક-એન્ડ-વ્હાઈટ ટીવી સીરિયલના જમાનામાં 'ખોપડી'નો કિરદાર કરીને પ્રચંડ નામના મેળવી હતી. ડીટ્રોઈટ અમેરિકામાં મારા ભાઈ દેવાંશુ દવેને ત્યાં સમીર થોડો વખત રહેતો હતો. હાલમાં તે ઈન્ડિયા છે, પણ શું કરે છે, તેની માહિતી નથી.

ટીનુ આનંદ પ્રખ્યાત ફિલ્મ લેખક ઈન્દર રાજ આનંદનો પુત્ર થાય. રાજ કપૂરની ફિલ્મો આહ, આગ, અનાડી અને સંગમ તેમ જ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'શહેનશાહ' ઈન્દર રાજ આનંદે લખી હતી.

આ ફિલ્મમાં હ્યૂમર હળવી અને સાતત્યપૂર્ણ છે. એકે ય જગ્યા હાસ્ય વગરની નથી, પણ એકે ય જગ્યાએ હસાવવાનો પ્રયત્ન પણ નથી કર્યો. એ વાત જુદી છે છે કે, આવા સરસ દિગ્દર્શકે પ્રેક્ષકોને હસાવવા માટે વિકૃત હાસ્યનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. પબ્લિક ટોઈલેટ, બગલને સુગંધીદાર બનાવવાનો નુસ્ખો, ભરાવદાર છાતી ધરાવતી સફાઈ કામદાર છોકરીના સ્તનોનો ઉભાર જોવા પેંતરા કરતો ચાલીનો ડોસો, નાકના વાળ કાપવા, ટોઈલેટના સ્ટૂલનું પેકેટ બનાવીને કમલ બહાર નાંખવા જાય છે, એમાંથી ઊભું કરેલું હ્યૂમર બેહુદું લાગે છે. આ બધાને બદલે, અનેક પ્રસંગો ઊભા કરીને હાસ્ય નિપજાવી શકાયું હોત. જેમ કે, એક દ્રષ્યમાં કામવાળી કમલની ડિગ્રીના કોન્વોકેશન ફોટા ઉપર કમલની સ્લીપર મૂકી દે છે અથવા એક લોઅર મિડલ-કલાસનો માણસ કમલ સવારે જોર કરી કરીને ટૂથપેસ્ટમાંથી પેસ્ટ કાઢે છે. હસાવવા માટે પેલા બધા દ્રષ્યો વાપરવાની આવા કાબિલ દિગ્દર્શકને જરૂર પડવી ન જોઈએ. 'પુષ્પક'માં જે હોટેલમાં શૂટિંગ થયું છે, તે બેંગલોરની ફાઈવસ્ટાર 'હોટેલ વિન્ડસર મનોર' છે. નીટ એન્ડ ક્લીન ફોટોગ્રાફીને કારણે આખી ફિલ્મ ખૂબ ઉજળી લાગે છે. ફરીદા જલાલ અમલાની મમ્મીના રોલમાં છે. એક્ટીંગ બતાવવાનો મોકો તો હીરો-હીરોઈન સિવાય ભાગ્યે જ કોઈને મળ્યો છે. સાઉથની ફિલ્મો આમે ય આપણે જોઈ ન હોય, એટલે હોટેલનો માલીક બનતો આલોકનાથ કે અમલાનો જાદુગર પિતા બનતો કે. એસ. રમેશ ત્યાં કેટલા પોપ્યુલર છે, તેની આપણને ખબર ન હોય. ફક્ત રૂ. ૩૫ લાખમાં બનેલી આ ફિલ્મ આજે ય ભલે ને રીમેઈકમાં બનાવવી કેટલી અઘરી હશે, એનો અંદાજ એ વાત પરથી આવી શકે છે કે, રીમેઈક તો જાવા દિયો, બીજા કોઈએ હજી સુધી બીજી કોઈ સાયલન્ટ ફિલ્મ બનાવવાનો ય વિચાર કર્યો નથી. કહે છે ન કે, Master pieces are never made twice.

No comments: