Search This Blog

04/09/2013

....એ દિવસો તો ગયા !

પહેલા સાયકલનું સ્ટીયરીંગ બન્ને હાથે પકડી રાખવાનું. પછી ડાબી બાજુના પૅડલ ઉપર ડાબો પગ મૂકવાનો. (જમણો નહિ !) પછી બીજા પગે રોડ ઉપર બે ઝાટકા મારીને સાયકલને સ્પીડ આપવાની. ૩-૪ ફૂટ ચાલે, એટલે ઠેકડો મારીને સીટ ઉપર બેસી જવાનું. સાયકલ સ્પીડ પકડે માટે બન્ને પગે પૅડલો છેક સુધી મારતા રહેવાનું. બ્રેક અને ઘંટડી હાથમાં રાખવાની.

આટલા સાદા નિયમો મોંઢે જણાવીને વાઇફને સાયકલ ચલાવતા શીખવાડવાનું મેં અભિયાન શરૂ કર્યું. ગોરધન મટીને હું ચાણક્ય બની ગયો.

રીવૉલ્વર ફોડતા શીખનારને ગુરૂએ પહેલા એ સમજાવવું જોઇએ કે, ભડાકો કરતી વખતે રીવૉલ્વરનું નાળચું આપણા મોંઢા તરફ નહિ રાખવાનું, સામેની તરફ રાખવાનું, એમ હું એ કહેતા ભૂલી ગયો હતો કે, સાયકલ ઉપર ચઢતી વખતે બન્ને હાથે બ્રૅકો દબાવી નહિ રાખવાની. ગતિ અને અવરોધ સાથે ન જાય. બાકીનું શિક્ષણ એણે પૂરતું પચાવ્યું હતું, એ મુજબ સાયકલની ડાબી બાજુ ઉભા રહી, પૅડલ પર પગ રાખીને રોડ પર બે-ચાર ઝાટકા ચોક્કસ માર્યા, પણ બન્ને બ્રૅકો દબાવેલી રાખીને એ 'હેએહેએહેએ...' કરતી દોડી ને...ભાઇ, ખોટું શું કામ બોલું ? સીટ પર બેસવા ઠેકડો ય માર્યો કે, તરત જ વાઇફ સાયકલની આગળ ભમ્મ થઇ ગઇ. 'વૉય માં રે....' અને 'હું તો મરી ગઇ રે...' જેવા અવાજો તો દરેક સ્ત્રી વગર ઍક્સીડૅન્ટોએ પણ કાઢતી હોય છે. કોઇ પડે ત્યારે મને હસવું બહુ આવે, એ સારા સંસ્કાર ન કહેવાય, પણ આવેલું હસવું તો રાજા વિક્રમે ય રોકી શક્યા નહોતા. સમગ્ર ભૂખંડમાં કેવળ એક જ વ્યક્તિ છે જે કોઇ પડે કે પોતે પડે તો ય હસવું ન આવે, એ ડૉ. મનમોહનસિંઘ.

ધરતી ગગનને નિરખતી હોય...(ના, આ સિમિલી બરોબર નથી... એવું લખું કે, 'દેડકી મોંઢું ઊંચું કરીને લૂચ્ચા શિયાળભ'ઇ સામે જોતી હોય, એમ જમીનદોસ્ત થયેલી વાઇફે મારી સામે જોઇને મને ખખડાવ્યો , ''આમ દાંત સુઉં કાઢો છો...? (અમારા કાઠીયાવાડમાં 'દાંત કાઢવા' એટલે હસી પડવું) હું હેઠી પઇડી છું, તી મને બેઠી કરો.'' (સુધારેલી સિમિલી વાચકોને ગમી હોય તો મારા  વખાણ કરવા... : સુચના પૂરી)

પાણી ભરેલી કાળા રંગની મોટી ટાંકી કોઇ એક માનવી તો ક્યાંથી ઊચકી શકે ? આ લોકોમાં તો વાલ્વની સીસ્ટમ પણ ન હોય કે, પિન ખેંચી લો, એટલે હવા ખાલી થઇ જાય ને વજન હલકું થઇ જાય ! પણ દુ:ખમાં પડેલા નિરાધારોને મદદ કરવાનો આપણો પહેલેથી સ્વભાવ. એને બેઠી કરી. શરીરના કોઇ ભાગ ઉપર વાગ્યું નહતું.

પણ એમાં આપણાથી સાયકલ શીખવવાનું બંધ ન કરાય. 'કરતા જાળ કરોળીયો...'ની કવિતા જેમ, 'પડે એ ચઢે'. આપણે જ આમ હિમ્મત હારી જઇને શીખવવાનું બંધ કરીએ તો, બીજી વાર એને ભમ્મ થતી જોવાનો મોકો ન મળે અને આપણા બદલે હાળો કોક બીજો એને સાયકલ શીખવી જાય ! એમ કાંઇ કિંમતી ચીજો રેઢી મૂકાય છે, ભાઈ ? દોસ્તલોકો, એ ન ભૂલો કે, લગનના દિવસે જે રીતે એણે આપણને ભમ્મ કરી નાંખ્યા હતા, પછી વારે-તહેવારે આપણે જ ભમ્મ થવાનું આયું હોય...! એ એક વાર પડે, એમાં ઢીલા નહિ થઇ જવાનું.... બા ખીજાય !

એક વાત નહિ ભૂલો, યારો આપણી વાઇફો પોલાદની બનેલી હોય છે. પહાડ- પર્વતમાંથી કાંકરી ખરે, તો ય નુકસાન ખીણને (એટલે  કે આપણને) જ થાય છે. સાયકલ પરથી એ આવી ગુલાંટ ખાય, એમાં ઇમોશનલ બની જવાની સહેજે ય જરૂર નથી. એક વાર પડશે, તો શીખશે... (બીજી વાર પડવાનું !)

'અસોક...ઇ બાજુથી તો હું પઇડી... હવે આની કોરથી ઠેકડો મારીને બેશી જાઉં તો હાલે ?'

'ના ડાર્લિંગ ... દુનિયાભરની સાયકલોનો દસ્તુર છે કે, પહેલો પગ તો ડાબા પૅડલ ઉપર મૂકીને જ કૂદવાનું. અને કૂદ્યા પછી પેલી બાજુ ભૂસકો નહિ મારવાનો ! લૅન્ડીંગ સાયકલની સીટ ઉપર થવું જોઇએ.... આગળના ડંડા કે પાછળના કૅરિયર ઉપર નહી... સાયકલોમાં શોર્ટ-કટ્સ હોતા નથી.' એક સાયકલ-ગુરૂ તરીકે મારી આવડત ઉપર મને માન થતું હતું. ભૂતકાળમાં અનેક મહિલાઓને સાયકલ શીખવવાની પ્રૅક્ટીસ અત્યારે કામમાં આવી રહી હતી. જો કે, આજકાલ આવા ગુરૂઓ થાય છે ય ક્યાં ? આ તો એક વાત થાય છે.

વાચકોને મારી ક્રૂરતા ઉપર ગુસ્સો આવતો હશે કે, ૯૦ કીલોની ૬૦ વર્ષની વાઇફને સાયકલ શીખવવા માટે  આજુબાજુના જનસમુદાયનું કે હવામાનનું મેં કાંઇ ધ્યાન રાખ્યું નહી હોય, મને એવો ન સમજશો, ભાઇઓ. હું જાણતો હતો કે, એક વાર આ બેઠી અને મેં છૂટ્ટી મૂકી, એટલે વટેમાર્ગુઓ ભયના માર્યા રસ્તા પરની દુકાનોના ઓટલા, વીજળીના થાંભલા કે ઝાડ ઉપર ચઢી જઇ શકે, એ માટે કોરા મેદાનમાં સાયકલ શીખવવાનું નક્કી કર્યું હતું. મેદાનમાં ખાડા પડે તો મેદાનના બાપનું કાંઇ જવાનું નથી, પણ અમારા નારણપુરામાં ૨૦-૨૫ માસુમો ઊંધે કાંડ પડયા હોય, એ આપણાથી સહન ન થાય...! (સહન એટલા માટે ન થાય કે, નુકસાનીનું બહુ મોટું વળતર ચૂકવવાનું આવતું હોય છે...! સાયકલમાં થર્ડ-પાર્ટી વીમો હોતો નથી. આ તો એક વાત થાય છે.)

''અસોક, હવે મને ઈ કિયો કે, શાયકલના માથે બેઠા પછી બૅલેન્શ જાળવવા સુઉં કરવાનું ? આઇ મીન.... વચમાં કોક આવી જાય તો ઘંટડીયું મારવાની કે બ્રેકું દબાવવાની કે...કોકની ઉપરથી ઠેકાડી દેવાની ?''

આની તો જો કે, મને ય ખબર નહોતી કે પહેલા ઘંટડી મારવાની કે બ્રેક ! અમારા વખતમાં ઘોડાગાડીવાળાઓ આવા સંજોગોમાં 'ચલે ય સાયકલ....ચલો કાકા બાજુ પર....' એવી રાડું નાંખતા, પણ મેં લાઇફટાઇમમાં ઘોડાગાડી ચલાવી નથી ને એમાં બ્રેક ન હોય, એટલી ખબર, એટલે મેં સલાહ આપી, 'જો ડીયર, કોક સામું દેખાય તો, એના બે પગ યાદ રાખવાના. એને સાયકલ-સ્ટૅન્ડ સમજીને ગાડી એની વચ્ચે  પાર્ક કરી દેવાની... પણ આપણે હેઠા નહિ પડવાનું ! આમે ય, ૯૮-ટકા ઍક્સીડેન્ટોમાં સ્ત્રીઓ સ્માઈલ સાથે 'સૉરી, હોં... સૉરી, હોં...' બોલી જાય, એમાં ૯૮-ટકા પુરૂષો પલળી જાય છે ને લાલચુ સ્માઇલ સાથે ઇંગ્લિશમાં, 'નો પ્રોબ્લેમ...નો પ્રોબ્લેમ' એવું બે વાર બોલે છે, જાણે ગૂન્હો પોતે કર્યો હોય ! તારી ભલી થાય ચમના... આ પગે તઇણ ટાંકા આયા છે, ને તું 'નો પ્રોબ્લેમ કીધે રાખે છે....? ને એ ય બબ્બે વાર...? સીધી પોલીસ ફરિયાદ ન ઠોકી દઇએ કે અથડાવનારી 'અંદર' તો જાય....? તમને છોલાણું, એટલે અમને સજા ?

'અસોક....હવે હું હડેડાટ નીકળું છું...વાંહેથી મને હરખી ઝાલી રાખજો. અને ધીયાન રાખજો મને કાંય થાય નંઇ...!'

સાયકલના કૅરિયરને હળવી ધક્કી મારીને એને છોડી દીધી. એને આમ જતા જોવી ઘણી વસમી હતી. મને દીકરી વિદાયના દ્રષ્યો યાદ આવી ગયા. માં-બાપો દીકરીને આમ જ ધકેલી દેતા હશે ને ?

અફ કૉર્સ, આ તો સગ્ગી વાઇફ હતી, એટલે આપણી આંખોમાં આંસુ-ફાંસુ ન આવે. વાચકોએ અગાઉથી ધારી લીધું હશે કે, મારા છોડી દીધા પછી દસેક ફૂટ આગળ જઇને એ જમીનદોસ્ત થઇ હશે.... નહોતી થઇ. માણસ ધારે છે કંઇક, પણ ઇશ્વર કરે એમ જ થાય છે. God disposes what man proposes.

કાગળનું વિમાન ચક્કર મારીને મૂળ જગ્યાએ પાછું આવતું રહે, એમ એ તો એક નાનકડું ચક્કર મારીને પાછી આવી ગઇ, બોલો ! ''અરે.... તને તો સાયકલ આવડે છે. આઇ ડૉન્ટ બીલિવ, ડીયર !'' નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા પછી મેં કહ્યું.

'તંઇ.....તમે સુઉં માનતા'તા કે, આને કાંય આવડતું જ નંઇ હોય ? મારા નાથ, મેં તમને ઘરમાં હલાવવાની ઍક્શરસાઇઝની શાયકલ સીખવવાનું કીધ્ધુ'તું....ઇ શાયકલ પર ચકરડાં ફેરવીએ તો કેટલી કૅલરીયું વપરાય, ઇ જાણવા તો મરે...! સુઉં હઇમજ્યા ? અસ્સોકકુમાર, તમે ઈ ભૂલી ગીયાં કે, કૉલેજમાં હતી, તી વખતે હું મૉટર-શાયકલું ય હલાવતી...! આ તો કોકે વરી મને કીધું કે, બેન, જરા સરીર ઉતારો, શાયકલ હલાવો... અટલે મેં તમને કશરતું કરવાની શાયકલ સીખવવાનું કીધેલું... આ નંઇ !'

સિક્સર
- 'બા' જરાક અમથા માંદા પડયા, એમાં અડધી રાત્રે આખી કોંગ્રેસ હૉસ્પિટલમાં ખબર કાઢવા પહોંચી ગઇ !

- એ જવાનું ચૂકી જઇએ તો આપણે દાખલ થવાનું આવે !

1 comment:

Anonymous said...

Boss, Tame aatla vakhat thi blog lakho chho ne koi ne khabar nathi.