Search This Blog

28/08/2013

હૉટૅલની અંદર

ઘર અને હોટેલની રસોઇ વચ્ચે ફક્ત વાળ જેટલો જ ફરક હોય છે. ઘરની દાળમાં વાઈફનો વાળ આવે ને હોટેલની દાળમાં ત્યાંના શૅફ (રસોઇયા) કાળુજી મનુજીનો વાળ આવે ! પૂછી શકાતું નથી ને પૂછીએ તો કોઇ સાચું કહેતું નથી કે, મોટા ભાગના લોકો હોટેલમાં લંચ-ડિનર માટે, ફક્ત ઘરની રસોઇથી 'બચવા' માટે જાય છે...જેટલું લાંબુ જીવવા મળ્યું એટલું હરિઓમ ! સુઉં કિયો છો ? ડૉક્ટરો તમને કોઇ રીઍક્શન નથી આવતું ને, એ જોવા માટે ઈન્જૅક્શન આપીને, અડધો કલાક બેસાડી રાખે છે, એમ હોટેલવાળા જમાડયા પછી બેસાડી રાખતા નથી, પણ ઘેર તો ફરજીયાત બેસી રહેવું પડે છે ને મોટા ભાગે રીઍક્શન્સ આવે છે. પબ્લિકનો માર ખાધા પછી ફૂટપાથ પર બેઠા બેઠા માંડ કળ વળી હોય, એવા ઢીલા થઇને સોફાના ખૂણામાં પડયા હો, ત્યાં પેલીનો પહેલો સવાલ આવે, ''આજ કેમ કાંય બોયલાં નંઇ કે ઢોકરાં કેવા થિયાં'તા....? તમને તો બાજુવારી કલ્પુડીના ઢોકરાં જ વધારે ભાવે છે ને મેં તો કેમ જાણે સાયકલના ટાયર-ટયુબમાંથી ઢોકરાં બનાઇવાં હોય, એવા મોંઢા કરીને બેઠા છો, તી !'

આપણામાં એવું તે કહેવાની કેટલી હિમ્મતો બચી હોય કે, સરખા મસાલા પડયા હોય તો દાંત વડે ખેંચી ખેંચીને સાયકલના ટયુબ-ટાયરે ખવાઇ જાય...પણ માંઇ, તારા ઢોકળાં....? સાલી ગાયોના પેટોમાં ય આફરાં ચઢાવે એવા હોય છે ! કોઇ પંખો ચાલુ કરો !

હોટેલમાં જમવા હરકોઇ મોટા ઉમંગો લઇને જાય છે. ભોળા ગોરધનો એવું માને છે કે, ''એને ય બિચારીને અઠવાડીયામાં એક દિવસ તો રસોઇમાંથી આરામનો મળવો જોઇએ ને !'' એટલે વાઇફો પણ ચટકમટક કરતી હોટેલમાં જવા ખુશમખુશ હોય છે...''

ચટક મટક...? માય ફૂટ !

સાલું કેવું લાગે ? હોટેલમાં જમવા જવાનું છે, એટલે લાઇફનો ઘણો મોટો પ્રસંગ ગણાય, એમ સમજીને વાઇફો ભારે સાડી કે મોંઘા ડ્રેસ પહેરીને મોટી ગાડીમાંથી બડી શાનથી ઉતરે...ને ઉતરીને સીધી લાઈનમાં ઊભી રહેવા જાય ! તારી ભલી થાય ચમની, આ પરિસ્થિતિમાં તો તું ગાભા ને ડૂચાં પહેરીને આવી હોત તો ય જમવાનો ચાર્જ આટલો જ આપવો પડત !....ઘરના ડ્રૅસિંગ-ટૅબલ સામે અઢી કલાક ખોટી વાંકી ચૂકી થતી'તી, ને ? અહીં આવ્યા પછી બીજીઓની જેમ જ બૌધ્ધ-ભિક્ષુણીઓની જેમ કેવી લાચારીથી ઊભી રહી ગઇ છે ?

વાઇફ લોકો ય પોતાની રસોઇથી તૌબા હોય છે ને વીકમાં એક વખત તો જમવાનું ''સારૂં'' મળવું જોઇએ ને, એ આશાએ લાઈનોમાં ઊભી રહે છે.

આહલાદક દ્રષ્યો હોટેલની અંદર જોવા મળે છે. કેદારનાથ-ઉત્તરાખંડની હોનારત પછી બચી ગયેલા યાત્રાળુઓને એક ચોગાનમાં જમવા બેસાડી દીધા હોય, એમ અહીં સહુ હળીમળીને જમવા બેસી ગયા હોય છે. થાળી ન પિરસાય ત્યાં સુધી, હોનારતવાળા અને આ લોકોના મોંઢાના હાવભાવો કે હાલતમાં કોઇ ફરક હોતો નથી.

આમ ધંધામાં કે ઑફિસમાં મોટા ફાંકા મારતો હોય, પણ હોટેલ કે કલબમાં ડિનર ''સર્વ' થવાની રાહ જોવામાં, બેઠો બેઠો ટૅબલ પરની ટુથપિક્સ તોડવા માંડયો હોય. એના મોંઢા સામે આપણાથી તો જોયું જોવાય નહિ. ભૂખ્યો ડાંહ થઇ ને ઘેરથી ફૅમિલી સાથે નીકળ્યો હોય, બહાર આટલી રાહો જોયા પછી અંદર માંડ નંબર આવ્યો હોય, એમાં ય ઑર્ડર લેવા કોઇ આવતું ન હોય, એટલે ભૂરાયો થવા માંડે. એ જાણે છે કે, હાથમાં પકડેલો ચમચો કે ફૉર્ક એનાથી વળવાનો નથી, તો ય મસળે રાખશે. બેબાકળો થઇને એ જ ચમચાનો ખૂણો કાનમાં નાંખીને ગોળગોળ ફેરવશે. ખંજવાળ-બંજવાળ જેવું કશું ના આવ્યું હોય, પણ પિરસાય નહિ ત્યાં સુધી કરવું શું, એ મૅનુમાં કાંઇ લખ્યું ન હોય, એટલે જેવો આવડે એવો ચમચો રમાડે રાખવાનો. કોઇ નહિ ને વૅઇટરો એના નાનપણના સાથી હોય, એમ ભૂખ્યાપેટે બધા વૅઇટરોને લેવા-દેવા વગરના સ્માઇલો આલવા માંડે છે.' ''અરે ઓ આસમાંવાલે બતા ઇસ મેં બુરા ક્યા હૈ, ખુશી કે ચાર ઝૌંકે ગર ઇધર સે ભી ગૂઝર જાયેં...'' એવું આવડો આ વૅઇટરો માટે ગાવા માંડે છે.

પેલા ય જાણતા હોય કે, ''ડોહો ભૂખાવડો થયો છે, એમાં અત્યારે આટલો વાંકો વળે છે....જમી લીધા પછી પાંચ રૂપિયા ય ટીપ આલવાનો નથી.''

આ બાજુ એનું અડધીયું ય જોવા જેવું હોય છે. જુવાન હોય તો, ''આવી હોટેલમાં તે અવાતું હશે ?'' એવો વચકો કાઢીને મોંઢું ચઢાઈને બેઠી હોય ને આપણી ઉંમરનું હોય તો બે વૃદ્ધ સાધુઓ ગીરનારની પરિક્રમા કરીને ગીરી-તળેટીમાં થાક્યાપાક્યા ભિક્ષાની અપેક્ષાએ આવતા-જતાની સામે જોતા બેઠા હોય, એવી આ ય બેઠી બેઠી આવતા-જતા વૅઇટરો સામે ''પાઈ-પૈસો નાંખતા જજો, માંઇ-બાપ'ની લાલચે બેઠી હોય. જે વૅઇટર પસાર થાય, એને પૂછી જુએ, ''હજી કૅટલી વાર છે ? ભાઇ, જલ્દી કરો.....અમારો તો વારો જ આવતો નથી...''

ભૂખ્યા પેટે આવા ઘાંઘા થવામાં તો મારી વાઇફથી, જમીને ઊભા થયેલા ગ્રાહકને પૂછાઇ ગયું હતું, ''ઓ ભા'આ...ય, અમે આંઇ હવાર-હવારના ગુડાણા છીએ...હવે અમારી થાળીયું લિ આવો હડી કાઢતા....! માણહ છીએ...ભૂયખું નો લાગી હોય...?''

પેલો જે કાંઇ સમજ્યો હોય પણ બોલ્યો એટલું કે, ''માજી છુટા નથી...આગળ જાઓ.'' એ મૅનેજર ઉપર ખીજાણો પણ ખરો કે, આ લોકો ઉપર સુધી આવી જાય છે ને તમે કાંઇ ધ્યાન રાખતા નથી...?

હોટેલમાં ગમ્મત કરાવે એવી એક વાત એ જોવા જેવી હોય છે કે, ઑર્ડર આપતા પહેલા મૅન્યુ વાંચતા આમ તો કોઇને આવડતું નથી, પણ નર્મદા કિનારે પંડાઓ પાસે પોતાની સાત પેઢીનો ઈતિહાસ વાંચવા બેઠો હોય, એમ આવડો આ મૅન્યુ વાંચવા ઉપર ચઢી જાય છે. સમજ કેટલી પડે છે, એ પછીનો પ્રશ્ન છે, પણ વાંચશે ખરો. સાલું, આપણે રહ્યા પુરી, શાક ને મગની દાળના માણસો, પણ અહીં આવીને ઑર્ડર મૅક્સિકનનો આલવા માંડે. એ તો વૅઇટર ધ્યાન દોરે ત્યારે ખબર પડે કે, આખો ઓર્ડર સમજીને ભ'ઇએ આઠે આઠ સૂપનો ઓર્ડર લખાવી દીધો છે. સાલું, આપણે જનમજાત ચાયનીઝ કે મૅક્સિકન રસોઇયા થોડા છીએ તે એ લોકોની બધી ડિશોની સમજ પડે !

કબુલ કરો તો ભાગ્યે જ કોઇને ઓર્ડર આપતા આવડે છે. લોકો ચાયનીઝના બહુ ફાંકા મારતા હોય છે. હકીકત એ છે કે, ઇન્ડિયામાં મળતી એકે ય ચાયનીઝ ડિશ ખુદ ચાયનામાં મળતી નથી. હું ચીનમાં ઘણું ફર્યો છું, પણ ત્યાંની એકે ય હોટેલ-રેસ્ટરાંમાં આપણા જેવા મંચૂરીયન-ફંચૂરીયનના કોઇએ નામે ય સાંભળ્યા નથી...ને અહીં આપણા દેસી બલૂનો ધાપા મારે કે, ''મને તો ચાયનીઝ સિવાય કાંઇ ફાવે જ નહિ !'' બૈરૂં કૂકરવાડાનું ઉઘરાઇ લાયો હોય ને હોટેલમાં ચાયનીઝ ને મૅક્સિનના લાળાં નાંખે ! તારી ભલી થાય ચમના, પહેલા મૅન્યુ વાંચતા શીખ. હજી તો સ્ટયૂઅર્ડને બોલાઇને પૂછે છે, ''આ કઇ આઈટમ છે ?'' ત્યારે પેલાએ કહેવું પડે છે, ''સા'બ...વો આઇટમ નહિ હૈ...વૅટ ટૅક્સ હૈ...!''

ઓકે. બધી ડિશો સર્વ થઇ ગયા પછીનો મામલો ય ગંભીર હોય છે. જમતા-જમતા બાજુવાળાએ શું મંગાવ્યું છે, એ જોવાનું કોઈ ચૂકતું નથી ને જોઇ લીધા પછી, ''આવું આપણે મંગાવ્યું હોત તો સારૂં હોત !'' એવો પેલા જૉકની જેમ જીવ બાળવાનો કે, તાજા લગ્ન પછી હનીમૂનમાં બાજુના સ્યૂટમાં ઉતરેલા કપલને જોઇને આ બન્નેને એ જ ફીલિંગ થાય છે કે, ''આવું આપણે લઇ આયા હોત તો વધુ સારૂં હોત !''

ગમે તેમ તો ય આપણી ક્લબો કે ડિનરોમાં દેસી બલૂનો પરાણે ય જોવા તો પડવાના જ. સાલાઓ પોતે જમી લે, એટલે લાઉડ-સ્પીકરમાં ખાવાના હોય એટલા મોટા મોટા ઓડકારો ખાતા ખાતા આપણી પાછળથી પસાર થાય. ચાલવાનું તો જાવા દિયો, હલી ન શકતા હોય, એટલું દાબ્યું હોય. કેટલાક દેસીઓ પોતે જમી લીધું છે, એટલું બતાવવા જડબાં ફાડીને મહીં આપણા દેખતા ટુથપિક્સ નાંખીને ગોળગોળ ફેરવે. છીઇઇઇ...પાછો એ જ ટૅબલ પર લૂછે, એટલે એની પછી આવીને એ ટેબલ પર બેસનારો તો મરે ને ? કોલસાની ખાણમાં મજૂર પાવડો નાંખતો હોય, એમ વરીયાળીનો આવડો મોટો મૂઠ્ઠો ભરે...રામ જાણે, ઘેર જઇને વરીયાળીનું શાક બનાવવાનો હોય !

પણ બસ...એક વાર જમાઇ ગયું, એટલે શહેનશાહ થઇ જવાનો ! હોટેલના દરવાજે ભટકાતો ભટકાતો જાય. 'અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા...'ના ધોરણે જતા જતા સાલો એક અવાજ એવો છોડતો જાય જેની બુલંદી અને અસરથી રિબાઇને હજી જમી રહેલાઓ હૉટેલનો નૅપકીન નાક ઉપર દાબી દે.

જયઅંબે.

સિક્સર

અમેરિકાથી સતિષ શાહે મોકલેલ એક સુંદર વન-લાઇનર આવી છે :
પુરૂષ અને સ્ત્રી વચ્ચે ફરક એટલો કે, સ્ત્રી પુરૂષ તેની તમામ જરૂરતો પૂરી કરે એવું ઇચ્છે છે, જ્યારે પુરૂષ બધી સ્ત્રીઓ ભેગી થઇને એની બસ...એક ઇચ્છા પૂરી કરે, એમ ઇચ્છે છે.

No comments: