Search This Blog

17/06/2011

‘અનારકલી’ (’૫૩)

ફિલ્મ ‘અનારકલી’ (’૫૩)
નિર્માતા : ફિલ્મીસ્તાન સ્ટુડીયોઝ
દિગ્દર્શક : નંદલાલ જસવંતલાલ
સંગીત : સી. રામચંદ્ર
ગીતો : રાજેન્દ્રકૃષ્ણ
રનિંગ ટાઈમ : ૧૭૫-મિનીટ્‌સ
કલાકારો : બીના રૉય, પ્રદીપકુમાર, કુલદીપ કૌર, મુબારક, નૂરજહાં, એસ.એલ.પુરી, મનમોહનકૃષ્ણ, રૂબી માયર્સ (સુલોચના)
ગીતો
૧. યે ઝીંદગી ઉસી કી હૈ, જો કીસી કા હો ગયા લતા મંગેશકર (રાજેન્દ્રકૃષ્ણ)
૨. આજા અબ તો આજા, મેરી કિસ્મત કે ખરીદાર લતા મંગેશકર (શૈલેન્દ્ર)
૩. મુઝસે મત પૂછ મેરે ઇશ્ક મેં ક્યા રખ્ખા હૈ લતા મંગેશકર (રાજેન્દ્રકૃષ્ણ)
૪. દુઆ કર ગમે દિલ, ખુદા સે દુઆ કર લતા મંગેશકર (શૈલેન્દ્ર)
૫. જાગ દર્દે ઇશ્ક જાગ, દિલ કો બેકરાર કર હેમંતકુમાર (રાજેન્દ્રકૃષ્ણ)
૬. મુહબ્બત ઐસી ધડકન હૈ, જો સમજાઈ લતા મંગેશકર (હસરત જયપુરી)
૭. જીંદગી પ્યાર કી દો ચાર ઘડી હોતી હૈ હેમંતકુમાર (રાજેન્દ્રકૃષ્ણ)
૮. ઓ આસમાનવાલે શિકવા હૈ જીંદગી કા લતા મંગેશકર (હસરત જયપુરી)
૯. આ જાને વફા, આ જાને વફા ગીતાદત્ત (જાં નિસાર અખ્તર)
૧૦. અય બાદેસબા આહિસ્તા ચલ, યહાં સોઈ હુઈ હૈ અનારકલી (હેમંતકુમાર)
૧૧. જમાના યે સમજા કે હમ પી કે આયે લતા મંગેશકર
(આખી ફિલ્મમાંથી ફક્ત ગીત નં. ૯ સંગીતકાર બસંત પ્રકાશે બનાવ્યું હતું. ફિલ્મના ટાઈટલ્સમાં બીજા એક ગીતકાર તરીકે અલી સરદાર જાફરીનું નામ છે, પણ એમનું ગીત કયું, તેની માહિતી મળી નથી.)

ફિલ્મ ‘અનારકલી’ ફિલ્મીસ્તાન સ્ટુડિયોઝમાં બનેલી ફિલ્મ. એ જમાનામાં ‘ફિલ્મીસ્તાન’ વર્ષની બે-ત્રણ ફિલ્મો બનાવતું હતું, તેના માલિક શશધર મુખર્જી જૉય મુખર્જીના ફાધર થાય. આ સંદર્ભથી વાતની શરૂઆત કરવાનું કારણ એટલું જ કે, ’૫૩ની સાલમાં બનેલી આ ફિલ્મના હજી સાતેક વર્ષ પહેલા જ મૂળ ડેન્ટિસ્ટ (ડૉક્ટર) સંગીતકાર ગુલામ હૈદર લતા મંગેશકરનું મૅટલ પારખનાર પ્રથમ સંગીતકાર હતા. ભાગલા પછી એ તો પાકિસ્તાન જતા રહેવાના હતા, પણ જતા પહેલા એ નાનકડી લતાને શશધર મુખર્જી પાસે લઈ ગયા કે, આ નવી ગાયિકાને અજમાવવા જેવી છે. સાંભળ્યા પછી બાબુ મોશાય ખુશ થવાને બદલે નારાજ થઈ ગયા ને, ડૉક્ટરને ચોખ્ખું કહી દીઘું, ‘‘આ છોકરી નહિ ચાલે... અવાજ બહુ પતલો છે.’’ મુખર્જીના દાંત પાડવાના હોત તો આસાન હોત, પણ અહીં તો મામલો જુદો હતો. માસ્ટર ગુલામ હૈદરે કહી દીઘું, ‘‘આજે જેને તમે પાછી કાઢો છો, એ છોકરીના દરવાજે આજ પછી સંગીતકારોની લાઈન લાગશે.’’ આજ સુધી ફિલ્મી-પત્રકારો શશધર મુખર્જી ઉપર હસી પડે છે કે, કેવો નિર્માતા કહેવાય ? લતાના કંઠને ઓળખી ના શક્યો ? પણ એ વખતના સંદર્ભમાં એ બિલકુલ સાચા હતા. એ વખતની ફિલ્મોમાં જોહરાજાન અંબાલેવાલી, શમશાદ બેગમ, નૂરજહાં, અમીરબાઈ કર્ણાટકી અને આજુબાજુની એવી તમામ ગાયિકાઓના અવાજમાં તવાયફી-ટચ, પંજાબી છાંટ અને અવાજમાં તપાવેલું તાંબાપણું હોવું અનિવાર્ય હતું. મુખર્જી સાચા હોવાની બીજી એક સાબિતી એ કે, લતાની જ કૅડરમાં આવતી અનિલ બિશ્વાસની બહેન અને ગાયિકા પારૂલ ઘોષ (બાંસુરીવાદક પન્નાલાલ ઘોષની પત્ની) લતા જેવી જ મીઠડી હતી... તવાયફીપણું એના કંઠમાં ય નહોતું, તો ન જ ચાલી. (મારું ઑલટાઈમ ફૅવરિટ ગીત આ ગાયિકાને નામ છે, ‘ગુનગુન ગુનગુન બોલે ભંવરવા...’)

હવે, ફિલ્મીસ્તાને ‘અનારકલી’ શરૂ કરી, ત્યારે એના સંગીતકાર ખેમચંદ પ્રકાશના નાના ભાઈ બસંત પ્રકાશ હતા. (જેમના સંગીતમાં આશા ભોંસલે-મહેન્દ્ર કપૂરનું અફલાતુન યુગલ ગીત ‘રફતા રફતા વો મેરી તસ્કીં કા સામાં, હો ગયે, પહેલે દિલ, ફિર દિલરૂબા, ફિર દિલ કે મેહમાં હો ગયે’ - ફિલ્મ ‘હમ કહાં જા રહે હૈ’) ગીતાદત્તના અવાજમાં આ ફિલ્મનું પહેલું ગીત ‘આ જાને વફા’ એમણે રૅકોર્ડ પણ કરી લીઘું હતું, પણ કોક વિવાદને કારણે મુખર્જીએ આ સંગીતકારની હકાલપટ્ટી કરી ને સંગીત સી.રામચંદ્રને સોંપવામાં આવ્યું, તો એમણે પહેલી શરત એ કરી કે, ‘અનારકલી’ના તમામ ગીતો લતા મંગેશકર જ ગાશે. (યસ. લતા સાથે એ વખતે રવિવારની રજા પણ પાડ્યા વગર કાકાને ઘર-ધર રમવાના સંબંધો હતા...!) અને બીજી શરત, ગીતાદત્તનું ગીત કાઢી નાંખવાનું. કોક કારણોસર ગીતાનું ગીત તો ન કઢાયું, પણ સાર એટલો કે, જે લતાને ફિલ્મીસ્તાનના સર્વેસર્વાએ રીજેક્ટ કરી હતી, એ જ લતાના તમામ ગીતોને કારણે ફિલ્મ ‘અનારકલી’ એની રજુઆતના આજે ૫૮-વર્ષો પછી પણ ઝગમગે છે. અકબર-સલીમ અને અનારકલીની થીમ પર પાંચ-છ વર્ષ પછી કે. આસિફે ફિલ્મ ‘મુગલે આઝમ’ બનાવી,પણ એક ત્રીજી ફિલ્મ પણ આ વાર્તા ઉપર બનતા બનતા સહેજમાં રહી ગઈ, જેના સંગીતકાર અનિલ બિશ્વાસ હતા. ફિલ્મને અંતે અનારકલીને દિવાલમાં જીવતી ચણી દેવાનો ક્રૂર નિર્ણય જિલ્લે-ઇલાહી લે છે, ત્યારે ચણાતા-ચણાતા લતાના કંઠે ગીત ગવાય છે, એ જ અર્થઘટનનું ગીત અનિલ બિશ્વાસની ‘અનારકલી’ માટે પણ તૈયાર થઈને પડ્યું હતુ, ‘અલ્લાહ ભી હૈ, મલ્લાહ ભી હૈ, કશ્તિ હૈ કિ ડૂબી જાતી હૈ’.

એ અનારકલી તો ન બની, એટલે અનિલ દાએ એ જ ગીત એમની બીજી ફિલ્મ ‘માન’માં ગોઠવી દીઘું... પણ ગીતના જન્માક્ષર જુઓ. આ ગીત જન્મ્યું હતું, રાજરાણીસમી સુંદરી અનારકલી માટે, પણ ફિલ્મ ‘માન’માં એ એક ભિખારણના કંઠમાં રજુ થયું.

ફિલ્મની વાર્તા એટલે ‘મુગલે આઝમ’ જ, એટલે અહીં રીપિટ કરવાની જરૂર નથી લાગતી, પણ બે-ચાર વાતો તમને વાંચવાની અને મને લખવાની મઝા પડે એવી છે, જેમ કે મઘુબાલાની સરખામણીમાં તો ચૌદે બ્રહ્માંડોમાંથી મારી-તમારી વાઈફ સિવાય બીજી કોઈ સુંદરી ન આવી શકે, પણ બીના રૉયને તમે સરખી રીતે જોઈ હોય તો કબુલ કરશો કે, અનારકલી કે કોઈ બી કલી માટે સુંદરતાની દુનિયામાં એ મઘુબાલા કે કોઈ બી બાલાથી એક ડિજીટ પણ કમ નહોતી. આમ અત્યારે સાલું લાગી આવે કે, આવી સ્ત્રીઓત્તમ સ્ત્રી કોઈ નહિ ને પેલા ગેન્ડા પ્રેમનાથને શું જોઈને પરણી હશે ? પણ હકીકત એ છે કે, તમને દેવ આનંદવાળી ‘જ્હૉની મેરા નામ’ છાપનો પ્રેમનાથ યાદ રહી ગયો છે એટલે ગેંડો યાદ આવે, પણ ફિલ્મ ‘આન’,‘બરસાત’, ‘આગ’ કે ‘બાદલ’ જેવી ફિલ્મોના પ્રેમનાથને યાદ કરો તો માચોમૅન લાગતો આ હૅન્ડસમ એ વખતે તો બાય ગૉડ... રાજ કપુરો અને દિલીપકુમારોને ય દેખાવમાં બાજુ પર રાખી દઈ શકે, એવો સમર્થ હતો. એ તો હવે બહુ જાણીતી વાત છે કે, પ્રેમનાથ અને દિલીપકુમાર બન્ને એકબીજાના અંતરંગ મિત્રો અને બન્ને એક સાથે મઘુબાલાના ફિફટી-ફિફટી પ્રેમમાં હતા. મઘુબાલાને પોતાનું માર્કેટ સાચવવાનું હોવાથી ઇશ્કે-મિજાજીમાં એ, સેવાદળના આ બન્ને કાર્યકરોને રાજી રાખતી. કહે છે કે, મઘુબાલા બહુ દયાળુ હતી. આંગણે આવેલા કોઈને ના પાડી નહોતી શકતી, એટલે ભારત ભૂષણ અને પ્રદીપકુમારો પણ રથજાત્રાનો પ્રસાદ લઈ આવતા... કિશોર તો રથ ખેંચવા જવામાં કારણ વગરનો ખેંચાઈ ગયેલો...!

પહેલા એક વાતે આ લેખક અને બધા વાચકો એક વાતે સહમત થઈ જઈએ કે, કે. આસિફવાળી હોય કે ફિલ્મીસ્તાનવાળી હોય, મુગલીયા-સલ્તનતમાં ‘અનારકલી’ નામની કોઈ સ્ત્રી હતી-બતી નહિ. ઇતિહાસનું કોઈ સમર્થન એને મળતું નથી. શેહજાદો સલીમ ચોક્કસ હતો, જેને આપણે બાદશાહ જહાંગીરના નામથી ઓળખીએ છીએ. બાકી અનારકલી કેવળ કોઈ લેખકના ભેજાંની નિપજ છે, કલ્પના છે, એક લૅજન્ડ (દંતકથા) છે, એથી વિશેષ કાંઈ નહિ.

જેને પરદા પર જોયા પછી હજી માનવામાં આવતું નથી કે, ખરેખર આટલી સુંદર કોઈ સ્ત્રી હોઈ શકે ખરી ? એ મઘુબાલા તો દેશમાં જન્મેલી અને મૃત્યુ પામેલી વાસ્તવિક સ્ત્રી હતી, લૅજન્ડ નહિ. અનારકલી કોઈ હતી જ નહિ, પણ મઘુબાલા તો હતી. (રામ કરે, સો-બસો વર્ષોપછી ફરી એકવાર આવું પૂછાતું થાય કે, અશોક દવે નામના લેખક ખરેખર જન્મ્યા હતા કે ફક્ત દંતકથા હતા...? કોઈને આ નિવેદન સામે વાંધો હોય તો ૧૦૦-૨૦૦ને બદલે ૨૦૦-૩૦૦ વર્ષોનો ગાળો સમજવો. આટલી વાત માટે આપણા સંબંધો બગડવા ન જોઈએ.)

ફિલ્મીસ્તાનની ‘અનારકલી’ની વાત કરતી વખતે કે. આસિફના ‘મુગલે આઝમ’ સાથે સરખામણી ન જ કરવી, એવી હઠ લઈને બેઠો છું... કે ગુલાબની સરખામણી બહુ બહુ તો રજનીગંધા કે તુલિપના ફૂલો સાથે થાય.... જેન્તીના દાળવડાં સાથે ના થાય. આપણે સંયમ રાખીને બેઠા હોઈએ કે, ‘મુગલે આઝમ’ કે કોઈ બી આઝમ સાથે સરખામણી નથી જ કરવી, છતાં બન્ને ફિલ્મો એક જ વિષયવસ્તુ પરથી બની હોવાથી અનાયાસ પણ વો ગલતી હમ સે હો હી જાયેગી !

ત્રણ મોટા કારણોસર આ ફિલ્મની વાતો કરવાનું ગમે. સૌથી પહેલું તો, સી. રામચંદ્રનું મસ્તમધુરું સંગીત, બીજું રાજેન્દ્રકૃષ્ણના અસરદાર ગીતો અને ત્રીજું, બહુ ચાલી નહિ એટલે બહુ લોકોને ખબર ન પડી કે, આ ફિલ્મની હીરોઈન બીના રૉય વાસ્તવમાં અનારકલીના પાત્રને મૂર્તિમંત કરે, એવી બાય ગૉડ બ્યુટીફૂલ હતી.

કે. આસિફ જેવો પ્રભાવ આખી ફિલ્મના એક દ્રશ્યમાં તમે જોઈ ન શકો. અહીં તો, અનારકલી કેવી ડોબી હશે કે, સલીમ વેશપલટો કરીને (એટલે નાક નીચેના મોંઢા ઉપર માથે પહેરેલા સાફાનો ટુકડો ઢાંકી દે, એમાં બેન અનુ ઓળખી જ ન શકે ?... અવાજ પણ નહિ ? આંખ-નાક પણ નહિ ? સાલી શહેનશાહે એને ભીંતમાં ચણી દીધી ન હોત તો આપણે કડીયા-સુથારો મોકલ્યા હોત ! સુઉં કિયો છો ?

એમ તો... ‘મુગલે આઝમ’માં, ભલે દેખાવ તવાયફનો છતાં ગ્લૅમર ધગધગતી નિગાર સુલતાનાનું. રૂપમાં મઘુબાલા સાથે બરોબરીમાં ઊભી રહી શકે, એવી નિગાર જોઈને આપણને ય લાગે કે, સાહેબજાદો સલીમ આની લપેટમાં આયો નથી, એ જ નવાઈ ...! જ્યારે આ ફિલ્મમાં એ જ રોલ કુલદીપ કૌર કરે છે. ન કોઈ દેખાવમાં ઠેકાણાં, ન કોઈ સ્ક્રીન પર એના આવવાનો પ્રભાવ. આ કુલદીપ એ જમાનાની વૅમ્પ કહેવાતી. હથેળીમાં લાકડાની ફાંસ વાગી જતા ધનૂર થઈ જવાને કારણએ આ સરદારની ગૂજરી ગઈ હતી.

રાજ કપૂરની ‘બરસાત’ હોય કે વિજય ભટ્ટની ‘બૈજુ બાવરા’ હોય, એ જમાનાની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં એક દ્રશ્ય ભૂલ્યા વિના લેવું પડતું (જેને ફોટોગ્રાફીની પાછી મહાન ટૅકનિક કહેવાય....!) કે, સાઈડ-ફૅસમાં હીરો-હીરોઈન બન્ને આકાશ તરફ દ્રષ્ટિ કરતા જોયે રાખે... પ્રેક્ષકો બિચારા ખુશ થતા કે, ‘વાહ... શું ફોટોગ્રાફી છે ...? વાહ..’

મઘુબાલા યાદ હોય તો સલીમને સાહેબે આલમ કહીને બોલાવતી, જ્યારે અહીં બીના રૉય પેલાને ‘સિપહીયા’ કહીને બોલાવે છે, એ સમજી શકાય કે, પ્રદીપકુમાર બક્કલ નં. ૩૨૮ જમાદાર જવાનસંગ જેવો દેખાય છે... શાહજાદા જેવો નહિ. ‘મુગલે આઝમ’ કરતા ‘અનારકલી’ ૪-૫ વર્ષ સીનિયર કહેવાય અને કે. આસિફ કે મહેબૂબ જેવા ફિલ્મ-સર્જકો તો એમની પહેલા કે પછી પણ થયા નહિ, એટલે ભલે ગુજરાતી હોવાના ગર્વો અમદાવાદમાં બેઠા બેઠા લીધે રાખીએ કે, ‘અનારકલી’ના દિગ્દર્શક આપણા ગુજરાતી નંદલાલ જસવંતલાલ હતા, પણ એટલા ગૌરવ પૂરતું ઓકે, બાકી એમણે ‘અનારકલી’ને શક્ય એટલી ફાલતુ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી.

No comments: