Search This Blog

08/06/2011

પાર્કિંગ બાર્કિંગ –બુધવારની બપોરે

૧..... પાર્કિંગ ગુરૂજી, શું આપ ગાડીના પાર્કિંગ માં પડતી મુશ્કેલીઓ અંગે અને માર્ગદર્શન આપી શકશો ?
- ગાડી ક્યાં છે ?

૨... સર... અત્યારે કોઈ ગાડી પાર્ક કરવાની નથી. આ તો આખા ગુજરાત-મુંબઈમાં ગાડી પાર્ક કરવામાં રોજ પડતી મુશ્કેલીઓ અંગે આપશ્રીનું માર્ગદર્શન જોઈએ છે.
- ક્યાંય પણ પાર્ક કરવા માટે તમારી પાસે ગાડી હોવી જરૂરી છે. વગર ગાડીએ તમે કશું પાર્ક કરી શકતા નથી.

૩... વાઉ... કેટલું મહાન સંશોધન ? પણ કૃપા કરીને એ જણાવશો કે, એક સ્વસ્થ માનવીમાં એની ગાડી પાર્ક કરવા માટે કયા કયા ગુણો હોવા આવશ્યક છે ?
- ગાડી પાર્ક કરવા માટે મનુષ્ય પાસે અખૂટ ધીરજ, મક્કમ મનોબળ, ભૂમિતીનું પર્યાપ્ત જ્ઞાન, ગાડીમાં પત્નીની ગેરહાજરી, ગુસ્સા પર કાબુ છતાં, હ્રસ્વ-દીર્ઘની ભૂલો વિનાની નઠારી ગાળો બોલતા આવડવી જોઈએ.

૪.... ગાડી પાર્ક કરવા માટે નડતા પરિબળો કયા કયા છે ?
- પત્ની જો તમારી સગી હોય તો.. આઈ મીન, તમારી સગી પત્નીને આ મુકાબલાનું મુખ્ય નડતું પરિબળ કહી શકાય, જેને સાઈકલ ચલાવતા ય આવડતી નથી, છતાં મહીં બેઠી બેઠી તમને ગાડી કેવી રીતે ને ક્યાં પાર્ક કરવી, તે અંગેની ૩૨૭-હળીઓ કરે છે, જેમાંથી એક તો ઘેર પાછા જવાની હોય છે, એ પરિબળ સામે ટક્કર લેતા લેતા ગાડી પાર્ક કરવી કઠિન છે. જો તમે હિંદુ હો, તો ઇવન કેલેન્ડરમાં ય એક ફોટો એવો બતાવો કે, આપણા ભગવાન આકાશમાં સાત ઘોડાવાળો રથ લઈને નીકળ્યા હોય અને બાજુમાં એમની વાઈફ બેઠી હોય. એટલી અક્કલ તો ભગવાનોમાં ય હતી કે વાહન અને વાઈફને કદી સાથે ન રખાય. ગાડી-શાસ્ત્રોમાં કહ્યું છે કે, બાજુમાં વાઈફ ન બેઠી હોય તો માણસ તાડના ઝાડ ઉપરે ય ગાડી પાર્ક કરી શકે.

૫.... બાજુમાં વાઈફ બેઠી ન હોય, એવી ગાડીને કરવાનું શું ગુરૂજી.. ? વાઈફ તો ગાડીની શોભા છે, ગુરૂજી...
- તારી ભલી થાય ચમના... મંગળફેરા વાઈફને ગાડીમાં બેહાડીને ફર્યો’તો... ? બાજુમાં બેઠેલી દુનિયાભરની વાઈફો એમ જ સમજે છે, ‘મારા ગોરધનને ગાડી ચલાવતા આવડતું નથી એટલે, ‘‘આમથી લઈ લો... અહીં ચઢાવી દો... જરી રીવર્સમાં તો લો... ! અરે ક્યારના શું કરો છો... ગાડી પાર્ક કરો છો કે ડામરનું રોલર ચલાવો છો ? ઉફ... આમની ગાડીમાં હું ક્યાં બેઠી... ?’’ આવી એની ટકટકો ચાલુ ને ચાલી જ હોય છે.

૬... તો શું... જ્યાં સુધી રસ્તાઓ ઉપર ગાડીઓ રહેશે, ત્યાં સુધી પાર્કિંગ ના પ્રોબ્લેમો પણ રહેશે ?
- માર્કેટમાં હવે જે નવી ગાડીઓ આવી રહી છે, તેમાં પાર્કિંગ ની સગવડ પણ મૂકવામાં આવે, એવી માંગણી જોર પકડી રહી છે, તે જોતાં જ્યાં ગાડી લઈને જાઓ, ત્યાં તમારી ગાડી જરૂર પડે તો બીજાની ઑલરેડી પાર્ક થયેલી ગાડીને હડસેલો મારીને પણ તમારા માટે જગ્યા કરી આપશે. હવેની ગાડી બિલ્ડ-ઇન પાર્કિંગ સાથે જ આવશે... તમે રતન પોળમાં ય પાર્ક કરી શકશો.

૭... ઓકે. અન્ય પરિબળો ?
- વૉચમેન નામનું એક તત્ત્વ તમારી ઘૂળ કાઢી નાંખવા માટે મશહૂર છે. કોઈપણ ગાડીના માલિકે તમે મહીં બેઠા હો, ત્યાં સધી જ હો છો. ઉતર્યા પછી એનો માલિક કમ્પાઉન્ડનો વૉચમેન બની જાય છે. પાર્કિંગ શોધવા કમ્પાઉન્ડના આઠ-દસ ચક્કરો મારી લીધા પછી, માંડ કોક ખૂણે તમે ગાડી પાર્ક કરી લો ને ‘હાઆઆ.. શ’ બોલીને નીચે ઉતરો, ત્યારે ‘શા’બ.. ગાડી જરા પીછે લે લો... યહાં નહિ સા’બ... ગાડી બહાર પાર્ક કરો.’’ કહેતો કહેતો વોચમેન થાંભલામાંથી ભગવાન નરસિંહ પ્રગટ થાય, એમ કોક કોક ગાડી પાછળથી પ્રગટ થશે. યાદ રાખો. સવા દોઢ કરોડના લક્ઝુરિયસ ફલેટોના માલિકો કોઈ બી હોય, કમ્પાઉન્ડના માલિકો વૉચમેન હોય છે. દૂરથી આપણી ગાડી આવતી જોતા જ એ હથેળીમાં તમાકુ-ચૂનો મસળતો-મસળતો, કોઈ ગૂન્હેગાર અદાલતમાં દાખલ થતો હોય એવી નજરે જોતો પોતાના સ્ટૂલ પરથી ઊભો થશે. એ કાંઈ બોલશે નહિ. તમે હાઈકોર્ટના કોઈ જજ હો, શહેરના પ્રતિષ્ઠિત ડૉક્ટર હો કે ખૂબ મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હો... બ’ઈની ઝાલર...! એને કાંઈ લેવા-દેવા નહિ.

૮.... તો શું, જેનો એને પગાર મળે છે, એ એની ડ્યૂટી પણ ન બજાવે ?
- પરસેવે રેબઝેબ થતાં ચાવી લઈને તમને ગાડીની બહાર નીકળો. ત્યાં જ કપૂરથલાના મહારાજા લખનૌના નવાબને મળવા આવ્યા હોય, એમ ગુમાનસિંઘ વૉચમેન તમારી સામે આવીને ઊભો રહેશે, ‘‘શા’બજી... ગાડી બહાર પાર્ક કરો... અંદર પાર્ક કરના મના હૈ...’’. એણે ધાર્યુ હોત તો તમે ગૅટમાં દાખલ થયા ત્યારે રોકી શક્યો હોત... નો ! એ તમને અંદર જવા દેશે. પાર્કિંગ માટે તમને હઈડ-હઈડ થતા જોવાનો એને ય મજો પડે છે. ડ્યૂટી તો... હમણાં કહું એ... ! ‘સાહેબ-લોકોને પણ મારી પાસે કેવા સીધા ચાલવું પડે છે ?’ એવો એક વિકૃત ઇગો એમનો સંતોષાતો હોય છે.

૯... શું ગાડીના પાર્કિંગ સાથે જનાવરોને કોઈ ઊભો કે આડો સંબંધ હોય છે ખરો ?
- અવશ્ય હોય છે, વત્સ. શહેરના કૂતરાઓ હવે લકઝૂરિયસ લાઈફો જીવવા માંગે છે, એટલે તેઓશ્રીઓ આરામ ફરમાવવા માટે આપણી ગાડીના રૂફનો ઉપયોગ કરે છે અને સુંદર મઝાનો ગોળાદાર ગોબો પાડી આપે છે. જીવદયાપ્રેમીઓ તો ત્યાં સુધી માને છે કે, ગાડી જો બીજાની હોય તો ગાડીના દરવાજા ખુલ્લા રાખીને કૂતરાં-મિત્રોને મહીં સીટ પર સૂવાની સગવડો ય કરી આપવી જોઈએ.

૧૦... શું અન્ય જીવોને પણ આપણી ગાડીમાં રસ પડે છે ખરો ?
- ગાડીમાં નહિ, ગાડીની ઉપર રસ ઢોળતા કબૂતરો આપણને શીખવે છે કે, રોજ ગાડી ઘુઓ અને રોજ એમણે ધોળેલા રસ સાફ કરો. ચોખ્ખાઈના પાઠો એ લોકો શીખવે છે. એ લોકો શાંતિના નહિ, હરડેના પ્રતિકો છે.

૧૧... અમદાવાદમાં તો સી.જી. જેવા રોડ પર ટ્રાફિક-પોલીસો બહુ હેરાન કરે છે. ગાડી પાર્ક ક્યાં કરવી ?
- ગૂડ ક્વૅશ્ચ્યન. શૉપિંગ-સેન્ટરોવાળાને તો ચિંતા નહિ કે, એમના ગ્રાહકો ગાડી પાર્ક કર્યા પછી ક્યાં ક્યાંથી ચાલીને આવશે ! કોક પોલીસ-ખાસાંનો કે મ્યુનિસિપાલિટીનો ય જવાબ માંગનારો જોઈએ કે, શૉપિંગ-સેન્ટરવાળા પાર્કિંગ આપી શકતા નથી તો જગ્યા તમે બતાવો. હવેની તો ગાડી ય મિનિમમ ૫-૭ લાખની આવવા માંડી છે. એક કરોડની મર્સીડીસ પણ લઈને નીકળ્યા પછી એને ય પાર્ક તો રામભરોસે જ કરવાની ને ?

૧૨... તો સરજી, હવે એ પણ કહી દો કે, આપણે ત્યાં મૅરેજના પાર્ટી-પ્લોટોમાં પણ પાર્કિંગ ની સગવડ નથી હોતી.
- પાર્કિંગ વગર જ લગન કરવાના હોય તો આવા પ્લોટોને બદલે રેલવેના પ્લેટફોર્મ પર રિસેપ્શન ગોઠવવાની હું ભલામણ કરું છું. જે ઇશ્વરે ચવાણું આપ્યું છે, તે ચાવવા માટે દાંત પણ આપશે, એ ધોરણ પાર્ટી-પ્લોટોવાળાઓને લાગૂ પડતું નથી. કાલ ઉઠીને તમે તો પ્લોટવાળા પાસે પ્લોટના ભાડામાં કન્યાદાન કરાવવાની માંગણીઓ ય કરો. કોઈ એ ન ભૂલે કે, પાર્ટીપ્લોટવાળાને એમની એક ગાડી પાર્ક કરવાની હોય છે, એ થઈ ગઈ એટલે બધાનું પાર્કિંગ આઈ ગયું, મારા ભ’ઈ !

૧૩.... ગુરૂજી, આજે આપે પાર્કિંગ વિશેની અમારી ઘણી ગેરસમજો દૂર કરી (અને ઘણી ઊભી કરી) તે બદલ આભારી છું.
- ઇટ્‌સ ઓકે.

સિક્સર
પોતે કાંઈ ઉકાળી નહિ શકતા ભાજપ પાસે અત્યારે મોંઘવારી સામેના આંદોલનમાં કંઈક કરી બતાવીને હીરો બની જવાની ને છવાઈ જવાની તક છે... નહિ બતાવે... ! કયા મોંઢે એ ય કાંઈ બોલી શકે એમ છે ?
હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈં, અંજામે-ગુલિસ્તાં ક્યા હોગા .... ?

No comments: