Search This Blog

24/06/2011

‘જાનવર’ (’૬૫)

ફિલ્મ : ‘જાનવર’ (’૬૫)
નિર્માતા-દિગ્દર્શક : ભપ્પી સોની
સંગીત : શંકર-જયકિશન
ગીતો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૭-રીલ્સ
કલાકારો : પૃથ્વીરાજ કપૂર, શમ્મી કપૂર, રાજશ્રી, રાજેન્દ્રનાથ, રહેમાન, શ્યામા, માધવી, કૃષ્ણ ધવન, મનોરમા, અચલા સચદેવ, શિવરાજ, બ્રહ્મ ભારદ્વાજ, રવિકાંત, રાની, મઘુમતિ


ગીતો
૧. લાલછડી મેદાન ખડી, ક્યા ખૂબ લડી મુહમ્મદ રફી , શૈલેન્દ્ર
૨. તુમસે અચ્છા કૌન હૈ, દિલો જીગર લો જાન લો મુહમ્મદ રફી, હસરત
૩. મેરે સંગ ગા ગૂનગુના, કોઈ ગીત સુહાના સુમન કલ્યાણપુર, હસરત
૪. મેરી મુહબ્બત જવાં રહેગી, સદા રહી હૈ મુહમ્મદ રફી, હસરત
૫. રાત યૂં દિલ મેં તેરી ખોઈ હુઈ યાદ આઈ રફી-લત , ફૈઝ અહેમદ ‘ફૈઝ’
૬. દેખો અબ તો કીસકો નહિ હૈ ખબર આશા, રફી, બલબીર શૈલેન્દ્ર
૭. આંખો આંખો મેં કીસિ સે બાત હુઈ લતા, આશા, મન્ના ડે શૈલેન્દ્ર

’૬૦ના દાયકામાં શમ્મી કપૂરને એક ઍક્ટર તરીકે અમારા સિવાય કોઈ સીરિયસલી લેતું નહોતું. ‘અમારા સિવાય’માં તમે એ જમાનામાં શમ્મીના અમારા જેવા ડાય-હાર્ડ ફૅન હો, તો અમારામાં તમે ય આવી ગયા. શમ્મીને ઉછળકૂદના હીરો તરીકે વગોવવામાં એ વખતના ફિલ્મી પત્રકારો કે રાત્રે ૧૨-થી સવારે ૬-સિવાયના આખા દિવસમાં ગંભીર મોંઢા લઈને ફરતા સારા ઘરના કેટલાક લોકો ય બાકાત નહોતા. યાદ હોય તો ૠષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આનંદ’ના એક દ્રશ્યમાં ઘોડાગાડીની સવારી દરમિયાન, રાજેશ ખન્ના અમિતાભ બચ્ચનને આ ફિલ્મ ‘જાનવર’ના હોર્ડિંગમાં ખાસ શમ્મી કપૂરને બતાવીને કહે છે, ‘‘... વો જાનવર કી તરહા...’’ આમાં ચોખ્ખો ઇશારો શમ્મી કપૂરની ઇમેજને કટ-ટુ-સાઈઝ વેતરી નાંખવાનો હતો.

એ તો એકવાર શમ્મી કપૂરનો જમાનો પૂરો થયો અને પછી આજ સુધી જે કચરાપટ્ટી હીરો આવવા માંડ્યા, તેમને જોઈ લીધા પછી લોકોમાં અક્કલ આવી કે, આ સાલા બધા બનાવટી લાગે છે.. ઓરિજીનલ શમ્મી હતો. એ માત્ર હેન્ડસમ નહોતો. પિતા પૃથ્વીરાજ અને ભાઈઓ રાજ અને શશીની જેમ આખો સ્ક્રીન ભરી દઈને આખા ઑડિયન્સ પર છવાઈ જવાવાળો પ્રભાવશાળી ઍક્ટર હતો. યસ. એક ઍક્ટર તરીકે પણ એનું મૂલ્યાંકન They too ranમાં હરગીઝ ન આવે. શમ્મીને વગોવવાના ૠષિકેશ મુખર્જી જેવા ધીર ગંભીર માણસોને બે મોકા વઘુ મળે, એવી એની અંગત પર્સનાલિટીને પછાડતા નામો પણ એની ફિલ્મોના હતા, જંગલી, જાનવર, બદતમીઝ, બ્લફ માસ્ટર, લાટ સાહબ, પ્રીતમ, બ્રહ્મચારી... ! આમ તો પ્રિન્સ, રાજકુમાર કે પ્રોફેસર સારા નામો કહેવાય, સાવ જાનવર જેવા નહિ પણ આવા સારા ટાઈટલ્સ ધરાવતી ફિલ્મમાં... ફૉર એ ચૅઈન્જ, જાનવર શમ્મી કપૂર નથી... શમ્મીનો ય બાપ જાનવર છે. આઈ મીન, પાપા પૃથ્વીરાજ કપૂરને સ્વભાવના જાનવર બનાવાયા છે, જે પોતાના બન્ને વહાલસોયા દીકરાઓ શમ્મી અને રહેમાનને તેમની ગરીબ પ્રેમિકાઓ અનુક્રમે રાજશ્રી અને શ્યામા સાથે પરણવા દેતા નથી ને વચમાં હળીઓ કરે રાખે છે. એ તો ફિલ્મના અંતે રાઝ ખૂલે છે કે, આજે કરોડપતિ ખુદ પાપાજીને બચપણમાં અનાથાશ્રમમાંથી લાવવામાં આવ્યા હતા, ત્યારે કાકાની આંખો ખુલે છે ને બન્ને ભાઈઓને પરણવાની છૂટ આપે છે.

વાર્તા-ફાર્તા તો સમજ્યા કે, આવી તોફાની ફિલ્મોમાં આપણને ય એનું ખાસ કાંઈ મહત્વ ન હોય, પણ ફિલ્મ શમ્મીની હોય એટલે એ જમાનામાં મુહમ્મદ રફી, શંકર-જયકિશન અને શમ્મીની ત્રિપુટીવાળી કોઈપણ ફિલ્મ આવે - ‘જંગલી’, ‘જાનવર’, ‘ઍન ઇવનિંગ ઈન પૅરિસ’, ‘સચ્ચાઈ’, ‘બદતમીઝ’, ‘બૉય ફ્રેન્ડ’, ‘રાજકુમાર’, ‘દિલ તેરા દીવાના’, ‘પ્રોફેસર’, ‘બ્રહ્મચારી’, ‘પગલા કહીં કા’, ‘પ્રિતમ’, ‘જાને અનજાને’, ‘તુમ સે અચ્છા કૌન હૈ’કે ‘લાટ સાહબ’... એ જમાનામાં ખાસ આ ત્રણેની ત્રિપુટી પાછળ દીવાનો અમારા જેવો ખાસ ક્લાસ હતો. આજે ય ઘણાને યાદ છે કે, દિવાળીના દિવસોમાં થિયેટર ભલે ખટારાછાપ રહ્યું. પણ અમદાવાદના ગાંધી રોડના ફુવારા પાસેની પ્રતાપ ટૉકીઝમાં દર વર્ષે ‘ઍન ઇવનિંગ ઈન પૅરિસ’ આવે, આવે અને આવે જ... જે અમારે જોવાનું, જોવાનું અને જોવાનું જ ...! એ તો હવે ગામનો રણછોડીયો ય જાણે છે કે, રફી, શમ્મી અને જયકિશનની ત્રિપુટી દર રવિવારે મુંબઈના ચર્ચગૅટ પરની ‘ગૅલોર્ડ’ રેસ્ટોરાંમાં ચોક્કસ બેઠા હોય જ. રફી સાહેબે ઉઘાડેછોગ કબુલ્યું છે કે, આજ સુધીની તમામ હિંદી ફિલ્મોનો એમનો સૌથી પ્રિય હીરો શમ્મી કપૂર છે... પછી બીજા અને ત્રીજા નંબરે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર આવે... પણ એ પછી કોઈ નહિ.

જો કે, બહુ ઓછાને ખબર હશે કે, શમ્મીનો પર્મેનન્ટ બારમાસી ફ્રેન્ડ પોપટલાલ ઉર્ફે રાજેન્દ્રનાથ હતો અને તે ય આજકાલનો નહિ, બન્ને ફિલ્મોમાં આવ્યા તે પહેલાંનો. શમ્મીની મોટા ભાગની ફિલ્મોમાં પોપટલાલ હોય જ, એમ આ ‘જાનવર’માં સાચું પૂછો તો હસાવી હસાવીને પિદૂડી કાઢી નાંખે છે. આ પોપટીયો એની આખી બૉડી-લૅંગ્વેજ અને એક્ટિંગમાં સીધી છાંટ સ્ટૅન્લી લૉરેલ (લૉરેલ-હાર્ડી)ની હતી. આ ફિલ્મમાં પોપટલાલની પ્રેમિકા બનતી માધવી વાસ્તવમાં દિગ્દર્શક ભપ્પી સોનીની પત્ની છે. બારમાસી રોતો ચહેરો શિવરાજ રાજશ્રીનો પિતા બને છે, પણ ઘણી અસરકારક વૅમ્પના નાનાનાના રોલ કરતી મનોરમા (જાડી) એના જેવા જ સ્મૉલ-ટાઈમ વિલન રાજન હકસરની પત્ની થાય. માનવું જરા અઘરું પડે, પણ એક જમાનામાં આ મનોરમા ય હીરોઈન હતી હીરોઈન, બોલો !

રાજેન્દ્રનાથ આ ફિલ્મનો ઇન્ટેગ્રલ પાર્ટ છે. પોપટની કોમેડી ફક્ત ‘બફૂનરી’ ઉપર આધારિત હતી. આ શબ્દનો થોડો સહેલો અર્થ થાય, ‘વિદૂષકવેડાં’, જે એને સાઘ્ય હતા. ઓકે. હવે ચર્ચાની ગમ્મત પડે એવી વાત એ છે કે, ચાર્લી ચૅપ્લિન બ્રાન્ડની સૂક્ષ્મ (Subtle) કૉમેડી એટલે બહુ ઊંચી અને આ બફૂનરી એટલે ફાલતૂ, એવા કોઈ ભ્રમમાં રહેવા જેવું નથી. તમને વલ્ગરવેડાં કર્યા વગર નિર્દોષભાવે ખડખડાટ હસાવી પાડે, એવી કોઈ પણ બ્રાન્ડની કૉમેડી ફાલતુ હોઈ જ કેવી રીતે શકે ? બેશક, રાજેન્દ્રનાથ એના ક્ષેત્રના સર્વોત્તમ કૉમેડીયનો પૈકીનો એક હતો. અહીં શમ્મી કપૂરની ડાયરી પડી જાય છે, તે શમ્મી ઉઠાવે તે પહેલા જ કૉલેજની છોકરીઓ જાતે ઉપાડીને શમ્મીને ડાયરી પાછી આપવા પડાપડી કર છે. ખીજાયેલો પોપટ પોતાની ડાયરી જાતે જમીન પર ફેંકીને રાહ જૂએ છે કે, છોકરીઓ પડાપડી કરશે. બધીઓ મોંઢું મચકોડીને જતી રહે છે.

હજી આપણામાંથી કોઈનેય સરખી જુવાની ફૂટી ય નહોતી ને રાહ-બાહ જોયા વિના સીધી કોઈ ધોળીયાને પરણી જનાર આ ફિલ્મની હીરોઈન રાજશ્રી રંગે શ્યામ હોવા છતાં (અથવા એટલે જ) ભારે ખૂબસૂરત લાગતી હતી, એની સાબિતી ‘જાનવર’ જોયા પછી મળે છે કે, આપણે એની સાથે પરણ્યા હોત તો કેવા લાગત !... આ તો એક વાત થાય છે. ફિલ્મ નગરીના મોટા જાયન્ટ સર્જક વ્હી. શાંતારામની દીકરી હોવાને કારણે નૃત્યમાં તો એ નિપુણ હોય જ, પણ ઍક્ટ્રેસ તરીકે ય બહુ સારી. હજી તો ચમનમાં ફૂલ ઊગુંઊગું થાય ત્યાં જ, મુંબઈની ‘સન એન્ડ સૅન્ડ’ હોટેલના સ્વિમિંગ પૂલમાં એ રોજની જેમ સવારે નહાવા જતી (જોયું... ? ઘેર નહાવાની તંગી એકલા આપણા અમદાવાદ-રાજકોટમાં જ નથી...!), ત્યાં એ જ હૉજમાં નહાતો અમેરિકામાં ભણતો જર્મન ધોળીયો તરતા-તરતા એને અથડાયો, એમાં શરમાઈને રાજશ્રીથી જીભડો બહાર નીકળી ગયો. (આ કોઈ મજાક નથી. વાસ્તવિક બનેલી હકીકત છે.) તે એમાં પોતાના દેશના રિવાજ મુજબ, એ ગ્રેગરી ચૅપમેન એવું સમજ્યો કે, આ મને ચુંબન કરવાનું આમંત્રણ આપી રહી છે. તરત કરી લીઘું એમાં બન્ને પ્રેમમાં પડી ગયા ને લગ્ન કરી લીધા. (સાલા રિવાજો આવા હોય... ? ફટ્ટ રે ભૂંડા...!) કહે છે કે, આ ઘટના પછી મુંબઈની વાઈફો એમના ગોરધનોને કમ-સે-કમ ઘેર નવડાવતી થઈ ગઈ’તી...!)

આપણા તો હજી ય જીવો બળે રાખે કે, રાજશ્રી ત્સુનામી વાવાઝોડાં જેવી નીકળી... એક વાર ગઈ, તે પછી કદી પાછી જ ન આવી. આજે એ કેવી લાગતી હશે, એનો ફોટો ય જોવા મળતો નથી. એટલી ખબર છે કે, હાલમાં છેલ્લા ૩૦-વર્ષોથી અમેરિકામાં કપડાંનો બિઝનેસ કરતી રાજશ્રીએ ત્રણ ઇંગ્લિશ ફિલ્મો Hack-O-Lantern, Tainted Love અને Monsoonમાં એ આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતી. રાજકપૂરની સાથે ફિલ્મ ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’, શશીકપૂર સાથે અડધેથી પડતી મૂકેલી ફિલ્મ ‘નૈના’ અને સાથમાં સંજયખાન સાથેની ‘દિલને પુકારા’, જીતુભ’ઈ સાથે ‘સુહાગરાત’ (ફિલ્મની વાત થાય છે...!), ‘ગીત ગાયા પથ્થરોં ને ’, ‘ગુનાહોં કા દેવતા’, વિશ્વજીત સાથે ‘શેહનાઈ’, ‘દો દિલ, ‘સગાઈ’, મનોજકુમાર સાથે ‘ઘર બસાકે દેખો’ (શબ્દાર્થમાં એ શક્ય નથી !), ધરમ પાજી સાથે ‘મુહબ્બત જીંદગી હૈ’, જાૅય મુખર્જી સાથે ‘જી ચાહતા હૈ’ અને શમ્મીની સાથે ‘બ્રહ્મચારી’ અને આ ‘જાનવર’.

શમ્મી સાથે રાજશ્રીની જોડી ‘બ્રહ્મચારી’ સુધી લંબાઈ હતી. એ વાત જુદી છે કે, રાક્ષસ જેવા શરીરની સાઈઝનો શમ્મી કપૂર અને આ બટકી રાજશ્રી એકબીજાને ભેટતા હોય ત્યારે કોઈ મોટા ગેરેજની બહાર નાનું ‘ઍક્ટિવા’ પાર્ક કર્યું હોય એવું લાગે.

શમ્મીની ધાંયધાય સફળતામાં એની ફિલ્મોના સંગીતકારો અને રફી સાહેબનો મોટો ફાળો ખુદ એ પણ સ્વીકારે છે. રફીના ચાહકોને તો જલસા પડી જાય એવું ય કામ અહીં થયું છે. રાજશ્રી સાથે શિકારામાં મશહૂર શાયર ફૈઝ એહમદ ‘ફૈઝ’ની રચનાઓ મુહમ્મદ રફી અને લતા મંગેશકરના કંઠે મીટરલૅસ (એટલે કે, વચમાં કોઈ સંગીત-બંગીત વગર) ગવાઈ છે. અનેક ફિલ્મોમાં રફીએ આવી, ‘અજીબ રંગ મેં અબ કે બહાર ગૂઝરી હૈ...’ જેવી મીટરલૅસ રચનાઓ ગાઈ છે, જેની રૅકર્ડસ ન મળે, પણ ફિલ્મમાં સાંભળો એ નશો અલગ હોય. શંકર-જયકિશન બાકાયદા સર્વોત્તમ સંગીતકારો હતા... Not just the best, but best ever ! આ મારો અંગત મત હોઈ શકે, પણ હું જાણું છું, આ મામલે મને સપોર્ટ કરનારા હજારો નહિ, લાખો છે.

પણ, આશા-રફી પાસે ગવડાવેલું ‘દેખો અબ તો કીસકો નહિ હૈ ખબર...’ શંકર-જયકિશને બિટલ્સનું આખેઆખું ગીત I want to hold your hand ઉઠાવી લીઘું છે. YouTubeમાં આ ગીત આસાનીથી જોવા/સાંભળવા મળશે. ખાત્રી કરો, કૉપી કેટલી હદે થઈ છે ! ખબર નહિ, એ જમાનામાં હવા એવી ચાલતી હશે કે, ‘બીટલ્સ’ જેવી હૅર-સ્ટાઈલ રાખવાથી બીટલ્સ જેવા દેખાતું હશે. સાચું પૂછો તો આ ગીતમાં ભાગ લેનારા તમામ વાંદરા લાગે છે, શમ્મી કપૂર અને રાજશ્રી પણ. આપણી તૈયારી તો ત્યાં સુધી કહેવાની કે, ઇન્ડિયન છે તો શું થયું, આપણો શમ્મી કોઈપણ બીટલ્સ કરતા વઘુ દેખાવડો લાગે છે. એને આવા વાઘા પહેરવાની ક્યાં જરૂર હતી ?

ફિલ્મ ’૬૦ના દશકની છે, એટલે આપણે સ્કૂલ-કૉલેજમાં હતા, એ જમાનો. આવી ફિલ્મો જોવાનો મજો જ એ પડે કે, એ જમાનાની ફૅશનો અત્યારે નજર સામે જોવા મળે. હીરોઈન રાજશ્રી કપાળની વચ્ચેથી બે ભાગ કરીને બન્ને લમણાં તરફ ઢળતી બે પટ્ટીઓ કાન ઉપરથી પાછળ લઈ જાય, પણ પછી ઊભા અને સીધા ઓળેલા માથામાં હૅર-સ્ટાઈલ ‘પફ’ની. માથા ઉપર આવો ટેકરો ઊગેલો જોઈને અત્યારે હસવું આવે. ક્યારેક બૅક-કૉમ્બિંગ પણ થતું. હીરો કે હીરોઈનોન બહારના દ્રષ્યોમાં માથે હૅર-સ્પ્રે લગાવવું પડતું, જેથી મહાબળેશ્વરના ટૅબલ-માઉન્ટેન્સના શૂટિંગમાં પણ વાળ ન ઊડે. હીરોઈનો આંખોના ખૂણીયા તો હજી હમણાં સુધીની ફિલ્મોમાં કાઢતી.

આ જૂની ફિલ્મોના અંત લગભગ એકસરખા હોય. આઈ મીન, અનેક વાર્તામાં અંતો આવા જ રીપિટ થયે રાખે. હીરો કે હીરોઈન એકબીજાથી રિસાઈને ગુજરાત મૅલ કે સિંગાપુર ઍરલાઈન્સની ફલાઈટ પકડીને કાયમ માટે પરદેશ જતા રહેતા હોય, એ વખતે હીરો ગાડી, મોટર-બાઈક, સાઈકલ કે વીજળીના થાંભલા કૂદતો કૂદતો ઍરપોર્ટ કે સ્ટેશને પહોંચે. લેવા-દેવા વગરના જીવો આપણા અઘ્ધર થઈ જાય, કારણ કે કટોકટીની ઘડીઓ, હૉરર પેદા કરે એવું ફાસ્ટ બૅક-ગ્રાઉન્ડ મ્યુઝિક અને છેક છેલ્લી ઘડીએ હીરોને ટ્રાફિક સિગ્નલ નડે. કાન્તાલક્ષ્મી પણ વિમાનના પગથીયા સુધી પહોંચી ગઈ હોય ને ટેન્શન આપણું વધી જાય. આખરે હીરો સહેજ મોડો પડે છે. એના પહોંચવાની ઘડીએ જ મુવાઓ પ્લેન ઉપાડી મૂકે છે ને હીરો નિરાશ થઈને ઉડતા પ્લેનને જોયે રાખે છે... ‘‘તુમ ચલી ગઈ...? ઇતના ભી નહિ સોચા કિ, મેરા ક્યા હોગા ? આખિર નીકલી ના તુમ ભી ઔરોં કી તરહા બેવફા... ?’’

ત્યાં જ પાછળથી એના ખભે એક ખાલી હાથ મૂકાયેલો દેખાય. પેલો પાછળ જુએ ને ચમકે. ‘‘આ તો કાન્તાલક્ષ્મી... આહ, ઓહ, ઊહ, ઇહ... આ તો ગઈ નથી... યા અલ્લાહ... આખિર તૂને મેરી લાજ બચા લી...!’’

અહીં ઍરપોર્ટ પર ગમે તેવો તડકો, ગરમી અને બફારો હોય, કપડાં પરસેવે રેબઝેબ થઈ ગયા હોય, પણ બન્નેએ એકબીજો ભેટવું તો પડે જ. બન્ને ખૂબ ભેટે છે, ખૂબ ભેટે છે, ખૂબ ભેટે છે કારણ કે અહીં ફિલ્મનો ‘ધી ઍન્ડ’ લાવવાનો હોય છે. આપણે ય થીયેટરમાં ઊભા થતા થતા, પાટલૂન ખંખેરીને રૂમાલ, છત્રી કે સગી વાઈફને ભૂલીને ‘ચલો.. અંતે સહુ સારું થયું’ એક ખુશીયાં મનાવતા પાર્કિંગ -પ્લોટમાં પહોંચી જઈએ છીએ.

No comments: