Search This Blog

29/06/2011

કાળું વાદળું બ્લૅક-મૅઈલ થયું...!

ફિલ્મી ગીતોમાં આડેધડ લેવાદેવા વગર વપરાતા શબ્દો-નદી, પર્વત, ઝરણા, આસમાન કે હવા-થી ખીજાઇને એ લોકોએ જ વિરોધ કર્યો કે, આપણો મીસયૂઝ થઇ રહ્યો છે અને એનો વિરોધ નોંધાવવો જોઈએ. જરા અમથી હીરોઇન નવરી પડી નથી કે, ‘અય ચાંદ છૂપ ના જાના’ કે ‘ચંદા રે મોરી પતીયાં લે જા, સાજન કો પહોંચા દેના...!’ કેમ કંઇ, અમે તારા બાપાના નોકર છીએ, તે તારા રમેશને સંદેશો આલવા અમે જઇએ ?’

આ લોકોનો ગુસ્સો વ્યાજબી હતો કે, અડધી રાતે મકાનના ધાબે ચઢેલી હીરોઇન ઠીક છે, એના ગોરધનને પાછો બોલાવવા કે મૅસેજ મોકલવા ચંદ્ર કે તારાઓને છુટક મજૂરી સોંપે... ને જીવદયા ખાતર પેલા લોકો કામ કરે બી ખરા, પણ આવી કોઇ એક ચંપા ના હોય... ભારતભરની સેંકડો હીરોઇનો રાત્રે રસોઇ-પાણી પતાઇને પહોંચે મકાનને ધાબે, અંધારી રાત્રે જંગલમાં, નદીયા કિનારે કે કોઇ ઊંચા પહાડની ટોચ પર... ને ત્યાં ઊભી ઊભી વાદળ, ચંદ્ર, સૂરજ કે હવાને આવા હૉમવર્કો સોંપે. ઓ બેન, આટલો સંદેશો આલવા તું ઠેઠ પહાડ સુધી લાંબી થઇ, એના કરતા અમદાવાદ-વિજાપુરની બસમાં બેસી જઈને જાતે બાલમને મળી આઇ હોત તો સસ્તું પડત...! વિધવાઓને તો અમથું ય બસમાં કન્સેશન મળે છે. સુરજ તો બહુ બગડ્યો’તો કે, આ મીનાકુમારીઓ કે વૈજ્યંતિઓનું ચાલે તો અમને ગૅસનો બાટલો નોંધાવવા ય મોકલે...! ઘેર ખીજાઇ શકે એવી અમારી બાઓય છે...!

ભારે ગુસ્સામાં એક ઇમર્જન્સી-મીટિંગ બોલાવાઇ. નદીએ લોન લઇને હમણાં જ બનાવેલા કિનારાના વાસ્તુપૂજન નિમિત્તે ડિનર સાથે આ લોકોની તાકીદની મીટિંગ રાખી હતી. રિવરફ્રન્ટને કારણે કિનારાઓના ‘પર-સ્ક્વૅર-ફીટ’ ભાવો આસમાને ચઢ્‌યા હોવાથી નદીએ કિનારા ઉપર રેતીની ઢગલી કરીને ફ્‌લૅટ બનાવી દીધો હતો, પણ ઘરમાં આ બધી બબાલો ના જોઇએ એટલે મીટિંગ ખુલ્લા કિનારા ઉપર રાખવામાં આવી હતી. સ્કૂલેથી સીઘ્ધી છૂટીને આવેલી કોમલ કલીઓ, ફૂલો અને મીટિંગમાં સલામતિ જળવાય તે હેતુથી કાંટાઓને કો-ઑપ્ટ કરવામાં આવ્યા હતા. મીટિંગ ક્યારની શરૂ થઉ-થઉ કરતી’તી, પણ કારોબારીની પ્રમુખશ્રી હવા હજી આવી નહોતી. પવન સાથે હવાના લફરાઓએ કે’દૂની માઝા મૂકી હતી. મનમાં બધા બઘું સમજતા’તા, પણ એક તો ઉનાળો ને શહેર અમદાવાદ એટલે જ્યાં સુધી હવા ન આવે ત્યાં સુધી આ લોકો પરસેવે રેબઝેબ થતા તૌબા પોકારી ગયા હતા. વરસાદને અમદાવાદ સાથે બારમો ચંદ્ર હોવાથી ચંદ્ર ફક્ત એકલો જ આવ્યો હતો, વરસાદ નહિ.

આમ તો એકે ય ફિલ્મી ગીતમાં બપોરનો ઉલ્લેખ થતો નથી, એટલે બપોરને કોઇ આમંત્રણ નહોતું, પણ આજે બુધવાર હતો એટલે ‘ખાસ આમંત્રિત’ તરીકે એ પણ આવી હતી. અન્ય રોકાણો હોવાથી, સાંજ પહેલા હું નીકળી જઇશ, એવી લુખ્ખી બપોરે પહેલેથી આલી દીધી હતી. ખુદ સાંજ પણ રાત સુધી જ રોકાઇ શકે એમ હતી. નહિ તો ઘેર ગયા પછી ઘૂળજીનું મોંઢું જોવા મળતું નથી.

અચાનક ઉપપ્રમુખશ્રી વાતાવરણમાં પલટો આવ્યો. વાતાવરણજીને ખાસ માઉન્ટ આબુથી બોલાવવામાં આવ્યા હતા. હવા હાંફતી હાંફતી આવી પહોંચી. બધાની નજર અને બધાના મૌન સવાલોનું લક્ષ્ય એ જ, ‘‘કેમ આટલું મોડું....?’’

‘‘આ તમારી સાયરાબાનુને લીધે મોડું થયું...’’ હવાએ મોંઢા ઉપરનો ભેજ લૂછતા કહ્યું.

‘‘...સાયરા બાનુ ? કોણ, દિલીપકુમારવાળી ?’’

‘‘હા, એ જ. હું તો મારમમાર આવતી’તી, ત્યાં સાયરાનો ક્યાંકથી અવાજ સંભળાયો,’.... રૂક જા અય હવા, થમ જા અય બહાર...!’ સાલું, પબ્લિક-ડીમાન્ડ હોય પછી ના થોડી પડાય છે ? મારે રોકાઇ જવું પડ્યું. પંચવટીના ટ્રાફિક-સિગ્નલ પર ૪૦-મિનિટ હું ઊભી રહી ગઈ. પૂછો આ બહારને...! હમ જૈસોં કી તો કોઇ ઝીંદગી હૈં ?’’

મોડો પડેલો ચંદ્ર તો ગુસ્સામાં ગાળો બોલવા ઉપર ચઢી ગયો’તો. ‘‘હું દાઢી કરતો’તો ને રાજ-નરગીસનો SMS આયો,

‘‘દમભર જો ઉધર મૂંહ ફેરે, ઓ ચંદા...આઆઆઆ, 
મૈં ઉનસે પ્યાર કર લૂંગા, બાતેં હઝાર કર લૂંગા...હોઓઓઓ’’

મારે સાલી અડધી છોલેલી દાઢીએ આડું જોઇ જવું પડ્યું... સહેજ આડું જોયું એમાં ધરતી પર અંધારૂં ઘોર... નીચે બુમાબુમ, ‘‘ચંદ્રગ્રહણ...?’’ આજે ક્યાંથી ?’ રામ જાણે એ બન્ને શું કરતા’તા...!’

અંધારૂં પોતે (રેશમી ઝૂલ્ફોંવાળું નહિ, અસલી અંધારૂં !) ઉનાળો હોવાથી મીટિંગમાં જરી મોડું પડ્યું હતું. નદી સ્વભાવની તોફાની અને ગુસ્સાવાળી. અમદાવાદમાં જો કે એનું બહુ ઉપજતું નથી. કારોબારીની મીટિંગ એના ઘેર હોવા છતાં એ મોડી આવી ને એનું કારણ પૂછ્‌યું તો નદી ગરમ થઇ ગઈ. ‘‘હું તો અલ્લડ થઈને ખળખળખળખળ વહેતી ફાધર (પર્વત)ના ઘેરથી નીકળી’તી રસ્તામાં ઝરણું મળ્યું એની સાથે બે મિનિટ ‘કેમ છો ? કેમ નહિ ?’ કર્યા પછી હજી તો માંડ મેં સ્પીડ પકડી, ત્યાં જ કોક નિમ્મી-બિમ્મીએ બૂમો પાડી કે, ‘હો મોરે સૈંયાજી ઉતરેંગે પાર હો, નદીયા ધીરે બહો...ધીરે બહો ધીરે બહો, ધીરે બહો નદીયા...હોઓઓઓ.’ હું તો કોઇની કામવાળી છું, તે મને નિમ્મુડી આવું કહી જાય ? તારો સૈંયો એસ.ટી.ની બસમાંથી ઉતરે કે પાણીની ટાંકી ઉપરથી....મારે કેટલા ટકા ?’’

સાગર ઉર્ફે દરિયો એના કિનારાથી ત્રાસેલો હતો. સદીઓથી ટ્રાય મારવા છતાં આજ સુધી દરિયાના હાથમાં કિનારો આવ્યો નથી. કહે છે કે, કિનારો સાગરની નાજાયઝ ઔલાદ છે. એ ભાગતો ફરે છે. લગભગ ૧૪-દેશોના ખાબોચીયાઓ કિનારાને ઢુંઢતા હતા લેકીન, ઉસે પકડના મુશ્કિલ હી નહિ... નામુમકીન ભી હૈં ! વર્ષો પહેલા ફિલ્મ ‘સાગર’માં ડિમ્પલ કાપડીયાએ આ કિનારા ઉપર પગલાં પાડ્યા હતા, ત્યારથી એની દાનત બગડી હતી. કોકે કહ્યું, ‘‘ડિમ્પલ સાગરમાં બહુ સુંદર લાગે છે, નહિ ?’’ ત્યારે એવા જ કોઇક કોકે જવાબ આપ્યો હતો, ‘‘ડિમ્પલ સાગરમાં જ નહિ, ખાબોચીયામાં ય સુંદર લાગે એવી છે !’’ બસ. ત્યારથી દુનિયાભરના ખાબોચીયાઓ ડિમ્પુની પાછળ પડી ગયા. આ તમારો ખન્નો ને આ તમારો સનીડો....(ત્રીજું નામ દેવાય એવું નથી...મારી બા ખીજાય...!)

જમાનો મીટિંગમાં આયો’તો તો ટાઇમસર, પણ એને હખ નહોતું વળતું. એ કોઇને મોંઢું બતાવી શકતો નહતો. બહુ હીરો-હીરોઇનોએ એને બદનામ કર્યો હતો. ‘જાલીમ’ તો કેમ જાણે એની અટક હોય, એમ એના પરિચયમાં વપરાતું હતું. દેવ આનંદ અને નૂતન અમથા ય ક્યાંક ફરવા નીકળ્યા હોય, અડપલાં દેવલો કરતો હોય, નૂતનને એનો વાંધો ન હોય છતાં ચાંપલી આને બદનામ કેવો કરે, ‘‘છોડ દો આંચલ, જમાના ક્યા કહેગા ?’’ આમાં જમાનો બીજું તો શું કહે કે, ‘‘બેન...હું તો કાંઇ નહિ કહું, પણ આ તું ગયા મંગળવારનો તારો આંચલ ધોયા વિનાનો પહેરી લાઇ છે, તો કમસેકમ ‘જડભરત વૉશિંગ પાવડર’માં ધોઇને તો પહેરવો’તો...?’

આ જ મુદ્દે, મીટિંગ ઍટૅન્ડ કરવા જાપાન, શાંગહાઇ, હવાઇ ટાપુ, થાઇલૅન્ડના ફૂકેટ તેમ જ જર્મનીના સભ્યો પણ આવ્યા હતા. એ લોકોની ફરિયાદ એ હતી કે, આ તમારી હિંદી ફિલ્મોમાં દર બીજા ગીતે આખી દુનિયા કે આખા જમાનાને ઇન્વૉલ્વ કરવામાં આવે છે, એમાં અમે હલવઇ જઇએ છીએ. ‘ઇસ જમાનેને, ઇક મુહબ્બત કે, કિતને દિલ તોડે, કિતને ઘર ફૂંકે.. જાને ક્યું લોગ મુહબ્બત કિયા કરતે હૈં, હોઓઓઓ...’ જાનાપીઝે પ્રમુખશ્રીની મંજૂરીથી એમ કહ્યું કે, ‘‘આ તમારી હીરોઇનનું દિલ કે ઘર કોઇ લુખ્ખાએ તોડ્યું હશે, દ’ઇ જાણે...પણ ઇન્ક્વાયરીઓ સીધી અમારા ઘેર આવે છે કે, તમે જાપાનમાં પડ્યા પડ્યા હખણા કેમ રહેતા નથી, તે ઠેઠ ઇન્ડિયાથી ફરિયાદો આવે છે...?’ વિદેશી-પ્રતિનિધિમંડળના તમામ સભ્યોએ લાલ ઝંડા ઊંચા કરી કરીને, ‘હીરોઇનો કી તાનાશાહી નહિ ચલેગી, નહિ ચલેગી’ની બૂમો પાડી. અમે ભલે વિદેશ રહેતા હોઇએ, પણ દુનિયા કે જમાનામાં તો અમે બધા આવી ગયા, એ આક્ષેપ સ્વીકારીને પ્રમુખશ્રીએ થતું હશે તો કંઇક ઘટતું કરી આપવાની બાંહેધરી આપી.

મીટિંગનો અંત નબળો રહ્યો. એક ડીમાન્ડ એવી હતી કે, તમામ ફિલ્મી ગીતકારોને નોટિસ મોકલી દેવી કે, અમારો આવો ઉપયોગ કરવાનું બંધ કરો. જમીન જરા ઇર્ષાળુ ખરી. એણે આક્ષેપ મૂક્યો કે, આકાશ ફિલ્મી ગીતકારોને પૈસા આપીને પોતાના ઉપર ગીતો લખાવે છે, એમાં વાત બગડી. ગીતો તો રસ્તાઓ ઉપરે ય બને છે, એ રસ્તાઓ આડા ફંટાયા. ઝીલ (સરોવર) એ મુદ્દે બગડી કે, ઉનાળામાં અમે ધરતુડી પોતાનામાં સમાવી લે છે, એટલે પ્રેમીઓ તો ઠીક, ગીતકારો ય અમારી નોંધ લેતા નથી. બહુ પૉલિટિક્સ ચાલી રહ્યું છે, ભ’ઈ શા’બ...!

પોતે પ્રકૃતિનો અભિન્ન હિસ્સો હોવા છતાં, જેના ઉપર નામનું ય કોઇ ગીત લખાતું નથી, તે બફારાએ કાચી સેંકંડમાં બધાને બોચીઓ લૂછતા લૂછતા ઉઠાડીને ઘરભેગા કરી દીધા. વાર્તા પતી ગઈ.

સિક્સર
- આગામી ફિલ્મ ‘જીંદગી’માં ૠત્વિક રોશન અને કેટરીના કૈફ વચ્ચેનું ચુંબન સ્ક્રીન પર ત્રણ મિનિટ ચાલશે.
- મતલ.... ફિલ્મ ૩-મિનિટ જ જોવા જેવી છે !

No comments: