Search This Blog

22/06/2011

કાગડો દહીંથરૂં લઇ ગયો

હકી સાથેના ૩૫ વર્ષના લગ્નજીવન પછી મેં ઇશ્વરને પ્રાર્થના કરી છે કે, આવનારા સાતેય ભવમાં તું મને આ જ પત્ની આપજે... અને એ પૉસિબલ ન હોય તો આ જ ભવમાં એના જેવી સાત પત્નીઓ આપજે.

મૂળથી હું સંતોષી. વધારાની આપણને કોઇ લાલચ નહિ. ઘણા લાલચુડાઓના તો સાતમાં ય પેટ ન ભરાય. મેં જ વિશ્વના પુરૂષોને એક મહાન સંદેશ આપ્યો છે કે, ન ગમતી તમામ સ્ત્રીઓને માતા ગણવી જોઇએ. મારૂં તો નિશ્ચિતપણે માનવું છે કે, હર એક ગોરધને (ઘેર આવ્યા પછી) તેની પત્નીને પ્રેમ કરવો જોઇએ, પરંતુ એટલા સ્વાર્થી ય ન થઇએ કે, મારી પત્ની સિવાય બીજી બધી માં-બહેનો છે. શું બહારની એ અબળાઓનો તમારા પ્રેમ ઉપર કોઇ હક્ક નહિ? તમે જ એમને નીગ્લૅક્ટ કરશો તો પછી એમનું કોણ?.. ને ઘણીવાર સુંદર સ્ત્રીઓ સામે આપણે નથી જોતાં, તો ય એમનાં મોઢાં ચડી જાય છે. ભ’ઇ, લોકલાજ ખાતરે ય એમને જોઇ લેવી સારી!.. આ તો એક વાત થાય છે. દોસ્તો, પ્રેમ શાશ્વત છે, સર્વવ્યાપી છે, મંદિરના પવિત્ર પ્રસાદ જેવો છે. સહુને ખવડાવવો જોઇએ. પ્રેમમાં કદી ‘આ મારો ને આ તારો’ એવી સંકુચિત ભાવના ન રખાય. એ તો વાપરો એટલો વધે. પણ આ બધી સમજણો મને લાગુ પડતી નહોતી. હકી સાથે મારા લગ્ન થયા, ત્યારે સમાજમાં કોઇ એવો ઉહાપોહ નહતો થયો કે, ‘‘અરે રે... એક આશાસ્પદ યુવાન આપણે ગૂમાવી દીધો ને હકી લઇ ગઇ...!’’ એક્ચ્યૂઅલી, મને પરણતો જોઇને ઓળખીતાઓએ તો એવો નિઃસાસો નાંખ્યો હતો કે, ‘‘ઓહો.. આના જેવા ય પરણી જાય છે..??? મારા પરણ્યા પછી અડઘું ખાડીયા ખુશ થયું હતું કે, એક ચિંતા ઓછી થઇ!

લગ્ન વખતે અમે ખાડીયાની ખત્રીપોળમાં રહેતા અને બીજું મકાન મોટા સુથારવાડામાં ભાડે રાખ્યું હતું. દિવસમાં ૪-૫ વખત બંને ઘરોના આંટાફેરા થાય. દેખાવમાં હકી મારા કરતા તો ઘણી સારી. અમને બંનેને સાથે જતા જોઇને, અમારી ખત્રી પોળ, વચમાં આવતી જેઠાભાઇની પોળ કે મોટા સુથારવાડાના ઘણા રહીશોના જીવો બળી જતા ને કોક પાછળથી બોલતું ય ખરૂં, ‘‘હાળો કાગડો દહીંથરૂં લઇ ગયો...!’’

આ બાજુ મને પાછું કાગડો ગણાવાનું કોઇ અભિમાન નહિ. દુનિયાના મોંઢે થોડી કાંઇ સૅલો-ટૅપો મરાય છે? આ તો એક વાત થાય છે. આમ તો હું ય પાછો સાવ કાંઇ નાંખી દેવા જેવો કૅસ નહતો. દૂરથી મને સાઇડમાંથી જુઓ તો હું ય જુવાન જવાહરલાલ નેહરૂ જેવો લાગતો હતો.. કલર- સ્કીમમાં કોઇ ૧૯-૨૦નો ફેર પડે! એ જમાનો જ એવો હતો કે, અમે બે બહાર નીકળીએ એટલે વટેમાર્ગુઓમાં જીવદયા ફૂટી નીકળતી. (સૉરી.. ફાટી નીકળતી!) પુરૂષો તો સમજ્યા, સ્ત્રીઓ ય હકીને જોઇને જીવો બાળે કે. ‘‘બિચારી ભરાઇ ગઇ લાગે છે!’’ ‘‘પાછું, મારી સામે બધા ‘ફટ્‌ટ રે ભૂંડા...’ના અંદાજથી જોતા. એક બળવાન પુરૂષના પગે વળગીને એક સૌંદર્યવાન અબળા જમીન પર ઘસડાતી હોય, એવા પ્રસંગો જૂનાં ઐતિહાસિક તૈલચિત્રોમાં જોવા મળતા. અહીં તો કેમ જાણે મઘુબાલાને મેહમુદ પૈણીને લઇ જતો હોય, એવી દયામણી દ્રષ્ટિઓ અમારી ઉપર ફેંકવામાં આવતી. હું બની શકે એટલી સહાય એ વટેમાર્ગુઓને કરવા તત્પર હતો, એટલે રોજેરોજ બને એટલો વધારે હેન્ડસમ બનવાના ટ્રાયો મારતો, જેથી જનતાનું દુઃખ (પ્રમાણમાં) હળવું થાય અને સમાજને એક નવો ચેહરો મળે.

અલબત્ત, એ સમયના ગુજરાતી સમાજમાં માહિતી માંગવાની કોઇ આવડત નહિ. કોક લગ્નપ્રસંગે અમે ઊભા હોઇએ, ત્યાં હકીને કોક પૂછે, ‘‘આ તમારા સસરા છે...?’’ જો કે, મોટા ભાગનાઓ વાતચીત કરવા માટે મને તો સીધો માફ જ કરી દે... હું ઊભો હોઉં તો ય મને કષ્ટ આપવાને બદલે હકી સાથે જ ‘‘કેમ છો? કેમ નહિ,...!’’થી શરૂઆત થાય. મળવા મને આવે, પણ વાતો હકી સાથે કરે. હું તો બાજુમાં ઊભેલા અંગરક્ષક જેવો લાગતો. પણ જો આને મારો ભવ્ય ત્યાગ કહેવાય, તો ભૂંડાઓ વળતું સૌજન્ય બતાવતા નહોતા... એમની વાઇફો સાથે આપણને વાતો કરવા ન મોકલે.

‘‘અસોક.. ઓલા ભા’ય મારી હામું ટગરટગર જુવે છે..’’ મેં કીઘું, ‘‘તું આની કોર હાઇલી આવ... એ મને જોશે પછી એની બા સામે ય જોતો બંધ થઇ જશે!’’ આપણને એમ કે, એને હકીમાં નહિ તો મારામાં એની મમ્મીના દર્શન થાય.

આ બાજુ જે કાંઇ ગુમાવવાનું હતું, એ તો હકીએ હતું. મને હરહંમેશ હું સ્વયં શ્રીકૃષ્ણ હોવાનું ફીલ કરતો હતો. ‘રાધા ક્યું ગોરી, મૈં ક્યું કાલા... હોઓઓઓ?’’ પણ જગતમાં જેનું કોઇ નથી, એના ભગવાન છે. ધીમે ધીમે મારા અર્થઘટનો અને નિરીક્ષણો બદલાયા. મારા નોંધવામાં એ આવ્યું કે, સંસારમાં મારા જેવા કાગડાઓ (અને કાગડીઓ) તો બહુ પડયા છે. બેમાંથી એકમાં મ્હોં-માથાનો કોઇ મેળ જ ન હોય. અનેક અપ્રતીમ સુંદર વાઇફોના ગોરધનો જુઓ... મીઠાઇના શો- કેસમાં જુતું મૂક્યું હોય એવા લાગે. છાતી ઉપર ગરમ દાળ રેડી હોય, એવો ઝટકો ઘણા હેન્ડસમ યુવાનની માયાવતીને જોઇને લાગે. પેલો આનામાં કઇ કમાણી ઉપર ભરાયો હશે, તેની ખબર ન પડે. ઘણા કેસોમાં આનાથી ઊલટું ય હોય... મારા જેવું! પણ સમસ્યામાં ઊંડા ઉતરતા એ તારણ નીકળ્યું કે, પતિ-પત્ની બંને સરખા સુંદર હોય, એવું જવલ્લે બને છે, પણ એક સરખા ‘કાલી ટોપી લાલ રૂમાલ’ જેવા દેખાતા હોય, એવું તો લગભગ ઘેરઘેર છે. બન્નેમાં ઠેકાણા ન મળે! સુંદર પત્ની હોવાનો મોટો ફાયદો એ છે કે, રસ્તા ઉપર ગાડીમાં પંકચર પડયું હોય, તો હોંશે હોંશે ટાયર બદલી આપવા માટે તાબડતોબ ઘટનાસ્થળ પર જ ‘રેડી-ટુ-યૂઝ સાળાઓ’ મળી રહે છે. (મારી ગાડીને હજી સુધી મારે હાથ લગાડવો પડયો નથી. એ લોકો જ ગાડી ધોઇ-બોઇ જાય... એ જુદી વાત છે કે, હકી લંડન ગઇ હોય, તેના છ મહિના મારી ગાડી તો ઠીક મારું પેટ બગડ્યું હોય તો ય કોઇ આવતું નથી... આ તો એક વાત થાય છે..!)

મારી બીજી શોધ પણ સમાજોપયોગી છે.

.. પતિ પત્ની બેમાંથી એક તાકો નુકસાની હોય, તો.. ફિકર નૉટ! ચેહરો તમારા હાથની વાત નથી. એ તો ઉપરથી જેવો તમે લઇને આવ્યા હો, એ જ વાપરવો પડે. જે આપ્યો છે, તેને વધારે ખરાબ લાગવા ન દેવો, એ ચોક્કસ આપણા હાથની વાત છે. ઇશ્વર અને સાયન્સ- બંનેમાં ગમે તેટલું માનતા હો, ફાલતું ચેહરાને સુંદર બનાવી આપવાની તાકાત તો એ બંને પાસે ય નથી. વાઇફ અતિસુંદર હોય તો દેખાવમાં એની બરોબરીમાં ટકી રહેવાના પ્રયત્નો વ્યર્થ છે. ઓછા ખરાબ દેખાવાનું બેશક તમારા હાથમાં છે. પણ સંસ્થાના ઘ્યાનમાં આવ્યું છે કે, નુકસાની તાકો પોતાની જાતે જ વધારે કદરૂપા દેખાવાના પ્રયત્નો કરતો હોય છે. રહે પણ લઘરા જેવા. કાળા ડામર જેવા હોય, એ કપડાં પણ કાળા ભમ્મર પહેરે. ફિલ્મોમાં હીરો-હીરોઇનોને કાળા કપડાં પહેરેલાં જોયા હોય, એની અસર આ લોકો ઉપર બહુ બૂરી પડે છે કે, એ લોકો સારા લાગે છે, એમ આપણે પણ સારા લાગીશું. તારી ભલી થાય ચમના.. વાંદરાના હાથમાં ‘ફેર એન્ડ લવલી’નું ડબલું આઇ જાય એવો ઉપડ નહિ.. ડબલું કાળું થઇ જશે...!

કુદરતનો ખૌફ ભલે હોય કે, ચહેરે મહોરે કદરૂપા લોકો રહે છે પણ એવી રીતે કે, એ વધારે કદરૂપા લાગે. મૂળ કારણ, દેખાવના નામનું એમણે મનથી નહાઇ નાંખ્યું હોય છે. પણ બધાનું એવું નથી હોતું. એક તો ઇશ્વરે ચહેરો સરખો ન આપ્યો ને એમાં આ લોકો ઇશ્વરને વધારે સાચો ઠેરવવામાં માથામાં અડધી ડાઇ કરીને ફરે છે.

હેર-ડાઇ ચોપડવામાં આપણી પ્રજા આરંભે શૂરી છે. પછી પાપીનું પોત ધીમે ધીમે પ્રકાશે, ને કાળા સોફા ઉપર સફેદ ડાઘા પડયા હોય, એમ એમના કાળા માથામાં સફેદ ડચૂરો બાઝવા માંડે. નીચે મદારી આવ્યો હોય ને આજુબાજુના ફ્‌લેટોમાંથી જુદા જુદા બાળકો ‘અમે રહી ગયા’ની લાલચે નીચે આવવા માંડે, એમ સફેદ ઝૂમખાની સંગસંગ બ્રાઉન, ભૂખરો, કેસરીયો, તપખીરીયો અને કાળીયો તો ખરો જ. એક સાથે ૫-૭ કલર એમના ભોડામાં દેખાય. પણ એની એને ફીકર ન હોય. ડાઇ કરાવતી વખતે જ દીકરી પૈણાવવા જેવી હોંશ. સાલું, કિચનના ભરાઇ ગયેલા સિન્ક જેવું એનું આવું માથું આપણે જોવું પડે, ને પછી બાલ્કનીમાં ઊભો ઊભો ફરિયાદ કરે કે, બધા મારી વાઇફની સામે બહુ જો જો કરે છે. આવાઓની તો બાઓ ય આવી ડાઇઓ ચોપડીને બેઠી હોય, એટલે એ ય શેની ખીજાય..?

.. ડાઇ બાકી રહી ન જાય એ જોવા માથામાં કચકચાવીને તેલો રેડયા હોય, એ ય આપણે જોવાના ને સાલી બહુ નજીક આવી ગઇ હોય તો સુંઘવાના ય આપણે.

ભારત સિવાય દુનિયાભરના એકે ય દેશમાં કોઇ તેલ નાંખતું નથી, પણ રામ જાણે કોણે ભરાવી દીઘું છે કે, માથે તેલ નાંખવાથી વાળ ઉતરે નહિ કે ધોળા ન થાય. આવી સ્ત્રીઓનું ચાલે તો રોજ સવારે સાબુ કે શેમ્પૂને બદલે શરીર પર તેલો ચોપડી- ચોપડીને નહાય..‘‘પાની મેં જલે મેરા ગોરા બદન પાની મેં.. હોઓઓઓ!’’

સાયન્સ પણ સાબિત કરી ચૂકયું છે કે, તેલને વાળ ઉતરવા/ચઢવા સાથે કોઇ સંબંધ નથી. એ લોકો પોતે કેટલા નસીબદાર હોય છે કે, એમનું તેલ નિતરતું ચીકણું માથું એમને પોતાને જોવું નથી પડતું.. આપણે જોવું પડે છે.. ફ્રેન્કલી કહું તો, રૂપિયા- બૂપિયા લેવાના ન હોય તો માથે તેલ નાખેલી કોઇપણ વ્યક્તિ સામે હું ઊભો પણ રહેતો નથી. (મને ઝાટકો લાગે કે, આવી સ્ત્રીઓના ગોરધનોને ય ગંધ નહિ મારતી હોય..? ઉપવાસો ચાલતા હોય તો અલગ વાત છે!) તમે અમારી ડિમ્પલ કાપડીયાને માથે કદી તેલ નાંખેલી જોઇ..? અમારામાં એવું હોય જ નહિ...! (કેવું ના હોય...???  જવાબ :  એવું ના હોય. જવાબ પૂરો)

પણ કજોડાઓ વિશેની મારી આખરી શોધ સાલી ખડખડાટ હસાવી દે. એવી તોફાની તબિયતની છે. જેની વાઇફ આવી, ‘‘છૂટ્ટા નથી, આગળ જાઓ, બેન ‘‘બ્રાન્ડની હોય એનો ગોરધન સાલો એની ઉપર બહુ વહેમાતો હોય, બોલો! એની ઉપર વહેમાય એ માફ, પણ સાલો આપણી ઉપરે ય વહેમાય. કેમ જાણે આપણે રીક્ષા બહાર ઊભી રાખીને આયા હોઇએ ને એની આવી-‘તોડી નાંખ તબલા ને ફોડી નાંખ પેટી-’ છાપની વાઇફને ભગાડી જવાના હોઇએ, એવી વહેમાતો હોય, ડોબો. તો બીજી બાજુ, જેના ગોરધનને છુટક ભાવે વેચવા કાઢો તો કોઇ ચણા ય ના આલે, એવી વાઇફો પતિને ખૂબ પ્રેમ કરતી હોય છે... કાંઇ સમજ્યા...?

સિક્સર
- કહે છે કે, બાબા રામદેવ હવે નવો યોગ શીખવાડવાના છે...’ ઉપવાસ-તોડુ યોગ’. રોજ બેસવાનો ને રોજ તોડવાનો.

No comments: