Search This Blog

15/06/2011

ધોળો હાડલો


‘‘અસોક... કવ છું... તમારા ચીચી કાકાની તબિયતું હવે કેમની રિયે છે ?’’

‘‘કેમ ? તને એની તબિયતની શું કામ ચિંતા થાય ?’’

‘‘કાંઈ નંઈ... પણ ભાઈએ લંડનથી કે’દુનો આ અવરગંડીનો ધોળો હાડલો મોકલાઈવો છે... કેટલો મોંધો છે, ખબર છે ?... જે ’દિ નો આઈવો છે, તે ’દિ નો પે’રાતો જ નથી...!’’

‘‘આ લે લ્લે... ! એમાં તારે ચીચીકાકાને શું કામ ઉડાડવા છે... ? એવું હોય તો ઘરમાં પહેરી નાંખ...’’

‘‘હાચું કંવ...? ઇ વિચાર તો મને ય આઈવો’તો, ખોટું નંઈ બોલું ?... પણ તમે હજી હાજા-હમા છો, તીયાં...!’’

આ મામલે હકી મહાભારતના અર્જુન જેવી છે. અર્જુનનું લક્ષ્ય એક માત્ર માછલી કાણી કરવા પૂરતું હતું. છાપામાં હકીનું લક્ષ્ય અર્થાત્‌ મનભાવન પાનું છેલ્લું... પછીના કોઈ પાનામાં એને રસ નહિ. (‘બુધવારની બપોરે’માં તો લગીરે નહિ ! એ તો ઘણીવાર કહી દે છે, ‘‘બુ.બ. પણ બેસણા જેવી જ આવે છે... બે ય સુંઉ કામ વાંચવી ?) ઇશ્વર જો કે, સહુનું સાંભળે છે, એમ આનું ય સાંભળ્યું. અમારી બહુ નજીકના કાલી આન્ટી આ મનખો દેહ છોડીને અલખની યાત્રાએ નીકળી પડ્યા. ઉપર જવાના રસ્તે વચમાં અમારું ઘરે ય આવતું હશે, તે હકીને એક ટહેલ નાંખતા ગયા.

‘‘અસોક... આપણા કાલી આન્ટી ગીયા... આખુડા ગીયા !’’ (અમારા સૌરાષ્ટ્રની લિંગો મુજબ, ‘‘આખુડા’’ એટલે પૂરેપૂરા !) બેશણું આપણને માફક આવે એવું શવારે ૮ થી ૧૦ નું જ રાયખું છે... સંભુને કઈ દીઘું છે કે, ગાડી શાફ કરીને રાખે.... ! કાલી આન્ટી બચારા બવ શારા માણસ હતા, હોં ?... સંભુડો મારૂં તો કોઈ ’દિ માનતો નથી, પણ તમે જરા કઈ દેજો કે, મારો હાડલો આર કરીને ઘૂએ... ! ના’તનું બેસણું છે... આમ હાવ કાંઈ લઘરાં જેવા જાંઈ ઈ હારૂં નો લાગે !’’

માથે મેંહદી-બેંહદી તો રાત્રે જ થઈ ગઈ. બેસણામાં અફ કૉર્સ મૅઈક-અપ કરીને ન જવાય, પણ સાવ રૉલાં જેવા ય ન જવાય, એની એને ખબર.

‘‘અસોક... ગાડી ઠેઠ કાલી આન્ટીના ઘર પાસે ઊભી રાખજો... લીલા ફોઈના બેશણામાં એમની દીકરી પૂછતી’તી, ‘... તમને તો ઘેરેથી ૯.૪૦ વાળી બસ શીધી મલી ગઈ હશે, કાં... ?’ મને તે ’દિ બવ લાગી આઈવું હતું... મારો અસોક કાંય એ.એમ.ટી.એસ.નો ડ્રાઈવર છે, તી અમે બસુંમાં આવીંઈ... ? ભલે એવા લાગતા હોય તો ય આવું તો નો બોલવું જોંય ને ...!’

કૃષ્ણ અને રાધા વૃંદાવન ગાર્ડનમાં ઘાસના લપસણા ઢાળો પરથી હડબોટીયા ખાવા જાતા હોય, એવો માહૌલ વહેલી પરોઢથી અમારા ઘરનો હતો. બેસણામાં જવાનો ઉમંગ તો મારો ય મ્હાતો નહોતો. અઢી વરસથી સુનિયા પાસેથી ૩૩-હજાર લેવાના બાકી છે... એ મોંઢાં સંતાડતો ફરે છે. સુનિયો કાલી આન્ટીનો સગો ભાણો થાય, એટલે એનો તો આવ્યા વગર છુટકો નહિ ? આ મોકો છે, એની પાસે ઉઘરાણી કરવાનો. બેસણાં કાંઈ રોજરોજ નથી આવતા, તે મેં ’કૂ... સુનિયાની બાજુમાં જ જઈને બેસી જવાનું. પ્રસંગનો મલાજો રાખીને ભલે બોલાય કાંઈ નહિ, પણ બાજુમાં બેઠા હોય તો ઢીંચણથી ઢીંચણ અથડાવીને બેસણાનો એનો ઉમળકો ય ઉડાડી દેવાય, કે નહિ ?... સુઉં કિયો છો ?

કાલી આન્ટીના બેસણામાં જવાનો બીજો ય એક લૂત્ફ હતો. એક જમાનામાં એની દીકરી નલ્લીને હું બહુ હૅન્ડસમ લાગતો હતો... આપણી ય થોડી ઘણી ઇચ્છા ખરી... આ તો શું કે, હકી મારા લેખો વાંચતી નથી, એટલે તમારી સાથે દિલ ખોલીને બઘું બાફી મરાય ...! નલ્લી ય ત્યાં હશે. કહે છે કે, હવે તો સાઈડના એના બે દાંત નીકળી ગયા છે ને આ બાજુનો એક. નહિ તો મને યાદ છે, એ જ દાંત વડે ચોમાસામાં જાંબુનું બચકું ભરીને ખાવાની નલ્લીની સ્ટાઈલ ઉપર અડઘું રાયપુર ફિદા હતું. એ નલ્લુ પણ બેસણામાં બેઠી હશે. ભાવુક થઈને હકી કાલી આન્ટીના ફોટા સામે જોતી હશે, એ જ સેકંડ પકડી લઈને હું આપણી નલ્લી સામે જોઈ લઈશ. પરમેશ્વરને પ્રાર્થના, નલુડીનો ગોરધન પણ એ જ ક્ષણે કાલી આન્ટીના ફોટા સામે જોતો હોય ! એ તો ઇશ્વર સહુ સારાવાનાં કરશે. કોક ’દિ નલ્લી ય સફેદ સાડલામાં નહિ બેસે ?

ભગવાનનું નામ લઈને અમે બેસણે જવા નીકળ્યા. હકી ગાડીમાં બેઠી હોય એટલે સીડી પર એનું ફૅવરિટ ‘કજરા રે, કજરા રે તેરે પ્યારે પ્યારે નૈના... હોઓઓઓ’ મૂકે જ. ચપટી વડે તાલ આપવામાં એની માસ્ટરી... !

‘અસોક... તીયાં બેઠા પછી હબ્બ કરતા ઊભા નો થઈ જાતા... હખે બેશજો... ! ઉતાવળું કરીને હાઈલાં નો અવાય... બીજી વાર કોઈ બોલાવે નંઈ... !’’ તો ય મેં કહી દીઘું. ‘‘આપણે કાલી આન્ટીની બર્થ-ડે પાર્ટીમાં નથી જતા... આખે આખા ઉકલી ગયા છે.... બેસણું પૂરું થઈ ગયા પછી તો ઊભા થઈ જ જવું જોઈએ...’’

અમે ટાઈમસર નહિ, ટાઈમથી વહેલા પહોંચ્યા. ઘણી વાર મોડા પડીએ તો એ લોકો સાદડી લઈ લેતા હોય છે, અર્થાત્‌ બેસણું પૂરું. મોડા પડનારને કોઈ લાભ નહિ. એ લોકોને એવું ય ન થાય કે, આ લોકો આટલે દૂરથી આયા છે, તો બે ઘડી બેસણું લંબાવો. ક્યાં ડોસી વારંવાર મરવાની છે ? સૌજન્ય ખાતર બેસણાંમાં કોઈ ‘વન્સ-મૉર... વન્સ-મૉર’ની ફર્માઈશો કરી શકતું નથી. એ લોકોએ જાતે જ સમજીને પબ્લિક-ડીમાન્ડ પૂરી કરવી જોઈએ.

અમે વહેલા પહોંચ્યા પણ હાઉસ હજી અંદર લેવાયું નહોતું. અમે સોસાયટીમાં બહાર ખુલ્લામાં અદબ વાળીને ઊભા હતા. પવન બહુ વાતો હતો, એમાં વાળ ઊડી જાય, એ હકીને ન ગમે. એની વાત તો સાચી જ છે ને, કે સાડલો આટલો મોંઘો અવરગંડીનો ને હૅર-સ્ટાઈલ ‘શોલે’નાં સંજીવકુમાર જેવી સ્ત્રીઓને કાંઈ સારી લાગે ? આ તો એક વાત છે. આ લોકોએ બંગલાની બહાર મહેમાનો માટે ચા-પાણી કે ઠંડાની ય કોઈ સગવડ રાખી નહોતી. આપણે કામધંધા છોડીને અહીં સુધી લાંબા થયા હોઈએ... ! આવાઓને ત્યાં બીજી વાર જવાય જ નહિ !

‘‘શું દાદુ.. બેસણામાં આયા છોઓઓઓ... ?’’ પાછળથી ખભા ઉપર હાથ મૂકીને અમારો દિલીપ બોલ્યો. મને એ ન ગમ્યું. સાલું... ધોળા કપડાં પહેરીને આપણે કાંઈ તીન-પત્તી રમવા તો ના આયા હોઈએ ને ?

‘‘ઓહ દિલપા... તું ? તું અહીં ક્યાંથી ?’’ સવાલ મારો ય ખોટો હતો. મારે સમજવું જોઈએ કે, ભરબેસણે કોઈ મળે, એને આવું ન પૂછાય. બેસણામાં કોઈ હાથમાં ગિફટ લઈને કે ગીટાર વગાડતું-વગાડતું ન આવે. હા. ટાઈમો પાસ કરવા ઘણીવાર જવાતું હોય છે. ઘણાને તો એક જ દિવસે એક સાથે બબ્બે-ચચ્ચાર બેસણાં પતાવવાના હોય છે. આજે ટાઈમની કિંમત છે, નહિ તો ગમે તેટલું ભવ્ય બેસણું રાખો ને તમે... આવવા કોઈ નવરૂં હોતું નથી.

પણ દિલપાએ સાચેસાચું કહી દીઘું. ‘‘ભ’ઈ, આમ તો આ કાલુડી અમારા સગામાં થાય... અમારા બા’ફોઈ ગુજરી ગયા, ત્યારે આ કાલુડીને તઈણ હજારનો દોરો આલ્યો’તો... તે આ સુધાકર ડોહાને યાદ આવે ને પાછો આલે તો ઠીક છે.. નહિ તો આપણે ક્યાં મરેલી કાલુડીને પોલીસ-સ્ટેશને લઈ જવાના હતા...?’’

આઠને ટકોરે પ્રેક્ષકોને અંદર લેવાયા, એટલે અમે અંદર ગયા. અમને તો બેસવાની ટૉપ જગ્યા મળી ગઈ. બરોબર સુઘુકાકાની સામે જ. ભ’ઈ, બેસણાનું કેવું છે કે, ફોટા નીચે બેઠેલો આપણને જોઈ લે, એટલે હાજરી પૂરાઈ જાય. એની નજરમાં એકવાર આવી જવું સારૂં. નહિ તો આપણે આયા હોઈએ તો ય ખોટા લગાડે કે, આયા નહિ. હકીને આમ તો બેસવાની હરખી જગ્યા નહોતી મળી. પણ આવા પ્રસંગોમાં એને પગનો દુઃખાવો બહુ કામમાં આવે છે. કહી દે કે, નીચે બેસતા નહિ ફાવે, એટલે પહેલેથી ખુરશીમાં બેઠેલી કાલી આન્ટીની સગી બહેનને ઉઠાડીને પોતે સૅટ થઈ ગઈ. પલાંઠા વાળીને બેઠા હોઈએ તો હાડલાની ઇસ્ત્રી બગડે એ તો ગોયરૂં, પણ કોઈની નજરે ના પડે ને ?

સ્વ. કાલી આન્ટીના હસમુખા ફોટાની બાજુમાં એમના હસબંડ સુઘુકાકા કેમ જાણે કોઈ મરી ગયું હોય એવા ગમગીન ચહેરે બેઠા હતા. કહે છે, ચહેરો જ તમારા આત્માનું પ્રતિબિંબ છે. એ જેવો રાખશો, એવો પ્રતિભાવ સમાજ તમને સામો આપશે. જો કે, સુઘુકાકાના જડબામાં તમાકુ ભરી હતી, એટલે આપણને એવું લાગે... બાકી એમના મનમાં એવું કાંઈ નહિ !

હકીને એનો ખોરાક મળી ગયો. શિલ્પા ય અવરગંડી પહેરીને આઈ’તી, પણ હકીની અવરગંડી તો લંડનની હતી. બન્ને નીચું જોઈને શોકમગ્ન ચહેરે એકબીજાના ધોળા હાડલા પર હાથની ચપટી ફેરવીને એકબીજાને કાંઈ પૂછતા હતા. મેં દૂરથી હકીના સૌમ્ય ચહેરા ઉપર વિજયની રેખા જોઈ. (પેલા વિજય અને રેખા જુદા !) કેમ જાણે એ કહેતી ન હોય, ‘‘ભલા, તુમ્હારી સાડી સે મેરી સાડી ઇતની સફેદ ક્યું ?’’ ને જવાબમાં શિલ્પા કહે, ‘‘યે તો ચીન પાવડર કા કમાલ હૈ’’.

હકીનું કામ તો પતી ગયું. પણ સુનિયો હજી દેખાતો નહોતો. એ આવે નહિ, ત્યાં સુધી બેસણું છોડાય નહિ. મારી તો પનોતિ બેઠી હતી. એક તો નલ્લી ઠેઠ બેસણું પતવાના ટાઈમે આઈ ને બીજું એની આંખે કુંડાળાવાળા ચશ્મા આઈ ગયા’તા, એટલે અઢી ફૂટથી આગળનું એ કાંઈ જોઈ શકતી નહોતી. કોઈની સામે સ્માઈલો આલીને પણ યુવા-જગત ઉપર એ કાંઈ પ્રભાવ પાડી શકતી નહોતી. એણે મારી તરફ જોઈને સ્માઈલ આપ્યું, તો મારી બન્ને બાજુ બેઠેલાએ રીસ્પોન્સ આપવાને બદલે મને કહે, ‘‘અંકલ.. આન્ટી તમને બોલાવતા લાગે છે...!’’ નલ્લીના મોઢામાંથી ચોથો દાંતે ય ગાયબ જોયા પછી, મેં જ મનોમન ઘટનાસ્થળે રાજીનામું આપી દીઘું. નલ્લીના રૂદીયાને બદલે હવે તો એના મોઢાંની બખોલમાં ય આપણું સ્થાન ન રહ્યું... ગપોલીમાંથી હેઠા પડી જઈએ !

બેસણું પત્યા પછી અમે ઘેર આવ્યા. શીતલે સરસ મજાના રસ-પુરી બનાવ્યા હતા. શું મજા આવી છે... શું મજા આવી છે... ! જલસો પડી ગયો !

સિક્સર
- રણબીર કપૂર કોક જા.ખ.માં મિમિક્રી કરે છે... એમાં એ એટલો સફળ થયો છે કે, હવે એની પાસે ફિલ્મોને બદલે મિમિક્રીના શો વધારે આવે છે !

No comments: