Search This Blog

08/01/2012

ઍનકાઉન્ટર : 08-01-2012


* ફૂગાવો દૂર કરવા કોંગ્રેસ-સરકાર શું કરી રહી છે ? 
- લહેર કરી રહી છે.
(રમેશ આર. સુતરીયા, મુંબઈ) 

* અશોકજી, તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે ? 
- વૅકેશન સુધી.
(ધર્મેશ બી. વેકરીયા, વિસાવદર) 

* દરેક ઘટના બાદ પ્રધાનો 'કડી નિંદા' કરે છે... એટલે શું ? 
- એ તો એમનાથી એવું બોલાઇ જાય... એમના મનમાં એવું કાંઇ ન હોય !
(લલિત ઓઝા, જૂનાગઢ) 

* દેશમાં આટઆટલા આતંકી હૂમલાઓ થયે રાખવા છતાં વડાપ્રધાનના ગળામાંથી અવાજ કેમ નીકળતો નથી ? 
- શરીરના કોઇપણ ભાગમાંથી અવાજ પેદા કરવા માટે એમને કોઇની પરવાનગી લેવી પડે છે.
(નીતા મોઢા, મુંબઈ) 

* આપ જ્યારે 'બા ખીજાય'નો ઉલ્લેખ કરો છો, ત્યારે મને લાગે છે કે, ઇશારો આપના પત્ની ખીજાય છે, એની ઉપર છે..સત્ય શું છે ? 
- એ કહેવા જઉં તો બન્ને ખીજાય એવા છે !
(ટી.એસ. પરમાર, આણંદ) 

* તમે રાષ્ટ્રપતિ હોત તો કસાબને ફાંસી માટે શું કરત ? 
- એક રાષ્ટ્રભક્ત ભારતીયને છાજે એવું પગલું ભરત....!
(સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ) 

* વકીલ કાળો કોટ, ડૉક્ટર સફેદ કોટ, તો લેખક ?
- રાજકોટ....! રાજ વગરનો કોટ !!
(ડી.કે. માંડવીયા, પોરબંદર) 

* તમારા એક લેખમાં ''એ માણસ તો 'મદ્રાસકલકત્તા' છે...'' એવો ઉલ્લેખ હતો. એ તમે શું કહેવા માંગતા હતા ?
- કોઇને સીધેસીધો 'મેડ', 'રાસ્કલ' અને 'કૂત્તો' કહી ન શકાય તો MADRASCALCUTTA કહી દેવાય. આખું વાંચો તો, Mad Rascal Cutta વંચાશે. 

* તમારૂં ઍન્કાઉન્ટર આપણા એકે ય પ્રધાનો વાંચતા હશે ખરા ?
- એવું કાંઇ નથી... કેટલાંક તો ભણેલાઓ પણ છે !
(મીરા કે. સોઢા, સુરેન્દ્રનગર) 

* લગ્ન નોંધણી કચેરીમાં 'ઍક્સપાયરી-ડેટ' કેમ લખવામાં આવતી નથી ?
- મરેલાને શું મારવો ?
(જયેશ અંતાણી, ભાવનગર) 

* ઓહ... તમે અમારા સાવર-કુંડલા આવી ગયા ને અમને ખબરે ય ન પડી ?
- મારી સાથે બીજા ત્રણ હતા.. એ ત્રણે ય 'અશોક દવે' જેવા લાગતા'તા, પછી ક્યા મોંઢે ખબર આપે ?
(કૃપા પટેલ, સાવર-કુંડલા) 

* ઇ.સ. ૨૦૧૨માં પ્રલય થવાનો છે, એ વાત કેટલે અંશે સાચી ?
- સાવ ખોટ્ટી ! પ્રલય ૨૦૧૨-માં નહિ, ઈ.સ. ૨૧૧૨-માં થવાનો છે.
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ) 

* તમને ભારતીય હોવાનો ગર્વ કેટલો ?
- 'સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા.'
(પિનાકીન ઠાકોર, અમદાવાદ) 

* કેટલાંક વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કેમ કરે છે ?
- બુદ્ધિના લઠ્ઠ હોય છે માટે.
(જાનકી જાની, આલીદર-કોડિનાર) 

* તમે બાબા રામદેવની સાથે ઉપવાસ પર ઉતર્યા હો તો ?
- રામદેવ અને કામદેવ સાથે કદી શોભે નહિ !
(અશોક એમ.શાહ, વડોદરા) 

* લગ્નમાં ચાર ફેરા અને સપ્તપદી હોય છે, એમાં ફેરફાર કરીને આઠ ફેરા અષ્ટપદી ના થાય ?
- કાલ ઉઠીને તમે તો ફેરા રીક્ષામાં બેસીને લઇ લેવાનું ય કહેશો... આવું ના કરાય... બા ખીજાય !
(જીજ્ઞાસા યુ. કવિ, વડોદરા) 

* ચિતા અને ચિંતા વચ્ચે કેટલો ફેર ?
- ચિત્તા જેટલો.
(કુલદીપ કે. માંડાણી, બાબરા-અમરાપરા) 

* આજકાલ શિક્ષકો પણ વ્યસનોના શિકાર બન્યા છે. બાળકોના ભાવિનું શું ?
- વ્યસની શિક્ષકો પણ બાપ તો બની જ શકે !
(કિશોર વ્યાસ, ઘોઘા) 

* 'ઍનકાઉન્ટર'માં આજ દિન સુધી કોઇ રાજકારણીએ કેમ સવાલ પૂછ્યો નથી ?
- એમનું કામ સવાલો પૂછવાનું નહિ, સવાલો ઊભા કરવાનું છે.
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ) 

* પોતાના પતિ સિવાયના પુરૂષનો વિચાર કરવો પણ પાપ કહેવાય, તો દ્રૌપદીને પાંચ પતિઓ કેમ હતા ?
- એ વખતે હું તો હાજર નહતો !
(મણિબેન પટેલ, ઊંટડી-વલસાડ) 

* કોઇ નેતાને 'ટાડા' હેઠળ કેમ પકડવામાં આવતો નથી ?
- પકડાયા પછી ય નાગો માણસ હાથમાં ઝાલ્યો રહે નહિ...જલ્દી લસરી જાય.
(મહેન્દ્ર ગાંધી, સુરેન્દ્રનગર) 

* 'સુરક્ષા એ જીવનની ચાવી છે,' એ સાચું ?
- ના રે ના... હવેની વાઇફો એમના ગોરધનના બધા SMS ચૅક કરતી હોય છે !
(અશોક આર. જહા, વડોદરા) 

* કોંગ્રેસીઓ પાસે ભાજપની ટીકા કરવા સિવાય બીજો કોઇ ધંધો જ નથી ?
- તે ભાજપ પાસે ય બીજો ક્યો ધંધો સારો છે ?
(ગોવિંદ કે. પ્રજાપતિ, થરા-કાંકરેજ) 

* અમુક ઉંમર પછી માણસની બુદ્ધિ ભ્રષ્ટ કેમ થઇ જાય છે ?
- ભ'ઇ, બેહો ને છાનામાના....! અમુક ઉંમર પછી બધું ય ભ્રષ્ટ થઇ જાય છે !!
(ભીસમલાલ એમ. ખાનવાણી, જૂનાગઢ) 

* માયાવતીને હજારોની નોટોના હાર પહેરાવાયા.... તમે શેની આશા રાખો છો ?
- આપણે સો-બસો ઓછાવાળો હાર ચલાવી લઇશું.
(વિજય પટેલ, બિલીમોરા) 

* અશોકજી, તમારા મકાનનું નામ શું રાખ્યું છે ?
- 'કૂતરાથી સાવધાન.'
(હર્ષલ બી. અંજારીયા, રાજકોટ) 

* તમને કોઇ સ્ત્રીએ દગો કર્યો છે ખરો ? સાચો જવાબ આપજો.
- મારી સાસુએ...! બતાવી ચારી દીકરીઓ... અને પરણાવી એક જ.
(માયા વાય. પટેલ, અમદાવાદ) 

* લવ-મૅરેજ કરવા કે મૅરેજ પછી લવ કરવો ?
- મૅરેજ કરવામાં લવની જરૂરત જ ક્યાંથી પડે ?
(પલક નાણાંવટી, ઓખા)

No comments: