Search This Blog

06/01/2012

‘અણમોલ ઘડી’ (’૪૬)

ફિલ્મ : ‘અણમોલ ઘડી’ (’૪૬)
નિર્માતા-નિર્દેશક : મેહબૂબખાન
સંગીત : નૌશાદઅલી
ગીતો : તન્વીર નકવી
રનિંગ ટાઇમ : ૧૪-રીલ્સ
કલાકારો : નૂરજહાં, સુરૈયા, સુરેન્દ્ર, લીલા મીશ્રા, જહૂર રાજા, મુરાદ, ભૂડો અડવાણી, અમીરબાનુ, અનવરીબાઈ

ગીતો 
૧ ઊડન ખટોલે પે ઊડ જાઉં, મૈં તેરે હાથ ન આઉં... જોહર-શમશાદ
૨ તેરા ખિલોના તૂટા બાલક, તેરા ખિલૌના તુટા... મુહમ્મદ રફી
૩ કયું યાદ આ રહે હૈં, ગૂજરે હુએ જમાને... સુરેન્દ્રનાથ
૪ આજા મેરી બર્બાદ મુહબબ્ત કે સહારે... નૂરજહાં
૫ આવાઝ દે કહાં હૈ, દુનિયા મેરી જવાં હે... નૂરજહાં-સુરેન્દ્ર
૬ મૈં દિલ મેં દર્દ બસા લાઇ, નૈનોં સે નૈન મિલા લાઇ... સુરૈયા
૭ મેરે બચપન કે સાથી મુઝે ભૂલ ન જાના... નૂરજહાં
૮ મન લેતા હૈ અંગડાઈ, જીવન મેં જવાની આઈ... સુરૈયા
૯ જવાં હૈ મુહબ્બત, હંસિ હે જમાના... નૂરજહાં
૧૦ સોચા થા ક્યા, ક્યા હો ગયા... સુરૈયા
૧૧ કયા મિલ ગયા ભગવાન તુમ્હેં કો દુઃખાકે... નૂરજહાં

અણમોલ ઘડી’ ફિલમ જોઇ’તી ખરી, પણ એમાં શું આવતું’તું... એ અત્યારે બહુ યાદ નથી.. !’ એવું કહી બતાવવાની અત્યારે જેમની ઉંમરો છે, તે બધા આ ફિલ્મ ’૪૬-માં આવી, ત્યારે કેવા કેવા ફૂટડા યુવાનો હશે ? ઘરમાં હજી કાકા સલામત બેઠા હોય તો, રીકવૅસ્ટ કરી જોવા જેવી ખરી કે, ‘બાપુજી.. તમારૂં ફૅવરિટ ગીત, ‘કયું યાદ આ રહે હૈં, ગૂજરે હુએ જમાને.. ?’ જરા ગાઇ બતાવો ને !’ તો કાકા તરત ફૉર્મમાં આવી જશે. તમે ભલે બારી પાસે ઊભા ઊભા ફિક્કું હસીને કાનનાં ડાબા હાથની ટચલી આંગળી ડિસમિસની માફક ફેરવતા રહો... ડોહા આખું ગીત પૂરૂં નહિ કરે ત્યાં સુધી રાજીનામું નહિ આપે. કાકીને તો સમજ્યા કે પગ જેવો વા ગળામાં ય થયો હોય, એટલે કાકાની હારે હારે ‘આવાઝ દે કહાં હૈ, દુનિયા મેરી જવા હૈ...’ નહિ ગાઇ શકે, એટલા તમે બચ્યા વળી ! (... અને ડોસી હામે ને હામે ગૂડાણી હોય, તીયાં આવા ગીતડાં શેં ગાય કે, ‘આવાઝ દે કહાં હૈ.. ?’ પચ્ચા વરસના લગન-જીવન પછી માંડ તો એ આવાઝ બંધ થયો છે, એને ફરી શું કામ ફંફોળીને જગાડવો ? આ તો એક વાત થાય છે.. ! (યસ. ડોહાને કોઇ વાતે બ્લૅક મેઇલ કરવા હોય તો સીધી ધમકી આલી દો કે, ‘બોલો બાપુજી... કામ કરી આપો છો કે, બા ને ‘આવાઝ દે કહાં હૈ... ’ તમારી સાથે ગાવા બોલાવું ?’)

પણ ‘અણમોલ ઘડી’ને યાદ રાખનારા હજી ઘણા છે, ફિલ્મથી નહિ, તો ગીતોથી તો બેશક... ! 

આજે ‘અણમોલ ઘડી’ જોઇએ, તો એમાં ખાસ કોઇ સત્વ જોવા ન મળે.. વાર્તામાં ય નહિ. પણ એ જમાનામાં આ ફિલ્મે ટંકશાળ પાડી હતી. એમાં બનતું આવ્યું છે તેમ, અગાઉના જમાનાની સારી ફિલ્મોની સારી બાબતો પછીની ફિલ્મોમાં સીધી ઉઠાંતરી થઇને આવે, એટલે આજે મૂળ ફિલ્મો જોઇએ તો બધા મોરચે રીપિટ થતી લાગે, પણ મેહબૂબખાન જેવા મહાન સર્જકનો ટચ તમને મેહબૂબખાન જ અપાવી શકે. એમની તમામ ફિલ્મોના લોગો વખતે બોલાતો શે’ર એમના હરિફોને કે ઉઠાંતરીયાઓને પરફેકટ લાગુ પડે, ‘મુદ્દઈ લાખ બુરા ચાહે તો કયા હોતા હૈ, વો હી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ’ (‘મુદ્દઈ’ એટલે દુશ્મન). ફરેદૂન ઇરાની પાસેથી એમણે લીધેલું કેમેરા-વર્ક આજે ય હેરત પમાડી શકે. મેહબૂબની ફિલ્મોમાં સૅટિંગ્સ ભવ્ય હોય. ફિલ્મ બનાવવાની એમની સમજ પુરી હતી, એ સત્ય એ જમાનાના બીજા દિગ્દર્શકોની ફિલ્મો યાદ કરો તો ખબર પડે. ઇન્ટરનેશનલ ફિલ્મો જોવાના જાણકારો મેહબૂબને ઇન્ડિયાનાં સેસિલ બી. ડી’મેલ કહેતા, તે તેમને ગમતું. 

એમની અન્ય ફિલ્મો ‘રોટી’, ‘બહેન’, ‘નજમા’ કે ‘એક હી રાસ્તા’ પણ એમને નામ અપાવી ગઈ. 

નૌશાદના કાયમી આસિસ્ટન્ટસમાં બે નામો મહત્વના. એક મુહમ્મદ શફી અને બીજા ‘પાકીઝા’વાળા ગુલામ મુહમ્મદ, જેમણે આ ફિલ્મમાં પણ મદદનીશની કામગીરી સંભાળી છે. બંનેએ બહુ નહિ તો થોડી-ઘણી ફિલ્મોમાં સ્વતંત્ર સંગીત આપેલું છે. સુરેન્દ્ર એ જમાનાના B.A. હતા. અત્યારે હસવું આવે કે, એમાં તે કઇ મોટી ધાડ મારી.... અને તે ય પાછી B.A. કર્યું એટલામાં ? પણ એ જમાનામાં આટલું ભણવું અને તે પણ ફિલ્મોમાં આવવું, એ મોટી વાત ગણાતી. ‘સુરેન્દ્રનાથ B.A. ’ એમ ફિલ્મના ટાઇટલ્સ પર પણ લખાતું અને એટલું ભણેલાઓ પોતાની ડીગ્રી અચૂક લખતા. છેક સંગીતકાર ચિત્રગુપ્ત સુધી એ પ્રવાહ ચાલ્યો આવ્યો, જે ‘ચિત્રગુપ્ત, M.A. ’ લખાવતા. ડીગ્રી લખવામાં જોરદાર ઇગો સંતોષાતો કારણ કે, ભલે ને બહુ મોટા હીરો-ફીરો હોય.. ભણવાને નામે મીંડુ જ હતું. જોવાની ખૂબી એ છે કે, મહાન સર્જકો હોવા છતાં કે. આસીફ અને મેહબુબખાન પાસે સ્કૂલના શિક્ષણને નામે લગભગ મીંડું હતું. સુનિલ દત્તવાળી ફિલ્મ ‘મિલન’માં સુરેન્દ્રએ નૂતનના પિતાનો રોલ કર્યો હતો. આ ફિલ્મનું ‘કયું યાદ આ રહે હૈં, ગૂજરે હુએ જમાને..’ તેમ જ ‘અનોખી અદા’નું શમશાદ બેગમ સાથે ગાયેલું, ‘કયું ઉન્હેં દિલ દિયા, હાય યે કયા કિયા, શીશે કો પથ્થર સે ટકરા દિયા..’ અમારા જેવા જૂનવાણીઓને ખૂબ ગમતા ગીતો છે. ‘અણમોલ ઘડી’માં તો એ જમાનાના ત્રણે ય સિંગિંગ-સુપરસ્ટાર્સ મળ્યા હતા, નૂરજહાં, સુરૈયા અને સુરેન્દ્ર. ફિલ્મ ‘ભરથરી’માં અમીરબાઇ કર્ણાટકી સાથે ‘ભિક્ષા દે દે મૈયા પિંગળા’ ગાયા પછી સુરેન્દ્ર, સાયગલ સાહેબના સંદર્ભમાં કલકત્તાને મુંબઇનો જવાબ ગણવામાં આવતા હતા. થોડી ફાલતુ ભાષામાં કહીએ તો સુરેન્દ્ર ગરીબ નિર્માતાઓના કુંદનલાલ સાયગલ હતા ! 

સુરેન્દ્ર આમ તો બહુ ઢીલુરામ. મે’તો મારે ય નહિ ને ભણાવે ય નહિ એવો. પણ ફિલ્મ પૂરતો સુરેન્દ્ર બહુ વાંકો હીરો બને છે.... બિગડે દિલ શેહજાદે ! આમ એની પર્સનાલિટીને શોભે એવો રોલ તો ન કહેવાય કારણ કે, દેખાવથી જ કોઇ સંસ્કારી ઘરનો નબીરો લાગે. હીરોઇનને ગુંડાઓથી છોડાવવા એને જવાનું હોય તો, એને રોકીને આપણે જઇ આવીએ. આ તો ઢીલુરામ હતા. આ જ મહેબૂબખાનની ફિલ્મ ‘ઔરત’માં (જેના ઉપરથી એમણે જ વર્ષો પછી ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ બનાવી, જેમાં ઢીલુરામનો જે રોલ રાજેન્દ્રકુમારે કર્યો હતો ને તોફાની બારકસ સુનિલ દત્તવાળો રોલ યાકુબે કર્યો હતો) મેહબૂબે જ સુરેન્દ્રને ઢીલુરામનો રોલ આપ્યો હતો. પણ અહીં ગરીબ વિધવા મા (લીલા મીશ્રા)નો બેકાર અને બેવકૂફ પુત્ર સુરેન્દ્ર બને છે. નાનપણમાં જેનાથી છુટા પડવું પડયું હતું, તે પ્રેમિકા લતા (નૂરજહાં) વર્ષો પછી મુંબઇમાં પાછી મળે છે, તે પહેલા વચમાં હવાફેર માટે સુરૈયા આવી જાય છે, જે એને ખૂબ ચાહતી હોય છે, પણ સુરેન્દ્રને બચપન કે સાથી નૂરી સિવાય બધીઓ માં-બહેન સમાન હતી, એટલે નિયમ મુજબ, ફિલ્મ પૂરી થતા પહેલા સુરેયાને લટકાવી દેવાની જ હતી..... પણ મેહબૂબખાને હંમેશા રૂઢિગત પ્રણાલિઓથી વિરુદ્ધ ફિલ્મો બનાવી હોવાથી, આ ફિલ્મમાં પોતાના જ જીગરી દોસ્ત (જહૂર રાજા) ને પરણી ગયેલી નૂરજહાં અને સુરેન્દ્રનું મિલન થતું નથી.... કકળાટ બહુ થયો હોવો જોઈએ. આવો કરૂણ એન્ડ બતાવવા માટે, એટલે ફિલ્મના છેલ્લી ઘડીના એક સીનમાં ગામ છોડીને જતા સુરેન્દ્રની પાછળ નૂરજહાંને દોડતી બતાવવામાં આવે છે, જે અફ કોર્સ, પાછળથી ઉમેરવામાં આવેલું દ્રષ્ય છે. હિંદી ફિલ્મોમાં કિશોરકુમારની જેમ પોતાના ગીતો ગાઇ શકતા હીરો-હીરોઇનો બહુ ઓછા આવ્યા, તેમાં આ બંને-નૂરજહાં અને સુરૈયા મુખ્ય હતા. કમનસીબે, મેહબૂબખાનની આંખોમાં પાણી નૂરજહાંએ લાવી દીધા હતા.... એટલા માટે કે નૂરજહાંથી ન તો સુરૈયાનું રૂપ સહન થતું, ન એનો મીઠડો અવાજ. દાદાગીરી તો એની એકલીની જ ચાલતી, એટલે એક દ્રષ્માં તો એવું થયું કે, સૅન્ટ્રલ સ્ટુડિયોઝમાં ફિલ્મના સેટ પર નૂરજહાં થોડી વહેલી આવી હશે ને જોયું તો મેહબૂબખાને સુરૈયાની સાડી પણ બિલકુલ નૂરજહાંની સાડી જેવી જ મંગાવી હતી. ખલ્લા...સ ! બેનનો પિત્તો ગયો. ‘વો સમજતી ક્યા હૈ અપને આપ કો.. ?’ આજકલ કી લૌંડી મેરી બરોબરી કરને ચલી હૈ... ?’ એવી ઘાંટાઘાંટ સાથે બધાની વચ્ચે એણે સુરૈયાની સાડીનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો-કાતર મંગાવીને તારતાર ફાડી નાંખ્યા. સુરૈયા આવી, તો માની ન શકી કે, કોઇ સ્ત્રી આટલી હદે ઇર્ષાળુ બની શકે છે ! એક તો નૂરજહાં સુપર બૉસ હતી ને બીજું... સુરૈયા અમથી ય મેહબૂબખાનની આંખોમાંથી ઉતરી ગઈ હતી....દિલીપ કુમારે આગ પ્રગટાવી રાખી હતી કે, હિંદુ દેવ આનંદ સાથે એક મુસલમાન સ્ત્રી પ્રેમમાં પડે, એ બર્દાશ્ત જ કેવી રીતે થાય ? દેશમાં હૂલ્લડો નહિ ફાટી નીકળે ? પોતાનો દાવો મજબુત કરવા દિલીપે મેહબૂબખાન અને ‘મુગલ-એ-આઝમ’વાળા કે. આસિફને પણ સાથે લીધા, એમાં સુરૈયાને સહન તો ઘણું કરવું પડયું. 

આપણે તો બેમાંથી એક્કે ય ને મળવા ગયા નથી પણ, એ બંનેને નજીકથી ઓળખનારા મરહૂમ અલી સાહેબ પણ કહેતા હતા કે, સુરૈયા ઇંગ્લિશ મીડિયમમાં કન્વૅન્ટમાં ભણેલી સંસ્કારી વૅલ-બીહેવ્ડ છોકરી હતી, તેની સામે નૂરજહાં ઓલમોસ્ટ અભણ અને ઉછાંછળી ને અભિમાની સ્ત્રી હતી. ઇંગ્લિશ તો બહુ દૂરની વાત છે, પણ કહેવાતું ઉર્દુ પણ ઝોંપડપટ્ટીના મુસલમાનો બોલતા હોય એવું, ‘મેરે કુ ખાણે કા હૈ.. ને જાણે કા હૈ’ બોલતી. સુરૈયાને દેવ આનંદ સાથે તો પરણવા ન મળ્યું, તો કોઇ બાત નહિ... દેવ સિવાય આખી લાઇફમાં બીજો કોઇ નહિ. 

‘શોલે’વાળી મૌસી લીલા મીશ્રાને આપણે પર્મેનેન્ટ બુઢ્ઢી જ જોઇએ છે, પણ આ ફિલ્મની ’૪૬-ની સાલમાં એ યુવાન નહિં તો પીઢ ઉંમરની દેખાય છે. બચ્ચન બાબુ જેવા ગહેરા અવાજના ધની કૅરેકટર-આર્ટિસ્ટ મુરાદ અહીં નૂરજહાંના ફાધરનો કિરદાર કરે છે. જહૂર રાજા ખાસ કાંઇ ઝળકયો નહિ. ‘શ્રી.૪૨૦’માં સેઠજીના બોખા ચમચાનો રોલ કરતો ભૂડો અડવાણી અહીં વિલનના પાત્રમાં છે. 

આખી ફિલ્મ ‘અણમોલ ઘડી’ જો આજ સુધી યાદ કરાતી હોય તો બાકાયદા નૌશાદના સંગીતને કારણે... અને તે પણ લતા મંગેશકરના એક પણ ગીત વિના અને રફીનું ફકત એક જ ગીત છતાં ! યે તો ફિર વો હી મિસાલ હુઇ ના...કિ સચિન, સેહવાગ, ઝહિર, યુવરાજ કે ગંભીર વગર પણ આપણે ઇંગ્લેન્ડને હરાવ્યું હોય ! ખાટલે મોટી ખોડ એ કે, મેહબૂબ ખાન હજી દિગ્દર્શક તરીકે કાચા પડતા હતા... ખાસ કરીને, ગીતોના ‘ટૅકિંગ’માં ! એ તો સાયગલના વખતથી ચાલ્યું આવતું કે, હીરોઇન ગીત ગાવા બેસે, પછી વચ્ચે મ્યુઝિકનો પીસ આવે, એટલે ગૂમડૂં બહુ દુઃખતું હોય, એવા મોંઢે ઉભી થઈને રૂમમાં, ને રૂમમાં એક ચકરડું મારી આવે. અંતરો પૂરો થાય એટલે બીજા અંતરાના ઇન્ટરલ્યૂડ મ્યુઝિક વખતે પાછી ઢીલીઢફ થઇને ચકર-વકર ફરવા માંડે. ગીત આપણને વર્ષોથી ગમતું હોય, પણ આવી રીતે જોઇએ તો જોવાનો મૂડ ઑફ થઇ જાય, જે નૉર્મલી જૂનાં બધા ગીતોમાં બનતું હોય છે. આજે તો એક એક ગીત કોઇ ૫૦૦-૬૦૦ શૉટ્‌સમાં પતે છે, એનો મતલબ આપણે એવો ય નથી કાઢતા કે, એટલે આજના ગીતોનું ટૅકિંગ વધારે સારૂં છે, પણ વિજય આનંદ, ગુરૂદત્ત, રાજ ખોસલા, રાજ કપૂર.... અરે ઇવન માસ્ટર ભગવાનદાસ ગીતોના ટૅકિંગના માસ્ટર હતા. સાધનાવાળી ફિલ્મ ‘ઇન્તેકામ’ ના કેબરે ગીત, ‘આ જાને જાં, આ મેરા યે હુસ્ન જવાં..’નું ટૅકિંગ મા. ભગવાનદાસે કેવી રીતે કરે છે, તેનું શૂટિંગ જોવા નરગીસ પણ સ્ટુડિયો પર જતી. મેહબૂબે ટૅકિંગનું કૌશલ્ય ફિલ્મ ‘અંદાઝ’થી મેળવ્યું. ટેકંિગમાં વિવિધતા, જેમ કે કયારેક ક્લોઝ-અપ આવે, ક્યારેક લોંગ-શોટ, કમ્પોઝિટ શોટ કે કેમેરા ઝૂમ-ઇન/આઉટ થતો હોય, એ તો સમજ્યા પણ ૠષિકેશ મુકર્જી પોતાની ફિલ્મોના ગીતોના ટૅકિંગ વખતે વાર્તાને પણ આગળ જવા દે, અથવા તો ગીત મૂકવા ખાતર ન મૂકયું હોય જેથી, પ્રેક્ષકો એકી-પાણી કે સિગારેટ પીવા માટે ઊભા થવા માંડે. 

ફિલ્મનું નામ ‘અણમોલ ઘડી’ વાંચીને બે અર્થો સામે આવે. એક તો ઘડી એટલે વખત... પળ... મોકો અને બીજો, ઘડીયાળ. સોરી ટુ સે ધીસ.. પણ ફિલ્મની વાર્તાને આ ઘડીયાળ સાથે ફકત નામનો જ મેળ રહેવા દીધો છે, નાનપણમાં છોકરીએ છોકરાને આપેલી કિંમતી ઘડીયાળ પેલો મોટો થતા સુધીમાં સાચવી રાખે છે... સંજોગો ખરાબ થાય એટલે ઘડીયાળની પાછી આપાઆપી થાય, પણ ફિલ્મની વાર્તાને ટાઇટલ સાથે મહત્વ તો સોલ્લિડ હોવું જોઈએ ને...? એ અહીં ગાયબ છે. ગૂન્હો તો એ પણ માફ કે, એ જમાનાની ફિલ્મોના કલાકારોના અભિનયમાં ભાગ્યે જ કોઇ દમ હતો. અશોક કુમાર, પૃથ્વીરાજ કે કાનનદેવીને બાદ કરતા બાકીના મોટા ભાગના હીરાઓ કરતા તો આપણા ફાધર સારી એકિટંગ કરી આવ્યા હોત, એવું લાગે. સંવાદો બોલવાની સ્ટાઇલ પણ ઓલમોસ્ટ સ્ત્રૈણ્ય અથવા કાવ્યાત્મક શૈલીમાં રહેતી. હીરોઇન રીસાઇ હોય એટલે બેમાંથી એક ચોટલાનું ફૂમતું હાથમાં રમાડતી રમાડતી, ચિત્રવિચિત્ર નેણો ચઢાવી-ઉતારી લટકા-ઝટકાથી બોલશે ‘યે આપ ક્યા કહ રહે હો, સ્વામીનાથ ..? મૈં ના બોલૂંગી આપ સે...’ ‘અણમોલ ઘડી’ ફિલ્મ તરીકે ઓકે... ન જોવાય તો વરી નૉટ, બાકી ગીતો માટે જોવાની લઝ્‌ઝત આવે એમ છે.

No comments: