Search This Blog

23/01/2012

ઍનકાઉન્ટર : 22-01-2012

* તમે શર્મીલા ટાગોરની ફિલ્મોના ચાહક હતા, પણ પટોડી ગૂજરી ગયા તેના બેસણાંમાં કેમ નહોતા ગયા ?
- વહેમને કારણે કોઇ કબરમાંથી ઠેકડો મારીને બહાર આવે, એ સારૂં ન લાગે માટે.
(મુનિરા હુસેન વ્હોરા, ગોધરા)

* વાચકો તમારો મોબાઇલ નંબર માંગે છે, પણ ઘરનો લૅન્ડલાઇન નંબર કેમ નથી માંગતા ?
- ઘરનો ફોન સીધો હકી ઉપાડે..... એવું રિસ્ક કોણ લે ?
(શ્રીમતી મીના નાણાવટી, રાજકોટ)

* તમે તમારા દુશ્મનોને હંફાવવા શું કરો છો ?
- દરેક દુશ્મન સાથે ક્યારેક તો ભેગું થવું પડશે, એટલે આજે મારૂં સૌજન્ય છોડતો નથી. એ વખતે મારે નીચે જોઇને ઉભા રહેવું નહિ પડે !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* મને દરેકની પત્નીમાં સોક્રેટીસની પત્ની દેખાય છે. તમને બીજાની પત્નીમાં શું દેખાય છે ?
- દેખાવમાં ઠીકઠીક હોય તો એ ‘બીજાની’ પત્ની દેખાય છે, નહિ તો માતા... !
(તુષાર નાણાવટી, રાજકોટ)

* ગુજરાતી સાહિત્યમાં તમારૂં પ્રદાન શું છે ?
- ગુજરાતી સાહિત્ય પરિષદની આજીવન સભ્ય ફી.
(શશીકાંત પીઠડીયા, અમદાવાદ)

* જીવનનો શ્રેષ્ઠ આનંદ તમે ક્યારે માણ્યો હતો ?
- બે કલાકથી નાકમાં ભરાઈ ગયેલો ઠળીયો બહાર નીકળ્યો ત્યારે.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* હસે તેનું ઘર વસે, પણ વસે પછી કેટલા હસે છે ?
- ઘણા ખસે પણ છે... ને બીજે ઠેકાણે ફસે પણ છે !
(ચીરાગ કે. બેલડીયા, દામનગર)

* ‘ઍનકાઉન્ટર’ પોસ્ટકાર્ડને બદલે SMS પર રાખો તો કેવું ?
- પગાર કૅશમાં લેવો પડે... SMS પર લેવાય ?
(બુરહાન/શાહિન લક્ષ્મીધર, રાજકોટ)

* તમે પ્રવચન આપવાના હો, એ સમારંભમાં કોઇ સુંદર સ્ત્રીને જોઇને કેવો પ્રતિભાવ આપો છો ?
- સ્ત્રી સુંદર હોય, તો મારા પ્રવચનમાં આવે જ શું કામ ? બુઘ્ધિમાન સ્ત્રીઓ બેશક આવે.
(કેતન/ સી.પી./ હિરેન પટેલ, અમદાવાદ)

* આટલી બધી ધાર્મિક ચૅનલો ટીવી પર આવે છે, છતાં પ્રજા સુધરતી તો નથી... ઉપરથી ઘણા મહારાજો બગડી ગયા છે, તેનું કારણ શું ?
- કવિ ઘૂની માંડલીયાનો શે’ર છે :
‘કહો જગમાં ક્યાંયે છે તટસ્થતા ? 
હકીકતમાં શ્રઘ્ધા કાં સંશય હશે, 
અચાનક ચરણ કાં અટકયાં ‘ઘૂની’, 
શિવાલય કાં તો સુરાલય હશે.’
(સાધના પી. નાણાવટી, જામનગર)

* કઈ ચીજવસ્તુમાં ભેળસેળ નથી થતી, તે જણાવશો ?
- અઢી-ત્રણ વર્ષ સુધીના બાળકના સ્માઈલમાં.
(મહેન્દ્ર જે. ગાંધી, સુરેન્દ્રનગર)

* પ્રાચીન ભારતમાં લગ્ન પૂર્વેના સૅક્સ-સંબંધો સ્વીકાર્ય હતા, તો આજે એનો આટલો વિરોધ કેમ થાય છે ?
- ‘હે રાંદલ માતા.... આપ જેમ સહુને ફળ્યા, તેમ આમને પણ ફળજો.’
(ભરત ડી. સાંખલા, ડીસા)

* કન્યાને આશિર્વાદ આપવા ‘અખંડ સૌભાગ્યવતી’ કહેવાય છે, તો વરરાજા માટે શું કહેવાય છે ?
- ‘હખણો રહેજે.’
(શૈલેષ બામણીયા, વીરપુર)

* મોટા ભાગના પુરૂષો સ્ત્રીઓની આંખમાં આંખ મિલાવીને કેમ નથી જોતા ?
- પર્યટનના વઘુ મોહક દ્રષ્યોની એમને ખબર હોય છે, માટે !
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

* અમારે શાક-માર્કેટમાં સવારે ગાયું ને સાંજે બાયુંનો ત્રાસ છે. તમારે કેમનું છે ?
- અમારે તો લીલા લહેર છે... સવારે પણ ગાયું ને બદલે બાયું જ હોય !
(અરૂણ પારેખ, ભાવનગર)

* ડિમ્પલ કાપડીયાની કઇ ફિલ્મની સીકવલ જોવાનું તમે પસંદ કરશો ?
- એની ફિલ્મની નહિ... એની પોતાની સીકવલ જરા... ઠીક રહેશે.. !
(અજય વ્યાસ, બિલખા)

* પગે લાગવાને બહાને સ્વામીઓના ચરણસ્પર્શ કરતી સ્ત્રીઓનો ઇરાદો શું હશે ?
- પોતાના ગોરધન, સસરા અને પિતા સિવાય અન્ય કોઇપણ પુરુષના ચરણસ્પર્ષ કરતી કોઇપણ સ્ત્રી મારી નજરમાં આદરપાત્ર હોતી નથી.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* મેહમાન જમવા આવવાના હોય, તે જ દિવસે કામવાળી ન આવે, તો ગુસ્સો પત્નીને આવે કે ગોરધનને ?
- પત્નીને ગુસ્સો આવવાનો સવાલ જ ઊભો થતો નથી... કમ-સે-કમ, એને તો વઘુ સારો ચેહરો જોવા મળશે !
(મઘુકર પી. માંકડ, જામનગર)

* ગાંધી ટોપી અને અન્ના ટોપી વચ્ચે ફરક શું ?
- મહાત્મા ગાંધી સરીખા મહામાનવની સરખામણી ફકત શ્રી રામ જેવા યુગપુરૂષ સાથે જ થઇ શકે... ઉપવસોને બેઇજ્જત કરનારાઓ સાથે નહિ !
(હસમુખ ડી. પરમાર, નાડા-જંબુસર)

* મારી પ્રેમિકાને મળવા જઉં તો એની મમ્મી ચંપલ બતાવે છે, તો મારે શું કરવું ?
- એની મમ્મીની નિયત સાફ લાગતી નથી.
(કમલેશ પરમાર, અંકલેશ્વર)

* જીવનમાં તમે ક્યારે ય કડવો ધૂંટડો પીધો છે ?
- દૂધ સમજીને ટેસથી ચૂનાનું પાણી ગટગટાવી ગયો હતો ત્યારે.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* તમે ટિવટર કે ફૅસબૂક પર કેમ નથી ?
- હું હજી એટલો કિંમતી માણસ થયો નથી.
(હર્ષલ બી. અંજારીયા, રાજકોટ)

* આજકાલની પુત્રવઘૂ સાસુમા કહેવાને બદલે ‘મમ્મી’ કહીને બોલાવે છે, તો મને સારૂં લાગે છે. તમને કેવું લાગે છે ?
- એ તમને મમ્મી કહે, એ મને સારૂં લાગે છે. મને જરા ય ખોટું નથી લાગ્યું.
(મોના જગદિશ સોતા, મુંબઈ)

* કોઈ યુવતી મને ‘અંકલ’ કહે તે મને નથી ગમતું. કોઇ ઉપાય ?
- તમને ‘ડૅડી’ કહે, એ તો જરા ય સારૂં ન લાગે ને ?
(જયેશ અંતાણી, ભાવનગર)

* દેવ આનંદ, રાજ કપૂર અને દિલીપ કુમાર.. એ ત્રણેમાંથી તમે કોને શ્રેષ્ઠ ગણો છો ?
- સવાલ જ પેદા થતો નથી... એક માત્ર રાજ કપુર.
(નિરંજન ડી. વૈષ્ણવ, જૂનાગઢ)

* ચેતન ફૂલોનું જીવન ઝૂંટવીને નિશ્ચેતન મૂર્તિ પર ચઢાવવા.. એ ભક્તિ કે અંધશ્રઘ્ધા ?
- સંસ્કારી લોકો ફકત ખરી પડેલા ફૂલો પરમેશ્વરને ચઢાવે છે.
(નેહા વાળા, સુરેન્દ્રનગર)

No comments: