Search This Blog

11/01/2012

તાપણું એટલે જે આયું તે બઘું હળગાવવાનું ના હોય !

‘‘આ કપડું બળવાની ક્યાંક ગંધ મારે છે...! કંઇક હળગે છે ??’’

આવી રજુઆત મસ્તુભ’ઇએ કરી, બંગલાના ગાર્ડન તરફના દરવાજામાંથી પ્રગટ થતા થતા...! શું સળગે છે, એ જોવા એ દસે દિશાઓમાં ડાફરીયાં મારી રહ્યા હતા. પાછા એ ટુવાલ પહેરીને બહાર આવતા હતા, એમાં અમે બધા ચમક્યા.

શિયાળાની ઠંડી મજાની ઉઇઇઇઇ.... ઘોર અંધારી રાત્રે મસ્તુભ’ઇના બંગલાના ગાર્ડનમાં થોડાક મહેમાનો સાથે અમે બધા તાપણું કરવા બેઠા હતા. સળગતા તાપણાંની ગોળ-ફરતે બેસવાની પ્રાચીનકાળના ૠષિમુનીઓ યજ્ઞ કરવા બેઠા હોય એવું દ્રષ્ય લાગે.... અને તાપણું ઠરી ગયા પછી બેઠા રહો તો સ્મશાનના પગારદાર મજૂરીયાઓ જે કાંઇ વઘ્યું ઘટ્યું હોય, તે ફેણવા બેઠા હોય એવું લાગે. દેખાવને આધારે તો અમે પહેલા દ્રષ્યમાં પણ ૠષિમુનીઓ જેવા નહોતા લાગતા.’

મસ્તુભ’ઇ અમારાથી મોટા, એમનો દીકરો અમારી ઉંમરનો, એટલે તાપણાનો કારભાર એણે-એટલે દીપકીયાએ સંભાળ્યો હતો. એને બઘું હળગાવવાનો બહોળો અનુભવ, એ ધોરણે તાપણાંની જ્યોત જલતી રાખવાની મજૂરી અમે એને સોંપી હતી. 

કપડું બળવાની કોઇ ગંધ મારતી હોવાની મસ્તુભ’ઇની જાહેરાતથી અમે બધા ફફડી એટલા માટે ગયા હતા કે, ઠંડી અને તાપણું બન્ને જામ્યા હતા અને અમારીપાસે હવે લાકડા-ફાકડા વઘ્યા નહોતા, એટલે દીપકો ઘરમાંથી કોક કપડું લઇ આયો, એ મસ્તુભ’ઇનો લેંઘો હતો. 

ચોંકીને અમે બધાએ બુઝુ-બુઝુ કરતા તાપણામાં જોયું તો, સફેદ નાડાંનો એક છેડો ઘરની બહાર કાઢી મૂકેલા ઘર-જમાઇની જેમ લટકી રહ્યો હતો. લેંઘાનું બાકી બઘું પતી ગયું હતું. ઘરમાં ખોળાખોળ કરતા લેંઘો ન મળવાથી મસ્તુભ’ઇ ટુવાલ પહેરીને લેંઘો શોધવા બહાર આવ્યા. એમાં તો ભડકો ચાલુ રાખવા કેટલાક બદમાશોની નજર એ ટુવાલ ઉપર પણ બગડી હતી. (આ બદમાશોમાં એકલો હું જ હતો, પણ આપણને કદી આપણી સિઘ્ધિઓની જાણ કરવાની બહુ આદતો નહિ !) 

તાપણાંની દુનિયામાં અમારા બધામાં દીપકીયો એકલો સ્માર્ટ...! વર્ષોથી તાપણાંનો બહોળો અનુભવ હોવાને કારણે આવા તો કંઇ કેટલાય લેંઘાઓ અને ટુવાલો તેણે હળગાઇ મારેલા. આગ ભડકતી રાખવામાં એની માસ્ટરી. એના જવાથી કોઇ ચાલુ ઝગડો વધે ખરો.... ઘટે નહિ ! 

મસ્તુભ’ઇ ઉંમર અને ટુવાલને કારણે શરીરે બહુ ખેંખલી લાગતા હતા. છાતી ઉપર ચામડી સાથે પાંસળીઓ એવી રીતે ચોંટી ગઇ હતી કે, જરા અમથો પવન વધારે ફુંકાય તો ચામડી અંદર ને પાંસળી બહાર આવતી રહે, એવી દહેશત એમના સિવાય બધાને લાગે. બીજાઓને ફાંદ હોય, પણ આમને પેટના ભાગ ઉપર આખું નારીયેળ મૂકી શકાય એટલો ઊંડો ખાડો હતો. એ ખાડામાં ખોસેલો ટુવાલ કેટલું ટકશે, એ શ્રદ્ધાનો વિષય હતો, એમાં પુરાવાની જરૂર પડે નહિ. 

હું આમ પાછો સ્માર્ટ ખરો, એટલે મસ્તુભ’ઇની નજર બી ના પડે, એટલી ઝડપથી વધેલા નાડાનો છેડો ભડભડતી આગમાં નાંખી દીધો, જેથી આખી ઘટનાનો કોઇ ચશ્મદીદ ગવાહ ન રહે. 

કોઇ ભક્ત ૪૦૦ કી.મી. ચાલીને અંબાજીના મંદિરે આવ્યા હોય ને એને ખબર પડે કે, અંબાજી તો હાલ પ્રવાસમાં છે અને મંદિર બંધ છે, ને કેવો નિરાશ થઇ જાય એમ, લેંઘો ન મળતા હતાશ મસ્તુભ’ઇ ઘરમાં પાછા ગરી ગયા. 

તાપણું બહુ મસ્તમજાની ચીજ છે. ડિમ્પલ કાપડીયાના ધાંય ધાંય રૂપ જેવી આવી કાતિલ ઠંડીમાં તાપણું કરીને હખણા બેસી રહો તો શરીરમાં જોઇએ એવો ગરમાવો આવી જાય. બન્ને હથેળીઓ ભડકા સામે રાખીને તાબડતોબ પાછી લઇ લેવાનો જે મજો પડે છે, એ કોઇ ઓર જ હોય. એક બાજુ તનબદનમાં લખલખું ઉપડાવી દે, એવી ઘૂંઆધાર ઠંડી અને તાપણું પલભરમાં આપણને ગરમ કરી દે. તાપણાંની અલબત્ત પૂર્વ શરત એ જ કે, એ મે-મહિનાની ભરબપ્પોરે ગોઠવી શકાતું નથી. બીજી મર્યાદા એ છે કે, શિયાળામાં પણ તે ફક્ત શરીરના આગળના ભાગને જ ગરમ કરી શકે છે... ઠંડો બહુ વાતો ઉપરથી તો ય કાંઇ તાપણા તરફ બરડો ખુલ્લો રાખીને બેસી શકાતું નથી. જોઇ જાય તો બા ય ખીજાય ! આગની જ્વાલાઓ ઉપરથી હથેળીઓ ફેરવવાની પણ આવડત, ઝડપ,સમયસૂચકતા અને ઊભડક પગે બૅલેન્સ રાખીને પદ્ધતિસર બેસવાની કૂનેહ જોઇએ. એક જરાક અમથી ઝાળ લાગી જાય તો, હાથમાં રૂપિયા-રૂપિયા જેવડા ફોડલાં પડી જાય છે. વળી, શાસ્ત્રોમાં કીઘું છે કે, ઊભડક પગે બેઠા પછી પાછલી દિશામાં ગડથોલીયું ખાઇ શકાય, આગળ નહિ. ગડથોલીયાની બીકે જ, કેટલાક ફત્તુ-બાઓ તાપણાંથી બબ્બે કી.મી. દૂર ખુરશી રાખીને હવામાં હથેળીઓ ધુમાવે રાખે છે. ખુશ્બુ લેવા માટે ફૂલની પાસે જવું પડે ને તો જ ફૂલ સુગંધ આપે અને તાપણું ગરમી આપે. 

ફૂલ અને તાપણાંની જ્વાળા વચ્ચે ફરક એટલો કે, સુંદરતા બે ય ની એકસરખી હોવા છતાં વાઇફના માથામાં ફૂલ ભરાવી શકાય... પણ મનમાં ગમે તેટલા ધખારા ઉપડ્યા હોય તો ય જ્વાલાને વેણીની માફક આપણાથી એના માથામાં મૂકી શકાતી નથી... કોઇ પંખો ચાલુ કરો ! 

તાપણું આટલું લોકપ્રિય થવાનું બીજું એક કારણ એ પણ છે કે, આગની જ્વાળાઓના ભડકાવાળા ઉજ્જવલ પ્રકાશમાં હાળા કાળીયાઓ ય ગુલાબી-ગુલાબી લાગે છે, બોલો ! વાચકોએ મારા આ નિરીક્ષણ પરથી ધડો એ લેવાનો કે, કોઇ કાળીયાનું ગોઠવાતું ન હોય, તો, એને તાપણું કરવા બેહાડીને કન્યાવાળાઓને એને જોવા બોલાવી લેવાના. એને ઊભો નહિ થવા દેવાનો. બસ. આ તબક્કે જ એ ઉજળો લાગશે. 

તાપણું જ્ઞાતિની મીટિંગ જેવું છે. તમે કદીક તાપણે બેઠા હો, તો નોંઘ્યું હશે કે, એમાં કારણ વગરના ઊંબાળીયા અને અડપલાં કરનારા બહુ હોય છે. જીવ ઝાલ્યો રહેતો નથી, સળગતા લાકડાને આઘાપાછા ખસેડવાનો. કોક લાકડું અડઘું સળગ્યું હોય તો, બીજાં લાકડા વડે એને ખસેડ ખસેડ કરવાની શૂળ ઉપડે છે. આવડે નહિ ને ઊંબાળીયું કરવા જાય એમાં અચાનક ભડકો કરી મ્હેલે અને બેઠેલા બધાના મ્હોં ઉપર ઘૂણી ને તણખા ભરી મ્હેલે. આગ સે ખેલના બચ્ચોં કા કામ નહિ...  હાથ કો અડ જાતા હૈ, તો ફોડલા પડ જાતા હૈ... હોઓઓઓ ! 

એક આદર્શ તાપણાંની એક મુશ્કેલી પણ છે માંડ જામ્યું હોય ત્યાં લાકડા ખૂટી જાય. ભડકો ચાલુ રાખવા મહીં લાકડા એ મઘ્યમ-વર્ગના ફેમિલી જેવું છે. સિવાય શું શું નાંખવાનું હોય, એની પદ્ધતિસરની માહિતી બધાને પાસે કાંઇ ન હોય ! પછી તો રઘવાયા થઇને તાપણેદારો હાથમાં જે આવ્યું, તે ઝીંકવા માંડે છે. મસ્તુભ’ઇના લેંઘાની જેમ. છેલ્લે તો વખત એવો આવી જાય કે, કંઇ ન મળે, તો લોન પરનું લીલું ઘાસ ઉખાડી ઉખાડીને લોકો નાંખવા માંડે.... ખુદ મારા ઘરના બે ટેબલો ગયા શિયાળાથી મળતા નથી ! 

સિક્સર 
અન્ના હજારેએ ભ્રષ્ટાચારી કોંગ્રેસ સરકારને સારી કહેવડાવી દીધી.....!

No comments: