Search This Blog

04/01/2012

ચંપલ ચોર મચાવે શોર

ચંપલ વગર હું શોભતો નથી. એ કબુલાત પહેલા કરી લઉં, એમાં મારો ઇરાદો એવી જાહેરાત કરવાનો નથી કે, ચંપલ પહેર્યા પછી હું શોભું છું. ઉઘાડા પગે જનાવરો ફરતા હોય છે, માણસો નહિ, એટલે સૌજન્ય ખાતર હું પણ ચંપલ પહેરૂં છું. સિંહ તો કહેવાય જંગલનો રાજા, પણ આજ સુધી મેં એકે ય સિંહને બૂટ-ચંપલ પહેરેલો જોયો નથી... સ્લિપર બી નહિ! સાલો એ તો જાંગીયો-ગંજી ય પહેરતો નથી ને ભરજંગલમાં નાગો ફરે છે, તો ય એની બા ના ખીજાતી હોય, ત્યાં શહેનશાહી ઠાઠમાઠના એ કપડાં પહેરે, એવી આશા તો રખાય બી ક્યાંથી? એના બચાવમાં એટલું ચોક્કસ કહી શકાય કે, સિંહ જંગલનો રાજા છે, એની આપણને ખબર છે... એને પોતાને તો આવી કોઈ ખબર પણ નથી... આપણે છોકરાઓને પટાવવા એવી અમથી વાર્તા ઠોકાઠોક કરીએ છે, ‘જંગલના રાજ્જા સિંહભ’ઈ...’

પણ કહે છે ને કે, સિંહો તો ઉઘાડપગા જ સારા. હું એકે ય ઍન્ગલથી સિંહ જેવો નથી લાગતો, માટે મને વગર જુતે ફરવું ન ગમે, અને એટલે જ શહેરના સજ્જનોને શોભે એવા જુતાં પહેરવાનો હું હંમેશા આગ્રહ રાખું છું. મને જૂતાં ખાવા કરતા પહેરવા વઘુ ગમે... આ તો એક વાત થાય છે! આપણો એક વર્લ્ડ-રૅકોર્ડ છે કે, આજ સુધી હું એક પણ વખત બૂટ-ચપ્પલ પહેર્યા વિના ઘરની બહાર નીકળ્યો નથી. તમે કહેશો, એ તો અમે ય નથી નીકળતા...! પણ મેં તમારૂં પૂછ્‌યું? ...કાંઈ પૂછ્‌યું...? તો પછી શું કામ સમાજને લેવા-દેવા વગરની માહિતી આપો છો?

પણ ગયા સપ્તાહે સાવર-કુંડલાએ મને સિંહ બનાવી દીધો. ત્યાંના ભૂપૂ શિક્ષકો (એટલે કે, ભૂતપૂર્વ શિક્ષકો)ને સન્માનવાનો એક અપ્રતિમ સમારંભ હવે મુંબઇ રહેતા એમના એક ભૂપૂ વિદ્યાર્થીએ યોજ્યો હતો. એક વર્તમાન હાસ્યલેખક ભૂતપૂર્વ શિક્ષક પણ છે, તે એમના પ્રતિષ્ઠાન દ્વારા સાવર-કુંડલાના નિવૃત્ત સન્માન્નીય શિક્ષકો અને ગુજરાતના ગૌરવસમા એક ગઝલકારનું બહુમાન યોજાયું હતું, એમાં અમને બોલાવ્યા હતા.

કવિ કે શાયર તો હું જાતમેહનતથી થયો નથી, પણ શિક્ષણક્ષેત્રે નાપાસો થયે રાખવા સિવાય મારૂં નામ કોઈ રીતે ઉજળું નથી, છતાં મને કઈ સિઘ્ધિ ઉપર ત્યાં બોલાવવામાં આવ્યો હતો, તે મુદ્દે આખું સાવર-કુંડલા આઘાતોમાંથી બહાર આવ્યું નથી. હું તો પહેલી જ વાર ત્યાં ગયો હતો અને મને ત્યાં કોઈ ઓળખતું પણ નથી છતાં, યુઘ્ધ હાર્યા પછી નરવસ થઈને ફૂટપાથ પર ચા ની લારીએ બખ્તર પહેરીને બેઠેલા કોઈ શૂરવીર યોઘ્ધાને જોતા હોય, એવા આઘાત સાથે મને પૂછ્‌યું, ‘‘ઓહ... તમે? તમે અહીં ક્યાંથી?’’

શિક્ષણ અને સાહિત્ય સાથે મારે ઘર જેવા તો ઠીક, ગૅરેજ જેવા સંબંધો ય રહ્યા નથી. વળી, ત્યાં મારૂં કોઈ પ્રવચન પણ રાખવામાં આવ્યું નહોતું. (શક્ય છે, અગાઉ એક વખત એમાંનું કોઈ મને સાંભળી ચૂક્યું હોય, એટલે રિસ્ક ન લે!) હું સારો વક્તા નથી, એ તો ઘણા જાણે છે, પણ હું બહુ ફાલતુ વક્તા છું, એ તો એકલો હું જ જાણું છું. ‘પરીક્ષામાં કાપલી રાખવાની કળા’ વિશે ત્યાં મારૂં પ્રવચન રાખ્યું હોત તો ય હું સાદ્યંત નિષ્ફળ ગયો હોત, કારણ કે એમાં ય પકડાઈ જતો હતો. નવી પેઢીને હું કાપલી વિશે શું નવું શીખવી શકવાનો હતો?

પણ, ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે, આવા પવિત્ર સમારંભની સમાંતર-સમાંતર મેહમાનોના ‘બુટ-ચપ્પલ ચોરી દિન’ પણ યોજાયો હતો. પ્રથમ દ્રષ્ટિએ તો એવું લાગે કે, શિક્ષણ-સમારંભનો ખર્ચો, સમારંભ પછી આ બૂટ-ચપ્પલ વેચીને રોકડો કરી લઇને કાઢવાનો હશે. અમેરિકામાં તો કોઈ ગુજરી ગયેલી હીરોઈનના કપડાં, જૂતાં, હૅર-પિન કે ટુથબ્રશ જેવી ચીજો નિલામીમાં મૂકાય અને કરોડો રૂપિયામાં વેચાય પણ ખરી. પણ એ બધી ચીજો વર્ષો પહેલાં એ લોકોએ પહેરી ફાડેલી હોય... અહીં સાવર-કુંડલામાં તો કવિ-લેખકોએ હજી હમણાં સુધી પહેરી રાખેલા (અને સંભવતઃ અન્ય કોક સમારંભમાંથી ખાધેલા) જૂતાં મામૂલી કિંમતે મળી જાય એવું હતું. ‘‘વેચાય છે... વેચાય છે... ગુજરાતના મૂર્ધન્ય કવિ શ્રી બચુ ‘બદનામ’ના ફક્ત સાત જ વર્ષ પહેરેલા ચંપલ વેચાય છે... દોડો, દોડો... દોડો!’’ ‘ચંપલ-દિન’ના આયોજકો જાણાતા બી હોય કે, સ્વયં કવિને વેચવા માટે ઊભો રાખો તો આટલી કિંમત ન આવે. મોંઘી કે ફાલતુ કિંમતે એને ઘેર લઇ આવ્યા પછી કામનો શું? ડોહા માંદા પડ્યા હોય તો ડૉક્ટરને બોલાવી લાવવાને બદલે, બારી ખોલીને ગગનમાં જોઇને ગઝલ બોલે, ‘‘અવનિની અગમ્ય ગગન મણીકા, વ્યોમના પાર્થિવ નિરભ્ર નયનો...’’ આમાં માંડ માંડ ટકી ગયેલો ડોહો, આ કણિકા સાંભળીને છેલ્લું ડચકું ખાધા વગર ઉપડી જાય. સદીઓથી ઘરના ખાટલે પડેલા અને ઉપડવાનું નામ ન લેતા અનેક ડોહાઓ છેલ્લું ખંખોળીયું ખાઇ લે, એ માટે કેટલાક વારસદારો હવે તો કવિઓને ભાડે પણ લઈ આવે છે...! જરા એક આંટો ઘરે મારી જાઓ ને... બાપુજી છેલ્લા ત્રણ વરસથી જઉં-જઉં કરે છે, પણ દેહ છુટતો નથી. આપની તો એક ગઝલનો ડૉઝ પણ કાફી હોય છે... બાપૂજી જશે, તો અમે આપને કાશ્મિરી-શૉલ પણ ઓઢાડીશું.’’

તો કેટલાક જીંદગીથી મજબુર થયેલા અશક્ત ડોહાઓ તો નાનકડા અને માસુમ હાઇકૂમાં ય પતી જાય... જેવો કવિ એ તો!

પણ પ્રસ્તુત પ્રતિષ્ઠાનના આયોજકોને તો દેશભરમાં પૂજવા પડે, એવું ઉત્તમ કામ સાવર-કુંડલામાં થઈ રહ્યું હતું. અંગત રીતે, આ લખનાર માટે દેશમાં સર્વત્ર પૂજવા જોઈએ, એવા તો ફક્ત શિક્ષકો જ છે. માં-બાપને બાદ કરતા આ શિક્ષકોએ જ આપણું સંસ્કાર-સિંચન કર્યું છે. હું મજાક કરવામાં ફક્ત શિક્ષકોને જ બાકાત રાખું છું. વધારે આદર તો સાવર-કુંડલા જેવા સાવ નનેકડા ગામ માટે પણ થયો કે, વાત શિક્ષણને સન્માનવાની હતી, એટલે આખું ગામ પોતાના ઘરે દીકરીના લગ્ન લીધા હોય, એવા ઉમળકાથી ઉપસ્થિત રહ્યું હતું. કેવા ભાવુક હતા એ લોકો...! જે મળે, તે (ઇવન અમને પણ) પોતાના ઘરે આગ્રહો કરી કરીને જમવા લઇ જવા બેતાબ હતા! અમારા ચપ્પલ ચોરાણા, એ જાણીને અનેક નગરવાસીઓ નીચા વળીને પોતાના ચપ્પલ કાઢવા માંડ્યા... આદત અને અનુભવ મુજબ, આપણને તો પહેલો ફડકો એ જ હોય ને કે, આપણને ફટકારવા માટે ચપ્પલ કાઢે છે. પણ એ તો પૂરા સૌજન્યથી કહેતા હતા, ‘‘સર, આપ અમારા ચપ્પલ પહેરી લો.. પ્લીઝ.’’ શિક્ષકોને સન્માનવાના વિષયે કુંડલા એટલું વિરાટ સાબિત થયું કે, એના તો ગ્રામવાસીના પગરખામાં પગ મૂકવાની અમારી હિંમત ન હતી.

પણ અહીં તો ખુદ આયોજકોમાંથી ય અનેકના ચંપલ-બૂટ ચોરાયા હતા, દ્રષ્યો તો એવા દેખાણા કે, સમારંભ પૂરો થયા પછી જે કોઇને જૂઓ તે વગર ચંપલે લંગડાતો ચાલતો દેખાય, ‘‘ધીરે રે ચલો મોરી બાંકી હિરનીયા’’ એવું લંગડાતા કવિની પાછળ તો કોઇ ન કહે, પણ અહીં એકલા કવિ-લેખકો જ શિકાર નહોતા... માણસોના બૂટ-ચંપલ પણ ગયા હતા!

આ વખતે તો સાલા પૈસા ખર્ચીને ચપ્પલ લીધા હતા, એટલે ગૂમ થાય તો જીવો તો બળે કે નહિ? (જવાબઃ જરૂર બળે... લઇ ગયા પછી આવા ચપ્પલ જોઇને, લઇ જનારનો વઘુ બળે... જવાબ પૂરો) મારાથી વળી એક માજી માટે જીવ બળાઈ ગયો ને મેં બાજુવાળાના ચંપલ કઢાવીને માજીને આપતા સાહિત્યિક જબાનમાં કીઘું, ‘‘બા... લો. આ ચંપલ આપ પહેરો... આપ લંગડાઓ છો, એ જોઈને મને દુઃખ થાય છે...!’’

‘‘મારા દીકરા... હું લંગડાતી નથી... આ તો પગમાં વરસો જુનો મુવો વા મટતો નથી, એટલે આમ હાલું છું.’’ મારૂં જીવનકવન જાણનારાઓ સહમત થશે કે, જ્યારે જ્યારે હું કોઇ સેવા-સહકારના કામ કરવા ગયો છું, ત્યાં ઇશ્વરો અને માજીઓએ જ મને સાથ આપ્યો નથી.

અમદાવાદ પહોંચ્યાના બે દિવસ પછી કૂંડલેથી ફોન આવ્યો કે, ‘‘લગભગ સો-એક જેટલા બૂટ-ચંપલો પાછા મળ્યા છે... આપ આવીને (આપના) જૂતાં લઇ જશો.’’

તારી ભલી થાય, ચમના! સાવર-કૂંડલા ૨૮૫ કી.મી... આવવા-જવાનું પેટ્રોલ ૪-૫ હજારનું... નવા લઇને બે દિવસ પહેરેલા બૂટ હવે પેલો પાછા લે નહિ. જૂનાં આમે ય નાખીં દેવાના હતા... આ તો ‘અમારા ચંપલ ચોરાયા...’ એવું બધાને કહેવાની લઝ્‌ઝત એટલી પડે કે, સમાજને ભરોસો પડે કે, ચોરાઈ શકે એવા ચંપલો હવે અશોક દવે પહેરવા માંડ્યા છે, તો સમાજમાં આપણો જરા ’પો પડે....!

ચંપલ ગૂમાવનારાઓમાં સહુથી વઘુ દુઃખી અમારા કવિ-લેખકો એટલા માટે હતા કે, સાલી બૂટ-ચંપલની એક નવી જોડી ખરીદી શકીએ, એટલો ય પુરસ્કાર કવિતા-ગઝલ કે લેખો લખવાનો મળતો નથી... સમાજમાં કમનસીબે, શર્ટ વગર ફરાય, પણ લેંઘા અને ચંપલ વગર તો ના જ ફરાય ને? સુઉં કિયો છો?

આશ્વાસન એ જ હતું કે, લેંઘાને બદલે ચંપલ ચોરાયા, એમાં ઓછા દુઃખી થવાય...!

સિક્સર
– જાવેદ અખ્તરે ‘કોલાવેરી’ ગીતની આકરી ટીકા કરી છે કે, ગીતમાં, એના સંગીતમાં, કે એના શબ્દોમાં કોઇ ઢંગઢડા નથી.
– કેમ જાણે જાવેદ પોતે કવિવર ટાગોરના લૅવલનો કવિ હોય... એણે લખેલું ‘એક, દો, તીન, ચાર, પાંચ, છે, સાત, આઠ, નૌ, દસ, ગ્યારહ, બારહ, તેરા...’ અને એવા બીજા કયા ધડાવાળા ગીતો લખ્યા છે  ??

No comments: