Search This Blog

29/01/2012

ઍનકાઉન્ટર 29-01-2012

૧. હું એક આરામપ્રિય ગૃહિણી છું. પતિ નોકરી કરીને ઘેર આવે, ત્યારે એમની પાસેકેટલું કામ કરાવવું જોઈએ ?
- પૂજ્ય મમ્મીનું લગ્નજીવન યાદ કરી જુઓ... એમના જ નકશે-કદમ પર ચાલવાનું છે !
(મીના નાણાવટી, રાજકોટ)

૨. આપના ઍનકાઉન્ટરના પુસ્તકો ઉપર છપાયેલા ફોટા આપના જ છે ?
- સારો દેખાતો હોઉં તો મારા ફોટા સમજવાના... ને અશોક દવે જેવા દેખાતા હોય, તો અમારી બાજુવાળાના સમજવાના !
(ભાવેશ માઘાણી, રાજકોટ)

૩. સોનિયા ગાંધીની જગ્યાએ હવે પછી કૉંગ્રેસ-પ્રમુખ કોણ આવશે ?
- ..હશે તો કોક બુદ્ધિશાળી !
(યોગેશ કૃ. દલાલ, વડોદરા)

૪. આંખ આડા કાન એટલે શું ?
- ચિદામ્બરમ.
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા)

૫. લગ્નના ફેરામાં વરરાજાને પહેલા રાખવાનું કારણ શું ?
- લગ્ન પછી બઘું એની પીઠ પાછળ જ થવાનું છે, એ બતાવવા.
(અમી જે. પારેખ, મોરબી)

૬. કોઈ માં-બાપ પોતાનો દિકરો રાજકારણી બને, એવું કેમ ઈચ્છતા નથી ?
- સંસ્કારી હોય છે માટે.
(ભરત ડી. સાંખલા, ડીસા)

૭. શ્રીકૃષ્ણ ગોપીઓને લઈને રમવા જતા, તેને રાસલીલા કહેવાય...તમે જાઓ તો ?
- ત્રાસલીલા.
(મુનિરા બારીયાવાલા, ગોધરા)

૮. મેં તમને ભૂતો વિશે અનેક સવાલો પૂછયા, છતાં તમે એકે ય નો જવાબ નથી આપ્યો.. ડર ?
- પહેલા એ તો ખબરપડવી જોઈએ ને કે, પૂછનાર.. ?
(ફાતેમા મુર્તુઝાભાઈ નોબલ, ખંભાત)

૯. કેટલાક જવાબો તો તમારે અનિચ્છાએ પણ આપવા પડતા હશે ને ?
- જવાબ મળી ગયો ?
(નીલમ પ્રતિક વ્યાસ, સુરેન્દ્રનગર)

૧૦. મારી સાથે દગો થયો છે. હું મારી પ્રેમિકાને બદનામ કરી બદલો લેવા માગું છું, મતલબ કે, એની સાથે લગ્ન કરી લેવા માંગું છું.
- જીવનમાં જેને પ્રેમ કર્યો હોય, એની સાથે બદલો લેવાનો વિચાર પણ કેમ આવે ? ગુસ્સો થઇ શકે, નફરત નહિ.
(પરમેશ્વર માંકડ, સુરત)

૧૧. લૈલા-મજનૂ, શીરી-ફરહાદ, શેણી-વિજાણંદ જેવા પ્રેમીઓએ સાચો પ્રેમ કેવી રીતે કર્યો હશે ?
- ઉધાર લઇ લઇને.
(રમાગૌરી એમ. ભટ્ટ, ધોળકા)

૧૨. હકીનામ સાચું છે કે તમે પાડયું છે ?
- અશોક બાબતે તમને કોઇ શંકા થતી નથી ?
(રીટા/ફાલ્ગુની/ઓમ, જૂનાગઢ)

૧૩. આપને એક મિનીટ માટે સંજય-દ્રષ્ટિમળે, તો શું જોવાની ઇચ્છા રાખો ?
- મારી ગાડીની ચાવી... જે સવારથી મળતી નથી.
(શ્રીમતી બિંદુ દોશી, બરોડા)

૧૪. કાગડાને બહુ સ્માર્ટ ગણવામાં આવે છે, તો પછી કોયલ શેની એના માળામાં ઇંડા મૂકી જાય ?
- કાગડાના મૂડી રોકાણો ચારે બાજુ હોય.. સંબંધો સાચવવા પડે, ઈ !
(હેમંત એસ. બારૈયા, કાવઠ)

૧૫. આટઆટલા મંદિરો-દેરાસરો બનાવાયા છે, પણ જાહેર ટોઇલેટસ કેમ કોઇ બનાવતું નથી ?
- એ નહિ બનાવનારાઓ એમ માનતા હોય છે કે, ભગવાનોને તો કદી ત્યાં જવું જ પડતું ના હોય ને !
(વિસનજી એન. ઠક્કર, મુંબઈ)

૧૬. શકૂનિ જેવો ચાલબાજ શરદ પવાર વડાપ્રધાન તો નહિ બની બેસે ને ?
- હજી રાહુલ બાપા પરણે, એમને ઘેર ઘોડીયા બંધાય ને એમના છોકરાં-છૈયા થાય ત્યાં સુધી તો કોંગ્રેસમાં બીજો કોઇ વડો પ્રધાન બને, એવી શકયતા નથી.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

૧૭. આપણા ક્રિકેટરોના ઑસ્ટ્રેલિયામાં ધબડકા વિશે શું કહેવું છે ?
- આપણા ક્રિકેટરો એટલા નબળા નથી, જેટલા પુરવાર થયા છે. પણ તોય, ત્યાં જે રમાયું, તે ફકત ક્રિકેટ નહોતું.. ક્રિકેટ સિવાય ઘણું બઘું હતું, જે કદી બહાર નહિ આવે !
(તરલ પરિમલ મહેતા, ભાવનગર)

૧૮. કોંગ્રેસ હોય કે ભાજપ.. ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર ને બસ, ભ્રષ્ટાચાર. કોઇની બા ખીજાતી નહિ હોય ?
- એમની તો બાઓ ય લાંચમાં આવી હોય !
(મેઘાવી હેમંત મેહતા, સુરત)

૧૯. કાન ખોલીને સાંભળી લેવાનીસૂચના કયા સંદર્ભમાં અપાય છે ?
- સાંભળવા માટે કાન જ ખોલવા પડે.. બીજું કાંઇ પૉસિબલ નથી માટે !
(મઘુકર પી. માંકડ, જામનગર)

૨૦. સંબંધોમાં કૃતિમતા કેમ આવતી હશે ?
- સંબંધ ટકી રહે માટે.
(પંકજ એન. દફતરી, રાજકોટ)

૨૧. ૨૯ ફેબ્રુઆરીએ ચાર વર્ષ પછી આપનો બર્થ-ડે આવી રહ્યો છે. મતલબ તમારી ૧૫-મી વર્ષગાંઠે ષષ્ઠીપૂર્તિ ?
- ૧૫-વર્ષના બાબાની તો ષષ્ઠીપૂર્તિ ના હોય ને ? હું ૬૦-નો થઇશ, પછી જોઇશું.

૨૨. ભારતને આઝાદી આપતા પહેલા ચર્ચિલે કહેલું કે ભારતના નેતાઓ દેશને સાચવી નહિ શકે. તમે સુઉં કિયો છો ?
- દેશ કાંઇ એકલા નેતાઓથી નથી બનેલો.. આપણએ બધા ય છીએ. જેવો છે, તેવો આપણો ભારત દેશ બીજા કોઇપણ દેશ કરતા વઘુ મહાન છે.
(દિવાક વહિયા, અમદાવાદ)

૨૩. બાબા રામદેવ પર સ્યાહિ ફેંકાઈ... તમારો પ્રતિભાવ શું છે ?
- એ દિવસો દૂર નથી કે પ્રજા સાથે છેતરપિંડી કરનારાઓ ઉપર ગોળીઓ પણ છોડાય !
(મિતા અલ્પેશ મેહતા, સુરત)

૨૪. બચ્ચને બિગ-બીકહેવાય છે, તો અશોક દવેને બિગ-એકેમ કહેવાતું નથી ?
- હજી તો સ્મોલ-એથી ય શરૂઆત થઇ નથી.. લોકોના મોંઢાના કાંઇ તાળા ખોલાય છે, ભાઈ ?
(રવીન્દ્ર નાણઆવટી, રાજકોટ)

૨૫. વિશ્વમાં શાંતિ કયારે સ્થપાશે અને કેવી રીતે ?
- ૩૦મી  ફેબ્રુઆરીએ.
(હિરલ એચ. દોશી, વઢવાણ)

૨૬. બુદ્ધિશાળી અને બેવકૂફ રાજકારણી વચ્ચે શું તફાવત ?
- બેવકૂફો રાજકારણી ન હોય !
(ગૌરી એ. વાળંદ, મુંબઇ)


No comments: