Search This Blog

01/01/2012

ઍનકાઉન્ટર : 01-01-2012

* કાયમ તમારા બા જ ખીજાય છે... બાપૂજી, પત્ની કે બહેન નહિ ?
- એકલી પત્ની ખીજાણી હોય ત્યારે બાપૂજી, બેન, વહુ ને અમે બધા ઠંડા થઇ જઇએ છીએ. એને તો ખુશ જ રાખવાની.
(શ્રીમતી ફિઝ્‌ઝા એમ. આરસીવાલા, મુંબઇ)

* સ્ત્રીના આંસુ સાચા કે બનાવટી, તે કેમ નક્કી થઇ શકે ?
- તમને ગજ્જબની નોકરી મળી કહેવાય... !
(વિનોદ આર. ભટ્ટ, બાબર-અમરેલી)

* સાસરે એકલા જવામાં અને પત્ની સાથે જવામાં આગતા-સ્વાગતામાં કેટલો ફરક પડે ?
- વાળંદ અસ્ત્રો લીધા વગર આયો હોય, એટલો !
(મિત અનિલ શાહ, પૂના-મહારાષ્ટ્ર)

* મેહમાન માટે રસોઇ બનાવવામાં વહુ અને પત્ની વચ્ચેના વિવાદમાં ધર્મસંકટ આવે, ત્યારે શું કરો છો ?
- રસોઇ હું બનાવી નાંખુ છું.... આપણને ખોટું અભિમાન નહિ !
(શાહ ગોવિંદલાલ બલદેવદાસ, પૂના-મહારાષ્ટ્ર)

* આટઆટલી ફિલ્મોમાં, ‘કૂત્તે.... મૈં તેરા ખૂન પી જાઉંગા...’ની ધમકી આપનાર ધર્મેન્દ્રને એકે ય ફિલ્મમાં લોહી પીતો તો બતાવાયો નથી..!
- ધરમનું બ્લડ-ગ્રૂપ એકે ય કૂતરા સાથે મળતું આવતું નથી, માટે.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* દવાખાનામાં ક્યારેક લૅડી ડૉકટર અને નર્સ સરખા જ લાગતા હોય, ત્યારે શું કરવું ?
- ઓહો.. ઓહો.. ઓહો.. ? આજકાલ લૅડી ડૉક્ટરો નર્સો જેટલી સુંદર લાગવા માંડી છે ? ઓહો.. ઓહો.. ઓહો.. !
(મઘુકર પી. માંકડ, જામનગર)

* ગુજરાતી કવિતાઓ સમજાય એવી કેમ લખાતી નથી ?
- લખાતી તો હશે... સમજાતી કેમ નથી, એમ પૂછો !
(મંજુલા સદાભાઈ પરમાર, ગાંધીનગર)

* ઇંગ્લિશની સરખામણીમાં આજકાલ ગુજરાતી ભાષા કેમ ભૂલાતી જાય છે ?
- તમે એક વખત અમારા મહાન સાહિત્યકારોની ભાષા વાંચો, સાંભળો, મૂર્છાવસ્થા પામો... એટલે જવાબ મળી જશે.
(હર્ષલ બી. અંજારીયા, રાજકોટ)

* સ્ત્રી હંમેશા કોયડો જ રહી છે. આપનું શું માનવું છે ?
- બેવકૂફો આવા કોયડા ઉકેલવામાં ટાઇમ બગાડે છો..... આપનું શું માનવું છે ?
(ભરત ડી. સાંખલા, ડીસા)

* અંતે તો સત્યનો જ જય થાય છે. શરૂઆતમાં કેમ નહિ ?
- હું તો, જૂઠ્ઠાઓનો શરૂઆત કે અંત-બધે વિજય થતો જોઉં છું.
(સુરેશ વ્યાસ, રાજકોટ)

* ભણતર જીંદગીનું ઘડતર છે, તો અભણને શું સમજવું ?
- કારેલા ને કંકોડા ... !
(અજય એસ. બારૈયા, કોટડા સાંગાણી)

* ભવિષ્યમાં પાકિસ્તાનનું મર્જર ભારતમાં થઇ જશે, એ સંભાવના ખરી ?
- એથી ઊલટું થઇ રહ્યું છે... જે દેશમાં બંગલે-બંગલે, ફ્‌લૅટે-ફ્‌લૅટે જુદા જુદા ધર્મો પળાતા હોય, ત્યાં એક ધર્મ પાળનારા જ રાજ કરે.
(અશોક જમોડ, જૂનાગઢ)

* શ્રીમતી મેનકા ગાંધીએ તો હંમેશા મૂંગા પશુઓ પ્રત્યે પ્રેમ રાખ્યો છે, પણ એમના દેરાણી સોનિયાજી મેનકાજી પ્રત્યે કેમ પ્રેમ રાખતા નથી ?
- મૂંગા પશુઓ પ્રત્યે પ્રેમ મેનકાજી ને છે.... સોનિયાજીને હોય, તે જરૂરી નથી !
(શુભમ/પ્રિયંકા બારોટ, ભાવનગર)

* અશોક દવે, દેશના રાજકારણીઓ ઉપર તમે ‘ઘાલમેલ’ નામની એક ફિલ્મ બનાવો. તો તમને ઍવોર્ડ મળે ?
- મળે. પણ એ પહેલા મારે ઘણી બધી ઘાલમેલ કરવી પડે !
(રમાગૌરી એમ ભટ્ટ, ધોળકા)

* ‘રામાયણ’ વાંચીને આપને શું પ્રેરણા મળી ?
- વાઇફ આપણને સોનેરી હરણની પાછળ કે રૂપેરી ઘૂળજીની પાછળ દોડાવે તો આપણે નહિ દોડવાનું.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* દર બુધવારે બૂમો પાડો છો કે, ‘કોઇ પંખો ચાલુ કરો’... તો હજી કોઇએ પંખો ચાલુ કર્યો કે નહિ ?
- શિયાળો છે. પંખો બંધ હોય છે ને હું હીટર ચાલુ કરી દઉં છું.
(ઝરણા ગજેન્દ્ર પટેલ, અમદાવાદ)

* અડવાણી પ્રાઈમ મિનિસ્ટર તરીકે કેટલા ચાલે ?
- આનો જવાબ લાહૌર-કરાચીથી મેળવવો પડે !
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

* દૂધ-ઘી ચોખ્ખા મળે, એ માટે સરકારને કોઇ રસ ખરો ?
- એવો તો ચોખ્ખો રસ પણ મળે એવો નથી.
(દેવિકા એમ. ઉપાઘ્યાય, હિંમતનગર)

* ભારતની ક્રિકેટ ટીમ જીતે, તો નિર્વસ્ત્ર થવાની ઑફર પૂનમ પાંડે નામની મૉડેલે કરી હતી.... પણ હારે તો શું કરત ?
- કપડાં પહેરી લેત !
(વિનોદ પટેલ, નવસારી)

* પવારને થપ્પડ... સુઉં કિયો છો ?
- પહેલી વાર આપણા દેશમાં શસ્ત્ર-બંધી નડી !
(લલિત ઓઝા, જૂનાગઢ)

* સાહિત્યકારો ઊગતા સૂર્યના વખાણ કરે છે, પણ આથમતા સૂરજના કેમ નહિ ?
- એ વખતે એ લોકો ‘પીધેલા’ હોય ! ...ને પોતે આથમી ગયા હોય !!
(જીનલ/ભવ્યા/ધવલ, અમદાવાદ)

* તમારા પ્રિય બચ્ચન બાબુની પૌત્રીના નામકરણમાં તમે કેમ રસ લેતા નથી ?
- જેણે કર્યું હોય, એ ભોગવે !
(તપસ્યા વી. ધોળકીયા, અમદાવાદ)

* લોકો વાતવાતમાં ‘શું જમાનો આવ્યો છે !’ એવું કેમ કહે છે ?
- એ તો વાતવાતમાં એવું બોલાઇ જાય !
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* સ્વયં પરમેશ્વર વિમાન લઇને તમને તેડવા આવે તો તમારી તૈયારી ખરી ?
- વિમાનનું મીટર ઝીરો કર્યા પછી વાંધો નહિ !
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* શરદ પવારને ફક્ત એક જ લાફો માર્યો... ધોકો કેમ નહિ માર્યો હોય ?
- ધોકો પાછો ઘરમાં વાપરવાનો હોય... અભડાયેલી ચીજો ઘરમાં ફરીથી ન વપરાય !
(હર્ષદ ઝવેરી, ચલાલા-અમરેલી)

* તુમ અપના રંજોગમ, અપની પરેશાની મુઝે દે દો..’ આવી લાગણી આપને કોઇ દર્શાવી છે ?
- દર મહિને મારો ઍકાઉન્ટન્ટ આવી લાગણી દર્શાવે છે.
(જગદિશ રસિકલાલ શાહ, રાજકોટ)

No comments: