Search This Blog

13/01/2012

‘દિલ ને ફિર યાદ કિયા’ (’૬૬)

ફિલ્મ : ‘દિલ ને ફિર યાદ કિયા’ (’૬૬)
નિર્માતા : રાવલ બ્રધર્સ
દિગ્દર્શક : સી. એલ. રાવલ
ગીતો : જી. એલ. રાવલ
સંગીત : સોનિક-ઓમી
થીયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : ધર્મેન્દ્ર, નૂતન, રહેમાન, જીવન, આઇ.એસ. જોહર, સુંદર અને રણધીર 

ગીતો 
૧. કલીયોં ને ધૂંઘટ ખોલે, હર ફૂલ પે ભંવરા બોલે –મુહમ્મદ રફી
૨. લો ચેહરા સુર્ખ શરાબ હુઆ, આંખોને સાગર –મુહમ્મદ રફી
૩. દિલને ફિર યાદ કિયા, બર્ક સી લહરાઈ હૈ રફી- સુમન- મુકેશ
૪. આજા રે, પ્યાર પુકારે, નૈના તો રો- રો હારે –લતા મંગેશકર
૫. હમને જલવા દિખાયા તો જલ જાઓગે મન્ના ડે- આશા ભોંસલે
૬. યે દિલ હૈ મુહબ્બત મુહબ્બત કા પ્યાસા, ઇસ દિલ કા તડપના –મુકેશ
૭. મૈ સુરજ હું તું મેરી કિરન, સંગ તેરા રહે આશા- રફી
૮. હમે તો ખુશી હૈ, તુમ્હે દિલ દિયા, મુહબ્બત કા અબ–આશા ભોંસલે
૯. દેખે રે લોગો કિતની જાલીમ 

 એ કેવો હોપલેસ જમાનો આવી ગયો હતો કે, છેલ્લા ૨૦ વર્ષથી ચાલ્યું આવતું, મસ્તમજાનું ફિલ્મી સંગીત ’૬૬ની સાલ પછી મરવા પડ્યું હતું અને કોઈ એનો લેનાર નહિ ! શંકર- જયકિશન, નૌશાદ, ઓ. પી. નૈયર, મદન મોહન, ઇવન રવિ કે સચિનદેવ બર્મન- બધા અચાનક ખલાસ થવા માંડ્યા હતા. બધા વચમાં વચમાં એકાદનું હિટ ગીત આપી દે, લેકીન... કીસિ મેં અબ વો બાત નહિ રહી થી, જો પહેલે થી !.. ક્યા ખયાલ હૈ ? કલ્યાણજી- આણંદજી પાસેથી તો અમથી ય કોઈ આશા રાખતું નહોતું, પણ લક્ષ્મીકાંત- પ્યારેલાલ પાછલા બારણેથી ઘણી મઘુરી- મઘુરી ધૂસ મારી રહ્યા હતા, એમના ‘પારસમણિ’ કે ‘દોસ્તી’ના દિલડોલ સંગીત પછી ! 

પણ ઓવરઓલ... સહુના મનમાં ઠસી ગયું હતું કે, હવે સંગીતનો એ જમાનો ગયો ! હવે પહેલા જેવા ગીતો નહિ બને. મોટાઓ પાસેથી આશા રખાય એમ નહોતું ને નવા આવનારાઓ ખાસ હતા પણ નહીં અને એ આવ્યા, તેમાં કોઈ દમ નહતો. 

... અને તો ય, સંગીતકારોમાં એક નવી નક્કોર જોડી સોનિક-ઓમીની એવી ઝન્નાટ આવી કે, આ જૂના સંગીતકારોમાં ય સોપો અને આપણા જેવા ચાહકોને જલસો પડી ગયો કે, ‘ચાલો... નાવ આખું ડૂબ્યું નથી. કોક તો પતવાર સંભાળનાર આવી ગયું છે !’ રેખા- નવીન નિશ્ચલની સૌથી પહેલી ફિલ્મ ‘સાવન-ભાદો’ના પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવા ગીતો સફળ બનવા માંડ્યા ને જે કાંઈ ખૂટતું હતું તે આઉટરાઇટ સંગીતપ્રધાન ફિલ્મની ખોટ. આ નવા સંગીતકારોએ ફિલ્મ ‘દિલ ને ફિર યાદ કિયા’ના ખૂબ્બ ગમે એવા ગીતોથી પૂરી દીધી. રફી સાહેબ પાસે ચારેય બાજુથી કમાલો આ બન્નેએ કરાવી ને કમ- સે-કમ એક ટ્રીપલેટ ગીત તો એવું બનાવી નાંખ્યં કે, આજે ૪૫ વર્ષો પછી ય ફિલ્મ- સંગીતના કોઈ પણ કાર્યક્રમમાં એ ગવાય છે, ‘દિલ ને ફિર યાદ કીયા, બર્ક સી લહેરાઈ હૈ’ (અમે સ્કૂલમાં એટલે ‘બર્ક’ને બદલે ‘બર્ફ...’ ‘બરફ’ સમજતા હતા... આ તો મોટા થયા પછી બાજુવાળાના મકાન ઉપર વીજળી ખાબકી ત્યારે ખબર પડી કે હૃદયમાં કોઈની યાદ ‘બર્ક’ એટલે વીજળીની માફક ખાબકી લાગે છે. અમને અર્થની ખબર પડી ગઈ, પણ હૃદયમાં વીજળા- ફીજળા ફરી વળે એવી કોઈ યાદો અમારા પૂરતી તો શરુ જ નહોતી થઈ... સામે કોઈ પાત્ર તો ઉપસ્થિત હોવું જોઈએ ને ? જેની પાસે પ્રેમોમાં હાથ લંબાવીએ, એ આપણને છોકરૂં સમજીને કાઢી મૂકે, ‘‘જા ટેણિયા ઘેર જા... નહિ તો બા ખીજાશે !’’ 

આવા ને આવા જાકારાઓને લીધે અમે કોઈ કલીએ ધૂંઘટ ખોલ્યો હોય તો પણ ભમરાની માફક એ ફૂલ ઉપર ઉડાઉડ કરી શકતા નહોતા...ને કરવા જઈએ ત્યાં આપણાથી વહેલો બીજો કોઈ પહોંચેલો હોય... ધીંગાણાનું કાંય ધાયરૂં થાય છે ? 

પણ થઉં થઉં કરતા પ્રેમમાં આ કોઈ ત્રીજાનું પહોંચવું અમને રાજ કપૂરની ફિલ્મ ‘સંગમ’માં ય પરવડતું નહોતું કોઈ ત્રીજો પથરો નાંખવા આવે, એ બર્દાશ્તગીની હદોની બહાર હતું... (એ વાત જુદી છે કે, ત્રીજો તો બહુ પછીની મોંકાણ છે... અમારી પાસે તો ત્રિકોણ પૂરો કરવા માટે આવશ્યક એવું બીજું એટલે કે ‘બીજી’ય નહોતી) પણ મળે ત્યારે બબ્બે કલાકની રાહો જોયા પછી પેલીને મકાનને ધાબે (અગાસી ઉપર) બોલાવીએ ને હજી તો માંડ સેટ થયા હોઈએ, ત્યાં કપડા સૂકવવા આવેલો ઘૂળજી ય અમને ખલનાયક પ્રાણ જેવો લાગતો. એ જાય તો સારું, એવું માનવું ય અઘરું પડતું કારણ કે, એક એક લેંઘો સૂકવતા બોચીયો દસ- દસ મિનિટ લગાડતો ત્યાં ધર્મેન્દ્ર- નૂતનની વચ્ચે આ રહેમાન ધૂસી જાય, એ શું પોસાય ? (જવાબ : સહેજ બી ન પોસાય. : જવાબ પૂરો) આમ આપણે બળતણીયા નહિ, પણ પ્રેમ અથવા પ્રેમીના મામલે આપણા કમ્પાઉન્ડમાં કોઈ બીજો પાર્કિંગ કરી જાય, એ તો ના પોસાય ને ? સુંઉ કિયો છો ? 

પણ જહે નસીબ ! સોનિક-ઓમી પણ ‘જસ્ટ વન ફિલ્મ વન્ડર’ જ નીકળ્યા. એ પછી તો બન્નેએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું... એકેયમાં ન ચાલ્યું. ફિલ્મી સંગીતનું પતન કોરા કાગળ પર લખાઈ ચૂક્યું હતું અને ’૬૯માં ફિલ્મ ‘આરાધના’થી બર્મન દાદાએ કિશોરકુમારને નવો જન્મ આપીને સંગીતની રૂખ બદલી નાખી, એ પછી કેટલીક ફિલ્મોના કેટલાક ગીતો કેટલાક વર્ષો સુધી ચાલ્યા... પણ ’૪૬થી ’૬૬ સુધીના બે દાયકાઓવાલી બાત તો કહીં ભી નહીં થી !... આજ સુધી પણ નહિ ! પણ ‘દિલ ને ફિર યાદ કિયા’ના બેનમૂન સંગીતને પ્રણામ સાથે યાદ કરવું પડે, એવું તગડું સંગીત સોનિક-ઓમી બનાવતા ગયા, એમાં બેમત નથી. 

એક આડ વાત : આજ સુધી ‘દિલ ને ફિર યાદ કિયા’ના જે કોઈ ગીતો તમે રેડિયો, પછી કેસેટ અને આજે સીડી પર સાંભળતા હશો, એમાં ફરક એટલો છે કે, ઓરિજીનલ સાઉન્ડ ટ્રેક પર (અથવા ફિલ્મ જોતી વખતે) એ જ ગીતો પહેલી વાર સાંભળતા હો, તેવું લાગશે કારણ કે ઓલમોસ્ટ દરેક ગીતમાં વધારાની કડી, વધારાનું સંગીત અને વધારાની મઝા સાંભળવા મળે એવી છે. 

આપણી અનેક ફિલ્મોની જેમ, અહીં પણ ફિલ્મના નામને ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવાદેવા ન હોય. લો કિયો... દિલ ને ફિર યાદ કિયા, એટલે શું સમજવાનું ? ફિલ્મ તો જાવા દિયો, પણ અમથું ય આ નામનું આપણે ગુજરાતી કરવું હોય તો શું કરવાનું ? ઇન ફેક્ટ, ભાગ્યે જ ફિલ્મ આજે પણ બને છે, જેને ફિલ્મની વાર્તા સાથે કાંઈ લેવા-દેવા હોય. 

અહીં પ્રેમમાં નૂતન અને આપણા ધર્મો. જોડી જામે એવી સારી હતી, પણ એ બન્નેએ જે ફૂટપાથ ઉપર પોતાના પ્રેમનો લારી ગલ્લો ખોલ્યો હતો એની બાજુમાં રહેમાન પણ પોતાનો ખૂમચો લઈને આવી ગયો, એની આખી વાર્તા પરથી ફિલ્મ બની છે. હિંદી ફિલ્મો શરુ થઈ ત્યારથી આજ સુધી તત્તણ- તત્તણ પ્રેમીઓની અનેક કથાઓ આવી ગઈ... થેન્ક ગોડ, કોઈ ફિલ્મમાં ચોકડી નથી દેખાડાઈ, બબ્બેની જોડી પોતપોતાની શક્તિ મુજબ પ્રેમો કરીને રાબેતા મુજબ, સાડા ત્રણ કલાકે ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં લગ્ન નોંધણી કચેરીમાં નામો નોંધાવીને કાબિલ થઈ જાય, પણ ચોકડીમાં તો આનું લશ્કર તેની સાથેને તેનું લશ્કર આની સાથે જેવી ગરબડો મેં તો કોઈ હિન્દી ફિલ્મોમાંજોઈ નથી. 

તેમ છતાં ય, હિન્દી ફિલ્મોનો એક મોટો ફાયદો ખરો કે, સ્ટોરી ભલેને ત્રણ પ્રેમીઓની હોય.. આપણને ખબર જ હોય કે ફિલ્મના એન્ડમાં કોણ મરવાનો થયો છે ! હીરો- હીરોઇનને તો પૈણાવવા જ પડે, એટલે ત્રીજો આખેઆખો વાંઢો મરે, એના કરતા એની પાસે આપઘાત કરાવી લેવો, કે બીજા હીરાને બચાવવા જતા છાતીમાં વિલનની ગોળી ખવડાવીને એને પતાવો અથવા મૂવો ગામ છોડીને જતો રહે, એટલે ફિલ્મ પૂરી થાય ને આપણે ય ખોટી ચિંતાઓ કર્યા વિના ઘરભેગા થઈ શકીએ. 

એક સવાલ એને થવો પણ જોઈએ કે એ જમાનાની ફિલ્મોના પ્રણય ત્રિકોણમાં બધા બુઢ્ઢાઓ જ કેમ હતા ? ઠેઠ ‘દિદાર’થી યાદ કરવાનું શરુ કરો તો અશોકકુમાર- દિલીપકુમાર અને નરગીસના પ્રણય ત્રિકોણમાં એ ત્રણે કંઈ કોલેજ જતા જુવાનીયાઓ નહોતા. ‘સંગમ’માં પણ ૪૦- ૪૫ પર પહોંચેલા રાજ- વૈજયંતિ- રાજેન્દ્રને રહી રહીને પ્રેમો કરવાના ધખારા ઉપડ્યા હતા. આજની ફિલ્મોમાં કમ-સે-કમ આવો બકવાસ નથી હોતો, એનું કારણ એ છે કે, એ જમાનાની ફિલ્મોમાં સ્થાપિત હીરો-હીરોઇનો જ ફિલ્મની વાર્તાનો ભાગ બની શકે. લેખકે લખેલી મૂળ વાર્તામાં હીરો ઊલે ૨૦- ૨૨નો હોય, પણ એની ફિલ્મ બનવાની હોય તો, ૪૫- ૫૦ ઉપર પહોચેલા દિલીપકુમાર કે રાજ કપુરને જ લેવા પડે. હાસ્યાસ્પદ સ્થિતિ તો ત્યારે સર્જાતી કે, ક્યારેક તો આટલા મોટા ઢાંઢાઓને કોલેજમાં ભણતા બતાવાતા. મને યાદ છે કે ફિલ્મ ‘એરાઉન્ડ ધ વર્લ્ડ’ તો અમદાવાદના રૂપાલી સિનેમામાં ૧૯૬૭માં આવ્યું ત્યારે ૧૯૨૪માં જન્મેલા રાજ કપૂરને આ ફિલ્મમાં ‘અભી તો રાજુ ભી ૩૦ સાલ કા હો ગયા હૈ’, એ સંવાદ સાંભળીને થીયેટર આખું હસી પડતું હતું. આપણા બેમાંથી એકનું ગણિત પાકું હોય તો રાજ કપુર એ વખતે ૪૩ વર્ષનો હતો. 

‘દિલ ને ફિર યાદ કિયા’માં ધર્મેન્દ્ર અને નૂતન સુધી તો વાત બરોબર લાગે, પણ શાળાના નિવૃત્ત ટ્રસ્ટી જેવા બુઢ્ઢા લાગતા રહેમાનને પણ ત્રિકોણને એક ખૂણો એનાયત કઈ કમાણી ઉપર કરવામાં આવ્યો હશે, તે સમજાય નહિ, તો કસૂર આપણો નથી બાકાયદા આપણો નથી. એમાં ય ચેહરો બહુ... બહુ... દુઃખી રાખીને રહેમાન પેલા બન્નેની સાથે હોડકામાં બેઠો બેઠો મૂકેશના અવાજમાં, ‘હમ વો પરવાને હૈ જો શમ્મા કા દમ ભરતે હૈ, હુસ્ન કી આગ મેં ખામોશ જલા કરતે હૈ...’ આવું ગાય તો એની બા ય નહિ ખીજાતા હોય ? ખામોશ કે બુમાબુમ કરીને હુસ્નની આગમાં ભડકા કરવાની ઉંમર કંઈ એના દીકરા કે દીકરાના દીકરાની ફિલ્મ હોય... તું હેઠો બેસ ને, ભા’આ....ય ! સુઉં કિયો છો ? 

 પણ આ ફિલ્મમાં પણ હરએક ફિલ્મની જેમ જીવન મેદાન મારી જાય છે. અમારા ખાડિયામાં એને બધા ‘જીવણ’ અથવા ‘જીવણીયા’ તરીકે ઓળખતા. બહુ ઓછાના ઘ્યાનમાં આવ્યું હશે કે, ખલનાયકીમાં કોમેડી ઉમેરવાનો જશ એકમાત્ર જીવનને આપવો પડે. એને ઉલ્લુ બનાવીને ઇન્ટરવલ સુધી હીરો એની હીરોઇન અને આપણને બધાને હસાવતો રહે.. પછી છેલ્લે મરતા પહેલા આ જીવન પેલા બન્નેનું જીવન હરામ કરી નાખે, એટલે હીરોને હીરો બનવાની તક મળે. જીવનની જેમ કન્હૈયાલાલ કે નાના પળશીકર પણ જોવા ગમે એવા ચરિત્ર અભિનેતાઓ હતા, બાકી આ તમારા કાયમી રોતડાં નઝીરહુસૈન, મનમોહન કૃષ્ણ કે શિવરાજને તો કિશોરકુમારના બાપ બનાવો તો ય આપણને રડાવી નાંખે. (ભુલ સુધાર : કોઈને કોઈના બાપ આપણાથી ન બનાવી શકાય.. આ તો ફક્ત ફિલ્મ પૂરતી વાત થાય છે... વાત પૂરી) 

ધર્મેન્દ્રનું આ ફિલ્મમાં હોવું પ્રેક્ષકોને ખૂબ ગમ્યું હતું. એની સફળતામાં આમ જોઈએ તો દારાસિંઘનો ય આડકતરો હાથ હતો અને તે એટલા માટે કે હિંદી ફિલ્મોની શરુઆતથી એકે ય હીરો શરીર- સૌષ્ઠવની દ્રષ્ટિએ ગોટલા- બોટલા ફુલાવી શકે એવો ‘માચો’ નહોતો. ઝીમ્બો અને ટારઝનની ફિલ્મો દ્વારા ચોક્કસ વર્ગના પ્રેક્ષકોને ગમતો આઝાદ પણ (આજના સિક્સ-પેક હીરોઝ જેવો) મસ્ક્યુલસ ન હતો. હાઇટ બોડી બીજા કરતાં સારા, પેટ અંદર અને ચેહરો રૂપાળો એટલે એ બધા હીરો બની ગયેલા. એવામાં અચાનક ’૬૦ના દાયકામાં દારાસિંઘ આવ્યો અને પ્રેક્ષકોમાં છવાઈ ગયો. લોકોએ સાચા અર્થમાં મરદ હીરો પહેલી વાર જોયો હતો. અગાઉ મૂંગી ફિલ્મોના જમાનાથી શરુ કરીને જોન કાવસ એવો જ સ્નાયુબદ્ધ હીરો હતો, પણ એની હૈસિયત દારાસિંઘની માફક ઢીશૂમ ઢીશૂમથી આગળ કાંઈ નહતી ત્યારે શરીરે મસલ્સ બતાવી શકે, દેખાવડો પણ લાગે અને થોડી બહોત એક્ટિંગ પણ કરી શકે એવો ધર્મેન્દ્ર ફિલ્મોમાં આવ્યો એ સાથે જ લોકોને ગમવા માંડ્યો ટોપ હીરોઇનો પણ એની સાથે કામ કરવા રાજી હતી. આપણી ફિલ્મોમાં જીતેન્દ્ર અને ધર્મેન્દ્ર બે જ હીરો એવા નીકળ્યા, જેમનો જમાનો કદી આથમ્યો જ નહિ, ફિલ્મો ફ્‌લોપ જાય કે સફળ એ બન્નેનો અસ્ત કદી થયો જ નહિ... સિવાય કે ઉંમરના કારણે એમને બૅકસીટમાં આજે બેસવું પડ્યું છે. ‘દિલ ને ફિર યાદ કિયા...’ બસ, એના દિલડોલ સંગીતને કારણે ફિલ્મ જોવા જેવી ચોક્કસ બની છે. 

No comments: