Search This Blog

25/01/2012

મુઝકો અપને ગલે લગા લો...

આપણા દેશમાં હજી ભેટવા-પઘ્ધતિ ઉપર ખાસ કોઈ કામ થયું નથી. ભેટવું એટલે સારા શબ્દોમાં આલિંગન અને ઈંગ્લિશમાં કહેવાય હગ’ (Hug). બે વ્યક્તિઓ એકબીજાની નજીક જઈને છાતીથી છાતી મિલાવે અને તરત ઉખડી જાય, એને ભેટવું કહે છે. આપણા દેશમાં લોકો એકબીજાને મળે ત્યારે હાથ જોડીને નમસ્કારકહેવાતું, પણ અંગ્રેજો આવ્યા એટલે હાથ મિલાવવાની ફેશન શરૂ થઈ. હજી હાથો પુરૂષ પુરૂષ પૂરતા જ મિલાવાય છે. પુરૂષ સ્ત્રી સાથે હાથ મિલાવે, એ હજી આ ૨૦૧૨-ની સાલ સુધી પણ સમાજ બહુ સ્વીકારતો નથી, એટલે પુરૂષ-પુરૂષને ભેટે એ તો જાવા દિયો... પતિ-પત્ની સિવાયના સ્ત્રી-પુરૂષ એકબીજાને ભેટીને મળે, એમાં તો આજુબાજુ ઊભેલી બઘ્ધી બાઓ ખીજાય!

કમનસીબે, આપણા ગોરધનો પણ એમના ભાગે પડતી આવેલી વાઈફોને નૉર્મલી ભેટવાનું પસંદ કરતા નથી. નૉર્મલી શું, આખી લાઇફમાં ઘણા તો એકબીજાને ભેટ્યા જ હોતા નથી. કેવું ખરાબ કહેવાય? એમને એમ પણ ન થાય કે, સમાજ શું કહેશે? લોગ ક્યા કહેંગે?

એ તો ભલું હોજો આપણી હિંદી ફિલ્મોનું કે, એમાં હીરો-હીરોઇનો જરીક અમથા નવરા પડે, ત્યારે ભૂલ્યા વગર એકબીજાને ભેટવાનું ચૂકતા નથી અને થીયેટરમાં બેઠા બેઠા આપણે શીખી શક્યા છીએ કે, કોકને ભેટવું હોય તો આમ ભેટાય! ફિલ્મોએ આપણને ઘણું બઘું શીખવ્યું છે, પણ એ શીખેલામાંથી જાહેરમાં જેટલું બતાવી શકાય, એટલા પૂરતી જ વાતો અહીં કરવી છે.

કહે છે કે, દેવ આનંદને ભેટભેટ કરવાની બહુ આદત હતી. એની તમામ ફિલ્મોમાં એ હીરોઇનને ભેટ્યા વિના હેઠી ન મૂકતો. એ જોઈને આપણે પણ થોડું થોડું શીખ્યા. ભેટતી વખતે આપણા બન્ને હાથ પેલીના ખભા ઉપરથી પાછળ ભરાઈ દેવાના કે એના બન્ને હાથ નીચેથી ભીંસ મારવાની, તેની બધાને જાણકારી ન હોવાથી ઘણા હસબન્ડોઝ કોઈ ઝાડ ઉપર કાગળીયું ઊડતું ઊડતું આવીને ચોંટ્યું હોય, એમ ભેટવા જાય છે. અમે અનેક યુવાનોને ભેટવામાં ભૂલો કરતા જોયા છે. સાચું ભેટવું એને કહેવાય કે, ભેટી લઈને તરત જ થુપ્પિસકહીને છુટી જવાનું હોય (યાદ હોય તો, નાનપણમાં આપણે રમતા રમતા બ્રેક લેવા આપણા હાથની હથેળી ચૂમીને થુપ્પિસબોલતા, જેથી રમત અટકી જાય અને આપણે છુટાં. પછી પાછા તાજામાજા થઈએ, ત્યારે ફરી ખેલ ચાલુ કરી દેવાનો) કમનસીબે, મોટા થયા પછી ભેટવામાં આ નિયમ કોઈ લાગુ પાડતું જ નથી અને, ‘ભેટ્યા-પીસ-ભેટ્યા..એમ કહીને આઘો જ હટતો નથી. ભલે એમાં આપણાં ફાધરનું તો શું જાય, પણ આપણને એટલી તો ખબર પડે ને કે, એ લોકોના ફાધરો ય ભેટતા નહિ શીખ્યા હોય.

કહે છે કે, આલિંગન એકબીજાની પર્સનાલિટી ઍક્સચૅન્જ કરવાની ઉત્તમ રીત છે. મેં તુમ મેં સમા જાઉં, તુ મુઝ મેં સમા જાઓ’, એ ફક્ત પ્રેમલા-પ્રેમલીને જ લાગુ પડતી વાત નથી. મારા શુઘ્ધ અને સારા વિચારો તમારામાં સમાઈ જાય ને તમારી પાસે સારા વિચારો સ્ટૉકમાં પડ્યા હોય તો આ બાજુ આવવા દો. ધૅટ્‌સ ઑલ, ઈવન, કોકની સાથે હાથ પણ મિલાવીએ છીએ, ત્યારે હૃદયના એ ભાવો મૌનથી સીધા દર્શાવી શકાય છે, જે શબ્દોથી પૉસિબલ હોતા નથી. હાલ મિલાવો, એટલે કશુંક ઍક્સચેઇન્જ ચોક્કસ થાય છે. અંગ્રેજીમાં સરસ શબ્દ છે, ‘Warmness’. એકબીજાને હુંફ મળે છે, ફક્ત હાથ મિલાવવાથી, તો વિચાર કરો કે ભેટવાથી તો કેટલા મોટા જથ્થામાં હૂંફો મળે? અલબત્ત, પતિ-પત્ની સિવાયના સ્ત્રી-પુરૂષો એકબીજાને ભેટીને મળે, એ થીયરીનો હું કોઇ ચાહક નથી. ખુદ મને પણ કોઈ પુરૂષને ભેટવું તો ઠીક, અડવું ય ગમતું નથી. પુરૂષ જેવા પુરૂષ થઈને કોઈ પારકી સ્ત્રીને ભેટાય કે નહિ, એ મુદ્દે હું સહેજ પણ મોઢું ખોલવા માંગતો નથી કારણ કે, હું બીકણ માણસ છું. ઘરની બહાર નીકળ્યા પછી રોજ પરમ શાંતિનો અનુભવ કરતો યુવાન છું, પણ ફફડાટ ઘરની બહાર નીકળ્યા પછી જ વધારે થાય છે કારણ કે, છેલ્લા ૩૫-વર્ષથી આકાશમાં એક સમડી મારી ઉપર સતત આંટા મારી રહી છે. એ મને જોતી જ હશે, એવો બારમાસી ફફડાટ રહે રાખે છે. ભેટવા-ફેટવાની વાત તો બહુ દૂરની છે, હું તો ઘરની બહાર નીકળ્યા પછી, જ્યાં સુધી પર-સ્ત્રીને માતા સમજતો નથી, ત્યાં સુધી મનને શાંતિ ને ચૈન પડતું નથી. અચાનક કોક ઓળખીતી મહિલા રસ્તામાં મળી જાય તો પેલી સમડી જોઇ જશે, એની બીકોમાં ને બીકોમાં એ મહિલા ભારતની સર્વોત્તમ સુંદર સ્ત્રી હોય તો પણ ઍટ ધી મોસ્ટ... હું એને જય શ્રી કૃષ્ણકહીને નીકળી જઉં છું. ભલે પછી એના ગયા પછી હું દુઃખી ચહેરે અને ખોખરા કંઠે મનમાં ગાતો હોઉં, ‘તૂટે હુએ ખ્વાબોં ને, હમ કો યે સીખાયા હૈ, દિલ ને, દિલ ને જીસે પાયા થા, આંખોંને ગંવાયા હૈ... હોઓઓઓ’. આ લાંબુ બચાવનામું એટલા માટે રજુ કરવું પડ્યું કે, પુરૂષ અને સ્ત્રીએ એકબીજાને મળતી વખતે ભેટવું જોઈએ કે નહિ, તે અંગે મારા બૃહદ વિચારો તમને બધાને તો ઠીક... પેલી સમડી સુધી પહોંચે, એટલી જ ભાવના છે.

મારી આ દુઃખભરી દાસ્તાન માટે કોઈકે મને સારા ડૉક્ટરને બતાવવાનું કીઘું પણ, આપણને એમ કે, જે ગામ જવું નહિ એનું મોબાઈલ-કનેક્શન લેવાથી શું ફાયદો? ...કોઈ પંખો ચાલુ કરો!

ઇન ફૅક્ટ, આપણી વાત પતિ-પત્ની વચ્ચેના સંબંધો પૂરતી જ સીમિત છે. હું તો ઘેરઘેર ફરીને લોકોના દરવાજાના કાણામાંથી જોવા નથી ગયો પણ એટલી ખબર છે કે, આ જમાનામાં કોઈ હસબન્ડ-વાઇફ એકબીજાને ભેટતા નથી.. એ એમના બ્લડમાં જ નથી. બ્લડના બીજા ઘણા ઊભરા આડેધડ આવતા હોય, એની સાથે આપણને લેવા-દેવા નથી, પણ કહે છે કે, લગ્નના કેટલાક વર્ષો પછી ભલભલાના જીવનમાં બેસ્વાદપણું કે તનાવ આવતા હોય છે. આપણે ત્યાં તો એકબીજાને આઈ લવ યૂકહેવાનો જ રિવાજ નથી, ત્યાં ભેટવાનું તો દૂરની વાત છે. કોઈ મહાન તત્વચિંતક અશોકજી બાપુએ કહ્યું છે કે, ‘લગ્નજીવનમાં પતિ-પત્ની એકબીજાને રોજ આઈ લવ યૂકહેવાની અને કહી દીધા પછી એકબીજાને મીઠું આલિંગન આપવાથી તનાવ ઓછો થાય છે. આ બન્ને કસરતો કરવાથી જે ગોરધન જૂના મોબાઈલ જેવો લાગતો હોય, એ વહાલો લાગવા માંડે છે. હું ય જાણું છું કે, પત્ની માટે ગોરધનને આઇ લવ યૂ-ફાઇ લવ યૂકહેવું આસાન નથી, પ્રૅક્ટિસ છુટી ગઈ હોય ને? પણ ગોરધન તો ઘરની બહાર નીકળ્યા પછી... છેવટે મનમાં ય રોજની બસ્સો સ્ત્રીઓને આઇ લવ યૂકહેતો ફરતો હોય, છતાં એની બા ના ખીજાતા હોય, એટલે એ તો કોઈપણ જાતનો ભય રાખ્યા વિના વાઇફને એક આવડું અમથું આઈ લવ યૂના કહી શકે? (જવાબ : જરૂર કહી શકે, જરૂર કહી શકે... એ ના કહે તો અમે તૈયાર છીએ! જવાબ પૂરો)

એકબીજાથી છાનેખૂણે દૂર ભાગતા પતિ-પત્નીઓ વચ્ચેની ધેટ સો-કોલ્ડ... દૂરી ઘટાડવાનો આ જ એક ઉત્તમ ઉપાય છે. માનો તો ઠીક છે, નહિ તો ભોગ તમારા...!

સિક્સર
હૉસ્પિટલમાં ખબર કાઢવા આવનારાઓ ભૂલ્યા વગર એક ઑફર કરતાં જાય છે, ‘કાંઈ પણ કામકાજ હોય તો ચોક્કસ કહેવડાવજો, હોં. સહેજ પણ સંકોચ રાખતા નહિ...
કામકાજમાં એમને આટલા કામો સોંપી શકાય. 
(૧) કામકાજમાં તો બસ... હૉસ્પિટલનું બિલ ભરવાનું છે. 
(૨) બાપુજીના કપડાં ચાર દિવસથી ધોયા વિના પડ્યા છે... ઘેર કોઈથી થાય એવું નથી. બસ, આ થોડાં કપડાં લઈ જશો
(૩) આ સામે ઉભેલી નર્સનો ગોરધન મારા ઉપર બહુ વહેમાય વહેમાય કરે છે... એને જરા સમજાવી આવશો?

No comments: