Search This Blog

19/02/2012

ઍનકાઉન્ટર : 19-02-2012

૧. પાનને ગલ્લે ઊભા રહેનારાઓ સમાજને શું સંદેશો આપે છે?
- એ જ કે, ઘર કરતાં બહાર વઘુ શાંતિ મળે છે.
(રમેશ આર. સુતરીયા, મુંબઈ)

૨. મીસ વર્લ્ડનો ખિતાબ જીતનારી દરેક સુંદરીનો ચહેરો લંબગોળ હોય છે-ફક્ત રીટા ફારીયા અને ઐશ્વર્યા રાય-બચ્ચનનો ચહેરો ગોળ છે... કોઇ લૉજીક?
- હજી તમે ચેહરાના માપો લેવામાં જ અટક્યા છો, એ જાણીને આખા વડોદરા-બંધનું એલાન આપી દેવાના મને ઝનૂનો ચઢ્‌યા છે!
(જે.બી. દેસાઈ, વડોદરા)

૩. જૂઠું બોલવું, એ બાળક માટે નિર્દોષતા છે, પ્રેમીઓ માટે કળા છે, કૂંવારાઓ માટે કાબેલિયત છે, તો પરણેલાઓ માટે!
- ઘરમાં મજબુરી અને બહાર બેવકૂફી.
(ચીરાગ બેલડીયા, ગારીયાધાર)

૪. માસ્તર મારે ય નહિ ને ભણાવે ય નહિ’, એવા આપણા વડાપ્રધાનથી દેશને કોઈ ફાયદો ખરો?
- મૂંગા મોંઢે કાકાએ આખા દેશના ફોદાં તો કાઢી નાંખ્યા...!
(ઈન્દુ વિનોદ જોશી, અમદાવાદ)

૫. નામ કમાવવા માટે મહત્વ કોનું... પૈસાનું કે પરમેશ્વરનું?
- અત્યારના એકાએક બાવાઓ પરમેશ્વરને નામે પૈસો ભેગા કરી નામ કમાય છે.
(અક્ષય નિલેશભાઈ વોરા, સુરેન્દ્રનગર)

૬. ફ્‌લાઈટમાં ભૂજથી મુંબઈ બે જ કલાકમાં પહોંચાય છે, પણ ઍરપોર્ટથી ઘરે જતા બે કલાક લાગે છે... કોઇ ઉપાય?
- ભૂજના દરેક ઘરની બહાર એક એક ઍરપોર્ટ આપવાની માંગણી કરો...!
(ભાવના અનિલ કારીયા, ભૂજ)

૭. નેતા બનવાની પ્રથમ લાયકાત કઈ?
- નેતા બનવામાં વળી લાયકાતની ક્યાં જરૂર પડે? તમે માણસ ન હો, એટલું પૂરતું છે.
(સલમા મણીયાર, વિરમગામ)

૮. દીકરી લક્ષ્મીનું રૂપ છે, છતાં દીકરીનો જન્મ થતાં પરિવારના સ્વજનો જ ખુશ થતા નથી... કેમ?
- શિક્ષિત અને સંસ્કારી પરિવારના સ્વજનો જ ખુશ થતા હોય છે.
(રિયા ડી. ઠક્કર, ભૂજ)

૯. નાની નાની વાતોમાં બા ખીજાતી હોય ને વહુની આંખો ભીંજાતી હોય તો શું કરવું?
- બાને તો આજીવન તમે બદલી શકવાના નથી... વહુ માટે ટ્રાય કરી જુઓ!
(કે.એ. ઉપાઘ્યાય, સાવર-કુંડલા)

૧૦. જે હિંદુ નથી, મુસલમાન નથી, સીખ્ખ કે ઈસાઈ પણ નથી. છતાં આતંકવાદી છે એ કોણ?
- અમારા ફ્‌લૅટમાં આવતું જતું કૂતરૂં... હાળું બધાને બહુ કયડ્યું છે, બોલો!
(કિર્લોસ્કર ફર્નાન્ડીઝ, અમદાવાદ)

૧૧. ઍનકાઉન્ટરમાં કોઈ સપ્તાહે કોઈ સવાલ જ ન પૂછાય તો શું કરો?
- આ ધંધો બંધ થાય એવો નથી... આપણા દેશમાં પ્રશ્નો ઉકેલનારા કરતા પ્રશ્નો ઊભા કરનારાઓની સંખ્યા ઘણી વિશાળ છે.
(નેહલ શાહ, હિંમતનગર)

૧૨. સક્ષમો પણ અનામત મેળવવાની હોડમાં પહોંચી ગયા છે, તો બ્રાહ્મણો કેમ નહિ?
- બ્રાહ્મણો ભીખના પૈસે જીવે એવા નથી.
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

૧૩. આપની દ્રષ્ટિએ આ ત્રણ ગાયકોમાંથી નંબર વન કોણ? સ્વ. રફી, સ્વ. મૂકેશ અને સ્વ. કિશોર કુમાર...!
- સંગીત મહત્ત્વનું છે, નંબર વન કે ટુ નહિ. મને તો મહેન્દ્ર કપૂર પણ ગુમરાહજેવા ગીતો માટે નંબર-વન લાગતા હતા. આજે એટલી ખબર છે કે, મઘુર ગીતે ગીતે આપણા નંબર-વનો બદલાતા રહે છે.
(સીમા સાહિલ જોષી, મહુવા)

૧૪. સારા કામમાં આંગળી કરવાનું ય પૂણ્ય મળે છે. સાચું?
- આંગળી કરવાનું નહિ... આંગળી ચીંધવાનું કહેવાય!
(કેયૂર વોરા, રાજકોટ)

૧૫. આજે ગાંધીજી જીવતા હોત તો?
- ગાંધીજી નહિ, નથુરામ ગોડસે જીવતા હોત તો, કમ-સે-કમ કસાબ જીવતો ન હોત!
(વિરલ/યાના જાની, આલિદર/કોડિનાર)

૧૬. હસે તેનું ઘર વસે, તો રડે તેનું શું થાય?
- રૂમાલ ભીનો થાય.
(શિવાની/હિમાની વોરા, સુરેન્દ્રનગર)

૧૭. વિદેશની બૅન્કોમાં તમારું પણ મોટું રોકાણ છે?
- હતું... એકવાર ચીનમાં, ‘બૅન્ક ઑફ ચાયનાનાં કમ્પાઉન્ડમાં ૨૦-મિનીટ રોકાયો હતો.
(ઈન્દ્રવદન શિવલાલ જોગી, મુંબઈ)

૧૮. પ્રેમમાં અંતર વધે તો શું થાય?
- સંબંધોના કી.મી. વધે, એટલે બસનું ભાડું વધારે આલવું પડે.
(વિદુર પંડ્યા, ગાંધીનગર)

૧૯. એનકાઉન્ટરમાં અમારે ફક્ત સવાલ જ આપવાનો... જવાબ કેમ નહિ?
- જવાબ બેવકૂફો આપતા હોય છે.. બુઘ્ધિમાનો ચૂપ રહેતા હોય છે.
(મનન કલ્પેશ હાથી, રાજકોટ)

૨૦. પિયરે રીસામણે બેઠેલી પત્નીને કેટલા દિવસ પછી તેડવા જઈ શકાય?
- શુકર કરો કે, તમને તેડી શકાય, એટલા જ વજનવાળી પત્ની મળી છે... રહ્યો તમારો સવાલ, તો તમે સ્પષ્ટ કર્યું નથી કે, કોની પત્નીને તેડવા તમારે જવું પડે એમ છે?
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

૨૧. તમને નથી લાગતું કે, રામદેવ બાબા કરતાં નાગા બાવા વધારે સારા?
- દેખાવમાં...???
(નિત્ય મોઢા, મુંબઈ)

૨૨. ભ્રષ્ટાચારી નેતાઓ પકડાતા શા માટે નથી?
- એમના શરીરો ઉપર કોંગ્રેસી-બનાવટનું ચીકણું તેલ ચોપડેલું હોય છે... પકડાય તો ય છટકી જાય!
(રૂચિ વૈષ્ણવ, જામનગર)

૨૩. સ્ત્રી મા બનવાની હોય, તેની નિશાની ચક્કર આવવા, ઊલ્ટી થવી કે ખાટું ખાવાનું મન થાય વગેરે... તો પુરુષ બાપ બનવાનો હોય એની કોઈ નિશાનીઓ ખરી?
- મોટા ભાગના તો ખુશમખુશ દેખાય છે, પણ ઘણા ટેન્શનમાં આવી જાય છે કે, ‘‘...હું તો છ મહિનાથી બહાર હતો...!’’
(મઘુકર પી. માંકડ, જામનગર)

૨૪. શુભ કામમાં વપરાતી સોપારી, આજકાલ અન્ડરવર્લ્ડના અશુભ સોદાઓમાં કેમ વપરાય છે?
- હિંદુઓમાં સોપારી ભગવાન શ્રી ગણપતિજીનું પ્રતિક ગણાય છે. શિવસેનાના રાજ, કે બાળ ઠાકરેઓએ વિરોધ આનો કરવો જોઈએ!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

૨૫. ૨૯ ફેબ્રુઆરીનો આપનો કોઈ સ્પેશિયલ પ્લાન...?
- એક જ પ્રાર્થના. મિત્રો જે કોઈ શુભેચ્છા આપે, તે હૃદયપૂર્વક આપે.
(શ્રેણી પટેલ, સુરત)

No comments: