Search This Blog

22/02/2012

વૈષ્ણોદેવી જવાના છો ?

આપણો ભારત દેશ મહાન છે ને હજી દુનિયામાં આપણા સિવાય કોઈને ખબરે ય નથી કે, આપણે આટલા મહાન છીએ ! કઈ કમાણી ઉપર આપણે દેશને મહાન કહી દીધો છે, એની તો ખબર નથી, પણ તો ય મહાન છીએ, એટલી ખબર છે. દેશની માફક આપણે પોતે જે ધર્મ પાળતા હોઈએ, એ તો પાછો આપણા ભારત દેશથી ય વઘુ મહાન છે, બોલો ! મહાન કહી દેવામાં કશું પુરવાર કરવું પડે એમ છે કે બુદ્ધિ વાપરવી પડે છે ? પરમેશ્વરની જે ભક્તિ કરીએ છીએ, તેને શ્રદ્ધાકહેવાય કે અંધશ્રદ્ધાએવી ખબર હોય, એવો તો એક પણ ભણેલો-ગણેલો ભારતીય જોયો નથી.

બુદ્ધિને શ્રદ્ધા સાથે કોઈ સંબંધ નથી અને વાત શ્રદ્ધાની નીકળે, ત્યાં લોજીકો ઉપાડી ન લવાય, એ બધી વાત સાચી, પણ અંધશ્રદ્ધાને સાલી માફ કરી ન શકાય. પરમેશ્વર કે માતાજી આપણી કસોટી કરે અને શરીરથી માંડીને પૈસાના જોખમી દુઃખો વેઠીને પણ શ્રદ્ધા બરકરાર રાખીએ એ સમજી શકાય, પણ આપણા દેશના મંદિરોના વહિવટકર્તાઓ ય આપણા ભગવાનો હોય, એવી કઠોર પરીક્ષાઓ લીધે રાખે ને જસ્ટ... અંધશ્રદ્ધાને નામે આપણે એ બઘું સહન કરે જઇએ, એ વિષય ભક્તિનો નહિ, બેવકૂફીનો છે. વાતો મોટી કરનારાઓ તો બહુ છે કે, દરેક ઇશ્વર સમાન છે, પણ વાત ધર્મની આવે, ત્યાં હજી સુધી તો જગતનો એક પણ માણસ પેદા થયો નથી, જે પોતાનો છોડીને બીજાના ધર્મને ઊંચો ગણતો હોય. ઇશ્વરમાં માનતો ભક્ત આઘ્યાત્મિક હોઈ શકે છે, પણ ધર્મમાં માનતો કોઈપણ ચુસ્ત ભક્ત છીછરો હોય છે. આવા લોકોને તો પોતાના જ ઇશ્વર કરતા પોતાનો ધર્મ વધારે વહાલો લાગતો હોય છે. હું હિંદુ હોવાનો બેશક ગર્વ અનુભવું છું પણ મને યાદ નથી, એકે ય વખત મને મારા હિંદુ ધર્મથી બીજો કોઈ પણ ધર્મ એક દોરો ય નીચો લાગ્યો હોય... ને આવી કબુલાત કરવાથી હું કે મારો હિંદુ ધર્મ સહેજ પણ નીચો પડી જતા નથી. કોઈ પણ ધર્મ બીજા કોઈ પણ ધર્મ કરતા સહેજ પણ ઊંચો હોતો નથી ને છતાં ય ઠોકી એવું બેસાડવામાં આવ્યું છે કે, આપણે જ બેસ્ટ છીએ ને બીજા બધા લલ્લુ-પંજુ...! હું સોલ્લિડ શ્રદ્ધાવાળો શિવભક્ત છું, પણ મારા માટે મારા ભોળા શિવજી કરતા ભગવાન મહાવીર સ્વામી કે શ્રીકૃષ્ણ એક દોરો ય ઉતરતા નથી. જેટલો મારો હિંદુ ધર્મ પવિત્ર છે, એટલા જ જૈન ધર્મ કે ઇસ્લામ કે ક્રિશ્ચિઆનિટી પવિત્ર છે.

પણ આપણા કરતા બીજા તમામ ધર્મો ફાલતુ છે, એવું વિકૃત શિક્ષણ આપણા જ બની બેઠેલા મહારાજો કે ગુરૂજીઓ આપતા હોય છે, એમાં દેશ કદી એક થઈ ન શક્યો. દેરાસર ઉપર પથ્થરબાજી થઈ હોય, તો શ્રીરામજીના મંદિરવાળા, ‘આપણે શું ?...’ ને આપણું શું...?’ કહીને તમાશો જોયે રાખશે, પણ એકે ય ગરૂડો એવી શીખ નથી આપતો કે, કાલ ઉઠીને આપણા મંદિર/દેરાસર ઉપર હુમલા કરે ને બન્ને કેસોમાં બીજા ધર્મોવાળા ઊભા ઊભા જોયે રાખે...! તારી ભલી થાય ચમના... તું મરવાનો થયો છું.. મશીનગનના ધાડા ઉતરી આવશે ત્યારે એ લોકો ન્યાયપૂર્વક આપણા ભાગ પાડવા બેસી નહિ જાય કે, ‘ઓહ... આ તો જય જીનેન્દ્રવાળો છે.. આને ના મરાય...! આ અંબાજીવાળો છે... એને ઠોકો...!અહીં તો બધા ભેગા હશે તો, પેલાની મશીનગનો ઝૂંટવીને સામો વાર કરી શકશો...! શનીયું પહેરીને કે આતંકવાદીઓ ઉપર કંકુ-ચોખા ચઢાવવાથી દુશ્મનો ન ભાગે, સાહેબજી...! 

તમે કોઈપણ ઇશ્વરને માનતા હો, સંપર્ક તમારો તેની સાથે તદ્દન સીધો હોય ને...? (Direct Dialling) વચમાં પૂજારીઓ, ગુરૂઓ કે મંદિરોના ટ્રસ્ટીઓને દલાલ બનવાની ક્યાં જરૂર છે ? હું ભગવાન શંકર સાથે ઘણીવાર વાતો પર ચઢી જાઉં છું, ઘણીવાર એ મારી અને હું એમની ટાંગ ખેંચું છું, અમે ઝગડી પણ બહુ પડીએ ને પ્રેમો ય એટલા કરીએ... હઓ ! સ્વયં મેં પણ મહાદેવજીના ઘણા પ્રોબ્લેમો સોલ્વ કરી આપ્યા છે. વચમાં અમારા ઘરમંદિરમાં, અગરબત્તી એમના ફોટાને દઝાડતી હતી... બોસ બગડ્યા પણ હું ય ફક્ત તો એમનો ને ? તાબડતોબ નિકાલ કરી નાંખ્યો ! એ જ અગરબત્તી બદલીને શ્રી હનુમાનજીના ફોટા નીચે મૂકી આવ્યો. બન્ને ભગવાનો ખુશ... ! એમ પાછો હું ન્યાયી બહુ ! ભગવાનોમાં અંદરોઅંદર બબાલો ઊભી થાય, એવા પ્રોજેક્ટો હાથમાં જ નહિ લેવાના.

અમારી વાતચીતના લંબાણીયા ચગ્યા હોય, તો માતા પાર્વતીજીને પ્રણામ કરીને અમારા માટે બે હોટ કૉફીનું ય કહી દઉં... (મારામાં ખાંડ જરી ઓછી !) મૂડમાં હોય તો માતાજી કોફી સાથે ખારી બિસ્કીટ પણ મૂકે એ તો...! ભોળાનાથ બી આપણું માન બહુ રાખે. આપણે શું કે... એમને બહુ મોટા મોટા કામો નહિ સોંપવાના... એમનાથી થાય એવા કામો સોંપીએ તો બીજી વાર ના ન પાડે... આ તો એક વાત થાય છે ! એક પાર્ટીમાં મારા શર્ટનું સૌથી નીચેનું બટન તૂટી ગયું, એટલે હાલત કેવી કફોડી થઈ જાય ? તરત ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ ઘટનાસ્થળ પર જ શરૂ કરી દીધા. કાચી સેકન્ડમાં પ્રભુએ બુદ્ધિ આપી કે, આવું કાંઈ થયું હોય તો શર્ટને ઇન્સર્ટ કરી નાંખવાનું... કરી નાંખ્યું ! (ઓમ નમઃ શિવાયમારો પાસવર્ડ છે... એ નાંખું એટલે પ્રભુ સમજી જાય કે ઈ-મેઈલ અસોકડાનો લાગે છે ! અમારામાં આવું સમજવા-બમજવાનું બહુ હોય ! 

આમ તો શિવજીને કહીએ તો ના ય ન પાડે, પણ આપણે જ સમજીને એમને મોટા કામો નહિ સોંપવાના. બાથરૂમ રીનોવેટ કરવાનો ખર્ચો મોટો આવે એમ હતો.... મારા જેવા મિડલ-ક્લાસીયાઓને બાથરૂમ તો ઠીક, નળ રીપેર કરાવવાનો આવ્યો હોય તો ય પચ્ચા રૂપિયા કાઢવા માટે બબ્બે વખત કબાટો ફંફોસવા પડે, પણ આપણા મનમાં નક્કી કે, બાથરૂમ કે નળ વગર નાહીશ, પણ મહાદેવજીને સગવડ કરી આલવાની વાત નહિ કરવાની ! આને તમે એક બ્રાહ્મણનું આત્મસન્માન ગણી શકો. અમારામાં સન્માનો બહુ હોય...પૈસા નહિ ! 

આટલી આત્મકથા કહેવાનો મતલબ એટલો કે, પરમેશ્વર સાથે આપણું ડાયરેક્ટ-ડાયલિંગ હોય છે, એમાં વચેટીયાઓની જરૂર નથી હોતી. પેલા બાથરૂમવાલા કે શર્ટના બટનવાળા કિસ્સામાં શું હું અમારા મંદિરના પૂજારી કે ગુરૂજીને જઈને કહેવાનો હતો કે, ‘એક જરા.... શિવજીને અરજ કરી આલો ને કે અસોકડો બહુ તૂટી ગયો છે... નાહ્યા વગરનો રખડે છે ને વગર બટને એનું પેટ બહાર લબડતું દેખાય છે... તો જરા ભોળાનેથને કહેવડાવોને કે, એકાદું બટન આવવા દે...!’ 

કમનસીબે, આપણા દેશનો મૂરખ ભક્તોનો ભગવાન સાથેનો વહિવટ ગુરૂજીઓ, સ્વામીજીઓ, મહારાજ સાહેબો, પૂજારીઓ કે મંદિરના ટ્રસ્ટીઓ સંભાળતા હોય છે. એ લોકો બહુ સક્સેસફૂલી આપણને ઉલ્લુ બનાવી શકે છે કે, સ્વયં પરમેશ્વર કરતા ય આ ગુરૂજી-ફુરૂજી વઘુ ઊંચા છે. ડોબા ભક્તો એટલું ય સમજતા નથી કે, પૈસા વગર આ દલાલો તમારા ખભે હાથે ય મુકે એવા નથી.. (સિવાય કે, તમે સ્ત્રી હો...!) તમે કોઈપણ ધર્મના હો, એક વખત તમારા ઘરે એમની પધરામણી કરાવી જુઓ...! મફતમાં તો તમારો દારૂ ય નહિ પીએ...! એની ચઢામણી ચઢાવો તો બે ધૂંટ મારશે !

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા તો જાવા દિયો, પણ જમ્મુમાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં માતાજી કરતા ત્યાંના વહિવટકર્તાઓ જે રીતે ભક્તોને હેરાન કરે છે, એ રૂબરૂ જોઈને આવ્યા પછી હિંમત ખૂટી ગઈ છે, હવે પછી વૈષ્ણોદેવી જવા માંગતા ભક્તોને કંઈ કહેવાની ! 

પૂરજોશ ઠંડી અને ઘૂમ્મસમાં અનરાધાર વરસાદ પડતો હોય, ત્યારે બૂટ -ચપ્પલ અડધો કિ.મી બહાર જ કાઢીને દર્શન કરવા જવા દેવાની હિટલરશાહીને કારણે, બરફથી વઘુ ઠંડી લાદી પર ચાલવાનું કેવું સખત હશે ? આટલે દૂરથી ભક્તો હાંફતા-થાકતા આવ્યા હોય ને ભલભલા ધ્રૂજી પડે, એવી તાકિલ ઠંડીમાં મિનિમમ બે હજાર ભક્તોની લાઈન લાગી હોય, તેમાં રીતસર ત્રણ-સાડા ત્રણ કલાક લાઈનમાં ઠૂંઠવાતા ઊભા રહેવાનું, અંદર કોઈ મહારાજ સાવ ફાલતુ ભાષણ ઠોકે રાખે ને આરતી અઢી-ત્રણ કલાક ચાલે, એવું જગતના કોઈ મંદિરમાં સાંભળ્યું છે ? અહીં એવું લખીને વાચકોને રોવડાવવાનો કોઈ ઇરાદો નથી કે, દેશભરમાંથી પોતાના ૮-૧૦ મહિનાના બાળકને તેડીને પતિ-પત્ની ૧૬ કિ.મી. વૈષ્ણોદેવીનો પર્વત ચઢતા ચઢતા આવી ઠંડી અને વરસાદમાં આવે ને કાળ ઉઠીને બાળક માંદુ પડીને ગુજરી ગયું, તો તમે તો બીજું પેદા કરી લેશો... પણ ખુદ તમારા બાળકના જીવનું શું ? કોક ફિલ્મમાં રાજેશ ખન્ના અને શબાના આઝમી તેમના બાળકને તેડીને વૈષ્ણોદેવીની આવી જાત્રા કરતા બતાવાયા હતા.. બસ, પછી આપણે બુદ્ધિ નહિ દોડાવવાની. કોઈ માનતા માનીને આટલા કોમળ અને માસુમ બાળકને તમારી હઠને હવાલે કરી દેવાનું ! વિશ્વનો કોઈ ભગવાન કે માતાજી એવા નિષ્ઠૂર હશે કે, ‘જાવ.... તમારા ૬-મહિનાના બાળકને તેડીને મને મળવા આવો, તો જ હું તમને આશીર્વાદ આપીશ !’ 

હમણાં કાચી સેકન્ડમાં ઢળી પડશે, એવા વૃદ્ધ હાંફતા હાંફતા પડી જાય પણ ભક્તોની લાઈન એક દોરો ય આગળ ન ચાલે...! માનવામાં આવશે, ભક્તમાં ત્રેવડ હોય તો રૂા. ૧૬,૦૦૦/- આપીને વૈષ્ણોદેવીના દર્શન આગળથી કરવા મળે... ૪૫-૪૬ હજાર આપો તો ફેમિલી સાથે દર્શન...! ભક્તિને પૈસા સાથે શું લેવા-દેવા

મંદિરોનું ગર્ભગૃહ પવિત્ર અને ચોખ્ખું રહે, એ નિર્વિવાદ જરૂરી છે, પણ કડકડતી ઠંડી અને પૂરબજાર વરસાદમાં બરફ પડતો હોય ત્યારે વૈષ્ણોદેવીના ભક્તોએ આટલે દૂરથી બૂટ-ચંપલ કાઢીને જવાનું. ચામડાનો બેલ્ટ કે વોલેટ-પર્સ, કેમેરા, દવા-ફવા કંઈ જ અંદર લઈ નહિ જવાનું. ઉઘાડા પગ નીચે સરકતું બરફ જેવું ઠંડુ પાણી અને માઈલો સુધી લાગેલી ભક્તોની લાઈનમાં બચ્ચા-બુઢા કે બિમારો શામેલ, જેમનું જે કાંઈ થવું હોય તે થાય... અંદર આરતી ચાલુ ! 

માત્ર વૈષ્ણોદેવી જ શું કામ ! હિન્દુઓના મંદિરોમાં ભગવાન કરતા ટ્રસ્ટીઓ વધારે કસોટી કરે છે ને શ્રદ્ધાને નામે કોઈ મોઢું ય ખોલી શકતું નથી. કોઈ લૉજીક ખરું એ વાતમાં કે, ભગવાનોને વળી બપોરે આરામનો ટાઈમ શેનો હોય ? મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કેવી રીતે ને શેના માટે રાખવાના હોય ? ઇશ્વરના દ્વાર તો ૨૪-કલાક ખુલ્લા હોય. ભક્ત બહાર રિબાતો હોય ત્યારે દુનિયાભરના કોઈ ભગવાન એવું કહે ખરો કે, હમણાં બે કલાક હુઈ જવા દે, બાપા... પછી આવજે...!

મહેનતકશ ગરીબ (ભિખારી નહિ !) ખાઈ ન શકે ને આ લોકો અબજો રૂપિયાના પ્રસાદના નામે દેશનું કેટલું અનાજ કે મીઠાઈઓ વેડફી નાંખે છે ? કોઈ પૂછે ય ખરું કે, તમે ધરાવેલો પ્રસાદ પછી જાય છે ક્યાં ? એ ખાય છે કોણ ? મારું હાલે તો, મંદિર/દેરાસરોમાં પ્રસાદ ધરાવનારાઓને હન્ટરો વડે ફટકારવાના હુકમો છોડું. કમ-સે-કમ તમારો ધર્મ એ તો શીખવાડતો હશે ને કે, કમાયેલા પૈસા સારા કામોમાં વાપરો...! ભિખારીઓ કે ગાય-કૂતરાંને ખવડાવી દેવું પડે એ કયું દાન થયું ? ખુદ આપણે ફેમિલી માટે મીઠાઈ લાવવી હોય તો પાંચસો રૂપિયે કિલો મીઠાઈ પોસાતી પણ નથી...!

બૂટ-ચપ્પલ મંદિરની બહાર જ ઉતારવા જોઈએ, એ જરૂરી છે, જેથી અંદર ચોખ્ખાઈ રહે, પણ એને સાચવવાની જવાબદારી પણ મંદિરોની હોવી જોઈએ ને

શ્રદ્ધા છે એટલે માતાજી કે ભગવાનોએ આપણી જેટલી કસોટી કરવી હોય, એ કરે પણ કરોડો રૂપિયા આપણી પાસેથી કમાઈને આપણી જ કસોટી મંદિરનોના વહિવટકર્તાઓ કરે એ પોસાય ...?

જવાબ તમારી શ્રદ્ધા અને સમજ ઉપર છે...!

સિક્સર
 લગ્નોના ડિનરમાં હવે રૂ. બેઅઢી હજારની થાળી તો ભિખારીઓ રાખતા થઇ ગયા છે... કહે છે કે, હવે પછીના લગ્નોમાં જમ્યા પછી ધાણાની દાળ પણ અપાશે....! એક ફાફડો ! ૫,૦૦૦/વાળો...!

No comments: