Search This Blog

08/02/2012

આયો કહાં સે ઘનશ્યામ... ?

પુષ્પીએ એ ઘ્યાન રાખવાનું હતું કે, વારંવાર એ ઘડિયાળ સામે જોયે રાખે છે એની શંકા વિલાસને ન પડે. વિલુ ઘરમાં ડોબો અને બહાર સ્માર્ટ હોવાની છાપ લગભગ અડધા ગુજરાતમાં ધરાવતો હતો. એટલે પુષ્પીને નિરાંત હતી કે, ઘરની બહાર નીકળીને ઘડિયાળ જો- જો કરવાની હોય તો વિલીયાને ખબર પડી જાય, ઘરની અંદર વિલુને ઘડિયાળ કે સમય... કશાનું ભાન પડતું નથી.

પણ અત્યારનો મામલો પુષ્પીથી સાવ ટેકન ફોર ગ્રાન્ટેડલેવાય એવો નહોતો. વિલુની દુબઈની ઍમિરેટ્‌સની ફ્‌લાઇટ રાત્રે ૪.૨૫ની હતી, એટલે ત્રણ કલાક પહેલાનો રિપોર્ટિંગ ટાઇમ ગણીએ, તો ય ઘેરથી ૧૨ વાગે તો નીકળવું પડે. સાડા અગિયાર તો ઑલરેડી થઈ ચૂક્યા હતા, છતાં પગમાં વાગેલી ફાંસની જેમ વિલીયો બહાર જવાનું નામ નહોતો લેતો. આ લોકોએ એરપોર્ટ આપણા ફ્‌લેટની નીચે નથી બનાવ્યું કે, ‘‘...જઇએ છીએ... જઇએ છીએ...’’ની લાલીયાવાડી ચાલે !

વિલુ ગળા પાછળના ગુમડાની જેમ એટલા માટે ખટકતો હતો કે, એ ઘરની બહાર નીકળે તો, મારો ચીરૂઅંદર આવે. આવી કડકડતી ઠંડીમાં દોઢ કલાકથી ચીરૂઉર્ફે ચિરાગ સામેની ફૂટપાથ પર ગુપચુપ ઊભો ઊભો થથરે છે અને આ ડોબાની બહાર નીકળવાની રાહ જુએ છે. આ જાય તો પેલો અંદર આવે ! The rat is in when the cat is out ! આપણે એની દયા ખાઈને બારીની બહારે કેટલું જો જો કરીએ ? વિલુ ડોબો જરૂર છે, પણ એટલો ય નહિ કે, આપણે બારીની બહાર જો જો કરતા હોઈએ તો ડાઉટો ના પાડે ! અગાઉ બે-ત્રણ વાર, નીચે કામ કરતા ધોબી ગણપત માટે એ પુષ્પી ઉપર બહુ વહેમાયો હતો... ભલે ગણપતને ય આપણે ગમતા હોઈએ, પણ દર ચોથી મિનિટે આપણી બારીમાં ઊંચા મોંઢે જો જો કરવામાં વિલુના પાટલુનમાં જ ખોટી જગ્યાએ બળેલું કાણું પાડી દીઘું હતું. ગણપતે સમજવું જોઈએ કે, કાલ ઉઠીને વિલુ એ બારી જ કઢાવી નાંખે તો, સામેની બારીવાળા ગૌતમભઇ ય લટકે ને ?

થૅન્ક ગૉડ... કે વહાલસોયો દીકરો ગીલુઘસઘસાટ ઊંઘી ગયો છે ને એને પાછી વચમાં ઉઠવાની આદત નહિ. એકવાર ચીરૂ ઘરમાં આવી જાય પછી ગીલીયો અમારો ઝબકીને ઉઠી જાય એવો નથી. એ તો સૂતા ભેગો સૂતો... હે ય સવાર સુધી ! ઓકે. જેનું કોઈ નથી, એનો ઇશ્વર છે. (ઇશ્વર દૂધવાળો નહિ !) એ આશીર્વાદથી વિલુ ટાઇમસર નીકળ્યો તો ખરો. જતા જતા મારા ગાલ ઉપર હાવ ખોટ્ટે ખોટ્ટી પપ્પીઓ તો કરી, પણ આપણે નથી સમજતા, આ બધા ઉલ્લુ બનાવવાના ધંધા છે... ? હોઠ ઉપર તો હું અડવા ય ન દઉં...! તો પછી, સામે આપણે ય એનો મામો બનાવીએ તો કયો ગૂન્હો થયો... ? (જવાબ : વિખ્યાત હાસ્યલેખક અશોક દવેના તકીયા કલામ મુજબ, કોઈ ગુન્હો નહિ. જવાબ પૂરો.)

કિચનના સિન્કમાંથી ડોકું ઉંચુ કરીને કોબ્રા સરકતો સરકતો બહાર આવે, એ રીતે મારો ચીરૂ અંદર આવ્યો. હું દરવાજાની પાછળ જ ઉભી હતી. આમાં ટાઇમિંગો બહુ સાચવવા પડે. એના આઇ ગયા પછી દરવાજો હળવેકથી પણ ઝડપથી બંધ કરી દેવો. સામેના ફ્‌લેટવાળી ઊર્મુડી એટલે કે ઊર્મી બહુ મોટી નૉટ છે. એને પંચાત બહુ આપણા ઘરમાં કોણ આવે છે ને કોઈ હજી નથી આયું, એની ખણખોદ કરવાની !

હાઇલ્લા... આવતા વ્હેંત હું તો ચીરૂડાને એવી ભેટી પડી છું, એવી ભેટી પડી છું કે, કેમ જાણે પરબીડીયા ઉપર સૅલો ટેપ ન મારી હોય ? ચીરૂ તો એટલું જ બોલ્યો, ‘તારો ગોરધન ફ્‌લાઇટ ચૂકી તો નહિ જાય ને... ?’ ચીરૂ પહેલેથી જ સમયપાલનનો બહુ આગ્રહી.

જો કે, ક્રાંતિ હંમેશા ભોગ માંગી લે છે, એ ધોરણે હજી તો શેણી- વિજાણંદ નવેસરથી ભેટમભેટી શરુ કરે, ત્યાં જ મદારીના સુંડલામાં કાળી નાગ સળવળતો જણાય, એમ ઓઢેલા ગાદલા નીચે ગીલુ હલતો દેખાયો. ગીલુ બી અમારો માસ્ટરપીસ છે. જાગતો હોય ત્યારે આખા દહાડામાં હલતો નથી. આપણે હલાવવો પડે. પણ ગોદડા નીચે એનો આકાર બદલાવા માંડ્યો એમાં ચીરૂ બહુ ગભરાઈ ગયો કે, ‘હમણાં ઉઠશે તો ? ચીરીયામાં પાછી એટલે અક્કલે ય ન મળે, કે આવા સંજોગોમાં ગભરાયા પછી બાથરૂમમાં સંતાવા ન જવાય ! દેખીતું છે કે અડધી ઊંઘમાંથી ઉઠનારો કાંઈ કપડાને ઇસ્ત્રી કરવા કે એકલા એકલા થૂઈ થપ્પા રમવા ઊભો ન થયો હોય... એ સીધો બાથરૂમના માર્ગે જ પ્રયાણ કરે. ચીરૂ ડોબાને આવો કોઈ અગાઉનો અનુભવ નહિ, એટલે ક્યાંય નહિ ને બાથરૂમમાં ભરાણો. અહીં મારાથી ગીલુંને એવું કહેવાય છે કે, ‘‘જા બેટા, કિચનમાં જઈ આય... ?’’ અમારા ગીલુમાં હજાર અવગુણ હશે ને ઊંઘમાં ચાલવાની આદતે ય ભલે હશે, પણ ઊંઘમાં પી-પી કરવાની આદત નથી.

ખોટું નહિ બોલું, ગીલુના અચાનક ઉઠી જવાથી ગભરાઈ તો હું ય ગઈ. આવામાં તો શ્રીરામ જયરામ જયજયરામના મંત્રજાપો જ ચાલે. મેં બાથરૂમમાં પૂરાયેલા ચીરૂને તરત જ કરી દીધો કે, ‘ચીરીયા... જલ્દી જલ્દી શ્રીરામ જયરામ જયજયરામના મંત્રજાપો ચાલુ કરી છે.

...ને ગીલુ બાથરૂમમાં જ ગયો. હું કેવી ફફડી હોઈશ એ અત્યારે ફફડીને બતાવું ? હાય રામ... ચીરૂ પકડાઈ જશે, તો પેલો દુબઈની ફ્‌લાઇટ વળાવીને ઘેર આઈ જશે... ખોટા વિમાનભાડાં બગાડવાના ને ? આવું હોય તો બીજીવાર ક્યાં પાછું નથી અવાતું ? એને તો આવા હજાર મોકા મળવાના છે.

ઉંહ... જેને રામ રાખે, તેને તો મારો ગીલુ ય ન ચાખે ! માનવામાં હજી ય નથી આવતું કે ગીલુ હેમખેમ પાછો આવી ગયો. હજી ઊંઘમાં હતો. ખાટા ઘચરકા મને આવે કે, અંદર જવા છતાં મારો ચીરૂ પકડાયો કેમ નહિ ? ને એ ય બિચારો મોંઢુ બગાડીને નેપકીનથી મોઢું લૂછતો લૂછતો હજી આવતો જ તો ત્યાં મેં એને છીછ... છીછ... છીછ..છીછ... એવા બે વાર સિસકારા બોલાવીને રોકી દીધો કે, ‘હજી ગીલુ સૂતો નથી.ગીલુ ઊંઘમાં ય સુવાને બદલે સોફા ઉપર બેસી ગયો હતો. મેં ચીરૂને પાછો મોકલીને બહારથી બાથરૂમનો દરવાજો ફિટમફિટ બંધ કરી દીધો.

આ બાજુ અમારો ગીલીયો ય વાયડો છે. પથારીમાં સૂઈ જવાને બદલે ત્યાં સોફા ઉપર જ આડો પડ્યો ને એકવાર મમ્માઆઆઆ...બોલ્યો. ગીલુડાને બોલબોલ કરવાની બહુ ટેવ ક્યારે બોલાય ને ક્યારે નહિ, તેની ટ્રેનિંગ એના બાપે આલી જ નથી.

ને...એ સૂશે કે નહિ, એની રાહો જોવામાં... ખોટું નહિ બોલું, મૂઈ મને ય ઝોકું આવી ગયું. ટૅન્શનમાં મને યાદે ય ન રહ્યું કે, પેલી પબ્લિક બાથરૂમમાં બંધ છે. મેં તો લાંબી ઊંઘ ખેંચી કાઢી. ઊંધ્યા પછી હું કોઈની નહિ. આપણને ઊંઘોમાં વળી શી ખબર પડ કે, ચીરૂ એકલો બાથરૂમમાં શું કરતો હશે ! પાછળથી એણે કીઘું હતું કે, હું બહારથી બંધ કરીને ગઈતી એમાં એ હલવાઈ ગયો. ના બૂમ પાડી શકે, ના પોતાના મર્દાના ખભા વડે મહીંથી ધક્કા મારી મારીને બાથરૂમનો દરવાજો તોડી બહાર આવી શકે. કહે છે કે, એણે તો એકવાર એક્ઝોસ્ટ-ફૅનવાળી બારી તોડીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ બારી ટૉઇલેટમાં પડતી હતી... આ જમાનામાં તો બારીઓનો ય કોઈ ભરોસો છે ?

...અને આપણને આવી થોડી ખબર હોય કે, આવી કડકડતી ઠંડીમાં ચીરૂ બાથરૂમમાં થીજી ગયો હશે, તો આપણે બ્લૅન્કેટ મોકલાવીએ ! (જવાબ : આવી તો કોઈને ખબર ન હોય. જવાબ પૂરો) બિચારો હાથનું ઓશિકું બનાવીને સૂઈ પણ ન શક્યો... એકવાર સૂવામાં તો મારો ગીલુ ચીરૂનું મોઢું ગીલું કરીને આવતો રહ્યો હતો. ચીરૂને સુવા કરતા વધારે ફફડાટ પાછો એ વાતનો કે, એનો છૂટકારો ક્યારે થશે ? એ બહાર ક્યારે નીકળશે ? વિશ્વની પહેલી સમાધિ પણ આજ સુધી કોઈના બાથરૂમમાં બંધાઈ નથી. બહાર ઠંડી ગમે તેવી વાતી હોય, ત્યાં કોઈ તાપણું સળગાવીને બેસતું નથી. હવે સાહિત્ય પિપાસુઓ બાથરૂમ નહિ, પણ ટૉઇલેટમાં છાપા લઈ જતા શીખ્યા છે. ટાઇમ ઇઝ મની.ગયા વર્ષે મારા ચીરૂડાએ તો આખો સરસ્વતિચંદ્રટૉઇલેટમાં પતાવી દીધો હતો, ફક્ત ૨૨ વિઝિટોમાં !

પણ આટઆટલું ઘ્યાન રાખવા છતાં, ડખો તો થયો જ. ચીરૂ તો ડરનો માર્યો વહેલી પરોઢે મને જે શ્રી ક્રસ્ણકહીને ઘરભેગો થઈ ગયો. અમે નસીબના બળીયા કે ફ્‌લાઇટ કૅન્સલ થતાં વિલુ રીક્ષા કરીને ઘેર પાછો આવ્યો...

પણ ટૅન્શનમાં ને ટૅન્શનમાં ચીરૂ એનું ગંજીફરાક બાથરૂમમાં ભૂલીને જતો રહ્યો. વિલુ તો કોઈ દિવસ પહેરતો નથી ને મારાથી એમ કાંઈ ઘા કરીને બારીની બહાર એનું ગંજી નાખી થોડું દેવાય છે... ? ગણપત ધોબી કેટલા ગંજી ભેગા કરે... ? પણ ભગવત- ગીતામાં કહ્યું છે ને... સારા કર્મો કરશો તો સારા ફળ મળશે.અમને ય મળ્યું...

..વિપુલને એ ગંજી થઈ ગયું....!

સિક્સર
ડૉક્ટર સાહેબ... મારો છોકરો બોલતો જ નથી, બોલતો જ નથી... બહુ દવાઓ કરાવી... રામ જાણે, મોટો થઇને આ છોકરો શું કરશે?
ચિંતા ના કરો. અત્યારથી જ એનામાં ભારતના વડાપ્રધાન થવાના લક્ષણો છે.

No comments: