Search This Blog

26/02/2012

ઍનકાઉન્ટર : 26-02-2012

* ’૪૭ની આઝાદીની લડાઇમાં પૂજ્ય ગાંધીજીને સ્થાને તમે હોત તો પરિણામમાં શું ફરક હોત?
- દેશના મુદ્દે તો પૂજ્ય બાપુને બદલે ભગવાન શ્રીકૃષ્ણ પણ ન ચાલે.
(મહેશ પટણી, પાટણ)

* કમુરતામાં લગ્ન કરવામાં આવે તો શું કોઇ વિધ્ન આવે?
- એકનું એક વિધ્ન બીજી વાર ના આવે!
(શ્રીમતી ખુશ્બુ મારૂ, સુરત)

* બૅન્ક ઓફ બરોડાની કીમ બ્રાન્ચ આખી રાત ખુલ્લી રહી ગઇ... મૅનેજરનું બહુમાન નહિ કરવું જોઇએ?
- મનમોહનના રાજમાં ભારતની બધી સરહદો વર્ષોથી આખી રાત ખુલ્લી રહી ગઇ છે... બહુ બહુ તો એ મૅનેજરને ભારતના વડાપ્રધાન બનાવી શકાય!
(ગુણવંતી પટેલ, મુંબઇ)

* સુબ્રમણ્યમ સ્વામીને ભારત-રત્નએનાયત કરવો જોઇએ કે નહિ?
- આખા દેશમાં ભારત-રત્નફક્ત બે જ જણને અપાય એવો છે- એક તમને ને બીજો મને. બાકી બીજા કોઇ દૂધે ધોયેલા નથી!
(સુધીર ઠક્કર, જામનગર)

* ગાંધી-ફૅમિલીને આપણે ક્યાં સુધી સહન કરવાનું છે?
- જ્યાં સુધી અડવાણી-ફૅમિલીને કરીએ ત્યાં સુધી.
(બબુ એન. દફતરી, રાજકોટ)

* દેશ કે પરદેશ, ફિલ્મોના દરેક ઍવોર્ડસનું શિલ્પ નગ્ન જ કેમ હોય છે?
- ગરીબી.
(ધીમંત એ. ભાવસાર, બડોલી- ઈડર)

* જીવદયા અને અહિંસાની વાતો કરનારા માંકડ-મચ્છર મારવાની દવાઓનો કેમ વિરોધ કરતા નથી?
- દવાઓનો વિરોધ કરવાનું પાછું ધરમમાં લખ્યું નથી, ઇ!
(વૈદ્ય સુનિલ શર્મા, અમદાવાદ)

* ઈશ્વર વઘુ પ્રસન્ન શેનાથી થાય? પ્રસાદ- ભોગ કે પૈસા ચઢાવવાથી કે પૂજાથી?
- મને તો એટલી ખબર છે કે, હાલમાં ઇશ્વર મારા ઉપર સોલ્લિડ પ્રસન્ન છે... ને મારી ઉપર પ્રસન્ન થવાનો હું કોઇ ચાર્જ-બાર્જ લેતો નથી.
(મોના જગદિશ સોતા, મુંબઇ)

* કંઇક અનોખું યાદ રાખવા માટે શું ભૂલી જવું જોઇએ?
- પ્રેમિકાને આઇ લવ યૂનો મૅસેજ ભૂલથી પત્નીના મોબાઈલ પર મોકલી દો.
(ચેતન રાજાણી, રાજકોટ)

* ‘ભારત રત્નનો ઈલ્કાબ એક પરિવારમાં કેટલાને આપી શકાય?
- હું તો બસ... એકથી ચલાવી લઇશ...! તમતારે આપણું નામ આગળ જવા દેજો!
(રમેશ આશર, કાલાવડ)

* સ્કૂટર પર બેઠેલ યુવક-યુવતી પતિ-પત્ની, ભાઇ-બેન કે પ્રેમીઓ છે, તેની ખબર કેવી રીતે પડે?
- તમારા વખતે કોઇને પડીતી...?
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* મનગમતી વ્યક્તિને પામવાનું અમોઘ શસ્ત્ર કયું?
- ‘શસ્ત્રનો ઉપયોગ એને હણવા માટે થાય, પામવા માટે નહિ! રહ્યો તમારો જવાબ... તો જે તમને પામી ચૂક્યું હોય, તેની સલાહ લો!
(સુમન વડુકુળ, રાજકોટ)

* માણસ અને ગધેડામાં શું ફરક?
- એનો આધાર, અત્યારે આ સવાલ તમે બેમાંથી કોને પૂછ્‌યો છે, એની ઉપર છે!
(હોસી બરડી, વલસાડ)

* પત્નીને રસોડાની રાણી કહેવાય, તો ગોરધનને શું કહેવાય?
- રસોડા-ફસોડાની રાણી તમારે ત્યાં કહેવાતી હશે... મારાથી અમારી કૂક ચંપાને રાણી કયા મોંઢે કહેવાય?
(પ્રબોધ જાની, વસાઇ-ડાભલા)

* એકતાની ફક્ત વાતોને બદલે તમામ ધર્મો એક જ હોય તો?
- ગૂડ જોક!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* કોઇ ગુજરાતી ફિલ્મમાં હજી સુધી હૅલીકૉપ્ટર કેમ જોવા મળ્યું નથી?
- એક હૅલીકૉપ્ટરના ખર્ચામાં ૨૫ ગુજરાતી ફિલ્મો બની જાય!
(રમીલા પ્રહલાદ રાવળ, રાજપીપળા)

* કસાબનું મૃત્યુ થશે ખરૂં કે નહિ?
- પાકિસ્તાનની માંઓ દુઆ માંગે છે પોતાના છોકરાઓ માટે કે, મારા દીકરાને કસાબ જેવું સુખ અને કોંગ્રેસ જેવા પિતા આપજો.
(સુનંદ હિતેશભાઇ શાહ, અમદાવાદ)

* ઘરવાળી અને બહારવાળીમાં કેટલો ફરક?
- ઉપરવાળીને ખબર!
(ચતુર પોસ્ટમૅન, અંકલેશ્વર)

* આપનું એકે ય પુસ્તક ગૂજરી-બજારમાં નથી મળતું... શું કારણ?
- એક દિવસ હું ત્યાંથી મળી આવીશ ખરો!
(વંદિત નાણાવટી, રાજકોટ)

* ફિલ્મ અભિનેતા ઓમ પુરીને ઘરડે ઘડપણ એની વાઈફ નંદિતાને છુટાછેડા આપવાનું કેમ સૂઝ્‌યું?
- મને ખ્યાલ છે, ત્યાં સુધી છુટાછેડા પોતાની જ વાઇફને આપી શકાય... અડોસ-પડોસની કે બીજા કોઇની વાઇફોને નહિ!
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* મનમોહનસિંઘની જગ્યાએ તમે હો તો આટલા કૌભાંડો ચલાવી લો?
- મનમોહનસિંઘને ચલાવી લેવાનું સૌથી મોટું કૌભાંડ તો આપણે કર્યું છે!
(શાન્તિલાલ ચંદારાણા, વડોદરા)

* શહેનશાહ અકબરે એમના પુત્ર સલીમને ફાંસીની સજા આપી હતી... આજના કોઇ રાજકારણી આવું કરી શકે?
- ઓહ... સલીમને ફાંસી આપવાની હોય તો તમે ય આપી શકો... એમાં રાજકારણીઓની જરૂરત ક્યાં પડે?
(દેવેન્દ્ર શાહ, પેટલાદ)

* નરેન્દ્ર મોદી, અમિત શાહ, પુરૂષોત્તમ રૂપાલા, સિઘ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડીયા... બધા દાઢીવાળા છે... આ કોઇ રાજકીય ગોઠવણ છે કે બીજું કાંઇ?
- ‘અશોક દવે હૅર કટિંગ સલૂનનામનું કોઇ બૉર્ડ આપના જોવામાં આવ્યું છે?
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

* વાંઢા અને કૂંવારા વચ્ચે શો તફાવત?
- પરણેલા અને દુઃખી જેટલો.
(રમેશ આર. સુતરીયા, મુંબઇ)

* તમને કોઇ સ્ત્રી દગો કરી જાય તો શું જવાબમાં શું કરો?
- દગો એણે કર્યો તો હું પણ દગો કરૂં, એવો એને ચાન્સ કદી ન મળે! હું કોઇને કદી ધિક્કારી શક્યો નથી.
(પાયલ પ્ર. પટેલ, સુરત)

No comments: