Search This Blog

03/02/2012

એક ફૂલ, દો માલી (’૬૯)

ફિલ્મ : એક ફૂલ, દો માલી (૬૯)
નિર્માતા-દિગ્દર્શક : દેવેન્દ્ર ગોયલ
સંગીતકાર : રવિ
ગીતકાર : પ્રેમ ધવન
રનિંગ ટાઇમ : ૧૮-રીલ્સ
થીયેટર : એલ.એન. (અમદાવાદ)
કલાકારો : સંજય, સાધના, બલરાજ સાહની, બ્રહ્મચારી, શબનમ, મનોરમા, ડૅવિડ અબ્રાહમ, શ્યામકુમાર, રાધેશ્યામ, દુર્ગા ખોટે, પરવિન પૉલ, બ્રહ્મ ભારદ્વાજ અને માસ્ટર બૉબી.

ગીતો 
૧. કિસ્મત કે ખેલ નિરાલે મેરે ભૈયા...ગાયક, ગીતકાર, સંગીતકાર રવિ
૨. સૈંયા લે ગયે જીયા, તેરી પહેલી નજર....આશા ભોંસલે
૩. યે પરદા હટા દો, જરા મુખડા દિખા દો....આશા-રફી
૪. સજના સજના, ઓ સજના, તેરે પ્યાર મેં ખો ગઇ....આશા ભોંસલે
૫. ઓ નન્હે સે ફરિશ્તે, તુઝ સે યે કૈસા નાતા...મુહમ્મદ રફી
૬. ઔલાદવાલોં, ફૂલો ફલો, ભૂખે ગરીબ કી...આશા-રફી
૭. તુઝે સૂરજ કહું યા ચંદા, તુઝે દીપ કહું યા તારા....મન્ના ડે
૮. ચલ ચલ રે નૌજવાન, જીના તેરી શાન હૈ...આશા-રફી 

એ વખતે....એ વખતે એટલે સમજો ને, લગભગ ૭૦-ના દાયકામાં એવી કોઇ સુપરહિટ ફિલ્મો નહોતી આવતી, પણ જોવાતી લગભગ બધી. એ વખતનું અમારૂં અમદાવાદ હોય, વડોદરૂં, જામનગર, રાજકોટ, સુરત કે પછી ભાવનગર હોય, શહેરો આજના જેટલા રાક્ષસી સાઇઝના નહોતા. ટીવા-ફીવા ય આવ્યા નહોતા, અને સાચું પૂછો તો, ક્રિકેટ, ફિલ્મો અને છોકરીઓ સિવાય બીજા કશામાં રસ લેવાય એવો માહૌલ પણ ન હતો. સ્કૂટર હોય, એ તો લકઝરી ગણાતી, પરિણામે નજીક-નજીકના થીયેટરો બહુ હાથવગા પડતા. થીયેટરની બહાર રીક્ષામાંથી ઉતરતા કોઇ આપણને જુએ, એ અપેક્ષા રહેતી. ‘‘...એમ ? આ લોકો ય હવે રીક્ષામાં ફરતા થઇ ગયા ? ...કોકનું કરી નાંખ્યું લાગે છે !’’ બસમાં બેસીને ફિલ્મો જોવા જવું, એ આપણી શાન કે ખિલાફ હતું. સાયકલ પર ડબલ-સવારીમાં આવીને બાલ્કનીમાં બેસો, તો થીયેટરવાળાઓની બાઓ ય ખીજાય.

એમાં ય પાછી ફિલ્મો ચાલે મિનિમમ ૧૫-૨૫ સપ્તાહ, એટલે સમજો ને... આપણા શહેરમાં આવેલી ફિલ્મો તો બધી જોવાઇ ગઇ હોય. કેટલીક તો બબ્બે, આઠ-આઠ કે બાર-બાર વાર જોવી પડતી, ત્યારે સમજ પડતી કે, આ ફિલ્મ આપણે ૧૨-૧૨ વખત કેમ જોઇ ? મેં દેવ સાહેબની ફિલ્મ જ્વેલ થીફકદાચ બાર-તેર વાર જોઇ છે. પણ સુરતના અફઝલભાઇ ભરૂચાએ એક ફૂલ દો માલીનહિ નહિ તો ય કોઇ ૨૦-૨૫ વખત જોઇ નાંખી છે... સૉરી, જોઇને હજી નાંખી નથી... ડીવીડી પર હજી જોયે જાય છે !

તો એવું કાંઇ ઍક્સક્લૂઝિવ હતું ખરૂં આ ફિલ્મમાં કે આટલી બધી વાર જોવી પડે ? સર્ટેનલી નૉટ....! ફિલ્મ તો એ વખતના ધોરણો મુજબ પણ ચીલાચાલુ હતી. એવું ખાસ કાંઇ નહોતું, કે વારંવાર આ જ ફિલ્મ જોવાના ધખારા વાવાઝોડાની જેમ ઉપડે રાખે ! પણ એ તો આજે એ ફિલ્મ ફરી જુઓ એટલે એવું લાગે. ૬૯માં આ ફિલ્મ રીલિઝ થઇ ત્યારે એણે બેશક તહેલકો મચાવ્યો હતો. બૉક્સ-ઑફિસો ઉપર. આ વર્ષે રજુ થયેલી તમામ ફિલ્મોમાં એક ફૂલ દો માલીએ બૉક્સ-ઑફિસ ઉપર ત્રીજું સ્થાન મેળવ્યું હતું. (બૉક્સ-ઑફિસ એટલે આખા દેશના સિનેમા-હાઉસીસમાં વેચાયેલી ટિકીટોનો વકરો). આવો જરા જોઇ લઇએ, ‘૬૯-માં બીજી કઈ કઈ ખાસ ફિલ્મો રીલિઝ થઇ હતી?’’ અમદાવાદના રીલિફમાં ધર્મેન્દ્ર-સાયરાબાનુ-ફીરોઝ ખાનની આદમી ઔર ઇન્સાનલક્ષ્મીમાં અશોક કુમાર-દેબુ મુકર્જી-પ્રાણની આંસુ બન ગયે ફૂલ,’ રૂપમમાં રાજેશ ખન્ના-શર્મીલા ટાગોરની આરાધના, કૃષ્ણમાં ધર્મેન્દ્ર-આશા પારેખની આયા સાવન ઝૂમ કે,’ રીગલમાં રાજેશ ખન્ના-મુમતાઝની બંધનનૉવેલ્ટીમાં સંજીવકુમાર-પદ્મિનીની ચંદા ઔર બીજલી, મોડેલમાં જીતેન્દ્ર-નંદાની ધરતી કહે પુકાર કે,’ પ્રકાશમાં રાજેશ ખન્ના-મુમતાઝની દો રાસ્તે,’ નટરાજમાં સંજય-સાધનાની ઇન્તેકામ,’ રૂપાલીમાં શશી કપૂર-હેમા માલિનીની જહાં પ્યાર મિલે’ (પછી તરત જીતેન્દ્ર-તનૂજાનુંજીને કી રાહઆવ્યું હતું) અલંકારમાં શશી કપૂર-નંદાનીરાજા સાબ.

આ લિસ્ટ જોવા જઇએ તો આમ પાછી મારી વાત સાચી પડે છે કે, એક આરાધનાને બાદ કરતા કોઇ મોટા મોર મારી શકે એવી બીજી ખાસ કોઇ ફિલ્મો આ વર્ષે આવી નહોતી, એટલે દેશભરની બૉક્સ-ઑફિસોમાં એક ફૂલ દો માલીએ ત્રીજા નંબરનું મેદાન માર્યું હોય, એવી કોઇ ખાસ બાત નહિ થી...!

વળી પ્રણય-ત્રિકોણની ફિલ્મ સંગમથી સફળ થયેલી ફૉર્મ્યુલા આ ફિલ્મમાં પણ વપરાઇ હતી, એટલે વાર્તામાં ય મકાનના ધાબે ચઢીને બૂમો પાડી પાડીને આ ફિલ્મ વખાણો કરવા પડે, એવા ઝનૂનો ય ચઢે એવા નહોતા...! ...ને છતાં ય, ફિલ્મ ઉપડી હતી એ વાત ચોક્કસ. તો પછી એવું શું હતું એ ફિલ્મમાં ? એક વાત ચોક્કસ સારી હતી અને તે આ ફિલ્મની વાર્તાની સરળતા. પ્રેક્ષકોને ગૂંચવી નાંખવાને બદલે સીધેસીધી વાર્તા વહે રાખે (પ્રણય-ત્રિકોણની ચીલાચાલુ વાર્તા હોવા છતાં !) અને કાબિલ દિગ્દર્શક દેવેન્દ્ર ગોયલના સીધા સાદા પણ ગળે ઉતરી એવા દિગ્દર્શનને કારણે ફિલ્મ જોતી વખતે પ્રેક્ષકોને ટેન્શનો નહોતા થતાં કે, આવું તો કેવી રીતે થાય ? મુશ્તાક જલિલીની સ્ટોરીમાં ય છેલ્લે છેલ્લે કંઇક નવું પણ આવ્યું હતું કે, પ્રણય-ત્રિકોણ હોવા છતાં, ફિલ્મના બાળકના એક બાયોલૉજીકલ ફાધર (સંજયખાન) અને બીજા કૅર-ટૅકર (પાલક) પિતા (બલરાજ સાહની) વચ્ચે સંભવિત ઘર્ષણનો અંત બલરાજની ચોખ્ખી કબુલાત કે હું બાળકનો પિતા નથી... તુ જ છે... પણ મેં સગા પુત્રની માફક એને ઉછેર્યો છે તો પ્લીઝ મને એનો પિતા રહેવા દે... એવા વળાંકથી આવે છે અને થોડાંક ઇમોશનલ પ્રસંગો પછી સંજય બલરાજને એની ખુશી પાછી આપી દે છે... અલબત્ત, ફિલ્મના અંતે તો ચીલાચાલુ ઍન્ડ મુજબ, ત્રીજાએ મારવાનું અને હીરો-હીરોઇનનું મિલન, એ જ વાત વાર્તાની સરળતા કદાચ પ્રેક્ષકોને આકર્ષી ગઇ હશે.

આ ફિલ્મ સફળ જવાનું ઘૂંઆધાર બીજું કારણ, એ દિવસોમાં ધાંયધાંય સૅક્સી અને સુંદર લાગતી સાધના શિવદાસાણીના રૂપનું ય હોય ! (...તે અમે બસ... અમથે અમથા નારીયેળ ફોડવા આ ફિલ્મ જોવા ગયા હોઇશું ? કામધંધા તો અમારે ય બીજા લાખો હતા, છતાં ફિલ્મ સાધનાની હોય એટલે વ્યવહાર સાચવવા ય જવું તો પડે... મિનિમમ, બે-ત્રણ વાર ! ન્યાતમાં આપણી ખોટી વાતો થાય એના કરતા જઇ આવવું સારૂં !) સાધનાનો જમાનો પૂરબહારમાં ચાલતો હતો. બીજી તમામ અભિનેત્રીઓ માં-બેન સમાન... કચકચ ના જોઇએ, પણ સાધના એક માત્ર હીરોઇન એવી હતી કે, એના રૂપમમાં ગ્લેમર હતું, જે સામાન્ય રીતે ફિલ્મોની વૅમ્પ (ખલનાયિકાઓ)માં હોય. ગ્લૅમરનો સાદો અર્થ કાઢીએ તો, પ્રેક્ષકોને એમની સીટમાં બેઠા બેઠા હળવળ-હળવળ કરી નાંખે ! ફિલ્મ ગમે તેવી હોય, પ્રેક્ષકોને ખેંચી લાવવાની સાધનામાં એ તાકાત બાકાયદા હતી. ઍક્ટિંગમાં પણ એ કોઇ કમ નહોતી. એને મોટે ભાગે હીરોઇન-ઓરિઍન્ટેડ વાર્તાઓ વાળી ફિલ્મો મળી છે.

યસ. ધી ડૅશિંગ ઍન્ડ હૅન્ડસમસંજયખાન કેમ બીજાઓ જેટલું ચાલ્યો નહિ, તેની ખબર હજી બીજા બસ્સો વર્ષો સુધી નહિ પડે. ખૂબસૂરત ચેહરો, ઘેધુર અને મીઠો અવાજ, સરસ મજાના હાઈટ-બૉડી અને ખાસ તો મૅચિંગ-કલર્સવાળા બેનમૂન કપડાં પહેરવાની એની સ્ટાઇલ મને તો ખૂબ ગમતી. આ ફિલ્મમાં એનો ભાઇ સમીરખાનપણ એક દ્રષ્યમાં દેખાય છે, જ્યારે સંજય તેના યારદોસ્તો સાથે સાધનાની છેડતી કરતા હોય છે. તિવારીનો છોકરો ભૂષણ તિવારી ય સાથમાં બેઠેલો દેખાય છે. (હવે આ, ‘‘તિવારી કોણ ?’’ એવું ના પૂછશો. બીજી કૉલમ વાંચવા માંડો, ઇ!) આ સમીરને કદાચ તમે જોયો હોય તો મીનાકુમારીવાળી ફિલ્મ ગોમતી કે કિનારેનો હીરો હતો. અકબરખાન અને ફિરોઝખાન મળીને બૉલીવૂડમાં આ ચારે ભાઇઓ ધી ખાન-બ્રધર્સ ઑફ જુહુના નામે ઓળખાતા હતાં.

ફિલ્મ એક ફૂલ દો માલીના એક ઇન્ટેગ્રલ પાર્ટ તરીકે ધી વન ઍન્ડ ઓન્લી’... ધી ગ્રેટ બલરાજ સાહનીને લીધે પણ ફિલ્મ ૪-૫ અઠવાડીયા વઘુ ચાલી હોય, એ બનવાજોગ છે. બહુ સરસ ઍક્ટર હતો. કમનસીબે, પૈદાયિશી બુઢ્‌ઢો લાગવાને કારણે એ ભરયુવાન હતો ત્યારે પણ હીરોના રોલ એને ભાગ્યે જ મળ્યા... નહિ તો ઍક્ટિંગમાં એ અશોક કુમાર, દિલીપ કુમાર કે પછી એ જમાનાના કોઇપણ ચરિત્ર-અભિનેતાઓથી ક્યાં કમ હતો ? દેવેન્દ્ર ગોયલે આવી સીરિયસ ફિલ્મમાં એક વાતનું મસ્તમજાનું ઘ્યાન રાખ્યું છે, જગ્યા-જગ્યા પર હળવી કૉમેડીના લસરકા મૂકવાનું. તમારામાંથી બહુ બધાને તો હવે યાદ પણ નહિ હોય કે, બ્રહ્મચારી નામનો એક આલા દરજ્જાનો કૉમેડિયન હતો. ઘણો ટૅલેન્ટેડ હોવા છતાં ચાલ્યો કેમ નહિ, એ આપણું નસીબ. આ ફિલ્મમાં એ, અગાઉ બે-ચાર ફિલ્મોમાં હીરોઇન તરીકે આવી ગયેલી અને બ્યુટી સાથેનું બહુ પરફૅક્ટ ફિગર ધરાવતી શબનમ સાથે છે. શબનમને હેમંત કુમારના નિર્માણ અને સંગીતમાં લતા મંગેશકરનું ગીત પ્યાર કી દાસ્તાં, તુમ સુનો તો કહે, ક્યા કહેગા ફિર યે જમાના, તુમ સુનો તો કહેં...ગાતા જોઇ હશે. અત્યારે મને બહુ યાદ નથી, પણ આ ગીત સન્નાટાનું હતું કે ફરારનું. શબ્બો પણ આ બેમાંથી કઇ ફિલ્મમાં હતી, તેની માથાકૂટમાં તમે નવરા પડો, ત્યારે કરી લેજો... મને આમાંથી બહાર કાઢો. મને શબ્બો ખૂબ ગમતી હતી, એટલું તમારે ઘ્યાનમાં રાખવાનું. (અશોક દવે,.... તમને કઇ કઇ હીરોઇનો ‘‘નહોતી ગમતી,’’ એનું એક લિસ્ટ જાહેર કરી દો, એટલે બાકીનીઓમાંથી અમે રાજીનામાં આપવા માંડીએ ! અમે થાકી ગયા છીએ. તમે કહેતા હો તો હવે અમે પંખો ચાલુ કરીએ !)

એક વાતની દાદ હીરોઇનોને મળવી જોઇએ. વર્ષોના વર્ષો સુધી સળંગ એ લોકો પોતાના ફિગર પરફૅક્ટ જાળવી રાખતી. પેટ પર ચરબીનો નાનો અમથો ય થર નહિ. આ વાંચવામાં લાગે છે એટલી સરળ વાત નથી. રૅગ્યૂલર કસરતો ઉપરાંત કેટલું બઘું ખાવા કરતા નહિ ખાવાનું ઘ્યાન રાખવું પડતું હશે ? સાધનાને તમે એની પહેલી ફિલ્મ લવ ઇન સિમલામાં જુઓ કે લગભગ છેલ્લી ફિલ્મ ઇન્તેકામમાં જુઓ... એનું એ જ અને એવું ને એવું પ્રમાણસર બૉડી. ક્યા બ્બાત હૈ ! યસ. ફિલ્મ સુપરહિટ જવાનું એક મનોહર કારણ કાશ્મિરના મનભાવન લોકેશન્સ અને કૅકી મિસ્ત્રીની સ્વચ્છ ફોટોગ્રાફી પણ હિસ્સેદાર હતી, પણ ફિલ્મના ગીતો આમ કોઇ સુપરડુપર હિટ ન કહેવાય, છતાં ગવાય છે આજ સુધી. ખાસ કરીને મન્ના ડેનું, ‘તુઝે સૂરજકહું યા ચંદા, તુઝે દીપ કહું યા તારા, મેરા નામ કરેગા રોશન, જગ મેં મેરા રાજદુલારાબહુ મીઠું ગીત હતું. સંગીત રવિનું હોય એટલે રફી સાહેબ તો, બાય ઑલ મીન્સ હોય જ. અમદાવાદમાં મળ્યા ત્યારે રવિ મને કહેતા હતા કે, રોજ સવારે ઍક્ઝૅક્ટ ૧૦-વાગે રફી સાહેબ મારા ઘરે આવી જ જાય. દસ મિનિટપણ વહેલા-મોડા નહિ... મુંબઇના ટ્રાફિકમાંથી આવવાનું હોવા છતાં. પણ સંગીત રવિનું હોય એટલે લતા મંગેશકર પણ ભાગ્યે જ હોય. રવિએ ઓપી કે આરડી જેટલો જ ફાળો આશા ભોંસલેની કરિયરમાં આપ્યો છે, પણ આશા ભોંસલેએ રવિના પ્રદાનને કેટલું ઍકનોલેજ કર્યું છે, એ તો દઇ જાણે ! પૅરડી-સૉંગ બનાવવાની રવિની માસ્ટરીને કારણે આ ફિલ્મમાં પણ ચલ ચલ રે નૌજવાન....પૅરડી ગીતમાં રવિએ પોતાના સિવાય પણ અન્ય સંગીતકારોના ગીતોની પંક્તિઓ લેવાની ખેલદિલી બતાવી છે. જો કે, નિખાલસતાથી કબુલ કરીએ તો રવિના શ્રેષ્ઠ સંગીતમાં આ ફિલ્મના ગીતો સો ટકા ન આવે. ફિલ્મનું ટાઇટલ ગીત તો એમણે પોતે ગાયું/લખ્યું અને કમ્પૉઝ પણ કર્યું છે, પછી ગીત ક્યાંથી ઉપડે ? ...આ તો એક વાત થાય છે. હિંદી ફિલ્મોમાં રાબેતા મુજબની ગરબડો તો રહેવાની જ. સાધના એની માં (દુર્ગા ખોટે સાથે કાશ્મિરમાં આજના ભાવ પ્રમાણે ય જોવા જઇએ તો ચાર કરોડ રૂપિયાના વિશાળ બંગલામાં રહે છે અને કામ કરે છે, સફરજનના બગીચામાંથી સફરજન વીણવાનું. વળી બુઘ્ધિની ય લઠ્‌ઠ (ફિલ્મોની ભાષામાં, ‘ભોલી ગાંવ કી ગોરી’) બતાવી છે. તારી ભલી થાય ચમના... ગામડાની ગોરીઓ આવી જ ભોળીઓ હોય તો, મૅરેજ પહેલા પોતાના થનારા છોકરાની મા શું કામ પૈણી નાંખે ? ખોટી વાત છે મારી ? એ જમાનાની ફિલ્મોમાં સૌથી ઓછું ઘ્યાન રખાતું હોય તો મૅઇક-અપનું ! ડૅવિડ અબ્રાહમના ચેહરાનો દરેક દ્રષ્યમાં મૅક-અપ એવો કરવામાં આવ્યો છે કે, ટાલ લિસ્સી અને કોરી કટ, પણ બાકીના ચહેરા ઉપર મૅઇક-ચપના લપેડાને કારણે, મોંઢા ઉપર ઢાંકણું નંખાવ્યું હોય એવું લાગે. 

વાર્તામાં ય અનેક વાતો ઇમ્પૉસિબલ લાગે, પણ આ તો ફિલમ છે...એમાં તો આવું જ હોયકહીને આપણે ચલાવી લઇએ. આવું થોડું-ઘણું ચલાવી લેવાના હો, તો ફિલ્મ એક ફૂલ દો માલીજોવા જેવી ખરી. 

No comments: