Search This Blog

01/02/2012

બૉલ ડાન્સ કરતી વખતે ઘ્યાનમાં રાખવાના મુદ્દા

હિંદી ફિલ્મો જોઇ જોઇને કેટલાક ભાવકોએ બૉલ ડાન્સ શીખવાની ઇચ્છા પ્રગટ કરી છે. બૉલ ડાન્સ પણ એક પ્રકારની યોગ સાધના હોવા છતાં, એમણે એટલું સમજવું જોઈએ કે, બૉલ ડાન્સ કોઈ બાબા રામદેવ કે કામદેવના યોગ-ભોગના કલાસમાં જવાથી ન શીખી શકાય. અહીં હું બેઠો છું, તમને નાનામાં નાની તાલીમ આપવા. આ નૃત્યકલા શીખવા માટે ભાવકોએ નીચે જણાવેલા મુદ્દાઓ ઘ્યાનમાં રાખવા.
  
(૧) બૉલ ડાન્સ કરવા માટે બે પાર્ટનરોની જરૂર પડે છે. એકલા-એકલા કે ૨૦-૨૫ના ટોળાને વળગીને બૉલ ડાન્સો ના થાય ! વઘુ આકરી શર્ત એ છે કે, આ નૃત્યકલામાં રસ ધરાવનારાઓમાં એક પુરુષ અને એક સ્ત્રી હોવા જોઇએ. બન્ને પાત્રો પુરૂષો કે બન્ને સ્ત્રીઓ હોય, તો ભૂજ, માંડવી અને સામખીયાળી બાજુના લોકો તો એ બન્નેની બાઓને બોલાવી લાવે છે અને બાજી ફિટાઉન્સ કરાવી દે છે. (બાઓને બૉલ ડાન્સ કરવા નહિ, આ બન્નેને સદ્‌બુદ્ધિ અલાવવા બોલાવાય છે.)

(૨) બૉલ ડાન્સ કરવા ઇચ્છુક નર-નારીઓની ઉંમરમાં સાસુ-જમાઇ જેટલા ડિફરન્સવાળી ન ચાલે. એ લોકોનું ઑલમોસ્ટ સરખી ઉંમરના હોવું જરૂરી છે. અહીં કોઇ મંદિરની આરતી નથી કરવાની, તે સાથે ઊભા રહીને ઘંટ વગાડો, એટલે આરતી પૂરી.... જસ્ટ શટ અપ...!

(૩) ફૅમિલી-ડૉક્ટરના દવાખાને વજન મફતમાં થાય છે. બન્ને પાત્રોએ વજન કરાવી લીધા પછી બૉલ ડાન્સ શરૂ કરવો. ઢોરત્રાસ અંકુશ વિભાગના વાર્ષિક અંકમાં જણાવ્યા મુજબ, તમે છ-ફૂટની હાઇટ-બૉડીવાળા હો અને સામે ઊભેલી ટીટૂડીના આખા ફૅમિલીનું વજન ૪૧-કીલો થતું હોય, તો એની સાથે બૉલ ડાન્સ કરવાને બદલે, એને બે હાથે ઉંચકી લઈ, હવામાં બે-ત્રણ વખત ઉછાળીને, ‘હા... લુલુલ્લુઉઉઉઉ...બોલતા બોલતા પાછી ઝીલી લેવી... નહિ ઝીલો, તો ય આટલા બૉડીમાં એને કાંઇ વાગશે નહિ. યાદ રાખો દોસ્તો કે, તમારી સાથે ડાન્સ કરનારી મહિલાની ઉંમર ભલે ૨૫-૩૦ની હોય, પણ આખા શરીરનું વજન પણ એટલું જ હોય ને એની સાથે બૉલ ડાન્સ કરો, એમાં તો છોકરૂં બગડી જાય... ખરાબ સંસ્કાર પડે.... ભૈયો એક પાણી-પુરી ઓછી આલે....! આ તો એક વાત થાય છે.... (ખરાબ સંસ્કારો પડવાની વાત તમારી થાય છે... એની નહિ !)

એવી જ રીતે, શાસ્ત્રોમાં કહ્યું છે કે, બહુ બટકી મહિલાને છૂટા નથી બેન... આગળ જાઓકહીને વિદાય કરી દેવી, પણ એની સાથે કદી બૉલ ડાન્સ ન કરવો.... બૉલ ડાન્સ જ નહિ, કોઈ પણ ડાન્સ ન કરવો.

(૪) બૉલ ડાન્સ જમીન પર ઊભા ઊભા જ થઇ શકે છે. બેઠા બેઠા કરવાના બૉલ ડાન્સો અંગે બાબા કામદેવ જેવા ભોગગરૂજીઓ આઘ્યાત્મિક ઢબે થઇ શકતા બૉલ ડાન્સોનો વિચાર કરી રહ્યા છે. હાલમાં ઘેર બેઠા બેઠા કે સુતા સુતા કરવાના બૉલ ડાન્સોનો વિચાર ન કરવો. દા.ત. બન્ને પાત્રો સામસામે બેસી, પલાંઠી વાળીને કદાપિ બૉલ ડાન્સ કરી શકે.

(૫) બૉલ ડાન્સમાં સંડોવાવા માંગતા ભાવકોએ સવારથી કાંદા-લસણ બંધ કરવા જોઇએ. હસતી વખતે દાંતમાં દેખાતા ફોતરાંનો પણ સમયસર નિકાલ કરવો હિતાવહ છે. ઘણાના તો નાકમાંથી વાળ નીકળતા દેખાય છે, જે બૉલ ડાન્સ પદ્ધતિ માટે અત્યંત હાનિકારક છે.

(૬) બૉલ ડાન્સનો વિચાર કુસ્તી જેવી દેસી રમતોમાંથી ઉદ્‌ભવ્યો છે, જેમાં પગની આંટી મારવી અને બૅલેન્સ જાળવવું મુખ્ય પકડદાવો મનાયા છે. પણ ડાન્સ કરતી વખતે ગબડી નહિ પડવાનું.

(૭) આવો ડાન્સ કરતી વખતે બેનની કમરે પણ હાથ ફેરવવાનો હોય છે. એમની કમરમાં ગલીપચી થઇ ન જાય. ગલીપચી આમ તો મીઠી લાગે અને બહુ હસાવે... બહુ હસાવે ! આપણને કોક કરી આલતું હોય તો મજો ઘણો પડે, પણ અહીં એની જરૂર નથી.

(૮) યૂ સી... બૉલ ડાન્સ ચાલુ થઇ ગયો હોય ને સ્પીડ પકડાઇ ચૂકી હોય, પછી એકબીજાની સામે ફક્ત જોયે રાખવાનું હોય છે, વાતો નહિ કરવાની. મૅક્સિમમ, એકબીજાને ઝીણકું-ઝીણકું સ્માઇલ આપતા રહો. વાત કરવી જ પડે એમ હોય, તો ધીમા છપછપ આવજે એના કાનના બુટીયાના વખાણ કરો, એના સ્માઇલના વખાણ કરો, એની મૂછોના વખાણ કરો (સ્ત્રી હોય ને મુછો હોય તો પણ વખાણ નહિ કરવાના !.... એમાં તો પેલી ગીન્નાઈને બચકું-ફચકું ભરી લે, તો ૧૪-ઇન્જેકશન લેવા પડે !) યસ, અફ કૉર્સ.... બાજુમાં ડાન્સ કરતું ફ્રીજ વધારે ગમી ગયું હોય તો બી એની સામે નહિ જોવાનું... ભલે એનું હૅન્ડલ વધારે સારૂં હોય, કલર બરોબરનો ઉઘડ્યો હોય, ડીપ-ફ્રીજ તો એકદમ સારૂં હોય, છતાં આને છોડીને એની પાસે ચકરભમ-ચકરભમ કરવા નહિ જવાનું.

(૯) દરેક શુભ કાર્યનો પ્રારંભ પ્રભુના નામ-સ્મરણ સાથે થાય છે, એ બધી વાત સાચી, પણ બૉલ ડાન્સની શરૂઆત જૈન સ્તવનો ગાતા ગાતા, ગાયત્રી મંત્રો જપતા-જપતા કે શ્રીકૃષ્ણ શરણમ્‌ મમઃના મંત્રજાપથી ન થાય. આ બઘું સવારે ઘેરથી પતાઇને આવવાનું. અહીં આવ્યા પછી ભગવાનોને ભૂલી, આપણાવાળીની આંખોમાં આંખો નાંખી ગોળ ગોળ ધૂમે રાખવાનું. ઇશ્વર સહુ સારાવાનાં કરશે. જો કે, એટલી છુટ મળશે કે, સામેવાળું પાત્ર રદબાતલ ક્વૉલિટીનું આઇ ગયું હોય તો, ચાલુ ડાન્સે શ્રીમહામૃત્યુંજયના જાપ કરી શકાશે.

(૧૦) બૉલ ડાન્સ કરવાથી મન, આત્મા અને શરીર પવિત્ર થાય છે, આત્માનો પરમાત્મા સાથે સેતુ રચાય છે અને ખાસ તો, મનની ગંદકી દૂર થાય છે, એ બધી વાતો સાચી, પણ ઘેરથી નહાઇને જ આવવાનું.

(૧૧) જે સ્ત્રી સાથે બૉલ ડાન્સ કરતા હો, એને કાંઇ માનથી બોલાવવાની ન હોય, ‘‘કાન્તાબેન, કૃપા કરી હવે પછી ગાજરનો સૂપ પીને ડાન્સ કરવા ન આવશો... ઘચરકા મને આવે છે !’’ કાન્તાડીને તુંકારેજ બોલાવવાની હોય, એટલું જ નહિ, એના દેસી નામનું અંગ્રેજીકરણ કરીને કાન્તામાંથી સીધી કૅન્ટજ કરી નાંખવાની હોય. સદ્‌ભાવના મિશનગાંધીનગરમાં સારા લાગે, બૉલ ડાન્સોમાં નહિ ! એ ડાન્સ-ફલૉર પર આવે એટલે, ‘હાય કૅન્ટ...કહીને બોલાવાય... ‘‘કેમ છો કાન્તાબેન.... બા મઝામાં... બાપુજુનો પગ મટી ગયો ?’’ એવા વિવેકો પ્રગટ કરવાના ન હોય.

(૧૨) હિંદી ફિલ્મોની પાર્ટીમાં આ પ્રકારનું નૃત્યમાં ભાગ લઇ રહેલી હીરોઇન જે કોઇ સાથે બૉલ ડાન્સ કરતી હોય, તે લલ્લુને ખસેડીને ફૉર્મ ભર્યા વગર બીજો ગોઠવાઇ જાય છે. નિયમાનુસાર, આમાં પહેલા વાળો વિરોધ નોંધાવી શકતો નથી. (ઘણા તો આનાથી છૂટવા માંગતા હોય છે, એટલે કોઇ એને જામીન પર છોડાવવા આવે તો, ‘‘ઘાત ગઈ...’’ સમજીને આઘો ખસી જાય છે.) ઘણી ફિલ્મોમાં તો, સૌરાષ્ટ્રની મેહમાનગતીની જેમ નવા આવેલાને હીરોઇન સ્મિત સાથે આવકારે છે ને હીરો મોઢું વકાસતો ઊભો રહી જાય ને પિયાનો વગાડતો વગાડતો કરૂણ ગીત ગાય છે, ‘‘યહાં મૈં અજનબી હૂં... હોઓઓઓ !’’ આ પદ્ધતિથી આપણે એટલો જ બોધ લેવાનો કે, સ્ત્રી અને રીક્ષા... જતી રહે તો ચિંતા નહિ કરવાની... એકના ગયા પછી બીજી આવતી જ હોય છે !... બન્નેમાં મીટર જોઇને બેસવાનું હોય છે.

(૧૩) ઘણીવાર હૅવી-બૉડીની મહિલા સાથે બૉલ ડાન્સ કરવાનો આવે, ત્યારે આપણે એને ખસેડી/હલાવી/ખેંચી શકતા નથી ને પ્રગટાવેલી હોળીની ગોળ ગોળ ફરીએ, એમ એ મહિલાની ચારે બાજુ ધુમ્મર ધુમ્મર ફરવું પડે છે. એમાં જાહેરમાં આપણી નૉટ છપાઇ જાય છે. આવા સંજોગોમાં અનુભવી જાતકો પેલા ઝાડની ભલે ગોળ ગોળ ધુમે રાખે, પણ એક ચક્કર પૂરૂં કરીને પાછા આવ્યા બાદ, એના શ્વાસોશ્વાસની હડફેટે નહિ ચઢવાનું. ધક્કાથી ક્યાંક આપણું ગળું-બળું પડી જાય !

(૧૪) બૉલ ડાન્સ હંમેશા ચમકતા-દમકતા પાર્ટી-શૂઝ પહેરીને જ થાય, સ્લિપર કે સ્પૉટ્‌ર્સ-શૂઝ પહેરીને નહિ. કબડ્ડી અને બૉલ ડાન્સ વચ્ચે ફેર રહેવો જોઇએ.

(૧૫) જગતના કોઇપણ સ્થળે બૉલ ડાન્સ કરવાના હો.... તમારી વાઇફ જોઇ તો નહિ જાય ને.... એ કાળજી રાખશો તો કદી તકલીફ નહિ થાય.

સિક્સર
કહે છે કે, રીંછ બહુ ઘાતકી પ્રાણી છે... તે હશે! લાસ્ટ વીક, અમે ૧૨ ૧૩ જણા રતન મહાલના જંગલોમાં ટ્રેકિંગ કરવા ગયા, ત્યારે એક પણ રીંછ અમારી પાસે આવ્યું નહોતું... કહે છે કે, રીંછો ગભરાઇને અમારી તરફ ફરક્યા નહોતા!

No comments: