Search This Blog

11/02/2012

જબ જબ ફૂલ ખીલે

ફિલ્મ જબ જબ ફૂલ ખીલે’ (૬૫)
નિર્માતા : સેઠીયા બ્રધર્સ
નિર્દેશક : સૂરજ પ્રકાશ
સંગીત : કલ્યાણજી-આણંદજી
સહાયકો : લક્ષ્મીકાંત- પ્યારેલાલ
રનિંગ ટાઇમ : - 
થીયેટર : એલ. એન. (અમદાવાદ)
કલાકારો : શશી કપૂર, નંદા, આગા, કમલ કપૂર, શમ્મી, ભારત ભૂષણ, ભલ્લા, મિર્ઝા મુશર્રફ, મૃદુલા, પ્રયાગ રાજ, જતિન ખન્ના માસ્ટર શાહિદ અને બેબી ફરિદા 

ગીતો
૧ મૈં જો ચલી હિંદુસ્તાન સે તો જા પહુંચી અમરિકા લતા મંગેશકર
૨ પરદેસીયો સે ના કહીયાં મિલાના લતા મંગેશકર
૩ પદેસીયોં સે ના કહીયાં મિલાના મુહમ્મદ રફી
૪ અફકૂ ખુદા.. સિ દિવાને દિલ ને કયા જાદુ ચલાયા મુહમ્મદ રફી
૫ યહાં મૈં અજનબી હૂં, મૈં જો હૂં, બસ વો હી હૂં મુહમ્મદ રફી
૬ ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે, કરના થા સુમન-રફી
૭ એક થા ગુલ ઔર એક થી બુલબુલ મુહમ્મદ રફી
૮ યે સમા, સમા હૈ યે પ્યાર કા, કિસી કે ઇન્તેઝાર કા લતા મંગેશકર
૯ પરદેસીયોં સેના કહીયાં મિલાના (શોક) મુહમ્મદ રફી

તમે પર્સનલી બહુ દુઃખી હો અને ધંધે-ધાપે સમટાઇ ગયા હો, તો આગળની લાઇફ કેવી જીવવી જોઈએ, એ માટે મહાત્મા ગાંધી કે મોરારી બાપૂ શું કહે છે, એ જોવા જવાની જરૂર નથી. તમને મૂડમાં લાવવા જ નહિ, પાછા બેઠા કરવા એકલો શશી કપૂર જ કાફી છે. આ કોઇ મજાક થઇ રહી નથી. શશી કપૂર વાસ્તવમાં એવું જીવન જીવી ગયો છે કે મારે-તમારે બધાને કામમાં આવે.

જુઓ. અહીંથી કરીએ શરૂઆત.

હિંદી ફિલ્મોનો હીરો બનવા માટે એ જમાનામાં બીજા કોઈ માણસ પાસે જે માલ પડ્યો ન હોય, એ બધો શશી બાબાના ગોડાઉનમાં પડયો હતો. ફૂલગુલાબી હેન્ડસમ ચહેરો, છ-ફૂટના પરફેકટ ફિગર સાથે હાઇટ-બોડી, એકટિંગ તો એ છ વર્ષનો હતો ત્યારથી પાપા પૃથ્વી રાજના નાટકો અને મોટા ભઇ રાજ કપૂરની ફિલ્મોમાં કરતો, એટલે એ તો બ્લડમાં હતી. પ્લસ, રાજ કપૂર અને શમ્મી કપૂર જેવા ભાઈઓ હોય, એટલે ફિલ્મોમાં ધુસ મારવાની તો કોઇ ચિઠ્ઠી-ચપાટીની જરૂર ન પડે ! એક અમિતાભ બચ્ચનને બાદ કરતા, આજ સુધીનો બીજો એકેય હીરો શૂટિંગ માટે પહોંચવામાં શશી કપૂર જેવો કોઇ નિયમિત નહિ. બીજા હીરો જેટલો એ કાંઇ મસ્સમોટો ચાર્જ પણ નહોતો લેતો.

આ બધો જોરદાર માલસામાન પડયો હોવા છતાં. રામ જાણે કયું ગ્રહણ આ છોકરાને લાગી ગયું કે, આખા વર્ષમાં શશી કપૂરની સરેરાશ માંડ એક ફિલ્મ આવે અને એ ય ફલોપ-એટલે કે, બોક્સ-ઓફિસ ઉપર મૂંઢમાર ખાઇ ખાઇને પિટાઇ જાય. આવી મનહૂસ કૂંડળીને કારણે એ જમાનાની ખૂબ સફળ હીરોઇનો આશા પારેખ, નૂતન, વહિદા, મીના કુમારી, માલા સિન્હા અને સાધનાઓ એની સાથે ફિલ્મ કરવા તૈયાર ન થાય. કોઇ નિર્માતા આ છોકરીઓના ઘેર ગયો હોય-પોતાની ફિલ્મમાં હીરોઇન બનાવવા ને ખબર પડે કે, હીરો તો શશી કપૂર છે એટલે કોઇની શેહશરમ રાખ્યા વિના ચોખ્ખી ના જ પાડી દેવાની. હીરો કોઇ દૂસરા લે લો.. શશી નહિ ચલેગા..

એટલે માંડ એક સારી ફિલ્મ મળતી હોય, એ ય હાથમાંથી જાય. બસ, એક માત્ર નંદા દોસ્તીના દાવે તૈયાર થતી. (તમને એવું લાગી શકે કે એમાં કયો મોટો ઉપકાર કરે છે ? પૈસા તો શશી સાથે ય કામ કરવાના એટલા જ મળવાના છે ને ?)

સોરી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ એક ધંધો છે. એમાં સફળતા-નિષ્ફળતા પહેલી જોવાય-ઇવન સહકલાકારોની પણ ! અહીં તો વર્ષમાં એક ફિલ્મ આવે અને તે ફકત નંદા સાથે ને એ ય પાછી ફલોપ જાય. શશી કપૂરથી તો બદનસીબી ય દૂર ભાગતી હશે કે, આની પાસે જઇશું તો લોકો આપણનેય બદનસીબ ગણશે..!

હવે આપણા કામની વાત. વર્ષોના વરસ આવું ચાલ્યું અને અચાનક એક સુંદર સવારે સૂરજ સફળતાનો ઊગ્યો. શશી-નંદાની એક નવી ફિલ્મ જબ જબ ફૂલ ખીલેઘૂમધામ સફળ થઇ. મહિનાઓ સુધી થીયેટરોમાં ટિકીટ ન મળે ગીતો તો ગીતો ય એવા ઉપડયા કે, કલ્યાણજી- આણંદજીની ડૂબતી હોડી તરી ગઈ. ફિલ્મ બનાવનાર નિર્માતાઓ મહેલોમાં રહેતા થઇ ગયા.. નંદાનું નામ તો હતું ય જોરમાં, એમાં વઘુ ચકચકિત થયું.

બસ.. એક આ જ આપણા ભોલુરામ, હતા ત્યાંના ત્યાં રહ્યા. ફિલ્મની સફળતાનો પૂરો યશ કોઇએ નંદાને આપ્યો, કોઇએ કલ્યાણજી-આણંદજીના સંગીતને આપ્યો તો કોઈએ કાશ્મિરના મનોહર દ્રષ્યોની રંગબિરંગી ફોટોગ્રાફીને. શશી કપૂર ને તો કોઇ ગણતું ય નહોતં કે આ ફિલ્મમાં હતો કે નહિ.. ! બોલો કેવી બદનસીબી ? ને તોય હંમેશની માફક એ હસતો ને હસતો. બીજી નવી ફિલ્મો નંદાને મળવા માંડી.. શશી બાબા ઠેર ના ઠેર.. !

અને આખરે પહેલીવાર સદનસીબે સપાટો બોલાવ્યો. શશી બાબાના ભાગ્ય રાતોરાત ઉઘડી ગયા. ૧૫-૨૦ વર્ષોની વફાદારીથી ચાલી આવતી કમનસીબી આખરે ગઇ તો કેવી ગઈ.. ! આટલા વર્ષોની તમામ ખોટ પૂરી કરી આપી. ફિલ્મ ચોર મચાયે શોરપૂરજોશ ઉપડી અને કરોડો રૂપિયા ખેંચી લાવી. બધા કમાયા, ખૂબ કમાયા. થોડું શસી પણ કમાયો, પણ એને આનંદ કમાવવાનો નહોત.. જીગરમાં ખુશી મ્હાંતી નહોતી એક જ કારણથી કે, ફિલ્મની તોતિંગ સફલતાનો એક માત્ર યશ ફકત શશીકપૂરને મળ્યો. ફિલ્મમાં હીરોઇન મુમતાઝ હોવા છતાં, જેની તો હરહંમેશ હરએક ટોપ-કલાસ સફળ જ હોય. શશીના સુદંર દિવસો રાતોરાત શરૂ થઇ ગયા. આખી જીંદગીમાં તદ્‌ન પહેલી ફિલ્મ આટલી સફળ થઇ હતી ને એનો બઘ્ધો જશ એને એકલાને મળ્યો હતો, એમાં તો નિર્માતાઓ એઓને બૂક કરવા સાચા અર્થમાં એના ઘેર લાઇનમાં ઊભા રહેવા માંડયા હતા. કમાવવાનું પહેલી વાર આવ્યું હતુ, પછી એ ય કાંઇ છોડે ? એણે આડેધડ જે આવે એ બધી ફિલ્મો સાઇન કરવા માંડી.. છેલ્લા ૨૦-વર્ષોમાં એની ટોટલ ૨૦-ફિલ્મો નહોતી આવી, એ શશીબાબાએ એકસાથે કોઇ ૨૦૦-ફિલ્મો સાઇન કરી નાંખી.. પૈસો પાવડા ભરી ભરીને ઘરમાં ઠલાવતો હતો..!

કમનસીબી હારી ગયેલા આપણામાંથી હરએકને જોર ઉપડે કે, એક દિવસ શશી કપૂરની જેમ આપણો ય સિતારો બુલંદી પર હશે. બુરે દિન ભી લમ્બે નહિ ચલતે !

બસ. હવે આગળનું આપણામાંથી કોઇએ નહિ વાંચવાનું.

શશીના કેસમાં અચ્છે દિન ભી લમ્બે નહિ ચલે. દસેક વર્ષ તો ભરપૂર કમાણી કરી લીધા પછી, ફરી પાછા તબિયતની જેમ દિવસો પણ બગડયા. ફિલ્મો ફલોપ જવા માંડી. શબાના આઝમી સાથે પરણી જાય. એવું લફરું શરૂ થયું. શબાના આઝમી કોઇપણ ભોગે શશી કપૂર સાથે પરણવા માંગતી હતી. ગોરી પત્ની જેનીફર મૃત્યુ પામી. પાપા પૃથ્વીરાજની યાદમાં બનાવેલી પૃથ્વી થીયેટર્સને ટકાવવાના ફાંફા પડવા માંડયા. ભવિષ્યનો આધાર એવા ત્રણમાંથી એકે ય સંતાનો કયાંય ન ચાલ્યા. એક તબક્કે તો શશી કપૂરની પુત્રી સંજનાને પૃથ્વી થીયેટર્સને ટકાવી રાખવા માટે ફાળો ઉઘરાવવા નીકળવું પડયું. હતુ.

હવે થોડા ટાઇમ બચ્યો છે, તો ફિલ્મ જબ જબ ફૂલ ખીલેની વાતો કરીએ.

પરદેશથી પાછી આવેલી નંદા વેકેશન ગાળવા કાશ્મિર જાય છે. જયાં શિકારા ફેરવતા શશી કપૂર સાથે પ્રેમ થઇ જાય છે, પણ એક સામાન્ય અજાણ્યા શિકારાવાળા સાથે પોતાની દીકરીનો સંબંધ માં-બાપને પસંદ ન પડતા પિતા (કમલ કપૂર) દીકરીની જીદ આગળ નમતું જોખવાને બદલે કારસો રચે છે. ભારતીય પરંપાર મુજબ, કોઇ પુરુષ એની પત્નીને ગૈર મર્દની બાંહોમાં જોઇ ને કે, એનો લાભ લઇને કમલ કપૂર પોતે યોજેલી પાર્ટીમાં વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત નંદાને બૉલ-ડાન્સ કરાવે છે, જે ભારતીય શશી કપૂરને સહન થતું નથી. અને એ નંદાને નફરત કરવા લાગે છે. બસ, થોડી નાટકબાજી પછી બંને ભેગા થઇને થૂઇ-થપ્પા રમી લે છે જય હિંદ.

શશી કપૂરની કોઇપણ ફિલ્મમાં એક વખત એ વ્હાઇટ-ડ્રેસ પહેરે જ. અમે સ્કૂલમાં હતા, ત્યારે અશોક સિનેમાના ગલીમાંથી ફિલ્મ સ્ટારોના સરનામાની ચોપડી લઇ આવીને મારા મોસ્ટ ફૅવરિટ શશી કપૂરને પત્ર લખ્યો.. ને કયા બ્બાત હૈ...! તાબડતોબ જવાબ આવી ગયો, એના રંગિન ફોટા સાથે, જેમાં એ સ્ટાર્ક-વ્હાઇટ શૂટમાં એક ઝાડ નીચે બેઠો છે. મોટા થઇને પત્રકાર થયા પછી તો એ જ શશી કપૂરને ઓફિશિયલી મળવા ગયો, એનું જોઇને હું પણ સપ્તાહમાં એક દિવસ (બુધવારે) સફેદ કપડાં પહેરતાં થઇ ગયો, એ વાત મેં એને કરી, એ સાંભળી ને એ ખૂબ હસ્યો હોવાનું યાદ છે. ફિલ્મના શૂટિંગ દરમ્યાન મુંબઇના મરિન લાઇન્સના રસ્તાઓ ઉપર ઍમ્બેસેડર, ફિયાટ એ બહુ બહુ તો સ્ટેન્ડર્ડ-હેરલ્ડ ગાડીઓ જ જોવા મળે છે. ૬૫ની હતી, એટલે ઇવન મુંબઇમાં ય હજી ઇમ્પોર્ટેડ ગાડીઓ દેખાતી નહોતી. જો કે, આખા દેશની સૌથી પહેલી BMW મુંબઇમાં આવી ગઇ હતી.. ગાડીઓના નંબરની સીરિઝ BMW, BMZ અને BMA હતા, તે !

એ જમાનામાં એક શૂટ સિવડાવો મોટા લોકોમાં ય કેટલી મોટી વાત હતી કે, ફિલ્મ રીલિઝ થયા પછી દિગ્દર્શક સૂરજ પ્રકાશને એના દોસ્ત શશી કપૂર સાથે ફિલ્મ કેટલા સપ્તાહ ચાલશે, તેની શરત લાગી. શશીબાબા પોતાના કંગાળ ફોર્મને આધારે બોલ્યા, ‘આઠ અઠવાડીયાસામે પેલાએ ૨૫-કીધા.. ખોટા બંને પડયા કારણ કે, કેટલાક થીયેટરોમાં આ ફિલ્મે ૫૨-અઠવાડીયા પૂરા કર્યા.. ૨૫-૨૫ તો લગભગ બધે. બંને હાર્યા એટલે બંનેએ એકબીજાને ઇમ્પોર્ટેડ Burlington'sના શૂટ ભેટ આપ્યા.

પ્રોબ્લેમ એ જમાનાની તમામ હીરોઇનોના માથે હતો. રંગિન ફિલ્મો તાજી તાજી આવી હતી અને ફિલ્મની હીરોઇનો પણ આદર્શ ભારતીય નારીમાંથી જરા વૅસ્ટર્ન બની રહી હતી, એટલે પેલી ટિપીકલ ચોટલા-અંબોડાવાળી હેર-સ્ટાઇલોને બદલે બધી હીરોઇનોએ માથે વિગ પહેરવા માંડી હતી. એના ઉપર હેર-સ્પ્રે કરે, એટલે ચોંટેલી/જામી ગયેલી લટો સાથે બધીઓ ભૂંડીભૂખ જેવી દેખાતી. એમાં પાછા ડ્રેસ ચુસ્ત ચપોચપ પંજાબી ચાલુ રહ્યા હતા. નંદા ય આજના સંદર્ભમાં તો મણીબેન જ લાગે છે.

ઓહ.. પણ આપણો શશી બિલકુલ ફલેમબોયન્ટ અને ડેશિંગ લાગે છે. પેલા ખૂબ મઘુરા રફી સાહેબના ગીત એક થા ગુલ ઔર એક થી બુલબુલ...માં નંદાને ઘોડા પર બેસાડીને લગામ પકડીને ચાલતા શશીની ચાલ જોવા જેવી છે. આ ફિલ્મમાં નંદાના મંગેતરનો રોલ કરનાર એકટરનું નામ જતિન ખન્ના હતું. પરિણામે રાજેશ ખન્નાને પોતાનું નામ જતિનબદલીને રાજેશરાખવું પડયું હતુ. કોમેડિયન આગા અને ચમચા તરીકે ભલ્લા પાસે એક પણ વખત હસવું ન આવે એવી ફાલતુ કોમેડી કરાવી છે. બોમ્બે ટોકીઝના જમાનાનો કોમેડિયન મિર્ઝા મુશર્રફ ઇંગ્લિશ બોલીને તરત એનો હિંદી તરજૂમો કરીને કોમેડી કરતો, એ અહીં રીપિટ કર્યું છે. જહૉની મેરા નામમાં હેમા માલિનીની માં બનતી એક જમાનાની હીરોઇન મૃદુલા અહીં નંદાની માં બને છે. રાજ કપૂરનો પિતરાઇ ભાઇ કમલ કપૂર કાશ્મિરી બોટવાળાના રોલને સાર્થક કરવા શશી કપૂર મહિના સુધી કાશ્મિરમાં બોટવાળાઓની સાથે રહ્યો હતો. જેથી એ લોકોની રીતભાત અને બોલચાલની સ્ટાઇલ શીખી શકાય.

શ્રીનગરમાં આ ફિલ્મના શૂટિંગ જોવા આવતા એક મહારાષ્ટ્રીયન લ્યૂટેનન્ટ-કર્નલ નંદાના પ્રેમમાં પડી ગયા હતા અને દિગ્દર્શક સૂરજ પ્રકાશ દ્વારા માંગુ નાંખ્યું હતું, જે નંદાએ પાછું ઠેલ્યું હતું.

ફિલ્મનું એક દ્રષ્ય સાચ્ચે જ વાસ્તવિક હતું. જેમાં શશી કપૂરની કોઈ નાનડી ભૂલ થઇ ગઇ હોત, તો નંદાને જાન ગૂમાવવો પડત. ફિલ્મના આખરી દ્રષ્યોમાં મુંબઇ-સેન્ટ્રલ પર શૂટિંગ થયું હતું, જેમાં ડાયરેકટર સૂરજ પ્રકાશે ચાલતી ટ્રેને શશીએ નંદાને એકઝેકટ કઇ જગ્યાએ, કયા ટાઇમે ટ્રેનમાં ખેંચી લેવી તેની ચોકક્સ સૂચનાઓ આપી હતી, જે શશીએ કોઇપણ ભૂલ કર્યા વિના પાળી, પણ સ્પીડ પકડી ચૂકેલી ટ્રેનમાં ચઢતા પહેલા નંદા માટે કોઇ થોડા ફૂટ જ પ્લેટફોર્મનો છેડો રહી ગયો હતો. સૂરજ પ્રકાશ પોતે એટલા હેબતાઇ ગયા હતા કે, નંદા ટ્રેનમાં ચઢે તે પહેલાં જ બીકમાં આંખો બંધ કરી દીધી હતી. અંતિમ દ્રષ્યને મેં ઘેર ડીવીડી મંગાવીને સ્લો-મોશનમાં અનેકવાર જોયે રાખ્યું. બિલકુલ વાસ્તવિક દ્રષ્ય છે. નંદાને બદલે કોઇ ડબલને ચાલુ ટ્રેન સાથે દોડાવી નથી. સાવ આસાનીથી જોઈ શકાય છે કે શશીએ નંદાને ટ્રેનમાં ખેંચી લેવામાં ૩ સેકન્ડની ભૂલ કરી હોત તો...!

જબ જબ ફૂલ ખીલેરીલિઝ થયાના ૩૧-વર્ષો પછી આમિર ખાન અને કરિશ્મા કપૂરને લઇને નિર્માતા સુનિલ દર્શને રાજા હિન્દુસ્તાનીબનાવી નાંખી હતી, જેની કોઇ ક્રેડિટ મૂળ ફિલ્મવાળાઓને આપવાનું સૌજન્ય દાખવ્યું નહતું.

પણ ફિલ્મનું સંગીત સદીઓ સુધી અમર રહી જાય એવું છે. પાછળથી તો કલ્યાણ-આણંદજીને લતા અને રફી બંને સાથે બોલવાના સંબંધો રહ્યા નહોતા, પણ સહાયક લક્ષ્મીકાંત-પ્યારેલાલની સહાયથી આ ફિલ્મમાં સંગીતની બહુ મોટી મેહરબાની થઇ છે. લિસ્ટ વાંચી જુઓ. એકે ય ગીત તમને ઓછું ગમે એવું છે ખરૂં ? લતા મંગેશકરના નામે ચઢેલું મૈં જો ચલી હિંદુસ્તાન સે તો જા પહુંચી અમરિકાડીવીડીમાં તો દેખાતું નથી. હું બહુ બૂઢ્ઢો થઇ ગયો ન હોઉં તો, ’૬૫માં આ ફિલ્મ આવી ત્યારે ય આવું કોઇ ગીત હોવાનું જાણમાં નથી. ડીવીડી-માં તો પરદેસીયોં સે ના કહીયાં મિલાના..નો લતાનો આખેઆખો પાર્ટ જ નથી કે રફીનો આ ગીતનો શોકગ્રસ્ત ભાગ પણ નથી.


ફિલ્મ હજી પણ જોવા જેવી છે.

No comments: