Search This Blog

17/02/2012

હસિના માન જાયેગી (’૬૮)

ફિલ્મ : હસિના માન જાયેગી (૬૮)
નિર્માતા : મંગતરામ ફિલ્મ્સ
નિર્દેશક : પ્રકાશ મેહરા
સંગીત : કલ્યાણજી- આણંદજી
ગીતકાર : લિસ્ટ મુજબ
રનિંગ ટાઇમ : ૧૬૫ મિનિટ્‌સ (૧૮ રીલ્સ)
થીયેટર : લક્ષ્મી (અમદાવાદ)
કલાકારો : શશી કપૂર, બબિતા શિવદાસાણી, જ્હોની વૉકર, અમિતા, મનમોહન કૃષ્ણ, નિરંજન શર્મા, હરિ શિવદાસાણી, ભલ્લા, સપ્રુ, ભોલા, યુનુસ પરવેઝ અને બ્રહ્મ ભારદ્વાજ.

ગીતો 
૧. ઓ દિલબર જાનીયે, તેરે હૈ હમ તેરે મુહમ્મદ રફી (પ્રકાશ મેહરા)
૨. ચલે થે સાથ મિલકર, ચલેંગે સાથ મિલકર, તુમ્હે રૂકના મુહમ્મદ રફી (અખ્તર રોમાની)
૩. બેખુદી મેં સનમ, ઉઠ ગયે જો કદમ, આ ગયે આ ગયે લતા- રફી (અખ્તર રોમાની)
૪. દિલબર દિલબર કહેતે કહેતે, હુઆ દિવાના લતા રફી (કમર જલાલાબાદી)
૫. સુનો સુનો, કન્યાઓ કા વર્ણન કરતા હૈ યે જ્ઞાની... રફી- મહેશ કનોડિયા (પ્રકાશ મેહરા)
૬. મેરે મેહબૂબ મુઝે ઇતના બતા દે, મૈં કુંવારા મરૂંગા યા આશા- મન્ના ડે (કમર જલાલાબાદી)

જે પ્રકાશ મેહરાએ અમિતાભ બચ્ચનની અદ્‌ભુત ફિલ્મ શરાબીબનાવી, એ જ પ્રકાશ મેહરાએ વર્ષો પહેલા શશી કપૂરની હસિના માન જાયેગીજેવી નામ પરથી ફાલતુ લાગે, છતાં મનોરંજનના ધોરણે ખાસ્સી મજાની અને મઘુરા ગીતોની ફિલ્મ બનાવી હતી. પ્રકાશ દિગ્દર્શક જેટલો જ લેખક તરીકે મજ્જાનો. ફિલ્મી માપદંડો મુજબ મજબૂત એણે બનાવેલી એકે ય ફિલ્મ ક્લાસિકનહોતી, છતાં સમય- સમયના પ્રેક્ષકોની રૂચિ મુજબ સફળ ફિલ્મો બેશક બનાવી, એમાં આ હસિના માન જાયેગીચોક્કસપણે બમ્બઇયા લિંગોમાં પૈસા વસૂલફિલ્મ હતી. ફિલ્મ પાછી આજે ય થોડી ઘણી યાદ રહી ગઈ હોય તો કલ્યાણજી- આણંદજીના બે ગીતોને લીધે, ‘બેખુદી મેં સનમ, ઉઠ ગયે જો કદમ આ ગયે પાસ હમઅને ચલ થે સાથ મિલકર, ચલેંગે સાથ મિલકર, તુમ્હેં રૂકના પડેગા, મેરી આવાઝ સૂનકર...ખૂબ મીઠડો પિયાનો એમાં વાગ્યો છે. રફી સાહેબના ચાહકો માટે તો દોડેંગે ફિફ્‌ટી- સિક્સ્ટી કી રફતાર મેં આશિક...વાળું ઓ દિલબર જાનિયે તેરે હૈ હમ તેરે...એવું જ મસ્તીખોર ગીત છે. ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે, પુરુષ અને સ્ત્રી એમ બન્ને અવાજોમાં ગાતા આપણા ગુજરાતના મહેશકુમાર (કનોડિયા)ને રફી સાહેબ સાથેનું અલમસ્ત પેરોડી ગીત ગાવા મળ્યું છે અને કેવું સૂરમાં સુંદર ગાયું છે ! ગીતકારોની યાદીમાં કફિલ અઝહર નામના શાયરનું નામ ટાઇટલ્સમાં આવે છે, પણ એમણે કયું ગીત લખ્યું છે, એની માહિતી નથી.

ફિલ્મ હસિના માન જાયેગીની વાર્તા કંઈક આવી છે.

લશ્કરમાં આર્મી ઓફિસરની રૂઇએ ફરજ બજાવતા કમલ (શશી કપુર) અને અર્ચના (બબિતા)ના લગ્ન થાય છે, પણ તરત જ યુદ્ધના મેદાનનો કૉલ આવતા કમલને મોરચે પાછા જવું પડે છે, જ્યાં તેનો જ હમશકલ રાકેશ (શશી કપૂર) સાથે મુલાકાત થાય છે. એક સરખા ચહેરાનો લાભ લેવા રાકેશ કમલની હત્યા કરીને અર્ચના ઉપર નિશાન સાધવા માગે છે, પણ બન્ને વચ્ચે ફાઇટિંગ થતા લશ્કરી તાકાતવાળો કમલ રાકેશને ભારે પડે છે, જેને મરી ગયેલો સમજીને પોતાને કોર્ટ-માર્શલ થશે એ બીકે કમલ છાનોમાનો ઘેર આવતો રહે છે. આ બાજુ લશ્કરી અધિકારીઓ એવું માને છે કે, એમનો ઓફિસર કમલ શહિદ થઈ ગયો છે અને રાકેશ કમલ બનીને ભાગી ગયો છે. એ લોકો અર્ચનાને જાણ કર છે. હવે અર્ચના મુંઝાય છે કે, એ જેની પત્ની બનીને રહે છે એ એનો સાચો પતિ છે કે, નકલી રાકેશ ? બન્ને હમશકલો ભેગા થાય છે, ત્યારે અવનવા પેંતરા રચીને રાકેશ પોતે જ કમલ છે એવા દાવાઓ કરતો રહે છે, પણ ફિલ્મ ૧૬૫ મિનિટમાં પૂરી કરવાની હોવાથી અંતમાં સત્યનો વિજય થાય છે.

ફિલ્મી સગપણોના હિસાબ- કિતાબ આપણી સૌરાષ્ટ્રની રીતરસમ મુજબ માનવામાં ન આવે એવા હોય છે. આમ તમે જુઓ તો આપણા હરિભઇની છોડી બબલી... હરિભઇ એટલે હરિ શિવદાસાણીની છોકરી બબિતા પરણી આ તમારી કરિશ્મા અને કરિના કપૂરના ડેડી રણધીર કપૂરને. પણ એ જ બબિતા ફિલ્મોમાં પ્રેમના ઝૂલણા ઝૂલાવે સગ્ગા કાકાજીઓ શમ્મી અને શશી કપૂરો સાથે, ને તો ય એકે ય કાકાઓની બા ન ખિજાય ! આટલી વાતમાં તો કાઠીયાવાડની ધરતી નહિ તો ફળિયું લાલમલાલ થઈ ગયું હોય ! કપૂર કુટુંબ કાઠિયાવાડનું નહોતું એટલે સગ્ગી ભાભી ગીતા બાલી સાથે રાજ કપૂરે પણ કેટલીય નહિ તો એકાદ- બે ફિલ્મોમાં થૂઈ-થપ્પા ખેલ્યા હતા કે નહિ ? કેમ દેવઆનંદ એમ પાછો હખણો રીયે એવો હતો કાંય ? સગાભાઈ ચેતન આનંદની ખોટી વાઇફ પ્રિયા રાજવંશ હારે ફિલ્મ સાહિબ બહાદૂરમાં જીવન- મરણના કોલું નોતા દીધા... ? આપણી તનૂ તો જોય મુકર્જી અને દેબુ મુકર્જીની સગી ભાભી થાય ને ? મજાની થાય, છતાં ફિલ્મ એક બાર મુસ્કુરા દોમાં અસલી (શોમુ) મુકર્જીને માળીયે મોકલીને આ બન્ને ભાયુંએ તનુજા હારે કેવા ઠેકડા માયરાતા ? તે આપણા ડોહા દાદામુનિ ય ક્યાં મહેમદાવાદથી આયાતા ? આપણે હોઈએ તો નાનાભાઈ કિશોરની મોટી વાઇફ મઘુબાલાને મા-બેન ગણીને મરી ગયા હોત, પણ ઊંચી આંખ કરીને આજ સુધી જોયું ન હોત ! (હું મહેમદાવાદનો નથી, એટલે મેં તો જોયું હોત...! અમારામાં ય આમ તો ન જોવાય, પણ મઘુબાલા હોય તો જોવાય !) અને મારૂં મોઢું તો ખોલાવશો જ નહિ... મેહમુદને તો પાપી પેટને ખાતર સગી બેન મીનુ મુમતાઝ સાથે કોઈ ફિલ્મમાં પતિ- પત્નીનો રોલ કરવો પડેલો ! અરે, આમાં તો મારામારીઓ ફાટી નીકળે, નહિ તો એકબીજાના વેવાઈ- વેવાણ થવામાં જરીકમાં બચી ગયેલા રણધીર કપૂર અને જયા ભાદુરીએ નોતી આખેઆખી જવાની દીવાનીહલાઈ નાંખી ? (જવાબ : બહુ હલાઈ નાંખી હતી... જવાબ પૂરો.)

બબિતાએ જો કે કપૂર- ખાનદાનમાં પ્રવેશપત્ર મેળવ્યા પછી કાકા-મામાઓ તો ઠીક, સગા ગોરધન સાથે ય કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી. પરંપરા મુજબ કપૂર- કુટુંબની બેન-દીકરીયું નાચગાના- તમાશામાં (એટલે કે ફિલ્મોમાં) કોઈદિ નો જાય, પણ એ શિરસ્તો શશી કપૂરની ધોયળી વાઇફ જેનિફરે તોડેલો... પછી તો એમની ઘણી વઉવારૂઓએ તોડફોડો કરેલી....! આ તો એક વાત થાય છે !

બબિતાને જો કે, પતિદેવ સાથે ક્યારેય બન્યું જ નહિ. ઠીક છે એ તો બન્ને દીકરીઓએ મૉમને ડેડ સાથે ઓન પેપર ભેળા રખાવેલા. બબિતાને આમે ય ક્યાં સગા કાકાની દીકરી અને એની કરતા તો ઘણી સારી હીરોઇન સાધના સાથે એક ફોટો પડાવતા ય જોઈ છે ? (એ લોકામાં બીજું ઘણું પડાવે... ફોટો નો પડાવે !)

આ બાજુ શશી બાબાનો જમાનો રહી રહીને લિસોટા મારવા માંડ્યો હતો. જબ જબ ફૂલ ખીલેની સફળતા પછી એને આમ કોઈ ફાયદો ન થયો, પણ જે કાંઈ ફિલ્મો આવી, એમાં મારા જેવા એના ચાહકો વધતા ગયા... ખાસ કરીને એની ફ્‌લેમબોયન્ટ પર્સનાલિટીને કારણે. એક તો ભારે રૂપકડો ને એમાં ય જર્સી- સ્વેટરો ઉપરાંત દરેક ફિલ્મમાં એક વખત ફૂલ વ્હાઇટ- ડ્રેસ પહેરવાની હોબીને કારણે કોંગ્રેસિયા સિવાય બધાને એ ગમતો હતો. કોંગ્રેસનો બારમાસી પહેરવેશ સફેદ કપડા હોવાથી ઘણા અગ્રણીઓ શશી બાબાને કોંગ્રેસનો કાર્યકર માનતા હતા...!

પણ અમારા ખાડિયામાં શશી કપૂર એના તાઝગીથી હર્યાભર્યા ડાન્સને કારણે વહાલમાં શશીયોથઈ ગયો હતો. ખાડીયાનું ગ્રીનકાર્ડ ધરાવનારા મુકેશભાઈઓ મુકલોને નામ રમણહોય તો રમણીયો’ ! મને બધા અસોકીયોકહેતા, એનો વાંધો ન હતો, પણ કમ-સે-કમ તો ચોખ્ખો બોલાવો જોઈએ ને ?

શશી કપૂરે એ જમાનામાં હેન્ડલૂમના બ્લેઝર્સ પહેરવાની સ્ટાઇલ શરુ કરી હતી.

શશીની એ ખૂબી હતી કે, એક ફિલ્મમાં એ બેતહાશા છેલબટાઉ કોલેજીયન બદમાશ લાગી શકે. આવારા કટ હેરસ્ટાઇલ અને શરીરની હલચલો તોફાનોથી ભરપૂર. પણ એ જ શશી જરૂર પડ્યે અન્ય ફિલ્મમાં એકદમ ધી બોય નેકસ્ટ્‌ ડોરજેટલો સંસ્કારી, શિસ્તબદ્ધ અને ભલોભોળો લાગે. વાળ પણ ઉડતા ઝૂલતાને બદલે માથે દાબેલા અને વ્યવસ્થિત ઓળેલા. આ ડિફરન્સનો કમાલ એ શુદ્ધ અભિનયથી કરી બતાવતો. જેમ કે, ફિલ્મ આમને-સામનેનો તોફાની શશી ફિલ્મ વક્તનો અત્યંત સંસ્કારી અને ગરીબ છતાં સૌમ્ય લાગે. અહી આ ફિલ્મમાં એ બન્ને કિરદારો એક સાથે કરી રહ્યો છે, ડબલ રોલને કારણે. એક અમીર અને બદમાશ તો બીજો ગરીબ અને વિવેકી વિદ્યાર્થી. એ વાત થોડી ખટકે ખરી કે, એના પૈદાઈશી શેહજાદા જેવા દેખાવને કારણે એને ગરીબ બતાવવો બહુ અઘરો પડે. અબજોપતિના રોલમાં ગમે તેવા થપેડા કરાવો મિથુન ચક્રવર્તીઓ કે ભારત ભૂષણો માસિક રૂા. ૭,૯૦૦/- (મોંઘવારી ભથ્થું અલગ) મેળવતા નગરપાલિકાના વર્ગ-૩ના કર્મચારીથી વધારે કંઈ લાગે ? તો બીજી બાજુ, રાજેશ ખન્ના કે શમ્મી પૂરને ગરીબ બતાવવા જાઓ તો ત્રણ-ત્રણ દિવસના ભૂખ્યા ગરીબો ય ભૂખ-હડતાલ પર ઉતરી જાય. યાદ હોય તો રહેમાન અને પ્રદીપકુમાર એવા કલાકારો હતા, જેમણે જીવનભર કરોડપતિ અને રાજા-બાદશાહોના રોલ જ કર્યા છે અને શોભ્યા પણ છે ! પણ શશી કપૂર આ ફિલ્મમાં બન્ને રોલ પૂરા કન્વિક્શનથી કરી ગયો છે.

૬૦ના દસકાની તમામ હીરોઇનો પોતાના અસલી વાળને બદલે વીગ પહેરતી, એમાં ભારે ભૂંડી લાગતી. એમાં ય, અસ્તવ્યસ્ત થઈ ન જાય માટે વિગ ઉપર ભારોભાર હેરસ્પ્રે છાંટ્યું હોય, એટલે માથામાં કપડા સુકવવાની ૮-૧૦ ક્લિપો ભરાવી હોય એવી હેરસ્ટાઇલ લાગે. હજી કાંઈ બાકી રહી જતું હોય એમ તૈયાર વાળની સ્વિચો ભરાવી હોય... યાદ છે, ઉત્તરાયણમાં દોરીની ગૂંચ વળી ગઈ હોય એવી પેલી છૂંછા નીકળતી હેર-સ્ટાઇલો ? અલબત્ત, એવી હેરસ્ટાઇલોમાંથી છૂટકારો અપાવ્યો પરવિન બાબીએ. હિંદી ફિલ્મોમાં પર્મેનેન્ટ છુટ્ટા વાળની શરુઆત એ છોકરીએ કરી હતી. એની પહેલાની હીરોઇનો તો હૉરર-ફિલ્મોમાં ભૂત-ડાકણ બની હોય તો અડધી રાત્રે પેલા પર્વતથી જંગલમાં રાડુ પાડીને ગાતી ગાતી હીરોને ઉલ્લુ બનાવવા પૂરતા છુટા વાળ રાખતી. આજની ફિલ્મો મારે બહુ જોવાની થતી નથી, પણ એટલી ખબર છે કે, આજની હીરોઇનો વિગ નથી પહેરતી, એટલે વઘુ સારી લાગે છે. બબિતાને તો જો કે, આમે ય એક્ટિંગ સાથે કોઈ લેવા-દેવા હતી નહીં એટલે એ માથે વિગ પહેરે કે બાબા રામદેવ જેવી હેર-સ્ટાઇલ રાખે, ફિલ્મના અંતિમ પરિણામમાં કોઈ ફેર પડતો નહિ.

હસિના માન જાયેગીના એક દ્રષ્યમાં હું શશી કપૂર માટે કુર્બાન થઈ ગયો કે, પર્સનલ લાઇફમાં પણ એ ટેબલ-ટૅનિસ ખૂબ સારું રમતો હોવો જોઈએ. અહીં બબિતા સાથે એણે કમાલ કરી બતાવી છે કે, ડાબા હાથે પરફૅક્ટ બૅકહેન્ડ શૉટ માર્યા પછી જમણા હાથે પણ એટલા જ પરફૅક્શનથી એ રમી શકે છે. આ ફિલ્મમાં હીરોની સાથે ખૂંખાર વિલનનો રોલ એણે એટલી જ ખૂબીથી નિભાવ્યો છે.

એક પેલો કાયમી રોતડ મનમોહન કૃષ્ણ આપણામાંથી કોઈને ગમતો નહતો ને એને તમે સીધો આર્મીનો કમાન્ડર બનાવી દો, એમાં તો લશ્કરમાં અંદરોઅંદર વૉર ફાટી ના નીકળે ? જવાનોને દુશ્મનોનો ખાત્મો બોલાવી દેવાનો ઓર્ડર એ આપે તો આપણું અડઘું લશ્કર પાકિસ્તાની આર્મીમાં જોડાઈ ગયું હોય ! નઝીર હુસેને ય બારેમાસ રોતડો. એની પાસે કોમેડી રોલ કોઈએ કરાવ્યો નથી, એટલે તો આજ સુધી ફિલ્મો બને છે. શહેનશાહ અકબરના રોલમાં નાના પળશીકર ચાલે ?

ઓકે. બધાને તો કાંઈ નિરંજન શર્મા કોણ હતો, એ આજે યાદ ન હોય, પણ બબિતાનો પિતા બનતો આ ચરિત્ર- અભિનેતા ઘેધૂર અવાજનો સ્વામી અસરકારક અભિનય કરતો. ખબર નથી કે કેમ અને ક્યારે એ ફેંકાઈ ગયો ! જો કે, આપણા જ્હોનીભાઈ વોકરભાઈ જે ફિલ્મમાં હોય એમાં મોજમસ્તી કરાવે જ. મેહમૂદ જેટલી એની રેન્જ નહોતી, કારણ કે તમામે તમામ ફિલ્મોમાં અવાજ એકનો એક જ, પણ એથી એની કોમિક વર્સેલિટી માટે કોઈ આંગળી ઉઠાવી ન શકાય. મોટા ભાગના સંવાદોની વચ્ચે એકાદો ઇંગ્લીશ શબ્દ ઉમેરીને એ ધાર્યું હસાવી શકતો. કેવી કમનસીબી ગૂંજ ઉઠી શેહનાઈજેવી ફિલ્મની હીરોઇન અમિતાની કે, છેલ્લે છેલ્લે આવા જ જ્હોની વોકરોની માશુકાના રોલ સ્વીકારવા પડતા. આ એની તદ્દન છેલ્લી જ ફિલ્મ હતી. ફિલ્મોમાં આવતા પહેલા જયજયવંતીનામ બદલીને અમિતા રાખનાર આ હીરોઇન આજે ય ગૂમશુદા જિંદગી જીવે છે કારણ કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એને સખ્ત નફરત છે.

ફિલ્મ જંઝીરમાટે જાનીરાજકુમારને સાઇન કરવા ગયેલા પ્રકાશ મેહરાને રાજકુમારે એવું કહી દીઘું હતું, ‘જાની, હમેં આપ કી શકલ પસંદ નહિ... સો આપ કી ફિલ્મ નહિ કર સકતે...!એ પછી એ રોલ દેવ આનંદે ના સ્વીકાર્યો (કારણ કે, હીરોને એકે ય ગીત ગાવાનું નહોતું !) બનતા સુધી ધર્મેન્દ્ર પાસે શૂટિંગની તારીખો નહોતી, એટલે એણે ય ના પાડતા છેવટે મને- કમને પ્રકાશ મેહરાએ અમિતાભ બચ્ચનને હીરો બનાવ્યો, એમાં બચ્ચન બાબુની કરિયર બની ગઈ, એમ અહીં પણ શશી બાબાને હસિના માન જાયેગીનો હીરો બનાવ્યા પછી શશી પૂરબહારમાં ખીલ્યો... એનું નામ મીડાસ ટચ’. 

No comments: