Search This Blog

23/03/2012

‘ફિર સુબહ હોગી’ (’૫૮)

ફિલ્મ ફિર સુબહ હોગી’ (’૫૮)
નિર્માતા-દિગ્દર્શક : રમેશ સેહગલ
મૂળ વાર્તા : દોસ્તોયેવસ્કી
સંગીત : ખય્યામ
ગીતો : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઈમ : ૧૮-રીલ્સ અને ૧૬૮ મિનિટ
થીયેટર : ખબર નથી
કલાકારો : રાજ કપૂર, માલા સિન્હા, રહેમાન, મુબારક, જગદિશ સેઠી, નાના પળશીકર, લીલા ચીટણીસ, કમલ કપૂર

ગીતો
૧. ચીનો અરબ હમારા, હિંદૂસ્તાં હમારા, રહેને કો ઘર નહિ હે મુકેશ
૨. ફિર ન કીજે મેરી ગુસ્તાખ નિગાહી કા ગીલા, દેખીયે આપને આશા-મુકેશ
૩. વો સુબહા, કભી તો આયેગી, વો સુબહા, કભી તો આયેગી આશા-મુકેશ
૪. દો બૂંદે સાવન કી, દો બૂંદે સાવન કી હાય આશા ભોંસલે
૫. આસમાં પે હૈ ખુદા, ઔર ઝમીં પે હમ, આજકલ ઇસ તરફ મુકેશ
૬. જીસ પ્યાર મેં યે હાલ હો, ઉસ પ્યાર સે તૌબા તૌબા રફી-મુકેશ
૭. સબ કી હો ખૈર બાબા, સબ કા ભલા મુહમ્મદ રફી-કોરસ
(છેલ્લું ગીત ફિલ્મમાં તો ન લેવાયું, પણ એની રેકર્ડ N-V૨૫૦૮ નંબરની ૭૮ સૅમિ ની રેકર્ડ બહાર પડી હતી, જે રેકર્ડ કે આ ગીત મળતા નથી)

રાજ સાબ એટલે રાજકપૂર સાથે મારી એ પહેલી અને છેલ્લી મુલાકાત આપણા અમદાવાદમાં. એમણે જ મને, ફક્ત દોઢ મીનીટમાટે મળવાની છૂટ આપી હતી અને પૂરા દોઢ કલાક સુધી એમણે જ મને તબિયતથી બેસવા દીધો, એની પાછળ મારા આવા સવાલોએ કામ કરી બતાવ્યું હતું. એમની તમામ ફિલ્મોમાંથી એમને પોતાને સૌથી વઘુ પસંદીદા શોટ કયો લાગ્યો હતો ? એ મારો સવાલ. તો એ તો રાજ સાબ હતા ને...! એમણે મને સામો સવાલ પૂછ્‌યો, ‘બોલો અશોક, તુમ બતાઓ... તુમ્હેં મેરા કૌન સા શોટ સબ સે જ્યાદા પસંદ હૈ ?’ ને મેં મારી રાજ સાહેબની મારી સૌથી મનપસંદ ફિલ્મ ફિર સુબહ હોગીના અદ્‌ભુત શોટની વાત કરી. ગરીબ હીરોઈન સોહની (માલા સિન્હા) ધનવાન કમલ કપૂરની બુરી નજરમાંથી આબરૂ બચાવીને ભાગે છે ને હીરો રામ મહેરા (રાજ) એને બચાવે છે, તે પછી ગભરાયેલી ને ડૂસકાં ભરતી સોહનીને પોતાના ખોળામાં સુવડાવીને, રાજ પોતાની પ્રેમિકાને પુત્રી સરીખું વાત્સલ્ય બતાવીને ગાય છે, ‘વો સુબહા કભી તો આયેગી...એ શોટ મને આજે ય પ્રભાવિત એટલા માટે કરે છે કે, હીરો-હીરોઈન બન્ને રોમેન્ટિક હોવા છતાં, ઘટનાક્રમનો લિહાજ રાખીને રાજ પ્રેમિકાને દીકરીની માફક ખોળામાં સુવડાવી, એના માથે હાથ ફેરવતા ફેરવતા, આંખોમાં કરૂણાના ભાવ સાથે ગીત દ્વારા પ્રેક્ષકોને આવો અસરકારક મેસેજ કન્વે કરે કે સુખ, સુખ અને બસ સુખની વો સુબહા કભી તો આયેગી... ઘેટ વૉઝ સર્ટેઈન્લી આઉટ ઓફ ધ વર્લ્ડ... એ મારો જવાબ...!

સાહેબની પ્રસન્નતાએ મને દોઢ કલાક બેસવા દીધો. 

યસ. ફિલ્મ પણ એવી હતી કે, જોયા પછી થોડી ય ઓછી ગમે, તો એને પોળને નાકે પુરી-પકોડીવાલાના ખૂમચા સામે લઈ જઈને રીતસર ફટકારવાનો જ, એવું ઝનૂન અમારામાં એ ઉંમરે પણ હતું ને આ ઉંમરે ફટકારવાવાળી યોજના પડતી મૂકીને ઝનૂન બરકરાર રાખ્યું છે. (હવે કોઈને મારવામાં મને વધારે વાગે એવું છે !) ફિર સુબહા હોગીમાટેની લાગણી, સમજ અને પાગલપન હોવાનું મૂળ કારણ આ ફિલ્મનો રચનાત્મક અભિગમ છે. ચારેબાજુથી નિરાશામાં ઘેરાયેલાં આપણે બધા આવતી કાલની આશા ખોઈ ચૂક્યા છીએ, ત્યારે આ ફિલ્મ આવતી કાલની સુંદર સવારની આશા બંધાવે છે Hope આજે પણ આ વિચારધારા પ્રસ્તુત લાગે છે કે, દેશમાં ભલે જે કાંઈ ચાલી રહ્યું હોય, છતાં ઉપાય કોઈ મળતો ન હોય, છતાં આશા મૂકી દેવા જેવી નથી. વાત દેશના સંદર્ભમાં હોય કે આપણી અંગત લાઈફના સંદર્ભમાં હોય... સુખસમૃદ્ધિ અને શાંતિની, ‘વો સુબહા કભી તો આયેગી...!’ 

બીજા કોઈપણ એક્ટર કરતાં રાજકપૂર મારા માટે નંબર-વન હીરો બની જવા પાછળ પણ આ ફિલ્મ કારણભૂત હતી. આ ફિલ્મ ૫૮-ની સાલમાં બની ત્યારે એ ફક્ત ૩૪ વર્ષનો હતો. આટલી નાની ઉંમરે એણે રશિયન લેખક ફિયોડોર મિખાઈલોવિચ દોસ્તોયેવસ્કીને પચાવ્યો હતો, એ જ મોટી વાત હતી. (જોકે, એના પહેલા નામનો સાચો ઉચ્ચાર થીયોડોરથાય છે.) ધી બ્રધર્સ કારામાઝોવ’, ‘ધી ઇડિયટઅને એને વિશ્વપ્રસિદ્ધ બનાવનાર આ મહાન નવલકથા ધી ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ (ઈ.સ. ૧૮૬૬) લખી હતી. આપણે હરકોઈને દોસ્ત બનાવતા નથી. એનું બૌદ્ધિકસ્તર પહેલા જોઈ લેતા હોઈએ છીએ. પણ જેના મોઢે દોસ્તોયેવસ્કી, એલ્બર્ટ આઈન્સ્ટાઈન, બરટ્રન્ડ રસેલ, જે. કૃષ્ણમૂર્તિ, સ્વામી વિવેકાનંદ... કે છેલ્લે... ચલો ને તમારો બહુ આગ્રહ છે તો લખો, ‘અશોક દવેનું ફક્ત નામ પણ બોલાય, તો એ કોઈ સામાન્ય ન હોય. એની બાએ બદામ બહુ ખવડાવી હોય ! 

ફિલ્મ તો આર.કે.બેનરની નહોતી. પણ આ ફિલ્મ બનાવી રહ્યા હતા રમેશ સેહગલ, (જેમણે એ પછી નવા નવા ધર્મેન્દ્ર અને ગુજરાતી હીરોઈન અને દીના પાઠકના બહેન તરલા મહેતાને લઈને ફિલ્મ શોલા ઔર શબનમપણ બનાવી હતી.) એમણે રાજ પાસે ધી ક્રાઈમ એન્ડ પનિશમેન્ટપરથી ફિલ્મ બનાવવાનું જણાવ્યું, એ સાથે જ રાજ ફૂલટાઈમ સીરિયસ થઈ ગયો. બીજાં બધા કામો પડતા મૂકીને એણે ફક્ત આ જ ફિલ્મ પર ઘ્યાન આપવાનું તય કરી લીઘું, તે એટલે સુધી કે રમેશ પાસે પહેલી શરત એ મૂકી કે, આ ફિલ્મ બનવામાં તમામ હિસ્સેદારોએ દોસ્તોયેવસ્કીની આ નોવેલ વાંચેલી હોવી જોઈએ. પોતાના બારમાસી સંગીતકારો શંકર-જયકિશનનું આમાં કામ નહિ, એટલે સામે ચાલીને રાજ કપૂરે જ ફિલ્મના સંગીત માટે એ બન્નેના નામ પર ચોકડી મારી દીધી. ખય્યામ જાણકાર હતા. એમની ઘણી બધી પરીક્ષાઓ લઈને એમને બૂક કર્યા. નહિ તો રાજકપૂરની ફિલ્મમાં ગીતકાર સાહિર લુધિયાનવી ક્યાંથી આવે ? સાહિરે તો આ બધાથી વધારે દોસ્તોયેવસ્કીને પચાવ્યો હતો. હીરોઈન માલા સિન્હાએઆ નોવેલ વાંચી નહોતી, પણ એને ય ફરજીયાત વાંચવા બેસાડી દીધી. જૂના જમાનાનો એક ઉમદા વિલન મુબારક આ નોવેલ અને ખાસ તો દોસ્તોયેવસ્કી માટે એક ઓથોરિટી કહેવાતો, એ હિસાબે મૂળ વાર્તામાંથી ફિલ્મને અનુકૂળ સ્ટોરી લખી આપવા રમેશ સેહગલની સાથે એને ય કામે વળગાડાયો. અફ કોર્સ, ફિલ્મ માટે મૂળ વાર્તામાં બાંધછોડ કર્યા વિના, એના સેન્ટ્રલ આઈડીયાને ભારતની પ્રજાના સંદર્ભમાં થોડો મરડવો પડ્યો કે, દોસ્તોયેવસ્કીની મૂળ વાર્તાનો હીરો રોડિયો રોમાનોવિચ રાશ્કોલનિકોવે નાણાં ધિરધારનો ધંધો કરતા શરાફનું ખૂન એટલા માટે કર્યું હતું કે, હીરો માનતો હતો કે, આવા લોકોને લૂંટીને એવા પૈસાનો ઉપયોગ ગુન્હાખોરીને જરા સીધી કરવાનો હતો, એટલું જ નહિ પણ આવા લોકોનો સંહાર કરવાનો એ પોતાનો હક્ક માને છે, જે આપણી આ ફિલ્મમાં હીરોની ગરીબી અને મજબૂરીમાં ફેરવી નાંખવામાં આવી છે. મૂળ વાર્તામાં રાશ્કોલનિકોવ પોતાને નેપોલિયન બોનાપાર્ટ સાથે સરખાવતો ફરે છે જે માનતો કે, ‘ઊંચા ઘ્યેયો પ્રાપ્ત કરવા ખૂન પણ કરી શકાય’. Murder is permissible in pursuit of a higher purpose.

ફિલ્મની વાર્તાનો ટૂંકસાર કંઈક આવો હતો. કોલેજમાં લૉ ભણી રહેલા ગરીબ રાજકપૂર પાસે ફી ભરવાના વાંધા હોય છે અને દર મહિને આવતા માં ના મનીઓર્ડર ઉપર ખોલીનું ભાડું કે બે ટંક ભોજન કરવાનું હોય છે, એમાં એનાથી ય વઘુ ગરીબ માલા સિન્હાના પ્રેમમાં પડે છે, જેના દારૂડીયા બાપ (નાના પળશીકર)ને શરાબના અડ્ડાનો લંગડો માલિક હરબન્સલાલ (જગદિશ સેઠી) માલાને પરણવા માંગે છે. દેવામાં ગળાડૂબ થયેલા ગરીબ બાપને, એની દીકરીને એ લંગડા સાથે પરણાવતો રોકવા માટે રાજ શરાફને ત્યાં ચોરી કરવા જાય છે, પણ અચાનક શરાફ આવી પહોંચતા અજાણતામાં રાજથી એનું ખૂન થઈ જાય છે અને ભાગી જાય છે. ખૂન કોણે કર્યું, એની જાણ પોલીસને ન હોવાથી, ક્યારેક તો પોલીસને ખબર પડશે, એ વિચારથી રાજ ફફડતો રહે છે ને બાહોશ ઇન્સ્પેક્ટર (મુબારક)ની વ્યૂહરચનાથી રાજ ગૂન્હો કબુલી લે છે ને જેલ ભેગો થાય છે. 

ફિલ્મમાં રાજના જીગરજાન દોસ્ત બનતા રહેમાનનું પાત્ર કોઈ કારણ વગરનું ધૂસાડવામાં આવ્યું છે, જે આખી ફિલ્મની વાર્તામાંથી કાઢી નાંખો, તો ય અસર ન પડે. એ વાત જુદી છે કે, જુવાનીવાળો રહેમાન ખૂબ હેન્ડસમ લાગતો હતો અને એક્ટર તરીકે તો બહુ સારો. યાદ છે ને, ફિલ્મ વક્તનો ચીનોય શેઠ ? બહુ ઓછાને ખબર હશે કે, રહેમાન અમદાવાદના દરિયાપુરનો જમાઈ હતો... એક આ ફિલ્મને બાદ કરતા જીંદગીભર શહેનશાહી કે અબજોપતિ ઉદ્યોગપતિઓના ઠસ્સાદાર રોલ જ કરનાર રહેમાન કમનસીબે ભારે કરૂણ ગરીબીમાં ગુજરી ગયો ત્યારે સાચા અર્થમાં દવાના પૈસા નહોતા. માલા સિન્હા ભારતની પ્રથમ નેપાળી અભેિત્રી હતી. એને રાજ સાથે ઘણી સારી ફિલ્મોમાં કામ કરવા મળ્યું હતું, તેમાંની એક આ. નૂતન કે નંદાની જેમ માલા પણ એ દિવસોમાં એકમાત્ર અભિનેત્રી હતી, જે ફિલ્મોમાં કામ કરવા છતાં, પોતાના કેરેક્ટરને કોઈની સાથે અભડાવા દીઘું નહોતું. નહિ તો ફૂટપાથે-ફૂટપાથે ગલ્લો ઊભો કરનાર શમ્મી કપૂરે માલાને ય લપેટમાં લેવાનો ટ્રાય ફિલ્મ દિલ તેરા દિવાનાવખતે મારી જોયો, પણ સ્ટુડિયોમાં બધાની વચ્ચે માલાએ શમ્મીને રાખડી પહેરાવી દઈ, ભાઈના બધા અરમાનો કડડભૂસ કરી નાંખ્યા હતા. ખૂબ સંસ્કારી માલાની દીકરી કમનસીબે મા ઉપર ન ઉતરી શકી અને નદીમ-શ્રવણવાળા નદીમ સાથે લફરૂં કરી બેઠી અને બન્ને એકબીજાને છોડતા નહોતા, ત્યારે શિવસેના સુપ્રિમો બાલ ઠાકરે પાસે આજીજી કરીને માલાએ દીકરીને, ગુલશનકુમારની હત્યા સબબ લંડનમાં આશ્રય લીધો છે એ નદીમના પંજામાંથી છોડાવી હતી. આ બધા વર્ચ્યૂઝ છતાં, એ જમાનામાં માલા સિન્હા બદનામ એક વાતે થઈ ગઈ કે, એના ઘરે ઇન્કમટેક્સની રેડ પડી, ત્યારે બાથરૂમની છતમાં સંતાડી રાખેલી લાખોની નોટોનો વરસાદ થયો હતો અને માલા દેશભરના છાપાઓમાં ચમકી હતી. આજના જમાનામાં ઘરમાં આવી રેડ પડે, તો દીકરીનું ક્યાંય ગોઠવાતું ન હોય, તો કાચી સેકન્ડમાં ગોઠવાઈ જાય, ‘ઓહો... ઘેર રેડ પડે, એટલું કમાયા છે આ લોકો...?’ એમ લોકો અંજાઈ જાય, પણ એ જમાનામાં તો એ પાપ કહેવાતું અને માલા એ દિવસોમાં ઘરની બહાર પણ નીકળી શકતી નહોતી. મૂળ બંગાળી ફિલ્મોમાં એક હીરોઈન નહિ, પ્લેબેક સિંગર તરીકે આવેલી માલા આલ્બર્ટ સિન્હા સી.પી.લોહાણીને પરણી હતી, જેની દીકરી આ પ્રતિભા... તો પછી દીકરીની અટક સિન્હા કેમ ? (ગુજરાતનો લોહાણા સમાજ આ બધાની નોંધ ન લે, કારણ કે માલાના ગોરધનની અટક લોહાણીહતી, પણ એ કાંઈ આપણો જયજલારામવાળો નહોતો... સિંધી ભાઈ-બહેનોએ પણ આઘાપાછા થવાની જરૂર નથી... પર્સવાણી, અચનાણી, થાવાણી કે આકાશવાણીની જેમ સી.પી. ય સિંધીભાઈ નહોતા. તો પછી એ લોહાણી કેમ હતા, તેની મને કાંઈ થોડી ખબર હોય ? કોઈ ડીમ્પલ નામની સદાબહાર સુંદર સ્ત્રી કાપડીયા અટક છતાં જૈન યુવતી નહિ પણ મુસ્લિમ ખોજા કેમ હતી, એ બઘું મારે ઘ્યાન રાખવાનું ?) ફિલ્મના અન્ય કલાકારોમાં નાણા પળશીકર અને તેની પત્ની બનતી લીલાબાઈ ચીટણીસ આમ જોવા જાઓ, તો રોનેધોનેવાલે રાજા-રાની થે...! સાલાઓ બન્ને બધી ફિલ્મોમાં રોતા-કકળતા જ હોય. બન્નેની શારીરિક પર્સનાલિટીઓ જ એવી કે કરોડપતિઓમાં એ બન્ને શોભે નહિ ને ગરીબ-ભિખારીઓના રોલમાં એ બન્ને સિવાય કોઈ બીજા ન શોભે. ફિલ્મ દોસ્તીમાં રફી સાહેબનું ચાહુંગા મૈં તુઝે, સાંઝ સવેરે...ગાનાર અપાહિજ સુધીર કુમાર યોગાનુયોગ આ ફિલ્મમાં પણ માલા સિન્હાના લંગડા ભાઈનો બાળકલાકારનો રોલ કરે છે. રાજ કપૂર અને તેની ગુલાબી સ્કીન અને ભૂરી આંખોને કારણે બહુ મળતા આવતા તેના પિતરાઈ ભાઈ કમલ કપૂરને આ ફિલ્મમાં માલા સિન્હા ઉપર બળાત્કારનો પ્રયાસ કરવાનું કામ સોંપાયું છે. મને યાદ છે, કોકને મેં પૂછ્‌યું હતું, ‘ફિર સુબહા હોગીમાં તમને સૌથી વઘુ સારું કામ કોનું લાગ્યું ? તેના જવાબમાં તેણે કમલ કપૂરનું નામ દીઘું હતું... જો કે, સોંપેલું કામ એ પૂરૂંકરી શક્યો નહતો ! ને પછી ઉમેર્યું હતું કે, માલા પરનો બળાત્કાર કમલીયાએ પૂરો ન કર્યો, માટે મને એનું કામ સૌથી વધારે સારું લાગ્યું હતું... (કોઈ પંખો ચાલુ કરો !) 

ચીનો અરબ હમારા, હિન્દુસ્તાં હમારાખૂબ લોકપ્રિય થયું હોવા છતાં, એક તબક્કે સરકાર એને ફિલ્મમાંથી કાપી નાંખે, એવી દહેશત ઊભી થઈ હતી. 

૧૯૫૮-માં રિલીઝ થયેલી ફિલ્મોમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ચોથો નંબર મેળવ્યો હતો ને એના નિર્માતાને એ જમાનાના રૂા. ૯૦ લાખ કમાવી આપ્યા હતા. એની પહેલા ત્રીજા નંબરે ફિલ્મ યહૂદીએ રૂા. એક કરોડ, ફિલ્મ ચલતી કા નામ ગાડીએ બીજા નંબરે રૂા. સવા કરોડ ભારતના પ્રેક્ષકો પાસેથી કમાઈ લીધા હતા... પણ ૫૮ની સાલમાં ધોધમાર ધંધો પહેલા નંબરે બિમલ રોયની ફિલ્મ મઘુમતિએ એક, બે, ત્રણ નહિ... પૂરા રૂા. ૪ કરોડ કમાવી આપ્યા હતા. એ પછીના ૮ થી ૧૦ નંબરના ધંધા કરનારી ફિલ્મો હતી, ‘સાધના’, ‘ફાગુન’, ‘પરવરિશ’, ‘કાલાપાની’, ‘હાવરા બ્રીજઅને દિલ્લી કા ઠગ’... છેલ્લી બન્ને ફિલ્મોએ છેલ્લા નંબરો મેળવવા છતાં એના પ્રોડ્યુસરોને ૫૦-૫૦ લાખ તો કમાવી આપ્યા હતા...પૂરે પચાસ લાખ...!ટાઈટલ મ્યુઝિકમાં મુકેશ પાસે આ ફિલ્મના થીમ સોંગ વો સુબહા કભી તો આયેગી...નું ફક્ત હમિંગ કરાવવામાં આવ્યું છે. અલબત્ત, ખય્યામે એમાં ખૂબીપૂર્વક Choir (ઉચ્ચાર : ક્વાયર)નો ય ઉપયોગ કર્યો છે.ક્વાયર એટલે કોરસ નહિ. કવાયરનો થોડો અઘૂરો છતાં સાચો અર્થ, એટલે ત્રણ જૂથના સ્ત્રી-પુરૂષ ગાયકો એક જ આલાપ ત્રણ જુદા જુદા સ્વરમાં ગાય.) યસ. એક વાતની સમજણ ના પડી ! પોલિસ ઇન્સ્પેકટર મુબારક રાજને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે, ત્યારે રાજ પાસે પટાવાળો ચિઠ્ઠીમાં એનું નામ લખવા કહે છે. એ વખતે ઉપરની ઘડિયાળમાં રાતના ૧૦.૩૦ વાગ્યા છે. (સિર્ફ પૂછપરછ માટે પોલીસવાળા કોઇને આ ટાઇમે કેવી રીતે બોલાવે, એ જુદો વિષય છે...!) પણ પેલો ચિઠ્ઠી આપીને બહાર આવે છે, એટલીવારમાં ૧૧.૦૦ વાગેલા બતાવાયા છે ને પૂછપરછ માંડ ૩-૪ મિનિટ ચાલે છે ને રાજ બહાર આવે છે એ દરમ્યાન સીધા ૧૧.૪૫ વાગી જાય છે...! તારી ભલી થાય ચમના!

No comments: