Search This Blog

04/03/2012

ઍનકાઉન્ટર : 04-03-2012

* ચાલુ વાહને મોબાઈલ વાપરનારાઓ માટે આપનો શું સંદેશ છે?
- ‘સદગત ધર્મપરાયણ, હસમુખા અને સારા સ્વભાવના હતા. પરમેશ્વર તેમના આત્માને શાંતિ આપે.
(અશોક આર. જહા, વડોદરા)

* ઈશ્વરની મને બહુ બીક લાગે છે કારણ કે, મારી બધી મહેનત બેકાર જાય છે... !
- આમાં તો ઈશ્વરે તમારાથી બીવું પડે !
(શમીમ ઉસ્માની, મુંબઈ)

* અમારા દક્ષિણ ગુજરાતમાં એક્કો, બાદશાહ ને રાણી કરતા એક્કો, દૂરી ને તીરી ભારે ગણાય છે... આપને ત્યાં કેમનું છે?
- મારી નમ્રતા જુઓ... અમારે ત્યાં એકલો એક્કો જ કાફી છે... !
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

* માણસની જીંદગીના પ્રકાર કેટલા ?
- તમારે કેમ માણસને યાદ કરવો પડ્યો ?
(ધીરેન ડોડીયા, ભાવનગર)

* એનકાઉન્ટરનો સમાવેશ લોકપાલમાં ખરો કે નહિ ?
- ‘જોકપાલમાં ખરો!
(પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)

* ઐશ્વર્યાને બેબી આવી, તેની અડધી દુનિયાને ખબર પડી પણ, ડિમ્પલ કાપડીયાને ટિ્‌વન્કલ આવી, ત્યારે ગણ્યા-ગાંઠ્યા લોકોને જ ખબર હતી... આવું કેમ?
- અમારામાં બધાને બઘું ના કહી દેવાય... બા ખીજાય! આ ટિ્‌વન્કુડીવાળી વાત શરૂ શરૂમાં તો મેં ડિમ્પુને ય નહોતી કીધી!
(મીનાક્ષી નાણાવટી, રાજકોટ)

* તમને ક્યારેક કોઈ સવાલ ન સમજાય, તો એ સવાલને વાહિયાત ગણો કે પછી... ?
- આજ સુધી એ જ સવાલોના જવાબો આપ્યા છે, જે મને પોતાને સમજાયા નથી... !
(વૃત્તિ અઘ્યારૂ, પાટડી-સુરેન્દ્રનગર)

* શ્રીકૃષ્ણે કળીયુગમાં અવતાર લેવાનું વચન આપ્યું હતું, તેનું શું થયું ?
- કંસોએ વચન પહેલા પાળી બતાવ્યું... !
(ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઈ-બાયડ)

* માતા પોતાનો દીકરો શ્રવણ બને તેવું ઈચ્છે છે પણ, પોતાનો ગોરધન શ્રવણ બને, એમ કેમ ઇચ્છતી નથી?
- માતામાં ય થોડી અક્કલ તો હોય.. !
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા)

* ફલર્ટસ્ત્રી વઘુ આકર્ષક હોય છે. આપનો શું અનુભવ છે?
- એમને એમ જ બઘું ધમધોકાર ચાલે છે... મારે એવા અનુભવો લેવાની જરૂર પડી નથી!
(સુરેશ પ્રજાપતિ, નવસારી)

* ભારતીય ક્રિકેટરોની ઓસ્ટ્રેલિયામાં શરણાગતિ... !
- વર્ષના મિનિમમ દસ કરોડ ખિસ્સામાં નાંખી દીધા પછી શરણાગતિ તો શું ચીજ છે... આપણા ક્રિકેટરો એ લોકોના બાબલા-બેબલીઓને ય નવડાવવા-ધોવડાવવા જાય એવા છે !
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* આવતા જન્મમાં આ જ પતિ મળે, એવું મોટા ભાગની પત્ની ઈચ્છતી હોય છે, પણ પતિ એ જ પત્ની રીપિટ કરવા કેમ રાજી હોતો નથી?
- તૈયાર પત્ની લેવી એના કરતા કોઈ યુવતીને પત્ની બનાવવી વઘુ કિફાયત પડે, માટે.
(સંદીપ એચ. દવે, જુનાગઢ)

* વઘુ પૈસા કમાનાર ઉપર પ્રભુ વધારે પ્રસન્ન હોય, એવું તમે માનો છો?
- અફ કોર્સ માનું છું... ! આ જુઓ ને... ! મારી તો એ સામું ય ક્યાં જુએ છે?
(જગદિશ ઠક્કર, મુંબઈ)

* પશ્ચિમના દેશોમાં નવા વર્ષની શરૂઆત શરાબથી શા માટે થાય છે?
- ...તે આપણે ત્યાં ય ક્યાં શેરડીનો રસ પીને થાય છે ?
(નિલેશ પી. દવે, ગોંડલ)

* મારી પત્ની દેવી છે. તમે શું કહો છો?
- બસ. આમાં તો કર્યા ભોગવવાના છે ને!
(તુષાર નાણાવટી, રાજકોટ)

* લગ્ન થયા પછી મહેન્દ્રસિંહ ધોની ઢીલો પડી ગયો હોય એવું તમને નથી લાગતું ?
- એ મારે નહિ... એની વાઈફે જોવાનો વિષય છે!
(એન.યુ. વહોરા, જરોદ-રાજપિપલા)

* પુરૂષોને ઘેર સાળી આવે તો શેર લોહી ચઢે છે ને સાસુ આવે તો પેટમાં ચૂંક શેની ઉપડે છે?
- સાળીને અડધી ઘરવાળી કહેવાય છે... સાસુને એવી કહેવા જઈએ, તો કમાવવાનું શું ?... (પંખો ચાલુ કરૂં ?)
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* સ્વજનના બેસણામાં ઇસ્ત્રીદાર કપડાં પહેરીને આવનારને શું કહેવાય?
- તમારા વખતે જોઇતા ફેરફારો કરાવી લેજો ને... !
(સુનિલ નાણાવટી, રાજકોટ)

* માણસને ચારેય તરફ અંધકાર દેખાતો હોય તો શું કરવું ?
- લાઇટ.
(સંદીપ દવે, જૂનાગઢ)

* ...‘ડેડમહાનુભાવોની સ્મશાનયાત્રાનું લાઇવકવરેજ... ?
- ‘એકશન-રીપ્લેપણ આવે!
(લલિત ઓઝા, જૂનાગઢ)

* ...‘માંતે માં, ને બીજા બધા વગડાના વા... ! ફાધર માટે આવું કંઈક ખરૂં?
- ખરૂં ને...! લખી લો, ‘ફાધર એ ફાધર, બીજા બધા અઘ્ધર.
(હરવિંદરસિંઘ શીખ, વડોદરા)

* પ્રિયંકા ગાંધીએ અમેઠીમાં જઈને કોનું ભલું કર્યું ?
- ‘મેરા રોબર્ટ મહાન...
(બાબુભાઈ ડી. પરમાર, સરખેજ)

* ટીવી સીરિયલોના નામ હિંદી ફિલ્મી ગીતો પરથી રાખવાનું કોઈ કારણ?
- તમિલ કે તેલગૂ ફિલ્મી ગીતો પરથી નામો બોલતા ના ફાવે, એટલે.
(દિવ્યાંગ પી. જોશી, આગિયોલ-હિંમતનગર)

* પગ લપસતા કોઈ નહેરમાં પડીને ગૂજરી જાય, તો એને આત્મહત્યા કહેવાય?
- બેન... જીવન બહુ કિંમતી છે. આવું નહીં ગોઠવી રાખવાનું.
(અન્વી બી. પ્રજાપતિ, પાટણ)

* લાં...બા એપિસોડવાળી એકતા કપૂરની સીરિયલોમાંથી ગૂર્જર નારી પોતાને ક્યારે અલગ કરશે?
- ટીવીમાં ૨૦૦-ચેનલો આવે છે.
(રેણુકા સી. વરીયા, સુરેન્દ્રનગર)

* તાજા જન્મેલા બાળકનું મોંઢું કોના જેવું લાગે છે, એમ કેમ પૂછાતું રહે છે?
- ઘણા બધાને શકનો લાભ મળી રહે માટે!
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)

No comments: