Search This Blog

11/03/2012

ઍનકાઉન્ટર : 11-03-2012

૧. બાબા રામદેવ વિશે આપ શું માનો છો?
- હજી બાબો છે.
(આસિફ એમ. કાઝી, ઠાસરા)

૨. આપણે ત્યાં હજી જમાઈના નામ પાછળ કુમારકેમ લગાવવામાં આવે છે?
- એને ખબર પડતી નથી કે, સાસરીયાની ભાષામાં કુમારએટલે બોકડો’!
(પૂજા/કાજલ ભાટીયા, વીંછીયા-જસદણ)

૩. સત્તા, સંપત્તિ અને સૅક્સની જાહોજલાલીઓ ઉડાડનારાઓને તૃપ્તિનો ઓડકાર કેમ નહિ આવતો હોય?
- એ લોકો હિમજી હરડે ખાતા હોય...!
(કિશોર વ્યાસ, ઘોઘા)

૪. ભારત સરકાર દરેક આતંકવાદી હૂમલા પછી જાહેરાત કરે છે કે, કોઈ કસુરવારને છોડવામાં નહિ આવે... એટલે?
- પકડવામાં ય નહિ આવે!
(ડૉ. કમલેશ મોઢા, મુંબઈ)

૫. સોટી વાગે ચમચમ... ને વાલીઓ દોડતા આવે ધમધમ...સુઉં કિયો છો?
- બાળકો ઉપર હાથ ઉપાડીને વિદ્યા આપવા માંગતો શિક્ષક નબળો કહેવાય.
(અઝમત સૈયદ, પાલનપુર)

૬. તમારા જવાબો વાંચીને બા તો ઠીક... તમારા વાઇફ ખીજાતા નથી?
- વાંચતી હોય તો ખીજાય ને?
(શુભકુમાર એ. દેપાણી, માણાવદર)

૭. હાસ્યલેખકો બ્રાહ્મણો જ કેમ હોય છે?
- બ્રાહ્મણોને જીવન હસી કાઢવાનું જ આવ્યું છે, માટે!
(અમૃતલાલ વ્યાસ, કેશોદ)

૮. આજીવન આનંદમાં રહેવાનો કોઈ કીમિયો...?
- મગજની અસ્થિરતા તમારા અરમાનો પૂરા કરશે.
(નલિન ત્રિવેદી, જામનગર)

૯. ધર્મપત્ની અને ધર્મ... બેમાંથી કોણ ચઢીયાતું?
- ઘરમાં તમારું કાંઈ ચાલતું હોય, એવું લાગતું નથી...!
(ગોપાલ દેલવાડીયા, અંકલેશ્વર)

૧૦. સાચો પ્રેમ કોને કહેવાય?
- તમારી બા તમને કરે છે એ.
(હેમંત એસ. બારૈયા, કાવઠ-કપડવંજ)

૧૧. તમને રાજા બનવું ગમે કે ભિખારી?
- તમારા ભાઈ બનવું ગમે.
(ગાયત્રી એન. ઠક્કર, વડોદરા)

૧૨. નવી વહુ નવ દહાડા, તો જૂની કેટલા દહાડા?
- બેન. આ ઍનકાઉન્ટરછે... એકતા કપૂરની સીરિયલ નથી.
(રેખા કંસારીયા, દોલતગઢ)

૧૩. સંજય દત્તે એની પત્ની માન્યતાને રોલ્ય રૉયસ કાર ભેટ આપી... તમે હકીભાભીને કઈ કાર આપશો?
- સ્વ.પિતાજીએ છેલ્લે છેલ્લે કીઘું હતું, ‘‘બેટા, પૈસા સારા કામમાં વાપરજે... જ્યાં ત્યાં વેડફી ન નાંખતો.’’
(નિરંજન ડી. વૈષ્ણવ, જુનાગઢ)

૧૪. લગ્નની પ્રથમ રાત્રિને સુહાગ રાતકહેવાય, તો બીજી વારના લગ્નની પ્રથમ રાત્રિને શું કહેવાય?
- મોકા મળ્યા વગર હું કાંઈ આડેધડ જવાબો ન આપી શકું.
(લલિત ઓઝા, જૂનાગઢ)

૧૫. ઈ.સ. ૨૦૧૨ના આ નવા વર્ષે તમે માનવજાત માટે શું સંદેશો આપ્યો?
- ‘સુધરો હવે’.
(મીના નાણાવટી, રાજકોટ)

૧૬. મોંઘવારી ઘટતી કેમ નથી?
- સાયલન્ટ મોડ પર છે.
(જયેશ કે. સંપટ, મુંબઈ)

૧૭. કન્યાને બદલે વરરાજાને ઊંચકીને માંયરામાં કેમ લવાતા નથી?
- વરરાજો ઘા કરીને ભોંયરામાં ફેંકવા માટે હોય છે... માંયરામાં નહિ.
(જાનમ ભટ્ટ, નડિયાદ)

૧૮. મારામારી કરતી વખતે હીરોને કોઈ દર્દ થતું નથી, પણ હીરોઈન તેનો ઘા સાફ કરી આપતી હોય, ત્યારે જ એને દર્દ કેમ ઉપડે છે?
- વિલનનો માર સહન થાય... આનાવાળીનો મૂઢમાર કોને સહન થાય, ભાઈ?
(નૈષધ દેરાશ્રી, જામનગર)

૧૯. દરીયાના પાણી અને માણસના આંસુ વચ્ચે સામ્ય કેટલું?
- દરીયાના પાણીથી આંખો ના ધોવાય...!
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

૨૦. અમારા અંબાજીમાં ભિખારણો ગાડીવાળાઓની પાછળ પડી જાય છે... એવું કેમ?
- અમારા અમદાવાદમાં ગાડીવાળાઓ ભિખારણોની પાછળ પડી જાય છે, બોલો!
(દક્ષા હિતેન્દ્ર રામી, અંબાજી)

૨૧. માનવીની સફળતાનો આધાર સંજોગ, કાર્યશીલતા કે સખ્ત પરિશ્રમ?
- તમે તાજું જ પૂજ્ય રવિશંકર મહારાજનું જીવનચરીત્ર વાંચ્યું લાગે છે...! પણ એમાં મારી પાછળ કેમ પડી ગયા છો? હું તો રડી પડીશ...!!
(તરલ પરિમલ મેહતા, ભાવનગર)

૨૨. આપણું મીડિયા પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક પર આટલું ફિદા કેમ છે?
- હું ય મીડિયા છું.
(ઇલ્યાસ એ. પટેલ, સંતરામપુર)

૨૩. ફિલ્મ નાયકની જેમ તમને એક દિવસ માટે ચીફ મિનિસ્ટર બનાવાય તો?
- એક દિવસમાં તો ઊગાડી ઊગાડીને કેટલી દાઢી ઊગાડૂં?
(ઉર્વશી મહેરિયા, ગોઝારીયા)

૨૪. કન્યા પધરાવો સાવધાનમાં આ સાવધાન શબ્દ કોને નજરમાં રાખીને કહેવાયો છે?
- ફેંટ તમારા ગોર મહારાજની પકડો... મારી નહિ!
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

૨૫. તમારી જૂની પ્રેમિકા પડોસમાં રહેવા આવે તો શું પ્લાનિંગ કરો?
- ફૅમિલી-પ્લાનિંગ...!
(જયેશ અંતાણી, ભાવનગર)

૨૬. હાસ્યલેખક કરતા આપ વિવેચક તરીકે વઘુ સારા પુરવાર થાત, એવું નથી લાગતું?
- હાસ્યલેખક તરીકે મારે હજી પુરવાર થવાનું બાકી છે...!
(નીલમ પ્રતિક વ્યાસ, સુરેન્દ્રનગર)

૨૭. ભગવાન સૌના હૃદયમાં વસતો હોય તો મંદિરની શી જરૂર?
- ‘‘ચલ માન્યું એકલો પથ્થર નથી, તો ય તું કાંઈ એટલો સઘ્ધર નથી. 
લોકો લૂંટી જાય છે મંદિર પણ, અર્થ એનો એ જ કે તું અંદર નથી.’’
(ચંદ્રેશ મકવાણાનો આ બહુ પવિત્ર શેર છે. કાફી છે.)
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

No comments: