Search This Blog

28/03/2012

જમતા પણ આવડવું જોઇએ

બૂફેકેટલી હદે ચીપ થઇ ગયુ છે કે, આપણું ચાલે તો હવે જમવા સિવાયની ક્રિયાઓ પણ બૂફે સ્ટાઇલમાં એટલે કે ઊભા ઊભા કરી નાંખીએ! ઘસઘસાટ ઊંઘવાનું ઊભા ઊભા, ગાડી ઊભા ઊભા ચલાવવાની, સોફા-બોફા કાઢી નાંખીને મેહમાનો આવે, એ બધા બૂફે-પદ્ધતિથી ઊભા ઊભા વાતો કરે. એસ.ટી.ની ભરચક બસોમાં મુસાફરો એકલા શું કામ ઊભા રહે.. ડ્રાઇવર ઊભો થઇને બસ ચલાવે. બાબા રામદેવને કહેવડાવી દેવાનું કે, સુઇને કે ઊંધા પડીને કરવાના તમામ યોગાસનો ઊભા કરી નાંખો... ઇવન શવાસન પણ!

જગતમાં બૂફેની પહેલી શરૂઆત આપણા પાણી- પુરીવાળા ભાઇઓએ કરી હતી, તેની કોઇએ નોંધ લીધી નથી. પાણી પુરી એ જગતનું સર્વપ્રથમ બુફે છે. જેમ આઇસ્ક્રીમ એવી ચીજ છે, જે ચમચી કે સ્ટિક વગર ખાઇ શકાતો નથી. એને ખાવા માટે ચમચી જોઇએ. નહિ તો છોકરૂં દૂદુપીતું હોય, એમ પી જવો પડે. પાણી-પુરી એવી છે, જે કદાપિ સુતા સુતા કે બેઠા બેઠા ખાઇ શકાતી નથી. ચમચીમાં મૂકીને તો હજી સુધી કોઇએ ખાધી નથી. પુરી-પકોડીનો બીજો એક વર્લ્ડ રેકર્ડ છે.. પુરાણ કાળમાં રાજા દુષ્યંતે શકુંતલાને તરછોડી દીધી હતી ને ૫૦-ના કાળમાં ફિલ્મ આવારામાં પૃથ્વીરાજ કપૂરે લીલા ચીટણીસને તરછોડી દીધી હતી, એમ પકોડીને છોડી કે છાંડી શકાતી નથી. એક મોંઢામાં હોય ત્યાં સુધી ભૈયો બીજી આપતો નથી. એટલે છંડાવાનો કોઇ ચાન્સ જ રહેતો નથી. વિશ્વાસ ન આવતો હોય તો શહેરકા ચપ્પા ચપ્પા છાન મારો... સૉરી, પકોડી કા ખૂમચા- ખૂમચા છાન મારો.... એકેય ભૈયાને ત્યાં છાંડેલી પકોડીઓ તમે પકડી નહિ શકો.

હવે આ ફકરાથી હું પૂરી ધાર્મિકતાપૂર્વક કહું છું કે મંદિરોના પ્રસાદમાં મેવા- મિષ્ટાનને બદલે પ્રભુને પકોડીઓ ધરાવવાનું રાખો. બગાડ ન થાય એટલે શરત પણ રાખવાની કે, જેટલી પકોડીઓ પ્રભુને ધરાવો, એટલી બધી મંદિરમાં મહીં ને મહીં જ ખાઇ જવાની અથવા અન્ય ભક્તોને ખવડાવી મારવાની. કેવા મનોહર દ્રષ્યો મંદિરના પરિસરમાં સર્જાય? ઓહો... ઓહો.. ઓઓઓઓહો...! ભલેને કોઇ અબજોપતિ હોય, એ ય ખભે લાલ ઘમચો લટકાવીને ગ્રાહકોને - સોરી ભક્તોને માટલામાં બોળી બોળીને પ્રસાદની માફક પાણી પૂરીઓ ખવડાવતો હોય. હવે દ્રષ્યો ધારી જુઓ. આ બાજુ મૂકેશ અંબાણી મોટા ટોપલા લઇને ભક્તોને પ્રસાદ એટલે કે પાણી પુરી ખવડાવતા હોય, બીજી બાજુ ગૌતમ અદાણીને કોઇ ભક્તાણી રીકવેસ્ટ કરતા હોય, ‘‘ભૈયાજી, જરા બડી બડી પકોડી આલો ના... તુમ બોત છોટી દેતે હો...’’ તો ત્રીજા ખૂમચે લાચાર થઇને નિરમાવાળા કરસનભાઇ ઘરાક વગરના ઊભા હોય. એમની પાસે તો દૂધની સફેદી જેવી ધોળી અને સબ કી પસંદ રંગીન પકોડીઓ પણ લારીમાં પડી હોય અને આવતા-જતા ભક્તોને રીકવેસ્ટો કરી કરીને થાકી ગયા હોય, ‘‘પકોડી પાવડર નિરમા...? જયા, રેખા, હેમા ઔર સુષ્મા...’’ મંદિરોની સુખડી કે પકોડી બંનેમાં આ બબાલ તો રહેવાની કે, આવતા-જતા ભક્તોને આજીજીઓ કરી કરીને બોલાવો તો ય કોઇ ના આવે... એમને ય પોતાની પકોડીઓ બીજાને પધરાવવાની હોય ને? ભક્તો કરસનભાઇના ખૂમચે પકોડી ખાવાને બદલે સીધા પેલી જયા, રેખા, હેમા ઔર સુષ્મા પાસે પ્રસાદ લેવા ન જાય? કોઇ પંખો ચાલુ કરો...!

પ્રસાદમાં પકોડી રાખવાથી દેશને મોટો ફાયદો અનાજનો બગાડ રોકવાનો છે. અત્યારે તો વધેલી સુખડી સાંજ પડે ગામના કૂતરાંને ખવડાવી દેવી પડે છે... હું નથી માનતો કે, પ્રસાદમાં પકોડી આવી ગયા પછી એકેય શેઠીઓ કૂતરાને પકોડી ખવડાવવા ઊભો રહે... ‘‘લે છુછુછુ.. ખા, પકોડી ખા..’’

કબુલ કરી દેવાય એવુ છે કે, હજી હોટલમાં જમવા ગયા હોઇએ, ત્યાં ઓર્ડર આપતા બધાને આવડતું નથી. સ્ટાર્ટરમાં શું મંગાવાય, ડિનર સાથે સોફ્‌ટ ડ્રિન્ક કયું જોઇએ, કઇ સબ્જી કોની સાથે જાય, કઇ સબ્જી ગળપણવાળી છે ને ડેઝર્ટમાં શું મંગાવાય ને છેલ્લે વેઇટરને ટીપ કેટલી અપાય, નૂડલ્સ, પાસ્તા કે મેક્રોની વચ્ચે શું ફરક હોય એની બધાને સમજણ પડે છે, એવું નથી. હજી આજની તારીખે હોટેલોમાં ડીનર પત્યા પછી, હાથ ધોવા માટે મૂકવામાં આવતું લિંબુ અને ગરમ પાણીવાળું ફિંગર-બાઉલ ઘણા મીઠું ભભરાવીને પી જાય છે.

... અને સાચૂ પૂછો તો એમાં કાંઇ શરમાવા જેવું ય નથી. આવું ૫-કોર્સ કે ૭ -કોર્સના લંચ-ડિનરો જમવાની પઘ્ધતિ આપણી નથી.... આપણે તો ધોળિયાઓની નકલ માત્ર કરી છે. બઘું આવડે, એ જરૂરી નથી. એ લોકોને ચારે આંગળીએ દાળ-ભાત ખાતા આવડે? અમારા કાઠિયાવાડનું ઢીંચણીયું એ લોકોએ જોયું હોય? એ લોકો ૪૦-જણા ડીનર લેવા બેઠા હોય, પણ ખૂણામાં એક ચમચી ખસવાનો અવાજે ય સંભળાય, એટલી શાંતિથી જમવાનું, તો બીજી બાજુ આવી જાઓ બાદશાહો અમારા અમદાવાદમાં રવિવારે બુમાબુમ ને મોટે મોટેથી વાતો સાથે ભલભલા ડાયનિંગ-હૉલની મેથી મારતા અમારા અમદાવાદીઓને જુઓ જમતા ને થઇ જાઓ ભાયયા! હાહાહિહિહૂહૂ કરતા જમવાનું ને અમારૂં ચાલે તો ટેબલ ઉપર ચઢીને કબડ્ડી કબડ્ડી પણ રમી નાંખીએ.. હઓ! આજુબાજુમાં બેઠેલા બીજા ફેમિલીઓ તો કેમ જાણે હોટલનું રાતનું વધેલું - ઘટેલું ખાવા આવ્યા હોય, એવી લાચારીથી સહન બધા કરે જાય, બોલે કોઇ નહિ. આમાંને આમાં તો સૈફ અલી ખાનનું લબોચું પેલાએ ભાંગી નાંખ્યું હતું!

ઓર્ડર આપતા ભાગ્યે જ કોઇને ફાવતો હોય છે. આવ્યા હોય ટોટલ આઠ જણા જમવા, એમાં તો આખી ન્યાત જમાડવાની હોય, એટલો વિરાટ ઓર્ડર સ્ટ્યુઅર્ડને લખાવવા બેસશે. અહીં કોઇ ઝૂકીને, હાથમાં નોટ-પેન લઇને એનું માને છે, એટલે આવડો આ વધારે તાનમાં આવી જાય. એમાં ય સ્ટ્યુઅર્ડ એને ‘‘યસ સર...’’ કહી દે, પછી તો એવો ઉપડે કે, આખું સુરત શહેર દાનમાં આવી દેવાનું હોય, એમ એક હાથ ખુરશીની પાછળ, ઢીંચણ ઉપર બીજો ઢીંચણ ચઢાવેલો, મોઢુ ઊંચુ, ઓર્ડરની આઇટમો પહેલી બે આંગળીઓ હલાવીને લખાવવાની અને બોલવાનું ઇંગ્લિશમાં.. સિવાય કે પેલો સામો જવાબ ઇંગ્લિશમાં આપે તો, પ્રાથમિક શાળાનો માસ્તર ઇન્ટરવ્યુ પત્યા પહેલા રાજીનામુ આપીને આવતો રહે, એમ આ ‘‘ઓકે...યસ યસ.. લે..આઓ.. જરા જલ્દી લાના, હોં.’’ આ પાછળવાળું ‘‘હોં’’ એના સ્વ.પિતા વસિયતનામામાં લખાવતા ગયેલા કે, ‘‘બેટા સોરી બોલે કે થેન્ક યૂ બોલે... છેલ્લે હોંઆવવું જોઇએ.’’ ઇંગ્લિશ ભાષા હજી એટલી સમૃદ્ધ થઇ નથી કે, ‘હોંનું ઇંગ્લિશ થાય!

જમતી વખતે કે જમી લીધા પછી આમ તો બીજાની થાળીમાં જોવું, ઇન્ડીસન્સી કહેવાય, છતાં જોવાઇ જાય તો જો જો કે, એ લોકો જમીને ઊભા થાય, ત્યારે મોટા ભાગની ડિશો છાંડેલી હશે. બાપ ગામનું કરી કરીને કમાઇને બેઠો હોય એટલે એના બાપની દિવાળી ય ન કહેવાય.

હવે તો રૂ. ૩૦૦/૪૦૦ની એક સબ્જી આવે છે. સેન્ડવિચ પણ કોઇ ૧૫૦/૨૦૦થી ઓછી નહિ. બિલ વાંચીને અને આપીને આપણને ઘટનાસ્થળે જ ચાર ખાટા ખચરકા આવી જાય. હવે ફૂલફટાક યુવાનીમાં આવી ગયેલા આપણા સંતાનો એકદમ બિન્દાસ્ત કહી દે, ‘‘ઓહ, કમ ઓન ડેડ.. આટલું બિલ તો થાય જ ને?’’ તારી ભલી થાય ચમના... તારો બાપ સાયકલ પર બેસીને રેલવે સ્ટેશન પર ૬૦ પૈસાનો ઢોંસો ખાવા જતોતો ત્યારે ય આવું નહોતો બોલતો કે, ‘‘આટલું બિલ તો થાય જ ને?’’

પાંચ જણાના જમવાનું બિલ ૫૦- હજારનું થાય તો જીવ ન બળે, પણ ૫૦ ગ્રામ ગોટામાં ય એક ગોટું છાંડો, તો જે કમાઇને લાવ્યું હોય, એનો જીવ લાખ રૂપિયાનો બળે! સાચું પૂછો તો થાળીમાં કાંઇ પણ છાંડવાનો આપણને કોઇ હક્ક નથી. ગરીબો-બરીબોની વાત જવા દો, આવું છાંડેલું તો એમના પેટમાં ય જતું નથી. ગટરમાં જાય છે. કેટલાક લોકો જમ્યા પછી થાળીમાં પાણી નાંખીને ગોળ ગોળ હલાવીને પી જાય છે, એ બીજાને ચીતરી ચઢે એવી વાત છે, છતાં એમની ભાવનાની કદર છે. કમ-સે-કમ એ લોકો કંઇ એઠું તો મૂકતા નથી. ફિલ્મ ગાઇડમાં દેવઆનંદ સ્વામી બની ગયા પછી એક સરસ વાત કરે છે. ૪૦ કરોડ કી બસ્તી યદિ એક દિન કા ઉપવાસ કરે, તો ૪૦ - કરોડ ભૂખે પેટોં કો એક દિન કે લિયે અનાજ મિલ જાય...

મેરેજ-સિઝનમાં હવે ચડસ ઉપડે છે. પેલાએ ડિનરમાં પર-પ્લેટ રૂ. ૨,૦૦૦/-ની ડિશ રાખી હતી, એટલે આપણે ત્રણ હજારવાળી રાખવી પડે! ઘણાંને હજી માનવામાં નહિ આવે કે, ગયા નવેમ્બર ડિસેમ્બરની લગ્નસરામાં તમે જ્યાં જ્યાં જમી આવ્યા, એમાં છોકરી કે છોકરાના બાપે તમારા એકના જમવાના ઓછામાં ઓછા રૂ. હજાર ચૂકવ્યા હશે... જમવામાં હજાર રૂપિયા જેવો એવો તે શું દમ હતો ને તમે કેટલું જમ્યા, એ તો પછીની વાત છે. સ્પેનિશ, ચાયનીઝ, મેક્સિકન, થાઇ, ઇટાલિયન કે કોન્ટ્રાક્ટ લેનાર મહારાજને ત્યાં ગઇ કાલનું વધેલું બધેબઘું ફુડ તમે ગળચી આવ્યા છો. દીકરીના બાપનો ઇરાદો તમને આવું બઘું જમવાનું મળે, એટલો હોત તો લોકો પેટ ભરીને જમી શકે, એ માટે જમવામાં નોર્મલી વપરાતું ફુડ જમાડી શકે.

કોમિક અહીં શરૂ થાય છે, વાંચતી વખતે આજુબાજુમાં કોઇ ઊભું ન હોય તો હિંમત રાખીને કબૂલ કરી જ નાંખો કે, ડીનર વખતે શું શું લેવું ને કયું હાળુ રહી ગયું, એની તમને કેટલી સમજ પડતી હતી? અને પડે તો ય, જમ્યા કેટલું? વહેલી પરોઢે ચાલવા નીકળ્યા હો ત્યારે કોરા ધાકોડ રસ્તા ઉપર નાનાનાના કાગળીયા હવાના ઝોંકે ઝોંકે આમથી તેમ અફળાયા રાખે, એમ તમે હાથમાં એંઠી થાળી લઇને કેવા બુધીયાની જેમ ધૂમે રાખતા હતા? જમવાનું બદલે કોઇ એક્ઝિબિશન જોવા નીકળ્યા હો એમ, પાછું કુતુહલ કરવાનું, ‘‘એ પેલા ટેબલ પર શું છે?’’ ખબર પડે કે, ત્યાં તો ‘‘જૈન’’ છે, એટલે ‘‘જૈન’’ લઇ લીધા પછી ચાયનીઝના સ્ટોલ પર ફંટાવાનું. અમારી બાજુ હાથમાં થાળી લઇને દર દરની ઠોકરો ખાતા તો ફક્ત ભિખારીઓ ભટકતા હોય..! પંખો ચાલુ કરૂં...?

એ તો જે લગ્ન લઇને બેઠું હોય, એને ખબર પડે કે, લગ્નપ્રસંગે સૌથી મોટો ખર્ચ જમવાનો હોય છે. આપણે તો જાણે રસોઇવાળા મહારાજો માટે કમાઇ કમાઇને ભેગુ કર્યું હોય, એવા હડબોટીયાં ખાઇએ છીએ. હિસાબ હવે તમારી સમજમાં ય આવશે કે, આવી ત્રણ-ચાર હજારની થાળીવાળા ડીનરમાં ફેંકી દેવાનું કેટલું નીકળે? ખઇ ખઇને તમે કેટલું ખાવાના? કોમર્સનું ભણ્યા હો તો ખ્યાલ હશે કે, જેટલો પૈસો વધેલા એંઠવાડ પર ચૂકવ્યો છે, એટલામાં તો દીકરીને એકાદ કાર ગિફ્‌ટ આપી શક્યા હોત..! દેશની કમનસીબી જ એ છે કે, દીકરીને કોઇ લાખ- બે લાખવાળી નહિ, ૧૫-૨૦ લાખવાળી ગાડી ગીફ્‌ટમાં આપ્યા પછી એંઠવાડનો આટલો ખર્ચો તો હસી નાંખવાનો હોય ! 

કોઇ કહી ગયું છે ને કે, મફતમાં મળેલી આઝાદીની કિંમત નથી .

સિક્સર
- ગુજરાત વિધાનસભામાં બે ધારાસભ્યો અશ્વ્લિલ વિડીયો જોતા ઝડપાયા...!
-
ચલો.. આખી વિધાનસભામાં બે જણા તો નોર્મલછે!

No comments: