Search This Blog

18/03/2012

ઍનકાઉન્ટર : 18-03-2012

૧. આરપારની લડાઈ માટે આટલો વિલંબ કેમ ?
- રથના ડ્રાયવર સોનિયાજી કાંઈ સાંભળી શકતા નથી ને ગાંડીવધારી મનમોહનજી કાંઈ બોલી શકતા નથી... હવે તો એ લોકો અંદરોંદર ફાઇટિંગ કરે, તો મહાભારત થાય !
(સલમા મણીયાર, વિરમગામ)

૨. જવાબ આપજો લાજવાબ, કોણ છે આપણો તારણહાર ?
- તમારી તો ખબર મને ન હોય, પણ મારા તારણહાર મારા સ્વ. પૂજ્ય પિતાશ્રી છે.
(જમનાદાસ વી. ઠક્કર, મુંબઈ)

૩. ગાંડી સાસરે જાય નહિ ને ડાહીને શીખામણ આપે.એટલે શું ?
- અમારામાં તો સાસરે ડાહીને જવાનું હોય ને શીખામણો ગાંડીએ આલવાની હોય... તમારૂં તમે ગોઠવી લો.
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

૪. અમારૂં મહુવા કાશ્મિરનો કટકો છે. આપના અમદાવાદને શું નામ આપશો ?
- સમજફેર લાગે છે. મહુવા સંપૂર્ણપણે ભારતદેશના કબજામાં છે.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

૫. ઐશ્વર્યા બચ્ચનની બેબીનું હજી નામ પડ્યું નથી... !
- તમારા વાઈફ એના ફોઈબા થાય છે ?
(દિલીપ જે. ધંઘૂકીયા, અમદાવાદ)

૬. બાબા રામદેવ રાજકારણની રામાયણ છોડીને યોગમાં ઘ્યાન આપે, એ વઘુ હિતાવહ નથી ?
- આટલી નાની વાત બાબા રામદેવે નહિ, આંધળાઓની માફક એમને ફોલો કરતા એમના અનુયાયીઓએ સમજવાની છે.
(જીતેન્દ્ર જી. કેલા મોરબી)

૭. સાંભળ્યું છે કે, સ્વ. મુહમ્મદ રફી સાહેબના મૃત્યુ પછી એમના પરિવારજનો બહુ નબળી સ્થિતિમાં જીવે છે ?
- સાહેબ પોતે તો કરોડો રૂપિયા મુકતા ગયા છે, પણ એમના દીકરાઓ પણ ખૂબ સારા બિઝનેસમાં છે.
(મીના ઓઝા, અમદાવાદ)

૮. સ્ત્રી એ શક્તિ છે, એટલે શું ?
- ઘરનું બારણું સોલ્લિડ જામ થઈ ગયું હોય, ત્યારે એ શક્તિ વાપરજો, એટલે બધી ખબર પડી જશે.
(કિશોર બાબરીયા, ભાવનગર)

૯. એનકાઉન્ટરમાં કોઈ અઘરો સવાલ આવે ત્યારે પિસ્તોલની બુલેટ ખુદ તમારા તરફ છુટતી હોય, એવું નથી લાગતું ?
- અત્યારે લાગ્યું.
(દેવાંશી સંજય સોમપુરા, અમદાવાદ)

૧૦. ભારત સરકારે સ્ત્રી તરફી ભરણપોષણના કાયદા કરીને પુરૂષોને ગુલામ બનાવી દીધા હોય એવું નથી લાગતું ?
- ગુલામ બનવું જ હોય, એવા પુરૂષોને કાયદાની જરૂર પડતી નથી... ગુલામ મર્દ હોય, પણ મર્દ ગુલામ ન હોઈ શકે !
(હાજી ઇસ્માઈલ ભંગારવાલા, જરોદ-વડોદરા)

૧૧. આપની પત્ની સાથેનો ફોટો એનકાઉન્ટરમાં છાપો તો અમે જોઈ શકીએ.
- એવા ફોટા ન છપાય... આ ઉંમરે તો પતિ-પત્ની ભાઈ-બેન જેવા લાગવા માંડે છે !
(પ્રતાપ બી. ઠાકોર, ખરેંટી-માતર)

૧૨. તમે કહ્યું છે તેમ, સાચો સ્વામી તો ગોરધન જ, તો પછી સ્ત્રીઓ પરપુરૂષ સમા સ્વામીઓ-ગુરુઓની પગચંપી કરવા કેમ જતી હશે ?
- પોતાની પત્નીને બીજા પુરૂષને અડવા દે, એ પતિ ‘‘પતી ગયેલો’’ હોય !
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

૧૩. વર્ષોથી ચાલેલા જ્હૉન અબ્રાહમ અને બિપાશા બસુનો પ્રેમ ફચકી ગયો, એમાંથી બોધ શું લેવાનો ?
- ઉઘાડા શરીરે બહુ નહિ ફરવાનું.
(કાજલ ત્રિપાઠી, ન્યુયોર્ક)

૧૪. ૧૪-ફેબ્રુઆરીના વેલેન્ટાઈન-ડેપછીના એકઝેક્ટ ૯-મહિને ૧૪ નવેમ્બર બાલદિનઉજવાય છે... કેલ્ક્યુલેશન પરફેક્ટ કહેવાય કે નહિ ?
- એમ તો... ૧૪મી નવેમ્બરે ઘણીવાર ‘‘કાળી ચૌદશે’’ ય આવતી હોય છે !
(પલક નાણાવટી, ઓખા)

૧૫. અન્ના હજારે એક ટ્રક-ડ્રાયવરમાંથી નેતા કેમ બન્યા ?
- ટ્રક ચલાવવી અને દેશ ચલાવવો, એનો ફરક એ ભૂલી ગયા હતા !
(દુષ્યંત એન. કારીયા, મોરબી)

૧૬. ટૂંકા ને ટચ ટૉપ પહેરતી છોકરીઓને તમારો શું સંદેશ છે ?
- એ સંદેશ એમના પિતાએ આપવાનો હોય, મારે નહિ !
(દિનકર ભટ્ટ, ગાંધીનગર)

૧૭. બુઢ્ઢા હોગા તેરા બાપ’... એવું બુઢ્ઢી હોગી તેરી માંકેમ નહિ ?
- ૪૦-ની ઉંમર પછીના એક એક વર્ષે પુરૂષને પુરવાર થતા રહેવું પડે છે... સ્ત્રીને ૭૦-ની ઉંમરે પણ નહિ !
(દિનેશ પાંડવ, ભાવનગર)

૧૮. મેં મારો પવિત્ર મત લોકસભાના ઉમેદવારને આપ્યો હતો. એણે અમને મોંઘવારી સિવાય કાંઈ ન આપ્યું. સુઉં કિયો છો ?
- આ લોકોની નજીક ન જવાય... નહિ તો મોંઘવારી સિવાય બીજું ય કાંઈ આપી દે એવા હોય છે !
(મૌસમ મહેમદાબાદી, મહેમદાવાદ)

૧૯. આપણા દેશમાં કસાબ અને અફઝલ સિવાય કોઈની જીંદગી સલામત નથી... !
- સોનિયા ફોઈ... મનુમામા... મેરા ભારત મહાન !
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા)

૨૦. રસોઈ કરી લીધા પછી ય પત્ની પૂછતી હોય છે, ‘આજે શું બનાવું ?’
- થોડી મેહનત કરો કે, આવું તમને પડોસણ પૂછવા આવે !
(મઘુકર પી. માંકડ, જામનગર)

૨૧. જીવન હૈ અગર ઝહેર તો પીના હી પડેગા...ગીત શું કહે છે ?
- આવું ચિઠ્ઠીમાં નહિ લખવાનું... બા ખીજાય.
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

૨૨. પાકિસ્તાની વિદેશ મંત્રી હિના રબાની ભારત આવ્યા, ત્યારે એને હિંદી ફિલ્મની હીરોઈન બનવા કેમ ઓફર ન થઈ ?
- આપણી ફિલ્મો એટલી ખરાબ નથી બનતી !
(ડૉ. કમલેશ મોઢા, અમદાવાદ)
  
૨૩. ગુજરાતી ફિલ્મોનું સ્ટાન્ડર્ડ ક્યારે સુધરશે ?
- ગુજરાત સરકાર ગ્રાન્ટ આપવાનું બંધ કરશે ત્યારે.
(ચિત્તરંજન વી. વરીયા, સુરેન્દ્રનગર)
  
૨૪. ઘણી મથામણો પછી પણ ભગ્ન હૃદયી પ્રેમીઓનું ટેન્શન દૂર થતું ન હોય, તો કાંકરીયા કે નર્મદા નહેર સિવાયનો કોઈ પોઝિટિવ ઉપાય સૂચવશો ?
- લગ્ન કરી લેવા, એને અમે લોકો તો પોઝિટિવ ઉપાય ગણતા નથી... એ ય નર્મદા નહેર જેવા જ હોય છે !
(રેણુકા ચિત્તરંજન વરીયા, સુરેન્દ્રનગર)

૨૫. સન્યાસીઓને સંસાર અસાર લાગે છે, તો સંસારથી ભૂંડા રાજકારણમાં બાબા રામદેવને શું સાર લાગતો હશે ?
- EBK... એટલે, ‘એમના બાપનું કપાળ.
(વસંતિકા પરીખ, વડોદરા)

No comments: